Navtarang Magazine (Issue - 4) in Gujarati Magazine by Lax Somani books and stories PDF | નવતરંગ મેગઝીન - અંક 4

Featured Books
Categories
Share

નવતરંગ મેગઝીન - અંક 4

૧. શિલ્પકલાનો અજોડ નમૂનો :- રાણકી વાવ

​ગુજરાત એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ ભૂમિ છે. આ વાવ આપણા ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે. રાણકી વાવ એક અનમોલ રત્ન છે. આ વાવ માત્ર પાણીના સંગ્રહ માટેની નથી, પરંતુ સોલંકી વંશના સુવર્ણકાળની ભવ્ય શિલ્પકલાનું જીવતું પ્રતીક છે.

​રાણકી વાવનું નિર્માણ ૧૧મી સદીમાં થયું હતું. આ રાણકી વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવ પ્રજાના હિત માટે અને એક ભવ્ય સ્મારક તરીકે બંધાઈ હતી. આ વાવની પાછળ એક સુંદર હકીકત છે. સરસ્વતી નદીમાં એક જોરદાર પૂર આવ્યું અને કાંપની કારણે આ વાવ સદીઓ સુધી જમીનમાં દટાયેલી રહી. ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ૨૦મી સદીમાં ઉત્ખનન કરી ફરીથી તેને તેના અસલ સ્વરૂપમાં બહાર લાવવામાં આવી. તેના કારણે તે વાવનું શિલ્પકામ આજે પણ સુરક્ષિત અને અદ્ભુત દેખાય છે.

​રાણકી વાવ એ એક ભવ્ય અને વિશાળ વાવ માનવામાં આવે છે. આ વાવને 'જયા' પ્રકારની વાવ માનવામાં આવે છે. આ વાવ સાત માળની સંરચના ધરાવે છે જે સાત માળ ઊંડી છે. તે ઊંધા રાખેલા મંદિર તરીકે પ્રતીત થાય છે.

વાવની દીવાલ પર ૮૦૦ થી વધુ મુખ્ય શિલ્પો કંડારેલા છે, જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર ખૂબ જ સુંદર અને અદ્ભુત રીતે જોવા મળે છે. વાવના સૌથી નીચેના સ્તરે ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન હોય તેવી પ્રતિમા મન મોહી લે છે. આ વાવમાં અપ્સરાઓ, નાગકન્યાઓ, સોળ શણગાર સજતી સ્ત્રીઓ અને વિવિધ દેવ-દેવીઓની મૂર્તિઓ કળાની પરાકાષ્ઠા દર્શાવે છે.

​રાણકી વાવ એ ગુજરાત અને ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ છે. ૨૨ જૂન ૨૦૧૪ના દિવસે યુનેસ્કો (UNESCO) દ્વારા રાણકી વાવને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ₹૧૦૦ની નવી નોટની પાછળના ભાગે રાણકી વાવનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે.

​રાણકી વાવ એ પથ્થરો પર કંડારેલી કવિતા સમાન છે. પ્રાચીન ભારતના જળ વ્યવસ્થાપન અને એન્જિનિયરિંગનું આ અદ્ભુત ઉદાહરણ છે. ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીઓ રાણકી વાવને જોઈને એક અનેરો આનંદ પ્રાપ્ત કરે છે. આવા ઐતિહાસિક વારસાનું જતન કરવું એ આપણી ફરજ છે.

૨. અષાઢી બીજ — ભક્તિ અને કૃષિ સંસ્કૃતિનો ઉત્સવ :-

​અષાઢી બીજ એટલે હિન્દુ ધર્મ પ્રમાણે અષાઢ સુદ બીજનો દિવસ. આ પર્વ આખા ગુજરાતમાં અને ભારતના ઘેર-ઘેર તેમજ ગામોગામમાં ખૂબ જ ઉલ્લાસ સાથે ઉજવાય છે. આ દિવસની સાથે બે મહત્વના પક્ષો જોડાયેલા છે—કચ્છનું નવું વર્ષ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા! આ રથયાત્રા સૌથી મોટી ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે.

​કચ્છના સગા-સંબંધીઓ અને કચ્છી ભાઈ-મિત્રો અષાઢી બીજના દિવસે એકબીજાને "અષાઢી બીજ જો જોહાર" કહીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે. આનું ઐતિહાસિક મહત્વ પણ છે. ઇતિહાસ અનુસાર, કચ્છના રાજા જામ લાખા ફુલાણીના શાસનકાળ દરમિયાન ચોમાસાની શરૂઆત અને ધરતી પર વાદળોના આગમનને આધારે આ દિવસથી નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે.

​કચ્છ એક સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વરસાદનું ખૂબ મહત્વ હોય છે. આથી અષાઢી બીજના દિવસે ઘર પર ધ્વજ ચડાવીને પવનની દિશા જોઈને તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવતું હતું. આ દિવસે કચ્છી ઘરોમાં લાપસી બનાવવામાં આવે છે અને લક્ષ્મી પૂજન થાય છે, જેની સાથે વેપારીઓ ચોપડા પૂજન પણ કરે છે.

અષાઢી બીજ મુખ્યત્વે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ઓળખાય છે. આ દિવસે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની સાથે નગર પરિક્રમા કરવા નીકળે છે. ઓડિશાના પુરીમાં આવેલી જગન્નાથ પુરીની રથયાત્રા વિશ્વપ્રસિદ્ધ છે, જ્યાં લાખો લોકો રથનું દોરડું ખેંચી ધન્યતા અનુભવે છે.
​ભારતની સૌથી મોટી અને બીજા નંબરની રથયાત્રા ગુજરાતના અમદાવાદ (જમાલપુર) ના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા છે. આ દિવસે ભગવાનને મગ, જાંબુ, કાકડી અને મોળા દહીંનો વિશેષ પ્રસાદ ચડાવવામાં આવે છે અને ભક્તોને વહેંચવામાં પણ આવે છે.

​અષાઢી બીજ એ ધાર્મિક પર્વની સાથે સાથે કૃષિ સંસ્કૃતિ સાથે જોડાયેલું પર્વ છે. આ દિવસે ખેડૂતો હળ અને ખેતરનું પૂજન કરી ખેતર ખેડવાનું શરૂ કરે છે. અષાઢી બીજ એ નવી આશા, નવી શરૂઆત અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરનારો તહેવાર છે.

૩. ધરતીનો મહોત્સવ એટલે વરસાદ :-

​આ કુદરત એ સૌને માટે એક સુંદર ભેટ એટલે વરસાદ. ઉનાળાની ગરમી અને બફારા પછી એક નવો વળાંક આવે છે, જેમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે ત્યારે અંતરની અંદર અનેરો આનંદ આવે છે. વરસાદના છાંટા જ્યારે સૂકી ધરતી પર પડે છે અને તેની સુંદર મહેક આપણા મનને પ્રફુલ્લિત કરે છે.

​પ્રકૃતિ પોતાનું રૂપ વરસાદ આવતા બદલી નાખે છે. સુકાઈ ગયેલાં ઝાડ-પાન લીલાં થાય છે. નદી, નાળાં અને તળાવો પાણીથી છલકાઈ જાય છે. મોર પીંછા ફેલાવીને કળા કરીને નાચે છે. દેડકાઓનો ડ્રાવં-ડ્રાવં અવાજ ગુંજી ઊઠે છે. ચાતક પક્ષી ચોમાસાના વરસાદના પહેલા ટીપાંથી પોતાની તરસ છિપાવે છે. બાળકો વરસાદના પાણીમાં નાહીને અને કાગળની હોડી તરાવીને મજા માણે છે, અને વડીલો ચા અને ગરમાગરમ ભજીયાં ખાઈ મજા માણે છે.

​ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી ખેતી વધારે વરસાદ પર આધારિત હોય છે, તેથી વરસાદ એ ખેડૂતનો મિત્ર હોય છે. વરસાદ આવતા ખેડૂતોમાં ઉલ્લાસ આવે છે. બળદો અને ટ્રેક્ટર લઈને વાવણીના કામમાં લાગી જાય છે. વરસાદ સારો એટલે દેશ ની સમૃદ્ધિ સારી.

પૃથ્વી પર વરસાદ વગર જીવનની કલ્પના કરવી અશક્ય છે. તે સૃષ્ટિના ચક્રને ચલાવવા માટે અનિવાર્ય છે. આપણે પાણીનું મહત્વ સમજવું જોઈએ અને વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. વરસાદ એ ધરતી પર વરસતું ઈશ્વરનું વરદાન છે, જે માણસ માટે એક અદ્ભુત લહાવો છે.

​૪. જળ એ જ જીવન :-

​'જળ એ જ જીવન' — આ વાક્ય સાંભળતા જ આપણે નાનપણથી જ સમજતા આવ્યા છીએ કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ પાણી પર ટકેલું છે. મનુષ્ય, પશુ-પક્ષી કે વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર હોય છે. બ્રહ્માંડના અન્ય ગ્રહો પર પણ વિજ્ઞાનીઓ પાણીની શોધ કરી રહ્યા છે, કારણ કે જ્યાં પાણી છે ત્યાં જ જીવન શક્ય છે.

​આપણે સવારે ઊઠીએ ત્યાંથી લઈ રાત્રે સુઈએ ત્યાં સુધી પાણીની જરૂર હોય છે. સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી પાણી હોય છે. માનવ શરીરનો આશરે 60% થી 70% ભાગ પાણીનો બનેલો હોય છે. નાહવા, રાંધવા અને સ્વચ્છતા માટે પાણી અનિવાર્ય છે.

​ખેતી અને અન્ન માટે પણ પાણી ખૂબ જરૂરી છે. ભારત ખેતીમાં સંપૂર્ણપણે પાણી પર નિર્ભર છે. પાણી વિના ફળો, શાકભાજી કે કોઈ અનાજ ઊગી શકતા નથી અને આ અનાજ અને શાકભાજીને પકવવા માટે પણ પાણી જરૂરી હોય છે.

​આજના સમયમાં પૃથ્વી પર ભલે ૩% ભાગમાં (પીવાલાયક) પાણી હોય, પરંતુ તેમાંથી વાસ્તવિક ઉપયોગી મીઠું પાણી માત્ર ને માત્ર ૧% છે. વસ્તીવધારો, શહેરીકરણ અને પ્રદૂષણના કારણે આજે સમગ્ર દુનિયાભરમાં પાણીની ભયંકર તંગી વર્તાઈ રહી છે. નદીઓ સુકાઈ ગઈ છે અને ભૂગર્ભ જળના પાણી નીચા સ્તરે જઈ રહ્યા છે.

આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. બ્રશ કરતી વખતે પાણીનો નળ ચાલુ રાખવો નહીં, ટપકતા નળ તરત જ રિપેર કરવા જોઈએ. નદી કે તળાવમાં કચરો ન નાખવો જોઈએ જેથી પાણી પ્રદૂષિત ન થાય. હકીકતમાં, પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે.

​"જો પાણી બચાવશો, તો ભવિષ્ય બચશે"

​૫. ​ગુરુપૂર્ણિમા : જ્ઞાન અને કૃતજ્ઞતાનું મહાપર્વ :-

​અંધકારરૂપી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે ગુરુ છે. ગુરુના ઋણ સ્વીકારનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આખા ભારતમાં આ પર્વ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે. આ દિવસને 'વ્યાસ પૂર્ણિમા' પણ કહે છે.

​આપણી ભારતીય પરંપરા મુજબ આ દિવસે મહાભારત, અઢાર પુરાણ અને ચાર વેદોનું વર્ગીકરણ કરનાર મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેમને સંસ્કૃત જગતના પ્રથમ ગુરૂ માનવામાં આવે છે. તેમણે આપણને જીવવાનો સાચો રસ્તો અને અદ્ભુત જ્ઞાન આપ્યું છે, તેથી તેમના સન્માનમાં આ દિવસને વ્યાસ પૂર્ણિમા કહે છે.

​આપણી ભારતીય પરંપરામાં ગુરુને ત્રિદેવ માનવામાં આવે છે. આ દિવસે શિષ્યો અને વિદ્યાર્થીઓ પોતાના ગુરુના આશ્રમે અથવા ઘરે જઈને તેમના ચરણ સ્પર્શ કરે છે, તેમનું પૂજન કરીને યથાશક્તિ ભેટ આપે છે. આ દિવસે શાળા-કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાય છે. ધાર્મિક આશ્રમોમાં ગુરુગાદીની પૂજા થાય છે, અને તેની સાથે ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન પણ થાય છે. આ પવિત્ર દિવસે આપણે આપણા માતા-પિતાનું પણ પૂજન કરવું જોઈએ, કારણ કે માતા-પિતા એ આપણા પહેલા ગુરુ છે.

​આજના સમયમાં ખૂબ જ આધુનિકતા આવી હોવા છતાં ગુરુનું સ્થાન કોઈ લઈ શકે નહીં. ગુરુ માત્ર અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તે આપણને જીવવાનો સાચો અને શ્રેષ્ઠ રસ્તો બતાવે છે અને મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર નીકળવું તે પણ શીખવે છે.ગુરુપૂર્ણિમા એ માત્ર એક તહેવાર નથી, પણ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતો તહેવાર છે.

​૬. ચોમાસામાં રોગથી દૂર રહો :-

​ગરમી પૂરી થતાં જ વરસાદ શરૂ થાય છે અને તે વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે. તેથી કોલેરા, ટાઈફોઈડ અને કમળો જેવી બીમારીઓ થાય છે. આવી બીમારીઓના કારણે લોકો માંદા પડે છે અને ચોમાસાની મજા માણી શકતા નથી. આ વરસાદમાં આપણે એક સુંદર તાજગીથી આનંદ માણવો જોઈએ.

​ચોમાસામાં આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ચોમાસામાં હળદર, આદું, લસણનો ઉપયોગ વધારે કરવો. હળદર એ આપણા શરીરનું ઇન્ફેક્શન ઘટાડે છે. આદુંમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લસણ વાયરસ અને બેક્ટેરિયા સામે લડત આપે છે. આ ચોમાસાની ઋતુમાં સફરજન, નાશપતિ અને દાડમ જેવાં ફળો ખાવાં જોઈએ, અને દૂધી, ગલકાં, તુરિયાં જેવાં શાકભાજી આ ઋતુમાં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એક બાબત એ કે ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી જેવા કે તાંદળજો, પાલક ખાવાનું ટાળવું જોઈએ, જેમાં કોઈ નાના જીવજંતુ હોય છે.

​ચોમાસામાં હોટેલ કે બહારનો ખોરાક ખાવાનું ટાળવું અને ઈચ્છા હોય તો હાઈજીનિક રેસ્ટોરન્ટમાં જ જમવું, જેથી શરીરમાં કોઈ બીમારી ન આવે. જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ફૂડ પોઈઝનિંગ, ડાયેરિયા કે કમળો થવાની શક્યતા વધી જાય છે.

​આ ઋતુમાં શુદ્ધ અને ઉકાળેલું પાણી જ પીવું જોઈએ અને પાણી પણ વધારે પીવું જેથી શરીર ડિહાઇડ્રેટ ન થાય. પાણી ઉકાળો એટલે પોચું પડે છે અને પાણીમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે.

​ચોમાસું એ આનંદ માણવાની ઋતુ છે, નહીં કે બીમાર પડવાની! ખાણી-પીણીમાં અને દિનચર્યામાં ફેરફાર કરશો એટલે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.

૭. સુંદર જીવનની ચાવી : સંતોષ :-

એક કહેવત છે કે, "સંતોષી નર સદા સુખી". આ કહેવત આજના યુગમાં પણ એટલી જ સાચી છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ પાસે બધું જ હોવા છતાં તે કંઈક નવું મેળવવા માટે દોડધામ કરતો હોય છે. તેની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી હોતો. એક ઈચ્છા હજુ પૂરી જ થઈ હોય, ત્યાં બીજી ઈચ્છા તે વ્યક્તિના મગજમાં જન્મ લઈ લે છે.

​આજના સમયમાં આપણે માનસિક રીતે દુઃખી છીએ તેનું મુખ્ય કારણ એ છે કે આપણે આપણી સરખામણી બીજા સાથે કરીએ છીએ; પછી તે આવડતની દ્રષ્ટિએ હોય કે ભૌતિક સુખ-સુવિધાઓની દ્રષ્ટિએ હોય. આપણી પાસે જે છે તેનો આનંદ લેવાને બદલે આપણે દુઃખી થઈએ છીએ, પણ સંતોષી વ્યક્તિ ક્યારેય પોતાની જાતની સરખામણી બીજા સાથે કરતી નથી. સંતોષનો અર્થ એ નથી કે પ્રગતિ ન કરવી, પણ તેનો અર્થ એ છે કે તમારી પાસે અત્યારે જે કંઈ છે, તેમાં તમે ખુશ અને આનંદમાં રહો.

​જો તમે દિવસ દરમિયાન ભગવાન અને કુદરતનો આભાર માનશો કે તેમણે આટલું સુંદર જીવન, ખાવા માટે અન્ન, રહેવા માટે ઘર અને આટલો સુંદર પરિવાર આપ્યો છે, તો તમને આપોઆપ સંતોષનો અનુભવ થશે. માનસિક ચિંતા અને અદેખાઈથી તમે જેટલા દૂર રહેશો, એટલા જ તમે સકારાત્મક વિચારવાળા અને તણાવમુક્ત બનશો.

​સાચું સુખ ભૌતિક વસ્તુઓ ખરીદવામાં નથી, પણ તમારી પાસે જે છે તેમાં આનંદથી રહેવામાં છે. સંતોષ એ કોઈ બહારથી મળતી વસ્તુ નથી, એ આપણા મનની એક સ્થિતિ છે. જે દિવસે તમે મનથી સંતોષી બની જશો, તે જ દિવસથી જિંદગીનો અસલી આનંદ શરૂ થઈ જશે.

૮. આધુનિકતા અને ગૌરવ નું પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી :-

ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં નો ઇતિહાસ સંસ્કૃતિ પ્રકૃતિ અને આધુનિકતા ખૂબ સુંદર મજાની જોવા મળે છે. પણ આ વરસાદી ઋતુમાં પ્રવાસીઓ માટેનું એક સુંદર સ્થળ જ્યાં છતાં ની સાથે જ આનંદ અને મોજના દોરા છૂટવા માંડે એવી જગ્યા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. 

વિશ્વની સૌથી મોટી પ્રતિમા જે સરદાર વલ્લભભાઈ પટેલ ની છે જેની 182 મીટર છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જોવાલાયક ઘણું બધું છે. અહીંનું મુખ્ય આકર્ષણ લેઝર લાઇટ શો, વેલી ઓફ ફ્લાવર્સ અને ક્રુઝ રાઈડ છે. આ સુંદર સ્થળ નર્મદા નદી ના કિનારે આવેલું છે અને આમ તો કેવડિયા ના નામે પણ ઓળખાય છે. 

આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક સ્મારક નથી પણ અખંડિતતા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની સાચી શ્રદ્ધાંજલિ છે. આ સ્મારક એ આધુનિક સ્તરે ભારતનીઆધુનિકતા, ઇજનેરી કૌશલ્યનું પ્રતીક બની ચૂક્યું છે.
આ સ્મારક એ પાંચ વર્ષ થી પણ ઓછા સમયમાં બનાવવામાં આવ્યું છે ગમે તેટલું ભયંકર વાવાઝોડાનો વેગ હોય કે પછી પ્રચંડ ધરતીકંપ હોય તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેને કશું પણ થાય નહીં. 
 
આ કેવડિયા ( સ્ટેચ્યુ ઓફ યુનિટી ) એ ટુરિસ્ટ લોકોનું આકર્ષણનું સ્થળ બની ગયું છે. આ પ્રતિમાની અંદર૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલી ગેલેરીમાંથી નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને સાતપુડા-વિંધ્યાચલ પર્વતમાળાઓનો અદભુત નજારો જોવા મળે છે. અહીં આવેલી જંગલ સફારી એ અહીંનું એક સુંદર આકર્ષણ બની ગયું છે. આની અંદર ઈ રીક્ષા અને ઈ વિહિકલ ચાલે છે. જે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ અને ગ્રીન એનર્જી તરફનું કદમ દર્શાવે છે.

આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ કોઈ પથ્થર કે ધાતુનું સ્મારક માત્ર દર્શાવતું નથી પણ તે ભારતનો ભવ્ય ભૂતકાળ અને આધુનિક ભવિષ્ય દર્શાવતી એક સાંકળ છે. તો આ સ્થળની મુલાકાત અચૂક લેવી જોઈએ.

૯. ધીરજ: જીવનની સર્વશ્રેષ્ઠ મૂડી :-

લોકો કહે છે કે, " ધીરજના ફળ મીઠા હોય છે ". આ વાત એકદમ સાચી છે આ વાત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ પણ આ વાત આપણા જીવનનું સંપૂર્ણ રહસ્ય પ્રસ્તુત કરે છે. આજના આધુનિક યુગમાં લોકોને બધું જ ઝડપથી મેળવવું છે જેમ કે એક ક્લિક ઉપર જમવાનું ઘરે આવી જાય, ફટાફટ વાત થઈ જાય. આ એક જોતા સારી વાત છે પણ આજના યુગમાં એ ધીરજનો ગુણ લુપ્ત થઈ ગયો છે.

ધીરજ એટલે માત્ર શાંતિથી બેસવું કે રાહ જોવી તે નહીં પણ કોઈ પણ પરિસ્થિતિ ની અંદર આપણે સકારાત્મક વિચારથી જીવવું અને ક્રોધિત, વિચલિત કે ભ્રમિત થવું નહીં એટલે ધીરજ. ધીરજતા એટલે કોઈ નબળાઈ નથી પરંતુ આંતરિક શક્તિ ની મહાનતા દર્શાવે છે. જે વ્યક્તિ ધીરજતાથી કામ કરતો હોય તેની માનસિક તણાવ હોતો નથી તે આનંદથી કામ કરતો હોય છે અને સહેજ પણ ગુસ્સો કરતો નથી.

આપણા સપનાઓ અને આપણા લક્ષ્યો ખૂબ ઊંચા હોય છે પણ તે એક રાત માં પુરા પણ થતા નથી. કોઈપણ મહાન વ્યક્તિ હોય કલાકારો હોય ઉદ્યોગપતિ હોય તેનો અથાગ પ્રયત્નો અને મહેનતથી અને આટલા વર્ષોની ધીરજ પછી તેને સફળતા મળતી હોય છે. ઘણીવાર સંબંધોમાં પણ એવું થતું હોય છે કે સામેવાળી વ્યક્તિ આપણને સમજતી નથી પણ તે વ્યક્તિ ની સાથે થોડુંક સમય વિતાવ્યા પછી અને ધીરજતાથી તે સંબંધ તે વ્યક્તિ સાથે સારો બનતો હોય છે.

આપણે જ્યારે ઉતાવળમાં કોઈપણ ડગલું ભરીએ છીએ તે હંમેશા નકારાત્મક તરફનું જ હોય છે કેમકે કોઈ પણ સફળતા પાછળ ધીરજ મહત્વની હોય છે. અને ઉતાવળમાં આપણું મગજ યોગ્ય રીતે વિચારી શકતો નથી તેના કારણે આપણે કંઈક ખોટું કરી દેતા હોઈએ છીએ. આપણને ધીરજ નું સૌથી મોટું ઉદાહરણ પ્રકૃતિ પાડે છે કે બીજ વાવો એના પછી અથાગ મહેનત અને પ્રયત્ન પછી તે મોટું વટ વૃક્ષ બનતું હોય છે તેમ આપણે જે તે ક્ષેત્રની અંદર સફળ બનવા માટે અનંત પ્રયાસ કરવો જરૂરી છે અને ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી છે.

આપણે તાત્કાલિક પરિણામો મેળવવાને બદલે ભવિષ્યનું વિચારીને કોઈપણ ક્ષેત્રની અંદર ડગલું ભરવું જોઈએ જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી નો સામનો આપણે કરવો પડે નહીં. જીવનમાં રોજ 10 થી 15 મિનિટ ધ્યાન કરો એનાથી મગજ શાંતિ પ્રાપ્ત કરે. ધીરજ એ આપણને પરિપક્વ બનાવે છે ભલે ધીરજ કડવી હોય પણ તેના પરિણામ ભવિષ્યમાં મીઠા જ હોય છે.