The hero of Nathula is “an immortal patriot”. in Gujarati Spiritual Stories by Vir jadeja books and stories PDF | નાથુલા નો નાયક “એક અમર દેશભક્તિ”

Featured Books
Categories
Share

નાથુલા નો નાયક “એક અમર દેશભક્તિ”

ભારતીય સેનાના ઇતિહાસમાં શૌર્યની અનેક ગાથાઓ છે, પણ સિક્કિમની બરફીલી પહાડીઓમાં એક એવી કથા આલેખાયેલી છે જ્યાં શ્રદ્ધા અને ફરજ એક થઈ જાય છે. આ છે કેપ્ટન "બાબા" હરભજન સિંહ" ની કથા – એક શહીદ જવાન જેને મૃત્યુ પછી પણ સેનાએ રજા આપી નથી. કારણ કે માન્યતા છે કે બાબા આજે પણ ચીન બોર્ડર પર ડ્યુટી બજાવે છે.

"કોણ છે હરભજન સિંહ?"

હરભજનસિંહનો જન્મ ૩૦ ઓગસ્ટ ૧૯૪૬ ના  રોજ પંજાબના કપૂરથલા જિલ્લાના સદરાના ગામમાં થયો હતો. ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા હરભજને ૧૯૬૬માં ભારતીય સેનામાં સિપાહી તરીકે જોડાયા. ટ્રેનિંગ પછી તેમની નિમણૂક ૨૩મી  પંજાબ રેજિમેન્ટ*માં થઈ. સ્વભાવે શાંત, પ્રામાણિક અને ફરજપરસ્ત હરભજન સિંહ ટૂંક સમયમાં જ પોતાની બટાલિયનમાં લોકપ્રિય થઈ ગયા.

૧૯૬૮ માં તેમની પોસ્ટિંગ પૂર્વ સિક્કિમના નાથુલા પાસ પાસે થઈ. નાથુલા એ ભારત-ચીન બોર્ડરનું ૧૪,૨૦૦ ફૂટ ઊંચું, અતિ સંવેદનશીલ સ્થળ છે. ૧૯૬૨ના યુદ્ધ અને ૧૯૬૭ની નાથુલા ઝડપ પછી અહીં હંમેશા તંગદિલી રહેતી. આવા વિસ્તારમાં હરભજન સિંહ દેશસેવા કરી રહ્યા હતા.

"૦૪ ઓક્ટોબર ૧૯૬૮: એ દિવસે શું બન્યું?"

૦૪ ઓક્ટોબર ૧૯૬૮ ના રોજ હરભજન સિંહ પોતાની ટુકડી સાથે નાથુલા પાસ નજીક પેટ્રોલિંગ પર હતા. ઓક્ટોબરમાં સિક્કિમમાં હાડ થીજાવતી ઠંડી અને બરફવર્ષા શરૂ થઈ જાય છે. ખચ્ચર પર સામાન લાદીને જવાનો આગળ વધી રહ્યા હતા. 

રસ્તો લપસણો હતો. એક સાંકડી પહાડી પરથી પસાર થતી વખતે હરભજન સિંહનો પગ લપસ્યો અને તેઓ ઊંડા નાળામાં પડી ગયા. બરફ અને ધુમ્મસના કારણે સાથી જવાનો તરત શોધી ન શક્યા. ત્રણ દિવસ સુધી આખી બટાલિયને બરફમાં શોધખોળ કરી, પણ હરભજન સિંહનો કોઈ પત્તો ન લાગ્યો. સેનાએ તેમને "મિસિંગ ઈન એક્શન" જાહેર કર્યા.

"ચમત્કાર: સપનામાં આવી પોતાની લાશ બતાવી"

ત્રીજી રાત્રે ચમત્કાર થયો. હરભજન સિંહના ખાસ મિત્ર અને સાથી જવાન પ્રીતમ સિંહને સપનામાં હરભજન દેખાયા. સપનામાં હરભજને કહ્યું, "હું નાળામાં બરફ નીચે દબાયેલો છું. મારી લાશ લઈ જાઓ અને યોગ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરો."

પ્રીતમ સિંહે સવારે અધિકારીઓને વાત કરી. પહેલાં તો કોઈએ વિશ્વાસ ન કર્યો, પણ પ્રીતમ સિંહે સપનામાં બતાવેલી જગ્યાનું સચોટ વર્ણન કર્યું. સેના ત્યાં પહોંચી તો ખરેખર બરફ હટાવતા હરભજન સિંહનો પાર્થિવ દેહ મળ્યો. તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા – ઠંડીથી મૃત્યુ થયું હતું.

આ ઘટનાએ આખી બટાલિયનને હચમચાવી દીધી. પૂરા સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પણ અસલી વાર્તા તો હવે શરૂ થઈ.

"મૃત્યુ પછી પણ ડ્યુટી ચાલુ"

અંતિમ સંસ્કારના થોડા દિવસ પછી ફરી ચમત્કાર થયો. બોર્ડર પર રાત્રે પહેરો ભરતા જવાનોને કહેવા લાગ્યા કે કોઈ "હરભજન સિંહ" નામનો જવાન રાત્રે ત્રણ વાગ્યે રાઉન્ડ પર આવે છે. તે બધાને ઉઠાડે છે, "સૂતા કેમ છો? ડ્યુટી બરાબર કરો" કહી ચેતવણી આપે છે. 

ચીન તરફથી પણ ફરિયાદ આવી કે ભારતનો એક ઊંચો, દાઢીવાળો જવાન રાત્રે ઘોડા પર બેસીને બોર્ડર પર પેટ્રોલિંગ કરે છે. ભારતીય સેનાએ તપાસ કરી તો ખબર પડી કે એવા વર્ણનવાળો કોઈ જવાન ડ્યુટી પર હતો જ નહીં. 

જવાનો માનવા લાગ્યા કે બાબા હરભજન સિંહની આત્મા હજુ પણ દેશની રક્ષા કરે છે. તેમણે ચીનની ચાલની માહિતી પણ સપનામાં આપી.

"બાબા મંદિર: જ્યાં શહીદને પગાર અને પ્રમોશન મળે છે"

સેનાએ ૧૯૮૨ માં નાથુલા અને જેલેપ લા પાસની વચ્ચે, ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ "બાબા મંદિર" બનાવ્યું. આ મંદિરમાં બાબાનો બેડ, યુનિફોર્મ, બૂટ, પાણીનો ગ્લાસ રાખવામાં આવે છે. રોજ સવારે બેડની ચાદર વાળેલી મળે છે, બૂટમાં કાદવ લાગેલો હોય છે અને પાણીનું લેવલ ઓછું થયેલું હોય છે. જવાનો માને છે કે બાબા રાત્રે ડ્યુટી કરીને આવે છે.

અનોખી પરંપરાઓ:

(૧)પગાર અને પ્રમોશન: બાબા હરભજન સિંહને સેનાએ મરણોપરાંત "કેપ્ટન"*નો રેન્ક આપ્યો. આજે પણ તેમને દર મહિને પગાર મળે છે. દર વર્ષે તેમનું પ્રમોશન થાય છે.

(૨)રજા: દર વર્ષે 11 સપ્ટેમ્બરે બાબાનો સામાન – યુનિફોર્મ, બેડિંગ – એક જવાન સાથે ટ્રેનમાં તેમના ગામ કપૂરથલા મોકલવામાં આવે છે. ટ્રેનમાં તેમના માટે સીટ બુક થાય છે. ત્રણ જવાન સાથે જાય છે. રજા પૂરી થયે પાછા લાવવામાં આવે છે.

(૩)ફ્લેગ મીટિંગ: ભારત-ચીનની બોર્ડર મીટિંગમાં બાબા માટે ખાસ ખાલી ખુરશી રાખવામાં આવે છે.

(૪) રજા એપ્લિકેશન: સિક્કિમમાં પોસ્ટેડ જવાનો રજા પર જતા પહેલા બાબાના મંદિરે "એપ્લિકેશન" મૂકે છે. માન્યતા છે કે બાબાની મંજૂરી વગર રજા મળતી નથી.

"શ્રદ્ધાનું કેન્દ્ર"

નાથુલા જતા હજારો ટૂરિસ્ટ બાબા મંદિરે માથું નમાવે છે. સેના જ આ મંદિરની દેખરેખ રાખે છે. અહીં પ્રસાદ તરીકે પાણીની બોટલ આપે છે, જેને "પવિત્ર જળ" માનવામાં આવે છે. જવાનો યુદ્ધમાં જતા પહેલા બાબાના આશીર્વાદ લે છે.

૨૦૦૬ માં જૂનું મંદિર બહુ ઊંચાઈ પર હોવાથી ટૂરિસ્ટો માટે તકલીફ પડતી, તેથી આર્મીએ નીચે ૧૨,૦૦૦ ફૂટે નવું "બાબા હરભજન સિંહ મેમોરિયલ" બનાવ્યું. પણ અસલી "સમાધિ મંદિર" હજુ પણ ઉપર જ છે.

તો મિત્રો, બાબા હરભજન સિંહની કથા માત્ર અંધશ્રદ્ધા નથી. આ એ ફોજી ભાઈચારાની કથા છે જ્યાં એક જવાન મર્યા પછી પણ પોતાના સાથીઓને છોડતો નથી, દેશ ની સેવા ચૂકતો નથી,આ એ દેશભક્તિની કથા છે જ્યાં ફરજ મૃત્યુથી પણ મોટી બની જાય છે. તેથી જ ભારતીય સેના તેમને "સંત જવાન" અને "નાથુલાના નાયક" કહે છે. 

જ્યારે પણ તમે સિક્કિમ જાવ, બાબા મંદિરે જરૂર જજો. ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ, બરફની વચ્ચે ઉભા રહીને તમને સમજાશે કે મંદિર માત્ર પથ્થર નથી હોતું – ક્યારેક બલિદાન પણ ભગવાન બની જાય છે.

જય હિન્દ, જય બાબા હરભજન સિંઘ🇮🇳