Snack of Soul (Part-3) in Gujarati Human Science by Er Gopal Saraiya books and stories PDF | મનનો નાસ્તો - ભાગ 3

Featured Books
Categories
Share

મનનો નાસ્તો - ભાગ 3

નોકરીએથી ઘરે પહોંચતા ઓફિસ અને ફિલ્ડવર્કનું કામ કરી આજે સાંજ થતા જ થાકીને ટેહ ! થઈ ગયેલો હું ઘરે પહોંચ્યો છું. ઘરે ગેટ ખોલી સ્કૂટર પાર્ક કરું એટલી વારમાં દીકરી વિશ્વાને પપ્પા આવવાના એંધાણ મળી જતા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર ના બારણા પાછળ સંતાય ગયેલી. જેવો મેં ઘરમાં પગ મૂક્યો તરત જ બારણા પાછળથી આવી " હાવ !! " કરી મને બિવરાવવા પ્રયત્ન કર્યો. દીકરીએ કરેલા પ્રયત્નની ગંભીરતા લઈ થાકેલો હોવા છતાં કૃત્રિમ સ્માઇલ અને ખોટા કાલાવાલા કર્યા. દીકરીએ મને પાણી પાયું આટલીવારમાં એ પણ સમજી ગઈ કે પપ્પા આજ થાકેલા લાગે છે. એટલે આજે કોઈ ડિમાન્ડ કે જિદ્દ નહીં. તેની ઢીંગલી લઈ ને રમવા માંડી. સાલું આટલા નાના ભુલકાઓ સમજી શકતા હોય કે મૂડ થાકેલો છે તો આખો દિવસ મોટા ઢગાઓ કેમ નહીં ?

     દિવસભરનો થાક અને તણાવમાં ઘણીવાર રોજબરોજની જેમ પારિવારિક સમય વિતાવવાથી પણ રાહત નથી અનુભવાતી. ઘણીવાર ધંધા કે નોકરીને લગત તણાવવાળા પ્રશ્નો પરિવારના વિષય અને સિલેબસ બહારના હોવાથી અને પરિવારને પણ આપણું ટેન્શન થવાની બીકમાં પરિવાર સાથે શેર કરતા હોતા નથી. જેને સમયસર સાફ કરવામાં ન આવે તો મગજમાં ધીમે ધીમે બાવા વળી અને ઉધઈ થવા લાગે છે.

     આજે કચેરીની માહિતીયું, સાઇટ પર કોન્ટ્રાકટર સાથેની માથાકૂટ અને ગ્રામજનોને સમજાવટ કરી કરીને ખરેખર માથું તો એવું સબાકા મારેને ! કે મગજની નસોને જાણે મસાલો ખાઈ લીધા પછી વધેલી રબરની રીંગને અંગૂઠા અને આંગળી વચ્ચે રાખી ખેંચીને જેમ કોઈ લાંબી-ટૂંકી કરતું હોય ! ઘરનાને કીધું ચા મૂક માથું બોવ દુઃખે છે. ચા પીધા પછી પણ મગજ ઠેકાણે આવ્યું નહોતું. ઘરમાં આજુબાજુ કોઈ શાંતિથી બોલે તો પણ એવું લાગે જાણે મગજ પર કોઈ વજનદાર ઘણ(હથોડો) મારતું હોય એવું લાગે.

      આપણે સાંભળતા આવ્યા છીએ કે દુઃખ કોઈને કહેવાથી કે વહેંચવાથી ઓછૂ થાય ! પણ ઘણીવાર આવી પરિસ્થિતિમાં પોતાની જાત અમુક સમય માટે એકાંત અને સ્વ માટે અલાયદો શાંતિનો સમય ઇચ્છતિ હોય છે.

      ચોમાસાની ઋતુ ચાલે છે. સુરજ હજી પૂરો આથમ્યો નથી અને વાળું કરવાને હજી એક કલાકની વાર છે તો મોબાઇલને ઘરે મૂકી ચાલવા નીકળી ગયો. હજી સોસાયટીના ગેટની બહાર પગ મૂકું ત્યાં ટ્યુશનમાંથી ઘરે આવતા નાના બાળકોની જતી હતી રિક્ષામાં પાછળની સીટ પર પાછળની દિશા તરફ ઊંધા ફરીને બેઠેલા બાળકો મસ્તી કરતા કરતા ઘરે જઈ રહ્યા હતા એક બાળકે મને બાય બાય કર્યું મેં સામું બાય બાય કર્યું તો રીક્ષામાં બેઠેલા બધા બાળકો સ્માઇલ કરી બાય બાય કરવા લાગ્યા ને એટલામાં રીક્ષા આગળની શેરીમાં વળી ગઈ.

        અમારી સોસાયટી ભાવનગર શહેરથી છેવાડાના વિસ્તારમાં આવેલી ઘરેથી અંદાજે 300 મીટર જેવું હાલતા પાકો રસ્તો પૂરો થાય છે ધૂળિયો મારગ ચાલુ થાય છે આ 200 મીટર જેટલા ધૂળીયા મારગ ની બંને બાજુ ખેતર આવેલા છે રસ્તાથી આથમણી તરફ પડતર ખેતર છે ઉગમણી તરફના ખેતરના શેઢે કરેલ તાર ફેન્સીંગની માથે પરાણે ચડી ગયેલ વેલા ની વચ્ચેથી વેંત વેંત ઉંચાઈની જુવાર ઊભી દેખાય છે. જેનું વાવેતર નરી આંખે જોતાં નોટબુકમાં શિસ્ત બદ્ધ રીતે સમાંતરે અંકાયેલ લાઈનોથી 
સહેજ પણ કમ નથી. આથમણી કોરના પડતર ખેતરના શેઢાએ ઊભા રહીને જરાક ઊંચી નજર નાંખીએ તો વરસીને ખાલી થઈ ગયેલ વાદળો જાણે કે ઉકળતા ભેંસના દૂધમાં વિનેગાર નાંખી ફાડ્યા પછી લાગતા ધોળા શેતર ફોદા ફોદા ! 

      એજ આથમણા પડતર ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ગયેલ છે જેમાં છૈયા ઉગી નીકળેલ છે. વાતાવરણ પણ ખુલ્લું (ખરાડ / વરાપ) છે. સાંજના સોનેરી પ્રકાશના કોમળ કિરણો ખેતરમાં પડે છે એના કારણે છૈયાનું પ્રતિબિંબ પાણીમાં પડે છે. જાણે એક જ મૂળિયા માંથી ઊગી નીકળેલ બે તીરખી જેમાં એક તીરખી લાંબી અને આડી અને બીજી એકસો દશ ડીગ્રીએ ઊભી.

        બસ્સો મીટર ધૂળિયો રસ્તો પાર કરતા જ નવો નકોર ફોર લેન રીંગરોડ આવી જાય જે સિદસર તરફથી આવતા વાહનોને બાયપાસ ટોપથ્રી તરફ પહોંચાડી દે'છે. રીંગરોડ ચડતા જ રોડ પર પસાર થતી બોલેરો પીકઅપના ડાગળામાં ખીચોખીચ ગોઠવાયેલ માવડીયું હાથમાં કરતાલું સાથે મધુર અવાજમાં કીર્તન કરતા કરતા પસાર થાય છે મારા મત મુજબ કદાચ તે બગદાણા સેવા કરીને પરત ફરતી માવડીયુંનું મહિલા મંડળ જ હશે.

      રીંગરોડ પર પાંચેક હજાર ડગલા ભરી પરત ધૂળિયે રસ્તેથી ઘર ભણી પ્રયાણ કરતા જ એક સાયકલ દોરીને ધીમે ધીમે ચાલતા જતા અંદાજે પાંસઠ સિત્તેર વર્ષના દાદાને જોઈ ને વિચાર આવ્યો કે રસ્તા પર દરરોજ આવા ઘણા દાદાઓ દેખાય છે જેઓ સાયકલ ચલાવતા નથી પણ સાથે દોરીને ચાલતા જતા હોય છે જે સમજાવે છે કે ઘડપણમાં સાથ આપવામાં સજીવ કરતા નિર્જીવ વસ્તુઓનો નંબર આગળ છે. સાયકલ તેમના માટે માનસિક રીતે એક સાથીદાર હશે અને ટેકણલાકડી પણ !

        બસ આમજ આજુ બાજુની સૃષ્ટિને મોબાઇલના સથવારા વિના માણતા માણતા મારી સ્માર્ટ વોચમાં આજના દસ હજાર ડગલાનો ટાર્ગેટ પૂરો કર્યા બદલ વર્લ્ડકપનો સિમ્બોલ આવ્યો અને ઘરના દ્વારે પહોંચતા જ મારી કાગડોળે રાહ જોતી દીકરી વિશ્વા દોડી આવીને ભેટી પડી અને મીઠો ઠપકો દેવા લાગી " પપ્પા ક્યારના ક્યાં ગ્યાતા? ખબર નથી પડતી થાકીને આવ્યા છો ને માથું દુખતું હોય તો ઘરે શાંતિથી પડ્યું રેવાય ! હું ક્યારની તમને ગોતતી'તી ! " 

       બસ આ એક કલાકનો આજનો " આત્માના નાસ્તો "જેમાં પ્રકૃતિ વિચરણ, આજુબાજુની ઘટનાઓનું નિરીક્ષણ,ડિજિટલ ડિટોક્સ અને વોકિંગ કરીને ઘરે પહોંચ્યો એટલી વારમાં મારા માથાનો દુખાવો અને થાક ક્યાં અલોપ થઈ ગયો તેની ખબર પણ ના રહી !

     મારો આજનો થાક ઉતારવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો નીચે મુજબના છે.

1️⃣ હળવું ચાલવું અને શાંત વાતાવરણ તણાવ(સ્ટ્રેસ) હોર્મોન Cortisol ને ઘટાડે છે જે મનને શાંત કરવામાં મદદ કરે છે.
2️⃣ રસ્તો, વૃક્ષો, આકાશ, પવન, પક્ષીઓ વગેરે પ્રકૃતિ જોવાથી દિવસભરની સતત ચિંતા/વિચારોથી ધ્યાન થોડા સમય માટે દૂર થાય છે. જે મગજનું “attention” બદલે છે.
3️⃣લાંબો સમય બેસવાથી ગરદન, ખભા અને માથાની આસપાસના સ્નાયુઓમાં તણાવ વધી શકે છે. જે ચાલવાથી શરીરના હલનચલનથી સ્નાયું તણાવ દૂર થાય છે.
4️⃣ ચાલતી વખતે શ્વાસ સામાન્ય રીતે વધુ એક સરખી ગતિમાં આવે છે, જે મગજ અને સંપૂર્ણ શરીરને પૂરતો ઓક્સિજન પૂરો પાડે છે જેથી તણાવ ઘટે છે.
5️⃣ ચાલવાથી મગજ અને શરીરમાં સતત એક સરખી ગતિએ રક્તપરિભ્રમણ થવાથી મગજ અને શરીર બંને રિલેક્સ થાય છે.
6️⃣ કુદરતી વાતાવરણમાં લીલોતરી, ખુલ્લું આકાશ, પાણી, પક્ષીઓના અવાજ વગેરે માનસિક ભાર ઘટાડવામાં મદદ કરે છે.
7️⃣ સતત મોબાઇલ, કમ્પ્યુટર, કામ અને નિર્ણયોથી થાકેલા મગજને થોડો સમય ડિજિટલ ડિટોક્સ કરવાથી અલગ પ્રકારના સંવેદનાત્મક ઇનપુટ મળે છે.
       બસ આવા એકાદ કલાકના મનના નાસ્તાથી બેટરી રિચાર્જ થઈ જતી હોય છે એટલે આવા નાસ્તા કરતા રહેવું જરૂરી છે. 
      આ મારું લખાણ પ્રતિભાવ આપવા યોગ્ય જણાયું હોય તો આપનો કિંમતી પ્રતિભાવ આપવા વિનંતી છે.

                                                      ગોપાલ સરૈયા ✍️