શુક્રવારનો દિવસ હતો. સવારના લગભગ નવ વાગ્યા હશે. સ્ટેશનના પ્લેટફોર્મ પર ઠંડી હવા વાતી હતી. હું એક ખાલી બેન્ચ પર બેઠો હતો. મારી સામે જ મનોજભાઈ અને ગોપાલ સાહેબ પણ બેઠા હતા, બંનેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.
અચાનક ગોપાલ સાહેબે લાંબો નિસાસો નાખ્યો અને બોલ્યા, "આજકાલ છોકરીઓને ભણાવવી એ ખરેખર ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ થઈ પડ્યું છે!"
મનોજભાઈએ તરત જિજ્ઞાસાથી પૂછ્યું, "કેમ સાહેબ? શું થયું અચાનક?"
ગોપાલ સાહેબે પોતાનો ચશ્મો સરખો કરતા કહ્યું, "અરે, આ ટ્રેનો, આ મુસાફરી... છોકરીઓને બહાર ભણવા મોકલવાની ચિંતા જ કંઈક અલગ હોય છે. મારી પોતાની દીકરીનું બરોડાની નર્મદા યુનિવર્સિટીમાં એડમિશન થયું છે. ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. પણ મારું મન એક ક્ષણ માટે પણ શાંત નથી રહેતું."
એ બોલતા ગયા અને એમની ચિંતા વધતી ગઈ, "મારી દીકરીની શાળાની એક મિત્ર છે, શારદા. એણે કિંમત યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો છે. એને રોજ અપ-ડાઉન કરવું પડે છે. ચોમાસામાં તો હાલત ખરાબ. ટ્રેનો રદ થઈ જાય. ક્યારેક ગુજરાત ક્વિન મોડી પડે, ક્યારેક વલસાડ ઇન્ટરસિટી. આવતી વખતે દહાણુ રોડની લોકલ તો રદ જ હોય. મારું માનવું છે કે છોકરીઓને શક્ય હોય તો લોકલ ટ્રેનમાં ન બેસાડવી જોઈએ. એક્સપ્રેસમાં મુસાફરી કરે તો ઓછામાં ઓછી સલામતી રહે."
આટલું બોલીને ગોપાલ સાહેબ વિચારોમાં ખોવાઈ ગયા. સવારનો એ ચિંતાગ્રસ્ત સંવાદ ત્યાં જ પૂરો થયો અને બધા પોતપોતાના કામે વળગ્યા.
---
બપોર પડી. શુક્રવાર એટલે અમારો નિત્યક્રમ નિશ્ચિત. હું, સૈયદ કાકા, લબીબ સર અને એતેસામ સર નમાજ માટે નીકળ્યા.
પાર્કિંગ પ્લોટમાં હું અને સૈયદ કાકા પહેલા આવીને બેસી ગયા. થોડી જ વારમાં લબીબ સાહેબે એમની સફેદ ફોરવીલર સ્ટાર્ટ કરી. સૈયદ કાકાએ મને કહ્યું, "ચાલ, આપણે પાછળની સીટ પર બેસી જઈએ."
ગાડીની ચાવી ફેરવતા પહેલા જ મેં નજર ઉઠાવી. સામેથી માધુરી અને ઐશ્વર્યા વાતો કરતી-કરતી પસાર થઈ ગઈ. પણ બંનેમાંથી એકેયની નજર મારા પર ન પડી. એ અજાણ્યા પસાર થઈ જવાનો અહેસાસ મને અંદર સુધી વીંધી ગયો. એક હળવી, શબ્દવિહીન ઉદાસીનતા મનમાં છવાઈ ગઈ.
અમે ત્રણેય ગાડીમાં ગોઠવાયા. લબીબ સરે સ્ટિયરિંગ સંભાળતા કહ્યું, "પહેલા એતેસામ સરને યુસી બિલ્ડિંગમાંથી લઈ લઈએ. શુક્રવારે આપણે હંમેશા એમ જ કરીએ છીએ."
યુસી બિલ્ડિંગના દરવાજા પાસેથી એતેસામ સર ગાડીમાં બેઠા. હવે એક જ સભ્ય બાકી હતો - જાવેદ સર. એતેસામ સરે કહ્યું, "આજે જાવેદભાઈનો જન્મદિવસ છે. એ આવશે તો ગાડીમાં થોડી ભીડ વધી જશે."
લબીબ સરે તરત ફોન જોડ્યો. સામેથી જવાબ આવ્યો, "આજે હું નસીર સર સાથે આવીશ."
બસ, પછી ગાડીએ સુરતની ગીચ ગલીઓ છોડી અને ડુમસ તરફ માર્ગ પકડ્યો. કાચમાંથી બહારનું દૃશ્ય બદલાતું હતું, અને અંદર વાતચીતનો દોર બંધાતો હતો.
રસ્તાની બાજુમાં ઢગલાબંધ કચરો જોઈને લબીબ સરનું મન ખળભળી ઉઠ્યું. એ બોલી પડ્યા, "સુરત સ્વચ્છ શહેર હોવાના કેટલા મોટા દાવા કરે છે! અને ડુમસ જેવો આંતરાષ્ટ્રીય દરિયાકિનારો... અહીં પણ આટલી બેફિકરાઈથી ગંદકી?"
સૈયદ કાકાએ ગંભીરતાથી હકારમાં માથું હલાવ્યું, "તમે એકદમ સાચું કહ્યું લબીબભાઈ. આમ ન થવું જોઈએ."
થોડી ક્ષણોની શાંતિ પછી વાતનો વિષય બદલાયો અને સીધો અમારા કામકાજ પર આવ્યો.
લબીબ સરે સૈયદ કાકા તરફ ફરીને પૂછ્યું, "સૈયદ સર, સાંભળ્યું છે કે સેફટી ઓફિસરનું કામ ખૂબ જ પીડાદાયક હોય છે. તમને શું લાગે છે?"
સૈયદ કાકા હળવું હસ્યા અને એમના અનુભવની પેટી ખોલી, "મારા મતે તો સેફટી ઓફિસર એવા જ લોકો બને છે જે જિંદગીમાં બધી બાજુથી નિરાશ થઈ ગયા હોય. કારણ કે એમનું આખું કામ જ ભૂલો શોધવાનું છે. એટલે જીવનમાં જે કડવાશ સહન કરી હોય, એ બીજાને હેરાન કરવામાં કાઢે."
"મારી જ વાત કરું ને. શરૂઆતમાં મને JDU પ્લાન્ટમાં ફાળવ્યો હતો. ત્યાં તો મોબાઇલનું નેટવર્ક નામમાત્રનું પણ નહોતું. આખો દિવસ સમય કેમ કાઢવો? હું કંટાળી ગયો અને રાકેશ સર પાસે ફરિયાદ લઈને ગયો. તો એમણે મારો ઉકેલ એકદમ સરળ કાઢ્યો. મને JDUમાંથી હટાવીને સીધો સેફટી ઓફિસર બનાવી દીધો."
"હવે મને પૂરેપૂરી સત્તા મળી ગઈ. મેં એક જ દિવસમાં 11 જેટલી ભૂલોની યાદી બનાવી નાખી. સૌથી મોટી ભૂલ એ હતી કે મુખ્ય રસ્તા પર તેલથી ભરેલા બેરલ આડા-અવળા પડ્યા હતા. એના કારણે આવતા-જતા કર્મચારીઓ અને વાહનોને ભારે તકલીફ પડતી હતી. મેં સૌથી પહેલા એની જ ફરિયાદ કરી."
"તો રાકેશ સર શું બોલ્યા? કહે, 'તમારે ફિલ્ડમાં ફરવાની જરૂર નથી. તમે બેસીને ફક્ત ભૂલો જ કાઢો. જોઈએ તો હું તમને CCTVની સ્ક્રીન પણ આપી દઉં. અને આ બેરલની વાત કરો છો? તો આ બેરલ તમે જાતે હટાવી દો.'"
"મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'હું કેમ હટાવું સર? મારી ઉંમર જુઓ. હું 63 વર્ષનો માણસ છું. મારામાં એટલી શારીરિક તાકાત નથી કે હું તેલથી ભરેલું બેરલ ખસેડી શકું!'"
"છેવટે એમણે રસ્તો કાઢ્યો. બોલ્યા, 'ઠીક છે. તમને SRU પ્લાન્ટમાં મૂકી દઉં છું. ત્યાં મોબાઇલનું નેટવર્ક પણ સારું મળશે. પણ એક શરત છે, ત્યાં ખુલ્લી હવામાં સલ્ફરની ધૂળ ઉડે છે. એટલે તમારે પૂરતું ધ્યાન રાખવું પડશે અને હંમેશા ગેસ માસ્ક પહેરી રાખવો પડશે. તમારા માટે અલગ ઓફિસની વ્યવસ્થા પણ કરી આપું છું. ત્યાં બેસીને આરામથી કામ કરજો. પણ સલ્ફર તમારા શ્વાસમાં ન જાય એનું ખાસ ધ્યાન રાખજો.'"
"મેં કહ્યું, 'ભલે સર, એમ જ કરીશ.' ચિરાગ સરે પણ મને આશ્વાસન આપ્યું, 'જો ક્યારેય ન ફાવે તો મને તરત જાણ કરજો. હું તમને બીજા કોઈ પ્લાન્ટમાં ટ્રાન્સફર કરી આપીશ.'"
આમ, એમની ઓફિસની ખટપટ ત્યાં પૂરી થઈ. ગાડી ડુમસની નજીક પહોંચી રહી હતી.
---
નમાજ અદા કર્યા પછી અમે બધા મસ્જિદના દરવાજા બહાર ભેગા થયા. તેઓ બધા જૂના સાથી હતા અને હું એમની વચ્ચે એકલો નવો હતો.
એટલામાં અનીસ સર ધમાકેદાર એન્ટ્રી સાથે આવી પહોંચ્યા. એમણે પહેલા લબીબ સરને ઉપરથી નીચે સુધી જોયા અને પછી મારા તરફ આંગળી ચીંધીને પૂછ્યું, "અને આ ભાઈ કોણ છે?"
ત્યારે લબીબ સરે મારો પરિચય આપ્યો, "આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સિવિલ એન્જિનિયર છે."
પરિચય પૂરો થતાં જ અનીસ સરે જાવેદ સર તરફ જોઈને કહ્યું, "જાવેદભાઈ, આજે તો તમારો જન્મદિવસ છે ને? પણ ચહેરા પર એટલી ખુશી કેમ નથી દેખાતી?"
તરત જ સૈયદ કાકાએ વચ્ચે ટાપસી પુરાવી, વ્યંગના સૂરમાં બોલ્યા, "ખુશ ક્યાંથી હોય? આજે પાર્ટી આપવી પડશે ને એટલે ઉદાસ થઈ ગયા છે."
અનીસ સરે વાતને વધાવી લીધી, "જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદ, જાવેદભાઈ! અને જો તમે પાર્ટી ન આપી શકો તો અમે છીએ ને. અમે બધા ભેગા મળીને ચંદો ઉઘરાવીશું અને તમને અમારી તરફથી જોરદાર પાર્ટી કરાવી દઈશું."
આ વાત સાંભળતા જ આખું ટોળું ખડખડાટ હસી પડ્યું. માહોલ એકદમ હળવો થઈ ગયો.
હાસ્યના મોજા શાંત થયા એટલે અનીસ સરે ગણતરી શરૂ કરી, "અરે, આપણે કુલ કેટલા જણા છીએ?"
જાવેદ સરે જવાબ આપ્યો, "આપણે કુલ આઠ જણા છીએ. એમાંથી આ લોકો ચાર એક ગાડીમાં આવ્યા છે. મારો નંબર છે, 83479. હું હાસમી સર સાથે આવ્યો છું. એટલે આપણી પાસે બે ફોરવીલર છે અને તમારી પાસે એક ફોરવીલર છે."
અનીસ સરે તરત જ ચટાકો માર્યો, "મોદી સાહેબનું 'કાર-પૂલિંગ'નું મિશન તમે કેમ સફળ નથી થવા દેતા? તમારો શું નંબર છે 83479 પછી? એમણે જ કહ્યું છે કે ગાડીઓની સંખ્યા ઘટાડો. વધુમાં વધુ લોકો એક જ ગાડીમાં ભેગા થાઓ અને ઇંધણનો બચાવ કરો."
ફરી બધા હસી પડ્યા. પછી અમે પોત-પોતાની સીટ ગોઠવીને ઘરે પરત ફરવા રવાના થયા.
પાછા ફરતા રસ્તે લબીબ સર અને સૈયદ કાકા વચ્ચે ફરી ચર્ચા જામી.
લબીબ સરે ટોણો માર્યો, "જાવેદભાઈએ તો જન્મદિવસની પાર્ટી આપવી જોઈએ. મારો નંબર પછી 81734 છે."
સૈયદ કાકાએ ફિલોસોફિકલ અંદાજમાં કહ્યું, "મેં પહેલેથી જ કહ્યું હતું ને કે પાર્ટી આપવાની છે એટલે જ એ ઉદાસ છે. અછા એમ તમારો આખો નંબર 8347981734 છે? આમ પણ આપણા ગુજરાતીઓ પૈસાની બાબતમાં ખૂબ જ પાક્કા અને કંજૂસ ગણાય છે."
"એ કઈ રીતે? હા તેજ મારો નંબર છે!" લબીબ સરે આશ્ચર્યથી પૂછ્યું.
સૈયદ કાકાએ ખુલાસો કર્યો, "તમે જુઓ ને, બરોડા, સુરત કે ભરૂચના ગુજરાતીઓને જુઓ. મોકો મળે એટલે તરત પાર્ટી કરાવી દે. પણ અમદાવાદ જશો ને, ત્યાં હિન્દુ હોય કે મુસ્લિમ, કોઈ સરળતાથી ખિસ્સામાં હાથ નહીં નાખે. એ તમારું બધું ખાઈ જશે, પણ એની પાસેથી એક કપ ચા પણ પડાવવી હોય તો તમારે પરસેવો પાડવો પડશે."
આ સાંભળીને અમે ચારેય ફરી ગલગલાટ હસવા લાગ્યા.
હસતાં-હસતાં લબીબ સરે વિષય બદલ્યો, "અચ્છા, સુરત શહેરનું ગંદુ પાણી ટ્રીટ થઈને ક્યાં જાય છે? એ STP પ્લાન્ટ ક્યાં આવેલો છે?"
સૈયદ કાકાએ બંને હાથ ઊંચા કરી દીધા, "મને તો આ બાબતમાં કોઈ જાણકારી નથી ભાઈ."
આખા રસ્તે જે હું ચૂપચાપ સાંભળતો હતો, એ હું ત્યારે બોલ્યો, "ઉતરાણમાં એક મોટો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. મારા ડિપ્લોમાના અભ્યાસ દરમિયાન સ્ટડી રિપોર્ટ માટે હું કોલેજ સાથે ત્યાં ગયો હતો."
લબીબ સરે તરત રસ દાખવ્યો, "ઉતરાણ? એ જગ્યા ક્યાં આવી?"
સૈયદ કાકાએ ભૂગોળ સમજાવ્યું, "એ સુરતની ઉત્તર દિશામાં છે. શહેરથી લગભગ પાંચેક કિલોમીટર દૂર."
"એ ભરૂચ જવાના નેશનલ હાઇવે પર છે?" લબીબ સરે પૂછ્યું.
"હા બિલકુલ," સૈયદ કાકાએ કહ્યું, "ભરૂચ જવાના રસ્તે જ છે. તમે તાપી નદીનો પુલ પાર કરો કે તરત જમણી બાજુએ આવી જશે."
આ સાથે જ વાતચીતનો એ દોર પૂરો થયો અને ગાડી કંપની તરફ આગળ વધતી રહી.