ઇતિહાસની સૌથી મોટી સમુદ્રી હોનારત 'ટાઇટેનિક' નહોતી? 🚢💔
એક એવી ઘટના જેણે હજારો લોકોનો જીવ લીધો, પણ બીજા વિશ્વયુદ્ધના પડછાયામાં ક્યાંક ખોવાઈ ગઈ. જાણો 'વિલ્હેમ ગસ્ટલોફ' (Wilhelm Gustloff) ની એ કરુણ ગાથા.
બીજા વિશ્વયુદ્ધ માં
સ્તાલિનના રશિયન સૈન્યનાં પ્રલયકારી
ઘોડાપૂરથી બચવા હજારો જર્મન સ્ત્રી-
પુરુષો અને બાળકોનાં રઘવાયાં ટોળાં
બાલ્ટિક સમુદ્રના કાંઠે આવેલા
ગોટનહાફેન બંદરની ગોદી પર ઉમટ્યાં,
જ્યાં ‘વિલ્હેમ ગસ્ટલોફ' નામની
વૈભવશાળી ઊતારૂ સ્ટીમર ફુરજાની
અડોઅડ લાંગરી હતી. શિયાળાની
સવારનો વખત હતો. તાપમાન શૂન્ય
નીચે ૧૮° સેલ્શિયસ હતું. હિમવર્ષા થતી
હતી અને શરીરનાં હાડકાંને ગાળી નાખે
એવા ઠંડા પવન સામે રક્ષણ મેળવવા
જર્મનો પાસે ઊનનાં પૂરતાં વસ્ત્રો પણ ન
હતાં. પરંતુ માથે આવી રહેલી આફતની
સરખામણીએ તે બધું ગૌણ હતું, કેમ કે જર્મનીના પૂર્વ સીમાડે કૂચ લાવતું અને
માર્ગમાં આવતાં જર્મન નગરોને તથા ગામોને ખેદાનમેદાન કરતું રશિયન સૈન્ય
કાતિલ ઠંડી કરતાં વધુ કાતિલ હતું. હિટલરના નાઝી લશ્કરે ૧૯૪૧ માં કરેલા
આક્રમણનું સાટું વ્યાજ સાથે વાળવા માગતા રશિયન સૈનિકો વિજયને હાથવેંતમાં
જોતાં ખુન્નસે ચડ્યા હતા. જર્મની બીજા વિશ્વયુદ્ધમાં પરાજયના આરે હતું--અને
પરાજયની નોબત આવે તે પહેલાં તેનો સારો એવો પ્રદેશ રશિયાની સામ્યવાદી
એડી નીચે જવાની તૈયારીમાં હતો.
હિટલરે બીજું વિશ્વયુદ્ધ સપ્ટેમ્બર ૧, ૧૯૩૯ ના દિવસે યુદ્ધનું સત્તાવાર
એલાન કર્યા વગર જ આરંભી દીધું. વહેલી સવારે તેનું નાઝી લશ્કર ૫૫ ડિવિઝનો
અને ૧,૯૨૯ વિમાનો સાથે પોલેન્ડ પર ત્રાટક્યું. પોલેન્ડે ૩૦ ડિવિઝનો અને
૩૯૭ વિમાનો ઉપરાંત રણગાડીની ૧૧ બ્રિગેડો સાથે જે લડત આપી તે બળુકા
જર્મનો સામે વ્યર્થ હતી. એક મહિનામાં જર્મનીએ તમામ પોલેન્ડ દેશ પર કબજો
જમાવી દીધો. હિટલરે પહેલું નિશાન પોલેન્ડનું તાક્યું તેનું ખાસ કારણ હતું.
કદાચ વાજબી પણ હતું. પ્રથમ વિશ્વવિગ્રહમાં જર્મની હાર્યા પછી ૧૯૧૮ માં જે
સંધિકરાર થયા તેમાં જર્મનીએ તેનો પ્રશિયા નામનો કેટલોક
જર્મન પ્રદેશ વિજેતા દેશોના રાજકીય દબાણ હેઠળ પોલેન્ડના હવાલે કરી દેવો પડ્યો હતો. પોલેન્ડ ત્યારનું હિટલરની દાઢમાં હતું, કેમ કે પ્રદેશ ગુમાવ્યા પછી જર્મનીના બે ભાગ પડી ગયા હતા.
એક તરફ મુખ્ય ભૂમિ હતી, બીજી તરફ પ્રશિયા હતું અને
પોલેન્ડની ભૌગોલિક ફાચર એ બેયને એકબીજા કરતાં અલગ પાડી દેતી હતી. આ સ્થિતિ જર્મન
પ્રજાજનોને પણ અપમાનજનક લાગતી હતી, છતાં ૨૧ વર્ષ
તેમણે લાચારીમાં વીતાવ્યાં. હિટલર તે પ્રદેશ જીતીને પ્રજાજનોની નજરમાં હિરો બન્યો. જર્મનો ત્યાર પછી બીજા યુરોપી દેશો સામે પણ લડી પ્રથમ વિશ્વવિગ્રહનો હિસાબ ચૂકતે કરવા માગતા દેશો હિટલરની પડખે રહ્યા.
જોતજોતામાં ડઝનેક યુરોપી દેશો પર નાઝી ધ્વજ ખોડી
દેવામાં આવ્યો, પણ એ ફતેહ બાદ હિટલર પહાડ જેવી ભૂલ કરી બેઠો ૧૯૪૧ માં તેણે ૩૪૦૦ વિમાનો ૧૪૬ ડીવીઝનો
અને ૩,૩૫૦ રણગાડીઓ સાથે રશિયા પર હલ્લો બોલાવ્યો. આ
હુમલો કરવા માટેય હિટલર પાસે કારણ હતું, પણ કદાચ વાજબી ન
હતું. રશિયાએ તથા જર્મનીએ પોલેન્ડને સમાન હિસ્સે વહેંચી લેવાની
ગુપ્ત સમજૂતી કરી હતી. રશિયાની નીતિ ભૂતકાળમાં સામ્રાજ્યવાદી
રહી હતી, એટલે હિટલરને તેના પર ભરોસો ન બેઠો. યુરોપમાં
મેળવેલા વિજયોનો કેફ તો આમેય તેના માથે સવાર હતો. નાઝી સેનાને તેણે
અજેય ધારી લીધી હતી. આથી બધા દેશો ભેગું રશિયાને પણ ધૂળ ચાટતું કરી
દેવાનાં અરમાનો સાથે તેણે એ દેશની પ્રચંડ લશ્કરી તાકાતને પડકારી અને છેવટે
‘ઑપરેશન બાર્બારોસા’ કહેવાતા યુદ્ધમાં પોતાના ૮,૫૦,૦૦૦ સૈનિકોને ગુમાવી
બેઠો. જાન્યુઆરી, ૧૯૪૫ માં જર્મન હરોળ પડી ભાંગી. રશિયાના સરમુખત્યાર
સ્તાલિને રૂસી સૈનિકોને જર્મની તરફ ધસી જવાનું ફરમાન આપ્યું. માર્શલ ઝુકોવની
સરદારી નીચે તેમણે વિજયકૂચ શરૂ કરી છેક બર્લિન પહોંચવાનું હતું. માર્ગમાં
જર્મનીના પૂર્વ પ્રશિયાનો હજારો ચોરસ કિલોમીટરનો પ્રદેશ તાબે લેવાનો હતો.
હુમલાખોર જર્મનો સામે સાડા ત્રણ વર્ષ સુધી લડીને જાનમાલનો પુષ્કળ
ભોગ આપી ચૂકેલા રૂસી સૈનિકો વેરની આગે બળતા હતા. ઝનૂન સમાતું ન હતું.
હિટલરનું નાઝી લશ્કર તો ઝાઝા પ્રતિકાર વિના એકધારી પીછેહઠ કરી રહ્યું હતું,
એટલે રશિયનોએ પોતાનો ક્રોધ પૂર્વ પ્રશિયાના નિર્દોષ જર્મન નાગરિકો પર
ઉતાર્યો. સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વચ્ચે કશો ભેદ રાખ્યા વગર તેમને ઠાર
મારતા ગયા. ઇતિહાસમાં તે નરસંહાર કદી ન્યાયી રજૂઆત પામવાનો ન હતો,
કેમ કે બીજા વિશ્વયુદ્ધની કથા આલેખનાર વિજેતા દેશોના ઇતિહાસકારો ફક્ત
યહૂદી લોકો પરના જર્મન અત્યાચારોને જ
પ્રકાશમાં લાવવા માગતા હતા.
રશિયનો તમામ પૂર્વ પ્રશિયામાં જર્મન
પ્રજાને જાણે નામશેષ કરી નાખવા માગતા
હોય તેમ હિટલરના તે આર્યવંશી લોકો
દેખાયા ત્યાં તેમને ગોળીએ દીધા. સૌનાં
ઘરબાર લૂટ્યાં. બેન્કો ખાલી કરી. ટ્રેનોને
તેમજ મોટરવાહનોને રશિયા તરફ હંકારી
જવામાં આવ્યાં. કારખાનાંની યંત્રસામગ્રી છૂટી પાડી એ સરંજામ પણ
રશિયા મોકલાતો રહ્યો.
ટેલિફોન એક્સ્ચેન્જથી
માંડીને સરકારી ગોદામોના
અનાજ સુધી કશું બાકી
રાખવામાં ન આવ્યું. જર્મનીના પૂર્વ
પ્રશિયાને સંપૂર્ણ રીતે ફોલી કાઢવું એવો
સ્તાલિનનો આદેશ હતો. બીજો આદેશ
રૂસી સૈનિકો માટે તૈયાર કરાયેલા પ્રચાર
સાહિત્યમાં લખાયો હતો. આ શબ્દોમાંઃ
જર્મન પ્રજા માનવજાત માટે દૂષણ છે.
લાલ સૈન્યના કોમરેડ સૈનિકો ! જુસ્સાભેર
આગળ વધતા રહો અને જર્મનો દેખાય
ત્યાં તેમને ઠાર કરી દો !’
આ હાલત જોતાં બાલ્ટિક સમુદ્રના
કાંઠે ગોટનહાફેન
બંદરે થયેલો નિરાશ્રિતોનો ધસારો સમજી
શકાય તેવો હતો. જાન્યુઆરી ૧૨,
૧૯૪૫ ના રોજ કૂચ શરૂ કરનાર માર્શલ
ઝુકોવનું રેડ આર્મી પૂર્વ પ્રશિયા પર ફરી
વળે એ પહેલાં ત્યાંના બધું મળીને
૨૦,૦૦,૦૦૦ જર્મન નાગરિકોને
જર્મનીના પશ્ચિમી કાંઠે લાવવા માટે
હિટલરે ‘વિલ્હેમ ગસ્ટલોફ', ‘હન્સ’,
‘ડોઇશલેન્ડ’ અને ‘હેમ્બર્ગ’ નામની ચાર
પેસેન્જર સ્ટીમરો ફાળવી હતી, જેમણે
શક્ય એટલા નિરાશ્રિતો સાથે આંટાફેરા
કરવાનું સતત ચાલુ રાખ્યું હતું. વળાવિયા
તરીકે લડાયક મનવારો તેમની સાથે
રહેતી હતી. સૌથી મોટી અને સૌથી
વૈભવશાળી સ્ટીમર ૨૬,૦૦૦ ટનની
‘વિલ્હેમ ગસ્ટલોફ’ હતી. આ ૨૦૯
મીટર (૬૮૪ ફીટ) લાંબી સ્ટીમરનું
બાંધકામ પૂરૂં થવા આવ્યું ત્યારે તેનો
ઠઠારો અને પ્રભાવ જોતાં તેનું નામ
‘એડોલ્ફ હિટલર’ રાખવાનું નક્કી થયું
હતું. દરમ્યાન બન્યું એવું કે
સ્વિત્ઝરલેન્ડમાં હિટલરનો માનીતો નાઝી
આગેવાન વિલ્હેમ ગસ્ટલોફ એક યહૂદી
હત્યારાની ગોળીનું નિશાન બન્યો.
હિટલરે સ્ટીમરના નામાભિધાન વખતે
અચાનક નિર્ણય લીધો અને પોતા
નામની તકતી બાજુ પર
રખાવી સ્ટીમરને ‘વિલ્હેમ
ગસ્ટલોફ’ તરીકે
ઓળખાવવાનો ફેંસલો
જાહેર કર્યો. એ પછી નાઝી
પક્ષના આગેવાનો, સૈન્યના અફસરો
તેમજ જર્મનીનું લશ્કરી-ઔદ્યોગિક તંત્ર
સંભાળતા ઉદ્યોગપતિઓ તેને
અવારનવાર સાગરસહેલ માટે વાપરતા
અને તેની પેસેન્જર સર્વિસ પણ ચાલતી,
પરંતુ યુદ્ધ ફાટી નીકળ્યા પછી એ
સ્ટીમરને નાઝી હકૂમતે પોતાના હસ્તક
લીધી હતી.
વિશાળ કદનો સવાલ છે ત્યાં સુધી
‘વિલ્હેમ ગસ્ટલોફ'ને કદાચ પેલી
‘ટાઇટેનિક’ની હરોળમાં ન મૂકી શકાય,
પરંતુ વૈભવશાળી સજાવટની બાબતમાં
તે સહેજ પણ ઝાંખી પડે તેમ ન હતી.
ઊતારૂઓ માટે આઠ તૂતકો હતાં. બે
સિનેમા થિએટરો હતાં. બે નાટ્યમંચો,
કૉફી હાઉસ, લાયબ્રેરી, રેસ્ટોરન્ટ, ડાન્સ
હોલ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ વગેરે
સુવિધાઓ ઉપરાંત સ્ટીમરના ઉપલા
તૂતક પર કાચની છત નીચે કૃત્રિમ
હવામાન સર્જીને વિવિધરંગી ફૂલોનો
બગીચો પણ તૈયાર કરાયો હતો.
જાન્યુઆરી ૩૦, ૧૯૪૫ ની સવારે
ગોટનહાફેન બંદરે ‘વિલ્હેમ ગસ્ટલોફ’
પાસે એકઠા થયેલા હજારો જર્મન
નાગરિકોને જો કે આમાંનું કશું જ
આકર્ષિત કરે તેમ ન હતું. પશ્ચિમની
જર્મન ભૂમિએ સહીસલામત પહોંચવા
માગતા એ સૌને માટે ‘વિલ્હેમ ગસ્ટલોફ’
અત્યારે વૈભવશાળી
સ્ટીમરને બદલે ડૂબતાનું
તણખલું હતી. કદમાં તેના
કરતાં નાની ‘હન્સ' બીજું
તણખલું હતી, જેને પણ થોડા કલાકોમાં
‘વિલ્હેમ ગસ્ટલોફ’ સાથે બે પેટ્રોલ
બોટના રક્ષણ નીચે પશ્ચિમ દિશામાં કીલ
બંદર તરફ હંકારી જવાનું હતું.
ગોટનહાફેન બંદરે મેદનીનો પાર
ન હતો. સૂર્યોદય પછી તરત લોકો
ઉમટવા લાગ્યા હતા. રશિયનોની બીકે
ઘર અને ઘરવખરી તજીને માત્ર થોડી
ઘણી માલમત્તા સમેટીને તેઓ પૂર્વ
પ્રશિયા હંમેશ માટે છોડી રહ્યા હતા.
લોકોની ભીડ વધી પડી ત્યારે ‘વિલ્હેમ
’ના કેપ્ટન ફ્રેડરિક પેટરસને
લાકડાની નિસરણી જેવા બે ઢાળિયા
ramp ગોઠવવાનો નાવિકોને હુકમ
ફરમાવ્યો અને ધક્કામુક્કી મચાવતા
નિરાશ્રિતો પૈકી સૌ પ્રથમ સ્ત્રીઓને તથા
બાળકોને સ્ટીમરમાં લેવાનું શરૂ કર્યું.
પુરુષોનો વારો છેક ચડતી બપોરે
આવ્યો. મધ્યાહ્ન થાય તે પહેલાં ફુરજા
પરના ઘણા ખરા નિરાશ્રિતોને સ્ટીમરે
પોતાની કેબિનોમાં, સપાટ તૂતકો પર
અને ફાલકામાં સમાવી લીધા. સ્ટીમરમાં
ક્યાંય ખાલી જગ્યા રહેવા ન પામી.
પાણી વગરના સ્વિમિંગ પૂલના તળિયે
૩૭૫ જર્મન નર્સોના જૂથે ખીચોખીચ
રીતે પોતાનો સમાવેશ કરી લીધો.
‘વિલ્હેમ ગસ્ટલોફ ૧,૪૬૩ પેસેન્જરો માટે બનેલી સ્ટીમર હતી અને તેના કાનૂની રજિસ્ટ્રેશનમાં એ જ આંકડો લખવામાં આવ્યો હતો. પરંતુ અહીં તે
ટોચમર્યાદાને વળગી રહેવાનો પ્રશ્ન ન હતો. સરવાળે કેટલા નિરાશ્રિત પેસેન્જરો સ્ટીમરમાં ચડ્યા એ પણ તેમના ધસારા અને ધક્કામુક્કી વચ્ચે ગણી શકાય તેમ ન હતું, છતાં ‘વિલ્હેમ ગસ્ટલોફ’નું કદ જોતાં સ્ટીમરમાં ‘રાફડો’ પૂરેપૂરો ભરાયા પછી નાવિકોની તેમજ જર્મન પેસેન્જરોની કુલ અંદાજિત સંખ્યા ૯,૦૦૦ કરતાં ઓછી ન હતી.
મધ્યાહ્નના સુમારે લંગર ઉપાડવાનો વખત થયો. તૂતકો ૫૨ અને
ફાલકામાં કોલાહલનું વાતાવરણ હતું, તો ઊંચા બ્રિજ પર કેપ્ટનની
કેબિનના વાતાવરણમાં જુદા પ્રકારની ગરમી હતી. સ્ટીમરના કેપ્ટન
એક નહિ અને બે પણ નહિ, પરંતુ ચાર હતા. એક તો ફ્રેડરિક પેટરસન હતો, જેને નાઝી શાસન જોડે સીધી રીતે કશી લેવાદેવા ન હતી. બીજો જર્મન નૌકાદળની સબમરિન પાંખનો લેફ્ટનન્ટ-કમાન્ડર
વિલ્હેમ જાહન હતો. કોહલર અને વેલર નામના વધુ બે કેપ્ટનો મર્ચન્ટ નેવીના હતા. એક યા બીજા મોકે તેમની પણ નિમણૂંક થયા પછી તેમની બદલી કરવાનું
બર્લિનના સત્તાવાળાઓ ભૂલી ગયા હતા. પશ્ચિમ તરફના જર્મન બંદર કીલ પહોંચવા માટે કયો માર્ગ આંકવો તેના વિશે ચારેય જણા દલીલબાજીએ ચડ્યા અને વારંવાર મિજાજ પણ ગુમાવતા રહ્યા. મામલો થાળે પડવામાં અડધા કલાક
જેટલો સમય નીકળી ગયો.
જર્મનીના સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે મધ્યાહ્ન પછી ૧૨:૩૦ ના સમયે ‘વિલ્હેમ
ગસ્ટલોફે’ તેનાં ટનબંધ વજન ધરાવતાં ત્રણ લંગરો ઉપાડ્યાં. કોઇ બીજી લક્ઝરી
સ્ટીમર દરિયાઇ સહેલ માટે રવાના થાય ત્યારે સહેલાણીઓને વિદાય આપવા
ગોદી પર હાજર રહેલાં આપ્તજનો પ્રણાલિકા મુજબ પતાકાઓ લહેરાવે અને
હર્ષના પોકારો કરે, પરંતુ ગોટનહાફેન બંદરે વાતાવરણ સંક્ષુબ્ધ હતું. સ્ટીમરમાં
ચડવાનો મોકો જેમને ન મળ્યો તેઓ ખિન્ન ચહેરે સ્ટીમરને વિદાય લેતી જોતા રહ્યા. સહીસલામત રીતે ગોટનહાફેનને અલવિદા કરી રહેલા પેસેન્જરોની તેમને
અદેખાઇ થાય એ કુદરતી વાત હતી.
પેસેન્જરો જો કે એટલા બધા નસીબદાર પણ ન હતા. ‘વિલ્હેમ ગસ્ટલોફ’
વૈભવશાળી ખરી, પરંતુ તેમની હાલત વાડામાં કસોકસ પુરાયેલા ઘેટાં-બકરાં
કરતાં બદતર હતી. અખાત છોડીને સ્ટીમર બાલ્ટિકના ખુલ્લા સમુદ્રમાં પ્રવેશી
અને ઉછળતાં મોજાંની થપાટો વેઠી હાલકડોલક થવા માંડી ત્યારે નીચેનાં બંધિયાર
તૂતકોમાં ખીચોખીચ ભરાયેલા ઊતારૂઓ પૈકી અનેકને
ઉબકા ચડ્યા. ઉલટી કરવા માટે ઉપર કઠેરા સુધી જવાય તેમ ન હતું, એટલે ટૂંક
સમય પછી બદબોનો પાર ન રહ્યો. ઓછી જગ્યામાં વધુ પડતા માણસોની હાજરીને
લીધે ગરમી પણ એટલી કે લાઇફ જૅકેટ પહેરી રાખવાની સૂચના લાઉડસ્પીકર
દ્વારા ફરી ફરીને અપાયા છતાં ઘણા લોકોએ જૅકેટ કાઢી નાખ્યાં. નવાઇ એ છે કે
નીચલાં તૂતકોમાં વાતાવરણ
ભઠ્ઠી જેવું હતું ત્યારે બહાર
ખુલ્લા ડેક પર હિમ વરસતું
હતું અને સ્નાયુઓને
થીજાવી દે તેવો પવન
સૂસવતો હતો. તાપમાન હજી શૂન્ય કરતાં
ઘણા અંશ નીચું હતું, છતાં સમુદ્ર પૂરેપૂરો
ન થીજ્યો હોવાનું કારણ એ કે ગલ્ફ
સ્ટ્રીમના ગરમ સમુદ્રી પ્રવાહનો નોર્થ
ઍટલાન્ટિક કરન્ટ નામનો ફાંટો બાલ્ટિક
સમુદ્રને થોડી ઘણી હૂંફ આપતો હતો.
પ્રવાસ દરમ્યાન ‘વિલ્હેમ
ગસ્ટલોફ'ના ચાર કપ્તાનો વચ્ચે ચડભડ
એકધારી ચાલુ હતી. એક જ વાતે તેઓ
સહમત હતા કે આવડી મોટી સ્ટીમરના
રક્ષણ માટે જરૂરી સંખ્યાની મનવારો
તેમની જોડે ન હતી. અસલ યોજના
પ્રમાણે ‘વિલ્હેમ ગસ્ટલોફે’ અને ‘હન્સે’
એકબીજીની સાથે રહીને પ્રવાસ ખેડવાનો
હતો અને બે પેટ્રોલ બોટ તેમને રક્ષણ
આપવાની હતી. પરંતુ ‘હન્સ’નું એન્જિન
છેલ્લી ઘડીએ ખોટકાયું અને બીજી પેટ્રોલ
બોટ યાંત્રિક ખરાબીને કારણે નકામી
બની. એક જ ટોપિડો બોટ અંતે બાકી
રહી, જે ‘વિલ્હેમ ગસ્ટલોફ'નાં બેય
પડખાંને ખાસ કરી રશિયન સબમરિનના
હુમલાથી બચાવી શકે તેમ ન હતી.
સાંજના ૬:૦૦ વાગ્યા. ઉત્તર
ગોળાર્ધના છેક ૫૫° ઉત્તર
અક્ષાંશ પાસેના વિસ્તારમાં
એ સમય રાતનો જ હતો--
બલકે ગાઢ રાત્રિનો હતો.
અંધારામાં ‘વિલ્હેમ
ગસ્ટલોફ’ની વિરાટ કાયા માંડ દેખાતી
હતી, કેમ કે દુશ્મનોની નજરથી સ્ટીમર
ઓઝલ રહે એ માટે તેની બધી લાઇટો
બુઝાવી દેવામાં આવી હતી. કંઇ નહિ
તો છેટેની દુશ્મન સબમિરન તેને દેખી
ન શકે તે આશ્વાસન થોડીક હૈયાધારણા
આપે તેવું હતું. કોઇ અણધાર્યો ડખો પેદા
ન થાય તો જર્મન બંદર કીલ/Kiel સુધી
હેમખેમ પહોંચી જવાય તેમ હતું. ડખો
પેદા થયો અને બરાબર ૬:૦૦ વાગ્યે જ
થયો કે જ્યારે ‘વિલ્હેમ ગસ્ટલોફે' માંડ
હજી ૧૫૦ કિલોમીટરની મજલ તય કરી
હતી. રેડિઓ પર કોડેડ સંદેશો મળ્યો કે
સુરંગ ખસેડનાર જર્મન મનવારોનો
કાફલો સામો આવી રહ્યો હતો અને
બ્લેકઆઉટને કારણે ટક્કર ન થાય એ
માટે ‘વિલ્હેમ ગસ્ટલોફે' સાવધાન
રહેવાનું હતું.
કેપ્ટન પેટરસનને ફાળ પડી. ટક્કર
ન થાય એ માટે કરવું શું ? માર્ગ
બદલવાની વાત તો ભૂલી જવી પડે, કેમ
કે ચેનલ નં. ૫૮ નામનો જે સાંકડો માર્ગ
પસંદ કરાયેલો તેની બેય તરફ રશિયન
સબમિ૨નો માટે જળસપાટીની બે-ત્રણ
મીટર નીચે લંગર વડે અધવચ્ચે તરતી
સુરંગો પથરાયેલી હતી. સામેથી આવતી
જર્મન મનવારો પણ ચેનલ નં. ૫૮ ના
માર્ગે જ આગળ વધતી હોય, માટે
અથડામણ થવાનું માત્ર જોખમ નહોતું.
અથડામણ લગભગ નિશ્ચિત હતી.
લેફ્ટનન્ટ-કમાન્ડર વિલ્હેમ જાહને
સ્ટીમરની લાલ અને લીલી નેવિગેશન
લાઇટો ચાલુ કરવાની દરખાસ્ત મૂકી કે
તરત ગરમાગરમ ચર્ચા પાછી ફૂટી
નીકળી. કેપ્ટન ફ્રેડરિક પેટરસન એકાદ
ટોર્ચ પણ સ્વિચ-ઑન કરવા તૈયાર ન
હતો. બાકીના મર્ચન્ટ નેવીના બે
કપ્તાનો કોહલર અને વેલર પણ એવી ભૂલ કરવાના હિમાયતી ન હતા. પરંતુ લેફ્ટનન્ટ-કમાન્ડર જાહન છેવટે પોતાનો કક્કો સાચો કરીને રહ્યો. કેપ્ટન પેટરસને બેય નેવિગેશન લાઇટો ચાલુ કરવાનો
હુકમ નાવિકોને આપવો પડ્યો. બે ટચૂકડી લાઇટો ૨૬,૦૦૦ ટનની આલિશાન સ્ટીમરને તેમજ
કુલ ૯,૦૦૦ નાવિકો તથા પેસેન્જરોને વસમી પડી જવાની હતી.
રાત્રિના ૭ઃ૩૦ વાગ્યા.
જાન્યુઆરી ૧૧, ૧૯૪૫ ના રોજ એટલે કે ઓગણીસ દિવસ પહેલાં બાલ્ટિક સમુદ્રમાં શિકારે નીકળેલી ૮૪૦ ટનની રશિયન સબમિરન S-13 ના કેપ્ટન
એલેક્ઝાન્ડર મેરિનેસ્કોને એક નાનકડી માલવાહક સ્ટીમર સિવાય બીજો કોળિયો
નહોતો મળ્યો. દિવસો વીત્યા તેમ મેરિનેસ્કોની હતાશા વધી તેમ ચિંતા પણ વધી.
ચિંતા કોર્ટ માર્શલની હતી. મહિનાઓ પહેલાં તેણે નૌકામથક પર કરેલા ગેરવર્તાવ
બદલ તેની સામે લશ્કરી મુકદમો ચાલે એવી પૂરી શક્યતા હતી. મામલો તપાસ
હેઠળ હતો અને મેરિનેસ્કો કાંઠે પાછો ફરે ત્યારે તેને ગિરફતાર કરાય એ પણ
રશિયન કપ્તાન એલેક્ઝાન્ડર મેરિનેસ્કોની ૮૪૦ ટન વજનની અને ૭૭.૮ મીટર લાંબી સબમિરન S-13
લગભગ નક્કી હતું. કોઇ મોટો શિકાર તે કરી દેખાડી લશ્કરી ચંદ્રક મેળવે તો કદાચ નૌકાદળ તેને માફી આપી દે. મધદરિયે તેને વાયરલેસ દ્વારા સમાચાર
મળ્યા કે રશિયાનું લાલ સૈન્ય પૂર્વ પ્રશિયાને એડી નીચે કચડતું આગળ વધી રહ્યું
હતું અને જર્મન નાગરિકોમાં ભાગદોડ મચી હતી.
મેરિનેસ્કોનો દિમાગી ચરખો તરત કામે લાગ્યો. નાગરિકોને બચાવી લેવા
માટે જર્મન સરકારે પોતાનાં સંખ્યાબંધ જહાજો પૂર્વ પ્રશિયા મોકલ્યા હોય એવી
સંભાવના તેના મગજમાં ચમકી કે તરત સબરિનનો મોરો તેણે બાલ્ટિકના
પ્રશિયાવર્તી વિસ્તારના સમુદ્ર તરફ વાળ્યો. બિલકુલ તટ પાસે જવામાં ખતરો
હતો, કેમ કે ત્યાં સુરંગક્ષેત્ર હતું. મધદરિયે જ પ્રશિયા અને જર્મની વચ્ચેના
જહાજી ધોરી માર્ગ પર આંટાફેરા ચાલુ રાખવા અને નજરે ચડતા શિકારને પાડી
લેવો એ તેની ગણતરી હતી. મેરિનેસ્કોનો નિર્ણય બતાવે છે કે તેનો સ્પષ્ટ હેતુ
જર્મન નૌકાદળની મનવારને નહિ અને જર્મની માટે ફૌજી પુરવઠાની હેરફેર
કરતા માલવાહક જહાજને પણ નહિ, પરંતુ નિર્દોષ સ્ત્રી-પુરુષો અને બાળકો વડે
ઉભરાતી સ્ટીમરને આંતરી તેને વીંધી નાખવાનો હતો. સબમરિનને કલાકના
૨૯-૩૦ કિલોમીટરની ઝડપે હંકારી તે ૫૫° ઉત્તર અક્ષાંશે અને ૧૭૦ પૂર્વ
રેખાંશે પહોંચી ગયો, જ્યાં સ્ટીમરોની અવરજવર થતી હોવાની વકી હતી.
રાત્રિના ૮:૦૦ વાગ્યે સબમરિન જળસપાટી ચીરીને બહાર નીકળી. તાજી
હવા માટે અને બેટરીના ચાર્જિંગ માટે કેટલોક વખત સપાટી પર હંકારવું જરૂરી
હતું. સબમરિનનો કોર્નિંગ ટાવર ખોલી નાખવામાં આવ્યો. સતેજ
આંખવાળા નાવિકે દૂરબીન આંખે માંડી ચારેય દિશામાં નિરીક્ષણ
કર્યું. વાતાવરણ ધૂંધળું હતું. આછી હિમવર્ષા ચાલુ હતી. પવનમાં
જોર નહોતું, છતાં મંદ વાયરો પણ ચહેરા પર જાણે કે બરફની જેમ
ચંપાતો હતો. ઉજાસનું નામોનિશાન નહિ.
આ તરફ ‘વિલ્હેમ ગસ્ટલોફ'માં પરિસ્થિતિનો ફેરફાર થયો હોય તો માત્ર
એટલો કે સ્પીકર દ્વારા રેલાતું ધીમું સંગીત બંધ પડ્યું અને તેના સ્થાને હિટલરનું
તેજાબી રેડિઓ ભાષણ પ્રસારિત થવા લાગ્યું. જર્મનીમાં નાઝી હકૂમત સત્તા પર
આવ્યાને જાન્યુઆરી ૩૦, ૧૯૪૫ ની એ તારીખે બાર વર્ષ પૂરાં થયાં હતાં.
સ્ટીમરના દરેક તૂતક પર અને ફાલકામાં હિટલરના જુસ્સાભર્યા શબ્દો ગાજ્યા
ત્યારે કેટલાક પેસેન્જરોને માનસિક સધિયારો મળ્યો, તો કેટલાકે તેમની દુર્દશા
અને દેશની બરબાદી માટે હિટલરને દોષિત ઠરાવતી ટિપ્પણીઓ કરી. બ્રિજ
પરની કેબિનમાં ચારેય સુકાનીઓ જુદા વિચારોમાં હતા. આ લાંબી રાત ક્યારે
વીતે અને ક્યારે સવારના ૪:૦૦ વાગે એની તેમને ઇન્તેજારી હતી, કેમ કે ત્યાં
સુધીમાં જર્મન પ્રભાવ નીચેના જળવિસ્તારમાં
પહોંચી જવાય એટલે રશિયન સબમરિનોના
હુમલાનું જોખમ રહેવાનું ન હતું. ઉચાટ જીવ
રાખવામાં તેઓ દુર્ભાગ્યે એ ભૂલી ગયા કે
કલાકો થયે પડતું હિમ ઉપલા તૂતકના બેય
પડખે કતારબંધ લટકતી ૨૨ લાઇફબોટને
છલોછલ કરી રહ્યું હતું અને હિમનો તે ભરાવો
અણીના સમયે મુસીબત ખડી કરવાનો હતો.
રાત્રિના ૯:૦૦ નો સમય થયો ત્યારે
રશિયન S-13 સબમરિનના કોનિંગ ટાવર
પરના ચોકિયાત નાવિકે થોડે દૂર આછો પ્રકાશ
જોયો અને પછી ધા૨ીને જોતાં તોતિંગ
જહાજની આકૃતિ દીઠી. નીચે આવી તરત
કેપ્ટન એલેક્ઝાન્ડર મેરિનેસ્કોને ખબર
આપ્યા. બરાબર એ જ વખતે સોનાર યંત્રના
ઑપરેટરે જણાવ્યું કે ઊંચા હોર્સપાવરના એન્જિનની ઘરેરાટી સંભળાતી હતી.
અવાજની માત્રા ઊંચી હતી, માટે જહાજ ૨૦,૦૦૦ ટન કરતાં વધુ ભારે હોવું
જોઇએ. તગડો શિકાર હાથ લાગ્યાની સંપૂર્ણ ખાતરી અનુભવતો મેરિનેસ્કો કોનિંગ
ટાવર પર ચડ્યો અને દૂરબીન માંડ્યું. અનુમાન સાચું હતું. કાળા આકાશના
બેકગ્રાઉન્ડમાં રચાયેલી છાયાકૃતિ થોડી ઘણી અસ્પષ્ટ હોવા છતાં તે સ્ટીમરની કે
માલવાહક જહાજને બદલે ઊતારૂ સ્ટીમરની હોવાનું પાકે પાયે ખબર પડી આવતું
હતું. મેરિનેસ્કોએ નક્કી માન્યું કે પૂર્વ પ્રશિયા છોડી ગયેલા જર્મન નાગરિકો જ
તેમાં હોવા જોઇએ, છતાં આવ્યો લાગ તે જતો કરવા માગતો ન હતો. નીચે
આવી તેણે શિકારનો પેંતરો ગોઠવ્યો. નાયબ અફસરો સાથેની ચર્ચા પછી શિકારને
તેના ડાબા પડખે ટોરરિપડો ફટકારવાનું નક્કી થયું અને ત્યાર બાદ અનુકૂળ સ્થાન
લેવા મેરિનેસ્કોએ S-13 સબમિરનની ઝડપ વધારી દીધી. એક કટાક્ષભરી વાત
એ છે કે સબમરિન મૂળ જર્મન ડિઝાઇનની હતી એટલું જ નહિ, પણ વિશ્વયુદ્ધ
પહેલાં આવી S વર્ગની સબમરિનોના બાંધકામમાં જર્મન ટેક્નિશિયનોએ રશિયાને
સક્રિય માર્ગદર્શન આપ્યું
હતું. ભવિષ્યમાં આકરી પડી
શકે એવી ભૂલ જર્મનીએ
મૈત્રીના દિવસો વખતે કરી
નાખી હતી.
‘વિલ્હેમ ગસ્ટલોફ’નું રક્ષણ કરતી
એકમાત્ર પેટ્રોલ બોટ ‘લૉવ’ તેની આગળ
સહેજ જમણી તરફ હંકારી રહી હતી,
એટલે કેપ્ટન મેરિનેસ્કોએ સ્ટીમરના ડાબા
પડખાનું નિશાન લેવાનું નક્કી કર્યું.
પશ્ચિમ દિશામાં જતી સ્ટીમર અને S-
13 સબમરિન વચ્ચેની દૂરી મિટાવવા
પહેલાં તો મેરિનેસ્કોએ કલાકેક સુધી
‘વિલ્હેમ ગસ્ટલોફ’નો પીછો કરવો
પડ્યો. સ્ટીમરને તથા ટોરપિડો બોટને
પણ ઑવરટેક કરી સહેજ આગળ નીકળી
ગયા પછી સબમિ૨ને મોરો ઉત્તર તરફ
ઘૂમાવ્યો. સ્ટીમર હવે મોરામાં રહેલી ચાર
ટોરપિડો ટ્યૂબની સીધમાં આવે તેની રાહ
જોવાની હતી. નિશાન લેવામાં
અનુકૂળતા રહે તે આશયે મેરિનેસ્કોએ
સબમિરનને જળસપાટી પર જ તરતી
રાખવાનો નાવિકોને હુકમ આપ્યો.
નિશાન લેવામાં જો કે બહુ આપદા પડે
તેમ ન હતી. મોરાથી સુકાન લગી
મહાકાય સ્ટીમરનું પડખું ૨૦૯ મીટર
(૬૮૪ ફીટ) લાંબું હતું. જળસપાટીની
૩ મીટર (૧૦ ફીટ) નીચે
પૂરપાટ ધસી જતો ટોરપિડો
તેના પર ક્યાંક તો ટીચાયા
વિના રહે નહિ.
ચાર ક્યૂબમાં ચાર
ટોરરિપડો તૈયાર હતા. જર્મનો સામે વેર
લેવા માટે જ તેમને છોડવાના હોય તેમ
રશિયનોની દ્વેષવૃત્તિ અને કિન્નાખોરી
સૂચવતા શબ્દો દરેક પર પેઇન્ટ કરાયા
હતા : (૧) આ ટોરરિપડો માતૃભૂમિ
રશિયા તરફથી; (૨) આ ટોરરિપડો
સ્તાલિન તરફથી; (૩) આ ટોરરિપડો
સોવિયેત જનતા તરફથી; (૪) આ
ટોરપિડો લેનિનગ્રાદ તરફથી.
રાત્રે ૧૧:૦૦ વાગ્યે પહેલો
ટોરરિપડો તેની સીધમાં આવી રહેલી
‘વિલ્હેમ ગસ્ટલોફ'ને વીંધી નાખવા
રવાના થયો. એ પછી બીજો અને ત્રીજો
છૂટ્યો, પણ ચોથો ટોરિપડો કશાક
અવરોધને કારણે તેની ટ્યૂબમાં
અટવાયેલો રહ્યો. નાવિકોએ તેને ઝટપટ
ડિફ્યુઝ કરી નાખ્યો, કેમ કે હુમલા પછી
સબમરિનને શોધતી જર્મન પેટ્રોલ બોટ
‘લૉવ' જો depth charge|જળગોળા ફેંકે
તો તેમના પ્રચંડ વિસ્ફોટને લીધે સર્જાતું
પાણીનું બેસુમાર દબાણ ટોરપિડોના
ડિટોનેટરને દાબી સબમરિનના ફૂરચા
કાઢી નાખે તેમ હતું.
એકવીસ ઇંચ વ્યાસનો પ્રથમ
ટોરરિપડો તેનું ૧,૦૦૦ મીટરનું અંતર
કાપ્યા પછી ‘વિલ્હેમ ગસ્ટલોફ’ના મોરા
તરફના પડખે ધડાકાભેર ટકરાયો અને ત્યાં મોટું બાકોરૂં પાડી દીધું.
સ્ટીમરની તોતિંગ કાયા ધ્રૂજી ઊઠી. નાવિકો તથા પેસેન્જરો ઉછળી
પડ્યા અને ભયભીત થયેલા એ સૌના ચિત્કારો તેમજ બાળકોના
આક્રંદ વડે સ્ટીમરનું વાતાવરણ ગાજવા લાગ્યું. બાકોરા વાટે આવતું
પાણી આખી સ્ટીમરમાં ન ફરી વળે એ આશયે કેપ્ટન પેટરસને
ત્યાંના જલાભેદ્ય પોલાદી દરવાજા તરત વાસી દેવાની સૂચના આપી. હોનારતની
પહેલી કરુણતા પેટરસનના તે નિર્ણય સર્જી, કેમ કે અણધારી કટોકટી વખતે શું
કરવું તેની ખાસ તાલીમ પામેલા ઘણા નાવિકો ત્યાં મોરા પાસેના આવાસોમાં હતા. પોલાદી દરવાજા
બંધ થયા પછી તેઓ કરપીણ રીતે માર્યા ગયા.
બીજો ટોપિડો વધુ મોટી ટ્રેજેડીનો કારક બન્યો. સ્ટીમરના પડખે મધ્યના
ભાગમાં જ્યાં તેણે ડંખ માર્યો ત્યાં ટાઇલ્સવાળો વિશાળ સ્વિમિંગ પૂલ હતો, જેની
ચારેબાજુ ફરસ પર પણ મોઝેઇક ટાઇલ્સ જડેલી હતી. આ લાદીના ટુકડા બુલેટવેગે
ચોમેર ઊડ્યા. પૂલમાં બેઠેલી આશરે ૩૭૫ નર્સો પૈકી અનેકને તે ટુકડાએ વીંધી
નાખી. લોહીતરબોળ હાલતે પણ જેઓ બચી જવા પામી તેમને એકાએક તૂતકમાં
ધસી આવેલા પાણીએ
જળસમાધિ આપી. નર્સો સાથે
બીજા સેંકડો મુસાફરો પણ
ડૂબી મર્યા.
ત્રીજા ટોરપિડોએ
‘વિલ્હેમ ગસ્ટલોફ’નો અંજામ
નક્કી કરી નાખ્યો. આ
ટોરપિડો તેને પાછળ એન્જિન
રૂમ તરફના પડખે વાગ્યો કે
તરત ચારેય ડીઝલ એન્જિનો
બંધ પડ્યાં. ત્રીસેક સેકન્ડ
પહેલાં કેપ્ટન પેટરસને ચાલુ કરાવેલી બધી લાઇટો પણ બૂઝાતાં પાછો સદંતર
બ્લેકઆઉટ થયો. સ્ટીમરની જાજરમાન કાયા ડાબા પડખે નમવા લાગી. અંધારામાં
તે ઝોક માત્ર શરીરને વરતાતા અસંતુલન વડે પામી શકાતો હતો. એન્જિનો
નિષ્ક્રિય થયાં બાદ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કપાયો, એટલે વાયરલેસ રૂમમાં
ઑપરેટરે ઇમરજન્સી ટ્રાન્સમીટર વાપરીને SOS/Save Our Souls નો સંદેશો
પ્રસારિત કર્યો. આ સાધનની રેન્જ ફક્ત ૨,૦૦૦ મીટર હતી. પરિણામે આગળ
હંકારતી ટોરરિપડો બોટ ‘લૉવ’ સુધી જ એ મેસેજ પહોંચ્યો. વિના વિલંબે તે બોટ
આપત્તિગ્રસ્ત સ્ટીમરની કુમકે પાછી વળી અને સાથોસાથ SOS નો સંદેશો પણ
તેણે પોતાના બળવાન ટ્રાન્સમીટર વડે પુનઃ પ્રસારિત કર્યો.
‘વિલ્હેમ ગસ્ટલોફ’માં ચોમેર વ્યાપેલા અંધકાર વચ્ચે ભયભીત પેસેન્જરો
એકમેકની પરવા છોડી પોતાનો જાન બચાવવાની ફિરાકમાં પડ્યા. ઉપલા તૂતકે
જવા માટે દાદરાઓ તરફ ધસારો થયો. બાળકો સહિત કેટલાય જણા એ
ધક્કામુક્કીમાં કચડાયા અને છૂંદાયા, જેમાં વૃદ્ધોની સંખ્યા મોટી હતી.
ત્રણ મોટાં બાકોરાં પડ્યાં બાદ સ્ટીમર એ તરફ ઝડપભેર નમી રહે
સ્થિતિમાં પોતાના બચવાનો મુદલે ચાન્સ જેમને ન દેખાયો એવા કેટલાયે
યાતનાભર્યું મોત ટાળવા પિસ્તોલ વડે પોતાનાં આપ્તજનોને ઠાર માર્યા. અને ત્યાર બાદ પોતાના લમણે નાળ તાકી આત્મહત્યા કરી. નાવિકો પણ વારંવાર
પિસ્તોલ ફોડી બેકાબૂ પેસેન્જરોને શિસ્તપાલનની ફરજ પાડવા મથતા
હતા અને સ્ત્રીઓ તથા બાળકોને ધક્કે ચડાવતા પુરુષોને ક્યારેક
વીંધી પણ નાખતા હતા. આ રીતે ધાક બેસાડવાના પ્રયાસો જો કે
નિરર્થક સાબિત થયા. કોઇને પોતાની જિજીવિષા દાબી માનવીય
વર્તાવ દાખવવાનું આવશ્યક લાગતું ન હતું. લાઇફબોટ તરફનું ખેંચાણ અદમ્ય
હતું. સૌ જાણતા હતા કે લાઇફબોટ બધાને પૂરી પડે તેમ ન હતી, એટલે
ધક્કામુક્કીમાં મોખરે રહે તેઓ જ બચી શકે તેમ હતા.
સ્ટીમરમાં હતી એટલી બધી લાઇફબોટ પણ છેવટે તો કામ ન લાગી. બેઉ
પડખે ૧૧-૧૧ મળીને કુલ ૨૨ હતી. વિરાટ સ્ટીમરની હોવાને લીધે કદમાં મોટી
ખરી. દરેકની કેપેસિટી ૧૬૦ કરતાં ઓછી નહિ, એટલે તેમને સમયસર તેમજ
સહીસલામત રીતે સમુદ્રસપાટી પર ઉતારી શકાય તો બધું મળીને તેઓ ૩,૫૦૦
ઊતારૂઓ તથા નાવિકોના જાન તો સહેજે બચાવી લે. પરંતુ એ સાદી ગણતરી
ત્રણ કારણોસર અમલી ન બની : લાઇફબોટનાં દોરડાં-ગરેડી સાથે કામ પાડી
જાણતા તાલીમબદ્ધ નાવિકો પ્રથમ ટોરપિડોના પ્રહાર વખતે સ્ટીમરના આગલા
ભાગમાં જળસમાધિ પામ્યા હતા. બીજું એ કે બધી લાઇફબોટમાં આકાશી હિમના
ઢગ ખડકાયા હતા, જેમને પૂરેપૂરા ઉલેચવાનો અત્યારે સમય ન હતો. ઉપરાંત
જમણા પડખાની ૧૧ લાઇફબોટને ઉતારવાનું કઠિન હતું, કેમ કે સ્ટીમર ડાબી
તરફ લગભગ ૫૦૦ ના ખૂણે નમી
ચૂકી હતી. આ લાઇફબોટમાં જેઓ
ગોઠવાયા તેમણે છેવટે
પોતપોતાની લાઇફબોટને છોડી
ફરી તૂતક પર આવી જવું પડ્યું,
જ્યાંથી ઘણા મુસાફરોએ સમુદ્રમાં
પડતું મૂક્યું. સ્ટીમરના ડાબા પડખા
તરફ ઉતારવામાં આવેલી છ-સાત
લાઇફબોટ જોયા પછી અનેક જણા
તેમના સુધી પહોંચવા માટે
પાણીમાં કૂદી રહ્યા હતા, પણ
લાઇફબોટ પાસે તેઓ ગયા ત્યારે
માથા પર અને ખભા પર
હલેસાના ફટકા પડ્યા. આ
બચાવનૌકાઓમાં સવાર થયેલા
બડભાગી મુસાફરોને પોતાનો જાન
બચાવવા સિવાય કશું સૂઝતું ન
હતું. દરિયામાં કૂદેલા ઘણા ખરા
મુસાફરોને બર્ફીલા પાણીએ દસ-
પંદર મિનિટમાં થીજાવી દીધા.
સબમરિન S-13 ક્યાં હતી?
‘વિલ્હેમ ગસ્ટલોફે' જર્મન
મનવારોને બચાવનો સંદેશો
મોકલ્યો હોય અને તે
મનવારો તેની કુમકે આવી
રહી હોય એમ ધારી કેપ્ટન
એલેક્ઝાન્ડર મેરિનેસ્કોએ
બનાવસ્થળ છોડી જવાનું
પસંદ કર્યું હતું. નાવિકોના અને
મુસાફરોના બચાવ માટે પહેલાં તો
‘વિલ્હેમ ગસ્ટલોફ’ની બોડીગાર્ડ પેટ્રોલ
બોટ ‘લૉવ’ આવી પહોંચી હતી. બધું
મળી ૪૭૨ જણાને તેણે ઉગાર્યા. જર્મન
યુદ્ધજહાજ ‘એડમિરલ હિપ્પર’ સુરંગ
ખસેડનાર મનવારો સાથે બને તેટલી
ઝડપે આવી રહ્યું હતું. બે માલવાહક
જહાજો પણ તેમને SOS નો સંદેશો
મળતાં હોનારતના સ્થળ તરફ હંકારી
રહ્યાં હતાં.
આશરે પંચાવન મિનિટ પછી
‘વિલ્હેમ ગસ્ટલોફ’ની જાજરમાન કાયા
એકદમ પડખાભેર લેટીને
પાણીમાં ગરક થવા માંડી
ત્યારે આસપાસ રૂદનના
અવાજો
સિવાય ગમગીનીનો સોપો હતો.
હવે કોલાહલ ન હતો,
ધક્કામુક્કી ન હતી,
માણસ પ્રત્યે માણસના
દુર્વ્યવહારનાં શરમજનક
દૃશ્યો ન હતાં. ઉગરી
ગયેલા મુસાફરો
લાઇફબોટમાંથી અને
‘લૉવ’ પેટ્રોલ બોટના
તૂતક પરથી તેમના દેશની
સૌથી વિરાટ અને સૌથી
વૈભવશાળી સ્ટીમરની
ધૂંધળી છાયાકૃતિને
પાણીમાં ગરક થતી જોતા
રહ્યા. હજારો જણાની
કબર બની ચૂકેલી સ્ટીમર
તેને પ્રથમ ટોરપિડો
વાગ્યા પછી બરાબર ૭૦
મિનિટે માત્ર ૨૦૦ મીટર
નીચેના સાગરતળિયે
પોતાની કબરમાં પહોંચી.
કહેવાય છે કે સ્ટીમરના એક
પોલાદી વૉલટમાં મૂકેલો
પેલો મોંઘેરો અમ્બર રૂપ પણ
સમાધિ પામ્યો હતો.
આખરે કેટલા જણા બચ્યા અને
કેટલા મર્યા ? ચોક્કસ મૃત્યુઆંક જાણવો
મુશ્કેલ હતો, કેમ કે ગોટનહાફેન બંદરે
પ્રવાસ શરૂ થયો તે અગાઉ પેસેન્જરોનાં
માથાં ગણવામાં આવ્યાં ન હતાં. પ્રવાસનું
ભાડું પણ લેવાયું ન હતું, એટલે ટિકિટોની
સંખ્યાના આધારે મૃત્યુઆંક નક્કી
કરવાનો સવાલ ન હતો. આમ છતાં
સ્ટીમરનાં આઠ તૂતકોમાં કુલ જગ્યાનો
પ્રબંધ જોતાં ગોટનહાફેન ખાતે લગભગ
૯,૦૦૦ જણા સ્ટીમરમાં ચડ્યા હતા.
પેસેન્જરો ઉપરાંત નાવિકોનો પણ તેમાં
સમાવેશ થતો હતો. ઉગરી ગયેલા
નાવિકો-પેસેન્જરોની સંખ્યા ૧,૨૩૯
હતી, માટે ઓછામાં ઓછા ૭,૭૦૦
જણા ‘વિલ્હેમ ગસ્ટલોફ’ની હોનારતમાં
માર્યા ગયા હતા. આ બનાવનાં ૩૩ વર્ષ
પહેલાં એપ્રિલ ૧૨, ૧૯૧૨ ના રોજ
ન્યૂ ફાઉન્ડલેન્ડ પાસે થયેલી
‘ટાઇટેનિક’ની દરિયાઇ હોનારતે કેટલા
જણાનો ભોગ લીધો હતો ? ૧,૫૧૭
જણાનો--એટલે કે ‘વિલ્હેમ ગસ્ટલોફ’ની
સરખામણીએ માનવખુવારી પૂરા ૨૦% પણ ન હતી. આમ છતાં ‘દુનિયાની સૌથી મોટી દરિયાઇ હોનારત કઇ ?’ એ પ્રશ્ન સો જણાને પૂછો તો નવ્વાણું જણા ‘ટાઇટેનિક’નું નામ આપે.
આ ખોટી છાપ પેદા થવાનું કારણ શું? ‘ટાઇટેનિક’ની હોનારતનો બનાવ જગબત્રીસીએ ચડ્યો, તો ‘વિલ્હેમ ગસ્ટલોફ’ વિશે જગત સાવ અંધારામાં કેમ રહ્યું ?
એક નહિ, ઘણાં કારણો હતાં. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને પરાજય આપી વિજેતા બનેલા દેશોને નાઝી જર્મની પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર સિવાય બીજી
લાગણી ન હતી, એટલે જે ગમખ્વાર ઘટના સાધારણ રીતે હૃદયમાં અનુકંપા જગાડે તે બીજા વિશ્વયુદ્ધની તવારીખ આલેખતા બ્રિટિશ-અમેરિકી ઇતિહાસકારોને
મન ગૌણ હતો. આ પક્ષપાતી અને પૂર્વગ્રહી લેખકોની દૃષ્ટિએ ‘વિલ્હેમ ગસ્ટલોફ’
ડૂબ્યું એ બનાવ નાઝી જર્મનોને તેના અપકૃત્યોની કુદરતી સજા મળ્યાનો હતો.
હિટલરે પોતે એ સ્ટીમરની જળસમાધિના સમાચારને દાબી રાખવાનો પ્રયત્ન કર્યો, કેમ કે પરાજયના ભણકારા વાગતા હતા ત્યારે જર્મન પ્રજાના નૈતિક બળને
ભાંગી નાખે એવા ખબર એ તેના કાને નાખવા માગતા ન હતો. વળી રૂસી સબમરિને જર્મન સ્ટીમરને ડૂબાવ્યાનો નકારાત્મક મતલબ એ પણ થાય કે હિટલરનું
નૌકાદળ આવી મોંઘી અને મહત્ત્વપૂર્ણ સ્ટીમરને પૂરતું રક્ષણ ન આપી શકે એટલી હદે દુશ્મનોના ફટકા વેઠીને મરિયલ બની ચૂક્યું હતું. ત્રીજી વાત એ કે ૧૯૧૨
માં તેની પ્રથમ સફરે નીકળેલી ‘ટાઇટેનિક' પર બ્રિટનના તથા અમેરિકાના લક્ષાધિપતિઓ સવાર હતા, જ્યારે ‘વિલ્હેમ ગસ્ટલોફ' હજારો નિરાશ્રિતોનું કીડિયારૂં હતી. રશિયન આક્રમણ સામે પોતાનું સ્વસ્વ ગુમાવી બેઠેલા એ નિર્ધનોની
જિંદગીનું કશું મૂલ્ય ન હતું. ‘ટાઇટેનિક’ના અને ‘વિલ્હેમ ગસ્ટલોફ’ના બનાવો
વચ્ચે મોટો ભેદ પાડી દેતી વધુ એક બાબત કદાચ એ કે જગતનાં સૌથી પ્રભાવકારી
સમાચાર માધ્યમો ધરાવતા અમેરિકા સાથે ‘વિલ્હેમ ગસ્ટલોફ’ને કશી નિસ્બત ન હતી. આ સ્ટીમર ભેગા ડૂબેલા ૭,૭૦૦ પેસેન્જરોમાં સાત આગળ પડતા અમેરિકનો
તથા અંગ્રેજો પણ જો હોત તો વર્તમાનપત્રો, ટેલિવિઝન મીડિયા અને સુપરહિટ ‘ટાઇટેનિક’ ફિલ્મના સર્જક જેમ્સ કેમેરૂન જેવા ફિલ્મ નિર્માતાઓ તે બનાવને
બાલ્ટિક સમુદ્રમાં ૨૦૦ મીટર નીચે પોઢેલું
હતભાગી ‘વિલ્હેમ ગસ્ટલોફ પોતાનો માનીતો વિષય બનાવ્યા વગર રહેત નહિ.
‘વિલ્હેમ ગસ્ટલોફ’ના
નસીબમાં આમાંનું કશું જ નથી.
પરિણામે ૧૨,૦૦૦ ફીટ ઊંડે
પડેલી ‘ટાઇટેનિક’ને જોવા માટે
અનેક માલેતુજારો સબમર્સાઇલનું
એટલે કે મજબૂત બાંધાની મિનિ
સબમિરનનું આકરૂં ભાડું ચૂકવે
છે, જ્યારે બાલ્ટિક સમુદ્રમાં
૫૫૧૭' ઉત્તર અક્ષાંશે તથા
૧૭૪૨’ પૂર્વ રેખાંશે માત્ર ૨૦૦
મીટર ઊંડેનું જર્મન જહાજ
‘વિલ્હેમ ગસ્ટલોફ’ વર્ષો થયે
અજ્ઞાત પડ્યું છે.