ગુરુપૂર્ણિમા એટલે ગુરુનો મહિમા ઊજવવાનો, તેને વ્યક્ત કરવાનો અવસર. ગુરુ એટલે ગાઈડ, ભોમિયો. જીવનમાં આપણને ડગલે ને પગલે ગુરુની જરૂર પડે છે. નાનપણમાં મા-બાપની, ભણવા માટે સ્કૂલ કે કોલેજોમાં શિક્ષકની, રસ્તામાં ભૂલા પડ્યા હોઈએ તો રસ્તાના જાણકારની. ફક્ત મનુષ્યો જ નહીં, પશુ, પક્ષી, વનસ્પતિ, ટૂંકમાં જીવમાત્ર જેમની પાસેથી કંઈક શીખીએ કે સંપાદન કરીએ તે દરેકને ગુરુ કહેવાય. જેમ કે, આંબો આપણને શીખવે છે કે પોતાના ફળ પણ પારકાને આપી દેવા એ પરોપકાર છે. સંસારમાં આગળ વધવું હોય કે પછી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી હોય, તે સર્વ માટે ગુરુ આવશ્યક છે.
કેટલાક લોકો કહે કે મારે જીવનમાં ગુરુની જરૂર નથી. પણ ગુરુ એ તો લાઈટના પ્રકાશ જેવા છે. જીવનમાં ગુરુની જરૂર નથી એમ કહેવું, એ તો લાઈટ ઓલવી નાખવા જેવી વાત થઈ. ખરેખર ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ, જે આપણી ભૂલ થાય તો કાનપટ્ટી ઝાલીને આપણને સાચા રસ્તે ચડાવે. પણ આપણને સાચા ગુરુની ઓળખાણ થવી જરૂરી છે.
ગુરુ બે પ્રકારના હોય છે. એક ગુરુ જે સંસારમાં આપણને અશુભમાંથી શુભમાં લઈ જાય, સુખ અને શાંતિ આપે. જેમને જોતાંની સાથે જ હૃદયમાં શિષ્ય થવા ભાવ ઊમટે. જે ગુરુ પ્રેમ રાખે, આપણું હિત સાચવે, જ્યાં આપણું હૃદય ઠરે અને જેમને જોતાં જ શીશ ઝૂકી જાય, તે સાચા ગુરુ કહેવાય.
ગુરુ અને સદ્ગુરુમાં ફેર છે. સત્ એટલે આત્મા. જેને સત્ પ્રાપ્ત થયું હોય, આત્માનો અનુભવ થયો હોય તે જ સાચા સદ્ગુરુ કહેવાય. સદ્ગુરુ પાસે આપણા મન, વચન, કાયા સમર્પણ થાય. ગુરુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન કરાવી શકે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સદ્ગુરુની, જ્ઞાનીની જરૂર પડે. સદ્ગુરુ તો મુક્તિ જ અપાવે, સંસારના સર્વ દુઃખોથી છોડાવે.
મોક્ષ માર્ગસ્ય નેત્તારં ભેત્તારં સર્વ કર્માણામ્
જ્ઞાતારમ્ સર્વ તત્વાનામ્ તસ્મૈ શ્રી સદ્ગુરુ નમઃ
અર્થાત્, જેઓ સર્વ કર્મોને ભેદનાર હોય, સર્વ તત્ત્વોના જ્ઞાતા હોય, તેવા સદ્ગુરુ વંદનીય છે.
સંસારના ગુરુ જેઓ લૌકિક ગુરુ પણ કહેવાય છે, તેઓ આપણને જીવનમાં શુભાશુભનું શીખવાડે છે કે આમ કરવું સારું કહેવાય ને આમ કરવું ખરાબ કહેવાય. આચાર્યો, સાધુ, મહારાજ એ બધા ગુરુ કહેવાય. લૌકિક ગુરુના આશીર્વાદ હોય તો ભૌતિક સુખો માટે બહુ ફળદાયી નીવડે. તેમના આશીર્વાદથી સંસારમાં સારા માતા-પિતા અને સારો પરિવાર મળે. આપણા જીવનમાં સારા સંસ્કારોનું સિંચન થાય, આપણું સુંદર ઘડતર થાય.
જ્યારે સદ્ગુરુ એટલે કે, જ્ઞાની તો આપણને શુભ અને અશુભમાંથી મુક્ત કરાવે. તેઓ અલૌકિક હોય.
‘સદ્ગુરુ’ એટલે જેમને સત્ પ્રાપ્ત થયું હોય તેઓ આપણે ગમે તેવું અવળું કર્યું હોય તો પણ અકળાય નહીં. તેમની કૃપા મૂંગી હોય. તેઓ મોઢે કહે કહે ન કરે કે, “તું ધનવાન થજે કે તું પુત્રવાન થજે.” ઊલટું જ્ઞાની કે સદ્ગુરુની કૃપાથી તો મોક્ષ મળે! એવા સદ્ગુરુ, એવા સમર્થ જ્ઞાની પુરુષ મળે તો એમની પાસે આપણે સીધું જ માગી લેવાનું હોય કે, “મારો સંસારમાં ઉકેલ લાવી આપો.” સંસારમાંથી મુક્તિ અપાવડાવે તે ગુરુ સાચા! ખરેખર સદ્ગુરુ પોતે, “હું આનો ગુરુ છું” એવા ગુરુપદમાં રહેતા જ નથી.
ગુરુ સંસારમાં આપણને રસ્તો દેખાડે, એમના કહ્યા પ્રમાણે કરીએ તો સંસારમાં સુખી થઈએ. તો પણ જીવનમાંથી ઉપાધિ ના જાય. જ્યારે જ્ઞાની આપણને આત્માનું જ્ઞાન આપે. આત્મજ્ઞાન થકી જીવનમાં આધિ, વ્યાધિ ને ઉપાધિમાં પણ આપણને સમાધિ અપાવે, તે ‘જ્ઞાની પુરુષ’ કહેવાય. જ્ઞાની એટલે જેમને જાણવાનું કશું બાકી નથી, પોતે આત્મસ્વરૂપમાં બેઠા છે.
સદ્ગુરુને પારસમણિ જેવા કહ્યા છે. જેમ લોખંડ જેવી મામૂલી ધાતુ પારસમણિનો સ્પર્શ થતાં જ તે કીમતી સોનું બની જાય છે, તેમ પારસમણિ સ્વરૂપ સદ્ગુરુ શિષ્યને પણ પોતાના જેવો જ બનાવી દે છે!