Ek patangiya ne pankho aavi - 43 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 43

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 43

વ્રજેશ દવે “વેદ”

ઝાડ પરથી નીચે ઉતરી નીરજા અને વ્યોમા ઘાયલ વાંદરા પાસે પહોંચી ગયા. તેના ઘાવને સાફ કરી હુંફમય હાથ ફેરવતા રહ્યા. થોડી વારે તે વાંદરાની પીડા ઓછી થઈ હોય તેવું લાગ્યું.

બાકી બધા વાંદરાઓને અને પંખીઓને પરત ફરેલા જોઈ તે ખુશ થઈ ગયો. તેણે કોઈ ચીચીયારી પાડી.

નીરજા અને વ્યોમા તેની ભાષાને ના સમજી શક્યાં, પણ ભાવોને સમજી ગયા. સૌ પશુ, પંખી અને માનવોના મનમાં આનંદની લાગણી વહેવા લાગી.

જંગલનો આ નવો અનુભવ હતો, નીરજા અને વ્યોમા માટે. બન્નેની આંખોમાં હજુ ય વિસ્મય કાજલ બનીને અંજાયેલું હતું.

“નીરજા, આ પ્રાણીઓ અને પંખીઓ પણ કેવા સમજદાર છે? જે વાંદરાને આપણે નાસ્તો લઈ ભગી જતાં જોયો હતો અને તેના પર ગુસ્સે થયા હતા, તે જ વાંદરો અને તેના સાથી વાંદરાઓએ તો રંગ રાખ્યો.” વ્યોમા હવે મૌન અને ડરના પડછાયામાંથી બહાર આવવા લાગી.

“વ્યોમા, જે થાય છે તે સારા માટે થાય છે. જો ને, નાસ્તો લઈને ભાગી જતા વાંદરા પર ગુસ્સો આવે અને એ જ બંદર થોડા નાસ્તાના બદલામાં મુસીબતના સમયે પોતાનો જીવ પણ જોખમમાં નાંખી, આપણને બચાવે. અદભૂત છે આ જંગલ અને તેના નાગરીકો.” નીરજાએ પોતાની આંખના વિસ્મયને શબ્દો આપ્યા.

“ઓહ, તું પણ અદભૂત શબ્દો વાપરે છે, નીરજા. જંગલના નાગરિકો. ખરેખર આ સૌ જંગલના પ્રાણીઓ નહીં, પણ જંગલના નાગરિકો જ છે.” બન્ને હસવા લાગી.

એક લાંબા અને ભયાવહ સન્નાટા બાદ જંગલ ફરી હસવા લાગ્યું. વાંદરાઓ અને પંખીઓ પણ તેઓની સહજ સ્થિતિમાં આવી જાતજાતના ભાવો વ્યક્ત કરવા લાગ્યા.

થોડી વાર તો બન્ને મૌન બની ગયા. પણ મૌન હવે અહીં રહેવા માંગતુ જ નહોતું. તેણે નીરજાના કાનમાં કશુંક કહ્યું અને જંગલમાં હવા જોડે ઊડી નિકળ્યું.

“હવે? શું કરીશું આપણે?” વ્યોમાએ નીરજાને પ્રશ્નાર્થ નજરે જોઈ લીધું. નીરજા પણ તેના સવાલને પારખી ગઈ.

“મંઝિલ તરફ તો ચાલવું જ પડશે. પણ, એક તો થોડો સમય યાત્રા રોકી રાખવી પડશે. બીજું, આપણે રસ્તો પણ બદલવો પડશે. આ માર્ગ પર જોખમ રહેલું છે.”

“જે થોડી વાર પહેલાં જ આ કેડી પરથી આગળ નીકળી ગયું છે, ખરું ને?“

“કદાચ. ... ફરી કોઈ ગાડીનો અવાજ આવી રહ્યો છે.... ધ્યાનથી સાંભળ... તને સંભળાય છે?” નીરજા કાન માંડીને જંગલને સાંભળવા લાગી. વ્યોમા પણ.

ગાડીનો અવાજ વધુ પાસે આવવા લાગ્યો. નરેશની ગાડી જે દિશામાંથી આવી હતી તે જ દિશામાંથી બીજી ગાડી આવતી દેખાઈ. 300 મિટર જેટલે દૂર હતી તે ગાડી. બન્ને ફરી સાવધ થઈ ગયા. એક જ ગાડી હતી. ફરી કોઈ ઝાડનો સહારો લઈ તેઓ છુપાઈ ગયા. ગાડી નજીક આવતી ગઈ. થોડી નજીક આવતા જ બન્નેએ ઓળખી કાઢી એ ગાડીને.

“ઓહ, આ તો મોહાની ગાડી છે !” બન્ને એકસાથે બોલી ઉઠ્યા. ફરી તેઓ ચૂપ થઈ ગયા. ગાડી નજીક આવી. સામે આવી. ખૂબ ધીમે ધીમે ચાલતી ગાડીમાં મોહા દેખાઈ. તેની સાથે એ જ પેલો ડ્રાઈવર હતો. પાછળની સીટ પર બીજા બે માણસો હતા. તે બન્ને કોઈ ગુંડા હોય તેવા લાગતા હતા. મોહા અને ડ્રાઈવર ચારે તરફ તિવ્ર અને તીક્ષ્ણ નજરે જોઈ રહ્યા હતા. નીરજા અને વ્યોમા એ રીતે છુપાઈ ગયા, કે તેઓ મોહા અને તેના ડ્રાઇવરની નજરથી બચી શકે. ગાડી આગળ નીકળી ગઈ. તેઓ તેને જતાં જોઈ રહ્યા.

“મને લાગે છે, કે આજ આખો દિવસ અને આજની રાત આપણે અહીં જ રોકાઈ જવું જોઈએ. તારું શું માનવું છે, નીરજા?”

“તું સાચું વિચારે છે. હું પણ એમ જ વિચારું છું.”

“તો પાક્કુ. અહીં જ રોકાઈ જઈએ. બીજો કોઈ વિચાર હાલ નહીં.”

“તો ચાલો ફરી બાંધો ટેન્ટ. હા હા ...” નીરજા હસવા લાગી.

“તો ત્યાં જ બાંધી દઈએ ટેન્ટ, જ્યાં પહેલાં બાંધ્યો હતો.” વ્યોમાએ સૂચન કર્યું.

નીરજાએ આકાશ તરફ નજર કરી. આકાશમાં કાળા વાદળો ભેગા થઈ રહ્યા હતા. એક સાથે કેટલાય વાદળો આવતા હતા અને રોકાઈ જતાં હતા આકાશમાં. ખૂબ કાળા અને ગાઢ વાદળો. ધીરે ધીરે સૂર્ય નબળો પડતો જતો હતો.

“વ્યોમા, આકાશ તરફ નજર કરી, તેં?”

“કેમ?“ અને તેણે પણ આકાશ તરફ જોયું. તે નીરજાની વાત સમજી ગઈ, ”તો કોઈ ઊંચાણ વાળી જગ્યા શોધવી પડશે, રાઇટ?”

“હા. તો ચાલ તપાસ કરીએ તેવી જગ્યાની.”

“ના. તપાસ નથી કરવાની. મેં તે જગ્યા જોઈ છે. તેં પણ તે જોઈ જ છે.” વ્યોમાએ જમણા હાથની ચપટી વગાડી. તેના આખા શરીરમાં ઉમંગ દોડી ગયો. નીરજાએ આનંદથી આંખ અને હોઠો પહોળા કરી વ્યોમા તરફ નજર કરી.

બન્ને તે જગ્યા પર પહોંચી ગયા, જ્યાંથી આજ સવારે દિવસને ઊગતા જોયો હતો. સૂર્યના આગમનને વધાવ્યો હતો. ચંદ્રાસ્તને માણ્યો હતો.

તે જ ટેકરી પર તેઓ ચડી ગયા. યોગ્ય જગ્યા જોઈ ટેન્ટ બાંધી દીધો. ટેન્ટ બાંધતા જ તેની અંદર ભરાઈ ગઈ બંને.

“કેટલું બધું એક સાથે બની ગયું આજ સવારથી?” વ્યોમા થાકેલા અવાજે બોલી. તે લાંબી થઈ સુવાની તૈયારી કરવા લાગી.

“હા... યાર. ક્યારેક લાગે છે, કે આ બધી ઘટનાઓ આપણી પ્રતિક્ષા ના કરતી હોય. સમય ઝડપથી ચાલે છે કે બનતી આ ઘટનાઓ?“

“ક્યારેક આ ઘટનાઓ સમયને પછાડીને તેનાથી પણ વધુ ઝડપથી આગળ નીકળી જતી હોય છે. માણસ કશું સમજી પણ ના શકે, અને તે સડસડાટ નીકળી જાય.”

“કોઈ ઘટના મીઠા પવનનો સ્પર્શ આપી જાય, તો કોઈ તીરની જેમ આરપાર નીકળી જાય અને ઘાયલ પણ કરી જાય. “

“પણ, એ બંનેમાં મજા આવે છે હો. હાઉ થ્રિલિંગ ઈટ ઈઝ !” વ્યોમા ઉત્તેજીત થઈ ગઈ.

“હા. થ્રિલિંગ તો છે જ આ ઘટનાઓ. મને તો મજા પડી ગઈ આ બધી ઘટનાઓમાં.”

“આ જંગલમાં આવ્યા ના હોત તો? તો ક્યારેય આવા અનુભવો અને તેની મજા ના મળી હોત.” વ્યોમા માંડ માંડ પોતાનું વાક્ય પૂરું કરી શકી. તે બોલતા બોલતા જ ઊંઘી ગઈ.

નીરજા પણ થાકી ગઈ હતી. તે પણ ઊંઘી ગઈ.

********

ટેન્ટ બહાર આવતા અનેક અવાજોથી બન્નેની નિંદ્રા તૂટી. બંને જાગી ગઈ. સમય ચકાસ્યો. બપોરના 3 વાગી રહ્યા હતા.

સાવધાની પૂર્વક ટેન્ટ બહાર નજર કરી. ટેન્ટ બહાર વાંદરાઓ અને પંખીઓ ટોળે વળ્યા હતા. જાત જાતના અવાજો વડે તે નીરજા અને વ્યોમાને જગાડી રહ્યા હતા. બહાર આવવા આમંત્રણ આપી રહ્યા હતા. નિન્દ્ર્રા ત્યાગી બંને ટેન્ટ બહાર આવ્યા.

ટેન્ટને ચારે તરફથી વાંદરાઓએ અને પંખીઓએ ઘેરી લીધો હતો. આટલા બધા જંગલના નાગરિકો વચ્ચે પણ, શહેરના સભ્ય સમાજની બે છોકરીઓ બિન્દાસ્ત હતી, નિર્ભય હતી. તે સૌને જોઈને તેઓ બંને ખુશ થઈ ગઈ. વારાફરતી બન્નેએ સૌ તરફ નજર નાંખી, હાથ હલાવી અભિવાદન કર્યું. સૌ ચિચિયારીઓ પાડવા લાગ્યા.

બે ત્રણ વાંદરા તેઓની એકદમ પાસે આવી ગયા. તેઓના હાથમાં તાજા જ તોડેલા કેળાં અને જામફળ હતા. તેઓએ તે ફળો બંનેની સામે મૂકી દીધા. બન્ને સમજી ગયા હતા, કે આ પ્રાણીઓ અને પંખીઓ હવે તેની કાળજી લેવા લાગ્યા છે. સવારે નાસ્તાનો એક ડબ્બો ઝૂંટવી ગયેલો વાંદરો, અને એ જ વાંદરાઓનો પૂરો સમાજ, અત્યારે તેઓ માટે ફળો લઈને આવી ગયા હતા. બીજા બધા વાંદરાઓ પાસે પણ ખૂબ ફળો હતા. તેઓએ તે પણ નીરજા અને વ્યોમા સામે મૂકી દીધા.

થોડાક નાસ્તાના બદલામાં આટલા બધા ફળો? એ પણ તાજા અને મીઠા? બન્ને ભાવવિભોર થઈ ગઈ. એક નજર ફળો પર નાંખી અને પછી બધા જ વાંદરાઓ અને પંખીઓ તરફ નજર કરી. બધાની આંખો વચ્ચે સેતુ રચાઇ ગયો. જેની નીચે અનાયાસ એક નદી અશ્રુની વહેવા લાગી. નીરજા અને વ્યોમા ભાવાવેશમાં પોતાની લાગણીઓને રોકી ના શક્યા. નદીને વહેવા દીધી.

સૌએ સાથે મળી ફળો ખાધા. નીરજા અને વ્યોમાએ પોતાના હાથે સૌ વાંદરાઓ અને પંખીઓને ફળો આપ્યા. જંગલમાં માનવ અને પશુ પંખીઓ એ ઉજાણી કરી. સભ્યતાના બધા ભેદ ભૂલી ગયા. સૌએ ખૂબ મજા કરી. નાચ્યા, ગાયા, કુદયા, દોડ્યા, રમ્યા, હસ્યાં અને થાક્યા પણ.

ધીરે ધીરે સાંજ થવા લાગી. સૂર્યાસ્ત થવા લાગ્યો. આકાશમાં એક તરફ વાદળોથી થાકેલો સુરજ પોતાના અસ્તિત્વને વિસર્જીત કરવા જવા લાગ્યો. વાંદરાઓ અને પંખીએ પણ નીરજા અને વ્યોમાની વિદાય લેવા માંડી. સુરજ ડૂબવા લાગ્યો. ટેન્ટ પર રહી ગયા વ્યોમા અને નીરજા. એકલા. આકાશમાં પણ એકલા વાદળો જ રહી ગયા.

વાદળો હવે વધુ સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ભાગ્યેજ કોઈ ખૂણો આકાશનો વાદળ વિનાનો હશે. ગાઢ, કાળા અને પોતાના ગર્ભમાં ભરપૂર વરસાદ ભરેલા વાદળો.

રંગ બદલાતા આકાશને બન્ને જોઈ રહ્યા. સફેદ પછી કાળો, પછી ગુલાબી, પછી લાલ, પછી નારંગી અને છેલ્લે સંપૂર્ણ કાળો. કેટલા બધા રંગો ઝડપથી આકાશમાં ઢોળી, સૂર્યએ વિદાય લીધી. પણ તે સ્થળની વિદાય લઈ ટેન્ટમાં જવાની નીરજા અને વ્યોમાને જરાય ઉતાવળ નહોતી. તે જંગલના અને તેના નવા નવા રૂપના મોહામાં ત્યાં જ બેઠા રહ્યા.

દૂર કોઈ વાદળ વરસી પડ્યું. તેની પાછળ બીજા ઘણા વાદળો વરસવા લાગ્યા. એ વાદળોમાંથી એક વાદળ બન્નેને ભીંજવવા લાગ્યું. હવે ટેન્ટ પર પણ ધીમો ધીમો વરસાદ થવા લાગ્યો. ટેન્ટમાં વરસાદનું એક પણ ટીપું જઇ શકે તેમ નહોતું. ટેન્ટ ખૂબ સલામત હતો. તેઓને જેનિફરની યાદ આવી ગઈ. મનોમન તેનો આભાર માની લીધો.

ટેન્ટમાં ઘૂસી ગયા બન્ને. વરસાદ ભલે ટેન્ટમાં ના ઘૂસી શકે, પણ તેના બિંદુઓનો ધ્વનિ ટેન્ટની અંદર ધરાર ઘૂસી ગયો. શાંત ટેન્ટ અને વરસાદનો ધ્વનિ.

બિંદુઓનો અવાજ હવે વધુ મોટો થવા લાગ્યો. વરસાદ વધવા લાગ્યો. તે ખૂબ તિવ્રત્તાથી વરસવા લાગ્યો. ઝનૂની બની ગયો વરસાદ. ટેન્ટ હજુ પણ સલામત હતો. બન્નેએ વધેલા ફળો ખાઈ લીધા. વરસાદને સ્પર્શ્યા વિના જ માણતા માણતા બન્ને સૂઈ ગયા. બહાર વરસાદ વરસતો રહ્યો, રાત આખી.