Let's go for a walk - Awesome Hill in Gujarati Travel stories by Tr Mrs Snehal Rajan Jani books and stories PDF | ચાલો ફરવા જઈએ - ઓસમ ડુંગર

Featured Books
Categories
Share

ચાલો ફરવા જઈએ - ઓસમ ડુંગર

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- ઓસમ ડુંગર

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. 




વિચારો, સરસ મજાનો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તમે આરામથી બે ત્રણ દિવસ ફરવા જઈ શકો એટલી રજા છે, તો ક્યાં ફરવા જવાનું પસંદ કરશો? હું તો ચોક્કસથી જ કુદરતનું સૌંદર્ય માણી શકું એવી જગ્યા પસંદ કરીશ. તમને બધાંને આ લેખમાં આવી જ એક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવી જગ્યાએ ઘરમાં બેઠા બેઠા ફેરવીશ.😊



પ્રકૃતિપ્રેમીઓ માટે ચોમાસું એ મનગમતી ઋતુ મનાય છે. ચોમાસામાં વરસાદ બાદ કુદરતની અનેરી કળા અને સૌંદર્યની મજા માણવાનો અવસર મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં આવેલા ઓસમડુંગર પર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળો આવેલા છે. લીલાછમ ડુંગરો, ડુંગરની ચારેબાજુ વહેતા ઝરણાં અને પૌરાણિક ગુફાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. અહીંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે.



ઓસમ પર્વત પર વરસાદ પછી કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે આ કુદરતી સૌંદર્યને માણવા અને નિહાળવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો, શ્રદ્ધાળુ અને મુસાફરો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. વરસાદ પડવાનાં કારણે ત્યાંનો કુદરતી ધોધ વહેતો થાય છે. પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધનાં કુદરતી દ્રશ્યો એકદમ આહલાદક લાગે છે. વરસાદ પડવાનાં કારણે અહીંયાનો કુદરતી ધોધ વહેતો થતાં આકર્ષણનું કેન્દ્ર બને છે. કુદરતી ધોધની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે.



ઓસમ ડુંગર નામ કેવી રીતે પડ્યું? ( Osam Hill)

 

આ પર્વતને દૂરથી જોતા તે ‘ઓમ’ આકારનો જોવા મળે છે. આથી ઓમ + સમ = ઓસમ નામથી ઓળખાય છે. જો કે પુરાણોમાં આ ડુંગર 'માખણિયા ડુંગર' તરીકે ઓળખાતો હોવાનો ઉલ્લેખ છે. આ પર્વતની શીલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી આ પર્વતને માખણિયા પર્વત નામ આપ્યું હોવાનું મનાય છે.



લોક માન્યતા પ્રમાણે અહીંયા ચોમાસા દરમિયાન દર વર્ષે માતા વસુંધરા દેવીની કૃપા થતી હોય છે. કુદરત સોળે કળાએ ખીલી ઉઠતી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે. આ સર્જાતા દ્રશ્યોનાં કુદરતી સૌંદર્યને નિહાળવા અને માળવા માટે વિવિધ વિસ્તારોમાંથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. આ નજારાને જોઈને સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ બની જાય છે. કુદરતી સૌંદર્યને માણી કુદરતનાં ખોળે આનંદની અનુભૂતિ કરે છે.


ધાર્મિક મહત્ત્વ:-


પ્રાકૃતિક સૌંદર્ય સાથે અહીં ધાર્મિક દ્રષ્ટિએ પણ માહાત્મય ધરાવતા સ્થળો આવેલા છે. ઓસમ ડુંગરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો પણ હાજર છે. અહીં અનેક સ્થળોના નામ ભીમના નામે હોવાનું જોવા મળે છે.


પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યાં હતા. રસપ્રદ માન્યતા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી. આ જ પર્વત પર ઈ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું મનાય છે. એવી લોકવાયકા છે કે બંનેનાં પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાનાં હાડકાં ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ 'હાડફોડી' પડેલું. આ ગામ આજે પણ તળેટીમાં વસેલું છે.


ઓસમ ડુંગરનાં મુખ્ય આકર્ષણો:-


ભીમથાળી:-

 

અહીં પટાંગણમાં આવેલી ભીમની થાળી પાછળ પૌરાણિક માન્યતા એ છે કે, ભીમ આ થાળીમાં ભોજન લેતા હતા. પથ્થર પર ડિશ જેવા આકારમાં જોવા મળતી ભીમ થાળી કાળક્રમે આડી થઇ રહી હોવાનું સ્થાનિકો માને છે.


ટપકેશ્વર મહાદેવ મંદિર:-

 

પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.



ડુંગર પર સ્થિત ટપકેશ્વર મહાદેવનું મંદિર પાંડવો દ્વારા બંધાયું હોવાની માન્યતા છે. અહીં શિવલિંગ પર કુદરતી રીતે જળાભિષેક થતો જોવા મળે છે. કહેવાય છે કે, ઓસમ ડુંગર પર અનેક ઔષધિઓ આવેલી છે. આ ઔષધિ યુક્ત વનસ્પતિના મૂળમાંથી પાણી નીકળીને ડુંગરની તિરાડોમાંથી શિવલિંગ પર સતત ટપક્યા છે. શિવલિંગ પર સતત પાણી ટપકીને જળાભિષેક થતો હોવાથી આ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે.



માત્રી માતા મંદિર:-

 

305 મીટરના ઊંચાઇ પર આવેલા આ પર્વતની ટોચ પર માત્રી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ખત્રીઓ અને નાગર પરિવારોના કુળદેવી માતા માત્રી બિરાજે છે. અહીં શ્રાવણ માસની અમાસે મેળો ભરાય છે. પુરાણોમાં આ મંદિર છત્રેશ્વરી માતાના મંદિર તરીકે ઓળખાતું.



ગૌમુખી ગંગા :-

 

માત્રી માતાજીના મંદિરની નજીકમાં ગૌમુખ ગંગા નામનું સ્થળ આવેલું છે. અહીં ખડકમાં જ એક પથ્થરનો કુંડ બનેલો છે. ગૌમાતાના મુખ આકારવાળા આ કુંડમાંથી સતત પાણી બહાર વહે છે. આ પાણી વનસ્પતિ અને ઔષધિમાંથી નીકળતું હોવાનું સ્થાનિકો માને છે.


શ્યામપુરી અને નર્મદાપુરીની સમાધિઓ:-


માત્રી માતાનાં મંદિરની સામે શ્યામપુરી અને નર્મદાપુરી નામનાં બે ભાઈ બહેનની સમાધિ આવેલી છે. આ બંને ભાઈ બહેનનાં ગુરુ એક જ હતા. બંને ભાઈ બહેને આ જગ્યા પર જીવતા જીવ સમાધિ લીધી હતી.


માતાજીનું તળાવ:-


માત્રી માતાજીનાં મંદિર નજીક આ તળાવ આવેલુ છે, અને માતાજીનાં તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવ ચારે બાજુથી ઝાડ અને ઝાડી ઝાંખરાથી ઘેરાયેલું હોવાથી પહેલી નજરે ખબર પડતી નથી. અહીંનું વાતાવરણ એકદમ શાંત છે. આ તળાવની જગ્યા આધ્યાત્મિક અને પવિત્ર ગણાય છે.


કાંચળિયો વિરડો:-


'વિરડો' એટલે પાણીથી ભરેલો એક નાનો ખાડો. 'કાંચળિયો વિરડો' ઓસમ માત્રી માતાજીનાં મંદિરથી ટપકેશ્વર મહાદેવ મંદિર તરફ પૂર્વ દિશામાં જતા માર્ગ પર આવેલો છે. તેનો આકાર શ્રીફળ (નાળિયેર) જેવો છે. ગુજરાતીમાં નાળિયેરના કાપેલા કવચને 'કાંચળી' કહેવામાં આવે છે; આ ખાડો પાણી ભરેલી નાળિયેરની કાપેલી કાંચળી જેવો દેખાતો હોવાથી તેનું નામ 'કાંચળિયો વિરડો' રાખવામાં આવ્યું છે.


શ્રી કંઠાય મહાદેવ :-

 

તળેટીમાં અહીં ભગવાન શિવની ઊંચી પ્રતિમા આવેલી છે. તળેટીમાં ભગવાન શિવ, ડુંગરમાં ટપકેશ્વર મહાદેવ અને ટોચ પર માતા માત્રી બિરાજતા હોવાથી આ સ્થળ પ્રત્યે શ્રદ્ધાળુઓ વિશેષ આસ્થા ધરાવે છે.


ભીમકુંડ:-


પાંડવો સ્નાન માટે આ કુંડ વાપરતા હોવાની માન્યતા છે.

 

ઉપરાંત અહીં ખોડિયાર માતાજી મંદિર, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, સંત વિરડો, કાચલી વિરડો, પાણી કોટા, ભીમ કોઠા,પીર બાપુની દરગાહ, બ્રિટિશ રાજ વખતનો કિલ્લો તેમજ પંચકોળીયું તળાવ જોવાલાયક સ્થળ છે.


ટૂંકમાં કહીએ તો ઓસમ પર્વત પર ચાર મુખ્ય મંદિરો આવેલ છે. બે ભગવાન શ્રી શંકરને સમર્પિત છે, જેમાં એક શ્રી ટપકેશ્વર મહાદેવ અને બીજુ શ્રી ભીમનાથ મહાદેવ જે ભીમકુંડ સમીપે આવ્યું છે. આ ઉપરાંત અહીંયા જૈન ધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર ભીમનાથ મંદિર નજીક નૈસર્ગિક જગ્યાએ ઉભારવામાં આવેલ છે. જેમાં સૌથી અગત્યનું ચોથુ મંદિર એટલે શ્રી માત્રીમાતાજીનું મંદિર. કોઠારી કુટુંબના કુળદેવ શ્રી દેવશી બાપાનું સ્થાનક ભીમનાથ મહાદેવ જતા સૌંદર્યસભર પંચકોળીયા તળાવને કાંઠે આવેલ છે.


લોકમેળો :-


હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ વદ અમાસના રોજથી ત્રણ દિવસ માટે લોકમેળો ઓસમ ડુંગરની તળેટીમાં ભરાય છે. આ મેળા દરમ્યાન દૂર દૂરથી લોકો પવિત્ર શ્રી માત્રીમાતાજીના દર્શન કરવા પહાડ પર જાય છે. આ ગામ જૈન અને હિંદુ પરિવારો માટે પવિત્ર યાત્રાધામ છે.


આ ડુંગર પર માત્ર 400 પગથિયાં છે, પર્વત ઉપર પ્રાકૃતિક સૌંદર્ય અને ધાર્મિક માહાત્મ્ય ધરાવતાં સ્થળો છે, તો તળેટી વિસ્તારમાં પરિવાર તથા મિત્રો સાથે પિકનિકની મજા માણી શકાય તેવી સરસ જગ્યા પણ છે. અહીં આરોહ- અવરોહણ સ્પર્ધાનું પણ આયોજન થતું હોય છે. એડવેન્ચર કેમ્પિંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફી, વનભોજન માટે આ જગ્યા સહેલાણીઓમાં લોકપ્રિય છે.


કેવી રીતે પહોંચવું?:-

 

રાજકોટ જિલ્લાથી 109 કિલોમીટરના અંતરે આવેલ ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્વારા ધોરાજીથી પાટણવાવ જઇ શકાય છે. ધોરાજીથી ઓસમ ડુંગર 24 કિલોમીટરના અંતરે આવેલો છે.


@osam.hill.official એ આ સ્થળનું instagram account છે.


સૌજન્ય:- ઈન્ટરનેટનાં ઘણાં બધાં વેબપેજ તેમજ યુ ટ્યુબનાં કેટલાંક વિડીયો સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પરની થોડી માહિતિ.



આભાર.

સ્નેહલ જાની