Where ego melted, love arose - Part 32 in Gujarati Love Stories by Upasana Mehta books and stories PDF | જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 32

Featured Books
Categories
Share

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 32

અભય અને આશુતોષ વાતો કરતાં કરતાં કેન્ટીનમાં પહોંચે છે.કેન્ટીનમાં ઘણા એમ્પ્લોઈઝ લંચ કરી રહ્યા હોય છે. અભયને આ રીતે અચાનક કેન્ટીનમાં જોઈને ઘણા લોકો આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગે છે. કેટલાક તો તરત જ પોતાની ખુરશી પરથી ઊભા પણ થઈ જાય છે.
અભય એ બધાની તરફ જોઈને કહે છે,
“અરે, પ્લીઝ... તમે લોકો બેસી જાઓ. આરામથી લંચ  એન્જોય કરો.”
અભયની વાત સાંભળીને બધા ફરી પોતાની જગ્યાએ બેસી જાય છે.
અભય અને આશુતોષ કેન્ટીનના શાંત ખૂણામાં આવેલી ટેબલ પર બેસી જાય છે.
થોડા જ સમયમાં કેન્ટીનના કાકા એમની પાસે આવે છે.
“ગુડ આફ્ટરનૂન, સર. તમારા માટે શું લાવું?”
અભય :“બે પ્લેટ છોલે-ભટુરે અને એક ચા લઈ આવજો.”
“ઓકે, સર.”
કાકા જવા માટે વળે છે, પણ ત્યાં જ અભયને કંઈક યાદ આવતા અચાનક પૂછે છે,
“અને હા, તમારા દીકરાનું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન થઈ ગયું ને?”
અભયનો આ સવાલ સાંભળીને કાકા ના ચહેરા પર ખુશી છવાઈ જાય છે.
“હા, સર! તમારા લીધે જ એને સારી કોલેજમાં એડમિશન મળી ગયું. ખરેખર, હું અને મારો પરિવાર તમારા બહુ આભારી છીએ.”
અભય નમ્રતા થી કહે છે,
“મેં કંઈ નથી કર્યું. સાચી મહેનત તો તમારા દીકરાની છે. બસ, એને કહેજો કે આવી જ રીતે મહેનત કરતો રહે.”
“જી સર.”
કાકાની આંખોમાં અભય માટે માન સ્પષ્ટ દેખાઈ આવે છે. એ સ્મિત સાથે ત્યાંથી નીકળી જાય છે.જતા જતા એમના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હોય છે.
"આટલા મોટા માણસ હોવા છતાં અભય સર ક્યારેય કોઈને નાના નથી સમજતા. નહીં તો આજકાલ કોને યાદ રહે કે કેન્ટીનમાં કામ કરતા માણસના દીકરાનું એડમિશન થયું કે નહીં...
બાજુમાં બેઠેલો આશુતોષ આ બધું જોઈને અભય તરફ જુએ છે અને હળવું સ્મિત કરે છે.
બંને ભાઈઓ વાતો કરી રહ્યા હોય છે, ત્યાં જ રેવા, રોનક અને વર્ષા કેન્ટીનમાં આવે છે. ત્રણેય પોતાની વાતોમાં એટલા મશગૂલ હોય છે કે એમને ખ્યાલ જ નથી આવતો કે ઓફિસના બોસ મિસ્ટર અભય મહેતા પણ આજે અહીં બેઠા છે!
​અભયની નજર અનાયાસે દરવાજા તરફ જાય છે અને એ આ ત્રણેયને જુએ છે. રેવા, રોનક અને વર્ષા નજીકના જ એક ટેબલ પર જઈને બેસી જાય છે. બેસતાની સાથે જ રોનક એકદમ ઉત્સાહમાં રેવાના હાથમાં રહેલા ટિફિન તરફ જોઈને પૂછે છે, 
“ચાલ રેવા, આજે લંચમાં શું ખાસ લાવી છે?”
રેવાએ હસતા હસતા ટિફિન ખોલ્યું, 
“કારેલાનું શાક અને રોટલી!”
રોનક તરત જ મોઢું બગાડે છે.
“શું? કરેલાનું શાક? મધ જેવા મીઠા માણસ માટે કારેલાનું શાક?”
રેવા ભ્રૂ ઊંચી કરીને એની સામે જુએ છે.
“ઓહો! મધ જેવો મીઠો માણસ?”
રોનક કોલર સરખો કરતાં કહે છે,
“હા, આખી ઓફિસમાં મારા જેટલો સ્વીટ માણસ બીજો કોઈ નથી.”
રેવા તરત જ હસીને કહે છે,
“એટલે જ તો કરેલાનું શાક લાવી છું. વધારે મીઠાશથી ડાયાબિટીસ થઈ જાય ને!”
એટલું કહીને એ વર્ષા ને તાળી આપે છે.વર્ષા અને રેવા બંને ખડખડાટ હસી પડે છે.
રોનક મોં બગાડીને કહે છે,
“વાહ! હું અહીં મારી પ્રશંસા કરી રહ્યો છું અને તમે લોકો મારી જ મજાક ઉડાવી રહ્યા છો!”
“બિલકુલ સાચું પકડ્યું!” રેવા તરત જ કહે છે.
આ સાંભળીને ત્રણેય ફરી હસી પડે છે.
બીજી તરફ, અભયનું ધ્યાન વારંવાર એમની ટેબલ તરફ જ જતું હતું. રેવા અને રોનકને આટલા હળીમળીને હસતા અને વાતો કરતા જોઈને, ખબર નહીં કેમ પણ અભયને અંદરથી કંઈક અજુગતું, એક અકળામણ જેવું લાગી રહ્યું હતું. એના ચહેરા પર સહેજ કડવાશ આવી ગઈ.
"મારી સામે તો 'હા સર', 'ઓકે સર' અને 'જી સર'થી આગળ એક શબ્દ પણ નથી બોલતી..." એ અજાણતાં જ મનમાં વિચારી બેસે છે.
"અને અત્યારે જુઓ તો કેવી હસી હસીને વાતો કરે છે!"
એ સહેજ ચીડાઈને પોતાની નજર બીજી તરફ ફેરવી લે છે.
"મને શું ફરક પડે?"
પણ થોડી જ વારમાં એની નજર ફરી અનાયાસે રેવા અને રોનક તરફ જતી રહે છે.
સામે બેઠેલો આશુતોષ કંઈક બોલી રહ્યો હોય છે, પણ અભયનું ધ્યાન તો ક્યાંક બીજે જ હોય છે.
આશુતોષ કહે,
“અને પછી મેં એને સીધી ના જ પાડી દીધી. "
અભય : “હમ્મ...”
આશુતોષ થોડી ક્ષણ માટે અટકી જાય છે.એને સમજાઈ જાય છે કે અભયનું ધ્યાન એની વાતોમાં નથી.એ પછી અભય જે દિશામાં જોઈ રહ્યો હોય છે, એ તરફ નજર કરે છે.
આશુતોષના હોઠ પર શરારતી સ્મિત આવી જાય છે.
“અરે! આ તો એ જ શીરાવાળી છોકરી છે ને?”
અભય કોઈ જવાબ આપ્યા વગર ફરી એકવાર
“હમ્મ...” 
આશુતોષે એની વધુ ખેંચતા કહ્યું,
અભય તુ એક નંબરનો ડોબો  છે.”
“હમ્મ...”
“ઉલ્લુ પણ  છે.”
“હમ્મ...”
બસ, હવે આશુતોષથી રોકાતું નથી.એ ખડખડાટ હસી પડે છે.
અભય એની તરફ જુએ છે.
“શું થયું? આમ કેમ હસે છે?”
આશુતોષ હસતા હસતા કહે છે,
“હું ક્યારનો તારી સાથે વાતો કરું છું અને તું દરેક વાતમાં 'હમ્મ... હમ્મ...' જ બોલે છે!”
અભય તરત જ થોડો સીધો બેસી જાય છે.
“ના, ના... હું સાંભળતો હતો.”
“અચ્છા? તો મેં હમણાં શું કહ્યું હતું?”
અભય એક ક્ષણ માટે અટકી જાય છે.
“એ... એટલે કે...”
આશુતોષ ફરી હસી પડે છે.
“હવે રહેવા દે. તારું ધ્યાન મારી વાતોમાં નહોતું .”
પછી એ અર્થપૂર્ણ નજરે રેવાની ટેબલ તરફ જોઈને ધીમેથી કહે છે,
“તારું ધ્યાન ક્યાં હતું એ મને સારી રીતે ખબર છે.”
આશુતોષની વાત સાંભળીને અભય એકદમ ચમકી જાય છે.
શું બોલે છે તું?” અભય તરત જ થોડા કડક અવાજે કહે છે.
આશુતોષ હસીને કહે છે,
“અરે ભાઈ, છેલ્લા પાંચ મિનિટથી તારું ધ્યાન મારી વાતોમાં નહોતું, એ તો મને પણ દેખાય છે.”
“એવું કંઈ નથી.” અભય તરત જ જવાબ આપે છે.
“હા હા, બિલકુલ નથી! એટલે જ હું તને ડોબો અને ઉલ્લુ કહેતો હતો અને તું દરેક વાતમાં 'હમ્મ...' જ બોલતો હતો!”
અભય કંઈ બોલતો નથી.
આશુતોષ શરારતી સ્મિત સાથે પૂછે છે,
“બાય ધ વે, આ શીરાવાળી છોકરીનું નામ શું હતું?”
“રેવા.”
જવાબ એટલો ઝડપથી આવે છે કે બંને એક ક્ષણ માટે ચૂપ થઈ જાય છે.
આશુતોષ  હસે છે.
“ઓહો... નામ તો તરત યાદ આવી ગયું!”
“આશુતોષ!” અભય ચેતવણીભરી નજરે એની સામે જુએ છે.“ઓકે, ઓકે... હું કંઈ નથી બોલતો.” આશુતોષ હસતા હસતા બંને હાથ ઊંચા કરી દે છે.
ત્યાં જ કેન્ટીનના કાકા બે પ્લેટ છોલે-ભટુરે અને ચા લઈને આવી જાય છે.
“લો સર.”
આશુતોષ હજુ પણ હસતો જ હોય છે, જ્યારે અભય એને એક કડક નજરે જુએ છે.
“હવે ખાવા દે શાંતિથી.” અભય કહે છે.
“ઓકે બોસ!” આશુતોષ હસીને જવાબ આપે છે.
લંચ ટાઈમ પૂરો થતાં જ બધા ફરી પોતાના ડેસ્ક પર જવા લાગે છે.રેવા, રોનક અને વર્ષા પણ  કેન્ટીનમાંથી બહાર નીકળે છે. બરાબર એ જ સમયે અભય અને આશુતોષ પણ લંચ પતાવીને બહાર જવા માટે ઊભા થાય છે.
અચાનક રેવાની નજર અભય પર પડે છે.
"ગુડ આફ્ટરનૂન, સર." રેવા નમ્રતાથી કહે છે.
એની પાછળ ઉભેલા રોનક અને વર્ષા પણ સાથે જ બોલે છે, “ગુડ આફ્ટરનૂન, સર.”
​અભય એક ક્ષણ માટે ઊભો રહે છે. એની નજર રેવા પર અને પછી સહેજ રોનક પર જાય છે. એના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા.એ બસ 'હમ્મ...' કહીને આગળ વધી જાય છે."
અભયનો આવો વ્યવહાર જોઈને રેવા થોડી મૂંઝાઈ જાય છે.એના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ જાય છે.
"સરને શું થઈ ગયું?" એ મનમાં વિચારે છે.
"હજુ થોડી વાર પહેલાં મીટિંગમાં તો એ મારી સાથે કેટલી સારી રીતે વાત કરતા હતા, કાવ્યા મેમ સામે મારો સપોર્ટ કરતા હતા..?"અને હવે અચાનક આમ કેમ વર્તી રહ્યા છે?"
જ્યારે બીજી તરફ, કેબિન તરફ આગળ વધી રહેલો અભય અંદરથી બેચેન હતો. એ રસ્તામાં પોતાની જાતને જ વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે એને કોઈ ફરક પડતો નથી... રેવા ગમે તેની સાથે હસે કે વાતો કરે, એ એની પર્સનલ લાઈફ છે! છતાં પણ, એનું મગજ એનું કહ્યું નહોતું માની રહ્યું. "રોનક અને રેવાને કેન્ટીનમાં હસતા-વાતો કરતા જોયા હતા, એ દૃશ્ય વારંવાર અભયની આંખો સામે આવી રહ્યું હતું."

શું અભય પોતાની અંદર ઊભી થતી આ અજાણી બેચેનીનું કારણ સમજી શકશે... કે પછી આ લાગણી દિવસે દિવસે વધુ ઊંડી થતી જશે?
અને શું રેવા ક્યારેય સમજી શકશે કે અભયના બદલાયેલા મૂડ પાછળનું કારણ એ પોતે જ છે?
આગળ શું થશે તે જાણવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. 😊