અમદાવાદના એક ટોચના ટેક-સ્ટાર્ટઅપના આલીશાન લાઉન્જમાં એક હાઈ-પ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હતી. હોસ્ટ હતો આર્યન , જે ભારતની સૌથી મોટી બનવા જઈ રહેલી ગેમિંગ અને મેટાવર્સ (Metaverse) કંપનીનો અબજોપતિ માલિક હતો. ત્યાં હાજર હતો ૨૬ વર્ષનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર અને સાયકોલોજીસ્ટ કબીર.
ચર્ચાનો વિષય બદલાયો: "શું ડિજિટલ દુનિયા (AI અને VR) માણસને સાચું સુખ આપી શકે? કે પછી માણસ પ્રકૃતિ અને વાસ્તવિકતા વિના પાગલ થઈ જાય?"
આર્યને ગર્વથી પોતાનું નવું VR હેડસેટ બતાવતા કહ્યું, "આ અમારું નવું મેટાવર્સ છે. આમાં માણસને કોઈ ભૌતિક દુનિયાની જરૂર નથી. સ્વાદ, સ્પર્શ, પ્રેમ, મુસાફરી... બધું જ ડિજિટલ મળી રહેશે. આના વિના માણસ જીવી જ ન શકે!"
કબીરે હસીને સામો પડકાર ફેંક્યો, "આર્યનભાઈ, આ બધો ભ્રમ છે. માણસ જો ધારે તો આ બધી સ્ક્રીન્સ, ઇન્ટરનેટ અને ડિજિટલ માયા વગર, કેવળ પ્રકૃતિ અને પોતાના વિચારો સાથે સદીઓ કાપી શકે. ડિજિટલ દુનિયા માણસને ખોખલો બનાવે છે."
અહંકાર ટકરાયો. આર્યને શરત મૂકી: "જો તું 5 વર્ષ સુધી કોઈ પણ સ્માર્ટફોન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, ટીવી કે વર્ચ્યુઅલ ગેજેટ વિના, હિમાચલના એક અંતરિયાળ ગામના ટ્રેડિશનલ લાકડાના ઘરમાં વીજળી વિના રહી બતાવે, તો હું તને મારી કંપનીના 25 % શેર (જેની કિંમત આશરે 50 કરોડ રૂપિયા છે) આપીશ."
કબીરે શરત સ્વીકારી લીધી. કરાર થયા કે કબીરને જીવવા માટે માત્ર ઓર્ગેનિક અનાજ, લાકડાં, કાગળ-પેન અને પુસ્તકો મળશે. કોઈ પણ ડિજિટલ સિગ્નલ ત્યાં નહીં હોય. આર્યને સેટેલાઇટ કેમેરા ગોઠવ્યા જેથી તે દૂરથી મોનિટર કરી શકે કે કબીર કોઈ ગેજેટ વાપરે છે કે નહીં.
શરૂઆત માં કબીર માટે આ નરક સમાન હતું. જેને રોજ હજારો લાઈક્સ અને નોટિફિકેશન જોવાની આદત હતી, તેનો હાથ વારંવાર ખિસ્સામાં ફોન શોધતો (Phantom Vibration). તે એકલતાથી પીડાતો, દિવાલો સાથે વાતો કરતો. આર્યન કેમેરામાં જોઈને હસતો કે, "આ બહુ જલ્દી હાર માની લેશે."
કબીરે બીજા વર્ષે ટકવા માટે જમીન ખેડવાનું શરૂ કર્યું. તેણે શાકભાજી ઉગાડ્યા. પક્ષીઓ સાથે દોસ્તી કરી.
તેણે ત્રીજા વર્ષે આયુર્વેદ, ખગોળશાસ્ત્ર અને જૂની ફિલોસોફીના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું.
વિશ્વનો આખો ઇતિહાસ, આઇન્સ્ટાઇન અને ન્યૂટનના સિદ્ધાંતો, કોન્ટમ ફિઝિક્સ અને દુનિયાભરનું સાહિત્ય મંગાવીને વાંચી નાખ્યું. હવે તેનો ગુસ્સો ગાયબ થઈ ગયો હતો. તે આખો દિવસ ગણિતના અઘરા સમીકરણો ઉકેલતો અને કાગળ પર કંઈક લખતો રહેતો. હવે આર્યન ને ટેન્શન થવા લાગ્યું, કારણ કે કબીરનો ચહેરો પાગલ જેવો નહીં, પણ એક વૈજ્ઞાનિક જેવો ગંભીર દેખાવા લાગ્યો હતો.
જે હાથ કીબોર્ડ પર ચાલતા હતા, તે હવે કાગળ પર અદભુત વિચારો કંડારવા લાગ્યા.
કબીર ચોથા વર્ષ માં તદ્દન બદલાઈ ગયો હતો. તેની પાસે ઘડિયાળ નહોતી, પણ તે સૂર્ય જોઈને સમય કહી દેતો. ઇન્ટરનેટ વિના પણ તેનું મગજ બ્રહ્માંડના રહસ્યો ઉકેલી રહ્યું હતું.
કબીરે પશ્ચિમી વિજ્ઞાન છોડી પૂર્વીય આધ્યાત્મ તરફ વળ્યો. તેણે ચાર વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બૌદ્ધ ગ્રંથો મંગાવ્યા. તે દિવસમાં ૧૮ કલાક માત્ર ધ્યાનમાં બેસી રહેતો. હવે તેની આંખો બંધ રહેતી પણ ચહેરા પર એક અજીબ આભા (Aura) વરતાતી હતી. આર્યન જ્યારે પણ કેમેરા સ્ક્રીન પર કબીરને જોતો, ત્યારે તેને કબીરની આંખો બંધ હોવા છતાં એવું લાગતું કે કબીર તેને જ જોઈ રહ્યો છે!
આર્યન કેમેરામાં જોતો તો કબીરના ચહેરા પર એક એવી શાંતિ હતી જે કરોડો રૂપિયા કમાવા છતાં આર્યન પાસે નહોતી.
બહારની દુનિયામાં પાસા પલટાયા. આર્યનની મેટાવર્સ કંપની ડૂબી રહી હતી કારણ કે લોકો ડિજિટલ સ્ક્રીનથી કંટાળીને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. ૨૦૨૬ના અંત સુધીમાં નીલની AI કંપની પર મોટો સાયબર અટેક થયો. ડેટા લીક થવાના કારણે શેરબજારમાં તેની કંપનીના શેર ૯૦% તૂટી ગયા. આર્યન દેવાળિયો થઈ ગયો. તેની પાસે બચેલી એકમાત્ર મિલકત એ ૫૦ કરોડ રૂપિયા હતા જે તેણે કબીર માટે અલગ રાખ્યા હતા. આર્યન રાત્રે દારૂના નશામાં ધ્રુજતો: "જો કાલે સવારે કબીર બહાર આવી ગયો, તો મારે તેને ૫૦ કરોડ આપવા પડશે અને હું ભિખારી બની જઈશ. મારે કંઈક કરવું પડશે."
શરત પૂરી થવાના બરાબર ૬ કલાક પહેલાં, મધ્યરાત્રિએ ૨ વાગ્યે, આર્યન હાથમાં પિસ્તોલ લઈને ફાર્મહાઉસના બંકરમાં ઘૂસ્યો. તેનો ઈરાદો કબીરને ગોળી મારીને આત્મહત્યાનું રૂપ આપવાનો હતો.
આર્યને ધ્રુજતા હાથે બંકરનો મુખ્ય લોખંડનો દરવાજો ખોલ્યો. અંદર ઘોર અંધકાર હતો. માત્ર ટેબલ પર એક મીણબત્તી સળગતી હતી.
૫ વર્ષથી સૂર્યપ્રકાશ ન જોયો હોવા છતાં, કબીર સોફા પર ટટ્ટાર બેઠો હતો. તેની દાઢી અને વાળ વધી ગયા હતા, પણ તેનો ચહેરો કોઈ દેવદૂત જેવો ચમકતો હતો. આર્યને પિસ્તોલ તાકીને કહ્યું, "કબીર! હું તને જીતવા નહીં દઉં. તારે મરવું પડશે."
કબીરે આંખો ખોલી. તેની આંખોમાં નહોતો કોઈ ડર, નહોતો કોઈ ક્રોધ.
તે હળવું હસ્યો અને બોલ્યો : "આર્યન, જે માણસ પોતાની અંદરના અંધકારને જીતી લે છે, તેને બહારની કોઈ બંદૂક મારી શકતી નથી."
ત્યાં જ એક અકલ્પનીય ચમત્કાર થયો.
કબીરે હવામાં પોતાનો હાથ ઊંચો કર્યો. રૂમમાં કોઈ સ્વિચ ચાલુ નહોતી, વીજળી નહોતી, છતાં કબીરની હથેળીમાંથી એક દિવ્ય, સફેદ પ્રકાશ (Aura) નીકળવા લાગ્યો! એ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે આર્યન ની આંખો અંજાઈ ગઈ. આર્યનના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ. તે ઘૂંટણિયે બેસી ગયો.
કબીરે શાંત અવાજે કહ્યું, "આર્યન, તું મને મારવા આવ્યો છે ને? પણ જો, આ ટેબલ પર મેં શું લખ્યું છે."
આર્યને ધ્રુજતા હાથે ટેબલ પર પડેલી ડાયરી જોઈ. કબીરે પોતાના લોહીથી છેલ્લી લાઈન લખી હતી:
"આર્યન, મેં આ ૫ વર્ષના એકાંતમાં બ્રહ્માંડની સર્વોચ્ચ ઉર્જા અને જ્ઞાન મેળવ્યું છે. તારા ૫૦ કરોડ તો શું, આખી પૃથ્વીનું સામ્રાજ્ય પણ મારી આ આંતરિક શાંતિ સામે તુચ્છ છે. તું દેવાળિયો થઈ ગયો છે એ મને મારા ધ્યાનમાં દેખાઈ ગયું હતું.
હું તને બચાવવા માટે, શરત પૂરી થવાની બરાબર ૫ મિનિટ પહેલાં સવારે ૫:૫૫ વાગ્યે આ રૂમ છોડીને ચાલ્યો જઈશ. હું તારી શરત હારી જઈશ, પણ મારું જીવન જીતી જઈશ."
આર્યન રડી પડ્યો, "કબીર, તું આ બંધ રૂમમાં રહીને મારી બરબાદી વિશે કેવી રીતે જાણી ગયો? આ પ્રકાશ શું છે?"
કબીરે ઊભા થઈને આર્યનના માથા પર હાથ મૂક્યો અને બોલ્યો : "જ્યારે દુનિયાના બધા નેટવર્ક બંધ થાય છે ને આર્યન, ત્યારે જ પરમાત્માનું ઓરિજિનલ કનેક્શન શરૂ થાય છે.તારો મેટાવર્સ એક ડિજિટલ જેલ છે, જ્યારે આ ભૌતિક એકાંત જ અસલી આઝાદી છે. તારા 50 કરોડના શેર મને આ આઝાદીમાંથી પાછા સોશિયલ મીડિયા અને લોભની માયાજાળમાં ખેંચી જશે. મારે એ નકામા કાગળિયાં નથી જોઈતા. તું કાગળના ટુકડા (પૈસા) પાછળ ભાગ્યો, હું બ્રહ્માંડના માલિક પાછળ ભાગ્યો."
સવારે બરાબર ૫:૫૫ વાગ્યે, શરત પૂરી થવાની ૫ મિનિટ પહેલાં, કબીર એ ઓરડામાંથી બહાર નીકળીને હિમાલય તરફ ચાલ્યો ગયો. વકીલો આવ્યા ત્યારે આર્યન પાસે કબીરની ડાયરી હતી. આર્યને શરત જીતી લીધી હતી, પણ તેનો અહંકાર કાયમ માટે હારી ચૂક્યો હતો. એ ટેકનોલોજીનો રાજા આજે એક ફકીર સામે હારી ગયો હતો. તે હવે ધનવાન નહીં, પણ એક સારો માણસ બની ચૂક્યો હતો.