આપણે એમ કહેતા કે સાંભળતા આવ્યા છીએ કે ભારત દેશમાં નવી પેઢી બગડતી જાય છે. આજના બાળકો ઊંધી દિશામાં જઈ રહ્યા છે. પરંતુ આધ્યાત્મની દૃષ્ટિએ જોઈએ તો આ કાળમાં ભારત દેશ ડેવલપ થયો છે, અને અત્યારની જનરેશનમાં ખરેખર સુધારો થતો દેખાય છે. માટે, આજના બાળકો ખોટી દિશામાં જઈ રહ્યા છે એમ ન કહેવાય.
જૂના જમાનાની જનરેશનમાં ઊંચ-નીચના ભેદભાવ અને નાત-જાતના આગ્રહો હતા; વિધવા સ્ત્રીઓ પર ભયંકર અત્યાચાર અને તિરસ્કાર થતા હતા. આ કાળની જનરેશન બહુ ‘હેલ્ધી માઈન્ડવાળી’ છે. કારણ કે એમનામાં આ બધા જૂના રોગ નથી. એટલે એમને જેવા ઘડવા હોય તેમ ઘડી શકાય, વાળો તેમ વળી શકે તેવા છે.
કોઈ કાળમાં નહોતી પાકી એવી હેલ્ધી માઈન્ડવાળી જનરેશન આ કાળમાં પાકી છે. તેમનું હેલ્ધી માઈન્ડ શાથી કહેવાય? કારણ કે, એ લોકોને પહેલા જેવી મમતા જ નથી. મારું-તારું એવા ભેદ નથી. તેમને “મારું કેવું ખરાબ દેખાય છે” એવું કશું છે નહીં. હેલ્ધી માઈન્ડ એટલે કોકનું કશું પડાવી લેવાની, કે વધારે લાભ લેવાની ઈચ્છા ન હોય. પહેલા કોઈને ત્યાં જમવા જવાનું હોય તો લોકો ઘરે જમતા હોઈએ તેના કરતા વધારે જમે. આજકાલના બાળકોને એવું કશું નથી રહ્યું.
પહેલાના સમયમાં પાટીદાર વાણિયા હોય તો તેમની જોડે બ્રાહ્મણો બેસે નહીં ને બ્રાહ્મણની જોડે વાણિયાઓ બેસે નહીં, એવા નાત-જાતના ભેદ હતા. છૂત-અછૂતના તિરસ્કાર હતા! આજની જનરેશનમાં એવો કોઈ જાતનો તિરસ્કાર જોવા મળતો નથી.
પરંતુ આ નવી જનરેશન મોહી છે, એટલે સુખ મેળવવા માટે બહાર ભટક ભટક કરે છે અને ટીવી, મોબાઈલ, સિનેમા વગેરેમાં ખોવાયેલા રહે છે. એમને સુખનો કોઈ રસ્તો મળતો નથી, એટલે વ્યસનોમાં અને ખોટી આદતોમાં અટવાયેલા દેખાય છે, પણ અંદર છે હેલ્ધી માઈન્ડના.
જૂની પેઢીના પોઝિટિવ પાસા જોઈએ તો ભારત દેશમાં તેઓ વિષય-વિકારની બાબતમાં બહુ ચોખ્ખી હતી. પહેલાના જમાનામાં ભણતર નહોતું પણ ગણતર હતું. જૂના જમાનાના લોકો હૃદયવાળા હતા. વર્ષો સુધી પતિ-પત્ની એકબીજાની સાથે રહેતા અને સંબંધો નભાવતા. જૂના જમાનાના કેટલાક એવા ઊંચી કોઠાસૂઝવાળા વ્યક્તિઓ આજે જોવા નથી મળતા. જ્યારે આજની નવી જનરેશન બુદ્ધિશાળી છે. તેથી યુવાનોને પોતાની જ જનરેશનના બીજા યુવાનો સાથે મેળ ના પડે. કારણ કે બુદ્ધિ સ્થિર થવા ના દે અને હાર્ટ સ્થિર થવા દે.
મનુષ્યનો સ્વભાવ કેવો છે કે નાનપણમાં પોતે જોયું હોય એવું જ એમના બાળકોએ કરવું જોઈએ, એવું માને. પણ વખત બદલાઈ ગયો છે. સમય પ્રમાણે આ જગત ફર્યા જ કરવાનું. માટે, સમય પ્રમાણે જૂની જનરેશને પણ પોતાનો દૃષ્ટિકોણ અને વિચારધારા બદલવી જોઈએ.
સંજોગો પ્રમાણે કુદરત નિરંતર ગોળ ફરે છે, આ યુગોનું ચક્ર સતત વહ્યા કરે છે, જે જૂનાને નવું કરે છે અને નવાને પછી જૂનું કરે છે. આમ જનરેશનનું ચક્ર કાળ પ્રમાણે ફર્યા કરે, એમાં કોઈ જનરેશનનો દોષ નથી. માટે, જૂની પેઢીએ પોતાની માન્યતાઓ પકડી રાખવી તે મૂર્ખામી છે. જૂની પેઢીએ નવી પેઢી સાથે મોર્ડન થઈ જવું જોઈએ. કોઈ પણ જનરેશનના સો નેગેટિવમાંથી એક પોઝિટિવ શોધી કાઢીને જૂની અને નવી પેઢીએ એકબીજા સાથે એડજસ્ટમેન્ટ લઈ લેવું.
આ જનરેશનમાં જૂના રોગો નથી, માટે તેમનામાં સંસ્કાર આવતા વાર નહીં લાગે. એમને જેવું શીખવાડીએ તેવું શીખીને તૈયાર થઈ જાય એવા છે!
હેલ્ધી માઈન્ડની જનરેશન કોઈ વખત પાકે નહીં અને પાકે ત્યારે વર્લ્ડનું કલ્યાણ કરે. પણ એમને વાળનાર જોઈએ. જો એમને કોઈ વાળનાર મળી આવે તો બધું સવળું થઈ જાય. માટે એમને માર્ગદર્શન આપનાર જોઈએ. આજના બાળકો સારામાં સારા છે. માટે વડીલોએ સારી ભાવના જ કર્યા કરવી કે બાળકોને બુદ્ધિ સવળી થાય, એમને સાચી સમજણ મળે, સારા નિમિત્તો મળે. ઘણો વખત આવા ભાવ કર્યા કરીશું તો બાળકો ઉપર સવળી અસર પડશે અને ધીમે ધીમે તેઓ સમજશે.