Ek patangiya ne pankho aavi - 50 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી 50

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 50

વ્રજેશ દવે “વેદ”

ચાંદની સાંજ ધીરે ધીરે રાતમાં ઢળવા લાગી. જેમ જેમ રાત વધવા લાગી, તેમ તેમ ચાંદની પણ વધુને વધુ ખીલવા લાગી. આખા જંગલ પર છવાઈ ગઈ, ચાંદની. જાણે, જંગલ પર માત્ર ચાંદનીનું જ રાજ હોય.

એ જ જાણીતી કેડી, લઈ જતી હતી અજાણી મંઝિલ તરફ. રસ્તો કપાતો ગયો. ચંદ્ર, ચાંદની, હવા, સમય અને જંગલ પણ, ચાલતું રહ્યું- સાથે, સાથે.

મૌન અને શબ્દો પણ ચાલતા રહ્યા. વારાફરતી સાથ દેતા રહ્યા. કોણ જાણે કેટકેટલી વાતો કરી હશે, તો કેટલાય મૌનને પણ બોલવા દીધા હશે.

“વ્યોમા, આ ચાંદનીમાં આકાશ કેવું શોભે છે !” નીરજાએ આકાશને આંખમાં સમાવતા કહ્યું.

“તેમાં ચાંદનીનો હાથ છે, કે આકાશ સ્વયં એટલું સુંદર છે? તને શું લાગે છે?” વ્યોમાએ નીરજાએ છેડેલી વાતને હવા દીધી.

“કોઈ વસ્તુ કે વ્યક્તિ તો જેવા હોય તેવા જ હોય છે, રહે છે. પણ, જયારે જ્યારે તેની પરિસ્થિતી બદલાય કે તેના સાથી બદલાય, ત્યારે ત્યારે તે આપણને જુદી રીતે દેખાતા હોય છે. પણ તે વ્યક્તિ કે વસ્તુ તો તેવા જ રહે છે, તેના મૂળ રૂપે, મૂળ સ્વભાવે. “

”એટલે કે આકાશ તો એવું ને એવું જ છે, પણ ચાંદનીને કારણે તે અલગ લાગી રહ્યું છે.”

“ચાંદની આકાશના બાહ્ય રૂપને જુદી રીતે રજૂ કરી રહી છે. બાકી આકાશ તો એવું જ છે”

“ત્યાં દૂર પેલું ઝરણું દેખાય છે? મને લાગે છે કે આ એ જ ઝરણું છે જેમાં આપણે સ્નાન કર્યું હતું.”

“હા, મને દેખાય છે. આપણાં પેલા પરિચિત ઝરણાં તરફ જ આનો પ્રવાહ છે.”

“તે ઝરણું પણ સવારના પ્રકાશમાં દેખાતું હતું, તેનાથી અલગ દેખાઈ રહ્યું છે, આ ચાંદનીમાં.” વ્યોમાએ નીરજાની મૂળ વાત સાથે સંધાન કર્યું.

“હા, દિવસના પ્રકાશમાં, ઝરણાંમાં વહેતા હતા વાદળો, આકાશની સ્વચ્છતા, ઉડતા પંખીઓના પડછાયા, જંગલની ડાળીઓના વળાંકો, વહેતી હવાની લહેરોના વમળો, આપણાં ચહેરાઓના પ્રતિબિંબો, પરાવર્તન પામતા સૂરજના કિરણો…” નીરજા અસ્ખલિત બોલતી હતી.

“અને અત્યારે ચાંદની રાતમાં પાણી કેવું રૂપ બદલી બેઠું છે. તેમાં ભળી ગયો છે અંધકાર. અને તે અંધકારમાં ચમકી રહી છે ચાંદની. દિવસના પ્રકાશમાં જે બધું દેખાતું હતું, તે બધું જ તેણે ત્યાગી દીધું હોય તેવું લાગે છે. સવારે કાચ જેવુ લાગતું પાણી અત્યારે કાળી ચાદર જેવુ લાગતું હતું.”

“પણ એ જ કાળી ચાદર પર ચાંદનીની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. જે તેને પાણી નહીં, પણ દૂધના વહેતા ઝરણાંમાં રૂપાંતરિત કરી દેય છે.”

“કેટલું મનમોહાક રૂપ છે, ઝરણાંનું? અદભૂત... અનુપમ...” વ્યોમા ઝરણાંના રૂપમાં ખોવાઈ ગઈ.

“પણ, આ રૂપ તેનું વાસ્તવિક રૂપ નથી. આ ઝરણું હોય કે આકાશ, એક મુખૌટો, એક આવરણ પહેરીને સામે ઊભા છે- આ જળ, આ આકાશ... જાણે છળ અને આભાસ...”

“આભાસી પણ ઉત્તમ આવરણો પહેર્યા છે, એ બન્નેએ.” વ્યોમાએ નીરજાથી અલગ મત વ્યક્ત કર્યો.

“મને એના આ દંભી રૂપ છેતરામણા લાગે છે. હમણાં જ હાથતાળી આપીને છટકી જશે. પછી ફરી એ જ એના મૂળ રૂપે સામે આવી જશે..”

“અને એ મૂળ રૂપ જ તને ગમવા લાગશે, ખરું ને?”

“મને એના મૂળ રૂપ જ ગમે છે. કમસેકમ તે છેતરામણા તો નથી હોતા. ક્ષણિક તો નથી હોતા. એ તો હોય છે સત્ય, સ્થાયી અને શાશ્વત.”

“કેવું છે સત્ય, સ્થાયી અને શાશ્વત રૂપ, આ જળ, આ આકાશનું?”

“આકાશ અને જળને ખરેખર તો કોઈ રૂપ કે આકાર નથી હોતા. તે તો હોય છે નિરાકાર.” નીરજા જ્ઞાનીની જેમ કહેવા લાગી.

“તો તું કયા સત્ય, સ્થાયી અને શાશ્વત રૂપની વાત કરે છે? એક તરફ તું એમ કહે છે, કે તેને કોઈ રૂપ જ નથી, તે નિરાકાર છે. તો બીજી તરફ તું જ કહે છે, કે તેના સત્ય, સ્થાયી અને શાશ્વત રૂપ છે. તું પોતે તારા જ વિચારોના વિરોધાભાસમાં અટવાઈ ગઈ હોય, એવું મને લાગે છે.” વ્યોમાએ નીરજા તરફ સંદેહની નજરે દ્રષ્ટિ કરી.

“સાચું કહે છે તું. મને આ બન્ને વિરોધાભાસો સત્ય લાગે છે, અને છેતરામણા પણ ! હું કાંઇ જ નક્કી નથી કરી શકતી.“ નીરજા મૌન બની ગઈ.

જાણે સ્વયમના વિરોધાભાસની લડાઈની મૂક સાક્ષી બની ગઈ હોય, તેમ શૂન્ય મનના ભાવ સાથે દૂર સુધી લંબાતી, જંગલની ચાંદની પર નજર નાંખી રહી. વ્યોમાએ તેને તેમ કરતાં રોકી નહીં.

વ્યોમાને ખબર હતી કે જ્યારે જ્યારે નીરજાના ચહેરા પર આવા ભાવો હોય, પોતાના જ વિરોધાભાસોની લડાઈ લડતી હોય, ત્યારે ત્યારે તે સમાધિ જેવી અવસ્થામાં સારી જતી હોય છે. નીરજાની લંબાતી સમાધિને તેણે જોઈ. તેણે, તેને લંબાવા દીધી, વિસ્તરવા દીધી. પગની ગતિને રોકી, વિચારોને ગતિ આપી.

થોડી વારે નીરજા સમાધિ છોડી જંગલમાં પછી ફરશે. તે સમાધિમાંથી કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું હશે, તે જ્ઞાન તે વ્યોમાને કહેશે. જંગલને કહેશે, હવાને, રાતને, ચંદ્રને કહેશે. ચાંદનીને, ફૂલોને, રંગોને કહેશે. કાંટાઓને, સુગંધને, પાંદડાઓને કહેશે. ડાળીઓને, કેડીઓને, માટીને.... બધાને કહેશે. બધા એ વાત સાઁભળશે, ધ્યાનથી. એક સાથે તેની વાતમાં સમ્મત થઈ જશે, તેની વાત સ્વીકારી લેશે. એ વાત જરૂર સત્ય હશે, સ્થાયી હશે, શાશ્વત હશે.

વ્યોમા પ્રતિક્ષા કરવા લાગી, નીરજાની સમાધિ તૂટવાની. તે હજુ પણ સમાધિસ્થ હતી.

જંગલના 5-6 દિવસના સહવાસમાં નીરજા ખુબ બદલાઈ ગઈ હતી. ક્યારેક ખૂબ જ ઊંડા જ્ઞાનની વાતો કરતી, તો ક્યારેક સાવ બાળક જેમ સવાલોના રમકડાં લઈને રમવા લાગતી. જંગલનો કેવો પ્રભાવ પડ્યો હતો, તેના વ્યક્તિત્વ પર !

‘જંગલ એકલાનો પ્રભાવ થોડો હશે એ?’

‘તો?’ ‘ જંગલમાં તેને કેવા કેવા અનુભવો થયા છે, કેવા કેવા લોકો મળ્યા છે ! એ બધાનો પણ તેના પર પ્રભાવ પડ્યો હશે?’

‘જેનિફર, વેદ, વિલ્સન, મનીષા, ગુરુજી.. વરસાદ, જંગલ, હવા, ચાંદની, વાદળો, તડકો, .. રસ્તો, પંખીઓ, વાંદરાઓ, પતંગિયાઓ, ... નદી, ઝરણાંઓ, પહાડ....’

‘આટલા બધા? ઓહો... કેવા અદભૂત આલિંગનો હતા, એ સૌના...’

‘એ બધા આલિંગનો મને પણ મળ્યા છે. તો, મારામાં પણ કોઈ પરીવર્તન આવ્યું જ હશે ને?’

“વ્યોમા, એ પરિવર્તનો તને નહીં દેખાય. મારા પરિવર્તનો મને ના દેખાય, ટેમ તારા તને ના દેખાય.”

નીરજાના શબ્દો તેના કાને પડ્યા.

“તું શું કહે છે, નીરજા? તને મારા મનની વાત સંભળાઈ ગઈ?” વ્યોમા ચોંકી ગઈ.

“વ્યોમા, તું મનમાં જે વિચારતી હતી તે સ્વાગત બોલતી પણ હતી. તારા એક એક શબ્દ, મને સ્પષ્ટ સંભળાયા છે. મને જ નહીં, આખા આ જંગલને...”

“પણ હું તો કશું બોલી જ નથી. મારા મનમાં જ...”

“તારા મનમાંથી એ શબ્દો ક્યારે તારા હોઠો પર આવી ગયા, એ તને ખબર જ નથી. અને આટલા નીરવ જંગલમાં તો તારા શ્વાસોનો અવાજ પણ આખું જંગલ સાંભળી શકે છે.”

“હશે, ચાલ. પણ, આપણે તો જળ- આકાશ વગેરેના રૂપની વાત કરતાં હતા. તારી સમાધિએ તેનો શો જવાબ આપ્યો છે?” વ્યોમાએ વાત ફરી એ જ મુદ્દા તરફ વાળી.

બંને ફરી ચાલવા લાગ્યા, વાત પણ.

“એ જ, કે જેને પોતાનું કોઈ રૂપ કે આકાર નથી, તે કોઈ પણ રૂપ કે આકારમાં ઢળી જઇ શકે છે, ઢળતા રહેતા હોય છે. અને તેથી જ છેતરામણા હોય છે, આ જળ અને આકાશની જેમ.” નીરજા કહેવા લાગી.

“માત્ર આ જળ અને આકાશસ જ કેમ? અગ્નિ અને વાયુને પણ...” વ્યોમાએ જિજ્ઞાસા બતાવી.

“અગ્નિ અને વાયુ? એ ક્યાંથી આવ્યા વળી?” નીરજાને વ્યોમાના નવા તત્વોએ વિસ્મય આપ્યું.

“પંચ મહાભૂત, નીરજા ! જળ, આકાશ, અગ્નિ, વાયુ અને પૃથ્વી.”

“રાઇટ, વ્યોમા. હા માત્ર જળ અને આકાશ જ નહીં, પણ અગ્નિ અને વાયુને પણ આકાર નથી, રૂપ નથી. સત્ય, સ્થાયી કે શાશ્વત... કશું જ નહીં.”

“તો પછી સવાલ એ છે, કે પાંચમાંથી ચાર તત્વોને રંગ, રૂપ આકાર કે સુગંધ પણ નથી. તો આપણાં આ શરીરને આકાર આપે છે કોણ?” વ્યોમા પણ જ્ઞાનની તરસના માર્ગે ચાલવા લાગી.

“હઁ.. સવાલ મજાનો છે. પણ મારો સવાલ એ છે, કે આપણે આવા ગહન વિચારો તરફ કેમ દોરવાઈ ગયા? આવા વિચારો, આવી વાતો, તો કોઈ જ્ઞાની લોકો કરતાં હોય છે. અને આપણે...”

“અને આપણે તો હજુ બાળક છીએ એમ જ ને?” વ્યોમા હસી પડી.

“ખબર નહીં. પણ, આ પણ આપણાંમાં આવેલું પરીવર્તન જ છે.” નીરજા પણ હસવા લાગી.

“કેવું છે આ પરિવર્તન? નીરજા, દરેક સમયે નવા સવાલો થાય, નવા વિસ્મય અને કૌતુક થાય. તેના જવાબો શોધવાનું મન થાય. તે માટે જાતને સવાલ કરીએ, હવાને, જંગલને, સવાલો કરીએ. દૂર દૂર ક્ષિતિજને પણ સવાલ પૂછી લઈએ. કોઈ પાસે હોય તો તેને સવાલ કરીએ.. પણ.. ગમે તેમ, તે સવાલોના જવાબો શોધવા મથીએ ..’ વ્યોમા અટકી.

“ક્યારેક જવાબો મળે, ક્યારેક ના મળે. જવાબો મળે, તો નવા સવાલો ઉત્પન્ન થવા લાગે. ફરી એના જવાબો શોધીએ, જવાબો મળે, ના મળે. ક્યારેક સવાલો જ બદલાઈ જાય. તો વળી નવા જવાબો, નવા વિસ્મયો ભેટી પડે. સવાલો, જવાબો, વિસ્મયો, સવાલો... એક ચક્રવ્યુહ રચાતું જાય. તેને ભેદતા જઈએ તો વળી કોઈ નવું જ ચક્રવ્યૂહ સામે આવી જાય... કેવું છે ...” નીરજા પોતાની જ વાતોમાં ઉલઝાઇ ગઈ.

“ચક્રવ્યૂહ ના ચક્રવ્યૂહ. મને તો આ બધું બહુ ગમવા લાગ્યું છે. સવાલ, જવાબ અને વિસ્મયનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે, જગત છે. એ જગતનું વિશેષ સૌંદર્ય પણ છે. એના એ જગતમાં ઘૂસી જઈએ તો જ તે સૌંદર્યને પામી શકાય.” વ્યોમા સૌંદર્યમાં ઉતરવા લાગી.

“સૌંદર્યના એ જગતમાં કે આ જગતના સૌંદર્યમાં, આપણો સવાલ હજુ પણ એમ જ ઊભો છે, મુર્તિ બનીને. જેનું પોતાનું પણ સૌંદર્ય છે.” નીરજાએ નવું સૌંદર્ય સર્જી દીધું.

“ક્યો સવાલ?”

“એ જ કે આકાર વિનાનાં ચાર ચાર મહાભૂતો હોવા છતાં, આ શરીરને નિશિત આકાર છે, રંગ છે, રૂપ છે, સુગંધ છે. શા માટે?” નીરજાએ આંખમાંનું વિસ્મય હોઠ પર મૂકી દીધું.

“પાંચમું તત્વ પણ છે, પૃથ્વી. આ ધરતી, આ માટી.. ઓહ, નીરજા, આ પૃથ્વી તત્વને આકાર છે, અને એ જ બાકીના ચાર તત્વોને પોતાનામાં સમાવી, પોતાનો આકાર આપીને શરીર બનાવે છે.” વ્યોમાએ કહ્યું. આ બધું જ્ઞાન તેનામાં ક્યાંથી આવ્યું? પોતાની વાત પર તે પોતે જ વિસ્મય પામી.

“વ્યોમા, તારી વાત સત્ય છે.” નીરજાએ વ્યોમાનો એ તર્ક સ્વીકારી લીધો.

“ઓહ, પૃથ્વી, તને મારા નમન.” વ્યોમા નીચી નમી. થોડી માટી હાથમાં લઈ, આખા શરીર પર તેને ઘસવા લાગી. નીરજા તેને જોઈ રહી. તેણે પણ વ્યોમાની જેમ જ માટી લીધી અને શરીર પર ઘસી.

“તારું અને મારૂ પણ એવું જ છે. હું વ્યોમા. એટલે કે આકાશ. તું નીરજા. એટલે કે જળ. તારી અને મારી અંદર નવા વિચારોના, સવાલોના, વિસ્મયોના અગ્નિ પ્રજવળે છે. આપણી જિજ્ઞાસા તેને હવા આપે છે. તે વાયુ બનીને બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. પણ...” વ્યોમાએ પોતાના તર્કને હવા આપી.

“પણ, આ જંગલ કે આ ધોધ જેવી કોઈ નકકર વસ્તુ, ખૂટતું પાંચમું તત્વ બનીને આવાહન આપી, આલિંગન આપી, આપણામાં ભળી જાય છે.” નીરજા જંગલને જોવા લાગી.

“જે આપી જાય છે, આપણી જિંદગીને એક નક્કર આકાર. નિરાકારમાંથી બનાવી દે છે, સાકાર. “

“અને આપણે નીકળી પડીએ છીએ એક ખોજમાં. પેલા વિડિયોમાં જોયેલા ગાઢ જંગલ, પહાડ, પ્રચંડ તાકાત સાથે જમીન પર પટકતો ધોધ, ત્યાં રચાતાં મેઘધનુષ, પટકાઈને ઝરણું બનીને વહી જતું પાણી, ધોધમાર વરસાદ, પાણીનો અવાજ, વાદળમાંથી વરસતા વરસાદનો અવાજ, ડાળ પર, પાંદડા પર પડતાં બિંદુઓનો અવાજ, ધીરેથી પાંદડાઓ પરથી સરકીને જમીન પર પડતાં બિંદુઓનો અવાજ... અને તે બધું પામવા ગતિ કરતાં આપણાં ચરણો...’ નીરજાના મનોઆકાશમાં રમવા લાગ્યો ધોધનો પેલો વિડીયો. તેમાં ખોવાઈ ગઈ, તે.

ફરી બંને મૌન. કપાતો રસ્તો પણ, મૌન.