લેખ:- વરસાદને પત્ર અને એનો વળતો ઉત્તર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
પ્રતિ,
શ્રી વૃષ્ટિકુમાર.
વિષય:- આપશ્રી તરફથી થતી પારાવાર નુકસાની બદલ ફરિયાદ.
જય ભારત સહ જણાવવાનું કે મારે આજે તમને એક ફરિયાદ કરવાની છે. સકુશળ હશો એવું નથી લખતી. તમને દરરોજ વરસતા જોઈને તમારી કુશળતા મને દેખાય છે. પણ તમારી આ વધારે પડતી કુશળતા માનવજાતને અકુશળ કરી રહી છે. હું પણ જાણું જ છું કે વરસાદ એ જનજીવન ધબકતું રાખવા અત્યંત જરુરી છે. જો વરસાદ ન વરસે તો ખેડૂત ખેતી ન કરી શકે, અનાજ ઉગાડી ન શકે. અનાજ અનેકગણું મોંઘું થઈ જાય. ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો આ ભાવવધારો સહન ન કરી શકે. એમને પોષાય જ નહીં.
પણ એવા વરસીને શું કરશો કે ખેડૂતે ઉગાડેલું અનાજ જ તમારા પ્રવાહમાં તણાઈ જાય? ખેડૂત પાયમાલ થઈ જાય અને અનાજ બધું નકામું જાય! તમારુ તો ઝરમર સ્વરુપ જ માનવજીવન માટે વરદાન છે. તો પછી આ કહેર શાનો? શા માટે જનજીવન ધ્વસ્ત કરી નાંખો છો?
તમને ખબર છે કે તમારા અનરાધાર વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. એટલી હદે આ પાણી ભરાય છે કે બાળકો શાળાએ નથી જઈ શકતાં. એમનાં ભણતર પર અસર થાય છે. ઉપરથી લોકોનાં વાહનોમાં પાણી ભરાઈ જવાને કારણે ત્યાં પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. મધ્યમવર્ગનાં માનવી માટે આ વાહન જ એને નોકરીનાં સ્થળે સમયસર પહોંચાડનાર સાધન હોય છે. એ ખરાબ થાય એટલે એને નોકરીમાં તકલીફ થાય. સમયસર ન પહોંચે એટલે એને એનાં બૉસ તરફથી બે શબ્દો સાંભળવા મળે. કોઈ કોઈ જગ્યાએ તો અડધા દિવસનો પગાર પણ કાપી લેવામાં આવે છે.
જે ગરીબો બિચારાં રસ્તા પર ઝુંપડા બાંધીને રહેતાં હોય એમનાં ઝુંપડા તો સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. એમણે આશરો લેવા માટે સરકારી મદદની રાહ જોવી પડે છે. અને આ વખતે તો તમે ખરેખર હાહાકાર કરી દીધો. નાનાં નાનાં ગામડાંઓ તો તદ્દન ખલાસ થઈ ગયાં. ખબર નહીં હવે આ ગામડાંઓ ફરી ક્યારે નિયમિત જીવન જીવશે? હજુ તો તમારા ગઈ વખતનાં તોફાની આગમનથી થયેલ નુકસાનમાંથી તો આ ગામડાંઓ બહાર નીકળી શક્યાં નહોતાં, ને તમે ફરીથી તમારો ચમકારો બતાવવા માંડ્યો. જનજીવન પાટે ચડે અને પોતાને માનસિક સક્ષમ બનાવી તમારો સામનો કરી શકે એટલો સમય તો આપવો હતો!!!
આ બધું ઓછું હોય તેમ નાનાં નાનાં ગામડાંઓની કેટલીય શાળામાં વિદ્યાર્થીઓને બેસવાની બેંચ અને શાળામાં રાખેલા એમનાં પુસ્તકો તદ્દન નકામાં થઈ ગયા. કોણ ભરશે આ નુકસાની? કેવી રીતે આ બાળકોનાં વાલીઓ નવાં પુસ્તકોનો ખર્ચ ઉઠાવશે? ખબર નહીં આ એક વખતનાં પુસ્તકો જ એમણે કેમ કેમ અપવ્યાં હશે!
કંઈ કેટલાંય વેપારીઓને તમારાં અતિશય પ્રવાહને કારણે કરોડોનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે! એમનો કરોડો રૂપિયાનો માલ ક્યાં તો તણાઈ ગયો અને ક્યાં તો સાવ નકામો થઈ ગયો. કેવી રીતે ઘર ચાલશે એમનું? એમનાં પરિવારનો ખર્ચો પણ તો એમણે ઉઠાવવાનો હોય છે!
આ તો થઈ મનુષ્યજીવનની વાત! પશુ પક્ષીઓ સામે પણ તો જુઓ. એ બિચારાં અબોલ જીવ! કોઈને મદદ માટે બોલાવી પણ ન શકે. આવા સંજોગોમાં કેટલાંય પશુ માલિકો પથ્થર હ્દયે પોતાનાં પશુધનને છૂટા મૂકી દે છે, એમ વિચારીને કે 'બાંધીને રાખશું તો પાણીમાં ડૂબીને મરી જશે.' પણ એમને શું ખબર કે છૂટા મૂક્યા પછી પણ આ અબોલ જીવે તો મરવાનું જ હતું?
આ બધું તમને જણાવીને હું એવું નથી કહેવા માંગતી કે તમારુ કોઈ કામ નથી, તમે જરુરી જ છો. પાણી વિના જીવવું શક્ય નથી. પણ વરસો તો એવી રીતે વરસો કે સૌને કામ લાગો. પહેલાનાં સમયમાં તમે વરસતાં જ હતાં. પણ ક્યારેય આટલું નુકસાન અને જાનમાલની હાનિ નથી થઈ. પરંતું આ વખતે તો આર્થિક રીતે તેમજ જીવની રીતે માનવી પાયમાલ થઈ ગયો.
અંતે એટલું જ કહીશ તમને કે થોડી દયા રાખો અને જીવન ફરીથી પહેલાં જેવું થઈ જાય એવી કૃપા કરો. જેમ છોરું કછોરું થાય, પણ માવતર ન થાય એમ ઈશ્વર પણ પોતાનાં ભક્તો સાથે આવું ન કરે. માન્યું કે જેઓ સજાને પાત્ર છે એમને તમે આ રીતે સજા આપો, પણ આમાં કેટલાંય નિર્દોષ લોકોને પણ વગર વાંકે સજા મળે છે એનું શું?
લિ.
આપશ્રીનાં રોષથી થયેલી દુર્દશા જોઈ આહત થયેલ,
સ્નેહલ.
વ્હાલી સ્નેહલ,
તારો પત્ર મળ્યો. બે વાર વાંચ્યો. મને ગમ્યું કે તને લોકોને થયેલી નુકસાની બદલ દુઃખ થયું. તેં ઠાલવેલી એકએક વ્યથા યથાયોગ્ય જ છે. પણ આમાં મારો કોઈ વાંક નથી. મારે તો મારું કામ કરવું જ પડે. મારુ કામ છે વરસવાનું!
તુ જ કહે છે ને કે પહેલાં પણ હું આમ જ વરસતો હતો પણ ક્યારેય આવું નુકસાન નથી કર્યું. તુ જ વિચાર કે પહેલાં હું વરસું ત્યારે પાણી જવા માટેની કેટલી જગ્યા હતી અને હવે કેટલી છે! પહેલાં ખુલ્લાં મેદાનો હતાં, ખુલ્લી ફળદ્રુપ કે બિનઉપજાઉ જમીનો હતી, જેમાં મારું બધું પાણી શોષાઈ જતું. અને આ પાણી શોષાઈ જવાને કારણે જમીનમાં કેટલાં બધાં પાણીનો સંગ્રહ થતો હતો. ઉપરથી ઘરે ઘરે કૂવા હતાં. કેટલું બધું પાણી તો એમાં જતું રહેતું.
મારા પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરી જમીનમાં ઉતારનાર કોઈ હોય તો એ વૃક્ષોનાં મૂળ છે. તુ જ જો, કેટલાં બધાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે! જંગલ વિસ્તારનાં પણ કેટલાં બધાં ઝાડ કાપીને ત્યાં માનવીય વસવાટ ઉભો કરી દીધો છે. હવે આવામાં મારા વરસવાની નિયમિતતા કેમની રહે?
જે વૃક્ષો કુદરતને સંતુલિત રાખતાં હતાં એ બધાં ઓછાં થવા માંડ્યા. ઉપરથી પ્રદૂષણ કેટલું! આનાં કારણે વાદળા બાંધવાની જે કુદરતી પ્રક્રિયા હતી એ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. જ્યાં માટીવાળી જમીન હતી ત્યાં હવે સિમેન્ટનાં મકાનો છે. આ મકાનોનાં પાયામાં પણ સિમેન્ટ જ હોય છે. હવે આ સંજોગોમાં પણ મારું પાણી તો જમીનમાં પચવાનું જ નથી! પાણીનો ગુણધર્મ છે વહેતા રહેવાનો. જો પાણીને શોષાઈ જવાની જગ્યા નહીં મળશે તો એને જ્યાં જગ્યા મળે ત્યાં એ ભરાઈ જશે.
મને પણ દુઃખ છે કે બધાંને આટલું બધું નુકસાન થયું. પણ આમાં હું કંઈ જ કરી શકું એમ નથી. કુદરતી સંતુલન માનવીએ જ ખોરવી નાંખ્યું છે. આથી વધારે પડતી ગરમી, ઠંડી અને વરસાદ એણે જ સહન કરવો પડે. ગ્લોબલ વોર્મિંગ માટે પણ જવાબદાર તો માનવીની ભૌતિક સુખોની લાલસા જ છે!
સ્નેહલ, તને તો ખબર જ છે કે જમીનનાં કેટલાંય પડ આવેલાં છે અને વરસાદી પાણી આ પડમાંથી જમીનમાં ઉતરીને શુદ્ધ થતું જાય છે. પણ પ્લાસ્ટિકનાં વધારે પડતાં ઉપયોગને લીધે જમીનનાં પડ બંધ થઈ ગયાં છે. પ્લાસ્ટિકનું એક આખું પડ વચ્ચે આવી જવાને લીધે પાણી એ પડથી વધારે નીચે પચી શકતું નથી. પરિણામ સ્વરૂપ આ પાણી જમીનની ઉપરની સપાટી પર વહેવા લાગે છે, અને અંતે પૂરમાં પરિણમે છે.
માનવીની પ્રકૃતિ સાથેની છેડછાડ માત્ર મને જ નહીં, અબોલ જીવોને પણ નુકસાન કરે છે. સ્નેહલ, તુ એવી ફરિયાદ કરે છે કે મારા લીધે આવેલ પૂરમાં અબોલ જીવો તણાઈને મૃત્યુ પામ્યાં. પણ તને એ નથી દેખાતું કે માનવસર્જિત પ્રદૂષણથી કેટલાંય પ્રાણી અને પક્ષીઓની જાતિ નામશેષ થઈ ગઈ. આ પ્રાણીઓ માત્ર પુસ્તકોમાં નામ સ્વરૂપે રહી ગયાં છે.
ખેડૂતને નુકસાન થયું માન્યું, પણ કેમિકલ વાપરવાને લીધે એની પણ જમીનનો ઘણો ભાગ નકામો થઈ ગયો છે. એણે પણ હવે પહેલાંની જેમ પ્રાકૃતિક ખેતી જ કરવી પડશે. ખેતર વેચીને ત્યાં મકાન બાંધવાની જગ્યાએ બે પાક વધારે ઉગાડશે તો જમીનની ફળદ્રુપતા વધશે અને વરસાદી પાણી જમીનમાં વધારે ઉતરી શકશે.
દર વર્ષે આવું જ થશે જો મારા પાણીને જવા દેવાની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવશે! ઠંડી, ગરમી, વરસાદ બધું જ નિયમિત થઈ જશે જો માનવી પ્રકૃતિ સાથે છેડછાડ બંધ કરી કુદરતને શક્ય એટલું સાચવશે.
હવે તુ જ વિચારજે કે મારી મજબૂરી કઈ છે અને ખરેખર આ પૂર માટે જવાબદાર કોણ છે!!!!!
લિ.
શક્ય એટલાં ખુલાસા આપી તને સમજાવવા પ્રયત્ન કરનાર,
વૃષ્ટિકુમાર.