બે અનાયા એકબીજાની સામે ઊભી હતી.
બંનેનો ચહેરો, અવાજ અને કપડાં સરખાં હતાં.
પવને એક પછી એક બંને તરફ જોયું.
"સાચી અનાયા કોણ છે?" તેણે પૂછ્યું.
બંનેએ એકસાથે જવાબ આપ્યો,
"હું જ સાચી અનાયા છું."
એટલામાં વટવૃક્ષના મૂળમાંથી એક અજાણી નીલા રંગનો પ્રકાશ નીકળો.
જમીન પર એક પ્રાચીન ચિહ્ન પ્રગટ થયું.
પવન તરત જ બોલ્યો,
"આ છે સત્યચક્ર. અહીં કોઈ ખોટું બોલી શકતું નથી."
સૌ પ્રથમ ડાબી બાજુની અનાયા સત્યચક્રમાં ઊભી રહી.
ચક્ર શાંત રહ્યું.
પછી જમણી બાજુની અનાયા તેમાં ઊભી રહી.
ચક્ર તો પણ શાંત રહ્યું.
પવન આશ્ચર્યમાં પડી ગયો.
"આ અશક્ય છે... બંને સાચી કેવી રીતે હોઈ શકે?"
એ જ સમયે વટવૃક્ષમાંથી એક ગર્જના સંભળાઈ.
"કારણ કે બંને સાચી છે."
અચાનક વૃક્ષની છાલ ફાટી ગઈ.
અંદરથી એક પ્રાચીન સ્ત્રી બહાર આવી.
તેના સફેદ વાળ જમીન સુધી લટકતા હતા અને હાથમાં સ્ફટિકની લાકડી હતી.
તેણે કહ્યું,
"હું વૃક્ષમાતા છું. અંધેરપુરના રહસ્યોની રક્ષક."
અનાયાએ પૂછ્યું,
"તો પછી આ બીજી હું કોણ?"
વૃક્ષમાતા બોલ્યાં,
"દરેક મનુષ્યમાં બે સ્વરૂપ હોય છે."
"એક, જે દુનિયાને દેખાય છે."
"અને બીજું, જે પોતાની અંદર છુપાયેલું રહે છે."
"આ અરીસાએ તારી અંદરનું બીજું સ્વરૂપ જીવંત કરી દીધું છે."
એટલામાં કાળી આંખોવાળી અનાયા હસવા લાગી.
"હવે મોડું થઈ ગયું છે."
તેણે પોતાની હથેળી ખોલી.
તેમાં એક કાળો સ્ફટિક ચમકી રહ્યો હતો.
પવનનો ચહેરો ફિક્કો પડી ગયો.
"આ તો..."
વૃક્ષમાતાએ ગભરાઈને કહ્યું,
"કાળવક્રનું હૃદય!"
પવને આશ્ચર્યથી કહ્યું,
"પણ કાળવક્રનો તો નાશ થઈ ગયો હતો!"
કાળી અનાયાએ સ્મિત કરીને જવાબ આપ્યો,
"ના..."
"શરીર નાશ પામ્યું હતું."
"પણ હૃદય ક્યારેય મરતું નથી."
એટલું કહી તેણે કાળો સ્ફટિક જમીન પર મૂકી દીધો.
આખું અંધેરપુર ધ્રૂજવા લાગ્યું.
વટવૃક્ષના મૂળ ધીમે ધીમે સુકાવા લાગ્યા.
અને જમીનની અંદરથી એક પ્રાચીન, બંધ મંદિર ફરી બહાર આવવા લાગ્યું...
તે મંદિરના દ્વાર પર માત્ર એક જ વાક્ય લખેલું હતું
"અહીં સમયનો પ્રથમ રક્ષક સૂઈ રહ્યો છે."
પવન ધીમેથી બોલ્યો...
"જો એ જાગી ગયો..."
"...તો આ વખતે માત્ર અંધેરપુર જ નહીં..."
"સમય પોતે જ તૂટી પડશે."
મંદિર ધીમે ધીમે જમીનની અંદરથી બહાર આવવા લાગ્યું.
તેની દિવાલો પર ઘડિયાળ નહોતી...
પણ હજારો ગોળાકાર ચિહ્નો કોતરાયેલા હતા, જાણે દરેક એક અલગ સમયની કહાની કહેતા હોય.
મંદિરનો દરવાજો પોતાની મેળે ખુલ્યો.
અંદર કોઈ અંધકાર નહોતો.
એક શાંત, વાદળી પ્રકાશ સમગ્ર ગર્ભગૃહમાં ફેલાયેલો હતો.
ગર્ભગૃહના મધ્યમાં એક પથ્થરનું સિંહાસન હતું.
તેના પર એક યુવાન પોઢી રહ્યો હતો.
તેના કપાળ પર ચાંદીનું ચિહ્ન ઝળહળતું હતું અને હાથમાં રેતીથી ભરેલી કાચની રેતઘડી હતી.
વૃક્ષમાતાએ ધીમેથી કહ્યું,
"આ છે કાલપ્રહરી-સમયનો પ્રથમ રક્ષક."
"તે હજારો વર્ષથી સૂતો છે."
અનાયાએ આશ્ચર્યથી પૂછ્યું,
" આપણે તેને જાગાડવો જોઈએ?"
વૃક્ષમાતાએ તરત જ માથું ના માં હલાવ્યું.
"ના. જો તે પોતાની ઇચ્છાથી જાગશે, તો જ સમયનું સંતુલન રહેશે."
"પણ જો કોઈ તેને બળજબરીથી જગાડશે..."
"...તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એકબીજામાં ભળી જશે."
એટલામાં કાળી અનાયા હસી.
"એ જ તો હું ઇચ્છું છું."
તેણે કાળવક્રના હૃદયને સિંહાસન સામે મૂકી દીધું.
કાળો પ્રકાશ આખા ગર્ભગૃહમાં ફેલાઈ ગયો.
રેતઘડીમાં રહેલી રેતી ઝડપથી નીચે પડવા લાગી.
કાલપ્રહરીની આંખો ધીમે ધીમે ખુલવા લાગી.
જેમ જ તેણે આંખો ખોલી...
પવનને પોતાની સામે એક અદ્દભુત દૃશ્ય દેખાયું.
એક જ ક્ષણમાં તેણે પોતાનું બાળપણ, વર્તમાન અને વૃદ્ધાવસ્થા જોઈ.
અનાયાએ પોતાના જન્મ પહેલાંનો સમય જોયો.
અને વૃક્ષમાતાએ પોતાનો અંત જોયો.કાલપ્રહરી ઊભો થયો.તેનો અવાજ શાંત હતો...
પણ આખું મંદિર તેના શબ્દોથી ધ્રૂજી ઊઠ્યું.
"સમયને કોણે ભંગ કર્યો?"
કાળી અનાયા આગળ આવી.
"મેં."
કાલપ્રહરીએ તેની આંખોમાં જોયું.થોડી ક્ષણ માટે મૌન છવાઈ ગયું.પછી તેણે એવી વાત કહી કે તે સાંભળી ને પવનના પગ નીચેથી જમીન સરકી ગઈ.
"તું અનાયા નથી."
"તું તો ભવિષ્યમાંથી આવેલી છેલ્લી રક્ષક છે."
કાળી અનાયાએ સ્મિત કર્યું.
"હા..."
"અને હું અહીં ઇતિહાસ બદલવા આવી છું."
તેના આ શબ્દો સાથે જ રેતઘડીમાં છેલ્લી બધી જ રેતી પણ નીચે પડી ગઈ.
મંદિરની દિવાલોમાં તિરાડો પડવા લાગી.
સમયનું ચક્ર ફરી પાછું વળવાનું શરૂ થઈ ગયું.
રેતઘડીની છેલ્લી રેતી નીચે પડતાં જ...
આખું મંદિર તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગયું.
પવન અને અનાયાને લાગ્યું કે તેમની નીચેની જમીન ગાયબ થઈ ગઈ છે.
જ્યારે તેમણે આંખો ખોલી...
તેઓ હજારો વર્ષ પાછળ પહોંચી ચૂક્યા હતા.
તેમની સામે એક હરિયાળું મેદાન હતું.
ન કોઈ વટવૃક્ષ.ન કોઈ મંદિર.ન કોઈ શાપ.
માત્ર એક નાનકડું ગામ...
જેનું નામ હતું—
"અરણ્યપુર."
વૃક્ષમાતાનો અવાજ હવામાં ગુંજ્યો.
"આ જ ગામ એક દિવસ અંધેરપુર બનવાનું છે."
પવન અને અનાયા ગામમાં પ્રવેશ્યા.લોકોના ચહેરા પર આનંદ હતો.બાળકો રમતા હતા.
કોઈને ખબર નહોતી કે હજારો વર્ષ પછી આ જ ગામ રહસ્યોનું ઘર બની જશે.
એટલામાં ગામના ચોકમાં એક યુવાન આવ્યો.
તેના ચહેરા પર અજોડ તેજ હતું.
ગામના બધા લોકો તેને નમન કરતા હતા.
અનાયાએ ધીમેથી પૂછ્યું,
"આ કોણ છે?"
વૃક્ષમાતાનો અવાજ આવ્યો,
"આ છે ઋષિ અનંત... જ્યારે તેઓ હજુ ઋષિ બન્યા નહોતા."
પવન આશ્ચર્યમાં પડી ગયો.
પણ એથી પણ મોટું આશ્ચર્ય હજુ બાકી હતું.
ભીડની પાછળથી એક નાનકડો છોકરો દોડતો આવ્યો.
તેના ગળામાં ચાંદીનું લોકેટ હતું.
એ જ લોકેટ...
જે વર્ષો પછી પવન પાસે આવ્યું હતું.
છોકરો સીધો પવન સામે આવીને ઉભો રહ્યો.
તે હસ્યો અને બોલ્યો
"આવવામાં બહુ મોડું કરી દીધું... પવન."
પવનના શ્વાસ અટકી ગયા.
"તને... મારું નામ કેવી રીતે ખબર?"
છોકરાએ જવાબ આપ્યો,
"કારણ કે હું જ તારો પ્રથમ પૂર્વજ છું."
એટલામાં આકાશમાં એક કાળી તિરાડ પડી.
ભવિષ્યમાંથી આવેલી કાળી અનાયા પણ ત્યાં પહોંચી ગઈ હતી.
તે તલવાર બહાર કાઢીને ગર્જના કરી
"આજે ઇતિહાસ બદલાશે!"
પણ તે પ્રહાર કરે એ પહેલાં જ...
નાનકડા છોકરાએ હાથ ઊંચો કર્યો ને સમય થંભી ગયો.હવા અટકી ગઈ પક્ષીઓ આકાશમાં સ્થિર થઈ ગયા.
અને તેણે ધીમેથી કહ્યું: "હવે સાચી રમત શરૂ થાય છે."
કારણ કે...
પવનને હવે સમજાયું કે અત્યાર સુધી તે રહસ્યો શોધી રહ્યો હતો...
પણ કોઈ અજાણી શક્તિ સદીઓથી તેની જ રાહ જોઈ રહી .
સમય સંપૂર્ણપણે થંભી ગયો હતો.
પવનની લહેરખીઓ સુધ્ધાં નહોતી વહેતી.
નદીનું પાણી વચ્ચે જ અટકી ગયું હતું.
પવન, અનાયા અને કાળી અનાયા સિવાય આખી દુનિયા જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હતી.
નાનકડો છોકરો ધીમે ધીમે પવન તરફ આવ્યો.
તેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું.
"તું મને શોધતો હતો... પણ સાચું કહું તો હું જ તને અહીં સુધી લાવ્યો છું."
પવને પૂછ્યું,"તું ખરેખર કોણ છે?"
છોકરાએ પોતાનું ચાંદીનું લોકેટ ખોલ્યું.
તેમાંથી એક નાનો સ્ફટિક બહાર આવ્યો.
જેવો એ સ્ફટિક પ્રકાશમાં આવ્યો...
પવનના ગળાનું લોકેટ પણ ઝગમગવા લાગ્યું.
બંને લોકેટ એકબીજા તરફ ખેંચાવા લાગ્યા.
અચાનક બંને જોડાઈ ગયા.
એક તેજસ્વી પ્રકાશ ફેલાયો.
છોકરાનું શરીર બદલાવા લાગ્યું.
થોડી જ ક્ષણોમાં તે એક દિવ્ય પુરુષમાં પરિવર્તિત થઈ ગયો.
તેણે કહ્યું,
"હું આરણ્ય નથી..."
"હું સમયનો પ્રથમ રક્ષક છું.
"પવન અને અનાયા આશ્ચર્યમાં પડી ગયા.
પ્રથમ રક્ષક આગળ બોલ્યો,
"હજારો વર્ષ પહેલાં મેં સમયનું ચક્ર બનાવ્યું હતું, જેથી દુનિયામાં સંતુલન જળવાઈ રહે."
"પણ એક દિવસ મારા જ શિષ્યએ શક્તિના લોભમાં સમયને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો."
"એ જ શિષ્ય પછી કાળવક્ર બન્યો."
કાળી અનાયા ગુસ્સે થઈ ગઈ.
"ખોટું!"
"કાળવક્ર દુષ્ટ નહોતો... તમે તેને દગો આપ્યો હતો!"આરવ પહેલી વાર મૂંઝાઈ ગયો.
બંનેની વાતમાં સત્ય દેખાતું હતું.
ત્યારે પ્રથમ રક્ષકે પોતાના હાથની હથેળી ખોલી.
તેમાં એક તેજસ્વી નીલા રંગનો સ્ફટિક હતો.
"આ છે સમયબીજ."
"જેની પાસે આ હશે, તે ઇતિહાસને ફરી લખી શકે."
કાળી અનાયાની આંખોમાં લાલચ ચમકી.
તે વીજળીની જેમ આગળ વધી.
એક જ ક્ષણમાં તેણે સમયબીજ ઝૂંટવી લીધું.
"હવે ઇતિહાસ હું લખીશ!" તેણે ગર્જના કરી.
અને સમયબીજને જમીન પર જોરથી દબાવી દીધું.
ધરતી ધ્રૂજવા લાગી અને આકાશમાં હજારો દરવાજા ખુલ્યા.
દરેક દરવાજામાંથી અલગ અલગ ભવિષ્ય દેખાતું હતું.
એક ભવિષ્યમાં અંધેરપુર નાશ પામી ચૂક્યું હતું.
બીજામાં આખી દુનિયા અંધકારમાં હતી.
ત્રીજામાં...
પવને પોતાને રાજા તરીકે જોયો.
ચોથામાં...
અનાયા ક્યારેય જન્મી જ નહોતી.
પ્રથમ રક્ષકે ગંભીર અવાજમાં કહ્યું :
"હવે માત્ર એક જ ભવિષ્ય બચી શકે છે."
"પણ કયું ભવિષ્ય જીવશે..."
"...એ નિર્ણય હવે તારે લેવો પડશે, પવન."
એટલામાં...
પવનના પગ નીચેની જમીન તૂટી ગઈ.
અને તે અજાણી સમયસુરંગમાં ફરવા લાગ્યો...
જ્યાં તેની રાહ જોઈ રહ્યું હતું.પોતાનું જ બીજું જીવન...