સંઘર્ષના દિવસો અને અનિશ્ચિતતાની રાતો પછી જીવનનું એક નવું પાનું ખૂલ્યું. તે દિવસે હું અનેરા ઉત્સાહથી ભરેલો હતો. આ દિવસ માત્ર નવી નોકરીનો પહેલો દિવસ નહોતો, પણ સાથે જીવનના અનુભવોમાં એક નવો અધ્યાય ઉમેરવાનો અવસર હતો. આ દિવસ મારા જીવનના યાદગાર દિવસોમાંથી એક બનવાનો હતો.
સવારના સોનેરી કિરણો સાથે હું જાગ્યો. ફિલ્મોના હીરોની જેમ રૂમના પડદા ખોલ્યા અને આશાભરી નજરે ઘૂઘવતા દરિયા વચ્ચે અડીખમ ઊભેલા સી લિંક સામે જોતો જ રહી ગયો. સમય વીતવાની સાથે દિલના ધબકારા પણ વધી રહ્યા હતા; પણ ચિંતા, ડર, ઉત્સાહ અને ખુશી—આ બધું મારી બેગમાં સમેટી હું ઑફિસ માટે તૈયાર થયો. માયાનગરીની સફરની શરૂઆતથી જ મારા પર છવાયેલા સંઘર્ષના વાદળો હટ્યા બાદ ઊગેલા સૂરજે મારામાં અનોખો ઉત્સાહ ભરી દીધો હતો.
પહેલા દિવસે મારે આઠ વાગ્યે ઑફિસ પહોંચવાનું હતું. 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન'ના વિચારથી પ્રેરાઈને તૈયાર થઈ હું ઑફિસ જવા નીકળ્યો. કંપનીએ જે રીતે મારા રહેવાની સુવિધા કરી હતી, તે જોતાં મને લાગ્યું કે ઑફિસ પચીસેક માળની બિલ્ડિંગના ટોપ ફ્લોર પર હશે. મારો ઉત્સાહ એટલો હતો કે આગલી રાત્રે સૂતાં પહેલાં જ મેં વિચારી રાખ્યું હતું કે હું આમ કરીશ, તેમ કરીશ. એ જ ઉત્સાહ સાથે તૈયાર થઈ હું બહાર નીકળ્યો અને નવા જમાના પ્રમાણે વર્ચ્યુઅલી મમ્મી-પપ્પાના આશીર્વાદ લીધા.
ગેસ્ટ હાઉસથી ઑફિસ સુધીનો રસ્તો માંડ પાંચ મિનિટનો હતો. ઉત્સાહ એવો હતો કે વાત ન પૂછો! હું પૂછપરછ કરતો કરતો ઑફિસ સુધી પહોંચ્યો. ત્યાં પહોંચીને મને જાણવા મળ્યું કે મારી ઑફિસ કોઈ સામાન્ય કૉર્પોરેટ બિલ્ડિંગમાં નહીં, પણ કંપનીની પોતાની જ ચાર માળની ઇમારતમાં હતી. જ્યાં સુધી હું ઑફિસ નહોતો પહોંચ્યો ત્યાં સુધી મારી જાણ બહાર હતું કે મારી કંપની સાથે દેશભરમાં ૧૮થી વધુ કંપનીઓ જોડાયેલી છે, જેમાં લગભગ ૨૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. જે બિલ્ડિંગ પાસે હું પહોંચ્યો હતો, તે આખા દેશની તમામ કંપનીઓનું હેડક્વાર્ટર હતું.
ચુસ્ત સિક્યોરિટી વચ્ચે જઈને હું બોલ્યો, "ન્યૂ જોઇનિંગ."
સામેથી જવાબ મળ્યો, "જી, ગુડ મોર્નિંગ સર."
આ સાંભળીને મારું હૃદય ગદગદ થઈ ગયું. મનના એક ખૂણામાં ગીત ગણગણવા લાગ્યું—“સાલા મૈં તો સાહબ બન ગયા...” છલકાતા હરખને હૈયામાં દબાવી, અવાજમાં થોડો વજન લાવીને મેં પૂછ્યું, "જી, ક્યા કરના હોગા?" નાનકડી ઔપચારિક પ્રક્રિયા પૂરી થયા બાદ મને અંદર જવાની પરવાનગી મળી.
હું ઑફિસ જોતાં જોતાં મારા ડિપાર્ટમેન્ટ સુધી પહોંચ્યો. ત્યાં લગભગ ૫૦૦ જેટલા લોકો કામ કરતા હશે. સૌ કોઈ પ્રોફેશનલ અંદાજમાં તૈયાર થઈને આવ્યા હતા. આખો માહોલ સકારાત્મક ઊર્જાથી છલકાતો હતો. બધા પોતપોતાના કામમાં એટલા મગ્ન હતા, જાણે એમનું કામ જ એમની દુનિયા હોય! ત્યાં મારું એક નાનું ઇન્ટ્રોડક્શન થયું. હું બધાને મળ્યો અને સામાન્ય વાતચીત થઈ. મારો ડિપાર્ટમેન્ટ નાનો હતો, જેથી લોકો સાથે વાતચીત કરવી અને તેમને સમજવા મારા માટે સરળ બન્યું.
દિવસની શરૂઆતમાં મને લાગતું હતું કે મારો આખો દિવસ આ જ ઑફિસમાં જવાનો છે, પણ મને ખબર નહોતી કે મને એક સરપ્રાઇઝ મળવાની હતી. મેં થોડુંઘણું કામ સમજવાનો પ્રયત્ન કર્યો, કારણ કે મારા માટે આ કામ સાવ નવું હતું. સહકર્મીઓએ મને આશ્વાસન આપતાં કહ્યું કે બધું કામ એક જ દિવસમાં નહીં સમજાય.
કામની મૂંઝવણ અને નવા લોકો સાથેના પરિચય વચ્ચે, જ્યારથી હું ઑફિસે આવ્યો હતો ત્યારથી મનમાં વિચારોનું એક વંટોળ ચાલી રહ્યું હતું. ભૂતકાળના કેટલાક ખરાબ અનુભવોએ મને ચિંતામાં મૂકી દીધો હતો; કારણ કે અગાઉ મારી સાથે શીખવા-સમજાવવાના નામે ઓવરટાઇમનું ભારણ નાખવામાં આવતું હતું. એ જ કંટાળાને કારણે હું અમદાવાદ છોડીને મુંબઈ આવ્યો હતો. મનમાં સવાલો ઊઠતા હતા: શું અહીં પણ એવું જ થશે? શું અહીં પણ શીખવવાના નામે ઓવરટાઇમ કરાવશે?
પરંતુ, આ નકારાત્મક વિચારોનું આયુષ્ય અમાસના અજવાળા જેટલું જ ટૂંકું નીવડ્યું. બપોરના ૩ વાગતાની સાથે જ આખી ઑફિસ ખાલી થવા લાગી! ત્યારે મને જાણવા મળ્યું કે મારી ઑફિસનો સમય સવારે ૭થી બપોરે ૩ વાગ્યા સુધીનો જ છે. આ જોઈને થોડી નવાઈ તો લાગી, પણ આખરે મારો પહેલો દિવસ ખૂબ જ સારો રહ્યો.
ઑફિસના પહેલા દિવસના સુખદ અંત સાથે જ મનમાં નવા ઘરની ચિંતાનું વંટોળ ફરી શરૂ થયું. હું ગેસ્ટ હાઉસ પહોંચ્યો અને મમ્મી-પપ્પાને પહેલા દિવસની પૂરેપૂરી વિગત આપી. થોડો આરામ કર્યા પછી હું એક સૈનિકની જેમ તૈયાર થઈને નવા ઘરની શોધમાં નીકળી પડ્યો.
શું મને મારું મનગમતું ઘર મળશે? જ્યારે મને મુંબઈ જેવા મહાનગરમાં ભાડાના મકાનની લેવડદેવડ વિશે કશી જ ખબર નથી, ત્યારે હું મારા માટે યોગ્ય ઘર કેવી રીતે શોધી શકીશ? શું એ ઘર મારી ઑફિસની નજીકના વિસ્તારમાં હશે?
આ બધા પ્રશ્નોના જવાબ માટે તમારે રાહ જોવી પડશે આવતા ભાગની...