પ્રકરણ ૨: હંસા મહેતા લાઈબ્રેરીનું રહસ્ય
બીજા દિવસે સવારે, આરોહી અને સોહમ યુનિવર્સિટીની પ્રખ્યાત ‘હંસા મહેતા લાઈબ્રેરી’ની બહાર મળ્યા. લાઈબ્રેરીની વિશાળ ઈમારત પુસ્તકોની સુગંધ અને ગંભીર શાંતિથી ભરેલી હતી. પણ આ શાંતિને તોડવા માટે તેમની સાથે એક ત્રીજું પાત્ર પણ હાજર હતું તેમની ખાસ મિત્ર મીરાં.
મીરાં ફાઈન આર્ટસની હોંશિયાર સ્ટુડન્ટ હતી અને આરોહીની હોસ્ટેલની રૂમમેટ હતી. તે જીવંત, રંગીન કપડાં પહેરનારી, રંગીન મિજાજી અને વાતોડી છોકરી હતી. તેના હાથમાં હંમેશાં સ્કેચબુક, પેન્સિલ અને કાંડા પર ઢગલો બંગડીઓ ખણખણતી રહેતી.
"સોહમ ભાઈ, તમે મારી સીધી-સાદી રૂમમેટને કયા ડિટેક્ટિવ મિશન પર ચડાવી દીધી છે?" મીરાંએ મોટેથી હસતાં હસતાં ધીમેથી પૂછ્યું. લાઈબ્રેરીના કાઉન્ટર પર બેઠેલા પિયુષભાઈ ને શાંત વાતાવરણ માં આ અવાજ કાને પડતા જ ઉભા થઈને તેમની સામે ગુસ્સાથી જોયું અને હોઠ પર આંગળી મૂકી ‘શશશ...’ કર્યું અને બહાર જઈને વાતો કરવાનો ઈશારો કર્યો.
"ચૂપ કર મીરાં, આ કોઈ સામાન્ય મિશન નથી," સોહમે અવાજ એકદમ ધીમો રાખતા કહ્યું. "આ આપણી યુનિવર્સિટીના ભૂતકાળનો એક સુંદર હિસ્સો છે. આરોહી, પેલી ચોપડી આપ જલ્દી."
આરોહીએ થેલામાંથી પુસ્તક કાઢીને ટેબલ પર મૂક્યું. ત્રણેય જણ લાઈબ્રેરીના ‘ઓલ્ડ આર્કાઈવ્ઝ’ (જૂના રેકોર્ડ) સેક્શન તરફ આગળ વધ્યા. ત્યાં ૧૯૯૦ના દાયકાના રજિસ્ટર અને કૉલેજ મેગેઝિન ધૂળ ખાતા પડ્યા હતા.
"આપણે શું શોધવાનું છે?" આરોહીએ પૂછ્યું, તેની આંખોમાં કુતૂહલ અને થોડો ગભરાટ હતો.
"આ પુસ્તક ૧૯૯૪માં ઇસ્યુ થયું હતું, એના પર છેલ્લો સિક્કો એ સાલનો છે," સોહમે રજિસ્ટરના પાના ઉથલાવતા કહ્યું. "આપણે એ જોવું પડશે કે ૧૯૯૪માં આર્ટસ ફેકલ્ટીમાં કયા સ્ટુડન્ટ્સે ગુજરાતી સાહિત્યમાં રસ લીધો હતો અથવા મેગેઝીન કમિટીમાં કોણ હતું."
કલાકો સુધી ત્રણેય જણાએ ધૂળ ખાઈને જૂના પુરાના પાનાઓ આમતેમ ફેરવ્યા. મીરાં કંટાળીને નિસાસો નાખતા ટેબલ પર સ્કેચ બનાવવા લાગી. સોહમ એકદમ ચિંતિત દેખાતો હતો અને શુ કરવું એ વિચરતો હતો.આરોહીએ એક જૂનું, પીળું પડી ગયેલું ૧૯૯૫નું યુનિવર્સિટી મેગેઝિન ખોલ્યું. અચાનક તેનું ધ્યાન એક પાના પર ગયું અને ચોંકી ગઇ.
મેગેઝિનમાં એક ફોટો હતો, જેમાં આર્ટસ ફેકલ્ટીના ગુંબજ નીચે ઊભેલી એક યુવતી હસી રહી હતી. એ ફોટાની નીચે ક્રેડિટ લાઈનમાં લખ્યું હતું: ‘મુખ્ય લેખિકા અને એડિટર: વસુધા મહેતા, ૧૯૯૪-૯૫.'
સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે એ ફોટાની નીચે જે અક્ષરોમાં તેનું નામ લખાયું હતું, તે અક્ષરો આબેહૂબ આરોહીના હાથમાં રહેલી ચોપડીના છેલ્લા પાના પરની અધૂરી વાર્તાના અક્ષરો જેવા જ હતા!
"સોહમ... મીરાં... આ જુઓ!" આરોહીનો અવાજ ઉત્સાહથી ધ્રૂજી ઉઠ્યો.
સોહમે તરત જ મેગેઝિન અને ચોપડીના અક્ષરો સરખાવ્યા. "ઓહ માય ગોડ, આરોહી! તારી નજર કમાલ છે. અક્ષરો સો ટકા સેમ ટુ સેમ મેચ થાય છે. આ વાર્તા તો વસુધા મહેતાએ જ લખી છે."
"પણ આ વસુધા મહેતા અત્યારે ક્યાં હશે? શુ કરતા હશે? કેવી હાલતમાં હશે? આશરે ત્રીસ વર્ષ થઈ ગયા!" મીરાંએ સ્કેચબુક બંધ કરતા પૂછ્યું.
આરોહી મનોમન વિચારો કરતા ધીમા સ્વરે બોલતી હતી:"આ વિશે કોની પાસેથી માહિતી મળી શકે, કોણ આ જાણતું હશે અને એ જાણકારી આપનાર ને આપણે કેવી રીતે, ક્યાંથી શોધવો?"
સોહમ થોડીવાર વિચારમાં પડી ગયો. તેણે માથું ખજવાળ્યું અને ઉંડો શ્વાસ લીધો. પછી તેના ચહેરા પર એક ચમક આવી. "આપણા પ્રોફેસર શાસ્ત્રી સર ૧૯૯૦થી આ યુનિવર્સિટીમાં ભણાવે છે. તેઓ કદાચ વસુધાને ઓળખતા જ હશે. ચાલો, ફેકલ્ટી ઓફ આર્ટસના સ્ટાફ રૂમ તરફ અને તપાસ કરીએ !"
આરોહીએ એ જૂનું મેગેઝિન પોતાના હાથમાં પકડ્યું. તેને લાગ્યું કે તે વસુધા નામના એ ભૂતકાળના પાત્રની ખૂબ નજીક પહોંચી રહી છે, જે ક્યારેક તેના જેવી જ આ કૅમ્પસમાં સપના જોતી હતી.