Turning Point of Life in Gujarati Motivational Stories by Er Gopal Saraiya books and stories PDF | જિંદગીનો વળાંક

Featured Books
Categories
Share

જિંદગીનો વળાંક

વર્ષ 1958.

રામેશ્વરમ,તમિલનાડુંમાં રહેતા એક ગરીબ ઘરના યુવાનની આંખોમાં એક મોટું સપનું હતું—ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ બનવાનું. બાળપણથી જ આકાશમાં ઊડતાં વિમાનો તેમને આકર્ષતા. તેમણે એન્જિનિયરિંગનું શિક્ષણ પણ જાણે આ સપનાને પાંખો આપવા માટે જ લીધું હતું.

આખરે તે દિવસ આવ્યો.

દેહરાદૂનમાં એરફોર્સ સિલેક્શન બોર્ડની પસંદગી પ્રક્રિયાની જાહેરાત થઈ.

પરંતુ, રામેશ્વરમથી દેહરાદૂન પહોચવાનું વાહન ભાડું ન હતું.
ઘરમાં કોઈ ઘરેણા,સિલક બચી નહોતી જેને વેચી ભાડાના પૈસા આપી શકે. બચી હતી ફકત તેમના ફઈની એક નાનકડી રૂપાની વાળી જેની કિંમત પણ ફકત એક સમય જાવકની મુસાફરી ખર્ચ નીકળે એટલી માંડ હતી. પરંતુ, પરિવારનો પ્રશ્ન એ હતો કે દેહરાદૂન પહોંચી તો જઈશ ! પણ તું પરત કેવી રીતે આવીશ ? પણ યુવાનને પૂરો ભરોસો હતો કે દેહરાદૂન જઈશ તો સિલેક્ટ થઈને જ જઈશ. પરિવારને પણ યુવાન પર પૂરો ભરોસો હતો ફઈની વાળી વેંચીને દેહરાદૂન રવાના થયો.

આ યુવાન ખૂબ મહેનત કરીને સિલેકશનના તમામ તબક્કાઓમાંથી પસાર થયા. પરંતુ અંતિમ પરિણામ આવ્યું ત્યારે તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.

કુલ આઠ વ્યક્તિ સિલેક્ટ કરવાના હતા તેના તેમનો નવમો ક્રમ હતો.

માત્ર એક નંબરથી તેઓ પાછળ રહી ગયા હતા.

આઠ ઉમેદવારો પસંદ થઈ ગયા.

યુવાનનું સૌથી પ્રિય સપનું તેમની આંખો સામે તૂટી ગયું.

યુવાન હતાશા અને ઉદાસી સાથે દેહરાદૂનથી પરત વળતા રસ્તામાં ઋષિકેશ પહોંચ્યો.

ગંગા સ્નાન કરી આખી રાત ગંગા કિનારે એક શિલા પર બેસીને ભારે ઉદાસી અને વિચારનો વચ્ચે આંખે રાત કાપી. 

હવે જીવનમાં હવે શું કરવું ? એ પ્રશ્ન તેમની સામે ઊભો હતો.

વહેલી સવારે બાજુમાં આવેલ આશ્રમમાંથી એક સાધુ ગંગા સ્નાન માટે કિનારે આવતા અંધારામાં બેઠેલા આ ઉદાસ યુવાન પર નજર પડે છે. સંત મહાત્મા સમજી ગયા હતા કે આ છોકરો ખૂબ ઉદાસ છે.

સાધુએ પૂછ્યું : " બેટા તું અત્યારે, અહીંયા શું કરે છે ? "

ભારે ઉદાસી ભરેલા અવાજ સાથે 
યુવાન : " મારે હવે મરી જવું છે ! , મારી પાસે કોઈ હવે જીવનમાં કોઈ સફળ થવાનો મોકો નથી બચ્યો. "

સાધુ : " બેટા તું પહેલા મારી સાથે આશ્રમ આવ ચા પાણી કર, પછી તારે આત્માહત્યા કરવી હોય તો છૂટ છે ! "

સાધુ મહાત્મા જાણતા હતા કે ચા પીધા પછી આત્મહત્યાનો વિચાર નહીં કરે.

આશ્રમમાં સાધુઓ શાંતિથી બેઠા હતા.

યુવાનની આંખોમાં ઉદાસી હતી.

ત્યાં તેમની મુલાકાત સ્વામી શિવાનંદ સાથે થઈ.

યુવાને સ્વામીજીને પોતાના હૃદયની વાત કહી
“મારું સૌથી મોટું સપનું હતું કે હું એરફોર્સનો પાઇલટ બનું. મેં પ્રયત્ન કર્યો, પરંતુ હું નિષ્ફળ ગયો. મારું સપનું મારી આંખો સામે તૂટી ગયું.હવે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી”

સ્વામી શિવાનંદે તેમને ધ્યાનથી સાંભળ્યા બાદ ખૂબ શાંતિથી કહ્યું
“જીવનને જેમ આવે તેમ સ્વીકારો અને આગળ વધો. તમે એરફોર્સના પાઇલટ બનવા માટે નિયત નથી. તમે શું બનવાના છો તે અત્યારે તમને ખબર નથી, પરંતુ યોગ્ય સમયે તેનો માર્ગ તમારી સામે ખુલી જશે.”

આ શબ્દો યુવાનનાના હૃદયમાં ઊતરી ગયા. જે નિષ્ફળતા થોડી ક્ષણો પહેલાં તેમને જીવનનો અંત જેવી લાગતી હતી, એ જ નિષ્ફળતા હવે નવા જીવનની શરૂઆત બની રહી હતી.

તેઓ ઘરે પરત ફર્યા 

થોડાક જ સમય બાદ 

તેમને ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી. તેમણે તે તક સ્વીકારી અને પોતાના નવા માર્ગ પર આગળ વધ્યા.

આ યુવાન બીજું કોઈ નહીં પણ આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ હતા.

જો તે દિવસે કલામ પાઇલટ બની ગયા હોત તો?
કદાચ ભારતને એ મહાન વૈજ્ઞાનિક ન મળ્યો હોત.
કદાચ ભારતને “મિસાઇલ મેન” ન મળ્યો હોત.
કદાચ લાખો યુવાનોને સપનાં જોવાનું શીખવનાર રાષ્ટ્રપતિ ન મળ્યો હોત.

જીવનની સૌથી મોટી સત્યતા કદાચ આ જ છે.
" આપણે જે દરવાજો બંધ થતો જોઈએ છીએ, તેની પાછળ ઘણી વખત ઈશ્વર આપણા માટે બીજો દરવાજો ખોલી રહ્યો હોય છે. "

કલામ પાઇલટ ન બની શક્યા. પરંતુ તેઓ આકાશમાં વિમાન ઉડાવનાર વ્યક્તિ કરતાં પણ ઘણું મોટું કામ કરી ગયા તેમણે આખા ભારતના કરોડો યુવાનોના સપનાઓને પાંખો આપી.

તેમની ઋષિકેશની મુલાકાત માત્ર એક નિરાશ યુવાનની આધ્યાત્મિક મુલાકાત નહોતી.તે તેમના જીવનનો મહત્વનો વળાંક હતો.

 કદાચ આ જ કારણે તેમની આ કહાની આપણને પ્રેરણા આપે છે કે,

“નિષ્ફળતા અંત નથી; ઘણી વખત એ તમારી સાચી મંઝિલ તરફ જતો પહેલો રસ્તો હોય છે.”

નોંધઃ આ વાર્તા જય થડેશ્વર ભાઈના આદરણીય રેખાબેન દેસાઈ સાથેના યુ-ટ્યુબ પોડકાસ્ટ સાંભળીને લખી છે.

✍️ ગોપાલ