મને બાળપણથી વાંચનનો બહોળો શોખ રહ્યો છે.એ શોખ મારામાં મારા પપ્પાએ મને નવા - નવા પુસ્તકો આપીને કેળવ્યો હતો. ત્યારબાદ 14 વર્ષની વયે પ્રથમ સ્વ-લેખનનો પ્રયાસ કર્યો પછી તો કોલેજમાં પણ હું ઘણું લખતી રહી અને પ્રોત્સાહન પણ ઘણું મળતું રહ્યું. અભ્યાસ અને વ્યવસાય વિસ્તર્યા એમ વાંચન ને લેખન વધુ વિસ્તર્યા.આજના દોડધામ વાળા જીવનમાં વ્યક્તિનો જીવન સંઘર્ષ અને માનસિક શ્રમ મને હકારાત્મક, જીવનલક્ષી અને જીવનની રોજિંદી ઘટમાળનું લખાણ પ્રેરે છે . જેને રજૂ કરવાની તક માતૃભારતી દ્વારા સાંપડી છે.

રમી  રહ્યાં છે  કોમળ  કિરણ  સૂર્યના,
ભરપૂર  તાજગી  ભરીને  આંગણમાં.

પારિજાતની  મીઠી  મધુર સુંગધ સમી,
પ્રસરી  રહી  સર્વમાં  અખૂટ  પ્રસન્નતા.

મુક્ત વિહાર  કરતાં  ગગને સૌ વિહંગ,
મીઠાં  મધુર  ગીત   ગણગણી  રહયાં.

નિર્મળ વ્યોમને  હળવું  ધુમ્મસ ઘોળતું,
ડહોળાયો જાણે અજવાશ આકાશમાં.

ને ત્યારે સુષુપ્ત  શમણાં  થયાં જાગ્રત,
નવા  નક્કોર  શુભારંભ   અર્થે  જાણે.

અત્યંત  કોલાહલ  વચ્ચે  પણ  જાણે,
કોઈ  ઢંઢોળે  મારા  આ  સુષુપ્ત મનને.

                 ✍...... ઉર્વશી. " આભા "

Read More

ઓ વાદળી મન મુકીને જઈ ત્યાં જ વરસ,
જ્યાં ખરા અર્થમાં છે તરસ.

કાયમ લાગે હાથમાં બાજી આવી ને તરત,
હાર જ મળી છે વરસો વરસ.

ઝાકળને મુઠ્ઠીમાં ભરવાની હામ રહી કાયમ,
છે ઝાંઝવાનાં નીર વાળી ફરસ.

ભલે એક ઘા રુઝાય ને બીજો થાય તરત,
તેં જ આપ્યા એટલે લાગે સરસ.

પણ હા, જાળવી રાખજે રસ જીવવાનો,
જો હું થઈ જાઉ સાવ નિ:રસ.

                ✍..... ઉર્વશી. "આભા"

Read More

તમારા પ્રેમના છાંટણા પડ્યા મુજ પર,
હવે રહેશો તમે જ મારા ઇશ આજીવન,

તમને જ કર્યું છે મેં મારું સઘળું અર્પણ,
તમારા ચહેરાનું સ્મિત એ જ મારું જીવન.

આનાથી અધિક કે ઓછું ન આંકયુ મેં મૂલ્ય,
મારા ઇશમાં જ વિલીન છે મારુ અસ્તિત્વ.

✍..... ઉર્વશી.

Read More

મોકળાશ શબ્દ સાંભળીને  પહેલો વિચાર આવે કે દરેક વ્યક્તિને જીવનમાં જેટલી મોકળાશથી જીવવું હોય છે એટલી મોકળાશ એને  ક્યારેય પણ મળે છે???

        આપણે આપણા માટે વિચારીએ તો આપણે આપણા જીવનમાં મોકળાશ જોઈએ છે પણ જયારે આપણી સાથે કોઈપણ સંબંધમાં જોડાયેલી વ્યક્તિ હોય એ થોડી પણ મોકળાશ શોધે કે ખુલીને જીવે તો આપણે કયારેય ચલાવી શકીએ છે???  આપણે તરત જ એને પરંપરાઓ અને રીતિરિવાજોમાં બાંધી દઈએ છે.

      આપણે જે રીતે જીવ્યા અન્ય પણ એમ જ જીવે એ જરૂરી નથી કોઈને તો મોકળાશથી જીવવા દો. હા!!! એને ભાન કરવો કે તારા માટે શું સારું અને શું ખરાબ છે.

       આપણે પણ એવા સંબંધો જ ઇચ્છિએ છે જેમાં આપણે મોકળાશથી જીવી શકીએ. કોઈ અકળામણ ન હોય સંબંધનો કોઈ ભાર ન હોય. આ વાત દરેક વ્યક્તિ નથી સમજતી. ક્યારેક તો લાગે કે કેટલાક સંબંધો જાણે બંધન જ છે.

       આપણું જીવન જીવવા માટે આપણે મોકળાશ શોધવી પડે. ખાસ કરીને  સ્ત્રીઓને પોતાના મનની વાત કહેવા માટે કે પછી  કોઈપણ બાબતમાં પોતાનો પક્ષ જણાવવાની મોકળાશ રેહતી નથી. ઘણાં અપવાદરૂપ લોકો આ વાત સમજે પણ છે.

       જો વ્યક્તિ મોકળાશથી પોતાના મનની વાત રજૂ કરી શકે તો એનું દુઃખ અને તણાવ બંને ઓછા થઈ જાય પણ એને અંદરથી ડર હોય છે કે હું આને આ વાત જણાવીશ તો આ સ્વીકારી નહીં શકે કે મને નહીં સમજી શકે માટે એ કંઈપણ કહી ન શકે. જો આપણને આવો સંબંધ મળ્યો હોય જ્યાં આપણે મોકળાશથી કોઈપણ વાત કરી શકીએ તો એને સાચવી રાખજો, માન આપજો આવા સંબંધ કે મિત્ર મળે એના જીવનમાં તણાવ કે તકલીફ ઝાઝું ટકે જ નહીં.

       આપણને મોકળાશ ક્યાં મળે છે કેવા વાતાવરણમાં કે કેવી જગ્યાએ કે પછી કઇ વ્યક્તિ સાથે એ આપણે સમજી જઈએ તો જીવનમાં  ક્યારેય એકલું લાગે નહીં.

        કોઈને પ્રાકૃતિક વાતાવરણમાં તો કોઈને ઘરમાં થોડું એકાંતમાં રહેવામાં અને કયારેક કોઈ મિત્ર સાથે વાત કરીને પણ મોકળાશનો એહસાસ થાય. 

        અત્યારના વ્યસ્ત જીવનમાં આપણે આપણાં મનને પણ મોકળાશ આપવાનું ભૂલી ગયા છે. આપણે શાંતિથી સમય લઈને કે મુક્ત મનથી વિચારતા જ નથી.

    મોકળાશ એટલે મુક્ત વિહાર કરતા હોઈએ  કે કોઈ બંધન ન હોય એવું લાગે એ મોકળાશ. એ મળે છે ખરી???

     
                                         .....✍......  ઉર્વશી.

Read More

રખે માનતા ક્યારેય ઘા નથી થયા મુજ પર,
પણ ઝળહળી રહી જ્યોત આંતરમહી.

ઝીલ્યા, સંકોર્યા ને કર્યા અળગા સઘળા ઘા,
ત્યારે પથરાયો છે અજવાશ આંતરમહી.

હાર માની તૂટી જવું એ વાતમાં શું માલ છે,
બસ ઢંઢોળ સ્વ ને, અખૂટ ભંડાર તારા મહીં.

સમયાંતરે આ સુખ દુઃખનું પૈડું ફર્યા કરવાનું,
માણ તું પ્રત્યેક ક્ષણ ને ભીતરે ભીનાશ સહી.

ઝાલજે તું હાથ એનો જે લંબાવે સંગ તુજ,
માણજે સંગાથ એનો ને કહાની અનકહી.

✍...... ઉર્વશી.

Read More

નથી નજરે ચડતો નભમાં એકેય તારો;
ચારેતરફ છવાયેલો  ગાઢ અંધકાર છે.

ક્યાંક ઘવાયેલી લાગણીઓની પીડા છે,
તો ક્યાંક રૂંધાયેલી ઈચ્છાઓનો ભાર છે

-Urvashi Makwana

Read More

સ્થિતિ કાયમ આ નથી જ રહેવાની,
સમય સાથે એ અચૂક બદલાવાની.

તો ભયથી કેમ ફફડી ઉઠીએ આપણે!
ચાલ મોજથી જીવી લઈએ આપણે.

સ્મિતનું સૌંદર્ય સદા મુખ પર ધરીએ,
હાથમાં હાથ રાખી થોડાં ડગલાં ચાલીએ.

બંધ આંખે મધુર સ્વપ્ન મિલનનું ધરીએ,
જેમાં આપણે સાથમાં થોડું જીવી લઈએ.

✍..... ઉર્વશી.

Read More

વાસ્તવિકતાથી પર સ્વપ્ન મળ્યું,
ને સ્વપ્નમાં ઝાંઝવાનું જળ મળ્યું.

રહેતા બધાં ભલે વ્યસ્ત ઘોંઘાટમાં,
હું એ જળમાં મ્હાલીને મસ્ત રહું.

મારે વશ નથી કરવું ઘેરા તિમિરને,
બસ મુઠ્ઠીભર ઉજાસને હું હૈયે ધરું.

સકળમાં વ્યાપ્ત આ ગાઢ કોલાહલ,
એમાં હું સાવ થોડી હળવાશ ધરું.

તારી યાદોની આ સોડમ પ્રસરી બધે,
હવે તો એ યાદોમાં જ મુગ્ધ હું રહું.

Read More

દર્દ તો દિલમાં હોય છે,
પથ્થરદિલને શી ખબર?

દર્દની રેખાઓ ચેહરા પર દેખાય,
ક્રૂર નજરોને શી ખબર?

દર્દ સાથે દરેક પળ સજાવે છે,
લાગણીવિહીન હૃદયને શી ખબર?

હોય મોસમ દર્દનો કે ખુશીનો,
નથી કરતો અશ્રુધારા ક્યારેય,

દર્દનો વિસ્તાર વધારનારને,
નથી હોતી એની ખબર ક્યારેય.

Read More