05 - Sorthi Santo - Panchalnu Bhakt Mandal books and stories free download online pdf in Gujarati

05 - Sorthi Santo - Panchalnu Bhakt Mandal

સોરઠી સંતો

પાંચાળનું ભક્તમંડળ (મેપો, રતો, જાદરો, ગોરખો)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પાંચાળનું ભક્તમંડળ

આપો મેપો * આપો રતો * આપો જાદરો * આપો ગોરખો

“એલા મેપા ! આ આભમાં વીજળી પડી. તારાં નળિયાં ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર હજારું નળિયાંનું પાણી થઈ જશે.”

“આપા રતા ! આમાં નેળિયાં ઢાક્યાં રે’ એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં ઠાકર વિના બીજું કોણ આડા હાથ દઈ શકે એમ છે ? આટલો પથારો શેં ઢંકાય ?”

“માળા મૂરખ ! ઠાકર તારો ક્યાંય સૂઈ રે’શે. બીજાં સહુ કુંભારુંએ પોતાનાં નળિયાં ઢાંકી લીધાં એમ ઢાંકી લે, નીકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જશે.”

“ના, ના, દરબાર, ઠાકરને ઢાંકવું હશે તો વાર નહિ લાગે. ને ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાંય રહેશે નહિ.”

પાંચાળમાં નવું મોલડી ગામ બંધાય છે. ખોરડાં માળવા માટે નળિયાં પાડવા થાન ગામના કુંભારોને તેડાવ્યા છે. ગામને પાદર સામના પચીસ સાકડા ચાલુ થઈને નળિયાંના હંબાડ ઉતારે છે. પણ હજુ નિંભાડો નથી ખડક્યો, ત્યાં તો જેઠ મહિનાની કાળી વાદળીએ આભને ઢાંકી દીધો. સહુ કુંભારોએ દોટાદોટ કરી પોતાનાં કચરિયાં નળિયાં ઢાંક્યાં, પણ એક મેપા નામનો કુંભાર તો માત્ર ઈશ્વર ઉપર જ આસ્થા રાખીને ઊભો થઈ રહ્યો. એટલાં બધાં નળિયાંના પથારા ઉપર ઢાંકવાનું મેપાની પાસે કંઈ સાધન ન હતું. મેપા કુંભારની ઈશ્વર ઉપરની આસ્થાની હાંસી કરનાર આપો રતો તે મોલડી ગામનો કાઠી ગલઢેરો હતો. ઠાકરની એ ઠેકડી જ કરતો.

એટલી વારમાં તો આકાશ માથે વીજળીનો કડાકો ગાજ્યો, વાદળી તૂટી. રતા દરબારે હસીને રાડ પાડી : “લે મેપા, હવે બોલાવ તારા ઠાકરને, તે છતર ધરે !”

“ઠાકરને રાખવું હશે તો એ... આની ઓથેય રાખશે !” એટલું બોલીને મેપાએ પોતાના અંગનું કેડિયું ઉતારી નળિયાંની પથાર ઉપર ફગાવ્યું. અને મે’નાં અનરાધાર પાણી જ્યારે બીજાઓનાં નળિયાં પલાળી તાણી ગયાં, ત્યારે મેપાનાં નળિયાં ઉપર છાંટો પણ ન પડ્યો; ચારે કોર છેટેથી જ પાણી ખોળીને ચાલ્યાં જાય છે. મેપો આકાશ સન્મુખ બે હાથ જોડીને ઈશ્વરધ્યાનમાં તલ્લીન બનેલો ઊભો છે. અને રતા કાઠીનું શું થયું ? ઈશ્વરી ગેબની અંદરથી એને તો જાણે કે આજ આ કાદવ ખૂંદનાર કુંભારની મારફત કોઈએ ઇશારો કર્યો. આભનાં નોતરાં ઊતર્યાં :

સદ્‌ગુરુએ સજાવ્યું સાનમાં

બહુનામી માર્યાં બાણ;

વિચાર કરું તો વેદના ભારી

એ જી મારે ઝળહળ પ્રગટ્યાં રવિભાણ !

રણક ઝાલરી

ઝણણ વાગી રે !

એ શું મુંને સંત મળ્યા રે સુહાગી

રણક ઝાલરી

ઝણણ વાગી રે !

એ જી મેં તો જોયું રે તખત પર જાગી

રણક ઝાલરી

ઝણણ વાગી રે !

વરસાદના પાણીમાં તે દિવસે જેવી માટી પીગળી ગઈ હતી, તેવા જ ઓગળી ગયેલા અંતરવાળો રતો દરબાર પોતાની ડેલી છોડીને હોકો લઈ મેપા કુંભારને ચાકડે આવી બેસવા લાગ્યો. કુંભાર અને કાઠી વચ્ચેના ભેદ અને મન ટળી ગયા હતા. એણે હાથ લંબાવીને કહ્યું, “લ્યો ભગત, હોકો પીશો ?”

“અરે આપા ! તમે ગલઢેરા, ને અમે વસવાયાં ! તમારો હોકો એઠો કેમ કરાય ? આ મારા ગારાળા હાથમાં હોકો બગડશે.”

“ના ભગત, હવે સૂગ મેલી દીધી. ગારો ગમવા મંડ્યો છે.”

એમ હોકો પીવા લાગ્યા. પછી તો રતા દરબારે મેપાનો હોકો ભરી દેવા માંડ્યો અને ત્રીજે દિવસે તો મેપાના પગમાં પડી અરજ કરી : “ભગત, મને તમારી કંઠી બાંધો.”

કુંભારની પાસે ભક્તિની દીક્ષા લઈને કાઠી દરેક મહિનાની બીજના રોજ મોલડીથી આઠ ગાઉ થાન ગામની જાત્રાએ આવતો થયો. એક દીકરી સિવાય રતાને કાંઈ છોરું નથી. દીકરીને થાન પાસેના સોનગઢ ગામના એક કાઠી વેરે પરણાવીને રતો આત્મજ્ઞાનમાં બેસી ગયો છે. એનો ‘માંયલો’ મરી ગયો છે.

એક અધ્ધર શમળી સમસમે

બે’ની મારો સંદેશો લઈ જા !

મારા દાદાની ડેલીએ જઈ કે’જે

તમારી દીકરીને પડિયાં દુઃખ !

દીકરી ! દુઃખ રે હોય તો વેઠીએ !

દીકરી ! સુખ વેઠે છે સૌ !

દાદા ! ખેતર હોય તો ખેડીએ

ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય !

દાદા ! કૂવો રે હોય તો ત્રાગીએ

ઓલ્યા સમદર ત્રાગ્યા કેમ જાય !

દાદા ! ઢાંઢો રે હોય તો વેચીએ

ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય !

દાદા ! કાગળ હોય તો વાંચીએ

ઓલ્યાં કરમ વાંચ્યાં કેમ જાય !

“એ આપા જાદરા ! અમે તારી ગા’ કહેવાઈએ. ભલો થઈને મારી ઘોડી પાછી દઈ દે. હું તારા પગુંમાં પડું છું.”

“ભણેં બાવાજી ! તું ઠાલો મફતનો રગરગ મા, ને ઘોડી તુંહે નૈ મળે. તારે ભેખધારીને વળી રાંગમાં ઘોડું કેવાનું ?”

“અરે આપા, બીજું કાંઈ નહિ, પણ મેં ને મારાં છોકરાંએ પોંચા કરડાવીને ઘોડીને ઉછેરી છે. એ બાપ, હથેળીમાં પાણી પાઈ મોટી કરી છે. અને હવે હું માગણી લેવા શી રીતે જાઈશ ? મારાં બચળાં ખાશે શું ?”

“હવે ડખ ડખ કરતો ભાગ્ય ને આસેથી, ગોલકીના ! ભાગુ જા, નીકર પરોણો ખાઈશ.”

પાંચાળમાં થાન નામે ગામ છે. એ ગામમાં રતાનો જમાઈ જાદરો કાઠી રહે છે. આખા ગામને થરથરાવનાર એ જાદરો આજે એક ગરીબ બાવાની સુંદર ઘોડી લાવ્યો છે અને અત્યારે બાવાજીની તથા જાદરાની વચ્ચે એ વાતની રકઝક ચાલે છે. પહેલેથી જ કમાડની આડશે ઊભી ઊભી આપા જાદરાની ઘરવાળી માંકબાઈ રોટલા કરતી કરતી, એઠે હાથે આવીને આ વડછડ સાંભળતી હતી. પોતાનો ઘાતકી ધણી એ બાવાને સંતાપી રહ્યો છે, એ દેખીને માંકબાઈનું અંતર કોચવાતું હતું. એમાં પણ જ્યારે જાદરાએ પરોણો ઉપાડીને બાવાને ઊલટો માર મારવાની તૈયારી કરી, ત્યારે તો કાઠિયાણી કંકુનાં પગલાં દેતી ઓસરીમાં ઊતરી અને અંતર પિગાળી નાખે એવા મીઠા સૂરે બોલી : “એ કાઠી ! ગરીબની આંતરડી કકળાવ્ય મા; આમાં આપણી સારાવાટ નથી. અને એય ભૂંડા ! ડાકણ પણ એક ઘર તજે છે હોં !”

“ઈ છે કે ભણેં ભગતડી ? તું ભણેં નાને મોઢે મોટી મોટી વાતું કરવા આવી સૉ ? ઊભી રે’જે સાધુડી !” કહી જાદરો દોડ્યો. ત્રણ પરોણાના ઘા પોતાની જુવાન કાઠિયાણીના ફૂલ સરીખા સુંવાળા બરડા પર એણે ખેંચી કાઢ્યા.

“બાઈ, બોન, બાપા, તું શીદને મારી સિફારસ કરવા આવી ? અરેરે, બાપડી કળોયણને કોચવનાર કયે ભવે છૂટશે ?” એમ કહીને નિઃશ્વાસ નાખતો બાવો ચાલ્યો ગયો.

બીજે જ દિવસે જાદરાના ચાર બળદમાંથી એક બળદને સર્પે ફટકાવ્યો, અને બળદના પ્રાણ નીકળી ગયાં. માંકબાઈને હજુ તો આગલી જ સાંજે પરોણાની પ્રાછટો પડી છે, છતાંયે એ સતી નારીએ આવીને મીઠે કંઠે કહ્યું : “લે કાઠી, કાઢ્ય કમાણી ! કાલ ઓલ્યો બાવો આપણે આંગણેથી ફળફળીને ગ્યો’તો એનાં ફળ આપણને મળ્યાં. આપણો લાખેણો ઢાંઢો ફાટી પડ્યો. ગરીબની ધા લેવી સારી નથી ! કાઠી ! વિચાર વિચાર.”

જાદરાને તો એક જ વિચાર કરતાં આવડતું હતું. ફરી વાર તેણે પરોણો મારી પોતાની સ્ત્રીનું શરીર સોઝાવી નાખ્યું. માર મારીને પછી કહ્યું : “જા ભણેં મોટી સતી ! મોલડીએ જઉને તારા ભગતડા બાપ પાસેથી એક ઢાંઢો લઉ આવ્ય. નીકર ભૂખેં મરું જાશ.”

એક તો ધણીના સંતાપ, એને માથે સાસુની કનડગત. ઘંટીનાં બે પડ વચ્ચે દાણો પિસાય તેમ માંકબાઈ કળાઈ રહી છે. સાસુ નિત્ય ઊઠીને મેણાં મારે છે : “તારે બાપે કાંઈ કરિયાવર ન કર્યો ! ભગતડાની દીકરી પહેર્યે લૂગડે હાલી આવી ! ઘરેણુંગાંઠું હોત તો આ સંધીનું કાંધું તો ભરવા થાત !”

વારે વારે આવા ઘમરોળ મચે છે, પોતાના ધણીનું ચોરેલ ધન ઘરમાં આવવાથી વારે વારે ઘરમાં મોટી નુકસાનીઓ લાગે છે. અને હરવખત માંકબાઈ પોતાને પિયર મોલડી જઈને પોતાના પિતા રતા ભગત પાસેથી ખરચીનો જોગ કરી આવે છે, જ્યારે દીકરી રોતી રોતી જાય, ત્યારે ભક્તિના રંગમાં રંગાયેલો વૃદ્ધ બાપ, માળાના પારા પડતા મેલતો મેલતો શિખામણનાં ફક્ત એટલાં જ વેણ કહે : “તું જાણે ને તારું તકદીર જાણે, બાઈ ! મેં તો તને ઠાવકાં ઘર-વર જોઈને દીધી, પણ તારા લલાટે લખ્યા કોણ ટાળી શકે ? ખરચી જોતી હોય તો લઈ જા.”

પણ આજ તો માંકબાઈ ગળોગળ આવી રહી. શું કરવું તે સૂઝતું નહોતું. મનમાં બહુ બૂરા મનસૂબા ઊપડતા હતા. એવે પ્રભાતને ટાણે મોલડી ગામની રબારણો થાનમાં ઘી વેચવા ઘીની તાવણો લઈ લઈને આવેલી, તે બધી જાદરાને ફળિયે બે’નના ખબર કાઢવા આવી.

“માંકબાઈ બે’...ન... ઓ ! ભગતને અને આઈને કાંઈ સમાચાર દેવા છે ?”

પોતાના પિયરની પાંચ રબારણોને આટલા હેતથી સમાચાર લેવા આવેલી દેખીને માંકબાઈને સાક્ષાત્‌ માવતર જ મળવા આવ્યાં હોય એવી લાગણી થઈ ગઈ ને એની છાતી ભરાઈ આવી. એણે કહ્યું : “ઊભાં રો. હું તમારી સાથે જ આવું છું.”

ઓરડામાં જઈને પોતાની સાસુને કહ્યું : “ફુઈ ! હું મારે માવતરે જાઉં છું.”

“કાં ! એમ જાદરાની રજા વિના જવાય ?”

“હવે તો રજા નથી લેવી, ફુઈ !”

“અરે નવાબજાદી ! ઓલ્યો જમદૂત જેવો હમણાં આવ્યા ભેળો જ તારી વાંસ પડશે અને તારે માથે કેર વર્તાવશે, માટે તું જાવું રે’વા દે.”

“ના ફુઈ, હવે તો જે કરે તે કરવા દેજો, હું હવે આંહીં નથી રે’વાની.”

આટલું કહી પોતાની બચકી માથા પર મૂકી, રબારણ બહેનોની સાથે માંકબાઈ મોલડીના માર્ગે પડી. રસ્તામાં એને જંપ નથી, પેટમાં ફાળ બહુ મોટી છે. ઘડીએ ઘડીએ પાછળ જોતી જાય છે.

આ તરફ જાદરો સીમમાં આંટો મારી ભૂખ્યોતરસ્યો ફળિયે આવ્યો, ને આવતાંની વાર હાકલ કરી : “થાળી લાવ મારા માટે.”

અંદરથી માએ ઉત્તર દીધો : “માડી, થોડીક વાર થોભ્ય.”

“કાં ?”

“માંકબાઈ મોલડી ગઈ છે ને હું હમણાં રોટલા ટીપી દઉં છું.”

“મોલડી ગઈ ? કોની રજા લઈને ?”

“મારી.”

“મને પૂછ્યા વગર ? આજકાં તો એના કટકા કરું, ને કાં તો ચોટલો ઝાલીને કેડેથી આંહીં ફળિયા સુધી ઢસરડી લાવું છું.” એટલું બોલીને કોપાયમાન જાદરાએ બગલમાં તલવાર લઈ ઘોડી ઉપર રાંગ વાળી. ભાગે તો આંબવા ન દિયે, ને ભાગતાને બે ભરવા ન દિયે, એવી ઘોડી દોડી. સીમાડે પહોંચે છે ત્યાં જ એણે રબારણોના ઘેરામાં ચાલી જતી પોતાની ગભરુ સ્ત્રીને દેખી. “ઊભી રે’જે રાંડ !” એવી ચીસ પાડીને જાદરાએ ઘોડી દોડાવી. બીજી બાજુથી હંસલી જેવી કુમળી કાઠિયાણી પોતાનો જીવ લઈને નાઠી. આખી સીમના માણસોમાં જુવાનો ચસ્કા કરતા જાદરાને વારવા દોડ્યા, ને ડોસાઓ ફાળભર્યા જોઈ રહ્યા. પરંતુ સીમના લોકોએ એક કૌતુક જોયું : જાદરાની ને બાઈની વચ્ચે અંતર ભાંગતું જ નથી. સહુ વાતો કરવા લાગ્યા કે આ તે શી લીલા ? આ દોડતાં હરણાંને પણ ઝટપમાં લઈ લેનાર જાદરાની ઘોડી આજ એક ગભરુડી અબળાને પણ કેમ આંબતી નથી ?

બીજાએ કહ્યું : “ભાઈ, કોની દીકરી ! રતીઅલ નાથની ! ગેબી બાવાનો ચેલો આપો રતો !”

ત્રીજો બોલ્યો : “અરે ભાઈ, વાતું થાય છે કે ગેબી બાવાના ભોંયરામાં ચાર જણા ભેળા થઈને ચોપાટે રમે છે : એક સૂરજ, બીજા વાસંગી, ત્રીજા ગેબી બાવો ને ચોથા આપો રતો. ચારેય જણાને આંતરે ગાંઠ્યું પડી ગઈ છે. ઈ કાંઈ જેવીતેવી ભાઈબંધાઈ ન કહેવાય.”

“પણ ત્યારે પ્રથમ આપા રતાને ગેબી બાવા સાથે ભેટો ક્યાંથી થયો ?” અજાણ્યા ખેડૂતે ભૂંગળી પીતાં પીતાં પૂછ્યું.

“એવું બન્યું કે દરરોજ સવારે આપા રતાની વાડીની વાડ્યો એક રામ-છાળી ચરવા આવતી, ને સાંજે ચરીને પાછી ચાલીજતી. ક્યાં જાતી એ કોઈ ન જાણે. ભગતે એક વાર નીરખીને જોયું કે આ છાળી ગામ ભણી જાવાને બદલે ડુંગરા ઢળી કાં હાલી ? આપો હાલ્યા વાંસે વાંસે ! દી આથમ્યો ત્યારે ડુંગરાની ઊંડી ઊંડી માળીમાં એક ભોંયરું આવ્યું ને છાળીએ બેં ! બેં ! એવા બેંકાર નાખ્યા. કહે છે કે એ વખતે હજારું વરસના જૂના વડલા જેવા જટાધારી જોગંદર ગુફામાંથી બહાર નીકળ્યા. નીકળીને છાળીને માથે હાથ ફેરવીને પૂછ્યું : “ક્યું આયી, બચ્ચા ?” ત્યાં મહારાજની નજર આપા રતા માથે પડી.

આપાએ પૂછ્યું : “આ છાળી તમારી છે, મા’રાજ ?”

“હાં બચ્ચા, રામજી કી હે. ક્યું ? તેરા કુછ બિગાડ કિયા ?”

“ના બાપુ, બગાડ તો કાંઈ કરતી નથી પણ મેં જાણ્યું કે રેઢી રઝળે છે તે ક્યાંક જનાવર વીંખી નાખશે એટલે આજ મૂકવા આવ્યો.”

“રામજીકી બકરીકો જાનવર નહિ છુએગા, બચ્ચા ! ફિકર મત કરો, આવ ગુફામેં !”

“જોગી આપાને અંદર તેડી ગયા. છાળીનો એક આંચળ દોહીને એ દૂધનો દૂધપાક કર્યો, અને પછી આપાને દૂધપાક, ખાખરાના પાનના દડિયામાં દઈને ખવરાવ્યો. ખાતાંની વાર તો આપાને ત્રણેય ભુવનની સૂઝવા માંડી. આ તે દીથી બેયને ભાઈબંધાઈ.”

“ઓહોહોહો ! એવા પુરુષની દીકરી માથે આજ દખનાં ઝાડવાં ઊગ્યાં ! આપો કેમ કાંઈ ટાળતા નથી ?”

“આપો પોતાની સિદ્ધાઈને સવારથ સારુ ન વાવરે, ભાઈ, ન વાવરે.”

“અને આ માંકબાઈ કોનો અવતાર છે, ખબર છે ?”

“ના ભાઈ, કોનો ?”

“એ માયાનો !”

“શી રીતે ?”

“ઈ તો આપો રતો એક દી ખેતરમાં સાંતી હાંકવા ગ્યા’તા. જરાક સાંતી ચાલે ને કોશ જાણે જમીન હેઠળ કોક કડામાં ભરાઈ જાય : ડગલે ને પગલે કોશ ભરાય ! આપાને થયું કોત્યક ! એણે તે ધરતી ખોદીને જોયું તો માયાના ચરુ ને ચરુ ! માથે ધૂળ વાળી દઈને આપે હાકલ કરી : ‘ભણેં માતા લખમી ! તારો લલચાવ્યો નહિ લલચાઉં. હું રતો ! હું પરસેવો નિતારીને પેટ ભરનારો ! ભલી થઈને મારગ મેલી દે, ને તેમ છતાં જો તારે પરખા થતી હોય તો પેટ પડીને સંતાપી લે, માવડી !” એટલે માયા માંકબાઈ થઈને અવતરી છે !”

એવી વાતો કરતા કરતા ખેડૂતો ખંભે ખંપાળી ઉઠાવીને મોલડી ગામ તરફ ચાલ્યા ગયા.

હમણાં જાણે હૈયું ફાટી જશે એવી, કોઈ ઘવાયેલી સસલીના જેવો શ્વાસ ભરતી દીકરીએ દોડી આવીને ‘મા ! મા !’ શબ્દે ચીસો પાડી પોતાનો દેહ પોતાની માના ખોળામાં પડતો મેલી દીધો છે. માતા એના આખા શરીરે હાથ ફેરવી, હૈયાસરસી દબાવી લઈ, ‘માડી ! શું થયું ? શું થયું, મારા પેટ ?’ એવે શબ્દે દીકરીને શાંત પાડે છે. આખા ગામમાં કળેળાટ બોલી રહ્યો છે, માણસોનાં ટોળાં ઊમટ્યાં છે, છતાં પણ ચોપાટમાં બેઠેલા આપા રતા ભગતના હાથમાં જે માળા ફરે છે, તે તો ફરતી જ રહી છે. એનું અંતર આ દુઃખના દેખાવથી જરાયે ચળતું નથી. એના મુખ ઉપરની એક પણ રેખા બદલાતી નથી. આવું જડ હૃદય જોઈને કાઠિયાણીએ બૂમ પાડી : “અરે ભગત ! હવે તો ભગતિની અવધિ થઈ ગઈ. આમ તો જોવો, આ બાળકીને આખે ડિલે સોટા ઊપડી આવ્યા છે !”

માળાના પારા પડતા મેલતા મેલતા પતિદેવ બોલ્યા : ‘ભણેં કાઠિયાણી ! એમ દીકરી આંસુડાં પાડતી પાડતી સાસરિયેથી નત્ય ઊઠુને પિયરમાં ભાગુ આવે, એને મન-મોં નો દઈએં. બાકી તો કાણો કરવો ? જેવાં આપણાં ભાગ્ય ! ને જેવાં દીકરીનાં લખત !”

ત્યાં તો કાળઝાળ જાદરો આવી પહોંચ્યો. આખે શરીરે પરસેવો નીતરી રહ્યો છે, ને આંખમાં લોહી ટપકે છે. શ્વાસ લેવાઈ ગયો છે. ગામને ઝાંપેથી એને માથે પીટ પડતી આવે છે. ઘોડી દોડાવી દોડાવીને થાકી ગયો છે, તોફણ બાયડીને આંબી નથી શક્યો, એ વાતની મર્મવેદના પણ એને વીંધી રહી છે. ભગતની ડેલીમાં પગ મૂકતાં જ એ પાપી અદબથી ચૂપ થઈ ગયો. અને એનાં ગલાં સાંભલતાં જ દીકરી કોઈ શિકારીના હાથનું સસલું લપાય તેમ, માતાની ગોદમાં લપાઈ ગઈ. જાદરો પોતાનો કોપ મનમાં શમાવીને આપા રતા પાસે જઈ બેઠો.

“આવ્ય બાપ જાદરા ! આવ્ય, બેસ ભાઈ !” એવા મીઠા શબ્દો કહીને ભગતે ભાણેજને પોતાની બાજુમાં બેસાડ્યો. છાશ પીવા ટાણે બન્ને જણા એક ભાણે જમવા બેઠા. રાતે વાળુ પણ બન્નેએ સાથે બેસીને કરી લીધું. પણ પોતાની દીકરી ઉપર જુલમ ગુજારવાની વાત ભગતે જરાયે છેડી જ નહિ. જાદરાને પણ લાગ્યું કે મામો બહુ જ સાગરપેટા છે !

વાળુ કરીને આપા રતાએ દીકરીને કહ્યું : “ભણેં ગીગી, મુંહે બે ગાભા ગોદડાંના દઉ દે એટલે હું તલને ખેતરે વાસુ વયો જાઉં.”

ભાદરવો ઊતરીને આસો બેસતો હતો. આપા રતાના ખેતરમાં ઊંટ ઓરાઈ જાય એવડા તલ ઊભા હતા. અને તલનું રખોપું કરવા ભગત પોતે જ રાતવાસો જંગલમાં રહેતા હતા.

“અને ભણેં કાઠિયાણી, જાદરાને આંસે જ પથારી કરું દેજે, હો !”

“ના મામા, લાવ્ય બાપ ! બે બીજાં ગોદડાં.”

એમ બબે ગોદડાં ખભે નાખીને અંધારી રાતે મામો-ભાણેજ ખેતરે ચાલ્યા. જઈને ભગતે તો આજુબાજુથી લાકડાં લઈને દેવતા સળગાવ્યો અને પોતે તાપવા લાગ્યા.

“ભણેં જાદરા, તું તારે આડે પડખે થઉ જા. મુંહે તો નીંદર નસેં આવતી. મું તો બીઠો બીઠો પરભુની માળા કરીશ.”

‘પ્રભુ’ એવો શબ્દ સાંભળતાંની વાર જ દાંત ભીંસવા લાગનાર જાદરો ગોદડાં પાથરીને માટીમાં લાંબું ડિલ કરીને સૂવા લાગ્યો. થોડી વારમાં તો એને ઘસઘસાટ ઊંઘ જામી ગઈ.

બાવળના વેઢામાંથી અગ્નિની ગુલાબી ઝાળો નીકળે છે, અને આજુબાજુના આઘેરા ડુંગરા ભગતના અબોલ ભેરુબંધો જેવી ઝળહળી ઊઠે છે. અલખધૂણીની આસપાસ વીંટળાઈને જુગ જુગના જૂના તપેશ્વરીઓનું ટોળું તાપવા બેઠું હોય એમ પાંચાળના ડુંગરા યોગાસન વાળીને ચારેય ફરતા બેસી ગયા છે. આસપાસનાં નવ લાખ ચાંદરડાં પણ આપા રતાની ધૂણીની જ્યોતનાં દર્શન કરતાં ઊભાં છે. આટલા બધા તારલા : આટલા બધા ડુંગરા : આટલાં બધાં નાનાંમોટાં ગણાય નહિ તેટલાં બધાં સંગાથી : પણ કોઈ કોઈને કાંઈ કહેતું નથી. સહુ સામસામાં મૂંગી વાણીમાં ગેબી વાતચીતો કરી રહ્યાં છે. એમ થોડીક વાર વીતી, અધરાત ભાંગી, અને ભગજે જમણે પડખે ડુંગરા માથે નજર ઠેરવીને ચૌદ ભુવનને જાણે સંભળાવવું હોય એવો સાદ દીધો : “અરે ભણેં મોતીરામ, એ... મોતીરામ !”

“આં...હાં..ઊંહ !” એવો ઘોર અવાજ, પહાડોના પથ્થરે પથ્થરને ધણેણાવી નાખતો ભગતની હાકલના જવાબ તરીકે સંભળાયો. જાણે કે દૂર દૂરનાં બાવળમાં જાળાંમાંથી કોઈક આળસ મરડીને ઊઠ્યું હોય એવું લાગ્યું. ભગતે ફરી વાર સાદ દીધો : “અરે મોતીરામ ! ભણેં તાપવા હાલો તાપવા ! મઉ થાવ મા, નીકળ સવારે ઠરુને ઠીકરું થઈ રે’શો. હાલો, હાલો ધૂણીએ બેસુને બેય જણા વાતુના સુગલ કરીએં, હાલો, આમ એકલાં બેઠે કાંઈ રાત નીકળશે ?”

ભગવતનાં વચનો જાણે પોતે સમજ્યો હોય તેમ એક સાવઝ સામા ડુંગરની ઝાડીમાંથી નીચે ઊતર્યો. કેવું એનું રૂપ ! ગોળા જેવડું માથું : પોણા પોણા હાથની ભૂહરી લટો : ગેંડાની ઢાલ જેવડી છાતી : કૉળીમાં આવે એવી કમ્મર : થાળી થાળી જેવડા પંજા : એવો સાડા અગિયાર હાથ લાંબો કેસરી ઊતર્યો. માર્ગે દોઢેક વાંભના પૂંછડાનો ઝુંડો કરીને ફંગોળતો આવે છે. પોણા પોણા ગાઉ ઉપરથી વીસેક ભેંસોની છાશ ફરતી હોય એવા અવાજે એની છાતી વાગતી આવે છે, ગળું ઘૂમવટા ખાતું આવે છે. બે મશાલો બળતી હોય એવી બેય આંખો અંધારામાં ટમકારા કરતી આવે છે. મોખરે પોણા પોણા શેરની પથ્થરોની ચણેણાટી બોલતી આવે છે : અને ‘આં...હું ! આં...હું !’ એવી લા નાખીને બગતથી આઘે ઊભાં ઊભાં જે ઘડીએ એણે પગની ખડતાલ મારી તે વખતે એક ગાડા જેટલી ધૂળ નાડાવા નાડાવામાં ઊડી પડી.

“આવો ! આવો મોતીરામ ! આવો બાપા !” એમ કહી ભગત પંપાળવા મંડ્યા અને સાવઝનાના ગલૂડિયાની માફક ભગતના પગમાં આળોટતો હાથપગ ચાટવા માંડ્યો. ભગતે એ પશુના પગ ઝાલીને દાબતાં દાબતાં પૂછવા માંડ્યું : “કાં બાપ ! નરસંગ ! ક્યાંય કાંટો બાંટો તો નસેં લાગો ને ?”

ભગતના પગ ચાટીને અને ભગતને ખંભે પોતાનું માથું મેલીને સાવઝ પોતાનો થાપો ઊંચો કરે છે. ભગત નાનો ચીપિયો લઈને એક આંગળી જેવડો લાંબો શૂળો સિંહના પંજામાંથી ખેંચી કાઢે છે. સાવઝ એ કાંટા કાઢનારા હાથને અનોધા હેતથી ચાટવા મંડી પડે છે.

“હા, અને ભણેં મોતીરામ ! આજ ગંગારામ કીસે ગો ?”

બીજી બાજુની ઝાડી સામે મોં માંડીને સિંહ સમજાવે છે કે પોતાનો સાથી એ તરફની ગુફામાં બેઠો છે.

“ઈ સૅ બેઠો છે ? ઠીક !” એમ કહીને ભગતે સાદ દીધો : “ભણેં ગંગારામ ! એ... ગંગારામ !”

અવાજ આવ્યો : “આં...ઊંહ...આં !”

“એ હાલો હાલો, મોતીરામ અદા સૅ. હાલો ધૂણી ધખું ગઈ સૅ. હાલો માળા જોગંધર, ઝટ હાલો ! નીકર ટાઢ્યાના ઠરુ રે’શો.”

પૂછડું માથે લઈને બીજો સિંહ ઊતર્યો : ડુંગરાના પાયા જાણે હમણાં હલમલી હાલશે એવી ત્રાડ દેતો આવ્યો અને બન્ને સિંહો ભગતના પગ પાસે ગલૂડિયાં આળોટે તે રીતે આળોટવા લાગી ગયા. જાણે પશુ સમજતાં હોય ને એ રીતે ભગત વાતોએ ચડ્યા. ધૂણીની આસપાસ ત્રણેય તપસ્વીઓનું નાનું મંડળ બંધાઈ ગયું. ભગત જીભથી બોલે છે, અને સાવઝોની તો આંખો જ કોઈ અગમનિગમનાં વેણ ઉચ્ચરી રહી છે. અનહદના દરવાજા ઊઘડી ગયા લાગે છે.

વાતોમાં ને વાતોમાં એક પહોર વીતી ગયો. ત્રીજે પહોરે આભના તારલા જેમ તેજસ્વી બન્યા, બબે ગાઉ આઘેનાં નેહડાં પાસે કોઈ પહર ચારવા નીકળેલા રબારીઓની ચડતા-ઊતરતા સૂરની મીઠી સરજુઓ સંભળાવા લાગી, વાડીએ વાડીએ અને ખેતરે ખેતરે તાપણાં બળતાં હતાં તે જેમ ઓલવાતાં ઓલવાતાં અણસરખી જ્વાળાઓ કાઢવા લાગ્યાં; ત્યારે બન્ને સાવઝોનાં શરીર સંકોડાવા મંડ્યાં અને બન્ને એકબીજા સામે જોવા લાગ્યા. ભગત સમજી ગયા.

“કાં બાપ ! ટાણો થઉ ગો ? ભલે જાવ, ભૂખ્યા થિયા હશો, એટલે જાવ ચારો કરવા. પણ જોજો હો બાપ ! ગવતરીને મારીએ નહીં. ગવતરી તો મા ગણાય અને તમે તો નરસંગ છો. ખાધાની બીજી જણશ્યું ક્યાં ઓછી છે ? જાવ, પાછા કાલ્ય તાપવા આવજો, હોં !”

આળસ મરડીને બેય સિંહ ઊભા થયા. બેય જણાએ ભગતને ખંભે પોતાની ગરદન ચાંપી, અને ભગતના પગ ચાટીને બન્ને ચાલી નીકળ્યા. અંધારી અટવી ‘આં...ઊંહ ! આં...ઊંહ !’ એવા અવાજે કાંપી ઊઠી. ધીરે ધીરે સિંહના શોર શમી ગયા. આખરે ઉગમણી દિશા કંકુવરણી થવા લાગી. પંખીના માળા જાણે ઝાડવે ઝાડવેલટકતાં કોઈ ઈશ્વરી વાજિંત્રો હોય તેમ જૂજવે સૂરે ગુંજી ઊઠ્યા.

જાદરો ઊઠ્યો. પોષ મહિનાની કડકડટી ઠંડીમાં કૂતરાં જેમ પોતાના ચારેય પગ, પૂંછડી અને મોં પેટાળમાં ગોઠવીને થીજી ગયાં હોય તેમ જાદરો પણ ટૂંટિયાં વાળીને આખી રાત કૂતરાં-કુંડળ થઈ ગયો હતો. એ જમઝાળ લૂંટારાએ અધરાતે બે વિકરાળ સિંહોને પોતાના સસરાના પગમાં લોટતા દીઠા હતા. એના રોમેરોમમાંથી પરસેવાનાં પાણી નીતરી ગયાં. એની કાયા થરથર કાંપતી હતી. નજરોનજર એણે આજ પોતાની સતી સ્ત્રીના બાપની ગુપ્ત સિદ્ધિ જોઈ લીધી. ઊઠીને, કાંઈ બોલ્યાચાલ્યા વગર, જાદરો પ્રભાતે ભગતના પગમાં જેમ લાકડી પડે તેમ આખો ને આખો પડી ગયો. ભગત કાંઈ બોલ્યા નહિ. જાણએ કાંઈ જાણતા જ નથી.

ખંભે ગોદડાંના ગાભા નાખીને મામો-ભાણેજ ગામમાં જવા ચાલી નીકળ્યા.

“કીં બાપ જાદરા ! અટાણામાં કાણા સારુ આંટો ખાધો ?”

“મામા, કાલ સાંજે વાછરુ વગડામાં રહી ગ્યું’તું તે ગોતવા નીકળ્યો’તો.”

એમ બીજે દિવસે પ્રભાતથી જાદરાએ રોજેરોજ સોનગઢથી મોલડી સુધીનો પંથ શરૂ કરી દીધો. રોજ અંધારામાં ઊપડે છે અને મહારાજ ઊગીને સમા થાય તે સમયે મોલડી પહોંચીને ભગતના ચરણમાં માથું ઝુકાવે છે, તરત જ પાછો વળી નીકળે છે. ભગત ઘણું કહે છે : “ભણેં ભાણેજ, છાશ પીને પછેં જાજે.” પણ જાદરો રોકાતો નથી. એના અંતરનું બધુંય વિષ જાણે ઊતરી ગયું ચે.

એમ રોજરોજ કંઈક ને કંઈ બહાનાં બતાવીને જાદરાએ ચાર દિવસ ભગતને ફોસલાવ્યા, પણ પાંચમે દિવસે તો મામાએ કાંડું ઝાલીને પૂછ્યું : “ભણેં જાદરા, નત્ય ઊઠુને દસ ગાઉનો પંથ કાણા સારુ કરી રિયો છો ! ભણું નાખ્ય.”

“કાંઈ નહિ મામા, તમણાં દરશન સાટુ !”

“માળો દરશન ! માળો દરશન કર્યે કાણું વળવાનો ? માળો મોઢો તો, બાપ, ખાસડે માર્યા જીમો છે. હવે કાલ્યથી આવીશ તો માર્યા વન્યા નહિ મેલું.”

“મામા, મેં તો નીમ લીધો છે.”

“નીમ કાણાનો ?”

“રોજ પરભાતે તમણાં દરશન કર્યા પછી જ મોંમાં દાતણ નાખવાનો.”

ખડ ખડ ખડ ખડ દાંત કાઢીને ભગતે કહ્યું : ‘જાદરા, ઈમડો બધો દાખડો રે’વા દે. હું તુંહે મારગ દેખાડાં. તાળા જ થાન ગામમાં મેપો ભગત છે ને મેપો ?”

“મેપો કુંભાર ?”

“હા, ઈ મેપો પરજાપત છે ને, એને રોજ જઈને પગે પડજે, એટલે હું એમાં આવી રિયો. અમે બેય ગેબી બાવાના ચેલા છીએ. મેપાને પગે પડ, ઈ તુંહે પરમોદ દેશે.”

“અરે મામા, તમે આ શું બોલો છો ? મેપો ટપલો મોટો ભગત છે ?”

“હા ભાઈ, મેપો ટપલો. એનો ટપલો જેને માથે પડે છે, એનાં તો અંતરનાં કમાડ ઊઘડું જાય છે, ભાઈ ! તું એની પાસે જા.”

અજાયબ થાતો થાતો જાદરો ચાલ્યો ગયો : મનમાં થયું કે ઓહોહો ! કાદવ ખૂંદનાર કુંભાર મોટો ભગત !

થાન ગામના કુંભારવાડામાં, માખણના પિંડા જેવો મુલાયમ ગારો ચડાવીને, મેપો કુંભાર પોતાની ફેરણી વતી ચાકડો ચક્કર ચક્કર ફેરવે છે. અને એ માટીના પિંડામાંથી એક પછી એક ઘાટ ઉતારતો ઉતારતો ઈશ્વરનાં ભજનો લલકાર્યે જાય છે. ચાકડો ફરે છે. તેમાં ચૌદ લોકનું ચક્ર ફરતું હોવાનું દર્શન કરી મેપો આનંદના ઉછાળા મારે છે. આ બ્રહ્માંડનો ચાકડો ફેરવવા બેઠેલા કોઈ મહાન પ્રજાપતિની લીલા વર્ણવે છે અને જેમ જેમ ઘાટ ઊતરતો જાય છે, તેમ તેમ એની જુવાન દીકરીઓ ને જુવાન દીકરા-વહુઓ એ વાસણો સારી સારીને સુકવવા લઈ જાય છે. કુંભારના કુળની જુવાન વહુ-દીકરીઓ વાનેઘાટે રૂડી - બહુ જ રૂડી છે. શરીરો ગારામાં ગરકાવ છે, છતાં પણ રૂડપ ઢાંકી રહી શકતી નથી. ફળિયામાં ગધેડાંનાં નાનાં નાનાં શ્વેતવરણાં ખોલકાં ગેલ કરતાં કરતાં છલાંગો મારે છે.

એવે પ્રભાતને ટાણે ગળામાં માળા નાખીને જાદરો આવી પહોંચ્યો. આવીને કહ્યું : ‘ભગત, રામ રામ !”

“રામ રામ ! આપા જાદરા.”

એમ ભગતે સામા રામ રામ તો કર્યા, પણ એના અંતરમાં તરત ફાળ પડી : આ કાગડાના મોંમાં આજ ‘રામ‘ ક્યાંથી ? અને મલકનો ઉતાર આજ મારે ફળિયે શીદ આવ્યો હશે ?

વહુ-દીકરીઓ પણ આ અસુરને દેખી, પોતાનાં નિર્દોષ અધઉઘાડાં શરીરને સંકોડવા લાગી; આડો સાપ ઊતર્યો હોય તેમ સાવધ બનીને ચાલવા મંડી. ‘એ પીટ્યાનો તો ઓછાયોયે આપણાં અંગને ન અડવો જોઈએ’, એવી વાતો થઈ રહી.

જાદરો ચુપચાપ બેસીને ચાલ્યો ગયો. બીજે દિવસે આવ્યો ને ગયો. ત્રીજે દિવસે અને ચોથે દિવસે એ જેવો આવ્યો તેવો તરત જ એને મેપા ભગતે બાગડે ઢાલ્યો : “આપા, રોજ રોજ આંહીં શીદ આંટા ખાવ છો ?”

“કાંઈ કામે નહિ, ભગત ! સુવાણે તમારો સત્સંગ કરવા.”

“સત્સંગ ! તારે ને સત્સંગને શી લેવાદેવા, કાઠી ? આવ્યો ઈ આવ્યો, પણ હવે જો આવ્યો છે ને તો આ ફેરણીએ ફેરણી વાંસો ખોખરો કરી નાખીશ. હાલ્યો જા બહાર.”

“બહુ સારું, ભગત ! અંદર નહીં આવું.”

એટલા સુંવાળા શબ્દો બોલીને ચાલ્યો ગયો. બીજા દિવસનું પ્રભાત પડ્યું, મેપા ભગતે ચાકડો ફેરવતા ફેરવતાં પ્રભાતિયું ઉપાડ્યું :

રૂદિયામાં રે’જો !

એ જી મારા રૂપિયામાં રે’જો !

એ જી સૂરજ વસે રે વ્રેંહમંડ ગોખમાં

તેમ મારા રૂદિયામાં રે’જો !

ભગત ગાતા ગાતા વાસણ ઉતારે છે અને વહુ-દીકરીઓ વાસણ સૂકવે છે, એવે ટાણે દીકરીએ ખડકીના બારણા ઉપર મીટ માંડીને કહ્યું : “આતા, કોક તરાડમાંથી છાનુંમાનું ડોકાતું લાગે છે.”

ચાક-ફેરણી લઈને મેપો ઊભો થયો. ભજનના સૂર ભાંગી પડ્યા. ધંધવાતે હૃદયે ખડકી ઉઘાડી. જુએ તો જાદરો.

કાંઈ પણ બોલ્યાચાલ્યા વિના, ચાર-ફેરણી ઉગામીને ભગત ઊતરી પડ્યા. ફડ ! ફડ ! ફડ ! એવા ત્રણ સોટા જાદરાની પહોળી પીઠ ઉપર ખેંચી કાઢ્યા અને ત્રાડ પાડી દીધી : “ચોલટા !”

કુંભારના હાથના ત્રણ સોટા પડતાં જાદરો બેવડ વળી ગયો. પણ મોંની એક રેખાયે ન બદલવા દીધી. જેવો હસતો હતો તેવો જ હસતો રહ્યો.

‘જાછ કે નહિ ?” ફરી ત્રાડ દીધી.

“નહિ જાઉં, હવે તો નહિ જ જાઉં.”

આટલું કહીને ગળગળે કંઠે જાદરાએ પગમાં પડી, ભગતના ગારાવાળા ચરણો છાલી લીધા; પગ ચાંપવા માંડ્યો.

ભગત ટાઢાબોળ થઈ ગયા. જાણે ચંદનનો લેપ થઈ રહ્યો હોય ને. એવું કાંઈક પગમાં થવા લાગ્યું. ભગતે જાદરાનું લલાટ વાંચી લીધું :

“બાપ જાદરા ! સીધ્યો ?”

“તમારી દયાથી.”

બાલ નાના બાળુડાને તેડે તેમ ભગતે જાદરાને છાતીએ લઈ લીધો અને માથે પોતાનો હાથ મેલ્યો. એની પીઠ પર પોતાનો પંજો નીમજ્યો, ત્યાં તો જાદરાની સુરતા જગતભરમાં રમવા માંડી. એનો ‘માયલો’ મરી ગયો.

આજે પ્રભાતના પહોરમાં જાદરા ભગતના ઘરની પછવાડે રડારોળ થઈ રહી છે. સાંભળનારને પણ આંસુડાં પડે એવા વિલાપ મધરાતથી થઈ ગયા તે હજ સુધી અટક્યા નથી. માંકબાઈએ ડેલીએ આવીને પતિને કહ્યું : “ભગત, આ સાંભળો છો ?”

“કોણ રૂવે છે ?”

“આપણા ટેલવાની વહુ.”

“કાં ?”

“એનો પાંચ વરસનો દીકરો ફાટી પડ્યો. ભગત, મારાથી એના વિલાપ સાંભળ્યા જતા નથી. હવે તો મારી છાતી હાથ નથી રહેતી. અહોહો ! આપની ઓથે આવેલાને આવડું બધું દુઃખ ?”

“શું કરીએ, કાઠિયાણી ! લાખ રૂપિયા દીધેય કાંઈ કાયાનો કૂંપો ફૂટ્યો ઈ સંધાય છે ? આપણે એના બાળકને શી રીતે બેઠો કરી શકીએ ?”

“પણ મારાથી એની માનું રોવું હવે નથી સંભળાતું. તમે આપા મેપા પાસે જાશો ?”

“જઈને શું કહું ?”

“એના પગુંમાં પડો. એણે ઘણાંય ખોળિયાંમાં પ્રાણ પાછા મેલ્યા છે.”

હાથમાં માળા લઈને જાદરો કુંભારવાડે ઊપડ્યો. માંકબાઈ પણ પાછળ પાછળ ગયાં. બેયવર-વહુે મેપાના ચરણ ઝાલીને ભીંજવી નાખ્યાં.

“શું છે બાપ ? શું છે ગીગા ?”

“બાપુ ! ઓલ્યા કોળીની બાયડીના વિલાપ મારાથી સાંભળ્યા જાતા નથી. એના છોકરાને બેઠો કરો.”

“બેટા, મડાં ક્યાંય બેઠાં થાય ?”

“તમથી શું ન થાય ?”

“પણ બાપ, હું કાંઈ પરભુનો દીકરો નથી, અને ભગવાનની મરજી હોય તો મરેલાંયે બેઠાં થાય, પણ એનકે સાટે બીજું પ્રાણ દેવા તૈયાર હોય તો !”

“અરેરે બાપુ ! બીજા કોને લઈ આવીએ ? કાંઈ મામસના જીવ વેચાતા મળે છે ?”

ખિજાઈને મેપાએ કહ્યું : “એ બાઈ, બહુ પેટમાં બળતું હોય ને, તો પોતાના છોકરાનું આયખું કોળીના દીકરાને દઈ દઈએં ! ઠાલા દયાની ડોળ ઘાલો મા.”

પોતાનો છોકરો ! એનું આયખું ! એવાં વેણ સાંભળતાંની વાર તો ધણીધણિયાણી થંભી એકબીજાની સામે ટગર ટગર બન્ને જણાં જોઈ રહ્યાં. બન્નેના મનની ઢીલપ જોઈને મેપાએ ફરી વાર કહ્યું : “જાવ બેય જણાં, એકલાં બેસીને પરિયાણ કરી આવો. એમ પરિયાણ કરતાં કરતાં બપોર કરજો, ત્યાં કોળીનો છોકરો સમશાને સળગી રહ્યો હશે ! જો મારાં વાલીડાં પારકી દયા ખાવા આવ્યાં છે !”

“પરિયાણ વળી શું કરવું’તું ?” જાદરો બોલ્યો : “ઈ છોકરામાં મારો જીવ કાંઈ ગરતો નથી. કાઠિયાણી, તું જાણ ને તારો ગગો જાણે, પછી મને આળ દેતી નહિ.”

જનેતાનો જીવ બે ઘડી અકળાયો. છોકરો નજર આગળ તરવરવા લાગ્યો. હૈયામાં કંઈક જાણે થઈ ગયું, અને પછી કઠણ છાતી કરીને જનેતા બોલી : “બાપુ ! મારો છોકરો હું દઈ ચૂકી.”

“તો જા, લઈ આવ.”

માતા દોડીને ઘેર ગઈ. જઈને છોકરાને નવાં ઘરેણાં-લૂગડાં પહેરાવ્યાં. દીકરાને તેડી ભગત પાસે ચાલી. માર્ગે દીકરો માતાને પૂછે છે : “હેં માડી, આપણે ક્યાં જઈએ છીએ ?”

“તને પરગામ મેલવો છે, ભાઈ !”

દીકરો હરખાતો હરખાતો માની આંગળીએ વળગીને ચાલ્યો આવ્યો. માએ કહ્યું : “લ્યો બાપુ, આ છોકરો.”

બરાબર એ જ ટાણે કોળીના દીકરાનું શબ લઈને લોકો રોતાકકળતા નીકળ્યા. અને પાછળ એની માતા માથાં પછાડતી ચાલી આવે છે. ભગતે કહ્યું : “મડદું રોકી રાખો, ભાઈ !”

શબ નીચે મુકાવીને ભગતે જાદરાના નાના દીકરાને કહ્યું : “બેટા, આ ભાઈ સૂતોર ચે ને એના કાનમાં નીચે વળીને બોલ, કે તારા માટે મને જાવા દે.”

કોણ જાણે કેવા દેશમાં રમતો રમવા જાવાનું હશે, એવા ઉમંગે દીકરાએ નીચે વળી કોળીના પુત્રના શબને કાનમાં કહ્યું. કહેતાં જ એનો જીવ જૂનું ખોળિયું ખાલી કરીને કોળીના છોકરાના શબમાં પેસી ગયો.

છોકરો જાગીને પોતાની જનેતાને ગળે બાઝી પડ્યો, અને જનેતા વિલાપ ચોડીને, ‘બાપુ, તું ક્યાં હતો, બેટા ?’ એમ કહેતી ચૂમીઓના મે’ વરસાવવા લાગી.

પોતાના ટેલવાનું સુખ નિહાળીને જાદરાની અને માંકબાઈની આંખો ઠરી એ જ ઠેકાણેથી, એ જ સોડ્ય ઓઢાડીને વર-વહુ દીકરાને ઉપાડી સ્મશાને ચાલી નીકળ્યાં.

“જાદરા !” મેપા ભગતે ભવિષ્ય ભાખ્યું : “મારા કુળમાં થાથે ઈ બધા તો મલકને ઠોશરાં પૂરશે, પણ તારા વંશના તો એક પછી એક ઓલિયા દુનિયાને અનાજ પૂરશે. તું તો રામદે પીરનો અવતાર છો, ભાઈ !”

“હું તો રતા ભગતના પગની ધૂળ છું, મેપા ભગત ! મને એંકાર આવે એવું બોલો મા ! મને મારાં પાપ ધોવા દો.”

“બાપુ ! આજ ઘોડાં તરસ્યાં મરે છે.”

“કેમ ?”

“આજ પાણી ઘેરવાની વેઠ્યનો વારો ઓલ્યા મેપા ભગતડાનો હતો. કોઈ દી વેઠ્યે નહોતો આવતો ને આજ ચાહીને લઈ આવ્યા. પણ મેપાએ તો એક જ માણ્ય ભરી લાવીને ટીપું ટીપું સહુ ઘોડાં પાસે રેડી લીધું છે. બીજી વાર માણ્ય ભરી જ નથી આવ્યો.”

“આપણે ફરી વાર ઘોડાં ઘેરો તો ?”

દરબારના ચાકરોએ ઘોડાહારમાં કૂંડીઓ ભરી ભરીને પાણી મેલ્યાં, પણ એકેય ઘોડું મોંયે નથી બોળતું. બધાં પાણી પીને તૃપ્ત બનેલાં ઊભાં છે. ખાસાં મઝાનાં હણહણાટી મારતાં ઘાસ ખાય છે. દરબારને લાગ્યું કે મેપાની પાસે કોઈ મહાન સિદ્ધિ છે. મેપાને તેડાવીને દરબારે કહ્યું : “ભગત. તમારા ઘરની વેઠ્ય આજથી બંધ છે.”

“ઠાકર તમારું ભલું કરશે,” એટલી દુવા દઈને મેપો ચાલ્યો ગયો.

મેપાનું ખોરડું ગરીબ અને આંગણે રોટલો ઘણો બહોળો અપાય. સાધુસંત ત્યાંથી ભૂખ્યો પાછો નથી ફરતો. મેપને આશા આવી કે દરબારની અરજે જઈશ તો વેરો પણ માફ થશે. જઈને દરબારની પાસે સવાલ નાખ્યો : “બાપ, વેરો છોડી દો તો પાંચ અતિથિને જમાડ્યાનું પુણ્ય તમારે નામે ચડશે. મારે કાંઈ માયાને ઘરમાં સંઘરવી નથી.”

“જોયું બાપુ !” પડકિયાઓએ દરબારના કાન ભંભેર્યા : “આ વસવાયાંની જાત મહા કપટી ! વેઠ માફ કરી ત્યારે વેરો સોત ગળી જવાની દાનત થઈ ! ગોલાં તો દબાવ્યાં જ પાધરાં !”

“સાચું ! ગોલાં તો માર્યેપીટ્યે જ પાધરાં. વેરો નથી દેતો તે બાંધો એ કમજાતને આ વડલાને થડ.”

કસકસાવીને રાજનાં માણસોએ ભગતને વડલાના થડ સાથે ઝકડી લીધા. ભૂખ્યા ને તરસ્યા ભગત બંધાયેલા રહ્યા. ગામમાં કળેળાટ બોલ્યો. ઈર્ષાળુ હતાં તેને આનંદ થયો.

દરબારના જુલમની વાત છેવટે જાદરાને કાને ગઈ. ખેતરેથી આવીને ભૂખ્યો જાદરો ભાણા ઉપર બેસે છે ત્યાં જ માંકબાઈએ કહ્યું : “કાઠી, ગરુને તો દરબારે બાંધ્યા છે.”

ભાણું ટેલીને જાદરા ભગત ઊભા થયા, ચાલ્યા. છેટેથી એણે એ દેખાવ જોયો. જોતાં એનું દિલ બહુ કચવાયું. મેપા ભગતે હસતાં હસતાં કહ્યું : “હાં ! હાં ! જાદરા ! અટાણે ક્યાંઈક અવળું વેણ ન બોલાઈ જાય હોં !”

“અવળું વેણ તો બીજું શું, બાપુ ! પણ તમને બાંધ્યા તોય હજી આ વડલો કાં લીલો રહ્યો ?”

જાણે પોતાનો અપરાધ કબૂલતો હોય તેમ વડલો સુકાવા લાગ્યો. એની આખીયે ઘટા ભસ્મ થઈ ગઈ. (આજ એ શાપિત મનાતો વડલો થાનમાં બતાવાય છે.)

‘હાં ! હાં ! હાં ! જાદરા ! જો. ગેજબ ન થાય. લાખુંના પાલણગહારને માથે પ્રભુનો સેવક ન જાય, હો બાપ ! નીકર પીરાણું વગોવાશે, અને આપણે કાળમુખા કહેવાશું.”

તે દિવસતી મેપા ભગતના કુટુંબના વેઠવેરો બંધ થયાં અને આજ સાડા ત્રણસો વરસે પણ બંધ જ છે !

કુંભર ભગત મેપાનું વચન બરાબર ફળ્યું છે. જાદરાનો એક દીકરો પારકા છોકરાને જીવ આપી નાનપણમાં સ્મશાને ચાલ્ય ગો. પણ તેને બદલે ઈશ્વરે માંકબાઈના પેટે એક પુણ્યાત્માને અવતાર્યો. એનું નામ ગોરખો પાડ્યું. ગોરખો તો પ્રભુને ઘેરથી જ જાણે બેખ પહેરીને જ આવ્યો હતો. સંસારની રજ એને અડતી જ નહોતી. બાપનાં ભગવાંને એણે સવાયાં શોભાવવા માંડ્યાં. ગોરખાના બોલ બરચી સરખા સોંસરા ચાલવા લાગ્યા. બાપની ગાદી થાનામાં જ હતી. તેના ઉપર ગોરખા ભગતનાં આસન મંડાયાં.

ભગતનું થાનક ગામની બહાર હતું. એક દિવસ સવારે એક ટેલવાએ આવીને ખબદ દીધા : “બાપુ ! થાનને પાલટ્યું !”

“થાન પાલટ્યું ? ક્યારે ?”

“રાતમાં.”

“કોણ ?”

“લખતર દરબારે.”

“તે કાંઈ ધરધિંગાણું ન સંભળાણું, કાંઈ ઝાટકા ન બોલ્યા, ને થાન બદલાણું ?”

“ભગત, કરપડા દરબારની તો દેહ પડી, કુંવર નાજા કરપડાને લઈને બાઈ ખૂણો મેલાવા ગયાં, ને વાંસેથી ગામ નધણિયાતું દેખીને લખતરના ઝારા બથાવી બેઠા. આમાં કોની પાસે જઈને દાદફરિયાદ કરવી ?”

ભગતનો જીવ આવો અન્યાય સાંભળીને કોચવાયો. થોડા દિવસ થયા ત્યાં વિધવા બાઈ જુવાન કુંવર નાજા કરપડાને તેડીને થાનકમાં આવી. બાઈએ આપા ગોરખા પાસે બોર બોર જેવડાં પાણી પાડ્યાં. પણ નાજો કરપડો બોલ્યો : “હવે થયું. લખતરને આપણાથી શે પોગાય ? સૂરજ સામે ધૂડ ઉડાડવી છે ને ?”

“બોલ મા, બાપ નાજા ! બોલ મા,” ભગતે કહ્યું : “જા બાપ, આ લે આ નાળિયેર. ઠાકર તને થાન પાછું દેશે. ગૌધન સાંજે ગામમાં આવે ત્યારે તારાં માણસો તેડીને આવજે. જેટલાં શીંગડાં એટલાં બગતરિયાં થાશે. ઠાકરને ઘેરથી કટક ઊતરશે, મૂંઝા છો શીદ ? અનિયા કાંઈ ઠાકર સાંખે નહિ.”

થાન બદલાણું. લખતરનો નેજો નીચો પછાડી નાજા કરપડાએ પોતાના બાપની આણ વર્તાવી. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં એણે એક વાડી ગોરખા ભગતની જગ્યામાં અર્પણ કરી.

ભાદરવો મહિનો ચાલે છે. એક દિવસ નાજો કરપડો ઘોડે ચડીને સીમ જોવા નીકળ્યો છે. આખી સીમનાં વાડી-ખેતર જોઈને પાછો વળ્યો, એમાં એક વાડી દેખીને એણે ઘોડી રોકી. મીટ મંડાઈ ગઈ. શ્રીફળ જેવડાં જુવારનાં ડૂંડાં હીંચકે છે, અને ઊંટ ઓરાઈ જાય એવે ઊંચે સાંઠે જાર ઊભી છે. દિલમાં થયું કે આ શું કૌતુક ! આખી સીમમાં આ એક જ કટકો કાં સોને મઢ્યો ?

“આ કોની વાડી ?”

“બાપુ ! જગ્યાની.”

“જગ્યાની ક્યાંથી ?”

“આપણે અરપણ કરેલી છે.”

“અરે ગોલકીના ! આ કંચન જેવી જમીન સાધુડો ખાશે ?”

આંખ ફાટી ગઈ. પરબારી ઘોડી આપા ગોરખાની જગ્યામાં હાંકી. પરબારા ભગતને જઈને કહ્યું : “એલા એય ભણેં કોપીન ! ભાગુ જા આસેથી. વાડીબાડી નહીં મળે. ખબરદાર જો ડૂંડાને હાથ અડાડ્યો છે તો !”

સાધુડાં બદાં કકળવા લાગ્યાં. પણ ભગત તો મોં મલકાવીને ઠાવકી મીઠી વાણીમાં એટલું જ બોલ્યા કે, “હશે બાપ, જમીન તો એના બાપન છે ને ! એની છે અને એ લઈ લે છે. આપણને એનો કાંઈ દખધોખો હોય ?”

નાજા કરપડા તરફ ફરીને ભગતે કહ્યું : “ભલેં બાપ, ુતં તારી જમીનનો ધણી છો, પણ ઓલ્યું નાળિયેર તને દીધું’તું ઈ તો મારું છે. માટે પાછું દઈ મેલ્ય એટલે અમે હાલી નીકળીએ.”

“ભણેં લંગોટા ! મારું થાન તે શું ગારાનું છે તે તારા નાળિયેર વગરનું વહ્યું જાશે ? આ લે તારું નાળિયેર.”

નાળિયેર પાછું આવ્યું. ઠેઠ જૂનાગઢના પડોશમાં રહેતા ખીમા મૈયા નામના મૈયા વંશના આગેવાનને ઓચિંતું સ્વપ્નું આપ્યું : “ખીમા ! ટાકર નતે થાન દે છે.”

મૈયાની ફોજ થાન માથે ચડી. દૈવતહીણ નાજો વગરલડ્યે ભાગ્યો. ગઢ ઠેકીને ભાગવા જાય ત્યાં તો કાછડી કાંગરે ભરાઈ ગઈ. નવસ્ત્રી હાલતમાં નાજો કોઈ ઝાડની ઓથે બેઠો છે, એવા ખબર જગ્યામાં ભગતને પડતાં જ તત્કાળ પોતે લૂગડાંની ગાંસડી માથા ઉપર ઉપાડીને ચાલ્યા. નગ્ન નાજાને લૂગડાં પહેરાવીને કહ્યું : “બાપ નાજા ! અભેમાન કોઈનાં નથી રહ્યાં; અને નિરપરાધીના નિસાસા લીધ્યે સારાવાટ ન હોય.”

સીમમાંથી ઘા નાખતા ગોવાળો જગ્યામાં આવ્યા. આવીને ભગત પાસે કહ્યું : “આપા ! જગ્યાનું ધણ વલી ગયા !”

“કોણ, બાપ ?”

“મોરબી દરબારનાં માણસું.”

“કાંઈ વાધો નહિ, ભાઈ આયડુ ! આપણે તો વાંસે વાછરુંય દઈ મેલો. નીકર માતજીયું કામધેનુ દુભાશે.”

એમ કહીને એણે વાછરું પણ પાછળ મોકલી દીધાં.

લોકો આવી વાતો પણ કરે છે : બીજો દિવસ થતાં તો મોરબીથી માલ પાછો આવ્યો. ચોરનારાઓ ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઊલટપલટ કરી નાખશે.

પરંતુ એક ગાય ન આવી. ભીખો રબારી ધ્રુસકાં મેલીને રોવા લાગ્યો કે, “બાપુ, મારી ગોરહર ગા ગઈ રહી ! મારી ગોરહર વગર હું નહિ જીવું.”

ગોરકાએ મોરબી ઠાકોરને સંદેશો કહરાવવ્યો : “ગા વગર આયડુ ઝૂરે છે. ગોવાળ અને ઢોરની પ્રીત્યુંનો વિચાર કરો, દરબાર ! તમને બીજી ઘણીયું ગા મળી રે’શે. અમારી ગોરહરને પાછી દઈ મેલજો.”

મોરબીનો ઠાકોર ન માન્યો. ફરી ગોરખે કહેવરાવ્યું : “દરબારને કહો કે ગોરહરનાં દૂધ નહિ ઝરે, બાપ !”

તોયે દરબારને ડહાપણ ન આવ્યું. થાનમાં બેઠાં બેઠાં હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું : “ભીમડા ! તારા હાથમાં ઈ શું છે, બાપ ?”

“હોકાની ને’ છે, બાપુ !”

“એનું બીજું નામ શું ?”

“નાળ્ય.”

“હું બાપ ! ઈયે નાળ્યઃ બંદૂકતોપની નાળ્ય જેવી. કર એને મોરબીની ગઢ સામી લાંબી ને માર ફૂંક.”

ભીમડાએ પહેલી ફૂંક દીધી. અને ભગત બોલ્યા : “શાબાશ ! મોરબીનો ગઢ તૂટ્યો. હાં, ફૂંક ફરીને !”

“વાહ ! એ... ઘોડાહારના ભુક્કા ! બસ ! એ...કુંવર ઊડ્યો !”

એ દંતકથાનું એગત ગીત છે :

ખરો કાળ ઝમઝાળ ગોરખો ખીજિયો

ગઝબની ચોટ જાદર તણો ગોરખો

દેવાતણ આકરો નતો દીઠો.

કમતિયા કેસરા એમ જાડા’ કહે

ફૂલ ઘોડે ચડ્યો હૈયાફૂટ્યો.

ઘોડાર્યું બાળ્યને કુંવરને ઉડાવ્યો

રાજ બોળી દિયે ઝળુ રૂઠ્યો.

પરગણું બધું નડેડાટ ઉજ્જડ પડ્યું

કોપિયો માળિયા સરે મટે ક્યાંથી

મોરબી સરે ખુટામણ નો મટે

મોરબી કૂટતી ફરે માથો

છૉળાં કંડોળાં તણી આવેને કરી આળ

મોરબીને સર મહારાજ ! ગજબ ઉતાર્યો તેં ગોરખા !