Let's go for a walk - Shialbet in Gujarati Travel stories by Tr Mrs Snehal Rajan Jani books and stories PDF | ચાલો ફરવા જઈએ - શિયાળબેટ

Featured Books
Categories
Share

ચાલો ફરવા જઈએ - શિયાળબેટ

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- શિયાળબેટ

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.





એક સમય હતો જ્યારે બાળકને એમ પૂછવામાં આવે કે, "વેકેશનમાં ક્યાં જવું છે?" તો લગભગ દરેક બાળકનાં મોંમાંથી એમ જ નીકળતું, "મામાનાં ઘરે." પરંતુ સમય સાથે બાળકોની માનસિકતા પણ બદલાતી ગઈ. સમય ગમે એટલો બદલાય પણ બાળકોને મામાનાં ઘર પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઘટવાનો નથી. છતાં પણ આજનું બાળક કોઈનાં પણ ઘરે જવા પહેલાં ક્યાંક ફરવા જવાનું સૂચન પહેલાં કરે છે. ક્યારેક પહાડો પર, તો ક્યારેક કુદરતી સૌંદર્ય માણવા, ક્યારેક તીર્થસ્થાનોએ તો ક્યારેક વળી વિદેશ પ્રવાસ માટે માંગણી કરે છે.



પરંતુ જો માતા પિતા તરીકે તમારે બાળકને ખરેખર એને મજા પડી જાય એવી જગ્યાએ લઈ જવું હોય તો શક્ય હોય ત્યાં સુધી ઓછી જાણીતી જગ્યાએ લઈ જવાનું વિચારી શકો. ચોક્કસથી બાળકને ત્યાં ફરવાની વધારે મજા આવશે. આ લેખમાં હું આવી જ એક સુંદર પરંતુ ઓછી જાણીતી જગ્યા ' શિયાળબેટ' વિશે ચર્ચા કરીશ.



મારા અન્ય લેખોની જેમ આ લેખની માહિતિ પણ ઈન્ટરનેટ પરથી લીધી છે.



ગુજરાતમાં સૌથી વધારે દરિયાઇ વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર ખાતે આવેલું જાફરાબાદનું શિયાળ બેટ એક એવું સ્થળ છે જે તેની દરિયાકાંઠાની સૌંદર્યતા માટે જાણીતું છે. પરંતુ તે જોઈએ તેટલું ચર્ચામાં આવ્યું નથી.



શિયાળ બેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયલો પ્રદેશ છે. ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં માત્ર દરિયાઈ માર્ગે હોડી કે બોટ થકી જ જઈ શકાય છે. ચારે તરફ ખારું પાણી હોવા છતાં ત્યાં મીઠા પાણીના કુવા અને વાવ છે. કહેવાય છે કે, શિયાળ બેટમાં લોકોને ચોરીનો ભય જ નથી. તેથી તેઓ ક્યારેય પણ ઘરને તાળું મારતા નથી.



શિયાળ બેટ એક જમાનામાં જહોજલાલી ધરાવતી સમૃદ્ધ નગરી હતી. ગુજરાત જેનું ગૌરવ કરે છે તે વનરાજ ચાવડાના વંશજ અનંત ચાવડા નામના રાજાએ સિંહલદ્વીપ નામની સમુદ્ર નગરીનું નિર્માણ કર્યું હતું. આ નગરીમાં ઉચ્ચ પ્રકારનાં બાંધકામ, ગગનચુંબી મંદિરો, વિવિધ વાવ, ધર્મશાળા અને પ્રજાના રક્ષણ માટે કિલ્લા, ચાર દરવાજા, બે ડોકાબારી, મોટા બુગદાઓ સહિતનો કિલ્લો બાંધીને આધુનિક સવલતો ઉભી કરી હતી.



શિયાળબેટમાં ગંગાવાવ નામનું પ્રાચીન તળાવ આવેલું છે. ચેલૈયાનો ખાંડણિયો, ગોરખનાથની મૂર્તિ અને આશ્રમ, ગણપતિબાપા તથા હનુમાનજી અને જૈન ધર્મના નેમિનાથ અને પાર્શ્ર્વનાથની અમૂલ્ય મૂર્તિઓ પણ છે. ઉપરાંત અબુપીર અને સવાઈદુલા નામના મુસ્લિમ ઓલિયાની કબરો અને ભેંસલાપીર આવેલા છે. પરંતુ કાળની થપાટ અને કોઈક કારણોસર આ સમૃદ્ધ વિસ્તાર હાલમાં જે સ્થિતિમાં છે એવો થઈ ગયો છે.



આ ગામનું નામ શિયાળબેટ હોવાં છતાં અહીંયા શિયાળ જોવા પણ મળતું ન હતું. પરંતુ એક સમયે અચાનક જ અહીં શિયાળનું ટોળું નજરે પડ્યું.



શિયાળબેટ પર રહેતાં સ્થાનિક લોકો કહે છે કે, બે દાયકા પહેલા શિયાળબેટ પર એક પણ શિયાળ નહોતુ પણ અત્યારે શિયાળબેટ પર અંદાજિત 100થી પણ વધુ શિયાળ (Jackals) જોવા મળે છે.



શિયાળબેટ રહેતા ચિથરભાઇ શિયાળે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “અમારા અંદાજ પ્રમાણે શિયાળબેટ પર 100થી વધુ શિયાળ જોવા મળે છે. મારી ઉંમર 55 વર્ષની છે. બે દાયકા પહેલા શિયાળ અહીંયા જોવા મળતા નહીં. એક શક્યતા એવી છે કે, રાજુલાની બાજુમાંથી પસાર થતી એક નદી દરિયામાં મળે છે તેના પ્રવાહમાં તણાઇને આવ્યા હોય અને એ રીતે શિયાળબેટ પર પહોંચી ગયા હોય. અહીંયા લોકો શિયાળને હેરાન કરતા નથી કે મારતા પણ નથી. એટલે શિયાળની વસ્તી સતત વધ્યા કરે છે. તેમને રહેવા માટે અનુકૂળ ઝાડી-ઝાંખરા અને બાવળની ઝાડી છે, જેમાં શિયાળ રહે છે.” શિયાળબેટ પર રહેતા લોકો કહે છે કે, ઘણી વખત શિયાળ તેમની શેરીઓમાં જોવા મળે કે વહેલી સવારે ઘરની બહાર રાખેલા વાસણ ફંફોસતા જોવા મળે.


"શિયાળની સાથે સાથે જંગલી ભૂંડ પણ આવી ગયા છે અને જંગલી ભૂંડને કારણે ખેતી કરી શકાતી નથી. 200 વીધાથી વધુ ખેતી લાયક જમીન હવે એમ જ પડી છે, તેના પર બાવળ ઉગી ગયા છે અને જંગલ જેવું થઇ ગયું છે, આથી જંગલી ભૂંડ અને શિયાળની સંખ્યા વધ્યા કરે છે.” ચિથરભાઇ શિયાળે વધુ માહિતી આપતા કહ્યું.



વન્યપ્રાણી સંરક્ષણ સાથે સંકળાયેલા લોકો કહે છે કે, શિયાળનાં ખોરાકમાં ઘણી વિવિધતા છે જેના કારણે તે ગમે ત્યાં જીવી શકે છે.



“શિયાળ પ્રાણી એક રીતે સ્કેવેન્જીંગ એનિમલ છે. તેનાં ખોરાકમાં વિવિધતા છે. ગરોળી, ઉંદર, પક્ષીઓ, મરેલી માછલીઓ સહિતની વસ્તુઓ તેના ખોરાક (ડાયેટ)નો ભાગ છે. આવા કારણોસર શિયાળને શિયાળબેટ પર ખોરાક મળી રહેતો હોય એટલે તેની સંખ્યા વધતી હોય એમ બને”



આ લેખની હવે પછીની માહિતિ BBCનાં જે વેબપેજ પરથી લીધી છે તે દરેક બાબત કોઈ પણ જાતનાં ફેરફાર વગર રજુ કરી રહી છું. ઉપરાંત જે માહિતિ થકી વિવાદ ઉભો થઈ શકે એને મેં અવગણી છે.



સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા શિયાળબેટ નામના ટાપુમાં રહેતા લોકોને રાહત દરનું અનાજ મેળવવા માટે લાંબી સફર ખેડવી પડે છે. શિયાળબેટના રહેવાસીઓએ સસ્તાની અનાજની દુકાનથી રેશન લેવા 40 કિમી દૂર જાફરાબાદ જવું પડે છે. જાફરાબાદ જઈને પાછા આવવાનું ભાડું જ 200 રૂપિયા થઈ જાય અને એક દિવસની મજુરી પણ ગુમાવવી પડે છે.



શિયાળબેટ ટાપુ પર રહેતા 60 વર્ષીય ઘેલાભાઈ શિયાળે ઘણા સમયથી રેશનકાર્ડ પર મળતું રેશન લેવાનું બંધ કરી દીધું છે. તેઓ એકલા રહે છે અને અશક્ત છે અને રેશનની દુકાન (સરકાર માન્ય સસ્તાં અનાજની દુકાન) 40 કિલોમીટર દૂર જાફરાબાદમાં આવેલી છે. આટલે દૂર તેઓ જઈ શકે તેમ નથી.



કુલ 12 હજારની વસ્તીમાંથી શિયાળબેટમાં હાલ અંદાજિત ત્રણ હજાર જેટલા લોકો રહે છે. ઘેલાભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "થોડાં વર્ષો પહેલાં શિયાળબેટમાં જ સસ્તા અનાજની દુકાન બને એ માટે મેં લડત ચલાવી હતી. જો સરકાર સસ્તા અનાજની દુકાન શિયાળબેટમાં કરે, તો લોકોને સગવડ રહે અને ગરીબ માણસોને ઘઉં, ચોખા, કેરોસીન વગેરે સસ્તા ભાવે તેમનાં ઘર આંગણે મળી રહે. જોકે, હજુ સુધી અમારી આ માંગણી સંતોષાઈ નથી. હું થાકી ગયો છું.''



પીપાવાવ પોર્ટની સામે આવેલા શિયાળબેટની બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી હતી. સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી, તેમને મૂંઝવતા પ્રશ્નોની જાણકારી મેળવી. શિયાળબેટની કુલ વસ્તી 12 હજારની આસપાસ છે. તમામ વસ્તી કોળી સમાજની છે. મોટાભાગનાં લોકો માછીમારી કરે છે.



કુલ 12 હજારની વસતિમાંથી શિયાળબેટમાં હાલ અંદાજિત ત્રણ હજાર જેટલા લોકો રહે છે. બાકીનાં લોકો જાફરાબાદમાં રહે છે અને માછીમારીનાં ધંધા સાથે જોડાયેલા છે. ચોમાસામાં માછીમારીની સિઝન બંધ થાય એટલે આ બધા લોકો શિયાળબેટ પાછા આવે છે.



શિયાળબેટ જવા માટે પીપાવાવ પોર્ટની અંદરથી પસાર થવું પડે છે અને દરિયાકાંઠેથી બોટમાં બેસીને સામે આવેલા શિયાળબેટ પર જવાય છે. શિયાળબેટના રહેવાસીઓને જો શિયાળબેટથી માત્ર સામેકાંઠે જઈને પાછાં આવવું હોય તો પણ જવા-આવવાના વીસ રૂપિયા ખર્ચવા પડે છે.



પાણીબહેન શિયાળ કહે છે, "અમે ગરીબ છીએ એટલે સરકારી રેશનની દુકાનનું અનાજ લેવું પડે છે. એ લેવા માટે, જો અમે જાફરાબાદ જઈને પાછાં આવીએ તો, બસો રૂપિયા તો માત્ર જવા-આવવાનું ભાડું જાય અને ત્રણસો રૂપિયાની રોજી ગુમાવવી પડે એ તો અલગ. તો તમે કહો, આ સસ્તું અનાજ અમને સસ્તું પડે કે મોંઘું?"



અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી (ઇન્ચાર્જ) વી. એમ. પ્રજાપતિનો સંપર્ક કરતા તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સસ્તા અનાજની દુકાન શિયાળબેટમાં બને એ અંગેની પ્રક્રિયા ચાલુ છે અને વહીવટીતંત્ર આ અંગે હકારાત્મક છે.



સ્થાનિક રહેવાસી જંડુરભાઇ કહે છે, "વર્ષો પહેલાં શિયાળબેટના તળમાં મીઠું પાણી હતું, પણ હવે એ તળનું પાણી ખારું થઈ ગયું છે. ખેતી નષ્ટ થઈ ગઈ છે, એટલે માછીમારી કરવા જાફરાબાદ જવા સિવાય છૂટકો નથી.”



તમામ માહિતિ ઈન્ટરનેટ પરથી લેવાઈ હોવાથી એની સત્યાર્થતા વિશે ચોક્ક્સ કહી શકું નહીં. આ બદલ ક્ષમા.🙏



આભાર.

સ્નેહલ જાની