The use of 'Fantasy' in Yogesh Joshi's story 'Gati' in Gujarati Book Reviews by Dr Hardik Prajapati HP books and stories PDF | યોગેશ જોષીની ‘ગતિ’ વાર્તામાં ‘કપોળકલ્પના’(Fantasy)નો વિનિયોગ

Featured Books
Categories
Share

યોગેશ જોષીની ‘ગતિ’ વાર્તામાં ‘કપોળકલ્પના’(Fantasy)નો વિનિયોગ


અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ, નવલકથા, જીવનચરિત્ર, નિબંધ, કવિતા, બાળસાહિત્ય, પ્રવાસસાહિત્ય, સંસ્મરણ, અનુવાદ અને સંપાદન જેવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું કાઠું કાઢનાર સર્જક યોગેશ જોષી પાસેથી ઉત્તમ ટૂંકીવાર્તાઓ પણ પ્રાપ્ત થઈ છે. તેમની પાસેથી ‘હજીયે કેટલું દૂર’ (૧૯૯૩), ‘અધખૂલી બારી’ (૨૦૦૧) અને ‘અઢારમો ચહેરો’ (૨૦૧૩) જેવા નોંધપાત્ર વાર્તાસંગ્રહો મળે છે. યોગેશ જોષીની વાર્તાઓમાં આધુનિક યંત્રવત જીવનશૈલીમાં પીસાતા સામાન્ય માણસના સંકુલ મનોવ્યાપાર અને તેની આંતરિક ગૂંચવણોની અત્યંત સૂક્ષ્મ અને કલાત્મક માવજત જોવા મળે છે. બાહ્ય વાસ્તવિકતા અને અચેતન મનના સંઘર્ષને તેઓ પોતાની આગવી પ્રતીકાત્મક શૈલીમાં આલેખે છે. પ્રસ્તુત લેખમાં તેમના ‘અધખૂલી બારી’ સંગ્રહમાં ગ્રંથસ્થ ‘ગતિ’ વાર્તામાં પ્રયોજાયેલી ‘કપોળકલ્પના’ (Fantasy) પ્રયુક્તિને ઉજાગર કરવાનો ઉપક્રમ છે.

કથાવસ્તુ અને પાત્રની મનોસ્થિતિ :
‘ગતિ’ વાર્તાનું વિષયવસ્તુ અને વસ્તુસંકલન જોઈએ તો, તેની બાહ્ય ઘટના માત્ર એટલી જ છે કે વાર્તાનું મુખ્ય પાત્ર પાર્થ ઑફિસથી ઘેર જવા માટે ટ્રેનમાં બેસે છે અને ઘેર કેવી રીતે પહોંચે છે તેનો ચિતાર તેમાં છે. ટ્રેનમાં રોજ અપ-ડાઉન કરતા પાર્થને દિવાળી હોવા છતાંય તેનો બૉસ રજાઓ મંજૂર કરતો નથી. ગુસ્સે ભરાયેલો પાર્થ બૉસ સાથે ઘર્ષણ કરીને ઑફિસથી નીકળી જાય છે. વાર્તાની શરૂઆતમાં જ પાર્થનો માનસિક ઉદ્વેગ અને તેની હતાશા જોઈ શકાય છે:
"રજા ના તો શું આપે? જોઈ લઈશ... પાર્થનો ધૂંધવાટ વધતો ચાલ્યો - બધી હેરાનગતિ સીધા માણસોને... ચમચાઓ ને લાંચિયાઓ તો સાલાઓ જલસા કરે જલસા... અહીં કામ કરી કરીને તૂટી મરીએ તોય કશી કદર નહિ ને વગર કારણે વાત વાતમાં ફાયરિંગ... લોકલ માણસો રોજ મોડા આવે એનું કંઈ નહિ ને મારે કોક વાર ટ્રેન લેટ થઈ જાય તો તરત- ‘વ્હાય આર યૂ લેટ?’ આ ખાતામાં સુખી થવું હોય તો ડાંડ થઈ જવું જોઈએ ડાંડ..." (પૃ. ૧૨૫)
પોતાની રજા નામંજૂર થવાથી રોષે ભરાયેલો પાર્થ, "રજા ગ્રાન્ટ કરો કે ના કરો... હું તો દિવાળીના ચાર દિવસ નથી આવવાનો... જાઓ, થાય એ કરી લેજો... તોડી લેજો" (પૃ. ૧૨૬) એમ કહીને સીધો રેલવે સ્ટેશને પહોંચે છે. ત્યાં દિવાળીના તહેવારની અત્યંત ભીડ છે: "રેલવે સ્ટેશનને માણસોનું કીડિયારું ઊભરાયેલું! પડે એના કટકા. ટિકિટબારી એટલી બધી લાઇન કે આગલા જન્મેય નંબર લાગે તો ધનભાગ્ય! લાઇનમાં ધક્કામુક્કી." (પૃ. ૧૨૭)

‘કપોળકલ્પના’નો આરંભ અને ક્રમિક વિકાસ :
સ્ટેશન પરની ભીડ અને માનસિક થાક વચ્ચે સર્જક ધીમેથી વાર્તામાં ‘કપોળકલ્પના’નો વિનિયોગ શરૂ કરે છે. તરસ અને ભીડથી ત્રસ્ત પાર્થના મનમાં આવતો વિચાર નોંધપાત્ર છે:
"ઊંટની જેમ પોતેય પાણીને પેટમાં ‘સ્ટોર’ કરી શકતો હોય તો કેવું સારું! રસ્તામાં રણ પસાર કરવું પડે તોય વાંધો ન આવે..." (પૃ. ૧૨૭)
ટ્રેન બીજા પ્લૅટફૉર્મ પર આવવાની જાહેરાત થતાં જ ભીડ ભાગદોડ કરે છે. આ અંધાધૂંધીમાં પાર્થને કોઈ તારની આંટી આવે છે, તે નીચે પડે છે અને પ્લૅટફૉર્મની ધાર તેના માથામાં વાગે છે. અહીંથી વાર્તાનો વળાંક શરૂ થાય છે. માથામાં થયેલી ઈજા અને શારીરિક પીડાની સાથે તે ભીડભાડવાળી ટ્રેનમાં ચઢે છે. ટ્રેનની ભીડ વર્ણવતા લેખક નોંધે છે, "ભાગલા વખતે ટ્રેનોમાં જેવી ભીડ હતી એવી જ ભીડ અત્યારે!" (પૃ. ૧૨૯)
આ પરિસ્થિતિમાં પાર્થની માનસિક સ્થિતિ અને કપોળકલ્પનાનાં સ્પષ્ટ એંધાણ સર્જક આ રીતે વર્ણવે છે:
"વૉટરબેગ એવી રીતે છાતીસરખી દાબી રાખી કે જાણે ગયા જન્મે રણની રેતીમાં અસહ્ય તરસના કારણે મોત થયું ન હોય! બીજા હાથની હથેળી પાકીટ પર એવી રીતે દાબી રાખી કે જાણે આ પાકીટ ને આવતા જન્મ માટેય સાથે ન લઈ જવાનું હોય! એને લાગ્યું કે જાણે એ બે જન્મ વચ્ચેની ભીડમાં ન ઉભો હોય! બે જન્મ વચ્ચેના અવકાશમાંય આવી ભીડ!" (પૃ. ૧૨૯)

ભ્રમણા અને કપોળકલ્પનાની ચરમસીમા :
ઈજાના કારણે પાર્થના માથાનો દુખાવો અસહ્ય બનતો જાય છે. તેની આ શારીરિક પીડા તેની મનોસ્થિતિ પર હાવી થઈ જાય છે. ટ્રેનની ગતિ જાણે તેના મનની અસંતુલિત ગતિ બની જાય છે:
"ટ્રેન અતિ વેગે દોડતી રહી... નદી-નાળાં-જંગલ-ઝાડી-ગામ-કસબા-નાનાં સ્ટેશન-ફાટક-ઝૂંપડપટ્ટી-ખેતર-વગડો-ટેકરીઓ વટાવી - જાણે ક્યાંય થોભવાની જ ન હોય એમ... ટ્રેન એકધારી દોડી રહી હતી - જાણે ગતિ એ જ એનું લક્ષ્ય ન હોય! પાર્થનું શરીર ગતિમય – ગતિરૂપ બનતું જતું હતું. પણ એનું મન-મગજ જાણે બહેરું થતું જતું હતું..." (પૃ.૧૩૦)
માથાની ઈજાને કારણે પાર્થ અર્ધજાગ્રત અવસ્થામાં સરી પડે છે અને પોતાનું સ્ટેશન ચૂકી જાય છે. તે સંપૂર્ણપણે ફેન્ટસીમાં ગરકાવ થઈ જાય છે: "ટ્રેનમાં કેમ દેખાય છે કાળમીંઢ અંધારું? એમાં બાકોરું પાડ્યું હોય તો? એ બાકોરામાંથી જઈ શકાય અજવાળાનાં ઘેર?!" (પૃ. ૧૩૧). આગળના સ્ટેશને ઉતરીને જ્યારે તે આંખો ચોળીને જુએ છે, ત્યારે વાસ્તવિકતા સંપૂર્ણપણે લુપ્ત થઈ ચૂકી હોય છે અને એક અફાટ રણનું દૃશ્ય સર્જાય છે:
"સ્ટેશન જ નહીં! પાટાય નહીં! આજુબાજુ એકેય માણસ નહીં! પશુ-પંખી કે ઝાડ-ઝાંખરાંયે નહીં! ચારે તરફ રણ! નજર પહોંચે ત્યાં લગી જ રેતી જ રેતી!... પવનમાં, જળલહેરીઓની જેમ સર સર સર વહેતી પીળી-કેસરી રેતલહરીઓ..." (પૃ. ૧૩૧)
અહીં સર્જકે અચેતન મનની ભ્રમણાઓને રણના રૂપક દ્વારા અદ્ભુત રીતે રજૂ કરી છે. રણ પાર કરવા મથતો પાર્થ વાવાઝોડા સામે ઝઝૂમે છે અને રેતીમાં ઊંધા મોંએ પડે છે. વાર્તાની કપોળકલ્પના તેની ચરમસીમાએ ત્યારે પહોંચે છે જ્યારે પાર્થને 'આઉટ ઑફ બૉડી એક્સપિરિયન્સ' થાય છે:
"રેતીમાં ઊંધા પડેલા એના શરીરને એ જોઈ રહ્યો... ધૂળના થરના થર ઊડી ઊડીને એના શરીરને દાટવા ને વળી પાછા ઊડતા... પોતે જાણે વાવાઝોડાનું કેન્દ્ર હોય એમ, રેતીની મસમોટી ડમરી ઊડી ને પોતાની આજુબાજુ ઘૂમરીઓ લેવા માંડી... ને પોતે કંઈ સમજે એ પહેલાં તો પોતાને અધ્ધર ઉઠાવી, ઘુમરાતી, ગતિ કરવા લાગી... અફાટ રણમાં ઊંધું પડી રહેલું ને રેતી નીચે દટાતું જતું એનું શરીર ધીમે ધીમે નાનું ને નાનું થતું ગયું અને છેવટે દેખાતું બંધ થઈ ગયું..." (પૃ. ૧૩૩)

આ અતિવાસ્તવિક (Surreal) કપોળકલ્પના પૂરી થતાં જ વાર્તાનો અંત અત્યંત ચોંકાવનારી વાસ્તવિકતામાં થાય છે. પાર્થને જ્યારે ભાન આવે છે ત્યારે તે હોસ્પિટલના બિછાને હોય છે. માથામાં વાગવાને કારણે તે કોમામાં કે બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો અને રણની કે ટ્રેનની ગતિની જે સફર હતી, તે તેના ઈજાગ્રસ્ત મસ્તિષ્કની ભ્રમણા માત્ર હતી. જાગૃત થતાં તે પોતાની આસપાસ પત્ની, માતા-પિતા, બહેન, બનેવી અને જેની પર તે ગુસ્સે હતો તે બૉસને પણ હાજર જુએ છે.
આમ, લેખક યોગેશ જોષીએ આધુનિક માનવીની કામના સ્થળે અનુભવાતી કુંઠા, તેની હતાશા, શારીરિક ઈજા અને તેના પરિણામે ઊભી થતી મનોવૈજ્ઞાનિક ભ્રમણાઓને ‘કપોળકલ્પના’ (Fantasy)ની પ્રયુક્તિ દ્વારા અત્યંત કલાત્મક અને સુપેરે રજૂ કરી છે. સાહિત્યિક પ્રયુક્તિ તરીકે અહીં ‘કપોળકલ્પના’ વાર્તાને નવો જ આયામ બક્ષવામાં સંપૂર્ણ સફળ રહી છે.

(‘યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ અને ઉર્મિલા ઠાકર, નવભારત સાહિત્ય મંદિર, અમદવાદ, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૮)

નોંધ : આ લેખ 'સાહિત્ય મંથન' ઈ જર્નલ ડિસેમ્બર 2025 માં પ્રકાશિત થયેલ છે. 


ડૉ. હાર્દિક પ્રજાપતિ
(MA,UGC-NET, GSET,PGDSC,COPA,SI,Ph.D.)
મુ. સબોસણ, તા.જિ. પાટણ.
hardikkumar672@gmail.com