નાના હતા ત્યારે આપણે શું નહોતું કરતા?
અગાસી પરથી કૂદતા કૂદતા ક્યાંય નીકળી જતા…
ક્યાં વાગ્યું, ક્યાં પડ્યા — એની પણ પરવા નહોતી. 😂
સાયકલ પર સ્ટન્ટ કરતા, પડતા અને ફરી ઊભા થઈ જતા…
કોઈ ઝાડ પર ચઢવું તો જાણે રમત હતી. 🌳
ગટરના પાણીથી હોળી રમતા…
ગારાના લોટા બનાવી કોઈના ઘર પર ચોટાડતા…
કોઈના પતરાં પર પથ્થર ફેંકતા…
કોઈના આંબા પરથી કેરીઓ પાડી લાવતા… 🥭
ધૂળમાં આળોટતા, માટીમાં રમતા…
રમતાં રમતાં કેટલાં કપડાં ફાડી નાખ્યાં હશે,
એનો તો કોઈ હિસાબ જ નથી. 😂
આપણે કરેલા કાંડ તો આપણને પણ ખબર જ છે…
અને એ બધાં અહીં લખી શકાય એવા સારા પણ નથી! 😂
પણ આજે આપણું બાળક થોડું દોડે તો —
“ધીમે દોડ, પડી જઈશ!”
કૂદે તો —
“પગ ભાંગી જશે!”
સાયકલ પર સ્ટન્ટ કરે તો —
“પડી જઈશ, ધીમી ચલાવ!”
ક્રિકેટ રમવા જાય તો —
“ક્યાંક બોલ વાગી જશે, દૂર ઊભો રે!”
હાથમાં કાતર લે તો —
“આંગળી કપાઈ જશે!” ✂️
કપડાં પર થોડી ધૂળ લાગે તો —
“કપડાં ગંદાં થઈ જશે!”
એક વાર આપણે પોતાને જ પૂછીએ…
આપણે નાના હતા ત્યારે કેટલા ડાહ્યા બનીને રહ્યા હતા, એમાંથી કેટલું યાદ છે?
મમ્મી સાથે શોપિંગમાં કોઈ જીદ નહોતી કરી, એ યાદ છે?
કે કાર લેવા માટે માર ખાધો હતો એ યાદ છે? 😂
કોઈના લગ્નમાં ડાહ્યા બનીને બેઠા હતા એ યાદ છે?
કે ડાન્સ કરતા પૈસા ઉડાડતા એ લેવા માટે ભાગતા હતા એ યાદ છે? 😄
છાનામાના બીડી પીતા એ યાદ છે?
દરરોજ હોમવર્ક કરીને ગયા એ યાદ છે?
કે શિક્ષકની ખોટી સહી કરી નાખતા એ યાદ છે? 😂
પણ તોફાન?
એ તો આજે પણ એક-એક યાદ છે.
એ પથ્થર…
એ ધૂળ…
એ માટી…
એ સાયકલ…
એ ઝાડ…
એ કેરી…
એ તોફાન…
એ શરારતો… ❤️
કારણ કે બાળપણમાં આપણે ડાહ્યા બનવા માટે નહોતા જીવતા…
આપણે બાળપણ જીવવા માટે જીવતા હતા.
એટલે આજના માતા-પિતાએ એક વાત સમજવી પડશે…
બાળકને સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે.
પણ સુરક્ષાના નામે દરેક ક્ષણે એને રોકવું,
દરેક વસ્તુમાં જોખમ બતાવવું
અને દરેક તોફાનને ખરાબ ગણવું પણ યોગ્ય નથી.
પડવાથી ડરતા બાળક કરતાં,
પડીને ફરી ઊભું થતું બાળક વધારે શીખે છે.
કપડાં ગંદાં થશે — ધોઈ નાખીશું.
રમકડાં વેરવિખેર થશે — ગોઠવી નાખીશું.
ઘર થોડું ગંદું થશે — સાફ કરી નાખીશું.
પણ બાળકના બાળપણ પર પડેલો
“આ ન કર, એ ન કર” નો ડર
કઈ સાબુથી ધોઈ શકાશે?
મારું બાળક મોટું થઈને જ્યારે પોતાનું બાળપણ લખે,
ત્યારે ફક્ત એટલું જ ન લખે કે—
“હું બહુ ડાહ્યો હતો,
મમ્મી-પપ્પાની બધી વાત માનતો હતો,
ક્યારેય તોફાન નહોતો કરતો…”
મારે તો એ લખે કે—
“મેં બાળપણ ખૂબ જીવ્યું હતું.” ❤️
અને જો મારી આ વાત કાન સુધી ન પહોંચતી હોય,
તો એક નાનો પ્રયોગ કરી જોજો…
તમારા બાળકને બે દિવસ માટે મામા-માસીના ઘરે મોકલી દેજો.
પછી એ જ ઘર જુઓ…
રમકડાં વેરવિખેર નહીં હોય.
કોઈ દોડતું નહીં હોય.
કોઈ કૂદતું નહીં હોય.
કોઈ વારંવાર “મમ્મી…” કે “પપ્પા…” કહીને પાછળ નહીં આવે.
બધું વ્યવસ્થિત હશે…
પણ ઘર સૂમસામ લાગશે.
ત્યારે કદાચ સમજાશે કે
જે તોફાનથી આપણે આખો દિવસ ખીજાતા હતા,
એ જ તો ઘરની રોનક હતી. ❤️
આજે જે રમકડાં વેરવિખેર પડ્યાં છે,
જે કપડાં પર ધૂળ છે,
જે ઘરમાં દોડધામ છે,
જે અવાજથી ક્યારેક આપણું માથું દુખે છે…
કાલે કદાચ આ જ વસ્તુઓ માટે આપણે તરસીશું.
કારણ કે બાળક હંમેશા બાળક નથી રહેવાનું.
આજે જે નાનું બાળક આપણા હાથ પકડીને દોડે છે,
કાલે પોતે ચાલીને દૂર નીકળી જશે.
આજે જે “મમ્મી… પપ્પા…” કહીને સો પ્રશ્નો પૂછે છે,
કાલે કદાચ એની પાસે આપણા માટે એટલો સમય નહીં હોય.
આજે જે રૂમમાં રમકડાં વેરવિખેર કરે છે,
કાલે એ જ રૂમ ખાલી હશે.
એટલે આજે થોડું સહન કરી લઈએ.
થોડું તોફાન…
થોડી ધૂળ…
થોડી ગંદકી…
થોડી શરારત…
આ બધું બાળપણની કિંમત છે.
કાલે ઘર ચોખ્ખું હશે.
કપડાં ગંદાં નહીં થાય.
રમકડાં વેરવિખેર નહીં થાય.
પણ એ દોડતા પગલાં,
એ હસવાનો અવાજ,
એ નાની નાની જીદ,
એ તોફાન…
પાછું ક્યારેય નહીં આવે.
એટલે હું મારા બાળકને બેફામ કે બેદરકાર નહીં બનાવું.
એને સુરક્ષા આપીશ,
સંસ્કાર આપીશ,
સારી-ખોટી વાત સમજાવીશ…
પણ સાથે સાથે એને એવું બાળપણ પણ પીરસીશ,
જે મોટું થયા પછી યાદ કરે
તો એના ચહેરા પર સ્મિત આવી જાય. ❤️
હું મારા બાળક નું બાળપણ છીનવીશ નહીં…
એને પૂરેપૂરું પીરસીશ. ❤️
૦૧/૦૯/૨૦૨૬