જ્યારથી માનવીએ વિચારવાનું શરૂ કર્યુ છે ત્યારથી તેને સતત એ વિચાર આવ્યો જ છે કે તે આ સૃષ્ટિમાં એકલો નથી તે ગુફાઓમાં રહેતો હતો ત્યારે પણ ચિત્રોમાં પરગ્રહવાસીઓનું ચિત્રણ કર્યુ હતું.ત્યારબાદ તો માનવીએ પોતાની વિચારવાની શક્તિનો ઉપયોગ કરીને ખાસ્સો વિકાસ સાધ્યો છે એક સમયે પથ્થરોનાં ઓજારનો ઉપયોગ કરનાર માનવી આજે સ્પેસ શટલ સાથે અવકાશમાં વિહાર કરી શકે છે તેણે અનેક રોકેટ મોકલીને પાસેનાં ગ્રહો વિષે પણ માહિતી મેળવી છે તેણે મંગળ પર મોકલેલા રોવરો જે માહિતી આપણે ઉપલબ્ધ કરાવી રહ્યાં છે તે તો અદ્ભૂત છે.આ વિકાસની તેની સફર દરમિયાન તેને સતત લાગ્યું છે કે આ અપાર અનંતમાં આપણે એકલા નથી.પ્રાચિન સમયથી પરગ્રહવાસીઓ અંગે વિચાર થઇ રહ્યો છે.માનવી માને છે કે પરગ્રહવાસીઓ પૃથ્વીની મુલાકાત લઇ ચુક્યા છે.તે એમ પણ માને છે કે માનવી અને અન્ય પ્રાણીઓનો જે વિકાસ થયો છે તેમાં આ પરગ્રહવાસીઓનો ખાસ્સો મહત્વનો ફાળો છે.તે માને છે કે તેમણે જેનેટિક એન્જિનિયરિંગ, ક્રોસ બ્રિડિંગ અથવા બંનેનો ઉપયોગ કરીને આપણો વિકાસ સાધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે માત્ર શારીરિક કે માનસિક જ નહી પણ સાંસ્કૃતિક, ધાર્મિક, ટેકનોલોજી ્વગેરેનાં વિકાસમાં પણ તેમનો ફાળો મહત્વનો હોવાનો વિચાર પ્રાચિન સમયથી ચાલી રહ્યો છે.આમ તો ૧૯૬૮માં એરિક વોન ડાનિકેને ચેરિયટસ ઓફ ધ ગોડ્સનાં શિર્ષક હેઠળ પોતાનાં વિચાર વ્યક્ત કર્યા હતાં જેમાં ઉપરોક્ત વાતને વણી લેવાઇ હતી.આમ તો ઓગણીસમી સદીનાં વચગાળામાં ધાર્મિક વિધિ વિધાનો કરનાર લોકોનાં સમુદાય દ્વારા આ પ્રકારનાં વિચારોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું.કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક એવા લોકોએ સૈનિકોનો સંપર્ક કર્યો હતો જેમની પાસે ઉન્નત પ્રકારની ગન અને ટેન્કસ હતી.આ સમુદાયનાં લોકો જાદુટોના અને એ પ્રકારની વિધિ વિધાનો દ્વારા જ પોતાનો ગુજર બસર કરતા હતા.એવિ પણ વિચારસરણી છે કે આ એલિયનોએ જ આપણને તેઓ ભગવાન હોવાનો વિશ્વાસ અપાવીને ધર્મની રચના કરી હતી અને તેમ કરીને તેમણે માનવીનાં વિકાસમાં ફાળો આપ્યો હતો.એવી પણ વિચારસરણી છે કે એલિયનોએ જ્યારથી માનવીએ વિકાસ સાધ્યો છે ત્યારથી તેના પર નજર રાખવાની શરૂઆત કરી છે.તેમણે પૃથ્વી પર કે તેની બહાર સોલાર સિસ્ટમમાં ક્યાંક એવા સાધનો સ્થાપિત કર્યા છે જેના વડે તેઓ આપણાં વિષે તમામ માહિતી મેળવી શકે છે.૧૯૧૫માં ચાર્લ્સ ફોર્ટની એક અપ્રકાશિત કૃતિ નોવેલ એક્સની મેન્યુસ્ક્રિપ્ટમાં તેણે એવી વાત લખી હતી કે તેઓ મંગળનાં લોકો કે મંગળ ગ્રહ ધરતી પર નિયંત્રણ ધરાવે છે અને કેવી રીતે આ નિયંત્રણ કરે છે તે અંગે તેણે વિગતવાર માહિતી આ બિન પ્રકાશિત કૃતિમાં આપી હતી.તેણે આ કૃત્તિને સળગાવી દીધી હતી પણ તેમાં લખાયેલ એક વાક્યમાં તેણે કહ્યું હતું કે આપણી પૃથ્વી એક ખેતર છે અને આપણે કોઇની સંપત્તિ છીએ.
પ્રાચિન એલિયન પ્રજાતિ એ એસ્ટ્રોનોટ્સ હતી અને તેઓ યુએફઓ ધરાવતા હતા અને તેમનો ધર્મ રાઇલિઝમ તરીકે ઓળખાતો હતો અને આ રાઇલીઓએ પૃથ્વી પર માનવ પ્રજાતિનો વિકાસ સાધવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનો વિચાર પ્રતિપાદિત છે.આ પ્રજાતિ પોતાની જાતને એલોહિમ તરીકે ઓળખાવતી હતી.આ પ્રજાતિનાં સભ્યો પૃથ્વીની મુલાકાત લેતા હતા જેને માનવીઓ ફરિશ્તા, ચેરૂબિમ કે ભગવાન તરીકે ઓળખતા હતાં.બાઇબલમાં તો ફરિશ્તા અને તેમનાં ધરતી પરનાં અનુભવો અને જન્નતમાં તેઓ શો અનુભવ કરે છે તેના અઢળક ઉલ્લેખ મળે છે.ક્રિશ્ચિયાનિટી અનુસાર દૈત્યો પણ ફરિશ્તા જેવા જ હોય છે તેઓ આધ્યાત્મિક,નિર્વિવાદિત અને અમર હોય છે.દૈત્યો અનેક પ્રકારનું જ્ઞાન ધરાવે છે ોઓ અમુક વિષયોનાં નિષ્ણાંત હોવાનો પણ ઉલ્લેખ મળે છે.ધ એપોક્રિપલ બુક ઓફ ઇનોકમાં કહેવાયું છે કે એક સમયે ૨૦૦ જેટલા વિદ્રોહી ફરિશ્તા કે વોચર્સે જન્નત છોડી દીધી હતી અને તેઓ ત્યાંથી ધરતી પર આવ્યા હતા અને અહી તેમણે ધરતી પરની મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા અને તેમનાં થકી તેમને સંતાનો થયા હતા.કુરાનમાં પણ ઇબ્લિસનો ઉલ્લેખ છે જેણે અલ્લાહ સામે વિદ્રોહ કર્યો હતો અને તેને જન્નતમાંથી હાંકી કઢાયો હતો અને ત્યાંથી તે ધરતી પર આવ્યો હતો પણ જન્નતમાંથી આવતા આવતા તેણે અલ્લાહને કહ્યું હતું કે તે ધરતી પર જઇને માનવીને સત્માર્ગેથી કુમાર્ગ પર ધકેલવાનું કામ કરશે.કેટેશિઝમ અનુસાર ફરિશ્તાઓ સદ્આત્માઓ હોય છે પણ તેમાંથી કેટલાકે શેતાન બનવાનો નિર્ણય કર્યો હતો.જો કે પરગ્રહવાસીઓની વિચારણા થેલ્મા ફિલોસોફીમાં જોવા મળે છે.આ ફિલોસોફીની સ્થાપના વીસમી સદીમાં બ્રિટીશ લેખક એલિસ્ટર ક્રાઉલીએ કરી હતી.ક્રાઉલીની થેલ્મા સિસ્ટમનો આરંભ ધ બુક ઓફ ધ લૉ દ્વારા થાય છે.તેમનો દાવો છે કે આ પુસ્તક તેમણે આઇવાઇસનાં સીધા નિર્દેશ પર લખ્યું છે.અમેરિકન રોકેટ પ્રપોલ્શન રિસર્ચર જેક પાર્સોન્સે એલિસ્ટર ક્રાઉલીનાં લખાણમાં રસ દાખવ્યો હતો.તેઓ અમેરિકન ઇતિહાસનાં એ વ્યક્તિ છે જેમણે રોકેટ પ્રપોલ્શનમાં પ્રારંભિક કાર્ય કર્યુ હતું.તેમના નિર્દશનમાં જ સોલિડ ફ્યુલનાં વિકાસનું કાર્ય થયું હતું જેણે ત્યારબાદ સ્પેસ એઝનો આરંભ કર્યો હતો.
એલિયનની સાથોસાથ આપણે યુએફઓ અંગે પણ ખાસ્સી ચર્ચા થાય છે.૧૯૪૦થી ૬૦નાં ગાળામાં આ ચર્ચાઓ એ વધારે જોર પકડ્યું હતું.છેલ્લા પચાસ વર્ષનાં ગાળામાં તો હજ્જારો યુએફઓ જોયાનો દાવો અનેક વ્યક્તિઓ દ્વારા કરાયો છે.આ દાવાઓની વચ્ચે મેન ઇન બ્લેકનો પણ ઉલ્લેખ થાય છે આ કોણ છે તો કહેવાય છે કે જેઓ યુએફઓ જુવે છે તેમને આ લોકો જે કાળા કપડા પહેરેલા હોય છે તેઓ આ યુએફઓ જોનારાઓને ધમકાવે છે કે તેમણે જે જોયું તે અંગે તેમણે કોઇની સામે પણ મ્હો ખોલવું નહિ.મોટાભાગે તો એવું કહેવાય છે કે તેઓ મોટાભાગે તો સરકારી દલાલો હોય છે પણ કેટલાક માને છે કે તેઓ પ્રાચિન એલિયન્સ હોય છે.જેમણે પણ આ મેન ઇન બ્લેકનો સામનો કર્યો છે તેઓ તેમનાં વિષે જણાવે છે કે તેઓ કદમાં નીચા હોય છે અને તેમની ત્વચાનો રંગ કાળો હોય છે.તેમના વિષે કહેવાય છે કે તેઓ જેમનાં પરિચયમાં આવતા હોય છે તેના વિષે પુરતી જાણકારી રાખતા હોય છે.તેઓ તેમના પર લાંબો સમય સુધી નજર રાખતા હોય છે.જો કે તેમને માનવીઓનાં રોજિંદા કાર્યોમાં વપરાશમાં લેવાતી વસ્તુઓ અંગે ખાસ્સી મુંઝવણ હોય છે.તેમની સાથે સંપર્કમાં આવનાર લોકો કહે છે કે તેઓ ઓળખ પેદા કરી લે છે પણ જ્યારે તેમનાં વિષે તપાસ કરવામાં આવે ત્યારે જણાય છે કે કાંતો તે વ્યક્તિ મૃત નિકળે છે કે ક્યારેક તો તે વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી નહિ હોવાનું પણ જાણવા મળે છે.આ પ્રકારનાં લોકોનો ઉલ્લેખ ૧૯૫૦ થી ૬૦નાં ગાળામાં વધારે જોવા મળ્યો હતો.જો કે આ મામલાઓનું સંશોધન કરનારા મોટાભાગનાં સંશોધકોને પહેલાનાં સમયનાં દૈત્યો અને આ મેન ઇન બ્લેકની વચ્ચે ખાસ્સુ સામ્ય હોવાનું લાગે છે ખાસ કરીને કિલ કહે છે કે આ લોકો અને પહેલાનાં સમયનાં દૈત્ય વચ્ચે ખાસ્સુ સામ્ય છે.સદીઓથી ધ બ્લેક મેન તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેને લોકો દૈત્ય તરીકે જ ઓળખે છે.ઇતિહાસમાં આવતા ઉલ્લેખ અનુસાર આ બ્લેક મેન એ લોકો સાથે વધારે સંપર્કમાં રહે છે જેઓ તેમની સાથે શારીરિક સંબંધ રાખતા હોય છે.ઓલ્ડ સ્ક્રેચ કે મિ.સ્ક્રેચ એક અન્ય નામ છે જે દંતકથાઓમાં અસ્તિત્વ ધરાવે છે કહેવાય છે કે આ લોકોનો શેતાને અમેરિકાનાં પ્રિ સિવિલ વૉર દરમિયાન ઉપયોગ કર્યો હતો.મધ્યયુગમાં બ્લેક મેન એ આફ્રિકન ફિચર્સ ધરાવતો ન હતો પણ તે કાળા રંગનો હતો અને મોટાભાગે કાળા કપડા પહેરતો હતો.હાલનાં સમયમાં ગ્રિનિંગ મેનની ચર્ચાઓ વધારે થાય છે.આ ગ્રિનિંગ મેન બ્લેક મેન સાથે સંપર્ક ધરાવે છે અને તેને કેટલીક શેતાની શક્તિઓ પણ મળેલી છે.તેનાં સંપર્કમાં આવનાર લોકોનો દાવો છે કે આ ગ્રિનિંગ મેનની નજરથી નજર મેળવી શકાતી નથી અને મોટાભાગનાં લોકો તેને ડરામણો ગણાવે છે.હાફ લાઇફ સિરીઝમાં એક રહસ્યમય પાત્ર જોવા મળે છે જેને જી મેન તરીકે ઓળખવામાં આવે છે તેની અને મેન ઇન બ્લેકની તુલના કરાતી હોય છે.
વિશ્વયુદ્ધ દરમિયાન ઘણાં પાયલટોએ યુરોપિયન અને પેસિફિક પર ઉડાન દરમિયાન અનેક યુએફઓ જોયા હોવાનો દાવો કર્યો હતો.જો કે આ યુદ્ધ બાદ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે.લોકહીડ એસ આર ૭૧ બ્લેક બર્ડની રચના ૧૯૬૦નાં ગાળામાં કરાઇ હતી જે ત્યારનું યુદ્ધ વિમાન હતું.આ વિમાનની ગતિએ ત્યારે રેકોર્ડ સર્જયો હતો.૧૯૦૩માં વિલ્બર રાઇટે ૧૦.૯૮ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડનો રેકોર્ડ બનાવ્યો હતો.૧૯૭૬માં એસ આર ૭૧ની સ્પીડ ૩,૫૨૯.૬ કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.આ રેકોર્ડ કરનાર વ્યક્તિનું નામ એલ્ડન.ડબલ્યુ.જોએર્સ્ઝ હતું.જો કે એલિયન કે યુએફઓ અંગે પાયલટોએ જે દાવા કર્યા હતા તેનાં પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ સરકારો અને સંગઠનો કરતી હોવાનો દાવો કરાય છે.પરંતુ લોકો માને છે કે હાલમાં આપણે જે ટેકનોલોજી ધરાવીએ છીએ તેની મદદથી આ યુએેફઓ અને એલિયન અંગે જાણકારી મેળવી શકીએ છીએ.
એલિયનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમનાં વિષે કહેવાય છે કે તેઓ માનવીઓની તુલનાએ વધારે બુદ્ધિશાળી હોય છે તેમનાં વિષે દાવા કરાય છે કે તેમની પ્રજાતિમાંની ગ્રે એલિયન પ્રજાતિ બહુ બુદ્ધિશાળી છે અને તેઓ પૃથ્વી પર આવીને માનવીઓ પર કેટલાક પ્રયોગો કરે છે.તેમના વિષે કહેવાય છે કે તેઓ કદમાં ઠિંગણા હોય છે અને તેઓ કોઇપણ પ્રકારની જાતિ સ્ત્રી કે પુલ્લિંગ હોતા નથી.તેમની ચામડીનો રંગ પણ ગ્રે હોય છે.તેમનું માથુ મોટુ હોય છે અને આંખો પણ વિશાળ હોય છે.તેઓ માણસોની જેમ અંગો ધરાવતા નથી અને તેમનાં શરીરમાં સ્નાયુઓ પણ હોતા નથી.આ ગ્રે એલિયનનો સામનો કયા દેશોમાં લોકોને થયો હતો તેનો અભ્યાસ કરાયો ત્યારે જણાયું કે તેમનો સામનો પચાસ ટકા ઓસ્ટ્રેલિયા, તેતાલિસ ટકા અમેરિકા, નેવુૂ ટકા કેનેડા, સડસઠ ટકા બ્રાઝિલ, વીસ ટકા કોન્ટિનેન્ટલ યુરોપ અને બાર ટકા ગ્રેટ બ્રિટનનાં લોકોને થયો હતો.આ લોકોનું રહેઠાણ જેટા રેટિક્યુલિ સ્ટાર સિસ્ટમ હોવાનું કહેવાય છે આથી જ તેમને જેટા રેટિક્યુલન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.લોકોનાં દાવા અનુસાર બે પ્રકારનાં ગ્રે એલિયન્સ હોય છે તેમાં એક થોડા કદમાં લાંબા હોય છે અને જેઓ કદમાં ઠિંગણા હોય છે તેમનાં વિષે કહેવાય છે કે તેઓ જીવંત હોતા નથી પણ તેમને રોબોટની જેમ સહાય કરવા માાટે બનાવાયા હોય છે.તેમનાં વિષે કહેવાય છે કે તેઓ જ્યારે તેમનાં મન પર કાબુ કરવા માંગતા હોય છે ત્યારે તેઓ સીધા માણસની આંખમાં જોતા હોય છે.તેમનાં વિષે એવો દાવો કરાય છે કે આ એલિયન્સ આમ તો આપણી જ પ્રાચિન માનવ પ્રજાતિ છે જેમને ધરતી છોડવા માટે મજબૂર કરાયા હતા.
કેટલાક એલિયન એન્કાઉન્ટર અંગે દાવો કરાય છે કે તેઓ પ્રાણીઓને ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતારે છે અને તેમનાં ટુકડે ટુકડા કરી નાંખે છે.ઘણાં કિસ્સાઓમાં પ્રાણીઓ મૃત હાલતમાં મળે છે જેમનાં શરીરમાંથી લોહી કાઢી નંખાયું હોય છે તેમનાં શરીરનાં આંતરિક અંગો પણ ગુમ હોય છે.આ પ્રાણીઓ એવા સ્થળો પર મળી આવે છે જ્યાં તેમનાં આવ્યાનાં કોઇ ચિહ્ન દેખાતા નથી.મોટાભાગે કાદવ કિચડ ધરાવતા સ્થાનો પર આ પ્રાણીઓ મળી આવે છે.આ પ્રાણીઓનાં ઘાનો અભ્યાસ કરતા જણાયું હતું કે તેમને કોઇ ધારદાર અને બહુ ગરમ કરાયેલા સાધન વડે કાપવામાં આવ્યા હતા.આ પ્રકારનાં બનાવોમાં પહેલો બનાવ નોંધાયો હતો તે સ્થાન હતું કોલારાડોનું અલામોસા. ૧૯૬૭માં આ બનાવ નોંધાયો હતો.લેડી નામનાં ઘોડાનું શરીર વિક્ષિપ્ત અવસ્થામાં મળી આવ્યું હતું.તેના શરીર પર જે કાપવાનાં નિશાન મળ્યા હતા તે કોઇ કુશળ વ્યક્તિ દ્વારા કરાયા હોવાનું જણાયું હતું તે ઘોડાનાં શરીરમાં લોહીનું એક પણ ટીપું રહ્યું ન હતું.ઘોડાનાં માલિકે જણાવ્યું હતું કે જ્યાં આ ઘોડાનું મૃત શરીર મળ્યું હતું તેની આસપાસ દવાખાનામાં જે પ્રકારની વાસ આવતી હોય છે તે પ્રકારની વાસ આવતી હતી.જ્યાં આ ઘોડાનું મૃત શરીર મળ્યું હતું તે જમીન પર ખાસ પ્રકારનાં પંદર જેટલા નિશાન મળ્યા હતાં.આ જ પ્રકારની નિશાનીઓ અન્ય જે પ્રાણીઓ આ પ્રકારે મળી આવ્યા હતા ત્યાં પણ જોવા મળ્યા હતાં.આ ઘોડાનું શરીર જ્યાં મળ્યું હતું ત્યાં રેડિયેશનની માત્રા પણ ઘણી વધારે હોવાનું જણાયું હતું.૧૯૭૦નાં વચગાળા દરમિયાન અમેરિકાનાં પંદર રાજ્યોમાં અને વિશ્વનાં અન્ય સ્થળોએ આ પ્રકારનાં પ્રાણીઓનાં મૃત મળ્યાનાં બનાવો નોંધાયા હતા.આ ઉપરાંત એ જ સમયગાળામાં વિચિત્ર રોશની, અવાજો અને યુએફઓનાં બનાવો પણ નોંધાયા હતા.આ પ્રકારનાં બનાવો જ્યાં નોંધાયા હતા તે સ્થળો પર એક કાળા રંગનું હેલિકોપ્ટર જોવા મળ્યાનાં ઉલ્લેખ પણ છે.આ પ્રકારનાં બનાવો અંગે કહેવાય છે કે એલિયન્સ પ્રાણીઓમાંથી જેનેટિક મટિરિયલ મેળવવા માટે તેમને મોતને ઉતારતા હતા.
આપણી સૌથી નજીકનાં બાહ્યાવકાશી ગ્રહ કે ઉપગ્રહનો વિચાર થાય છે ત્યારે ચંદ્રનું નામ સૌના મનમાં ચમકી જતું હોય છે.ચંદ્ર એ પાંચમો સૌથી મોટો કુદરતી સેટેલાઇટ છે.જ્યારે ચંદ્રની સપાટી સાથે કોઇ મીટિયોર ટકરાય છે ત્યારે તેમાંથી ઘંટડી જેવો અવાજ આવેે છે.જ્યારે ૨૦ નવેમ્બર ૧૯૬૯માં એપોલો ક્રુએ પોતાનું લ્યુનાર મોડ્યુઅલ છોડ્યું ત્યારે તે ચંદ્રની સપાટી પર પહોંચ્યું ત્યારે ત્યાં રહેલા સાધનોએ જે અવાજ સાંભળ્યો હતો તે તેમનેે ઘંટ જેવો લાગ્યો હતો.તો કેટલાક ચંદ્રનાં અભ્યાસુઓ કહે છે કે ચંદ્ર અંદરથી પોલો થઇ રહ્યો છે અને કેટલાક સંશોધકો કહે છે કે આમ થવાનું કારણ કુદરતી નથી પણ કોઇ બુધ્ધિશાળી પ્રજાતિ તેમનાં કોઇ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે તેમ કરી રહી છે.આમ કરવા માટે તેઓ વિશાળ યંત્રોનો ઉપયોગ કરતા હોવાનો દાવો પણ કરાય છે.નાસાએ પણ તેમનાં મિશન દરમિયાન ઘણાં યુએફઓ ચંદ્ર પર જોયાની પુષ્ટિ કરી છે.કહેવાય છે કે ચંદ્રની વય પૃથ્વી અને સુર્ય કરતા પણ ઘણી વધારે છે.ધરતીની વય ૪.૬ બિલિયન વર્ષ છે જ્યારે ચંદ્રની વય ૫.૩ બિલિયન વર્ષ હોવાનું તેના ખડકોનાં અભ્યાસમાં જણાયું છે.
મિરેકલ ઓફ ફાતિમાનો આરંભ ૧૯૧૭નાં મે મહિનામાં થયો હતો.પોર્ટુગલનાં ફાતિમા નામનાં શહેરમાં ત્રણ રબારીઓનાં બાળકો સાથે કશુંક વિચિત્ર બન્યું હતું.આ બાળકોએ દાવો કર્યો હતો કે તેમણે સુર્ય કરતા પણ વધારે પ્રકાશિત એક મહિલા જોઇ હતી.આ મહિલા તેમને માત્ર એક વખત નહિ પણ ૧૯૧૭નાં છ મહિના દરમિયાન તેર દિવસ સુધી જોવા મળી હતી.આ ઘટનાનો આરંભ તેરમી મે એ થયો હતો.તેર વર્ષનાં લ્યુસિયા સેન્ટો નામનાં બાળકનાં જણાવ્યાનુસાર આ મહિલાએ તેમને ત્રણ સિક્રેટ જણાવ્યા હતા જેને આજે થ્રી સિક્રેટ ઓફ ફાતિમા તરીકે ઓળખવામાં આવે છે.આ બાળકોએ જણાવ્યું હતું તે મહિલાએ તેમને જણાવ્યું હતું કે તે ૧૩ ઓક્ટોબર ૧૯૧૭નાં રોજ તેની ઓળખ જાહેર કરશે અને એવો ચમત્કાર બતાવશે જેથી લોકોને તેના પર વિશ્વાસ આવશે.એ દિવસે ફાતિમા શહેરનાં કોવા ડા ઇરિયા નામનાં સ્થળે લગભગ એક લાખ જેટલા લોકો ભેગા થયા હતા અને તેમાનાં ઘણાએ જણાવ્યું હતું કે તે સમયે વરસાદ વરસ્યો હતો અને ત્યારે આકાશમાં કાળા વાદળો છવાઇ ગયા હતા પણ થોડા સમયમાં જ એ વાદળો હટી ગયા અને સુર્ય નિકળ્યો હતો પણ આ સુર્ય આપણે જે સુર્ય જોઇએ છીએ તેના કરતા અલગ હતો.તેનો પ્રકાશ થોડો ઓછો હતો અને ધરતી પર ત્યારે અનેક પ્રકારનાં રંગો છવાયા હોવાનું દેખાયું હતું.આ પહેલા જ્યારે વરસાદ વરસ્યો ત્યારે લોકોનાં કપડા પલડી ગયા હતા પણ જ્યારે આ સુર્ય દેખાયો ત્યારે લોકોનાં કપડા જ નહિ પણ ત્યાંની જમીન પણ સુકાઇ ગઇ હતી.આ ઘટના લગભગ દસ મિનિટ ચાલી હતી આ દરમિયાન જમીન પર એન્જલ હેર પણ મળ્યાનું નોંધાયું હતું.તેર જુલાઇ ૧૯૧૭નાં રોજ તે મહિલાએ એ બાળકોને ત્રણ સિક્રેટ અંગે વાત કરી હતી.આ ત્રણ સિક્રેટ કેથોલિક ચર્ચ માટે ઘણાં વિવાદાસ્પદ છે અને તે સમયાંતરે લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે.જેમાં છેલ્લે આ પ્રકારની ઘટના ૨૦૦૦માં નોંધાઇ હતી.એમાં પહેલું સિક્રેટ એ નર્કનાં દર્શન છે.બીજુ સિક્રેટ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલ છે.જો કે ત્રીજા સિક્રેટને વધારે વિવાદાસ્પદ માનવામાં આવે છે.આ સિક્રેટ પોપની હત્યાનાં પ્રયાસ અંગે હતો.જહોન પોલ બીજાએ આ ત્રીજા સિક્રેટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ વાત તમામ ક્રિશ્ચિયનો માટે જાણવી જરૂરી છે કે તેમાં કહેવાયું છે કે મહાસાગર આખી ધરતી પર છવાઇ જશે અને લાખો લોકો મોતને ઘાટ ઉતરશે.
પુર્વ લોમ્બાર્ડી વિસ્તારનાં મધ્ય આલ્પસમાં ઇટાલીનું વાલ કેમોનિકાએ ઘણો વિશાળ વિસ્તાર છે.આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પ્રાચિન ચિત્રો મળી આવ્યા છે જે એ દેવતાનાં છે જેના અંગે લોકોને ખાસ માહિતી નથી.આ ચિત્ર આજનાં એક અવકાશયાત્રી જેવા છે.જો કે આ ચિત્રોનો સમયગાળો આજનો નથી પણ ઇસા પુર્વે ૧૦૦૦૦નો મનાય છે.આ ચિત્રોની સામ્યતા સોલવે ફર્થ સ્પેસમેન દ્વારા લેવાયેલ ફોટોગ્રાફ સાથે ઘણી મળતી આવે છે.૨૩ મે ૧૯૬૪નાં રોજ જિમ ટેમ્પલટન જે અગ્નિદળનો સભ્ય હતો તેણે પોતાની પાંચ વર્ષની પુત્રીનાં ત્રણ ફોટોગ્રાફ પાડયા હતા.તે દિવસે તે તેને બુર્ગ માર્શ ફરવા માટે લઇ ગયો હતો.આ દિવસે કેટલાકે આ વિસ્તારમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ અને ગાયો તથા બકરા જોયા હતા.બીજા ચિત્રમાં એક સફેદ વસ્તુ જોવા મળે છે જેણે સ્પેસ સુટ પહેર્યો હોવાનું જણાય છે.ટેમ્પલટને જણાવ્યું હતું કે ફોટો ડેવલપ થયો ત્યાં સુધી તેણે આ વ્યક્તિને જોયો ન હતો.જો કે આ ફોટોગ્રાફ પર જ્યારે શંકા કરાઇ ત્યારે કોડાકે જાતે તેનું પરિક્ષણ કર્યુ હતું અને તે ફોટોગ્રાફ અસલ હોવાનું જણાવ્યું હતું.આ બાબત પ્રમાણિત થયા બાદ તો એ ચિત્ર રહસ્યમય બની ગયું છે કારણકે આ ચિત્ર જ્યારે લેવાયું તે સમયગાળો ૧૯૬૪નો હતો અને ત્યારે સ્પેસ સુટ હજી તો પ્રારંભિક અવસ્થામાં હતા.જિમ ટેમ્પલટને દાવો કર્યો હતો કે બે વ્યક્તિઓએ તેનો સંપર્ક કર્યો હતો જે પોતાની જાતને હર મેજેસ્ટી ગવર્મેન્ટનાં લોકો હોવાનું જણાવતા હતા.આ જ સમયગાળા દરમિયાન વુર્મેરા ટેસ્ટ રેંજમાં બ્લુ સ્ટ્રીક મિસાઇલ લોન્ચ કરવાનું નિશ્ચિત હતું પણ તે પરિક્ષણ ટાળવું પડ્યું હતું કારણકે ત્યારે બે વિશાળકાય લોકો ત્યાં જોવા મળ્યા હતા.તેમને જોનાર લોકોનાં દાવાનુસાર એ લોકો સોલવે ફર્થ સ્પેસમેન સાથે સમાનતા ધરાવતા હતા.યુફોલોજિસ્ટ આ ચિત્રોને એવી દલીલ સાથે ઉપયોગમાં લે છે કે એલિયન આપણા સ્પેસ પ્રોગ્રામને અસર કરી રહ્યાં છે.
એન્સિયન્ટ એસ્ટ્રોનોટ થિયરીમાં માનનારાઓને પ્રાચીન ધાર્મિક પાંડુલિપિઓનો અભ્યાસ કરવાનું ગમતું હોય છે ખાસ કરીને બાઇબલ તેમના માટે રહસ્યોનો ભંડાર છે અને તેનો અભ્યાસ તેઓ બહુ તત્પરતાથી કરતા હોય છે કારણકે તેમાં સત્યનો અંશ હોય છે.તેમાંય જોનાહને માછલી દ્વારા ગળી જવાની ઘટના બહુ રોમાંચક છે જો કે કેટલાક માને છે કે આ કથા એ પ્રારંભિક ગ્રીક મિથની પેરોડી છે.જયોર્જિયો સુકાલોસ માને છે કે જોનાહની ચમત્કારીક બચાવની ઘટના એ કોઇ કપોળ કલ્પિત ઘટના નથી પણ તે વાસ્તવિક બનેલી ઘટના છે.તે આ ઘટનાનાં એક અંશનો ઉલ્લેખ કરતા કહે છે કે કેટલાક વર્ઝનમાં એ નોંધ છે કે જોનાહ એ વાતની નોંધ કરે છે કે વ્હેલની પાંસળીઓ તાંબા જેવી ચમકદાર હતી આ વાતની સમીક્ષા કરતા સુકાલોસ કહે છે કે જોનાહને ખરેખર તો કોઇ માછલી ન્હોતી ગળી ગઇ પણ તેને એલિયનની સબમરિને પોતાના કબજામાં લીધો હતો.
કિનિચ જાનાબ પાકલ સાતમી સદીમાં માયા સભ્યતાનાં એક શહેર પાલેન્ક્યુનાં રાજા હતા.જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમનાં શબને એક શણગારેલા કોફિનમાં મુકીને એક મંદિરમાં તેને મુકવામાં આવ્યું હતું.જ્યારે પુરાતત્વવિદોએ તેમની કબરની શોધ કરી ત્યારે તેમણે તેમાં માયા સભ્યતાની કલાનાં નમુનાઓની નોંધ કરી હતી.તેના પર અંકિત ચિહ્નોને કારણે વિદ્વાનો તેને સરળતાથી સમજી શક્યા હતા.જ્યારે પ્રાચિન એલિયન્સની થિયરીમાં માનનારાઓ કહે છે તે વાત જ પાક્કો પુરાવો છે. એરિક વોન ડેનિકન માને છેકે આ કલાનો નમુનો અદ્ભૂત છે અને તે પરગ્રહવાસીઓનાં અસ્તિત્વનો પાક્કો પુરાવો છે.પાકલની શબપેટીનાં ઢાંકણ પરની આકૃત્તિઓ ખરેખર તો એક રોકેટની તસ્વીર છે જેમાં તેનાં હાથમાં તેનાં કન્ટ્રોલ છે અને તેના પેડલ પર તેના પગ મુકાયેલા છે.તેણે શ્વાસ લેવા માટે નળીઓ પહેરેલી છે અને રોકેટની નીચેથી ફાયરિંગ થઇ રહ્યું છે.જો કે માયા સંસ્કૃતિનો અભ્યાસ કરનારાઓ માને છે કે માયા સંસ્કૃત્તિનાં મોટાભાગનાં સંકેતો બહુ સુપરિચિત છે અને તેનો અન્ય અર્થઘટન કરી શકાય નહિ.જે ચિત્રની તેઓ વાત કરે છે તે રોકેટ કરતા તદ્ન ભિન્ન છે.
આપણી પ્રાચીન કથાઓમાં મિથિકલ રાક્ષસી પ્રાણીઓનો ઉલ્લેખ મળે છે.ઘણી કથાઓમાં અર્ધ સિંહ, અર્ધ ગરૂડ જેવા ગ્રિફીન કે મેડુસા તો ગ્રીક દંતકથાઓનાં જાણીતા પાત્રો છે.ઘણી પ્રાચીન કથાઓમાં સંકર પ્રાણીઓનો પણ ઉલ્લેખ મળે છે.મોટાભાગનાં ઇજિપ્ત ભગવાનોનાં શરીર તો માનવીનાં છે પણ તેમનું માથું કોઇને કોઇ પ્રાણીનું જોવા મળે છે.આ વાતનો ઉલ્લેખ કરતા પ્રાચીન એલિયન થિયરીમાં માનનારા કહે છે કે આ વાત એ વાતનો પુરાવો છે પરગ્રહવાસીઓ જેનેટિક પ્રયોગો કરતા હતા.જો કે તેનો વિરોધ કરનારાઓ આ વાતને કાલ્પનિક ગણાવે છે પણ થિયરીસ્ટો તો આ પ્રકારનાં પ્રાણીઓનાં અસ્તિત્વને માને છે અને આજે પણ આપણે યેતિ કે બિગફુટની કથાઓ જાણીતી થયેલી છે અને ઘણાં તો બિગફુટ પાછળ એલિયન હોવાનું જણાવે છે.મેડુસાની પાસે જે શકતિઓ હતી તે તો જાણીતી વાત છે તેનાં વાળ સાપ જેવા હતા અને જે કોઇ તેની આંખમાં જુએ તો તે ત્યારેજ પથ્થરમાં પરિવર્તિત થઇ જતો હોવાની વાત જાણીતી છે અને આ પ્રકારની શક્તિઓ માનવીય નહિ પણ અતિ માનવીય હોવાનું તેઓ માને છે.
મેક્સિકો પાસે આવેલ ટોલટેક શહેર આમતો તેના ધાર્મિક સ્થળો માટે જાણીતું છે ખાસ કરીને સુર્યનો પિરામિડ તો પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ છે.તો એલિયન થિયરીમાં માનનારાઓ માટે પણ આ પિરામિડ મહત્વનું સ્થાપત્ય છે તેઓ માને છે કે આ પિરામિડમાં એલિયન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરનું ચિત્ર અંકિત છે.આ બાબતનો ઉલ્લેખ કરતા ઘણાં લેખો અને ડોક્યુમેન્ટ્રી પ્રકાશિત થઇ છે.જો કે તેઓ જેને કોમ્પ્ટરની સર્કિટ ગણાવે છે તે અલગ જ ચિત્ર છે તેઓ તો મંદિરોને એલિયન્સ કોમ્પ્યુટરનાં પ્રોસેસર ગણાવે છે પણ તેને સાબિત કરવાનાં કોઇ પુરાવા તેમની પાસે નથી.જો કે તેમ છતા તેઓ પોતાની વાત આગળ વધારતા તેઓ કહે છે કે વીજળીની સુવાહક એવી અબરખનો ઉપયોગ કરાતો હોવાનું જણાયું છે.ઘણાં નિષ્ણાંતો પણ માને છે કે આપણી ઘણી પ્રાચિન સભ્યતાઓ અબરખનો ઉપયોગ કરતી હતી.જો કે તેમની ટીઓટીહુઆકાનો દ્વારા સર્કિટનો ઉપયોગ કરાતી હોવાની વાતને લોકો માનતા નથી.
કિંગ આર્થરની સ્વોર્ડ ઇન ધ સ્ટોનની કથા ઘણી પ્રચલિત છે જો કે આ તલવારને કોઇ સામાન્ય વ્યક્તિ ચલાવી શકતો ન હતો. આ જ પ્રકારનાં અન્ય હથિયારોમાં થોરનો હથોડો ઘણો પ્રચલિત છે.જો કે ઇતિહાસકારો પાસે કિંગ આર્થરનાં અસ્તિત્વનાં કોઇ પાકકા પુરાવા નથી.જો કે પ્રાચિન એલિયન થિયરીસ્ટો આ કથાને સાચી માને છે એટલું જ નહિ તેને તેઓ એલિયન સાથે પણ જોડે છે.સુકાલોસ માને છે કે આજે આપણાં આધુનિક ટેકનિશ્યનો બાયોમેટ્રીક સિક્યુરિટી વડે હથિયારો બનાવી શકે છે ત્યારે પ્રાચિન સમયમાં આપણાં પુર્વજો આ પ્રકારની ટેકનોલોજી હોવાની વાત કપોળકલ્પિત માની શકાય નહિ.સુકાલોસ કહે છે કે આર્થરની તલવાર અને જોન ઓફ આર્કની તલવાર એક્સકેલિબર એલિયનોનાં લેઝર વેપન્સનાં નમુના હતા.
ઇજિપ્તનાં પિરામિડોમાં ઘણી આકૃત્તિઓ અંકાયેલી જોવા મળે છે અને આ આકૃત્તિઓમાં એક આકૃત્તિ આપણાં આધુનિક બલ્બ સાથે સમાનતા ધરાવે અને એલિયનની થિયરીને માનનારાઓ આ આકૃત્તિને પણ એલિયન્સની ધરતી પરની હાજરીનો પુરાવો ગણાવેે છે.ઇજિપ્સિયન કમળનું ચિત્ર પણ આ થિયરીસ્ટો માટે એક અન્ય જાણીતી કલાકૃત્તિ છે જેમાં સાપનાં મ્હો અને આંખમાં ફિલામેન્ટ સ્પષ્ટરૂપે નજરે ચડતું હોવાનું તેઓ માને છે.
યુરોપની ઘણી મોટી વસ્તીને ભરખી જનાર બ્લેક ડેથની ઘટના માટે પ્લેગ કારણભૂત હોવાનું મોટાભાગનાં નિષ્ણાંતો માને છે પણ એલિયનની હાજરીને માનનારા થિયરીસ્ટો આ ઘટનાને એલિયન સાથે સાંકળતા જણાવે છે કે મધ્યકાળની આ બિમારી માટે એલિયન જવાબદાર હતાં.આ માટે તેઓ રાક્ષસો, ડાકણો અને યહુદીઓને પણ કારણભૂત ગણાવતા હતા.જો કે વૈજ્ઞાનિકો આ માટે યાસિનિયા પેસ્ટીસ બેક્ટિરિયાને જવાબદાર ગણાવે છે જો કે એલિયન્સ થિયરીને માનનાર વિલિયમ બ્રેમલી પણ તે માટે એલિયન્સને કારણરૂપ ગણાવે છે.તેઓ માને છે કે જે રીતે ખેતરોમાં ખેડુતો પોતાના પાકને બચાવવા માટે સ્પ્રે કરે છે તે રીતે જ એલિયન્સ પણ પોતાની પુંછડીનો ઉપયોગ કરીને આ બેક્ટેરિયાનો પ્રસાર કરે છે.ગ્રીમ રિપર જે સમયે કુખ્યાત બન્યો તે સમય દરમિયાન આ થિયરી ઘણી પ્રચલિત થઇ હતી.પ્લેગનો શિકાર થયેલ ઘણાં લોકોને કાળા વસ્ત્રો પહેરેલા રહસ્યમય લોકોને જોયાનો ભ્રમ થયો હતો.જે શહેરોમાં પ્લેગ પ્રસર્યો તે પહેલા ઘઉંના ખેતરોમાં આ પ્રકારનાં લોકોની હાજરીનો ઘણાં લોકો દાવો કરે છે.ગ્રીમ રિપર ઘણાં લોકોની મોત માટે જવાબદાર હતો અને લોકો તેને આ પ્રકારનાં મોત માટે જવાબદાર વ્યક્તિ માને છે.એલિયનોની પુંછડીની વાત તો પ્રચલિત થઇ જ હતી પણ સાથોસાથ લોકો એમ પણ માનતા હતા કે એલિયનોનાં સ્પર્શની અસર પણ આવી જ હતી.
હિસ્ટ્રી ચેનલ પર પ્રસારિત એનિશ્યન્ટ એલિયન્સ કાર્યક્રમમાં એક પ્રશ્ન પુછાતો હતો કે શું હિટલર એલિયન્સની મદદ વડે વિશ્વ પર કબજો કરવાની યોજના ધરાવતો હતો.જો કે તેનો ઉત્તર બેશક ના છે પણ ઘણાં લોકો માને છે કે નાઝીઓ પાસે યુએફઓ હતા.તેઓ તે સમયે ઘણી એડવાન્સ ટેકનોલોજી ધરાવતા તેઓએ ઇંગ્લેન્ડ અને ફ્રાંસની વિરૂદ્ધ વી વન ફ્લાઇંગ બોમ્બ અને વી ટુ રોકેટનો ઉપયોગ કર્યો હતો.એલિયન્સ થિયરીને માનનારાઓ અનુસાર જર્મન રોકેટ સાયન્ટીસ્ટ હર્મન ઓબર્થ પોતે દાવો કરતો હતો કે તેમને અન્ય વિશ્વનાં લોકો દ્વારા મદદ મળી હતી અને તેમની મદદ વડે જ કેટલાક હથિયારો બનાવવામાં સફળતા મળી હતી.તેમનો આ દાવો જ એ પુરવાર કરે છે કે નાઝીઓ એલિયન્સ સાથે સંપર્ક ધરાવતા હતાં.યુએફઓ કોમ્યુનિટી પણ નાઝીઓનો એલિયન્સો સાથે સંપર્ક હોવાની વાતનો સ્વીકાર કરે છે.જર્મની સાથે યુદ્ધ દરમિયાન એલાયન્સનાં પાયલટોને જર્મનીનાં આકાશમાં ફુ ફાઇટરની હાજરી જોવા મળ્યાની વાત નોંધાઇ છે.આ ઉપરાંત જર્મનો તે દરમિયાન ઉડતી રકાબીનાં આકારની ફ્લીટ બનાવવાની યોજના ધરાવતા હતા જેને હોનેબુ તરીકે ઓળખાવતા હતા.તેઓ તેમ પણ માનતા હતા કે બાવેરિયાનાં જંગલોમાં જર્મનોને એલિયન્સનાં તુટેલા સ્પેસક્રાફટનો કાટમાળ મળ્યો હતો જેના આધારે જ તેમણે આ પ્રકારનાં સ્પેસક્રાફટ બનાવવાની યોજના ઘડી હતી.
એલિયનનાં અસ્તિત્વમાં માનનારા થિયરીસ્ટો તેમની થિયરીનાં પુરાવા તરીકે પ્રાચીન સમયની કેટલીક કથાઓનો દાખલો આપે છે જેમાં તેમના વાહનોનો ઉલ્લેખ મળે છે.ખાસ કરીને હિન્દુઓની ઘણી કથાઓમાં રથોનો ઉલ્લેખ મળે છે.મહાભારતમાં પણ ઉડતા રથો અને વિમાનોનો ઉલ્લેખ મળે છે.કેટલાક વિમાનોને ઉડતા ઘોડાઓ દ્વારા સંચાલિત થતા હોવાનો ઉલ્લેખ આ કથાઓમાં મળે છે.
એન્સ્યન્ટ એલિયન્સની ચોથી સિઝનનાં દસમા એપિસોડમાં એલિયન દ્વારા ડાયનાસોરનાં નાશની થિયરી રજુ કરાઇ હતી.આ શોમાં કહેવાયું હતું કે ઉડતી રકાબીઓ દ્વારા ડાયનાસોરને મોતને ઘાટ ઉતારાયા હતા અને તે માટે લેઝર વેપન્સનો ઉપયોગ કરાયો હતો.આ ઉપરાંત એક એવી પણ થિયરી રજુ કરાઇ હતી કે એલિયનોએ પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયનાસોરનાં રંગસુત્રોમાં પરિવર્તન કરીને તેમને માણસો સાથે રહી શકાય તેવા બનાવ્યા હતા જો કે તેમની આ થિયરીને પુરવાર કરી શકાય તેવા કોઇ નક્કર પુરાવા તેમની પાસે ન હતા.
ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્ક જણાવે છે કે ઇ.સ.પુ.૭૫ થી ૬૩ દરમિયાન થયેલ મિથિડ્રેટિક યુદ્ધ દરમિયાન યુદ્ધનાં મેદાન પર ઇટીની હાજરી નોંધાઇ હતી.તેઓ લખે છે કે ત્યારે હવા અને વાતાવરણ ચોખ્ખુ હતુ ત્યારે મેદાન પર જ્વાળા જેવા પદાર્થ દેખાયા હતા જેનો આકાર ચંબુ જેવો હતો અને તેનો રંગ ચમકદાર હતો.આ જોઇને બંને લશ્કરો ડરી ગયા હતાં.આ એલિયન શિપનો આકાર ગ્રીક કળશ જેવો હતો.રોમન ઇતિહાસકાર લિવિએ રોમનાં ઇતિહાસ પુસ્તક જે ઇ.સ.પુ.૨૭માં લખાયું હતું તેમાં લખ્યુ હતું કે આકાશમાં ભૂતિયા વિમાનો દેખાયા હતા.તેમણે જે વાહનોનો ઉલ્લેખ કર્યો હતો તે કદાચ એલિયન શિપ હોઇ શકે છે.
૧૫૬૧ની એપ્રિલમાં ન્યુરેમ્બર્ગનાં આકાશમાં વિચિત્ર વસ્તુઓ દેખાઇ હતી અને આ દરમિયાન ધરતી પર ધુમાડો પ્રસરી ગયો હતો.કહેવાય છે કે આ સમયે આકાશમાંથી કોઇ વાહન તુટી પડ્યું હતું.આ ઘટનાને હાન્સ ગ્લેશરે કેદ કરી હતી જે તે સમયનો ફોટો જર્નાલિસ્ટ હતો.તેણે જે ઘટનાને કેમેરામાં કેદ કરી હતી તે ઘટનાનાં સાક્ષી ન્યુરેમ્બર્ગનાં ઘણાં નાગરિકો બન્યા હતા અને તેઓ આ ઘટનાને ભગવાનની નિશાની માનતા હતા.ગ્લેશર લખે છે કે સૌપ્રથમ તો સુર્યની વચોવચ બે કાળા વર્તુળ દેખાયા હતાં.સુર્યનો રંગ પણ લોહી જેવો રાતો થઇ ગયો હતો.તે તો લખે છે કે આ વસ્તુઓએ સુર્યની સાથે જ યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું હતું જો કે એક કલાક બાદ તે વસ્તુઓ બળીને ધરતી પર પડી હતી.
પ્રથમ એરશિપ ફ્રાંસમાં ૧૮૫૨માં અને પ્રથમ ઝેપલિનનું નિર્માણ જર્મનીમાં ૧૮૯૩માં થયું હતું.જેણે એવિએશનનાં ક્ષેત્રમાં ધરમુળથી પરિવર્તન આણવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સિગારનાં આકારનાં ઝેપલિન ત્યારે લોકોમાં પરિવર્તનનું પ્રતિક બની ગયા હતા જેનો આરંભ ૧૮૭૬માં થયો હતો અને ત્યારબાદ વીસ વર્ષ સુધી તેની આણ વર્તાઇ હતી.૧૮૯૭ની આસપાસનાં ગાળામાં કેલિફોર્નિયા, ટેક્સાસ અને ગ્રેટ લેક્સનાં વિસ્તારોમાં રહસ્યમય સિગાર આકારનાં ક્રાફટ લોકોની નજરે ચડ્યા હતા.તેમાંનું એક તો નેબ્રાસ્કાની કોર્ટ હાઉસમાં પણ જોવા મળ્યું હતું.ત્યાં હાજર રહેલા જ્યુરી, વકીલો અને ન્યાયાધીશોએ પણ તેને જોયા હતા.આ ક્રાફ્ટ સફેદ રંગનાં હતા અને તેની આસપાસની રંગત પણ શ્વેત હતી.આ ક્રાફ્ટ ઓવલ આકારનાં હતા અને તેનો અવાજ ઝેપલિન અને હોટ બલુન પસાર થાય તે સમયે જે પ્રકારનો હોય તે પ્રકારનો હતો.આ ઉપરાંત હેરિસનની જ્યુડિશરીએ પણ આ વસ્તુને જોઇ હતી આ ઉપરાંત પણ ઘણાં દાવા કરાયા હતા પણ તે તમામ વિશ્વાસપાત્ર ન હતાં.૧૮૯૭માં એલેક્ઝાંડર હેમિલ્ટને ઝેપલિન આકારનાં યાનમાં છ જેટલા રહસ્યમય લોકોને જોયાનો દાવો કર્યો હતો.તેણે કહ્યું હતું કે તે લોકો તેની ગાયોને તેમનાં યાનમાં લઇ ગયા હતા.હેમિલ્ટને તો તેણે જે જોયું તેનું સોગંદનામું પણ તૈયાર કર્યુ હતું જેના કારણે આ વાત ત્યારે ભયંકર રીતે પ્રસરી જવા પામી હતી.જો કે ત્યારબાદ એ પુરવાર થયું હતું કે હેમિલ્ટન ફ્રોડ હતો અને તેણે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ બધો સ્ટન્ટ કર્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ અસામાન્ય પ્રકારનાં યુદ્ધ વિમાનો તૈયાર કર્યાની વાતો ફેલાઇ હતી અને આ વિમાનો ત્યારે લોકોમાં ફુ તરીકે જાણીતા થયા હતા.જો કે એ વાત સાચી છે કે ત્યારે જર્મનીએ કેટલાક વિચિત્ર યંત્રો તૈયાર કર્યા હતા પણ આ જે યંત્ર હતા તે તમામ કરતા ભિન્ન હતા.સાક્ષીઓનો દાવો હતો કે આ યંત્ર હેલિકોપ્ટરની જેમ ઉંચે ઉડી શકતા હતા અને તેમની ગતિ પણ તે સમયનાં યાનો કરતા બહુ વધારે હતી.જો કે યુદ્ધ પુરૂ થયા બાદ આ વિમાનો કે યંત્રો કોઇને મળ્યા ન હતાં.કહેવાય છે કે આ વિમાનો બનાવવા માટે જર્મનીએ એન્ટાર્કટિકામાં ગુપ્ત અડ્ઢા તૈયાર કર્યા હતાં.તેના સમય કરતા ઘણી વધારે એવી આ અદ્યતન ટેકનોલોજી જર્મનીને એલિયન પાસેથી પ્રાપ્ત થયાની ચર્ચાઓ ચાલતી હતી.
૧૯૪૭માં વોશિંગ્ટનનાં માઉન્ટ રેનિયરમાં ઉડતી રકાબી જેવા આકારનાં યાન જોવા મળ્યા હતા.આ દાવો વિશ્વાસપાત્ર હતો કારણકે તેને જોયાની વાત બે પાયલટોએ કરી હતી.તેમાંના એક પાયલટે જણાવ્યું હતું કે તેણે જેની જિંદગીમાં આ પ્રકારનું યાન જોયું ન હતું.તેને ત્યારે લાગ્યું હતું કે આ યાન જરૂર સરકારે ગુપ્ત રીતે તૈયાર કર્યુ છે જો કે બીજો પાયલટ એટલો સ્યોર ન હતો.તેણે દાવો કર્યો હતો કે રકાબી આકારનું એ યાન બહુ ઝડપી ગતિ ધરાવતું હતું.તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે યાન એકલું ન હતું પણ એક વિશાળ યાન અન્ય ચાર જેટલા નાના યાનોનું સંચાલન કરતું હતુ.તેમણે એ વિચિત્ર યાનનો લગભગ પંદર મિનિટ સુધી પીછો કર્યો હતો અને તેમને ત્યારે નવાઇ એ વાતની લાગી હતી કે તે યાનમાંથી કોઇ ધુમાડો નિકળતો ન હતો.તેણે એ પણ દાવો કર્યો હતો કે તે યાનોએ તેમને કોઇપણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો ન હતો.
૧૯૫૨માં અમેરિકામાં અનેક સ્થળોએ એલિયન જોવા મળ્યાનો દાવો કરાયો હતો જેમાં વ્હાઇટ હાઉસ પણ સામેલ છે.અમેરિકનોને ત્યારે લાગ્યું હતું કે કયામતનો દિવસ આવી પહોંચ્યો છે.૧૯૫૨નાં જુલાઇ મહિનામાં બે અઠવાડિયા સુધી પાયલટ, રડાર ઓપરેટરોને રહસ્યમય યાન જોવા મળ્યા હતા અને એક વખત તો એક ફાઇટર જેટને પણ તેને આંતરવા માટે મોકલવામાં આવ્યું હતું જો કે તે જેટ તેની પાસે પહોંચે તે પહેલા જ તે ગાયબ થઇ ગયા હતા.તેમણે ત્યારે નારંગી રંગનાં પ્રકાશ પુંજને જોયો હતો ત્યારનાં રાષ્ટ્રપતિ ટ્રુમાને પણ ત્યારે એક અભિયાન માટે આદેશ આપ્યા હતા.જો કે કેટલાલ માનતા હતા કે આ એક પ્રકારનો દૃષ્ટિભ્રમ હોવાની પણ શક્યતા છે કારણકે પ્રાચીન રોમમાં ફાટા મોર્ગાનાં ઇલ્યુજને લોકોને લાંબા સમય સુધી ભ્રમમાં રાખ્યા હતાં.જો કે ત્યારે કોસ્ટ ગાર્ડનાં એક કર્મચારી સાલેમે પોતાની બારીમાંથી આ વિચિત્ર યાનનાં ફોટોગ્રાફ લીધાં હતા.એક અન્ય કોસ્ટગાર્ડે પણ ચાર યાન જોયાનો દાવો કર્યો હતો.જો કે આ ફોટોગ્રાફ અંગે એવું કહેવાય છે કે તે એક પ્રકારનો ભ્રમ હતો અને જે વસ્તું ફોટોગ્રાફમાં ઝડપાઇ હતી તે શેરીમાં પડતાં પ્રકાશનું જ વિચિત્ર સંયોજન માત્ર હતું.
૧૯૫૩ સુધી જેટલા પણ એલિયન જોવા મળ્યા હતાં તેમણે ત્યારે કોઇને પણ હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો ન હતો અને તે સામાન્ય પ્રજા માટે નુકસાનકારક હોવાનું ત્યારે કોઇને પણ લાગ્યું ન હતું પણ ત્યારબાદ તેમણે અમેરિકનાં એક વિમાનનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.૧૯૫૩નાં નવેમ્બર મહિનામાં મિશિગનનાં રેડિયો ઓપરેટરે એવો દાવો કર્યો હતો કે એક અજાણ્યું વાહન ગ્રેટ લેક્સનાં પ્રતિબંધિત વિસ્તારમાં જોવા મળ્યું હતું.આ એ વિસ્તાર હતો જે અમેરિકા અને કેનેડાનો સરહદ વિસ્તાર હતો.આ વિસ્તારની તપાસની જવાબદારી કિનરોસ એર ફોર્સ દ્વારા ઉઠાવવામાં આવી હતી.જો કે તેના રેડિયો ઓપરેટર અને પાયલટને ત્યારે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ગ્રાઉન્ડ ઓપરેટરે તેની સ્ક્રીનમાં બે ટપકા ઉભરતા જોયા હતા અને ફાઇટર જેટ પણ તેની પાસે પહોંચ્યું ત્યારે તે વિમાનોની હાજરી સ્ક્રીન પર બહું જ નજીક જોવા મળી હતી તેમને તો એક સમયે લાગ્યુૂં હતું તેઓ એકબીજા સાથે ટકરાઇ જશે પણ એવું બન્યું ન હતું એના બદલે તે ફાઇટર જેટ ગાયબ થઇ ગયું હતું.કેનેડાએ તે વિમાન માટે એક અભિયાન પણ ચલાવ્યું હતું જો કે તે વિમાન અને તેમાં રહેલા યાત્રીઓ કે વિમાનનાં પરિચાયકો અને કર્મચારીઓનો પણ કોઇ પત્તો લાગ્યો ન હતો ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી હતી કે તે રહસ્યમય યાન તે વિમાનને ગળી ગયું હતું અને પોતે પણ ત્યાંથી ગાયબ થઇ ગયું હતું.
અત્યાર સુધી જે એલિયન જોવા મળ્યા હતા તે માણસોની નજીક તો આવ્યા હતા પણ તેમની સાથે કોઇ શારીરિક સંપર્ક થયાની વાત કોઇએ કરી ન હતી પણ એલિઝાબેથ કલેરરે એવો દાવો કર્યો હતો કે એલિયનોએ તેનો સંપર્ક કર્યો હતો એટલું જ નહિ તેની સાથે શારીરિક સંબંધ સ્થાપ્યા હતા જેના પરિણામે તેણે સંતાનને જન્મ પણ આપ્યો હતો.તેણે દાવો કર્યો હતો કે તે જ્યારે સાત વર્ષની હતી ત્યારે તેને એકોન નામનાં એલિયનનો સંપર્ક થયો હતો.તે તેને તેની સાથે તેની સ્પેસ શીપમાં લઇ ગયો હતો.તેણે દાવો કર્યો હતો કે તે ખરેખરતો તેના પુર્વપતિનો જ પુર્નજન્મ પામેલ સાથી હતો.તેના દાવાનુસાર તેણે ત્યારબાદ અનેક વખત તેની મુલાકાત લીધી હતી અને તે જ્યારે ૪૯ વર્ષની થઇ ત્યારે તેણે એક સંતાનને જન્મ પણ આપ્યો હતો જો કે એ સંતાન અહી પૃથ્વી પર નહિ પણ તેમનાં ગ્રહ પર જન્મ્યું હતું અને ત્યાં જ તેનો ઉછેર થઇ રહ્યો છેે.
૧૯૫૯માં પાપુઆ ન્યુ ગિની ખાતે રેવરન્ડ વિલિયમ બુથ ગિલ એક પાદરી તરીકે કામ કરતા હતા અને તેમણે આકાશમાં એક ચમકદાર યાન જોયું હતું અને ત્યારબાદ ચાર કલાક સુધી માત્ર તે પાદરી એ જ નહિ પણ અન્ય ત્રીસ જેટલા લોકોએ પણ તે વસ્તુને નિહાળી હતી અને તેની ગતિવિધિઓની પણ નોંધ કરી હતી.ત્યારબાદ પિસ્તાલિસ મિનિટ બાદ એ પ્રકાશ અદૃશ્ય થઇ ગયો હતો અને તેની સાથે તે ત્રણ નાના યાન લઇને આવ્યું હતું.તે મધરશીપમાંથી ત્યારબાદ એક ભૂરા રંગનો પ્રકાશ નિકળ્યો હતો જે ચોમાસામાં આકાશ હોય છે તે પ્રકારનો હતો.તેની બીજી રાત્રિએ પણ એ યાન પાછા આવ્યા હતા અને તેમાં રહેલા લોકોએ નીચે ઉભા રહેલા લોકો તરફ હાથ હલાવ્યો હતો રેવરન્ડે પણ તેનો હાથ હલાવીને જવાબ આપ્યો હતો.ઓસ્ટ્રેલિયાની સરકારે રેવરન્ડની આ વાતને માની હતી અને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.જો કે તપાસમાં કશું ખાસ બહાર આવ્યું ન હતું પણ રેવરન્ડે ત્યારબાદ પણ આ વાતને લોકો સાથે શેર કરી હતી અને તેના અનુભવોને પુસ્તક રૂપે પણ પ્રગટ કર્યા હતા.
૧૯૭૩માં જે એલિયન જોવા મળ્યા હતા તે રોબોટિક ટાઇપનાં હતાં.પોલિસ ચીફ જેફ ગ્રીનહોને એક સમયે ફરજ દરમિયાન એક મહિલાનો કોલ આવ્યો હતો કે તેના શહેરમાં એલિયનોએ ઉતરાણ કર્યું છે.જેફ પોતાની સાથે ગન અને કેમેરા લઇને ગયો હતો તે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે તેની ગાડીની હેડલાઇટમાં કોઇ વિચિત્ર વસ્તુને તેની તરફ આવતા જોઇ હતી.તે જ્યારે નજીક આવ્યું ત્યારે તેને ખબર પડી કે તેણે એક મેટાલિક સ્યુટ પહેર્યો હતો અને તેમાંથી ભૂરા રંગનો પ્રકાશ નિકળતો હતો.પોલિસે તેને પુછ્યું હતું કે તે બરાબર છે કે નહિ પણ તેણે કોઇ જવાબ આપ્યો ન હતો આથી તેણે તેની પાસે રહેલા કેમેરા વડે તેના ફોટા પાડ્યા હતા અને કેમેરાની લાઇટને કારણે તે વસ્તુ ડરી ગઇ હતી અને ત્યાંથી ભાગી નિકળી હતી અને તેની જે ઝડપ હતી તે તેણે કોઇ માણસમાં આ પહેલા જોઇ ન હતી.જ્યારે તેનાં કેમેરાની તપાસ નિષ્ણાંતો દ્વારા કરાઇ ત્યારે તેમણે એ જરૂર કહ્યું હતું કે ફોટાઓ સાથે કોઇ ચેડા કરાયા ન હતાં.જો કે વિચિત્ર વાત એ હતી કે નેગેટિવ્સમાં યુએફઓ જેવી વસ્તુ જોવા મળે છે પણ જ્યારે તેને પ્રિન્ટ કરાઇ ત્યારે તે વસ્તુ જોવા મળી ન હતી.
મંગળ પર એલિયનો દ્વારા કેનાલ બનાવવામાં આવી હોવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલે છે.અમેરિકન એસ્ટ્રોનોમર પર્સિવલ લોવેલે તો ત્રણ જેટલા પુસ્તકો આ વિષયને આધાર બનાવીને જ લખ્યા છે.વીસમી સદીનાં આરંભિક સમયગાળાથી જ આ પ્રકારની ચર્ચાઓ ચાલે છે જો કે આધુનિક ટેકનોલોજી દ્વારા જ્યારે તપાસ કરાઇ ત્યારે તે વાતમાં કોઇ દમ હોવાનું જણાયું ન હતું.
એચડી ૧૬૪૫૯૫ એ સુર્ય સમાન જ તારો છે અને તે ૨૦૧૫માં શોધાયું હતું.આ એ તારો છે જ્યાંથી એલિયન સિગ્નલ પ્રસારિત થયું હતું જો કે આ સિગ્નલ માત્ર બે સેકન્ડનું હતું અને ત્યારબાદ એવું કોઇ સિગ્નલ મળ્યું નથી.સેટીએ જ્યારે તેની તપાસ કરી ત્યારે તેણે આ સિગ્નલ એલિયન દ્વારા મોકલાયાની વાત કરી હતી.જો કે ત્યારબાદ એ પ્રકારનું કોઇ સિગ્નલ મળ્યું નથી એ પણ હકીકત છે.આમ તો ઉડતી રકાબીની અસંખ્ય વાતો લોકોમાં પ્રચલિત છે પણ ૧૯૪૭માં બિઝનેશમેન કેનેથ આર્નોલ્ડને જે અનુભવ થયો તેણે મીડિયાનું પણ ધ્યાન ખેચ્યું હતું.આર્નોલ્ડે દાવો કર્યો હતો કે તે જ્યારે તેના વિમાનમાં વોશિંગ્ટનની આસપાસ હતો ત્યારે તેણે એક વિચિત્ર વસ્તુ આકાશમાં ઉડતી જોઇ હતી.તેણે એ વસ્તુનો આકાર ઉડતી રકાબી જેવો હોવાની વાત કરી હતી.જો કે એરફોર્સનું કહેવું હતુંકે આર્નોલ્ડને ભ્રમ થયો હશે જો કે આર્નોલ્ડે તેનો વિરોધ કર્યો હતો અને તેની વાતમાં તે અડગ રહ્યો હતો તે આખી જિંદગી એ માનતો રહ્યો હતો કે તેણે જે જોયું તે ઉડતી રકાબી જ હતી અને તેણે તો તેના આ અનુભવ પરથી એક પુસ્તક પણ લખ્યું હતું અને યુફોલોજીમાં તેમનાં આ પુસ્તકને ખાસ્સી પ્રસંશા પ્રાપ્ત થઇ છે.સ્વીત્ઝર્લેન્ડની બ્લેનિન રેડિયો ઓબ્જેર્વટરી અને ઓસ્ટ્રેલિયાની પાર્કસ રેડિયો ટેલિસ્કોપે કેટલાક સિગ્નલ ઝડપ્યા હતા અને આ સિગ્નલ વિષે ત્યારબાદ કોઇ પણ યોગ્ય ખુલાસો કરી શક્યો ન હતો.તેમણે એ સિગ્નલને પેરિટોન નામ આપ્યું હતું.તેમની ફ્રીકવન્સી અને પ્રકાશિત થવાની સ્ટાઇલને જોઇને જ તેમણે આ નામ આપ્યું હતું.ફાસ્ટ રેડિયો બર્સ્ટને ઇટી દ્વારા મોકલવામાં આવતા સંદેશાનો એક પ્રકાર માનવામાં આવે છે.આ સિગ્નલ અંગે લાંબા સમયથી રહસ્ય સર્જાયેલું રહ્યું હતું જો કે ૨૦૧૫માં આખરે તે રહસ્યનો ઉકેલ મળ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે સિગ્નલ માઇક્રોવેવ ઓવેનનાં હતા.જો કે ૨૦૧૭માં વૈજ્ઞાનિકોએ તે સિંગ્નલનો સ્રોત અન્યત્ર હોવાનો દાવો કર્યો હતો.મનસ્વી લિંગમ અને અબ્રાહમ લોયેબનું માનવું હતું કે તે સિગ્નલ આપણને બાહ્યાવકાશમાંથી મળે છે.જો કે તેમની થિયરી પણ ત્યારબાદ ખાસ પ્રમાણ રજુ કરવામાં સફળ રહી ન હતી.
છેલ્લા ચાર દાયકા દરમિયાન વિશ્વનાં અનેક સ્થળોએ ખેતરોમાં જોવા મળતા ક્રોપ સર્કલ પણ રહસ્યમય વાત છે.જે રીતે રાતોરાત ખેતરોમાં આ વિશાળ આકૃત્તિઓ રચાય છે તેણે ખાસ્સી ચર્ચાઓ જગવી છે અને તે માણસો દ્વારા સર્જાવી શક્ય જ નથી તેવું નિષ્ણાંતો પણ માને છે.કેપ્લર સ્પેસ ઓબ્જર્વેટરીએ એક સમયે તેની પૃથ્વી જેવા ગ્રહ શોધવાની તેની કવાયતને કારણે ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી.૨૦૧૫માં સિટીજન્સ સાયન્ટીસ્ટોને કેપ્લર દ્વારા જે ડેટા એકત્ર કરાયો તેનો અભ્યાસ કર્યો ત્યારે તેમને ટેબ્બી સ્ટારની ગતિવિધિ વિચિત્ર લાગી હતી.આ તારો આમ તો કેઆઇસી ૮૪૬૨૮૫૨ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને તેનાં પ્રકાશમાં અસામાન્ય પરિવર્તન જોવા મળ્યું હતું.તેના મામલે પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઇ હતી.સેટીને પણ આ ટેબ્બી સ્ટારમાં રસ પડ્યો હતો.રોઝવેલ પ્રકરણ અમેરિકાનાં ઇતિહાસની જાણીતી ઘટનાઓમાં એક છે.અમેરિકાનાં રાજકારણીઓ અને સૈન્યનાં અધિકારીઓએ લાંબા સમય સુધી આ મામલે નિવેદનો આપીને ખુલાસાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો.૧૯૪૭નાં ઉનાળામાં અમેરિકાનું એરફોર્સનું બલુન ન્યુ મેક્સિકો ખાતે ક્રેશ થયું હતું.જેના કાટમાળ હેઠળથી વિલિયમ બ્રાઝેલ નામની વ્યક્તિ મળી હતી.તેણે ઉડતી રકાબી અંગે ઘણી વાતો કરી હતી.તેણે આ વાત શેરિફને કરી હતી અને શેરિફે આ મામલે પ્રેસ રિલીઝ જાહેર કરી હતી.આ ઘટનાનાં એક દાયકા બાદ યુએફઓ સંશોધકોએ ફરીથી તે ઘટનાના સાક્ષીઓ સાથે મુલાકાતો કરી હતી અને જે દસ્તાવેજો ત્યારે જાહેર કરાયા હતા તેનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો.હાલમાં જે થિયરી જાહેર થઇ છે તે અનુસાર ક્રેશ સાઇટ પરથી એલિયનોનાં મૃતદેહોને હટાવી લેવામાં આવ્યા હતા અને અમેરિકાની સરકારે રોઝવેલ પ્રકરણને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.૨૦૧૩માં અમેરિકામાં મોટાપાયે એક પોલ કરાયો હતો જેમાં લોકોએ પોતાનો મત આપતા જણાવ્યું હતું કે રોઝવેલ પ્રકરણ એ એલિયન સાથે સંકળાયેલ મુદ્દો છે.૧૯૬૭માં યુકેની મુલાર્ડ રેડિયો ઓબ્જેર્વટરીમાં ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ જોસલિન બેલને એક રહસ્યમય સિગ્નલ મળ્યું હતું.આ સિગ્નલ ફાસ્ટ હતા અને તે માનવસર્જિત પણ ન હતાં.બેલ અને તેના સહયોગી એન્ટની હેવિશે તેને એલજીએમ - ૧ નામ આપ્યું હતું.જો કે ત્યારબાદ જણાયું હતું કે તેમણે જે પલ્સારની શોધ કરી હતી.તેમના દ્વારા અનેક વખત ધરતી પર સિગ્નલ મોકલે છે જે ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશન ધરતી પર મોકલે છે.૧૯૭૭માં સેટીનાં નિષ્ણાંત જેરી આર ઇહમેન દ્વારા જે વિગતો એકત્ર કરાઇ હતી તેની સમીક્ષા કરાઇ હતી.આગલા દિવસે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીનાં બિગ ઇયર ટેલિસ્કોપ દ્વારા એકત્ર કરવામાં આવ્યો હતો.તેણે એ નોંધ્યું હતું કે ૭૨ સેકન્ડ ઉંચુ રહ્યું હતું.આ સિગ્નલ અત્યંત શક્તિશાળી હતું ઉપરાંત તે સુરક્ષિત હતા અને આ સુરક્ષા અચ્છા અચ્છા નિષ્ણાંતો પણ તોડી શકતા ન હતાં.આ સિગ્નલને તેમણે વાઉ નામ આપ્યું હતું.આમ તો ધરતી પર કેટલાક સ્થળો પણ એવા છે જેને જોઇને લાગે છે કે આ નિર્માણ સાદી ટેકનોલોજી દ્વારા શક્ય જ નથી.દક્ષિણ અમેરિકાનાં બોલિવિયન હાઇલેન્ડમાં આવેલ પુમા પુન્કુ એ વિશાળ પાષાણ રચનાઓ છે જેને જોઇને લાગે છે કે તે આધુનિક યંત્રો વિના તેનું સર્જન અશક્ય છે પણ તેની તપાસમાં બહાર આવ્યું છે કે તેનો સમય ગાળો એક હજાર વર્ષ પહેલાનો છે.આ પત્થરો આકારમાં તો વિશાળ છે જ સાથોસાથ તેની સખ્તાઇ પણ જોરદાર છે પણ તેમ છતાં તેના પર જે કામ થયું છે તે આશ્ચર્યચક્તિ કરનાર છે.રોમાનિયા, ઇઝરાયેલ, ચીન અને અન્ય પ્રાચીન સ્થળો પર ફલાવર ઓફ લાઇફની રચના જોવા મળે છે અને બ્રહ્માંડમાં જે પણ છે તે બધું જ તેમાંથી ઉત્પન્ન થયાનો દાવો કરાય છે.
એલિયન દ્વારા અપહરણ કરાયાનાં તો અનેક દાવા કરાય છે અને તેમાંથી ઘણાં માત્ર પ્રસિદ્ધિનો સ્ટન્ટ હોવાનું જણાય છે અને ઘણાં દાવા ચર્ચાસ્પદ પણ બની રહ્યાં છે.૧૯૮૮ની ત્રીસમી માર્ચે હેલન થોમસ અને તેની માતા કેરોલ કામ માટે સાથે નિકળ્યા હતાં જે તેમનું રોજનું કામ હતું.જો કે આ સવારે જે થયું તે નવું હતું.તેમણે તેમની ઉપર એક હમિંગનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ કશું સમજે તે પહેલા એક તીવ્ર પ્રકાશપુંજ ચમક્યો હતો જેનાથી તેમની આંખો અંજાઇ ગઇ હતી જ્યારે તે પ્રકાશ ઓછો થયો ત્યારે તે બંને મહિલાઓને ભાન આવ્યું ત્યારે તેમને થોડી બેચેની જણાઇ હતી.હેલનનું જેકેટ ભીનું થઇ ગયું હતું પણ તેની આસપાસની જમીન સાવ કોરી હતી જો કે આ મામલે તેમને કશું સમજાયુૂં ન હતું અને એ જ હાલતમાં તે બંને કામે જવા રવાના થઇ ગઇ હતી જ્યારે તે કામનાં સ્થળે પહોંચી ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને જણાવ્યું હતું કે તેઓ ઘણાં કલાક મોડી પડી છે.જો કે ત્યારબાદનાં દિવસે તેમના શરીર પર ઘસરકા ઉપસી આવ્યા હતા અને તેમની માનસિક હાલત પણ થોડી વિચિત્ર થઇ ગઇ હતી.જો કે ત્યારબાદ જાણીતા યુએફઓ સંશોધક ટોની ડોટે તેમની મુલાકાત લીધી હતી અને તેમના પર હિપ્નોસિસનો પ્રયોગ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે એક વિશાળ ઓરડો, ટેબલો, અસામાન્ય જાળી જેવી વસ્તુઓ તેમનાં પગમાં લપેટાયેલી હોવાનું તેમણે જણાવ્યું હતું.વિશાળ માથું ધરાવતા વિચિત્ર જીવો તેમના પર પ્રયોગો કરતા હતા.તેમનાં શરીરમાંથી તેમણે અંડાણુઓ લીધા હતા.
૧૯૯૭નાં ઉનાળા દરમિયાન ટ્રેસી જોન્સને કેટલીક પારલૌકિક ઘટનાઓનો અનુભવ થયો હતો.તેને ઘણીવાર ઘરમાં વસ્તુઓ એક સ્થાનેથી બીજા સ્થાને હટેલી લાગતી હતી ઘણીવાર તો વસ્તુઓ નષ્ટ પણ થઇ જતી હતી.ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કામ કરતી બંધ થઇ જતી હતી.ટ્રેસી અને તેનો પતિ જ્યારે ઉંઘમાંથી જાગતા ત્યારે તેમને તેમની પથારી પાસે વિચિત્ર વ્યક્તિઓ જોવા મળતી હતી.તેના પર એક વાર મોટુ ઓપરેશન કરાયું હતુ અને તેના શરીર પર પાટા બાંધવામાં આવ્યા હતા પણ એક દિવસ તેણે તેના પાટા દુર કર્યા ત્યારે તેને જણાયું કે તેના ઘા રૂઝાઇ ગયા છે અને તેના નિશાન પણ શરીર રહ્યાં ન હતાં.તેના પર જ્યારે હિપ્નોસિસનો પ્રયોગ કરાયો ત્યારે તેણે જણાવ્યું હતું કે તે જ્યારે યુવાન હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ કામ એક કરતા વધારે વાર થયું હતું જ્યારે પણ તેનું અપહરણ કરાતું ત્યારે તેના શરીરમાંથી અંડાણુઓ તેઓ એક ચાંદી જેવી ટયુબ વડે કાઢતા હતાં.તેનું અપહરણ એક કરતા વધારે વખત થયાનું તેણે આ સેશનમાં જણાવ્યું હતું તેના અનુસાર તો તેનો પરિવાર કામ માટે દુબઇ ગયો ત્યારે પણ તેની સાથે આ ઘટનાઓ ઘટી હતી.
૧૯૯૫ની જુલાઇમાં માઇક અને ડેબીનાં મિત્રો સ્ટીવ અને એની તેમનાં ડર્બીશાયરનાં મકાને બાર્બેક્યુમાં આવ્યા હતા જ્યાં તેમણે ડ્રીન્ક લીધું હતું.જો કે તે રાત્રે વિચિત્ર ઘટના ઘટી હતી તેમનાં પર એક રકાબી આકારની વસ્તુ આવીને રોકાઇ હતી અને ત્યારબાદ તેમને બેચેનીનો અનુભવ થયો હતો.જો કે પેલી વસ્તુ જેવી આવી હતી તે જ ઝડપે ત્યાંથી ગાયબ પણ થઇ ગઇ હતી.જો કે સ્ટીવને થોડી નવાઇ લાગી હતી કારણકે જ્યારે તેણે ઘડિયાલ જોઇ તો તેમાં મધરાતનો સમય જણાતો હતો.ત્યારબાદ થોડા દિવસો સુધી તેમની સ્થિતિ થોડી અસ્થિર હોવાનું તેમને લાગ્યું હતું તેમને સારી રીતે ઉંઘ આવતી ન હતી અને તેમણે હિપ્નોસિસનો પ્રયોગ કરવાનો વિચાર કર્યો હતો.આ સેશનમાં ચારેયે જે વાત કરી તે એક જેવી જ હતી.તેમને કોઇ સ્પેસશીપમાં લઇ જવાયા હતા અને ત્યાં તેમનાં પર કેટલાક તબીબી પ્રયોગો કરાયા હતા.તેમને જ્યાં લઇ જવાયા હતા તે સ્થળની દિવાલો પર કેટલાક ચિત્રો હતા જેમાં આપણી સુર્યમાળાનાં ચિત્રો હોવાનું તેમણે જણાવ્યું હતું.
૧૯૯૨ની સત્તરમી ઓગસ્ટે દસ વાગ્યાની આસપાસ ગેરી વુડ તેના મિત્ર કોલિન રાઇટ સાથે હતા ત્યારે ગેરીએ તેમનાંથી થોડે દુર એક કાળા રંગની વસ્તુ જોઇ હતી અને તે બંને મિત્રોએ જોયું તે વસ્તુ તેમની નજીક સરતી હતી અને તેમના વાહનની નજીક આવી ત્યારે જોરદાર પ્રકાશ પથરાયો હતો જેમાં તેઓ અંજાઇ ગયા હતાં અને ત્યારબાદ શું થયું તે તેમને યાદ રહ્યું ન હતું.જો કે ત્યારબાદ વુડે તેની ઘડિયાલ જોઇ તો તેમાં અગિયાર વાગ્યાનું જણાયું હતું.જો કે બંનેને કશુંક અઘટિત થયાનૂું લાગ્યું હતું અને તેમણે હિપ્નોસિસ કરાવ્યું હતું.જેમાં તેમણે જે જણાવ્યુૂં તે વિચિત્ર હતું તેમના જણાવ્યાનુસાર જે પ્રકાશ તેમણે જોયો હતો તેનાથી તેમને બહુ પીડા થઇ હતી જાણે કે તેમને કોઇ વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેવો અનુભવ થયો હતો.પેલા વિચિત્ર લોકો તેમની પાસે આવ્યા હતા અને તેમને તેમની સ્પેસક્રાફ્ટમાં લઇ ગયા હતા જયાં તેમનાં કપડા કાઢી નાંખવામાં આવ્યા હતા અને તેમને ત્યાં રહેલા ટેબલો પર સુવડાવી દેવામાં આવ્યા હતાં.તેમણે જણાવ્યું હતું કે તેમની આસપાસ કદમાં ઉંચા અને મોટુ માથું ધરાવતા લોકો હતા જેમની આંખો ઘણી વિશાળ હતી.વુડે જણાવ્યું હતું કે તેઓ કહેતા હતા કે તેઓ સદીઓથી અહી છે અને તેઓ અહી આવતા રહે છે.
૧૯૮૭ની પહેલી ડિસેમ્બરે યોર્કશાયરનાં પોલિસ કર્મચારી ફિલિપ સ્પેન્સર તેમનાં ઘરેથી નિકળ્યા હતા.તેઓ સવારનાં સમયનો આનંદ માણતા પોતાની કારમાં રોડ પર ડ્રાઇવ કરતા હતા ત્યારે તેમને હેલિકોપ્ટર જેવો અવાજ સંભળાયો તેમણે જોવાનો પ્રયાસ કર્યો પણ કશું દેખાયું ન હતું.તેમણે આસપાસ જોયું તો ત્યાં પણ કશું અસામાન્ય ન હતું.જો કે તે જ સમયે તેમણે જોયું કે એક કદમાં નાના આકારવાળી વસ્તુ તેમની નજીક આવતી હતી તેમણે તેમની કાર રોકી અને તેને જવા માટે સાઇડ આપી પણ તે ત્યાંથી ગઇ નહિ ત્યારે તેમણે તેનો ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો અને તે માટે તે કારમાંથી બહાર નિકળ્યા અને તે વસ્તુ જ્યાં દેખાઇ હતી તે દિશામાં ગયા પણ ત્યાં જઇને જોયું તો કોઇ ન હતું પણ ઉપર એક રકાબી આકારની વસ્તુ ઝળુંબતી હતી.તેઓ ત્યાંથી પોતાની કાર પાસે આવ્યા અને આ ઘટનાને યાદ કરતા કરતા ઘેર પહોચ્યા હતા.પણ જ્યારે તેમણે સમય જોયો તો તેમને જણાયૂું કે ત્રણ કલાકનો સમય તેઓ ક્યાં હતા તે તેમને યાદ ન હતું.ત્યારબાદનાં દિવસોમાં સ્પેન્સરને વિચિત્ર સપનાઓ હેરાન કરતા રહ્યાં અને તેનાથી છુૂટકારો મેળવવા માટે તેમણે હિપ્નોસિસનો ઉપાય કર્યો હતો.જેમાં તેમણે જણાવ્યું કે તેઓ ચાંદી જેવો રંગ ધરાવતી વસ્તુની પાસે હતા અને એકાએક જ તેમને ઉંચકી લેવાયા હતા અને તેમને તે વસ્તુમાં લઇ જવાયા જ્યાં તેમને દવાખાના જેવા રૂમમાં લઇ જવામાં આવ્યા હતાં.ત્યાં તેમને જાણે કે તેમનાં શરીરમાંથી જ કોઇ નહિ ડરવાની સુચના આપતું હોવાનું લાગ્યું હતું.ત્યારબાદ તેમને નીચે લઇ જવાયા હતા અને પેલી વસ્તુ ત્યાંથી ઉપર ચાલી ગઇ હતી.તેમણે જે ફોટોગ્રાફ લીધો હતો તેની તપાસ કરવામાં આવી તો તે પ્રમાણિત પુરવાર થયો હતો.
એસેક્સમાં રહેતા જહોન ડેને યુએફઓ કે એલિયનમાં સ્હેજે વિશ્વાસ ન હતો પણ ૧૯૭૪નાં ઓક્ટોબર મહિનામાં ડે તેની પત્ની અને સંતાનો ને તેમનો પરિચય થયો હતો.તેમની સાથેની મુલાકાત અરધા કલાક જેટલી ચાલી હતી.તેઓ રાત્રે પોણા દસ વાગ્યે સુવા જવા માટે તૈયાર હતા ત્યારે તેમને એ અનુભવ થયો જ્યારે તે અનુભવ પુરો થયો ત્યારે ઘડિયાલમાં રાતનો એક વાગ્યો હતો.ત્યારપછી આ પરિવારનો સમય બહુ વેદનાદાયક રહ્યો હતો તેઓ લાંબા સમય સુધી સારી રીતે સુઇ શક્યા ન હતા તેમને બિહામણા સપના આવતા હતા અને તેનો જ તેમને એટલો ડર લાગતો હતો કે તેઓ પથારીમાં જતા પણ ગભરાતા હતા.તેમનાં પરિચિતોએ તેમને હિપ્નોસિસની સલાહ આપી હતી અને જ્યારે તેમણે એ સારવાર લીધી ત્યારે તેમણે તેમનો જે અનુભવ જણાવ્યો તે અનુસાર તેમનાં પર ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું અને તેમની કાર હવામાં જ અધ્ધર થઇ હતી અને તેમને બીજા વાહનમાં લઇ જવાયા હતા જે એક સ્પેસશીપ હતી.ત્યારબાદ તેને પોતે કાર ચલાવતો હતો તે જણાવ્યું હતું.
બોબ રિલેન્સ આમ તો વીસ વર્ષ સુધી સૈન્યમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું પણ જ્યારે તેમનાં પર હિપ્નોસિસનો ઉપયોગ કરાયો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની આ ફરજ દરમિયાન તેમને અનેક વખત એલિયન દ્વારા લઇ જવાયા હતાં.સેશનમાં તેમણે એ જણાવ્યું હતું કે તેમને જ્યારે લઇ જવાતા હતા ત્યારે તેમના પર એ લોકો પ્રયોગો કરતા હતા.