Ek patangiya ne pankho aavi - 51 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 51

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 51

વ્રજેશ દવે “વેદ”

શાંત જંગલમાં બંનેના પગરવ સિવાય, કોઈ જ ધ્વનિ ન હતો. બધું જ શાંત હતું.

રસ્તા પર નીરજાના પગ ચાલી રહ્યા હતા. મનમાં ચાલી રહ્યો હતો, પેલો વિડીયો. વ્યોમા તદ્દન શાંત હતી. જંગલની શાંતિને પોતાની અંદર ઉતારીને ચાલતી રહી. પગના, હ્રદયના ધબકારને સાંભળતી રહી.

એક સરખા લય અને તાલ સાથે સર્જાતા અવાજ. કેડી પર પડેલા પાંદડા પર પડતાં પગનો ધ્વનિ, તેની સાથે તાલ મિલાવતા હ્રદયના ધબકારનો ધ્વનિ... એક જ જાતના ધ્વનિને તે ઘણી વાર સુધી સાંભળતી રહી. એક ધારો અવાજ, કોઈ વૈવિધ્ય વિનાનો અવાજ. તેનાથી તે ધરાઇ ગઈ, કંટાળી ગઈ.

કોઈ નવો અવાજ સાંભળવા તે તરસવા લાગી. તેણે નીરજા તરફ નજર કરી. તે મૌન હતી. તેના પગનો ધ્વનિ આવી રહ્યો હતો. પેલા એકધારા ધ્વનિની જેમ તે પણ કંટાળા જનક લાગ્યો.

વ્યોમાને સાંભળવો હતો, કોઈ બીજો જ ધ્વનિ. કોઈ નવો ધ્વનિ. અરે, નીરજાના હોઠો પરથી સર્જાતો ધ્વનિ પણ, આ એકધારા અવાજમાં કાંઈક નવીનતા પૂરી શકે. પણ, નીરજા બોલે ત્યારે ને? નીરજા તો છે તદ્દન મૌન !

તેણે નીરજાના શબ્દોની પ્રતિક્ષા કરવી છોડી દીધી. તે જંગલ તરફ ફરી.

જંગલમાંથી કદાચ કોઈ નવો અવાજ સર્જાય, અને તેના કાને તે અથડાય, તો તેની એકધારાપણાની સ્થિતિ બદલાય...

નવા અવાજની શોધમાં તેણે જંગલ તરફ કાન માંડ્યા, ખૂબ જ ધ્યાનથી. દૂર દૂર કોઈ અવાજ સંભળાઈ જાય તેવી આશાએ.

તે નિરાશ થઈ ગઈ. જંગલ પણ જાણે જડ બનીને સૂઈ ગયું હોય, તેમ કોઈ અવાજ સર્જતું ન હતું. હવાની કોઈ લહેર પણ, પાંદડા કે ડાળીઓને હલાવીને જગાડતી ન હતી. કોઈ પંખી પણ તેના કંઠને તસ્દી નહોતું આપતું. કોઈ પતંગિયા પણ પાંખ ફફડાવતા નહોતા. કોઈ ભમરા ગુંજન નહોતા કરતાં. કોઈ તમરા પણ નહોતા બોલતા. અરે.. કોઈ ઘુવડ તમે તો બોલો. તમે તો રાતના રાજા છો... વ્યોમા તે બધાને આજીજી કરવા લાગી. પણ, જંગલમાંનું કોઈ જ, કશું જ અવાજ રૂપે સર્જતું નહોતું.

અવાજ હતો તો બસ.. પાંદડા પર પડતાં એકધારા પગનો અવાજ, એકદમ સ્પષ્ટ સંભળાતા હ્રદયના ધબકારાનો અવાજ. વ્યોમાએ આશા છોડી દીધી. સવાર નહીં પડે ત્યાં સુધી જંગલ સૂતું રહેશે અને કોઈ અવાજ નહીં સર્જાય.

નીરજાના મૌનને ભંગ કરવાની ઈચ્છા થઈ, પણ વ્યોમા તેમ ના કરી શકી. તે પણ ચાલતી રહી, બસ, નીરજાની જેમ મૌન બનીને. એકધારાપણાની શાલ વીંટીને.

વ્યોમા ચાલતી રહી, ઊંડા શ્વાસો લેતી રહી. કોઈ નવી ધ્વનિનું સર્જન કરવા પ્રયાસ કરતી રહી. તેના કાને કોઈ અવાજ પડ્યો હોય તેવો તેને આભાસ થયો. તેના કાન જાગૃત થઈ ગયા. તે અવાજ નવો હતો. એકધારાપણાથી અલગ. તેણે કાનને વધુ સતેજ કર્યા. ફરી કોઈ નવા અવાજનો આભાસ થયો. ફરી શાંત, ફરી અવાજ... ફરી જૂનું મૌન. પાંચ સાત વખત વ્યોમાએ મૌન વચ્ચે અવાજો સાંભળ્યા. તેણે કાનોને ફરીથી તે દિશામાં દોડાવ્યા. ફરી તેના કાને, એ નવા અવાજને ઝીલ્યો. તે અવાજ ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યો. ટુકડાઓમાં વિખરાઈને આવતો અવાજ હવે એકધારો આવવા લાગ્યો.

વ્યોમાને ગમ્યો, આ નવો અવાજ. તેના મનમાં વિચારો ચાલવા લાગ્યા.

‘શેનો હશે, આ અવાજ? કોણ સર્જી રહ્યું છે, આ અવાજો? ગમે તે હોય, પણ પગ અને હ્રદયના એકધારા અવાજ કરતાં આ આવાજ જુદો છે, નવો છે. મને ગમે પણ છે. પણ, શેનો છે અવાજ?’

હવે તો નીરજાને તેના મૌનમાંથી જગાડવી જ પડશે, ”નીરજા, તેં પેલા અવાજને સાંભળ્યો?”

“કેવો અવાજ, વ્યોમા?” નીરજા તેના મૌન જગતમાંથી જાગી.

“જો, દૂર દૂરથી કોઈ અવાજ આવી રહ્યો છે, ધ્યાન દઈને સાંભળ...”

નીરજાએ તેના કાનને દૂર દૂર સુધી જંગલમાં ફેલાવી દીધા. તેણે કોઈ અવાજને પકડી પડ્યો. અને હાજર કરી દીધો, વ્યોમા સામે. આછો, આછો અવાજ... ધીરે ધીરે સ્પષ્ટ થતો જતો અવાજ.

“હા, હવે કોઈ અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. શાનો છે એ અવાજ, વ્યોમા? તને ખબર છે?” નીરજાએ વ્યોમા સામે પ્રશ્નાર્થ કર્યો. વ્યોમાએ ખભ્ભા અને હોઠોનું સંયોજન કરી ના પાડી. નીરજા ફરી એ અવાજને અનુભવવા લાગી.

એકાદ મિનિટના મૌન બાદ તે બોલી, “વ્યોમા, આ અવાજ પાણીનો છે. જમીન પર પડતાં પાણીનો અવાજ ... જો, ધ્યાનથી સાંભળ...”

વ્યોમાએ ધ્યાન કેન્દ્રિત કર્યું, ”સાવ સાચી વાત. જમીન પર પડતાં પાણીનો જ અવાજ છે, એ. પાણી ઊંચાઈ પરથી ધરતી પર પડી રહ્યું છે, એવો જ અવાજ છે.” વ્યોમાએ વિશ્વાસ પૂર્વક કહ્યું.

“વ્યોમા... વ્યોમા... વ્યોમા....” નીરજાએ વ્યોમાનો હાથ પકડી લીધો, નાચવા લાગી. ખુશીથી ઉછળવા લાગી. વ્યોમાને કશું ય ના સમજાયું. પણ, નીરજા જોડે તે પણ નાચવા લાગી, કુદવા લાગી.

“નીરજા.... નીરજા... કેમ આટલી બધી ખુશ થઈ ગઈ, અચાનક?”

“વ્યોમા, હમણાં કશું જ ના પૂછ. બસ, આમ જ નાચી લેવા દે, ખુશ થઈ જવા દે મને. થોડી ક્ષણોના આ રોમાંચને, આખા જંગલમાં ફેલાવી દેવા દે, જંગલને જગાડી દેવા દે. ડાળીઓ અને પર્ણોની ઊંઘ ઉડાડી દેવા દે. હવાને જલદી બોલાવ. મારે આખા જંગલને વધામણી દેવી છે. ” હવાની એક લહેર ત્યાં આવી ગઈ. તેણે નીરજાને સ્પર્શ કર્યો. નીરજાએ તેને કાનમાં વધામણી આપી. હવા તેને લઈને જંગલમાં દોડી ગઈ, હરખ પદુડી થઈને.

ફરી બંને નાચવા લાગ્યા. કેટલીય ક્ષણો નાચતા જ રહ્યા. તેના નર્તનમાં ચાંદની પણ સાથ આપવા લાગી. આકાશમાં એક કાળું વાદળું ક્યાંકથી આવી ચડ્યું. ચંદ્રને ઢાંકી દેવા લાગ્યું. ક્યારનીય સ્થિર થઈ પથરાયેલિ આળસુ, ચાંદની હચમચી ગઈ, હલબલી ગઈ, ખળભળી ગઈ. નિંદ્રાની તંદ્રા છોડી જાગી ગઈ.

એક કાળી વાદળી તેની અખંડ પાંખને કાપી નાંખી હતી. ચાંદની ઘાયલ થઈ ગઈ હતી. અખંડ ચાંદની ખંડિત થઈ ગઈ. જંગલના એક ભાગ પરથી ચાંદનીનું અસ્તિત્વ અસ્ત પામ્યું. વ્યોમા અને નીરજા જ્યાં હતા, ત્યાં ચાંદની તેનું રાજ્ય વાદળો સામે હારી ગઈ. પણ, બાકીના જંગલ પર તેનું રાજ્ય અક્ષુણ હતું. સાવ જડ જંગલમાં નવા પ્રાણ આવ્યા હોય તેમ, તે પણ જાગી ગયું.

નાચતા નાચતા નીરજા અને વ્યોમા થાકી ગયા. ઝાડની ડાળી પકડી, તેનો ટેકો લઈ ઊભા રહી ગયા. આનંદ હજુ પણ તેઓના ચહેરા પર છલકાતો હતો.

નીરજાને તો કોઈ કારણ મળી ગયું હતું, ખુશ થવાનું. પણ, વ્યોમાને હજુ પણ તે જાણવા નહોતું મળ્યું. છતાં તે ખુશ હતી. કારણ કે નીરજા ખુશ હતી.

વ્યોમાના ચહેરા પરની ખુશીનું સ્થાન હવે પ્રશ્નાર્થ ભાવે લઈ લીધું, ” નીરજા, હવે તો કહે. કેમ આટલી બધી ખુશ છે, તું?” વ્યોમાએ ઊંડો શ્વાસ લીધો, આંખો પટપટાવી અને હોઠ પર સ્મિત સાથે કહ્યું.

“વ્યોમા, આપણે ધોધની પાસે પહોંચી ગયા છીએ. આ અવાજ પેલા ધોધનો છે. ખૂબ જ ઊંચાઈએથી નોહ કલિકાઇ ધોધનું પાણી જમીન પર પ્રચંડ તાકાતથી પડી રહ્યું છે, તેનો ધ્વનિ છે આ. હા, નોહ કલિકાઇ ધોધનો ધ્વનિ. આપણાં સપનાના ધોધનો ધ્વનિ, આપણી મંઝિલનો ધ્વનિ, આપણી ઈચ્છાઓનો ધ્વનિ, આપણી ખુશીઓનો ધ્વનિ.. “ નીરજા ખુશીથી ગદગદિત થઈ ગઈ. આગળ બોલી ના શકી.

નીરજાના શબ્દોનો રોમાંચ વ્યોમાના આખા શરીરમાં ફરી વળ્યો. તે ફરીથી ખુશ થઈ ગઈ. ખુશીથી નાચવા લાગી. હવે તેને ખુશ થવાનું કારણ મળી ગયું હતું.

વ્યોમાએ નીરજાનો હાથ પકડી લીધો. બંને ફરી નાચવા લાગ્યા. ઘણી ક્ષણો સુધી ખુશીઓ મનાવી.

“નીરજા, હજુ તો ધોધનો અવાજ જ સાંભળ્યો છે. ધોધને જોવાનો તો બાકી છે. ચાલ, જલ્દીથી ધોધ સુધી પહોંચી જઈએ. એ ધોધને આંખોથી જોઈ લઈએ. તેની ધારને, તેના પ્રવાહને, તેની તાકાતને, તેની ઊંચાઈને, તેના અવાજને સગી આંખે જોઈ લઈએ. અનુભવી લઈએ. ચાલ જલ્દીથી મંઝિલને મુઠ્ઠીમાં કરી લઈએ.” વ્યોમાએ ઉત્સાહમાં નીરજાનો હાથ પકડી ખેંચી લીધો.

તેણે વ્યોમાને કોઈ જ પ્રતિભાવ ના આપ્યો. નાચતી નીરજા પોતાની જગ્યાએ સ્થિર થઈ ગઈ. જાણે તેના મનમાં કોઈ ઉત્સાહ જ ના હોય, શરીરમાં શક્તિ જ ના હોય. તે પોતાની સમગ્ર તાકાત ખોઈ બેઠી હોય તેમ સાવ ઢીલી થઈ ગઈ.

“નીરજા, કેમ હજુ પણ આમ જ ઊભી છે? ચાલ, ફટાફટ પહોંચી જઈએ મંઝિલ પર. “વ્યોમાએ ફરી તેને ઉત્સાહિત કરવા પ્રયાસ કર્યો.

“વ્યોમા, ના હું નહીં આવું.” નીરજા હજુ પણ નિષ્ક્રિય !

“કેમ? થાકી ગઈ છે? કે...”

“ના. થાકી તો નથી ગઈ, પણ હવે હિંમત નથી ચાલતી. કોણ જાણે કેમ, પગ ઊપડતાં જ નથી. મન પણ...” નીરજા અટકી ગઈ.

“મન ગભરાય છે? શા માટે? મંઝિલને નજીક જાણીને ઉત્સાહ વધી જવો જોઈએ, નીરજા.”

“પણ, મારું મન ખરેખર ગભરાય છે. હ્રદય, ના સમજાય તેવી લાગણીઓને પ્રત્યેક ધબકારે વહાવી રહ્યું છે. તે લાગણીઓ મારા સમગ્ર શરીરમાં ફેલાઈ ગઈ છે. અને મને ...” નીરજા પૂરું બોલી ના શકી.

“શું થયું છે તને, નીરજા? જે મંઝિલને પામવા આપણે આટલા લાંબા સફરને પાર કરી, અહીં સુધી આવી ગયા અને હવે મંઝિલની સાવ પાસે આવીને, તું ગભરાય છે? નક્કી કોઈ વાત છે, તારા મનમાં. દિલ ખોલીને કહી દે, જે કાંઇ હોય તે. વહાવી દે તારી લાગણીના ધોધને.” વ્યોમાએ નીરજાના માથા પર હાથ ફેરવ્યો. પીઠ પર પણ.

નીરજા કશું જ ના બોલી શકી. વ્યોમાના સ્પર્શને અનુભવતી રહી. ના સમજાય તેવો લાગણી પ્રવાહ વહેતો રહ્યો.

“નીરજા, જેને આપણે ખૂબ ચાહતા હોઈએ, જેની લાંબી પ્રતિક્ષા કરતાં હોઈએ એ જ વ્યક્તિ કે મંઝિલ જ્યારે સાવ સામે હાથવાગી લાગે, ત્યારે જ આપણું મન કેમ અનેક દુવિધાઓમાં અટવાઈ જતું હોય છે? કોણ જાણે કેમ, એક અસમંજસ ઘેરી વળતું હોય છે. પણ, આવું થવું સ્વાભાવિક હોય છે, જે બહુ લાંબુ ટકતું નથી. તું ઈચ્છે તો, આપણે થોડી વાર માટે રોકાઈ જઈએ. પછી ફરી નીકળી પડીશું.” વ્યોમાએ નીરજાને ઉત્સાહિત કરવા કહ્યું.

“વ્યોમા એક કામ કરીએ. આજે તો હવે મારામાં કોઈ જ તાકાત કે હિંમત રહી નથી. આ રાહ પર અત્યારે ચાલવું, મારા માટે કઠિન છે. આપણે હાલ અહીં જ રોકાઈ જઈએ. કાલે સવારે...”

“કાલ ઉપર આ જંગલમાં કોઈ જ ભરોસો ના રખાય, નીરજા. તું એ વાત જાણે છે. એ વાત અનુભવ સિધ્ધ છે, આ જંગલ માટે. માટે આજે જ ચાલવું પડશે, અત્યારે જ ચાલવું પડશે.“ વ્યોમાએ નીરજાની વાત કાપતા કહ્યું.

“પણ, હું તો....” નીરજા ફરી કશુંક કહેવા લાગી, પણ વ્યોમા આજે તેની આવી કોઈ જ વાતથી યાત્રા અટકાવવાના મૂડમાં ન હતી. ખરેખર તો તે નીરજાને ઉત્સાહિત કરી, જલ્દીથી ધોધ પર પહોંચી જવા માંગતી હતી. તેણે નીરજાને એક આલિંગન આપ્યું. પોતાના શરીરની રચનાત્મક ઉર્જા નીરજાના શરીરમાં પ્રવાહિત કરી દીધી.

“પણ બણ, કાંઇ નહીં. જો મંઝિલ પર જવું હોય તો અત્યારે જ ચાલવું પડશે. કાલ પર કશું જ નહીં. અને જો તું અત્યારે મંઝિલ તરફ ચાલવા ના માંગતી હોય તો ચાલ, પાછા વળી જઈએ. નથી જોઈતી કોઈ મંઝિલ !” વ્યોમાએ કઠોર શબ્દો કહ્યા.

“કેમ આવી વાત કરે છે, વ્યોમા? એક રાત રોકાઈ જવામાં ...” નીરજા આજીજીભર્યા સ્વરે બોલી.

“બિલકુલ નહીં. કાં તો અત્યારે જ મંઝિલને પામી લઈએ અથવા ક્યારેય નહીં. બોલ. શું કરવું છે તારે? ફેસલો તારા હાથમાં છે. તું જ નક્કી કર, હવે. મંઝિલ કે યાત્રાનો અંત?” વ્યોમાએ ખૂબ મક્કમ નિર્ધાર સાથે વાત કરી. નીરજા પાસે હવે કોઈ જ શબ્દો, કોઈ જ વિકલ્પ ન રહ્યો.

વ્યોમા મંઝિલ તરફ ચાલવા લાગી. નીરજા પણ પરાણે, પરાણે તેને સાથ આપવા લાગી. ચાર પગ ચાલવા લાગ્યા મંઝિલ તરફ.

જેમ જેમ ચાલતા ગયા, તેમ તેમ ધોધનો અવાજ સ્પષ્ટ થતો ગયો, મોટો થતો ગયો. બંનેને તે ગમવા લાગ્યો.

********

એકાદ કલાક ચાલ્યા બાદ, નોહ કલિકાઈ ધોધ દૂરથી જ દેખાવા લાગ્યો. મંઝીલના પહેલાં દર્શન થઈ ગયા. બંને દંગ થઈ ગયા, ધોધને જોઈને. ક્ષણભર તેઓના પગ ત્યાં જ રોકાઈ ગયા. આંખમાં વિસ્મય આવીને બેસી ગયું. હોઠ અર્ધ ખુલ્લા થઈ ગયા. ભ્રમર તંગ થઈ ગઈ. કાન ઊભા થઈ ગયા. નાકને કોઈ સુગંધે ડૂબાડી દીધા. બંને પૂતળાની જેમ સ્થિર થઈ ગયા. બસ, એક નજરે ધોધને જોતાં રહ્યા.

ખૂબ ઊંચાઈ પરથી ધોધ બની પડતું પાણી. તે પાણી પર પડતી ચાંદની. પાણીમાં ભળી જતી ચાંદની. કે ચાંદનીમાં ભળી જતું ધોધનું પાણી ! ધોધના પાણીને તે દૂધ બનાવી દેતું હતું. દૂધની ધાર ઊંચાઈ પરથી નીકળી, લાંબી યાત્રા કરીને જમીન પર પ્રચંડ તાકાતથી પછડાઈ રહી હતી. પ્રચંડ અવાજ સર્જાઈ રહ્યો હતો. તે અવાજ સમગ્ર જંગલમાં વ્યાપી જતો હતો.

નોહ કલિકાઇ ધોધના જાદુમાં મંત્રમુગ્ધ બની ખોવાઈ ગઈ, બંને. અદભૂત દ્રશ્યોએ તેની વાચા હરી લીધી. તેઓનો અવાજ બંધ થઈ ગયો. શબ્દો હોઠની અંદર જ દબાઈ ગયા.

આંખોથી તે અનુપમ દ્રશ્યોને હ્રદયમાં ઉતારી, આનંદની અનુભૂતિ કરવા લાગ્યા. બંને સ્વયંને ભૂલી ગઈ. પોતાના અસ્તિત્વને ભૂલી ગઈ. આસપાસની સમગ્ર દુનિયાને ભૂલી ગઈ. તેઓ માટે એક માત્ર ધોધનું જ અસ્તિત્વ સત્ય, બાકી બધું મિથ્યા.

તેઓ અને ધોધ વચ્ચે એક સેતુ બંધાઈ ગયો. તે સેતુ પર બાકી બધી જ વસ્તુ કે વ્યક્તિઓનું અસ્તિત્વ ના રહ્યું. બધું જ ખરી પડ્યું. માત્ર ધોધ અને તેઓ બંને.

એક અલગ વિશ્વ, અલગ દુનિયા રચાઇ ગઈ, જેમાં ધોધ અને તેઓ બંને જ વસતા હતા.

કેટલી ય વારે બંનેએ એક બીજા તરફ નજર કરી. આંખોએ વાતો કરી. બંને દોડ્યા ધોધની સાવ નજીક જવા માટે, તેને પકડવા માટે, તેની ધારમાં ભીંજાઇ જવા માટે.

બંનેએ દોટ મૂકી. પાંચ-સાત ડગલાં દોડ્યા, ત્યાં તો અચાનક જ કોઈએ તેઓને રોકી લીધા, પકડી લીધા. બંને તંદ્રામાંથી જાગી ગયા. સ્વપ્ન સૃષ્ટિમાંથી હકીકતમાં આવી ગયા.