લાઈટ ઓરેન્જ કલરનું શોર્ટ ટોપ અને બ્લેક કલરનું બોટમ પહેરીને પરી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.. આજે તેના ચહેરા ઉપર એક અનોખું સૂકુન અને ચમકીલું તેજ હતું... દુનિયાનું તમામ સુખ જાણે તેના કદમ ચૂમી રહ્યું હતું.. તેનું એ જ નિખાલસ હાસ્ય.. એ જ ભોળપણભરી અદા અને એ જ આત્મવિશ્વાસ સાથે ભરાતું એક એક ડગ...ડોક્ટર નિકેત તેની આ અદા ઉપર આફરીન થઈ જતા હતા પરંતુ પોતાના દિલની વાત પરી આગળ મૂકવી કઈ રીતે બસ તે જ અવઢવમાં હતા...!!પરી પોતાની મોમની રૂમમાંથી બહાર નીકળી અને ડોક્ટર નિકેતની કેબિનમાં પ્રવેશી..."આવો મેડમ, બેસો...""સર તમારે મને પરી જ કહેવાનું છે.. આફ્ટર ઓલ તમે મારા ગુરુ છો.. તમે મને ટ્રેઈનીંગ આપી છે.""હા એ વાત તો સાચી, પણ ક્યારેક કોઈ એક વ્યક્તિ ઉંમરમાં કે હોદ્દામાં આપણાંથી નાની હોવા છતાં આપણા માટે તે મૂલ્યવાન હોય છે અને આપણાં જીવનમાં તેનું ખૂબ જ મહત્વ હોય છે.""હા સર, એ વાત પણ સાચી છે આપની.""આજે મારે તમને મારા દિલની એક વાત કરવાની છે.""હા બોલો ને સર..!"પરીએ પ્રશ્નાર્થ નજરે ડોક્ટર નિકેતની સામે જોયું... તેના ચહેરા ઉપર સ્મિત છવાયેલું હતું.. અને બંને ગાલ ઉપર લાલાશ પથરાયેલી હતી અને દિલમાં ડોક્ટર નિકેત માટે અહોભાવ હતો...!!ડોક્ટર નિકેત ત્રિવેદી એક સફળ ડોક્ટર, સ્વભાવે શાંત, સરળ, ડાહ્યા અને ઠરેલા, આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પરીની સામે પોતાના દિલની વાત મૂકવા માટે તેમનું હ્રદય તલપાપડ થઇ રહ્યું હતું...મિસ પરી તેમની વાત રજૂ કર્યા પછી તેનો શું પ્રતિસાદ આપશે તે વાત તેમના હ્દય અને મનને બંનેને હચમચાવી રહી હતી.મીઠી નજરે અને મીઠા અવાજે તેમણે મિસ પરી સામે દ્રષ્ટિ કરી અને તે મિસ પરીને પૂછવા લાગ્યા કે,"મિસ પરી તમે આગળ હવે શું કરવા માંગો છો..? તમારે મારા ત્યાં જ આ જ હોસ્પિટલમાં જોબ કરવી હોય તો આ હોસ્પિટલના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે.""જી સર, જોબ ક્યાં કરવી અને શું કરવું એ બાબતે હજી મેં કંઈ વિચાર્યું નથી. કે મોમ ડેડ સાથે કંઈ ચર્ચા પણ કરી નથી.""કંઈ વાંધો નહીં.. શાંતિથી વિચાર કરીને મને કહેજો.. બીજી એક વાત હું તમને ઘણાં સમયથી કહેવા માંગુ છું પણ કહી શકતો નથી. તમારા જેવી છોકરી જો મારી જીવનસંગીની બનશે તો મારું જીવન ધન્ય બની જશે. મિસ પરી હું તમને ચાહવા લાગ્યો છું અને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. તમને હું ફક્ત આ હોસ્પિટલના જ નહીં પરંતુ મારા આ અમૂલ્ય જીવનમાં પણ મારા પાર્ટનર બનાવવા ઈચ્છું છું મારા જેવા માણસને જો તમે જીવનસાથી તરીકે સ્વીકારવા ઈચ્છતા હોય તો હું તેને મારું અહોભાગ્ય સમજીશ. આ વાતનો જવાબ તમે મને શાંતિથી વિચારીને આપજો મારે જરા પણ ઉતાવળ નથી."ડોક્ટર નિકેતના આ પ્રસ્તાવથી પરી જાણે ઉંડા વિચારમાં ડૂબી ગઈ.. શું કરવું.. શું બોલવું.. તેની કંઈ જ સમજમાં આવતું નહોતું..!!તેની નજર ઉંચી કરીને તે ડોક્ટર નિકેત સામે આંખ મિલાવવા માટે સક્ષમ નહોતી.. ડોક્ટર નિકેત માટે તેના મનમાં ખૂબ જ માન હતું પરંતુ હ્રદય તેમને ચાહવા માટે તૈયાર નહોતું.. તેના દિલના તાર તો બીજા સાથે જોડાઈ ચુક્યા હતા.. તેના હ્રદય ઉપર સમીર જેવા મજબૂત, હેન્ડસમ અને દિલના સાફ માણસે આધીપત્ય જમાવી દીધું હતું. હવે ત્યાં કોઈ બીજાને માટે કોઈ જ સ્થાન કે જરાપણ જગ્યા નહોતી બચી..ડોક્ટર નિકેતની વાતથી તે થોડી ઢીલી પડી ગઈ.. પોતાની મોમની મનભરીને સેવારૂપી ટ્રીટમેન્ટ કરવા બદલ તે ડોક્ટર નિકેતની ખૂબજ આભારી હતી અને જાણે તે બોજ નીચે તે દટાયેલી હતી પરંતુ પોતાના હ્દદય કમળમાં કોઈ બીજો જ પુરુષ બીરાજમાન હતો. જેને તે પોતાના હ્રદયના ખૂણે ખૂણેથી, અંતઃકરણ પૂર્વક અતિશય પ્રેમ કરતી હતી અને હવે તે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં તેને છોડવા માંગતી નહોતી... તેની નસે નસમાં સમીરના પ્રેમનું રુધિર વહી રહ્યું હતું...બંનેએ પોતાના પ્રેમનો સહર્ષ સ્વીકાર પણ કરી લીધો હતો અને કદી પણ કોઈ પણ સંજોગોમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું પ્રણ પણ લઈ લીધું હતું અને મનોમન જાણે બંને એકબીજાને વરી ચુક્યા હતા...કદાચ બંને એકબીજાને માટે જ સર્જાયા હતા અને એકબીજાને માટે જ ધરતી ઉપર અવતર્યા હતા..ડોક્ટર નિકેતની આ વાતના ઉચ્ચારણ સાથે જ તેની નજર સામે તેનો પોતાનો હસતો ખેલતો સમીરનો તસતસતો ચહેરો તરવરી રહ્યો હતો...થોડી પળો તે જાણે તેનામાં ખોવાઈ ગઈ...તેના હ્રદય મનને ઢંઢોળી રહ્યા હોય તેમ ડોક્ટર નિકેતે ફરીથી પરીને કહ્યું કે, "મિસ પરી...તમે મને શાંતિથી જવાબ આપી શકો છો અને તમારા હ્રદયમાં કોઈ બીજું સ્થાન લઈ ચૂક્યું હોય તો પણ મને વાંધો નથી અને તમે મને તમારી એ અંગત વાત પણ જણાવી શકો છો..."ડોક્ટર નિકેતના આ શબ્દોથી પરીને થોડી તસલ્લી મળી અને પોતાના દિલની હકીકતભરી વાત કહેવા માટેનો એક ચાન્સ મળ્યો... અને આમ પોતાના મનની વાત જે હૈયે હતી પણ હોઠ ઉપર નહોતી આવતી તે રજૂ કરવી તેને માટે સરળ બની ગયું..."સર આઈ એમ સોરી બટ આઈ લવ સમવન એલ્સ..." પરી આગળ કશું જ ન બોલી શકી...ડોક્ટર નિકેતના હ્રદયે જાણે ધબકવાનું બંધ કરી દીધું હતું... આ શબ્દો સાંભળવા અને તેનો સામનો કરવો તેમને માટે મુશ્કેલ જ નહીં નામુમકિન હતું પરંતુ હકીકતનો સ્વિકાર કર્યા વગર છૂટકો પણ નહોતો...તેમણે પરીની સામે જોયું અને તે બોલ્યા કે, "કોણ છે તે ખુશનસીબ હું જાણી શકું છું..?""મારા સારા ફ્રેન્ડ હતા તે.. બટ નાઉ વી લવ ઈચ અધર...""શું કરે છે તે ડોક્ટર છે..?""ના સર તે પોલીસ ઇન્સ્પેકટર છે અને ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.. ખૂબજ બ્રેવ છે..""ઓહ, સરપ્રાઈઝ ડોક્ટર થઈને પોલીસ ઇન્સ્પેકટર સાથે લવ.. અનબિલીવેબલ મેશપ..!!""સર, કોઈની પણ સાથે પ્રેમ થાય તો કહીને થોડો થાય છે..? બસ હ્રદયના ખૂણેથી કોઈ એવો પોકાર આવે છે જે મનને હચમચાવી મૂકે છે અને તેનો સ્વીકાર કરવો જ પડે છે... મને એમ જ હતું કે હું કદી આ લવ બવના લફડામાં નહીં પડું પણ સમીર સાથે મને ક્યારે અને કેવી રીતે લવ થઈ ગયો તેની મને પણ નથી ખબર...""સમીર નામ છે તેનું...નાઈસ નેમ..મળાવજે કોઈ વાર મને તેની સાથે...""જી, સ્યોર સર. અને હવે હું રજા લઉ સર...?" વર્તમાન સંજોગોમાં પરીને ડોક્ટર નિકેત સાથે વધારે બેસવું યોગ્ય ન લાગતા તે ઉભી થઈ અને જવા માટે તૈયાર થઈ...પરંતુ ડોક્ટર નિકેતે તેને રોકી લીધી અને તે બોલ્યા, "મિસ પરી, થોડી વાર માટે બેસી જશો પ્લીઝ.. મારે તમારી સાથે બીજી પણ થોડી અંગત વાત કરવાની છે..."વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 30/7/26