આપણે ભગવાન પાસેથી કંઈક ને કંઈક માંગતા હોઈએ છીએ, ભગવાનની ભજના કોઈ ને કોઈ હેતુથી કરતા હોઈએ છીએ. ભગવાન પાસેથી આપણે શું માંગીએ છીએ તેના આધારે ભક્તોના ચાર પ્રકાર પડે છે.
એક છે આર્તભક્ત, જેઓ ભગવાન પાસે પોતાનું દુઃખ દૂર કરવાની માંગણી કરે છે. તેઓ દુઃખ પડે ત્યારે જ ભગવાનને યાદ કરે અને સુખ આવે ત્યારે ભૂલી જાય છે. જેમ કે, પગમાં દુખતું હોય તો ભગવાનને પ્રાર્થના કરે કે, “હે ભગવાન! મારા પર દયા કરો, મારું દુઃખ દૂર કરો, દયા કરો!” અથવા “મારો દીકરો સાજો થઈ જાય તો પંદર પૂનમ ભરીશ.” ભગવાન પણ સમજે કે આ દુઃખના માર્યા મને યાદ કરે છે. આર્તભક્તો ઠેર ઠેર જોવા મળે છે.
બીજા છે અર્થાર્થી ભક્ત, જે કોઈ સાંસારિક લાભ અર્થે ભગવાનને ભજે છે. જેમ કે, દીકરો જોઈતો હોય તે પ્રાર્થના કરે કે, “ભગવાન, મારે ત્યાં છોકરો આવશે તો હું આટલા નાળિયેર ચડાવીશ.”, “માતાજી મારો ધંધો સારો ચાલશે તો હું ચૂંદડી ચડાવીશ.", એ અર્થાર્થી ભક્ત કહેવાય. ભગવાનમાં શ્રદ્ધા રાખીને બાધા-આખડી લઈએ તેમાં ખોટું નથી. પણ ફક્ત સ્વાર્થના હેતુથી જ ભગવાનને યાદ કરવા અને હેતુ પૂરો થાય પછી ભગવાનને ભૂલી જવું એ અર્થાર્થી ભક્તિ છે.
ત્રીજા છે જિજ્ઞાસુ ભક્ત. આ ભક્તોને ભગવાનના દર્શનની તાલાવેલી લાગે છે. તેમને કંઈક સાચું જાણવાની કામના હોય છે, ભગવાનની પ્રાપ્તિની જિજ્ઞાસા હોય છે. ભગવાન શું હશે? કેવા હશે? ક્યાં રહેતા હશે? શું કરતા હશે? શું નહીં કરતા હોય? એવા પ્રશ્નો તેમને ઊભા થાય છે. જે ભગવાનને સમર્પણ કરીએ છીએ, તેમને પૂરેપૂરા ઓળખવા માટે જિજ્ઞાસુ ભક્તો શોધમાં હોય છે. આગળ વધીને જેમને સંસારી ચીજ વસ્તુઓનો મોહ સંપૂર્ણ છૂટી ગયો હોય અને કેવળ આત્માને જ જાણવાની જ કામના હોય, તે તીવ્ર મુમુક્ષુતા કહેવાય છે.
આપણે જિજ્ઞાસુ ભક્તની જેમ ભગવાન પાસે બીજા કોઈ સાંસારિક લાભને બદલે, પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થાય તેવું માંગવું જોઈએ.
ભક્તિના પણ બે પ્રકાર છે, એક પરોક્ષ ભક્તિ અને બીજી પ્રત્યક્ષ ભક્તિ, જેને બીજા શબ્દોમાં પરા અને અપરા ભક્તિ કહે છે. આપણે પૂજાપાઠ, માળા, જપ-તપ કે ભક્તિ કરીએ તો એ પરોક્ષ ભક્તિ થાય છે. જ્યાં સુધી “તમે ભગવાન છો અને હું તમારો ભક્ત છું” એવો ભેદ છે, ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કહેવાય છે. જ્યારે આ ભેદ તૂટે છે ત્યારે પ્રત્યક્ષ ભક્તિ થાય છે. શ્રીકૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાનના જીવન ચરિત્રોની વાતો જાણીએ તો આપણને આનંદ થાય. એમ કરતા કરતા છેવટે આપણને એવો ઝબકારો થાય, કે એમને જે પદ પ્રાપ્ત થયું તે પદ મને પણ પ્રાપ્ત થાઓ.
પરોક્ષ ભક્તિ ખોટી નથી. એ પગથિયું છે. પરોક્ષ ભક્તિ કરતા કરતા લક્ષમાં હોવું જોઈએ કે મારો અંતિમ ધ્યેય પ્રત્યક્ષ ભક્તિ છે. આગળ વધીને જ્યારે હું પોતે જ આત્મા છું, એવો અનુભવ થાય ત્યારે પોતાના સ્વરૂપની ભજના થાય છે. તે અંતિમ પ્રકારની ભક્તિ છે અને એનાથી પૂર્ણાહુતિ થાય છે.
ચોથા પ્રકારના ભક્ત જ્ઞાની ભક્ત હોય છે અને તે સૌથી ઊંચા હોય છે. તેમને પોતાની અંદર બિરાજેલા ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો હોય, અને પછી તેઓ નિરંતર આત્મસ્વરૂપમાં જ રહેતા હોય. ત્યાં ભગવાન અને ભક્તમાં ફેર ના હોય. કારણ કે પરમાત્મા એ પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું ભાન નથી ત્યાં સુધી ભક્ત અને ભગવાન જુદા જુદા છે; પોતે પોતાનું સ્વરૂપ પામી લે તો તે જ પરમાત્મા છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાનીમાં અને મારામાં કોઈ ફેર નથી.
પરોક્ષ ભક્તિ હોય ત્યાં સુધી “ઓમ નમઃ શિવાય” બોલીએ. પછી જ્યારે પ્રત્યક્ષ ભક્તિ શરૂ થાય ત્યારે, પ્રકૃતિથી ભિન્ન એવો આત્મા મારી અંદર જ છે અને તે જ શિવ સ્વરૂપ છે, એવો ખ્યાલ આવે છે. પછી “ચિદાનંદરૂપઃ શિવોહમ્ શિવોહમ્” બોલાય છે. પરોક્ષ ભક્તિમાં “શ્રીકૃષ્ણ શરણમ્ મમઃ” કરતાં કરતાં છેવટે “અહમ્ બ્રહ્માસ્મિ” એમ પ્રત્યક્ષ ભક્તિ થાય છે.