Sacha Surveernu Parkhu in Gujarati Moral Stories by Alpesh Umaraniya books and stories PDF | સાચા શૂરવીરનું પારખું

Featured Books
Categories
Share

સાચા શૂરવીરનું પારખું

ભાદરવા મહિનાનો ધોમધખતો બપોર હતો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી અને ગીરની ધરતી તપીને ત્રાંબુ બની ગઈ હતી. પંખીડાઓએ પણ પોતાના માળામાં લપાઈને ચૂપકીદી સાંધી લીધી હતી. આવા કાળઝાળ તાપમાં, અમરેલીના સીમાડે ઘોડાના ડાબલાનો અવાજ ગુંજી ઉઠ્યો.

​કાળા રંગની ‘માણકી’ ઘોડી પર સવાર થઈને જોગીદાસ પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો. જોગીદાસ એટલે પંથકનું માથું. એની મૂછના આંકડામાં અને આંખના તેજમાં રજપૂતીની પૂરી ખુમારી છલકતી હતી. અચાનક, વડલાના ઝુંડ પાછળથી ચાર-પાંચ હથિયારબંધ અસવારોએ જોગીદાસનો રસ્તો આંતર્યો.

​એ અસવારોનો મોભી હતો વીરો ખુમાણ. વીરા અને જોગીદાસ વચ્ચે પેઢીઓ જૂનું વેર ચાલ્યું આવતું હતું. વીરાએ પોતાની ઉઘાડી તલવાર હવામાં વીંઝતા પડકાર ફેંક્યો, "જોગીદાસ! આજ તારો કાળ આવી પહોંચ્યો છે. બહુ ઉડતો હતો ને? આજ તારું માથું આ ધૂળમાં નહીં રઝળે તો મારું નામ વીરો ખુમાણ નહીં!"
​જોગીદાસના ચહેરા પર ડરનો એક છાંટોય નહોતો. એણે શાંતિથી પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને ઘેરા અવાજે કહ્યું, "વીરા! વાંસા પાછળ ઘા કરવા ઈ તો નામરદનું કામ છે. પણ જો છાતીએ ઘા ઝીલવાની ત્રેવડ હોય, તો આવતો રહે મેદાનમાં. આજ ભવાનીને પણ ખબર પડે કે કોના કાંડામાં કેટલું જોર છે."

​ધિંગાણું શરૂ થયું. જોગીદાસ એકલો હતો અને સામે પાંચ જણા હતા, છતાં એની તલવાર વીજળીની જેમ ઘૂમતી હતી. જોતજોતામાં વીરાના બે માણસો ઘાયલ થઈને ભોંયભેગા થઈ ગયા. ધૂળની ડમરીઓ ઉડતી હતી અને તલવારોની ટકરામણથી તિખારા ઝરતા હતા.
​લડતાં લડતાં અચાનક વીરા ખુમાણની ઘોડીને પગમાં ઠોકર વાગી અને એ જમીન પર પછડાઈ. વીરો પણ ઘોડી પરથી નીચે ફેંકાયો. એની તલવાર દૂર જઈને પડી. વીરો નિઃશસ્ત્ર અને લાચાર થઈને જમીન પર પડ્યો હતો. હવે જોગીદાસ ધારે તો એક જ પળમાં વીરાનું માથું ધડથી અલગ કરી શકતો હતો.

​પણ જોગીદાસે પોતાની માણકી ઘોડીની લગામ ખેંચીને એને થંભાવી દીધી. એણે પોતાની તલવાર નીચે કરી લીધી.
​વીરાએ આંખો બંધ કરી લીધી, એને લાગ્યું કે હવે એનો અંત નિશ્ચિત છે. પણ થોડી ક્ષણો વીતી ગઈ, કોઈ ઘા ન પડ્યો. વીરાએ આંખ ખોલી તો જોયું કે જોગીદાસ પોતાની ઘોડી પરથી નીચે ઉતરી રહ્યો હતો.
​જોગીદાસે પોતાની તલવાર મ્યાનમાં મૂકી દીધી અને વીરાની પાસે આવીને એની પડેલી તલવાર ઉપાડીને વીરાના હાથમાં આપી.

​"આ શું કરે છે જોગીદાસ? મારો જીવ કેમ નથી લઈ લેતો?" વીરાએ આશ્ચર્યથી પૂછ્યું.

​જોગીદાસે પોતાની ભરાવદાર મૂછ પર હાથ ફેરવતા ગર્વથી કહ્યું, "વીરા, તારી ને મારી વચ્ચે વેર ભલે હોય, પણ કાઠિયાવાડની માટીનો આ નિયમ નથી. નિઃશસ્ત્ર અને પડેલા દુશ્મન પર ઘા કરે ઈ રજપૂત નહીં, પણ કસાઈ કહેવાય. તારી ઘોડી પડી ગઈ છે, માટે આજનું ધિંગાણું અહીં જ પૂરું થાય છે."

​આટલું કહીને જોગીદાસે પોતાની માણકી ઘોડીની લગામ વીરાના હાથમાં પકડાવી દીધી. "લે વીરા, આ મારી ઘોડી લઈને તું તારા ગામ ભેગો થઈ જા. તારી ઘોડીને અહીં ઝાડવે બાંધી દેજે, સાજી થશે એટલે હું તારા પાદરે પહોંચાડી દઈશ. અને હા, વેર વાળવું હોય તો પાછો આવજે, પણ ત્યારે બંનેના હાથમાં હથિયાર હશે અને બંનેના પગ નીચે ઘોડી હશે!"

​વીરો ખુમાણ સ્તબ્ધ થઈ ગયો. એના હાથમાંથી તલવાર છૂટીને હેઠી પડી ગઈ. જે માણસનો જીવ લેવા એ આવ્યો હતો, એણે જ પોતાનો જીવ બક્ષ્યો એટલું જ નહીં, પણ પોતાની માનીતી ઘોડી પણ આપી દીધી! વીરાની આંખોમાં પાણી આવી ગયા. એ જોગીદાસના પગમાં પડી ગયો.

​"જોગીદાસ, આજ તેં મને તલવારથી નથી માર્યો, પણ તારી ખાનદાનીથી મને જીવતેજીવ મારી નાખ્યો છે. આજથી આપણું વેર પૂરું. હવેથી તું મારો ભાઈ છો!"

​સાંજના ઢળતા સૂરજના પ્રકાશમાં, બંને દુશ્મનો એકબીજાને ભેટી પડ્યા. ગીરની એ ધરતીએ વેરની આગને ખાનદાનીના નીરથી ઓલવાતી જોઈ. સોરઠની આ જ તો ખુમારી હતી, જ્યાં લોહીની નદીઓ કરતાં આબરૂ અને ધર્મના ધોધ વધારે મોટા હતા.