બહેનનો પડછાયો અને કલમનો રંગ
બે બહેનોના ઘરમાં હંમેશાં કાગળ, કલમ અને રંગોનો વાસ હતો, છતાં બંનેનું નાનપણ સાવ અલગ દુનિયામાં વીત્યું. મોટી બહેન નાનીથી આઠ વર્ષ મોટી. તે નાનપણથી જ ગામડે તેના દાદી પાસે રહેતી હતી. દાદીના સંસ્કાર, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શન હેઠળ તે ભણવામાં ખૂબ હોશિયાર, સંસ્કારી અને બધી રીતે કમ્પ્લીટ બની. તે ઉત્તમ કવિયત્રી, લેખિકા અને ચિત્રકાર પણ હતી. સમય જતાં તેના લગ્ન પણ તેની પસંદગીના પાત્ર સાથે ખૂબ ધામધૂમથી થઈ ગયા.
બીજી તરફ, નાની બહેન શહેરમાં પોતાના મા-બાપ પાસે રહેતી હતી. ઘરમાં નાની હોવાથી અતિશય લાડકોડ મળ્યા. તેને વારવા-ટોકવા વાળું કે સાચું માર્ગદર્શન આપવા વાળું કોઈ નહોતું. પરિણામે તે બહુ ચાંગલી, નટખટ અને તોફાની બની ગઈ. કોઈની વાત ન માનવી, પોતાની મસ્તીમાં મસ્ત રહેવું અને ભણવામાંથી જીવ ચોરવો—એ તેનો રોજનો ક્રમ હતો. તેને નાનપણથી જ વાંચવા-લખવામાં મોટી તકલીફ પડતી. અક્ષરો ઓળખવા અને સરખું વાંચવું કે લખવું તેના માટે પહાડ ઓળંગવા જેવું અઘરું કામ હતું. ભણતરથી ભાગતી આ તોફાની છોકરી થોડી બગડી પણ ગઈ હતી!
પણ કહેવાય છે ને કે કળા લોહીમાં હોય તો બહાર આવ્યા વગર ન રહે. તેનામાં પિતાની વારસાગત પેઇન્ટિંગની કળા આવી હતી. જ્યારે પણ તેનો મિજાજ બેસે, ત્યારે તે છાનીમાની દીવાલો કે કાગળ પર ચિત્રો દોરવા બેસી જતી. મમ્મી તેને રખડપટ્ટી કે તોફાન કરતી જોઈને કંટાળતી, પણ પિતા તેની કળા પારખી ગયા હતા. જ્યારે પણ સ્કૂલમાં કે આસપાસ તેના પેઇન્ટિંગના વખાણ થતાં, ત્યારે પિતા રાજી-રાજી થઈ જતા.
એક દિવસ પિતા ખુશ થઈને પોતાની આ તોફાની દીકરીને મુંબઈની એક ખૂબ મોટી આર્ટ શોપમાં લઈ ગયા. પહેલીવાર તેણે અલગ-અલગ પ્રકારના રંગો, વિવિધ પીંછીઓ, શેડિંગ પેન્સિલો અને કેનવાસ બોર્ડ જોયા. અત્યાર સુધી માત્ર સામાન્ય કાગળ પર રંગો ઘસતી છોકરી માટે આ કલરોની ચમકતી દુનિયા અદ્ભુત હતી. પિતા તેને આર્ટ ગેલેરીમાં પણ લઈ ગયા. બસ, એ દિવસથી તેના મનમાં એક વાત વસી ગઈ કે વર્ષમાં એકવાર તો આર્ટ ગેલેરી જવું જ.
દિવસો વીત્યા, સમય બદલાયો. તોફાની નાની બહેનના લગ્ન થયા અને ઘરે બાળકો આવ્યા. પણ ખરી રમત તો હવે શરૂ થવાની હતી! જ્યારે બાળકો મોટા થયા અને તેમને ભણાવવાનો વારો આવ્યો, ત્યારે નાની બહેનની પોતાની વાંચવા-લખવાની વર્ષો જૂની કચાસ દૂર થવા લાગી. બાળકોને અક્ષર ઘૂંટાવતાં ઘૂંટાવતાં તેનું પોતાનું ભણતર અને શબ્દોની સમજ ઘણી સુધરી ગઈ.
આ બાજુ મોટી બહેન પરણીને ગઈ છતાં ડાયરીમાં અદ્ભુત વાર્તાઓ અને કવિતાઓ લખતી રહેતી, પણ ક્યારેય ક્યાંય પોસ્ટ ન કરતી. મોટી બહેનના આ ગુપ્ત ખજાનાને જોઈને નાની બહેનના મનમાં પણ કઈંક કરી છૂટવાની ચિનગારી સળગી. તેણે વાર્તાઓ વાંચવાનું શરૂ કર્યું અને વિચાર્યું, "જો બહેન લખી શકે, તો હું કેમ નહીં?"
તેણે પોતાના જીવનના ખાટા-મીઠા અનુભવો, તોફાની નાનપણ અને સત્ય ઘટનાઓ પરથી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. નાનપણની લખવા-વાંચવાની ટેવ ન હોવાને કારણે શબ્દોમાં ભૂલો થતી, વાક્યરચના અવળી-સવળી રહેતી, પણ તેને તો મનની વાત કહેવી હતી! વ્યાકરણ કે ભૂલોની પરવા કર્યા વગર તે પોતાની વાર્તાઓ ફેસબુક અને પ્રતિલિપિ પર પોસ્ટ કરી દેતી.
અને પછી ચમત્કાર થયો! મજાક-મજાકમાં અને બિન્દાસ્ત અંદાજમાં લખાયેલી આ વાર્તાઓએ લોકોના દિલ જીતી લીધા. પ્રતિલિપિ પ્લેટફોર્મ પર તેને 'ગોલ્ડન બેચ' અને સર્ટિફિકેટ મળી ગયું!
આ સફળતા જોઈને તેને ઝાટકો લાગ્યો, "જે છોકરીને કાલ સુધી સરખું લખતાં નહોતું આવડતું, તેને આટલો પ્રેમ?" તેણે નક્કી કર્યું કે હવે આને રમત નથી બનાવવી, પણ પોતાની જાતને સાચે જ ઈમ્પ્રુવ કરવી છે. તેણે પોતાની મોટી બહેનની સલાહ લીધી. બહેનના માર્ગદર્શનથી તેણે પોતાની ભૂલો સુધારી, શબ્દોનો ભંડાર વધાર્યો અને પરિપક્વ વાર્તાઓ તથા કવિતાઓ લખવા લાગી. બીજા પ્લેટફોર્મ પર પણ તેને સારો પ્રતિસાદ મળ્યો.
તે આજે પણ જાણે છે કે તે તેની કમ્પ્લીટ મોટી બહેન જેટલી ઉત્તમ લેખિકા કદાચ નથી બની શકી, પણ તેને તેની કોઈ સરખામણી કે અફસોસ નથી. તેણે હજુ સુધી કોઈ પુસ્તક નથી છાપ્યું, ન તો તેને પહેલા નંબરે આવવાની કે આમાંથી કરોડો કમાવાની કોઈ આકાંક્ષા છે.
જે છોકરી નાનપણમાં કોઈના કહ્યામાં નહોતી રહેતી, જેને ભણવાનો હોશ નહોતો, તે આજે પોતાના દિલના ભાવ અને દર્દને કાગળ પર ઉતારીને હજારો લોકોના દિલ સ્પર્શી રહી છે. જીવનમાં ગમે તેવા સુખ-દુઃખ આવે, હાર માન્યા વગર રોજ પોતાની જાતને થોડી વધુ સુધારીને આગળ વધતા રહેવું—એ જ આ નાની બહેનની જીત અને તેના જીવનનો સાચો મંત્ર બની ગયો
______________.
ઢમક.