Ek patangiya ne pankho aavi - 52 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 52

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 52

વ્રજેશ દવે “વેદ”

બંને ચોંકી ગઈ. તેની નજર સામે હતા, મોહા અને તેના માણસો. મોહા જોડે એક ઊંચા કદનો મજબૂત બાંધા વ્યક્તિ હતો. તેના હાથમાં રિવોલ્વર હતી. મોહાના હાથમાં પણ હતી. તેઓના 10-12 સાથીદારો પણ કોઈને કોઈ હથિયાર સાથે હતા. એ સૌ નીરજા અને વ્યોમાને ઘેરીને ઊભા હતા. મોહાએ વ્યોમાને પકડી રાખી હતી. નીરજાને પેલા પુરુષે પકડી રાખી હતી.

“ડિયર નીરજા અને વ્યોમા, અમે તમારું અપહરણ કર્યું છે. તમે અમારા બંધક છો. મને તો તું ઓળખે જ છે. અને આ છે મારી ગેંગના બોસ, સેમ્યુલ.“

બંનેને સમજાઈ ગયું, કે જેનાથી સતત બચી રહ્યા હતા, હાથતાળી આપી છટકી જતાં હતા, તે જ મોહાએ તેઓને પકડી લીધા છે, અને બંધક પણ બનાવી દીધા છે. તેની પાસેથી છટકીને ભાગી જવાનો પણ કોઈ અવસર જ નથી. તેઓએ ધોધ અને તેની આસપાસ નજર દોડાવી. કોઈ જ પ્રવાસી કે અન્ય કોઈ જ ત્યાં નહોતું, આ રાત્રિમાં. કોઇની પણ મદદ મળી શકે તેમ નહોતું.

નીરજાએ બધા જ વિકલ્પો ચકાસી જોયા, પણ બધા વ્યર્થ. તેણે આવી પડેલી સ્થિતિનો સામનો કરવાનો નિશ્ચય કરી લીધો.

“પણ, તમે અમને શા માટે કીડનેપ કરી રહ્યાં છો?” હિંમત કરી વ્યોમાએ પુછ્યું.

“અમે ‘વાઇલ્ડ’ ગેંગના માણસો છીએ.” મોહાએ જવાબ આપ્યો.

“લોકો અમને ટેરરિસ્ટ તરીકે ઓળખે છે.” સેમ્યુલે વધારે કરડી નજરે પરિચય આપ્યો.

“પણ, અમને શા માટે કીડનેપ કર્યા છે? શું ઈચ્છો છો તમે અમારી પાસેથી?” નીરજાએ પણ ભય ત્યાગી પૂછ્યું.

સેમ્યુલે નીરજાની આંખમાં ભય ફેલાવતી નજર નાંખી. નીરજા ડરી નહીં. સેમ્યુલ વિચલિત થઈ ગયો.

સેમ્યુલ એટલે મેઘાલયના અંડરવર્લ્ડનું બહુ મોટું નામ. અનેક ગેરકાયદે ગુનાઓનો તે બાદશાહ ગણાતો. તેના નામ માત્રથી ભય ફેલાઈ જતો. એટલે જ તેની ગેંગનો મેઘાલયમાં કાળો કેર હતો.

એવું માનવમાં આવતું, કે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. સરહદ પાર પણ તેના ગુનાઓનો ઇતિહાસ હતો. ઘણા ખૂનમાં પણ તેનો જ હાથ છે, તેવું લોકો દબાતા સવારે કહેતા હતા. પણ, તે ખૂબ જ ચાલાક હતો. તેના નામે તે કોઈ જ પુરાવા રહેવા દેતો નહીં. સમગ્ર અંધારી આલમ પર તેનું સામ્રાજ્ય છે, ઊંડા ભયનું સામ્રાજ્ય !

ઉત્તર પૂર્વ ભારતના ઘણા આતંકી હુમલામાં તેની સંડોવણી હોવાનું મનાય છે. પણ, નક્કર પુરવાના અભાવે તે મુક્ત ફરતો હતો. તેની રાજકીય વગ પણ, ખૂબ ઉપર સુધી છે. એટલે તેની સામે પોલીસ ડિપાર્ટમેંટ પણ લાચાર ! કોઈ પણ પોલીસ અધિકારીની સેમ્યુલના ઘરમાં પ્રવેશવાની હિંમત નહોતી.

તેના એક ઇશારે ભલભલા બહાદુરોના કાળજા કંપી જતાં. અને જો, તે કોઇની આંખમાં આંખ નાંખે, તો સામેની વ્યક્તિ સમજી જાય, કે હવે તેની જિંદગી પૂરી થઈ ગઈ છે. તેને મૌતથી કોઈ જ બચાવી નહીં શકે. મૌત જ એક માત્ર સત્ય છે, મંઝિલ છે- સેમ્યુલની ભયાવહ નજરથી બચવા માટે. એટલે જ, તે વ્યક્તિ સામે ચાલીને મૌતને ભેટી પડે છે.

આવા અતિ ભયાનક સેમયુલની નજર, નીરજાની આંખમાં પ્રવેશી, છતાં નીરજા ડરી નહીં. એક છોકરી, સાવ નાજુક છોકરી, અજાણ્યા પ્રદેશની છોકરી, સેમ્યુલની ભય સર્જતી નજરથી ડરી નહીં. બસ, આ જ વાતે સેમ્યુલ વિચલિત થઈ ગયો.

વર્ષો બાદ એક છોકરીની આંખે સેમ્યુલની ભયાવહ નજરને પડકાર ફેંક્યો, નીડર બનીને. ડરવાને બદલે નીડર બનીને, સામો સવાલ પણ કરી લીધો. નીરજાની નીડરતા તેને વિચલિત કરવા લાગી. તે ધુંઆપુંઆ થઈ ગયો. તેની આંખમાં ગુસ્સા ભરેલું ખુન્નસ ઉભરાઇ ગયું.

મોહાએ તે ખુન્નસને જોઈ લીધું, નજરથી પકડી લીધું. તેણે સેમ્યુલને ઈશારાથી શાંત રહેવા કહ્યું. મોહા તેની સૌથી વિશ્વાસુ સાથીદાર હતી. તેના ઇશારે તે શાંત થઈ ગયો.

મોહાએ બાજી સંભાળી લીધી. ”તમે વાઇલ્ડ ગેંગના બંધક છો. અને તમને ...”

“અમને તમે ત્યારે જ છોડશો, જ્યારે તમને મોટી રકમની ખંડણી ચૂકવવામાં આવશે, એમ જ ને?” વ્યોમાએ મોહાની વાત કાપી નાંખી.

મોહા ગુસ્સે થઈ ગઈ. તેણે વ્યોમાને એક થપ્પડ મારી દીધી. વ્યોમા પર તેના હાથની પકડ મજબૂત બનાવી દીધી.

“તમને કોઈ અજ્ઞાત જગ્યા પર લઈ જવાશે. તમારા છૂટકારાના બદલામાં ખંડણીની કોઈ જ રકમ નહીં માંગવામાં આવે.”

“તો શું અમને એમ જ છોડી મૂકવામાં આવશે?” નીરજાએ સેમયુલની આંખમાં આંખ નાંખી સવાલ કર્યો.

“ના. તમને ક્યારેય છોડવામાં નહીં આવે. કાં તો તમારું મૌત થશે કાં તમને અમારી ગેંગના મેમ્બર બનાવીને, યોગ્ય સમયે આત્મઘાતી આતંકવાદી હુમલામાં તમારો ઉપયોગ કરવામાં આવશે. માટે છૂટવાની કોઈ જ આશા રાખીશ નહીં. સમજી, છોકરી?” મોહાએ કરડાકીભર્યા સવારે બંનેને ભયભીત કરવાના ઇરાદે કહ્યું.

મોહાની વાત સાંભળી બંને મનોમન ડરથી ધ્રુજી ગયા. પણ, ભયને ક્યાંય પણ ચહેરા પર આવવા ના દીધો. ગજબની સ્વસ્થતા ધારણ કરી રાખી, બંનેએ.

વ્યોમાએ મૌન નજરે નીરજા તરફ જોયું. નીરજા મનમાં કશુંક વિચારી રહી હતી.

નીરજાને એક વાત સમજાઈ ગઈ હતી કે મોહા અને સેમ્યુલ તેની વાતો અને વર્તનથી ડરાવવા માંગતા હતા, ભયભીત કરવા માંગતા હતા. પણ, બંનેમાંથી કોઈ ડર્યું નહીં. તેણે કારણે તેઓ બંને વિચલિત હતા.

તેઓની આ પહેલી હાર હતી. નીરજા અને વ્યોમાની પહેલી જીત. આ પહેલી જીતે તેનામાં આત્મવિશ્વાસ ભરી દીધો. તે વિચારવા લાગી, ‘જો આ એકાંત જગ્યાએ, નિર્જન રાત્રીમાં, કોઈ અહીં આવી ચડે, તો કદાચ બચીને ભાગી છૂટવાનો અવસર મળી જાય. પણ, અહીં તો દૂર દૂર સુધી કોઈના હોવાનો અહેસાસ પણ ન હતો. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કોઈ જ માણસ દેખાતું ન હતું.’

નીરજા સમગ્ર દિશામાં નજર ઘુમાવવા લાગી. દૂર દૂર કોઈ ઝાડી હલી હોય તેવો તેને આભાસ થયો. તેણે નજરને વધુ તિવ્ર કરી. તેને કોઈ આકૃતિ દેખાઈ.

તેણે ઝડપથી વિચાર કરી લીધો, યોજના બનાવી લીધી. તેણે નક્કી કરી લીધું, કે બને તેટલો વધુ સમય સેમ્યુલ અને મોહાને વાતોમાં વ્યસ્ત રાખી શકાય તો પેલી આકૃતિ કદાચ મદદરૂપ થાય. ગણત્રીપૂર્વકનું જોખમ લેવા તે તૈયાર થઈ ગઈ.

“ગૌહાટી સ્ટેશન પરથી, કારમાં લિફ્ટ આપીને, તું અમને ક્યાં લઈ જવા માંગતી હતી, મોહા?” નીરજાએ વાત ચાલુ કરી.

“ગૌહાટી સ્ટેશનેથી જ તમારા બંનેનું અપહરણ કરવાનો ઇરાદો હતો અમારો. પણ, ત્યાં કોણ જાણે ક્યાંથી નરેશ અને વિશાલ આવી ચડ્યા. તેઓનો સાથ લઈને તમે બંને છટકી ગયા. મારી એ હારને હું હજુ પણ ભૂલી નથી. જિંદગીમાં પહેલી વાર મારે હાર જોવી પડી છે. જે માટે તમે બંને જવાબદાર છો.” મોહા ગુસ્સો ઠાલવતી હોય તેમ, તેણે વ્યોમા પરની પકડ વધુ મજબૂત બનાવી દીધી. વ્યોમાના ચહેરા પર લોહી ઉપસી આવ્યું. તેનો ચહેરો લાલ થઈ ગયો.

“તો શું થયું? આવા ખેલમાં ક્યારેક હાર પણ ખમવી પડે. ઇટ્સ પાર્ટ ઓફ ગેમ.” નીરજાએ સમય લંબાવવા વધુ એક દાવ રમી લીધો. મોહા તેમાં સપડાઇ ગઈ.

“ગેમ? ગેમ તો આખી, તમે બદલી નાંખી. ઊંધી વળી દીધી અમારી યોજનાને. ”મોહા વધુ ગુસ્સે થઈ ગઈ.

“એ કેવી રીતે?” વ્યોમાએ વાતમાં હવા ઉમેરી.

“તમે છટકીને ભાગ્યાં, પછી તમોએ તરત જ તમારા મોબાઈલ બંધ કરી દીધા, એટલે તમારું લોકેશન પકડી જ ના શકાયું. તમને પકડવા માટે બધા જ રસ્તાઓ, ઠેકાણાઓ ખૂંદી વળ્યા, પણ તમે ક્યાંય ના મળ્યા. તમે તો ફરી એક નવી ગેમ રમી નાંખી.”

“અમે ક્યાંથી ગેમ રમી શકીએ? તમારી જેમ અમે મૌતના ખેલાડી થોડા છીએ?” નીરજાએ મોહાના ઉશ્કેરાટને ઉતીજીત કર્યો.

“પણ તમે તો ગેમ રમી જ. મૂળ યોજના પ્રમાણે, તમે જીપમાં અહીં ધોધ સુધી આવવાના હતા. તમારા માટે મેં જીપ પણ બુક કરવી રાખેલી. પણ, તમે ના તો જીપ પર પહોંચ્યા, ના આ ધોધ પર. તમે તો ઘૂસી ગયા આ જંગલમાં, જ્યાં તમને કોઈ જ શોધી ના શકે.“ મોહા હજુ પણ ગુસ્સામાં હતી.

“પણ તમે જેનિફર પાસે જઈને અમારી માહિતી મેળવી લીધી હતી. અમારો પીછો કરતાં કરતાં જંગલના રસ્તે આવી ગયા હતા.“

નીરજાની નજર દૂર, પેલી ઝાડી પર જ હતી. હવે આકૃતિ નજીક આવી રહી હતી. મોહા, સેમ્યુલ અને તેના માણસો બેધ્યાન હતા. નીરજાએ વાત વધુ લંબાવી, ”તમે અમને જંગલમાં શોધવા જ આવ્યા હતા, ખરું ને?”

“પણ તમને કેમ ખબર પડી? તમે ક્યાં હતા? અમે તમને શોધી ના શક્યા, એ જંગલમાં. ”મોહા વાતોમાં ગૂંથાવા લાગી.

“અમે એ જંગલમાં જ હતા. તમને અને નરેશ, વિશાલને પણ અમે જોયા હતા.”

“મતલબ કે ફરી એકવાર તમે બંને મારી સામે જ હતા, છતાં મને હાથતાળી આપી છટકી ગયા હતા.“ મોહાએ ક્રૂર નજર કરી,” કઈ ગેમ રમી હતી તમે, ત્યારે?”

“ગેમ તો વાંદરાઓ અને પંખીઓએ રમી હતી. તેઓના આક્રમણ સામે તમે ટકી ના શક્યાં અને ભાગી જવું પડ્યું હતું તમારે સૌએ.”

“પણ, આજે હવે તમે છટકીને જઇ નહીં શકો. શિકાર જાળમાં ફસાઈ ગયો છે.“ મોહાએ વ્યોમા પર તેની પકડ વધુ મજબૂત કરી.

ધોધની જમણી દિશામાં અચાનક કોઈ ધડાકો થયો. સૌની નજર તે તરફ ગઈ. ત્યાં ધુમાડો દેખાવા લાગ્યો. નીરજાને મોહા તરફ ધકેલી, સેમ્યુલ અવાજની દિશામાં પાંચ સાત ડગલાં આગળ વધી ગયો, ધડાકાના કારણ અને પરિણામ વિષે વિચારવા લાગ્યો.

“અહીંથી જલ્દી નીકળી જાઓ. ફટાફટ સૌ ગાડીમાં ગોઠવાઈ જાઓ. ઓફિસ પર પહોંચી જાઓ. મોહા, તું બંને છોકરીઓને લઈને ગાડી પર આવી જ. હું ગાડી સ્ટાર્ટ કરું છું.” સેમ્યુલે ખૂબ જ ઝડપથી સૌને આદેશ આપી દીધો. તે દોડીને 50-60 ફૂટ દૂર ઊભેલી ગાડી તરફ દોડ્યો.

તેના સાથીદારો પોતપોતાની કારમાં ગોઠવાઈ ગયા અને અડ્ડા તરફ, ઓફિસ તરફ હંકારી ગયા.

મોહા, નીરજા અને વ્યોમાને ખેંચવા લાગી. ગાડી તરફ ધકેલવા લાગી. બંને ઢસડાતી, ઢસડાતી વિરોધ કરવા લાગી. માંડ 10/12 ફૂટ ઢસડાયા, ત્યાં તો સેમ્યુલ પર કોઈએ ગોળીબાર કરી દીધો. ત્રણ ચાર ગોળીઓ સેમ્યુલ પર છૂટી. ધોધની ડાબી દિશાએથી સેમ્યુલ પર ગોળીઓ વરસી હતી. તે ગાડીથી 30-35 ફૂટ દૂર હતો. તે ગાડી સુધી પહોંચી ના શક્યો. ગોળીઓથી બચતો એક મોટા પથ્થરની પાછળ છુપાઈ ગયો. તેણે પોતાની રિવોલ્વર કાઢી, ગોળીઓની દિશામાંની ઝાડી પર ચાર-પાંચ ફાયર કર્યા. ઝાડીને કોઈ જ અસર ના થઈ.

દૂરની બીજી કોઈ ઝાડીમાંથી એક ગોળી છૂટી. તેનાથી સેમયુલના હાથમાથી રિવોલ્વર પડી ગઈ.

“મોહા, કોઈએ આપણને ત્રણ દિશાએથી ઘેરી લીધા છે, જે આપણાં પર હુમલો કરી કરી રહ્યા છે. સૌ પહેલાં અહીંથી સલામત બચીને ભાગી નિકળ, ઓફિસ પર મળીશું...” સેમ્યુલ ભાગ્યો.

મોહા ત્યાંથી છટકવા લાગી. ફરી ગોળીબાર થયો. ગોળીઓ મોહા તરફ છૂટી. મોહા ત્યાં જ અટકી ગઈ.

એક તરફની ઝાડીમાંથી નરેશ અને બીજી તરફની ઝાડીમાંથી વિશાલ, તેઓની સામે આવી ગયા. બંનેના હાથમાં ગન હતી.

“મોહા અને સેમ્યુલ, હથિયાર નાંખી દો અને શરણે આવી જાઓ.” વિશાલે હુકમ કર્યો.

મોહા ઝડપથી નીરજા તરફ સરકી અને નીરજાને પકડી લીધી. નીરજાના કાન પર ગન તાકી બોલી, ”કોઈ પણ જાતનો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો નીરજાની લાશ મળશે. ચાલો, ફટાફટ બંદુકો ફેંકી દો, મી. નરેશ અને વિશાલ.”

મોહાની સ્ફૂર્તિ જોઈ, નરેશ અને વિશાલે ગન ફેંકી દીધી. હવે સેમ્યુલમાં પણ હિંમત આવી. તે પથ્થર પાછળથી બહાર આવી ગયો. નીરજા, મોહાની પકડમાં હતી. સેમ્યુલ વ્યોમાની નજીક જવા લાગ્યો. વ્યોમા હજુ પણ મુક્ત હતી. વ્યોમાને પકડવા તે તેના તરફ આગળ વધ્યો.

મોહાએ નીરજા પરની પકડ થોડી ઢીલી કરી. તે વિશાલ અને નરેશ પર જ નજર રાખી રહી હતી.

નરેશ અને વિશાલ, સમય પારખીને સ્થિર ઊભા હતા. કારણ કે, કોઈ પણ હલનચલન કરવાનો મતલબ છે, મોહાની ગનમાંથી નીકળેલી ગોળીથી નીરજાનું મૌત. તેઓ આવું જોખમ લઈ શકે તેમ ન હતા. એટલે જ વિવશ બની ઊભા હતા, સ્થિર.

સેમ્યુલ વ્યોમા તરફ આગળ વધવા લાગ્યો. વ્યોમાથી તે 20-22 ડગલાં દૂર હતો, ત્યાં જ અચાનક તેના કાન પર કોઈએ અણીદાર પથ્થર મારી દીધો. તેને તમ્મર આવી ગયા. તે પડી ગયો.

ચિત્તાની ઝડપે તેના પર બુરખાધારી કોઈ વ્યક્તિ તૂટી પડી. તેણે સેમ્યુલને પોતાના બાહુપાશમાં જકડી લીધો. સેમ્યુલ હવે કેદ હતો, પેલા નકાબધારી વ્યક્તિની કેદમાં.

પેલાએ નકાબ હટાવ્યો. તે અનુપમકુમાર હતો. નીરજા અને વ્યોમા સ્તબ્ધ થઈ ગઈ, વિસ્મય પામી ગઈ. ટ્રેનમાં સાથે યાત્રા કરતો હતો તે, મોબાઈલ કંપનીમાં મોબાઇલની ડિઝાઇન બનાવતો હતો તે, ખૂબ જ ઓછું બોલતો હતો તે, અતડો અતડો રહેતો હતો તે, અનુપમકુમાર.

‘તે અહીં ક્યાંથી? અને આમ આટલી ચપળતાથી અને બહાદુરીથી ગુંડાઓ જોડે બાથ ભીડી રહ્યો છે !’ નીરજા અને વ્યોમાના મનમાં સવાલો જગ્યા, પણ તે મૌન રહી. ઝડપથી બની રહી ઘટનાઓને જોતી રહી, સમજવા કોશિશ કરતી રહી.

“મોહા, તારો બોસ મારા કબજામાં છે, હવે તું પણ હથિયાર ફેંકી દે. નહીંતર તેનો જીવ જશે.” અનુપમે મોહાને પડકાર ફેંક્યો.

“તો, નીરજાનો પણ જીવ જશે, વિચારી લે.” મોહાએ તેને સણસણતો જવાબ આપ્યો. ગોળીઓના અવાજો સાંભળી સેમ્યુલના સાથીદારો એ જ સ્થળે પરત ફરવા લાગ્યા. તેઓએ તરત જ નરેશ અને વિશાલને ઘેરી લીધા, ”હમારે બોસકો છોડ દો, વરના...”

અનુપમ આ શબ્દોનો અર્થ જાણતો હતો. તેણે સેમ્યુલને છોડી દીધો. મોહાએ વ્યોમાને પણ પકડી લીધી. તેને પણ બંદૂકની અણી પર રાખી દીધી. સેમ્યુલના માણસોએ અનુપમને પણ પકડી લીધો.

સેમ્યુલ મોહા પાસે આવ્યો, “હવે જરા પણ સમય બગાડયા વિના તું બંનેને કાર પાસે લઈ આવ. આપણે ઓફિસે પહોંચવાનું છે. અને..” તે સાથીદારો તરફ વળ્યો, ” ઇન તિનોકો હમારે જાને કે બાદ ગોલીયોંસે ઉડા દેના.” આદેશ આપી તે ઝડપથી કાર તરફ ભાગ્યો.

નીરજા અને વ્યોમાને ધકેલતી મોહા પણ કાર તરફ ભાગી. મોહા, સેમ્યુલ કરતાં પહેલાં કાર પાસે પહોંચી ગઈ. તેણે નીરજા અને વ્યોમાને કારની પાછળની સીટ પર ધકેલ્યા. કારનો ડોર લોક કરી દીધો.

ક્ષણવારમાં સેમ્યુલ પણ કાર પાસે આવી ગયો. તેણે મોહા પાસે કારની ચાવી માંગી. મોહા લુચ્ચું હસી. સેમ્યુલ તરફ આગળ વધી, તેની લગોલગ ગઈ, અને તેના ડાબા ખભ્ભા પર ગોળી ચલાવી દીધી. સેમ્યુલ કાંઇ પણ સમજે તે પહેલાં, મોહાએ તેણે પછાડી દીધો અને તેના માથા પર ગન ધરી દીધી.

“તારા બધા જ સાથીદારોને હથિયાર ફેંકીને દૂર હટી જવા કહી દે. નહીંતર તારું માથું ફાડી નાંખીશ. ”મોહાએ સત્તાવાહી હુકમ કર્યો. સેમ્યુલે ઈશારો કર્યો. સૌ હટી ગયા. નરેશ, વિશાલ અને અનુપમકુમાર મુક્ત થઈ ગયા. તેઓએ સૌને નિ:શસ્ત્ર કરી નાંખ્યા.

મોહા હજુ પણ સેમ્યુલને દબાવીને ઊભી હતી. તેના હાથની ગન સેમ્યુલના કપાળ પર જ હતી. સેમ્યુલ, નરેશ, વિશાલ, અનુપમકુમાર અને સેમ્યુલના સૌ સાથીઓ સ્તબ્ધ હતા, દંગ હતા. મોહા શું કરી રહી છે એ સૌની સમજ બહાર હતું.

સૌથી વધુ હેરાન તો સેમ્યુલ હતો, ”મોહા, યહ ક્યા કર રહી હો? તુમ તો મેરી સબસે વફાદાર સાથી હો. સબસે ભરોસેમંદ હો. મેરે સામ્રાજ્યકી વારિસ હો. ફીર ક્યૂઁ મુઝસે દગા કર રહી હો... તુમસે યહ ઉમ્મીદ નહીં થી.... ક્યા ચાહતી હો તુમ, આખિર?”

“ચૂપ, બિલકુલ ચૂપ ! કેવી વફાદારી ને કેવો ભરોસો? હૂઁ કોઈ તારી સાથીદાર નથી.“ મોહાએ ફરી એક ઝટકો માર્યો, સેમ્યુલના પગમાં એક ગોળી મારી દીધી. સેમ્યુલ હવે સાવ લાચાર થઈ ગયો.

“તો, કોણ છે તું મોહા?” સેમ્યુલ ગુસ્સામાં બરાડી ઉઠ્યો.

“તે મોહા નહીં પણ પોલીસ ઈન્સ્પેકટર, નંદિની મોહપાત્રા છે.” સમગ્ર વાતાવરણમાં કોઈ પહાડી અવાજ ગુંજી ઉઠ્યો. સૌની નજર તે અવાજ તરફ ગઈ. સૌની નજરે દેખાયા કમિશ્નર વિનિતકુમાર ‘વેદ’ ! અને સાથે હતી પોલીસની આખી ફૌજ. પોલીસે સેમ્યુલ અને તેના સાથીદારોને પકડી લીધા. વાનમાં બેસાડી રવાના કરી દીધા. ધોધ અને જંગલ હવે ભય મુક્ત હતા.

પોલીસ ઈન્સ્પેકટર નંદિની ઉર્ફે મોહાએ નીરજા અને વ્યોમાને કારમાંથી બહાર કાઢ્યા. તેને લઈને નરેશ, વિશાલ, અનુપમકુમાર અને કમિશ્નર વેદ જ્યાં ઊભા હતા ત્યાં લઈ આવી.

નરેશ, વિશાલ અને અનુપમે કમિશ્નર તરફ પ્રશ્નાર્થ કર્યો, મોહા તરફ ઈશારો કર્યો. મોહાએ પણ સામે આ ત્રણેય વિષે કમિશ્નર સાહેબને પ્રશ્નાર્થ નજર કર્યો. નીરજા અને વ્યોમા માટે તો નરેશ, મોહા, વિશાલ, અનુપમકુમાર બધા જ વિસ્મયો હતા, આશ્ચર્યો હતા. સૌથી મોટું વિસ્મય તો કમિશ્નર વેદ હતા.