મોક્ષ એ કોઈ વસ્તુ નથી જે આપણને ઉપર બ્રહ્માંડમાં ક્યાંક પ્રાપ્ત થશે. મોક્ષ એટલે દુઃખોથી મુક્તિ અને પરમ સુખનો અનુભવ કરાવતી સ્થિતિ છે. મોક્ષ કોનો થાય છે? દેહનો તો મોક્ષ નથી થતો. મૃત્યુ પછી દેહને તો બાળી મૂકીએ છીએ. તો પછી દેહની અંદરથી કોણ જાય છે? આત્મા. એટલે આત્માનો જ મોક્ષ થાય છે.
વાસ્તવમાં મોક્ષપ્રાપ્તિ બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો જેમાં આ જીવનમાં જ, દેહ છતાં દેહાતીત દશાનો અનુભવ થાય છે. સંસારમાં રહીને સર્વ દુઃખોથી મુક્તિનો અનુભવ એ પહેલા સ્ટેજનો મોક્ષ કહ્યો છે. પહેલા તબક્કાના મોક્ષમાં કર્મ બંધાવાના કારણો બંધ થાય છે. છેવટે બધા કર્મો પૂરા થાય ને આ દેહ છૂટે તેને આત્યંતિક મોક્ષ કહે છે.
પણ મૃત્યુ પછી મુક્તિ મળે તેનો શો અર્થ? ખરેખર અહીં જ જીવતે જીવ મુક્તિનો અનુભવ થાય તે સાચું. અહીં ને અહીં મોક્ષ મળ્યો છે એની ખાતરી આપણને કઈ રીતે થાય? જ્યારે કોઈ દુઃખ અડે નહીં. માનસિક દુઃખો તો સાવ ઊડી જ જાય. શારીરિક દુઃખ આવે તો પણ પોતાને દુઃખ થાય છે એવું ના રહે, પીડા અડે નહીં. આપણો અનુભવ એ જ આપણી ખાતરી.
મોક્ષ એટલે પોતાના સ્વભાવમાં આવવું તે અને સંસાર એટલે પોતાના સ્વભાવની બહાર જવું તે. બંનેમાં કયું સહેલું? સ્વભાવમાં રહેવું તે. એટલે મોક્ષ અઘરો ના હોય. હંમેશા સંસાર અઘરો હોય છે. મોક્ષ તો ખીચડી કરતાં પણ સહેલો છે. કારણ કે ખીચડી બનાવવા માટે તો લાકડાં કે ચૂલો શોધવો પડે, દાળ-ચોખા લાવવા પડે, તપેલી જેવું વાસણ શોધવું પડે, પાણી જોઈએ, મસાલા જોઈએ અને બધું ભેગું થાય ત્યારે પછી ખીચડી થાય. જ્યારે મોક્ષમાં કંઈ લાવવાનું કે કરવાનું હોય જ નહીં, એટલે તો મોક્ષ ખીચડી કરતાંય સહેલો છે. પણ મોક્ષદાતા જ્ઞાની મળવા જોઈએ. નહીં તો કરોડ અવતાર જાય તોય મોક્ષ થાય નહીં.
આ કાળમાં જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી પહેલા તબક્કાનો મોક્ષ શરૂ થાય છે. દુઃખોથી પોતે મુક્ત થવા માંડે છે. પછી જ્યારે બધા કર્મો પૂરા થઈ જાય, એક પણ કર્મ બાકી ના રહે ત્યાર પછી બીજા સ્ટેજનો એટલે કે આત્યંતિક મોક્ષ થાય છે. આ કાળમાં આત્યંતિક મોક્ષ શક્ય નથી પણ પહેલા સ્ટેજનો મોક્ષ થઈ શકે છે.
પતિ-પત્ની, બાળકો, કુંટુંબ, સમાજ, ધંધા-નોકરી વચ્ચે રહેવા છતાં અંદરથી મોક્ષ વર્તાય. આ નામરૂપી દેહ જુદો અને હું આત્મા જુદો છું એવો અનુભવ થાય. પછી કોઈ નામરૂપી દેહને ગાળો ભાંડે, અપમાન કરે, લાખોનું નુકસાન આવે તો પોતાને અંદર અસર ના થાય, હિસાબ પૂરો થાય છે એવું વર્તે. કોઈ બીમારીનું નિદાન આવે કે તમે પંદર દિવસથી વધુ નહીં જીવો, તો કોણ મરવાનું છે? હું કોણ? આ દેહરૂપી ખમીસ ફાટવાનું છે, મને કશું નથી થવાનું એવી મુક્તતા રહે.
મનુષ્યજીવનનો અંતિમ ધ્યેય મોક્ષે જવાનો હોવો જોઈએ. અનંત અવતારથી ચોર્યાસી લાખ યોનિમાં ભટક ભટક કર્યું છે. જાનવરગતિ, મનુષ્યગતિ, દેવગતિ, નરકગતિ એમ ચાર ગતિમાં જીવ ભટક્યા જ કરે છે. ભટકવાનું કારણ શું? પોતે પોતાનું ભાન નથી કર્યું તે. ‘હું કોણ છું’ તે નથી જાણ્યું માટે. પોતે પોતાના સાચા સ્વરૂપને જાણવું જોઈએ. આટલું બધું ફર્યા પછીય કશું જાણ્યું નહીં, ને મનુષ્યોએ એકલા પૈસા કમાવા પાછળ, સુખ મેળવવા પાછળ દોટ મૂકી છે. ખરેખર, દરેક જીવમાં ભગવાન રહેલા છે, આત્મારૂપી પરમાત્મા છે. બસ તેને ઓળખવાની જરૂર છે, સ્વતંત્ર થવાની જરૂર છે.
આત્યંતિક મોક્ષમાં આત્મા દેહના ને કર્મના તમામ બંધનોથી મુક્ત થઈ પરમ શાશ્વત તત્ત્વ સ્વરૂપે સિદ્ધક્ષેત્રમાં મુકામ કરે છે. પછી આત્માને જન્મ-મરણના ફેરા નથી રહેતા. આખા બ્રહ્માંડનું જ્ઞાન એમાં ઝળકે છે અને અનંતકાળ સુધી પરમાનંદમાં રહે છે.