...#.... ચાલો તો કાંટાળા માર્ગે જ ,પણ ચીલો એવો ચિતરવો કે એ માર્ગે બીજો સરળતાથી ચાલ્યો જાય ...#....

...#...૦૭. અન્નપ્રાશન સંસ્કાર...#...

સોળ સંસ્કારમાં સાતમો સંસ્કાર છે ‘અન્નપ્રાશન.’ આ સંસ્કાર બાળકની શારીરિક આવશ્યક્તાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્ય રીતે છ-સાત માસનું થાય ત્યાં સુધી ફક્ત માતાના દૂધથી જ પોષણ મેળવતું હોય છે. એ પછીના સમયથી બાળકની શારીરિક અને માનસિક વૃદ્ધિ માટે વધારે પોષણયુક્ત ખોરાકની જરુર પડે છે. એ જરુરિયાતને પૂરી કરવા બાળકને ખોરાકનો સહારો આપવાની વિધિપૂર્વક પ્રથમ શરુઆત કરવી એ જ અન્નપ્રાશન સંસ્કાર છે.

‘अन्नस्य प्राशनं कार्यं मासि षष्ठेऽष्टमे बुधेः ।’

શાસ્ત્રોમાં અન્નને પ્રાણીઓનો પ્રાણ કહ્યું છે. શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક અન્નથી જ શરીર અને મન સ્વસ્થ રહે છે. આહાર શુદ્ધ હોય તો જ અંતઃકરણ શુદ્ધ બને છે. આથી બાળક આખી જિંદગી શુદ્ધ અને સાત્ત્વિક અન્નનું જ ગ્રહણ કરે તેવા હેતુથી ધાર્મિક વિધિ સાથે છઠ્ઠા કે સાતમાં મહિને અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે.
અન્નપ્રાશનનો અર્થ બાળકને તેજસ્વી, શૂરવીર, મેધાવી બનાવવાનો છે.
ભાત રાંધી એમાં દહીં, ઘી અને મધ મેળવી બાળકને પ્રથમ ભોજન કરાવવામાં આવે છે. ત્યાર બાદ પચવામાં સરળ અને શક્તિપ્રદાન કરનારો ખોરાક થોડા પ્રમાણમાં આપવામાં આવે છે. બાળકને નવા દાંત આવતા હોવાથી શરીરમાં ક્ષાર તત્ત્વની જરૂરિયાત ઉભી થાય છે. જો ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં ક્ષાર ન મળે તો બાળક માટી ખાવા પ્રેરાય છે, કારણ કે માટીમાં પુષ્કળ પ્રમાણમાં ક્ષાર રહેલો હોય છે. માટે ક્ષારયુક્ત ખોરાક પણ પ્રમાણસર બાળકને પૂરો પાડવો જોઇએ.
અન્નપ્રાશન સંસ્કાર કરવાના દિવસે વૈદિક મંત્રગાન સાથે પવિત્રપણે ભોજન પકાવાય છે. યજ્ઞમાં દેવોને આહુતિ અપાય છે. યજ્ઞ આહુતિ બાદ બાળકના પિતા બાળકના મોઢામાં પ્રસાદરુપી અન્ન મૂકે છે. બ્રહ્મભોજન સાથે આ સંસ્કાર પૂર્ણ થાય છે.
છ-સાત મહિનાના બાળકની પાચનક્રિયા પણ પ્રબળ બનતી જાય છે. આવા સમયે બાળક જે પ્રકારનું અન્ન ખાય છે, એ જ પ્રકારનું તેના તન-મનનું બંધારણ બંધાય છે. મનુષ્યના આચાર, વિચાર, આકાંક્ષા વગેરે અન્ન ઉપર જ નિર્ભર રહે છે. અન્ન જ મનુષ્યનું સ્વાભાવિક ભોજન છે, માટે ભોજનને ભગવાનનો પ્રસાદ માની ગ્રહણ કરવું જોઇએ.
કહે છે ને કે, ‘અન્ન તેવું મન’ અને ‘આહાર તેવો ઓડકાર.’
મહાભારતનો એક પ્રસંગ અન્નના પ્રભાવ વિશે ઘણું બધું કહી જાય છે.
બાણશય્યા ઉપર સૂતેલા પિતામહ ભીષ્મ પાંડવોને ઉપદેશ આપી રહ્યા હતા. એ સમયે અચાનક દ્રૌપદી હસવા માંડે છે. પિતામહે હસવાનું કારણ પૂછતા દ્રૌપદી જણાવે છે કે, “પિતામહ ! આપના ઉપદેશોમાં ગહન ધર્મનો મર્મ છૂપાયેલો છે. તમારી વાત સાંભળતા સાંભળતા મને કૌરવોની એ સભા યાદ આવી, જેમાં મારા વસ્ત્રોનું હરણ થઇ રહ્યું હતું. હું રાડો પાડી ન્યાયની ભીખ માગતી હતી, પરંતુ આપ જેવા ધર્માત્મા પુરુષ એ સમયે શાંતિથી બેઠા હતા. આપે દુર્યોધનને એ સમયે કેમ સમજાવ્યો નહીં ? એ જ વાતનો વિચાર આવતા મને હસવું આવ્યું.”
દ્રૌપદીની વાત સાંભળી પિતામહ ગંભીરતાથી બોલ્યા, “બેટા ! એ સમયે હું દુર્યોધનનું અન્ન ખાઇ રહ્યો હતો. જેવો કુમતિ ભર્યો દુર્યોધનનો સ્વભાવ હતો, એવો જ સ્વભાવ એમનું અન્ન ખાવાથી એ સમયે મારો હતો. પરંતુ અત્યારે અર્જુનના બાણ વાગવાથી પાપના અન્નથી બનેલ લોહી વહી ગયું છે અને મારા વિચારો શુદ્ધ થયા છે. એટલા માટે આ સમયે હું ધર્મ સંબંધી વાતો કરી રહ્યો છું.”
આવો છે અન્ન ખાવાનો પ્રભાવ. એટલા માટે જ સુસંસ્કારિત અન્ન અને શુદ્ધ વિચાર સાથે બાળકનો "અન્નપ્રાશન સંસ્કાર" કરવામાં આવે છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું આઠમા સંસ્કાર એવા "ચૂડાકરણ સંસ્કાર" વિશે.

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...

Read More

...#...૦૬. નિષ્ક્રમણ સંસ્કાર...#...

‘निष्क्रमणं नाम शशोः गृहात्‌ प्रथमं बहिर्गमनम्‌ ।’

નિષ્ક્રમણ સંસ્કાર એ પહેલીવાર શિશુને ઘરની બહાર લાવવાનો સંસ્કાર છે. આ સંસ્કાર પ્રસંગે વિવિધ વેદમંત્રોનું ગાન કરવામાં આવે છે. ગૃહ્યસૂત્રોમાં આપેલી નિષ્ક્રમણ સંસ્કારની વિધિ અનુસાર પિતા બાળકને ઘરની બહાર લઇ જાય છે અને મંત્રોના ઉચ્ચારણ સાથે સૂર્યનું દર્શન કરાવે છે.

‘चतुर्थमासि कर्तव्यं शिशोः निष्क्रमणम्‌ गृहात्‌ ।’

આ સંસ્કાર બાળકના જન્મ પછી ત્રીજા કે ચોથા મહિને કરવામાં આવે છે. કારણ કે બાળકની નાજુક આંખો ત્રણ-ચાર માસ પહેલા સૂર્યના પ્રકાશને ઝીલી શકે એટલી સમર્થ ન થઇ હોય. જો સમય પહેલા બાળકની આંખમાં વધારે પ્રકાશ પડે તો બાળકની આંખને નુકશાન પણ થઇ શકે છે. માટે શાસ્ત્રોમાં આ સંસ્કાર ત્રીજા-ચોથા મહિને કરવાનું કહ્યું છે.

ગૃહ્યસુત્ર અનુસાર માતા-પિતા આ સંસ્કારને સંપન્ન કરે છે. ક્યાંક આ સંસ્કારને સંપન્ન કરવા મામાને પણ આમંત્રણ અપાય છે. નિષ્ક્રમણ સંસ્કાર કરવા માટે ચોક્કસ દિવસે આંગણામાં જ્યાં સૂર્ય સ્પષ્ટ દેખાય તે ભાગને છાણ-માટીથી લીપી, તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી ધાન્યના કણ વેરવામાં આવે છે. બાળકને શણગારી કુલદેવતા પાસે લઇ જવાય છે તથા તેમનું પૂજન કરવામાં આવે છે. શંખધ્વનિ અને વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે શિશુને બહાર લાવી સૂર્યદર્શન કરાવાય છે. સૂર્યદર્શન બાદ મંદિરમાં ઇષ્ટદેવના દર્શન કરાવાય છે, ધૂપ, દીપ, માળાથી ઇષ્ટનું પૂજન થાય છે. સંતો કે બ્રાહ્મણોના આશિર્વાદ મેળવી બાળકને મંદિરની બહાર લાવી મામાના ખોળામાં આપવામાં આવે છે અને મામા બાળકને ઘરે લાવે છે.

આ સંસ્કારનું વ્યાવહારિક તાત્પર્ય એ છે, કે નિશ્ચિત સમય બાદ બાળકને ઘરની બહાર લાવવામાં આવે છે ત્યારે બાળકને બાહ્ય જગતનો પ્રથમ પરિચય થાય છે. બાળક ઘરની બહારના જગતના સંપર્કમાં પ્રથમવાર આવે છે. આ સંસ્કાર વખતે અથર્વવેદમાં આપેલો મંત્ર બોલાય છે.

‘शिवे ते स्तां द्यावापृथिवी असंतापे अभिश्रियौ, शं ते सूर्य आ तपस्तु शं वातो वातु ते हृदे । शिवा अभिक्षरन्त्वापो दिव्याः पयस्वतीः ।’

‘હે બાળક ! તારા નિષ્ક્રમણના સમયે આકાશ, પૃથ્વી વગેરે કલ્યાણકારી અને સુખદ બને, સૂર્ય તારા માટે કલ્યાણકારી પ્રકાશ પાથરે, તારા હૃદયમાં સ્વચ્છ વાયુનો સંચાર થાય, નદીઓ તારા માટે નિર્મળ જળ વહેડાવે, વગેરે...’

આ મંત્ર રહસ્યથી ભરેલો છે. બાળકના વિકસતા માનસ ઉપર પ્રકૃતિની ખૂબ મોટી અસર પડતી હોય છે. નદી, તળાવ, બાગ-બગીચા, પક્ષીઓનો કલરવ વગેરેના સંગમાં આવવાથી પ્રકૃતિના નિર્મળ, નિખાલસ ગુણો બાળકમાં ઉતરતા હોય છે. આજના ડૉક્ટર પણ દિવસ દરમિયાન થોડો સમય બાળકોને ખુલ્લી હવામાં ફરવા લઇ જવાની સલાહ આપે છે. કારણ કે પ્રકૃતિના સાનિધ્યમાં બાળકના તન, મન પ્રફુલ્લિત અને તંદુરસ્ત બને છે. વાતાવરણની ઠંડી-ગરમીને સહન કરવાની શક્તિ કેળવાય છે, જેથી શરીર ખડતલ અને તંદુરસ્ત બને છે.

સ્વચ્છ અને તાજા હવા-પાણીના અભાવના કારણે પુખ્ત વયના લોકો પણ બીમાર પડતા હોય છે, જ્યારે નાના બાળકનું શરીર તો ઘણું નાજુક હોય છે. તેથી તેને પુરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, સ્વચ્છ હવા વગેરે મળી રહે તે ખૂબ આવશ્યક છે. શહેરના પ્રદુષિત વાતાવરણમાં રહેતા લોકો માટે આ સૂચનો ચેતવણી સમાન છે. માટે બાળક જ્યારે ચાર-પાંચ મહિનાનું થાય ત્યાર બાદ નિયમિત થોડો સમય ઘરના વાતાવરણથી બહાર પ્રકૃતિ અને સમાજના સંપર્કમાં આવે એ જ આ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ છે.

સમય, સંજોગ, કુલપરંપરા, જ્ઞાતિભેદ વગેરેને કારણે આ બધા સંસ્કારોમાં વત્તા-ઓછા પ્રમાણમાં ફેરફાર જોવા મળતા હોય છે.

આવતી પોસ્ટમાં આપણે જાણીશું સાતમા સંસ્કાર એવા "અન્નપ્રાશન સંસ્કાર" વિશે...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....

Read More

હું દિલ તો તું ધડકન છે,
બંને એકબીજાને જરુરી છે...
હું સરળ તો તું ભુલભુલામણી,
ન સમજાણી તોય હૈયે સમાણી...
લાગણીઓ કહે હૈયાની હેતભરી,
તું કબૂલ,તો તારું સઘળુંય કબૂલ...
બસ તું મળે મને અલ્લડ "નિર્ઝરિણી" સમી,
સમાવી લેશે "કમલ"તને સ્વમાં સાયર બની...

Read More

...#...૦૫.નામકરણ સંસ્કાર...#...


‘एकादशे अहनी पिता नाम कृर्यात्‌ ।’

શાસ્ત્રના મત પ્રમાણે જન્મથી અગિયારમાં દિવસે,સોમાં દિવસે અથવા એક વર્ષે નામકરણ સંસ્કાર કરવો જોઇએ. બાળકના પિતા અથવા તો ઘરના કોઇ વડીલ સભ્ય વિધિપૂર્વક બાળકનું નામ પાડે તેને નામકરણ સંસ્કાર કહેવાય છે.
સુતકમાંથી નિવૃત્ત થયા બાદ માતા અને બાળકને સ્નાન કરાવવામાં આવે છે.ઇષ્ટદેવના સ્મરણ બાદ પ્રજાપતિ,તિથિ,નક્ષત્ર અને એના દેવતા અગ્નિ અને સોમને આહુતિ અપાય છે.પિતા શિશુના શ્વાસ-પ્રશ્વાસનો સ્પર્શ કરે છે,ત્યાર બાદ બાળકના કાનમાં,
‘हे कुमार त्वं... कुलदेवताया भक्तोसि ।
हे कुमार त्वं व्यवहार नाम्ना... असि ।’
જેવા મંત્રોનો ઉચ્ચાર કરે છે.ત્યાર બાદ પુરોહિત, કુલવૃદ્ધ, કુલગુરુ અથવા પિતા દ્વારા બાળકનું નામકરણ થાય છે.
બાળકનું નામ પરિવાર,સમુદાય તથા વર્ણસૂચક હોવું જોઇએ."પારસ્કર ગૃહ્યસૂત્ર પ્રમાણે નામ બે અથવા ચાર અક્ષર વાળું હોવું જોઇએ."આશ્વલાયન ગૃહ્યસૂત્ર પ્રમાણે છોકરાનું નામ અક્ષરોની બેકી સંખ્યાવાળુ તથા છોકરીનું નામ એકી સંખ્યા વાળું હોવું જોઇએ.પહેલા બાળકનો જન્મ થાય તે સમયના નક્ષત્રના નામ પરથી અથવા તો નક્ષત્રના અધિષ્ઠાતા દેવતાના નામ પરથી નામકરણ થતું. ત્યાર બાદ નક્ષત્રોને બદલે રાશિ આધારિત નામ પાડવાની પ્રથા પ્રચલિત થઇ.કુલ રાશિ બાર છે.જન્મના દિવસે અને સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ પરથી નિયત અક્ષરો પૈકીના કોઇ અક્ષરથી શરુ થતું નામ પાડવામાં આવે છે. જેની વિગત નીચે પ્રમાણે છે.

મેષ : અ,લ,ઇ
તુલા : ર,ત
વૃષભ : બ,ઉ,વ
વૃશ્ચિક : ન, ય
મિથુન : ક,છ,ઘ
ધન : ભ,ધ,ફ,ઢ
કર્ક : ડ,હ
મકર : ખ,જ
સિંહ : મ,ટ
કુંભ : ગ,શ,સ,ષ
કન્યા : પ,ઠ,ણ
મીન : દ,ચ,ઝ,થ

ઉપર્યુક્ત જે તે રાશિનું નામ ઉચ્ચારણમાં સરળ અને કર્ણપ્રિય હોવું જોઇએ. ભાષાના વિકાસની સાથે મનુષ્ય પોતાના જીવનમાં દૈનિક વ્યવહારની વસ્તુઓના નામકરણ માટે પ્રવૃત્ત રહ્યો છે. કારણ કે વ્યકિતના વિશિષ્ટ તથા નિશ્ચિત નામ વિના વ્યવહારનું સંચાલન અસંભવ હતું. વ્યક્તિગત નામોના મહત્ત્વ સાથે નામકરણ પ્રથાને ધાર્મિક સંસ્કારનું રૂપ અપાયું. નામ વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ તથા ભાવવાહી હોવું જોઇએ.
છોકરાનું નામ નારી જાતિનું કે છોકરીનું નામ નર જાતિનું ન હોવું જોઇએ. અન્યતર જાતિનું નામ ઘણીવાર વ્યવહારમાં ગોટાળા ઉભા કરતું હોય છે. અર્થ અને જોડણી જાણીને જ યોગ્ય નામ પાડવું જોઇએ.
નામ અર્થને સાર્થક કરનારું હોવું જોઇએ. ઘણા લોકો અર્થ વગરના નામો અથવા વિકૃત અર્થવાળા નામો રાખતા હોય છે. તાત્વિક દૃષ્ટિએ જોઇએ તો વ્યક્તિવાચક નામ પંચભૂતના પિંડનું છે, પરંતુ જીવને એ નામ સાથે તાદાત્મ્યપણુ, મારાપણું બંધાઇ જતું હોય છે. માટે બાળકનું નામ કોઇ ઢંગધડા વગરનું ન રાખતા સાર્થક રાખવું જોઇએ. જાતિ કે કુળને ગૌરવાન્વિત કરે તેવું નામ હોય તો તેની માનસ ઉપર પણ મોટી અસર પડતી હોય છે. અમૂક સમયે નામ જ વ્યક્તિના મૂલ્યાંકનનું માપદંડ બની જતું હોય છે, માટે નામ બાળકના આત્મગૌરવને વધારનારું, ઉત્સાહ પ્રેરનારું તથા પ્રેરણા આપનારું હોવું જોઇએ.
સામાન્ય રીતે દસ દિવસ બાદ બાળકને રમાડવા લોકો આવતા હોય છે. આવનાર દરેક લોકો બાળકને કોઇને કોઇ હુલામણા નામથી બોલાવે છે. જો દસમાં દિવસે નામકરણ થઇ ગયું હોય તો બાળકના જાતજાતના નામો પાડવાને બદલે લોકો એક જ નામથી બોલાવે છે. નહીંતર બાળક મોટું થાય ત્યારે પણ એનું મૂળ નામ શું છે, એ જ કોઇને ખબર હોતી નથી. તેથી બાળક પણ ઘણીવાર દ્વિધા અનુભવે છે.

શુભસ્તુ....

# આવતી પોસ્ટમાં આપણે જાણીશું છઠ્ઠા સંસ્કાર એવા "નિષ્ક્રમણ સંસ્કાર "વિશે...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...🙏🙏🙏

Read More

...#...૦૩. સીમન્તોન્નયન સંસ્કાર...#...

સોળ સંસ્કારોમાં ત્રીજો સંસ્કાર છે, સીમન્તોન્નયન (ખોળો / ગોદ ભરાઇ) સંસ્કાર.

સીમન્તોન્નયનનો સામાન્ય અર્થ
"सीमन्त उन्नीयते यस्मिन्‌ कर्मणि तत्‌ सीमन्तोन्नयनम्‌ ।"
અર્થાત કે,"સગર્ભા સ્ત્રીના વાળ ઉંચા ઓળવાની ક્રિયા એવો થાય છે."
ગર્ભવતી સ્ત્રીને પ્રફુલ્લિત રાખવા માટે તથા અશુભ શક્તિઓને દૂર રાખવા આ સંસ્કાર કરવામાં આવે છે. ઉંચા વાળ ઓળવાનો ઉદ્દેશ સગર્ભા સ્ત્રી છેલ્લા મહિનાઓમાં સાવધાનીથી વર્તે એવો છે.
આ સંસ્કારની વિધિ કૃષ્ણપક્ષની ચતુર્દશીએ કરવામાં આવે છે. અગ્નિ સ્થાપના, માતૃપૂજા, નાંદીશ્રાદ્ધ વગેરે વાસ્તવિક વિધિ-વિધાન સાથે આ સંસ્કારનો પ્રારંભ થાય છે. પત્ની પવિત્ર આસન ઉપર બેસે છે. એમની આગળ ઉદુમ્બર, કાચા ફળ, દર્ભ વગેરે એકઠા કરાય છે. પતિ દ્વારા મંત્રોના ઉચ્ચાર સાથે પત્નીના વાળને ઉંચા ઓળવામાં છે. સેંથામાં કંકુ પૂરે છે અને પત્નીને ચોખાના ઢગલા, તલ અને ઘીની સામે જોવાનું તેમજ બાળકના દીર્ઘાયુષ્યની કામના કરવાનું કહે છે. બ્રાહ્મણ ભોજન પછી આ સંસ્કાર પૂરો થયો ગણાય છે. સંસ્કાર પૂરો થયા બાદ તારા ઊગતા સુધી ભાવિ માતા મૌન ધારણ કરે છે. તારા ઉગતા મંત્ર સાથે વાછરડાનો સ્પર્શ કરી મૌન તોડે છે.
આ સંસ્કારમાં વૈદિક મંત્રો સાથે દેવો, સધવા સ્ત્રીઓ, વડીલોના આશીર્વાદથી ગર્ભની અમંગલકારી શક્તિઓથી રક્ષા થાય, ગર્ભસ્થ શિશુ તેજસ્વી, બળવાન, પરાક્રમી, તંદુરસ્ત અને દીર્ઘાયુષી બને એવી પ્રાર્થના થાય છે તથા ગર્ભવતી સ્ત્રી શારીરિક શ્રમથી દૂર રહે, માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની રક્ષા કરે એવો આ સંસ્કાર કરવા પાછળનો હાર્દ છે. આ સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેતું, જેવા કે પરિશ્રમ કરવો નહી, દિવસે સુવું નહીં, રાત્રે જાગવું નહીં, દુઃખ-શોકની લાગણીઓમાં વહેવું નહીં, અપવિત્ર જગ્યાએ જવું નહીં વગેરે... ગર્ભમાં રહેલ બાળકની શુદ્ધિ, પવિત્રતા અને સલામતિની ભાવના પણ આની પાછળ રહેલી છે.

મોટા ભાગના હિન્દુ કુટુંબોમાં આજે પણ આ સંસ્કાર કરવાની પ્રથા ચાલુ છે. આ સંસ્કાર સગાસંબંધીઓની હાજરીમાં પ્રયોજાય છે. મોટા ભાગે આ સંસ્કારની પદ્ધતિસરની ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી. ઘણીવાર આ વિધિ માત્ર સામાજિક પ્રથા તરીકે નાના પાયે પૂરી કરવામાં આવતી હોય છે. આ દુ:ખદ છે.

સીમન્તોન્નયન સંસ્કાર કરવામાં આવે ત્યારે ગર્ભસ્થ બાળકના સર્વ અંગોનો આકાર બંધાઇ ગયો હોય છે. એનું હૃદય ધબકવા લાગ્યું હોય છે, તેના શરીરમાં ચૈતન્યનો સંચાર થઇ ચૂક્યો હોય છે. અત્યંત સંવેદનશીલ અને નિર્મળ એવા બાળહૃદય-મન-બુદ્ધિ ઉપર સંસ્કાર દરમિયાન કરાતી માંગલિક વિધિઓની ઊંડી અસર પડતી હોય છે. ગર્ભસ્થ શિશુ ઉપર પડતા સંસ્કારોને જન્મજાત સંસ્કારો કહે છે. આ સંસ્કારો કોઇ કાળે ભૂંસાતા નથી, માટે સ્ત્રીએ આ સમયે ખૂબ જ સાવધાની રાખવાની હોય છે.
બાળકને કેવું બનાવવું તે માતાના હાથમાં હોય છે. તેથી જ ગર્ભિણી સ્ત્રીને રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો તથા ભગવાનના ચરિત્રો, સદાચાર, શોર્ય અને પ્રેરણાદાયી કથાઓનું શ્રવણ, વાંચન કરવાની સલાહ આપવામાં આવે છે.
સીમન્તોન્નયન સંસ્કાર આરોગ્ય વિષયક બાબતો ઉપર પણ પ્રકાશ પાડે છે. આ સમયે સ્ત્રીને સંપૂર્ણ પોષ્ટિક આહાર કરવાની સલાહ આપવામાં આવે છે. માતાએ પોતાનું અને ગર્ભસ્થ શિશુનું એમ બે જણનું પોષણ કરવાનું હોવાથી પોષ્ટિક આહાર લેવો અતિ આવશ્યક છે. અન્યથા બાળક કુપોષણનો ભોગ બને છે.
આખી જિંદગી સંભાળ રાખવી પડે એના કરતા ફક્ત નવ મહિનાની પૂરતી સંભાળ, સંસારને હરિયાળો બનાવી દે છે. માટે ગર્ભિણી સ્ત્રીએ પોતાના જીવનની કેટલીક અનિચ્છનીય રીતભાતોમાં અવશ્ય ફેરફાર કરવો જ જોઇએ.

આવતી પોસ્ટમાં આપણે જાણીશું ચોથો સંસ્કાર એવા "જાતકર્મ સંસ્કાર" વિશે...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....

Read More

...#.... (૨)પુંસવન સંસ્કાર...#....

આજે આપણે જાણીશું દ્વિતિય સંસ્કાર એવા "પુંસવન સંસ્કાર" વિશે...
દરેકે દરેક દંપતીની એક મહેચ્છા તો હોય જ છે કે, એમને ત્યાં પુત્રનું અવતરણ થાય. જે એમને "પુ" નામના નર્કમાંથી ઉગારે,અને એમનો વંશવેલો આગળ વધારે.એટલે તેઓ ઇશ્વર પાસે પુત્ર રત્નની કામના કરતા હોય છે.

ગર્ભધારણનો નિશ્ચય થઇ ગયા પછી બીજા કે ત્રીજા મહિને ગર્ભસ્થ શિશુનું ‘પુંસવન’ નામના સંસ્કારથી સિંચન કરવામાં આવે છે. પુસંવન શબ્દનો અર્થ ‘બાળકને જન્મ આપવો’ એવો થાય છે. બાળકમાં પણ નર બાળક બનવા તથા જ્ઞાનોદયના પ્રતિરોધને દૂર કરવા આ સંસ્કાર કરવામાં આવે છે.
પુંસવન સંસ્કારમાં બે ક્રિયા મહત્ત્વની હોય છે. પ્રથમ વૈદિક મંત્રો દ્વારા ગર્ભસ્થ શિશુ પુત્રરુપે અવતરે તથા બીજુ ગર્ભનું સારી રીતે પોષણ થાય એવા હેતુથી વિવિધ ઔષધીઓનું સેવન કરાવવું.
* પુંસવન સંસ્કારનો વિધિ મંત્ર :-

पुमानग्निः पुमानिन्द्रः पुमान्‌ देवो बृहस्पतिः ।
पुमांसं पुत्रं विन्दस्व तं पुमान्नु जायताम्‌ ।।


અર્થાત્‌ અગ્નિદેવ પુરુષ છે, દેવરાજ ઇન્દ્ર પુરુષ છે, દેવગુરુ બૃહસ્પતિ પણ પુરુષ છે. તેમ તને પણ પુરુષત્ત્વયુક્ત પુત્ર ઉત્પન્ન થાઓ.

યજુર્વેદમાં કહ્યું છે, કે શુભ મંગલમય વાતાવરણમાં વેદાદિ શાસ્ત્રોનો પાઠ કરી, ગણપતિ આદિ દેવતાઓનું પૂજન કરી વડલાના નવા અંકુરિત થયેલા પાંદડાઓ તથા દર્ભને પાણી સાથે વાટવું. ત્યારબાદ તૈયાર થયેલ એ ઔષધને પતિએ ગર્ભિણી સ્ત્રીના ડાબા નાક દ્વારા પીવડાવી નીચેનો મંત્ર બોલવો...

हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत ।
स दाधार पृथिवीं द्यामुतेमां कस्मै देवाय हविषा विधेम ।।

ગર્ભસ્થ શિશુ ત્રણ માસ સુધી કેવળ એક પીંડ (માંસનો લોચો) હોય છે. ચોથા મહીના બાદ એ ગર્ભમાં સ્ત્રી-પુરુષના અંગોનું સર્જન થાય છે. એ સમયે સગર્ભા સ્ત્રી, પોતાનું બાળક સંપૂર્ણ સ્વસ્થ, બળવાન અને પુત્રરુપે પ્રગટે એવી દેવોને પ્રાર્થના કરે છે. ઉપરાંત આ સંસ્કાર વખતે સગર્ભા સ્ત્રીને વિવિધ ઔષધિઓનું સેવન કરાવવામાં આવે છે, જેથી બાળકના શરીરનો બાંધો સુદૃઢ અને તંદુરસ્ત બને.
આ સંસ્કારની વિધિમાં ગર્ભિણી સ્ત્રીએ એ દિવસે ઉપવાસ કરવાનો હોય છે. નવા વસ્ત્રો ધારણ કરી વૈદ્યની યોગ્ય સલાહ પ્રમાણે વેદના મંત્રોના ગાન-પ્રાર્થના સાથે ઔષધિઓનું પાન કરવાનું હોય છે.
ગર્ભસ્થ શિશુની મંગલકામના માટે દેવોની કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. પ્રસન્ન થયેલા દેવો ગર્ભની રક્ષા કરે છે અને ઔષધિઓના સેવનથી ગર્ભ નિરોગી રહે છે.
પુંસવન સંસ્કારને ધર્મગ્રંથોમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે જન્મ થનાર બાળકના ઘડતર ઉપર આ સમયે શુભ-અશુભ સંસ્કારની વધારે અસરો પડતી હોય છે. માટે જ આ સંસ્કાર સમયે તથા ત્યારબાદ વેદમંત્રોનું ગાન તથા પ્રાર્થના કરવા ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
આધુનિક સમયમાં પુત્ર અને પુત્રી બન્ને પ્રત્યે સમાનભાવ વિકાસ પામ્યો છે, તે કેળવણીની ઉત્તમ નિશાની છે. દીકરીઓ પણ પરિવારને-સમાજને નવી દિશા આપી ગૌવરાંગવીત કરે છે. આજે દરેક ક્ષેત્રે દીકરીઓ પોતાનું ઉત્તમ સ્થાન બનાવી રહી છે, ત્યારે ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય એ જ પુંસવન સંસ્કારનો હેતુ છે. પછી એ પુત્ર હોય કે પુત્રી હોય.
સાર :- વેદાભ્યાસ અને મારા અનુભવે એક વાત રાખું છું કે," આ સંસ્કાર આપતી વખતે દરેક સગર્ભા સ્ત્રીએ એવી મહેચ્છા રાખવી કે એમનું સંતાન સર્વગુણ સંપન્ન હો,પછી એ પુત્ર હોય કે પુત્રી. કારણ કે સંસ્કારી પુત્ર આવશે તો "પુ"નામના નર્કમાંથી બચાવશે અને જો પુત્રી આવશે તો નર્કની યાત્રા જ ટળી જશે."

શુભસ્તુ....

આવતી પોસ્ટમાં આપણે જાણીશું તૃતીય સંસ્કાર એવા "સીમન્તોન્નયન સંસ્કાર" વિશે...

ત્યાં લગી સૌને,
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....

Read More

...#....(૧)ગર્ભધાન સંસ્કાર...#....

સોળ સંસ્કારોમાં પહેલા ત્રણ સંસ્કારો બાળકના જન્મ પહેલાના છે.તેમાંનો પ્રથમ ગર્ભધારણ સંસ્કાર અતિ મહત્ત્વનો છે.

‘गर्भ आधीयते येन कर्मणा तद्‌ गर्भाधानम्‌’

રજસ્વલા ધર્મનું પાલન કર્યા પછી શુદ્ધ થયેલી ધર્મપત્ની પાસે ઇષ્ટદેવના નામસ્મરણ સાથે જવું,તેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે.
જેવી રીતે ખેતીમાં યોગ્ય બીજની પસંદગી,યોગ્ય સમય અને સંજોગો સાથે વાવેતર કરવાથી ઉત્તમ અને મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે,એ જ રીતે ગર્ભાધાન સંસ્કાર યોગ્ય રીતે થાય તો સંતાન ઘણી દૃષ્ટિએ ઉત્તમ બની શકે છે.
આજના વિજ્ઞાન યુગના સંશોધન પ્રમાણે પુરુષ કે સ્ત્રીમાં હાલમાં જે અંડબીજ અને શુક્રબીજ હોય છે,એના ઉપર ઓછામાં ઓછા પાછલા એક મહિનાના આહાર-વિહાર અને વિચારની સ્પષ્ટ અસર જોવા મળે છે.એનો અર્થ એ થયો કે,"ગર્ભાધાન પહેલા સ્ત્રી-પુરુષે ઓછામાં ઓછું એક મહિના સુધી સંયમ પાળવું જોઇએ." ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આ સમયમાં ધાર્મિક અને સારા વિચારો કરવા જોઇએ.આપણા શાસ્ત્રોમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે વિશિષ્ટ યજ્ઞો તેમજ તપ કરવામાં આવતા, એવા અસંખ્ય ઉદાહરણો મોજૂદ છે.
જેવા કે રાજા દશરથે સંતાન પ્રાપ્તિ માટેનો વિષ્ણુયાગ કર્યો,જેનાથી ચાર મહાન પુત્રોની પ્રાપ્તિ થઇ હતી.
રાજા દિલીપે વશિષ્ઠના આશ્રમમાં ગાયનું દૂધ પીને ઉગ્ર તપ કર્યું,જેનાથી તેમને ત્યાં "કોણ" નામનો પરાક્રમી પુત્ર અવતર્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીએ બદરીકાશ્રમમાં બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું,તેથી તેમને ત્યાં પ્રદ્યુમ્ન જેવા કૌશલ્યવાન પુત્રનો જન્મ થયો હતો.

છાંદોગ્ય ઉપનિષદમાં ગર્ભાધાનની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે...

अहिरसि, आयुरसि, सर्वतः प्रतिष्ठासि ।
धाता त्वा दधातु विधाता त्वा दधातु ब्रह्मवर्चसा भवेति ।।
ब्रह्मा बृहस्पतिर्विष्णुः सोमः सूर्यस्तथाश्विनो ।
भगोथ मित्रावरुणो वीरं ददतु मे सुतम्‌ ।।

અર્થાત્ કે,
"હે આવનાર આત્મા !ભગવાન તને બ્રહ્મજ્ઞાનના તેજથી પૂર્ણ બનાવીને મોકલે,હે સમગ્ર બહ્માંડના દેવો !મને વીર અને સર્વગુણ સંતાન પ્રાપ્ત થાઓ."

એટલા માટે જ વિચાર,વાણી અને વર્તનની પવિત્રતા, ઇષ્ટદેવનું સ્મરણ તથા પ્રાર્થના સાથે થયેલું ગર્ભાધાન ઉત્તમ પરિણામ આપે છે.
એનાથી વિરુદ્ધ વિષયવાસના સાથે થયેલ ગર્ભસંસ્કાર નઠારું પરિણામ લાવતું હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે.

‘धर्माऽविरुद्धो भुतेषु कामोऽस्मि भरतर्षभ ।’

"ધર્મથી અવિરુદ્ધ કામ અર્થાત્‌ ધર્મશાસ્ત્ર દ્વારા માન્ય થયેલ કામ ભગવાનની જ એક વિભૂતિ છે."

સૃષ્ટિચક્રનો પ્રવાહ અવિરત વહેતો રહે તથા પિતૃઋણમાંથી મુક્તિ મળે તેવા હેતુથી આપણા શાસ્ત્રોમાં કામને પવિત્ર ગણવામાં આવ્યો છે.
આ દુનિયાનો લગભગ કોઇ મનુષ્ય કામથી મુક્ત થઇ શકતો નથી.સૃષ્ટિ સર્જનનું પ્રાથમિક બિંદુ જ કામ છે. એનાથી જ આ સૃષ્ટિપ્રવાહ અવિરત વહ્યા કરે છે.કામ ઇશ્વરીય શક્તિ છે, નવસર્જન કરવાની ઉર્જા છે. માટે એ શક્તિને પવિત્રતાથી સ્વિકારવી જોઇએ.એના તરફ અતિશય ઘૃણા પણ ન હોવી જોઇએ કે અતિશય આકર્ષણ પણ ન હોવું જોઇએ.તેને માત્ર મોજશોખ કે મનોરંજન માટે જ સ્વીકારવામાં આવે તો તેમાં રહેલી પવિત્રતા નષ્ટ પામે છે અને જીવની અધોગતિ થાય છે.

# ગર્ભાધાન સમયે અચૂક અનુસરવા જેવી વાતો:-

* ગર્ભાધાનના છ મહિના પહેલા જ દિનચર્યામાં ધ્યાન, પ્રાર્થના, સદ્વિચાર, યોગ, પ્રાણાયામ નિયમિત કરો.
* આહાર, વિહાર અને વિચાર શુદ્ધ રાખો.
* તમામ વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ કરી દ્યો.
* ટી.વી., સિનેમા જોવાનું સાહસ ભૂલ્યે પણ ન કરો.
* દ્વેષ-ક્રોધાદિક દુર્ગુણોને નિયંત્રણમાં રાખો.
* ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ રાખો.
* ઉત્તમ પુસ્તકો અથવા તો વેદોનું અધ્યયન કરો.

આ બધી વાતોનું સંયમ પૂર્વક પાલન કરવામાં આવે તો આવનાર જીવનું ઉચ્ચતમ કોટીનું બનવું નિશ્ચિત છે...


# આવતી કાલે આપણે દ્વિતિય સંસ્કાર એટલે કે "પુંસવન સંસ્કાર" વિશે વિસ્તૃત જાણકારી મેળવશું...

ત્યાં લગી સૌને
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર....

Read More

....#.... સોળ સંસ્કાર....#....

પરિવારને સૌથી પહેલાં તો જય ભોળાનાથ🙏🙏🙏

કેમ છો સૌ પરિજનો??
સુખમાં તો છો ને???
મહાદેવ સૌને હંમેશા મોજમાં રાખે...

ઘણા સમયથી લાંબી જ્ઞાનગોષ્ઠી કર્યાને ઘણો લાંબો સમય થઇ ગયો છે... નહીં???
તો ચાલો આજથી આપણે સોળ સંસ્કાર ના અતિઆવશ્યક જ્ઞાનનો સત્તર દિવસનો મહાયજ્ઞ શરુ કરીયે.
"હરિ"ના સૌજન્યથી યોજવામાં આવેલ આ જ્ઞાન યજ્ઞમાં સર્વે પરિજનોને ભાવભર્યું નિમંત્રણ આપું છું. હેતે પધારજો, અને છપ્પન ભોગ મ્હાયલા સોળ એવા સોળ સંસ્કાર રુપી જમણ ભાવથી જમજો. પાછાં હેતે હરિના ગુણ ગાજો...
સૌથી પહેલાં તો આપણે એ જાણીયે કે આ સોળ સંસ્કારોનું મહત્વ શું છે?
અને કયા કયા સોળ સંસ્કાર છે?
"કોઇ વસ્તુ કે પદાર્થને પોતાની મૂળ અવસ્થાથી વધારે સુંદર, મનોહારી બનાવવાની ક્રિયાને સંસ્કાર કહેવાય છે."
" કોઇ સાધારણ અથવા વિકૃત વસ્તુ-પદાર્થને વિશેષ ક્રિયાઓ દ્વારા ઉત્તમ બનાવવાની ક્રિયા એ જ સંસ્કાર."
પરમાત્માએ આપેલી અનેક સંપદાઓમાં માનવ શરીર પણ અમૂલ્ય બક્ષિસ છે. માનવ શરીર એ કેવળ પંચભૂતનું પૂતળુ નથી, તેમાં એક ચૈતન્ય પણ બિરાજે છે. જેને આપણે "આત્મા" કહીએ છીએ. એ ચૈતન્ય સાથે મળેલ મનુષ્ય દેહને જ્યારે યોગ્ય ક્રિયા-પ્રક્રિયા દ્વારા સંસ્કારીત કરી મહેકાવવામાં આવે છે, ત્યારે મનુષ્યદેહની સુંદરતામાં સુગંધ ભળે છે,અને આસપાસના અન્ય જીવોને પણ સુગંધિત કરે છે. મનુષ્યજીવનને મન, કર્મ, વચને પવિત્ર બનાવવું એ જ સંસ્કાર છે. આપણા દરેક વિચારો તથા પ્રવૃત્તિઓ મન દ્વારા ઉઠતા તરંગોને આધારે હોય છે, માટે મનને સંસ્કારિત કરવાની ખૂબ જરુર રહે છે. આપણા ઋષિમુનિઓએ માનવજીવનનું ઉંડું અધ્યયન કરી તેનો પૂર્ણ વિકાસ થાય, શરીર-મન-આત્માની સર્વાગીણ ઉન્નતિ થાય,એ માટે શાસ્ત્રોમાં સોનેરી સૂચનો કર્યા છે, અને જીવનચર્યાના નિયમો ઘડ્યા છે.
અને એ જીવનચર્યાના નિયમોને ઋષિઓએ સ્મૃતિ-ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્યા છે, જેને આપણે સંસ્કાર કહીયે છિયે. એ સંસ્કારો અનેક પ્રકારના છે, પરંતુ જે સંસ્કારોની અસર માનવજીવન ઉપર સૌથી વધારે છે એવા સોળ સંસ્કારો મુખ્ય છે. આ સોળ સંસ્કારોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય, જેમ કે,"મલાપનયન, અતિશયાધાન અને ન્યૂનાંગપૂરક."

# મલાપનયન :- કોઇ પદાર્થ-વસ્તુને શુદ્ધ કરી પોતાના મૂળ રુપમાં લાવવાની ક્રિયાને "મલાપનયન" કહે છે. જેમ કે દર્પણ ઉપર રહેલી ધૂળને, ગંદકીને સાફ કરી દર્પણ સ્વચ્છ બનાવવું.

# અતિશયાધાન :- કોઇ વસ્તુ-પદાર્થને વધારે સુંદર બનાવવા બીજા પદાર્થનો સહયોગ લેવામાં આવે તેને "અતિશયાધાન" કહે છે. જેમ કે શુદ્ધ કરેલા દર્પણને રંગ-રોગાન કરી, ફ્રેમ લગાવી દીવાલે ટીંગાડવું.

# ન્યૂનાંગપૂરક :- શુદ્ધ અને સંસ્કારીત ઘણા પદાર્થોને ભેગા કરી કોઇ એક પદાર્થનું નિર્માણ કરવાની ક્રિયાને "ન્યૂનાંગપૂરક" કહે છે. જેમ કે તેલ, મરચુ, મીઠું, હળદર વગેરે મસાલાઓના ઉપયોગ વડે દુધીનું શાક બનાવવું.

ગર્ભધારણથી માંડી મૃત્યુપર્યંત જીવ-શરીર સાથે જોડાયેલી અશુદ્ધિને સાફ કરવી તથા વિશેષ ગુણોને ઉમેરવાની વિશિષ્ટ વિધિને સંસ્કાર કહે છે. માટે હિન્દુ ધર્મમાં આ સોળ સંસ્કારોનું ખૂબ મહત્ત્વ છે. એ સોળ સંસ્કાર છે...
મનુસ્મૃતિમાં કહ્યું છે, ‘जन्मना जायते शूद्रो संस्कारात्‌ द्विज उच्यते ।’ અર્થાત કે,"જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર એટલે કે અપવિત્ર હોય છે, પરંતુ જ્યારે તેના ઉપર વિવિધ સંસ્કારો કરવામાં આવે છે, ત્યારે તે દ્વિજપણાને પામે છે." જન્મથી કોઇ વ્યક્તિ હીન કે મહાન નથી, પરંતુ તેના ઉપર કરવામાં આવેલા સંસ્કારોથી તેની પાત્રતા-મૂલ્ય અંકાય છે.
શરીર ઉપર કરવામાં આવેલા સંસ્કારોને કારણે બળ, બુદ્ધિ, આરોગ્યની પ્રાપ્તિ થતી હોય છે. તન, મન અને જીવને લાગેલા દોષો, અશુદ્ધિઓ સંસ્કારના કારણે દૂર થયા બાદ જ વ્યક્તિ શ્રેય પ્રાપ્તિનો અધિકારી બનતો હોય છે.
વિશ્વના લગભગ તમામ ધર્મોમાં આ સંસ્કારોની પ્રથા કોઇને કોઇ રીતે જોવા મળે છે. જેમ કે મુસ્લિમોમાં સુન્નત, ખ્રિસ્તીઓમાં બેપ્ટીઝમ ઉપરાંત નામકરણ, વિવાહ, અંત્યેષ્ટિ જેવા સંસ્કારો પણ વિવિધ ધર્મોમાં પ્રચલિત છે.
આ સંસ્કારો કરવા પાછળનું કારણ વ્યક્તિમાં નવા ગુણોનું આરોપણ કરી વૈયક્તિક, સામાજિક અને આધ્યાત્મિક ઉણપોને દૂર કરી તેને સર્વાંગ સુંદર બનાવવાનો પ્રયાસ છે. આજે સમાજમાં જેટલી સુખ-સમૃદ્ધિ વધી છે, એટલી જ સામે અરાજકતા પણ વધી છે. આની પાછળનું કોઇ કારણ હોય તો તે સંસ્કારોની ઉણપ જ છે. આજના સમયમાં માણસને સંસ્કારીત કરવો જેટલું અનિવાર્ય બની ગયું છે, તેટલું જ આપણા ઋષિમુનિઓએ આપેલી સંસ્કાર પરંપરાની વિધિ અનિવાર્ય બની ગઇ છે. આ વિધિ પ્રત્યે ઉપેક્ષા સેવવા પાછળના માઠા પરિણામો સમાજ આજે ભોગવી રહ્યો છે.
આજે સમાજમાં કોઇ કોઇ જગ્યાએ વત્તા-ઓછા પ્રમાણમાં સંસ્કારોની પ્રથા જોવા મળે છે. પરંતુ એ સંસ્કાર પાછળનો હેતુ-ઉદ્દેશ અથવા તો વિધિ-વિધાન ન જાણવાને કારણે સાચી ફળપ્રાપ્તિ થતી નથી.
હિન્દુ ધર્મના પાયાની વિધિ ગણાતા સોળ સંસ્કાર પ્રત્યે થોડી જાગૃતિ ઉદ્‌ભવે તથા વિસરાઇ ગયેલી સંસ્કાર પદ્ધતિની જાણ થાય તેવા હેતુથી સોળ સંસ્કારની થોડી જાણકારી આપવા પ્રયત્ન કર્યો છે, જે સૌને અવશ્ય લાભદાયી થશે...

# આપણા હિંદુ ધર્મના સોળ સંસ્કાર નીચે પ્રમાણે છે.
૧. ગર્ભાધાન,
૨. પુંસવન,
૩. સીમન્ત,
૪. જાતકર્મ,
૫. નામકરણ,
૬. નિષ્ક્રમણ,
૭. અન્નપ્રાશન,
૮. ચૂડાકર્મ,
૯. કર્ણવેધ,
૧૦. ઉપનયન,
૧૧. વેદારંભ,
૧૨. સમાવર્તન,
૧૩. વિવાહ,
૧૪. વાનપ્રસ્થ,
૧૫. સંન્યાસ,
૧૬. અંત્યેષ્ટિ.

તો આવતી કાલે "ગર્ભધાન"થી શરુ કરી અને અનુક્રમે એક એક કરીને દરરોજ એક એમ દરેકે દરેક સંસ્કારોનું વિસ્તારપૂર્વક જ્ઞાન ગ્રહણ કરીશું. અને આપણી હિંદ સંસ્કૃતિમાં તરબોળ થઇશું...અને સત્તર દિવસનો મહાયજ્ઞ કરીશું.
તો...? સિપાહી તૈયાર????

હા હા... જય ભોળાનાથ.....
હર હર મહાદેવ.... હર......🙏🙏🙏

Read More

ઝરમર વરસતી આ મેહ બુંદ,
બળતી જતી જાણે લિપ્સાઓ ચંદ...
હૂંફાળી થતી આ હવા મંદ મંદ,
"અનોખીપ્રિત"ના નિતનવા ફંદ...

....#.... સોમરસનું સાતત્ય....#....

જય ભોળાનાથ સૌને....
કેમ છો બધાં??? સુખમાં તો છો ને???

ચાલો આજે ઘણી લપ ના કરતાં સીધા થાળ પર તૂટી પડીયે, અને એક ઓર સ્વાદિષ્ટ વ્યંજનનો,....ઉપ્સ..."સોમરસ"નો સ્વાદ લઇયે...
"સોમરસ" શબ્દ સાંભળતા જ મદ્યપાન કરનારાઓના મનમાં લડ્ડૂ ફૂટે નઇ..?
અને મદ્યપાન ન કરનારાઓના મનમાં ધૃણા કે અણગમો કે તિરસ્કાર ભાવ જાગે...ખરું ને?
આ જ આપણી અજ્ઞાનતા. કોઇકે કહી દીધું કે,"દેવતાઓ સોમરસનું પાન કરી અપ્સરાઓનું નૃત્ય જોતા અને ભોગવિલાસ કરતા."
ખરેખર?? જે સનાતન ધર્મમાં માંસ-મદિરા વર્જિત છે એવી આજ્ઞા આપનાર દેવ, શું સ્વયં દારુડિયા હોય ખરાં?
માનવામાં આવે આ વાત?
ના... ન માની શકાય. પણ તેમ છતાંય ૯૯% લોકો આને સત્ય માને છે.
કારણ...? કારણ એજ કે આપણા સનાતન ધર્મના વિરોધીઓએ આ અફવાઓ ફેલાવી અને એથીયે દુ:ખદ એ કે,"આપણે એ અફવાઓને સમર્થન આપ્યું. માની લીધું"
ચાલો આજે આનું સ્પષ્ટીકરણ કરીયે. જો એક જીવના સમજમાં આ વાત આવી ગઇ તો આજની થાળીની મહેનત મારે મન વસૂલ થઇ...
જેમ આપણા ધર્મમાં તેંત્રીશ કોટી દેવતાઓ એટલે તેંત્રીશ કરોડ નથી. અહિંયા કોટી એટલે પ્રકાર છે. એન તેંત્રીશ પ્રકારના દેવતાઓ છે.
જેમ કોટી/કોટી માં ફરક છે. એવી જ રીતે, સોમરસ,મદિરા અને સુરાપાન આ ત્રણેયમાં ફરક છે. પરંતુ દ્વેષીઓ નાસ્તિકો દ્વારા ફેલાવેલ ખોટા પ્રચાર મુજબ વૈદિક કાળમાં દેવતા , રાજા - મહારાજા કે મોટા મોટા વિદ્વાન લોકો “ સોમરસ ” નું સેવન કરતા હતા , તેમના અને થોડા વિદ્વાનો ના “ સ્લીપર સેલ ” ફિલ્મ ટીવી ક્ષેત્રોમાં પણ ફેલાયેલા છે , માટે જ આપણ ને ઘણી ટીવી સીરીયલમાં બતાવવામાં આવે છે કે, દેવરાજ ઇન્દ્રની સભામાં સુંદર અપ્સરાઓ સોમરસ પીવરાવે છે, અને બધા દેવ તેનો આનંદ લે છે. સમાચાર પત્રો કે ચર્ચાઓમાં પણ ચાલાકીથી આ વાત મૂકી દેવામાં આવે છે કે દેવતા પણ દારૂ પીતા હતા . હંમેશા દારૂ ના સમર્થક લોકો પાસે એવું કહેતા સંભાળવામાં આવે છે કે," સોમરસ શું છે?દારૂ તો હતો.
ઓહ્‌ શું ખરેખર વૈદિક કાળમાં સોમરસ તરીકે દારૂ નો ઉપયોગ હતો? કે પછી તે માત્ર ભ્રમ છે ? કેમ કે ખોટો પ્રચાર કરવાવાળા લોકો વેદોની વાત કરીને જ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે. માટે આવો આપણે તેના વિષે વેદોના જ આધારો લઈને બધા સત્ય જાણીએ.
ખરેખર સત્ય એ છે કે,તે સમયકાળમાં આચાર વિચારની પવિત્રતા નું એટલું બધું ધ્યાન રાખવામાં આવતું હતું કે , થોડી પણ કોઈ આ પવિત્રતાને તોડે તો તેનો બહિષ્કાર કરવામાં આવતો હતો . કે પછી તેને આકરો પશ્ચયાતાપ કરવો પડતો હતો . સામાન્ય વાત છે કે "સનાતન ધર્મ કદિયે દારૂ પીવા અને માંસ ખાવાની પરવાનગી આપી શકતો નથી." એક સત્ય એ પણ છે કે, ધર્મ-આધ્યાત્મના પુસ્તકોમાં આપણે ઠેક ઠેકાણે નશાની નિંદા કે બુરાઈ સાંભળીએ છીએ. ત્યારે એ જ ધર્મ ની રચના કરનાર દેવતા કેવી રીતે દારૂ પી શકતા હશે ?
ઋગ્વેદમાં દારૂની ખુબ નિંદા કરતા જણાવેલ છે .
“હંસુ પીતાસો યુધ્યન્ત દુર્મદાસો ન સુરાયામ ”
અર્થાત્ કે સુરાપાન કરનાર કે નશીલા પદાર્થોને પીવા વાળા હંમેશા યુદ્ધ , મારા મારી કે ઉત્પાત મચાવ્યા કરે છે .
સોમરસ વિશે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે,"નીચોવેલ સુદ્ધ દધિમિશ્રિત સોમરસ , સોમપાન ની પ્રબળ ઈચ્છા રાખવાવાળા ઇન્દ્રદેવને પ્રાપ્ત હોય છે, તે નીચોવેલ સોમરસ તીખો હોવાને કારણે દુગ્ધ માં મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવેલ છે. આવો અને તેનું પાન કરો."
અહિયાં બધી જ રુચાઓમાં સોમરસમાં દૂધ અને દહીં મેળવવાની વાત થઇ રહી છે.સ્વભાવિક છે કે દારૂ માં દૂધ - દહીં તો ન ભેળવી શકાય . એટલે કે સોમરસ દારૂ કે મદિરા ન હોઈ શકે . અહિયાં આ એક એવા પદાર્થ નું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં દહીં પણ મેળવી શકાય છે . માટે તે વાત સ્પષ્ટ થઇ જાય છે કે સોમરસ જે પણ હોય , પણ તે દારૂ કે ભાંગ તો ક્યારેય ન હતી અને તેનાથી નશો પણ નથી થતો . મદિરા ના પાન માટે “ પાન ” શબ્દ નો ઉપયોગ કરવામાં આવેલ છે , જયારે સોમરસ માટે સોમપાનનો ઉપયોગ કરવામાં આવેલ છે . મદ નો અર્થ નશો કે ઉન્માદ છે, જ્યારે સોમ નો અર્થ શીતલ - અમૃત થાય છે . હવે સવાલ ઉઠે છે કે સોમરસનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ? હકીકતમાં દેવતાઓ માટે આ મુખ્ય પદાર્થ હતો , અને અનેક યજ્ઞોમાં તેનો ઉપયોગ થતો હતો . વરાહપુરાણ મુજબ બ્રહ્મા અશ્વિની કુમાર જે સૂર્યના પુત્ર હતા , તેમને તેની તપસ્યા ના ફળના સ્વરૂપે સોમરસ પાન નો અધિકાર મળ્યો હતો. જે કોઈ દેવત્વને પ્રાપ્ત થતા હતા એમને પણ તપસ્યા પછી હવન દ્વારા જ સોમરસ પાન નો અધિકાર મળતો હતો . તો હવે એટલી પવિત્ર વસ્તુ દારૂ કેવી રીતે હોઈ શકે?
એક માન્યતા એ પણ છે કે , સોમ નામની લતાઓ(વેલ) પહાડોમાં મળી આવતી હતી . રાજસ્થાનના અબ્દ , ઓરિસા ના હિમાચલના પહાડો , વિંધ્યાચલ , મલય વગેરે અનેક પહાડી વિસ્તારોમાં તેની લતાઓ મળી આવવાનો ઉલ્લેખ મળે છે . અમુક વિદ્વાનો માને છે કે, અફઘાનિસ્તાન ના પહાડો ઉપર સોમ નો છોડ મળી આવે છે . તે વગર પાંદડાનો ઘાટા બદામી રંગનો છોડ છે . બીજા અધ્યયનોથી જાણવા મળે છે કે વૈદિક કાળ પછી , એટલે કે ઈ.સ. થી ખુબ પહેલા જ આ છોડ ની ઓળખ મુશ્કેલ થતી ગઈ . તે પણ કહેવામાં આવે છે કે સોમ ( હોમ ) અનુષ્ઠાન કરવા વાળા લોકોએ તેની જાણકારી સામાન્ય લોકોને ન આપી , તેને પોતાના સુધી જ રાખી, અને સમયાન્તરે આવા અનુષ્ઠાન કરવાવાળા નાશ થતા ગયા,અને આવી રીતે સોમ ની ઓળખ મુશ્કેલ થતી ગઈ .
ઋગેવમાં સોમરસ નિર્માણ ની વિધિ જણાવેલ છે . !!
"ઉચ્છિષ્ટ ખ્યોર્ભર સોમ પવિત્ર આ સુજ ! ની બેહી ગોરધી વ્યી !!"
અર્થાત્ કે "મુસલ થી કચરેલી સોમને વાસણમાંથી કાઢીને પવિત્ર કુશાના આસન ઉપર રાખો અને ગાળવા માટે પવિત્ર ચરમ ઉપર રાખો . !!
"ઔષધી સોમ સુનોતે પદેનમભીશુન્વન્તી !"
અર્થાત્ કે સોમ એક ઔષધી છે જેને વાટી - ઘૂંટીને તેનો રસ કાઢે છે.
સોમ ને ગાયના દુધમાં ભેળવીને ‘ ગવશિરમ ’ દહીં માં ‘ દૂધ્યશિરમ ’ બને છે . મધ કે ઘી સાથે પણ મિશ્ર કરી શકાય છે . સોમ રસ બનાવવાની પ્રક્રિયા વૈદિક યજ્ઞોમાં ખુબ મહત્વની છે . તેની ત્રણ અવસ્થાઓ છે : પેરના , ગાળવું અને મીલાવવું . કહેવામાં આવે છે ઋષિ - મુની તેને અનુષ્ઠાનમાં દેવતાઓને અર્પણ કરતા હતા અને પછી પ્રસાદના રૂપમાં પોતે જ તેનું સેવન કરતા હતા . સોમરસ એક એવું પીણું છે , જે સંજીવની જેવું કામ કરે છે . તે શરીરને હંમેશા યુવાન અને શક્તિશાળી બનાવી રાખે છે.
(સરળતાથી સમજાય એવું છે કે" આ પદાર્થ દારૂ કે નશાની કોઈ વસ્તુ તો હોઈ જ ન શકે.")

"સ્વાદુશ્કિલાય મધુમા ઉતાયમ ,
તીવ્ર : કિલય રસવા ઉતાયમ !
ઉતોનસ્ય પપીવાસમીન્દ્રમ ,
ન કશ્ચન શહત આહવેષ !! ઋગ્વેદ ( 6-47-1 )

અર્થાત્ કે સોમ રસ ખુબ સ્વાદિષ્ટ અને મીઠું પીણું છે , તેનું પાન કરવાવાળા શક્તિશાળી થઇ જાય છે , તે અપરાજિત બની જાય છે .

શાસ્ત્રોમાં સોમરસ લૌકિક અર્થ માં એક બલવર્ધક પીણું માનવામાં આવે છે . શું દારૂ પીવાથી ક્યારેય માણસમાં બળ આવી શકે છે ? કે તે શરીરને યુવાન બનાવી રાખી શકે છે ? પણ આ તો હિંદુ ધર્મને બદનામ કરવાનો હોય , માટે જ નાસ્તિકો, દારૂડિયાઓ સોમરસ ને “ દારૂ ” ના સ્વરૂપમાં પ્રચલિત કરે છે . થોડા વર્ષો પહેલા ઈરાનના પહાડોમાં ઇડા નામનો છોડ શોધવામાં આવ્યો . જેને સોમલતા માનવામાં આવ્યો છે .

હવે એથીયે ઉપર જો સોમરસની આધ્યાત્મિક બાજુ જોવામાં આવે તો એમ માનવામાં આવે છે કે, "સાધક જયારે સાધનાની ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે, ત્યારે સાધકના શરીરમાં ઉત્પન્ન થતો રસ જ સોમ છે." એટલે જ કહેવામાં આવે છે કે,
"સોમમ્‌ તે પપીવન યત સવિશન્યોચ્છીમ !
સોમ ય બ્રહ્માનો વિદુર્ણ તસ્યશ્નાતી કશ્મન !!"
અર્થાત્ કે," એટલે કે એક સોમરસ આપણા અંદર પણ છે , જે અમૃત સ્વરૂપમાં પરમ તત્વ છે જેને ખાઈ પી નથી શકતા માત્ર જ્ઞાનીયો દ્વારા જ મેળવી શકાય છે."

# કહેવાનો અર્થ એ છે કે સનાતન ધર્મ ને બદનામ કરવા , તેની મજાક ઉડાવવા અથવા સનાતન ધર્મને બદનામ કરવા દારૂડિયા નાસ્તિક વેચાઈ ગયલા લોકો આપણા વૈદિક ગ્રંથો ના જુદા જુદા શબ્દોમાં ગમે તેવા અર્થ કાઢે છે,અને તેનો ખોટો પ્રચાર કરે છે. એની સામે આપણે પણ આવનારી પેઢીને સાચી માહિતી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરતું રહેવું પડશે .


જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....

Read More