લેખ:- ખબર જોવા જવાની પ્રથા
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
દ્રશ્ય 1:-
"અરે મેડમ, આમ ભાગતાં ભાગતાં ક્યાં જાઓ છો? સાચવજો ક્યાંક પડી ન જવાય!" અને જ્યોતિએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને રિક્ષામાં બેસીને જતી રહી. લગભગ દોઢેક કલાક પછી એ ઘરે પાછી ફરી ત્યારે થોડી શાંત લાગતી હતી. આથી એની કામવાળીએ એને પાણીનો ગ્લાસ આપતાં ફરીથી પૂછ્યું, "મેડમ, શું થયું હતું? કેમ આમ ભાગ્યા? તમને કંઈ થઈ જતે તો?"
એટલે જ્યોતિએ કહ્યું, "અરે એ તો મારા પિતરાઈ કાકા પંદર દિવસ પહેલા પડી ગયા હતા. મને આજે સવારે જ ખબર પડી. આથી એ સારા થઈ જાય એ પહેલાં એમની ખબર જોવા ગઈ હતી. સારા થઈ જાય પછી જાઉં તો બધાને એમ લાગે કે મને તો કાકાની કોઈ પરવા જ નથી." એકી શ્વાસે જ્યોતિ બોલી ગઈ.
રાત્રે જ્યોતિએ એનાં પતિને કાકા વિશે વાત કરી. એનાં પતિએ તરત પૂછ્યું, "સાથે ફ્રૂટ કે જ્યુસ કંઈ લઈ ગઈ હતી?" "હાસ્તો વળી. લઈ જ જવું પડે ને! નહીં તો ખબર છે ને કાકી સંભળાવવામાં ક્યાંય પાછા પડે એમ નથી." જ્યોતિએ જવાબ આપ્યો. બહુ ખાસ વાગ્યું નથી. એ તો મસ્ત મજાનાં હરેફરે છે. ખાલી ધક્કો પડ્યો ત્યાં સુધીનો.
દ્રશ્ય 2:-
સતીષભાઈને હાથે અને પગે ફ્રેક્ચર થયું હતું. બહુ ભયાનક અકસ્માત હતો. એઓ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા ને કોઈક અજાણ્યો કારવાળો એમને અકસ્માત કરીને ભાગી ગયો. એમની પાસે મોબાઈલ હતો એટલે ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને પોતાનાં પરિવારને પણ જાણ કરી દીધી. બધાં સમયસર હૉસ્પિટલ પહોંચી ગયા અને સફળતાપૂર્વક એમનું ઓપરેશન થઈ ગયું.
પણ સમસ્યા હવે જ ઊભી થાય છે. સતિષભાઈને રજા અપાઈ ગઈ અને એઓ ઘરે આવ્યા. જેમ જેમ બધાંને ખબર પડતી ગઈ એમ એમ એમની ખબર જોવા આવનારની સંખ્યા વધતી ગઈ. કોઈ ખાલી હાથે આવે તો કોઈ સાથે કંઈક લેતું આવે. પણ આમાં એમનાં ઘરનાં લોકોનો ઘણો સમય બગડતો હતો.
અમુક જણાં તો જાણે ત્યાં ખબર જોવા નહીં પણ ખાવા માટે આવ્યાં હોય એમ જ્યાં સુધી ચા નાસ્તો ન આપે ત્યાં સુધી ત્યાંથી ઉભા થવાનું નામ જ લેતાં નહોતાં. તો અમુક જણાં ત્યાં આવીને ખબર જોવાને બદલે એવી એવી વાતો કરતાં કે ઘરનાં સૌ ચિંતામાં સરી પડતાં.
જેવી કે,
"સતિષભાઈ, તમારુ નસીબ જોરદાર છે હોં બાકી! અમારી બાજુમાં રહેતા કાકાને તમારી જેમ જ એક ગાડીવાળો ઠોકી ગયેલો ને કાકા બિચારા ત્યાં જ મૃત્યુ પામ્યા. સારવાર માટે પણ સમય ન બચ્યો."
"તમે તો બહુ જલદી સાજા થઈ જશો એવું લાગે છે, બાકી મારી ઑફિસમાં એક ભાઈને આવો જ અકસ્માત નડ્યો હતો. આજે ત્રણ વર્ષ થયાં છતાં પણ એ લાકડી વગર ચાલી શકતા નથી અને એમનો એક પગ તો ઢસડીને જ ચાલવું પડે છે."
ઉપરનાં બંને દ્રશ્યો વાંચીને તમને સૌને લાગ્યું જ હશે કે ક્યાંક ને ક્યાંક આવા પ્રસંગો તમારાં જીવનમાં પણ બન્યાં જ છે. ખોટું નથી. દરેક બિમાર માણસની ખબર જોવા જવું જ જોઈએ, પરંતુ એટલાં માટે નહીં કે નહીં જઈશું તો એમને ખોટું લાગશે. ક્યારેક વ્યક્તિનાં જીવનમાં એવા પ્રસંગો બનતાં જ હોય છે કે એ ધારે તો પણ કોઈની ખબર જોવા જઈ શકે એમ ન હોય. ફોન કરીને ખબરઅંતર પૂછી લે તોય ચાલે. સામેવાળી વ્યક્તિએ સમજવું જોઈએ કે ક્યારેક વ્યક્તિ રૂબરૂ મુલાકાતે ન પણ આવી શકે.
ક્યારેક એવું પણ બને કે ખબર જોવા આવનાર સકારાત્મક વાતોને બદલે નકારાત્મક વાતો કરી બિમાર વ્યક્તિને વધું ચિંતામાં મૂકી જાય. કોઈ વળી એવાં હોય કે જેને ખબરઅંતર પૂછવા કરતાં એની મહેમાનગતિ યોગ્ય રીતે થાય એમાં જ રસ ધરાવતાં હોય. અરે ભલા માણસ! ઘરનાં સભ્યો તમારી આગતાસ્વાગતા કરે કે એ બિમાર વ્યક્તિની ચાકરી? ખરેખર તો બિમાર વ્યક્તિનાં ઘરે જઈને એનાં માટે વધારે મુસીબતરૂપ બનવા કરતાં ફોનથી ખબર પૂછી લેવી વધારે સારી છે.
જો બિમાર વ્યક્તિનાં ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો રૂબરૂમાં ખબર જોવા જવાનું ટાળવું અને જો જવું જ હોય તો ખાલી હાથે ન જતાં એકાદ બે કિલો ફળો લઈને જવા. સાથે સાથે એમનાં ઘરનાં બાળકોનાં હાથમાં પચાસ સો રૂપિયા મૂકતા આવવું. આ રૂપિયા બાળક એનાં માતા પિતાને જ આપવાનું છે, જે એમનાં કદાચ બે ટાઈમનાં શાકભાજીના ખર્ચા સાચવી લેશે.
જ્યાં સુધી 'ખબર જોવા જવું' એ માત્ર એક રિવાજ છે ત્યાં સુધી એ સાચા અર્થમાં ખબર જોવું નથી. બિમાર વ્યક્તિની ખબર જોવા જવાનો સાચો અર્થ એ છે કે તમારી મુલાકાત થકી એમને અને એમનાં પરિવારને એક હિંમત મળી રહે. એમને એવું લાગે કે, "કંઈ મોટી સમસ્યા આવે તો વાંધો નહીં, આ લોકો છે." જ્યારે તમારી મુલાકાતથી કોઈને આવી લાગણી અનુભવે ત્યારે સમજવું કે તમે સાચા અર્થમાં બિમાર વ્યક્તિની ખબર જોઈ.
સાથે સાથે એ પણ કહીશ કે બિમાર વ્યક્તિનાં પરિવારજનો પણ એમ વિચારીને ખોટું ન લગાડે કે, 'અમારે ત્યાં તો આ લોકો એકેય વાર ખબર જોવા જ ન આવ્યાં.' બની શકે કે એમનાં પોતાનાં જ ઘરમાં એવી સમસ્યા કે પરિસ્થિતિ ઊભી થઈ હોય કે જેથી એઓ ન આવી શક્યાં. એમણે ફોન તો કર્યો જ હોય. ફોન પણ ન કર્યો હોય એવું લગભગ ન બને. થોડું મોટુ મન બંને પક્ષે રાખવું પડે. બિમાર વ્યક્તિ હેરાન ન થાય એ જ મુદ્દો મુખ્ય હોવો જોઈએ.
આભાર
શ્રીમતી સ્નેહલ રાજન જાની.