Hey, I am on Matrubharti!

ગઝલ# શબ્દની સાધના


વ્યક્ત થાવાનો સંતોષ જ્યારે મળે
શબ્દની સાધના એ ચરણમાં ફળે

વીજની જેમ ચમકી છુપી જાય છે
તું પકડ એ જ પહેલા તને એ છળે

ખોતરીને કલમથી જો કાઢી નહીં
ફાસ તો આ દરદની પછી સળવળે

કલ્પનો ના હલેસા ચલાવીને જો
નાવ શબ્દોની તું જ્યાં કહે ત્યાં વળે

જગથી આ એક અંગત વિસામો છે જ્યાં
બે ઘડી બેસ તો થાક તારો ટળે

કોઇ મેહબૂબ જેવી વફાદાર છે
ભાવ ક્યો છે કે જેને કલમ ના કળે

અક્સ તારું જ ઢોળાય સ્યાહી વડે
એ પ્રતિબિંબ તારું બની ઝળહળે


"ચાહત"

Read More

હું તરબતર પલળુ છતાં શેની તરસ વરસાદમાં?
તારી તલબ છે તું જ આવીને વરસ વરસાદમાં

મદથી છલોછલ આંખનાં જો જામ છલકાશે નહીં
ચાતક હૃદય ની તો પડે ખોટી ધગસ વરસાદમાં

જો એક ધ્રુવ ખેંચે બીજાને, દૂર થઈ શકશે નહીં
થાશો વિવશ દેવા પછી અમને દરસ વરસાદમાં

કોરા હ્દય પર પ્રેમની ભીની ગઝલ કંડારશુ
તો યાદ રહેશે આ ક્ષણો વરસોવરસ વરસાદમાં

મોસમને તો જાણે ચડ્યો છે કૈફ આ રસપાન નો
પાણી ની સાથે આજ ઘોળી છે ચરસ વરસાદમાં

છે પક્ષમાં કુદરત પછી શું ડર જગતનો રાખવો?
પરદો છે જલધારાનો, થઈ જા એકરસ વરસાદમાં


ચાહત

Read More

બની શકતી હતી આતશ છતાં અટકી છે સ્વેચ્છાએ
એ ચિનગારી હજુ અંધારને વળગી છે સ્વેચ્છાએ

વિષૈલી ડાળ જો બાળે તો બળશે વૃક્ષ પણ આખું
દબાવી ને અગન ભીતર સતત સળગી છે સ્વેચ્છાએ

પડે બોજો હૃદયને શ્વાસ નો ત્યાં જીંદગી કેવી?
હયાતી માણવા તાજી હવા ભરવી છે સ્વેચ્છાએ

કરમ જાતે જ એની ગૂઢ વાણી બોલશે એથી
વિચારીને ઘણું એ મૌન માં સરકી છે સ્વેચ્છાએ

સમય નો સાથ ના હો તો હુકમનું પત્તું પણ હારે
સમય પાક્યા પછી બાજી બધી પલટી છે સ્વેચ્છાએ

જવા દો વ્હેણ સાથે નાવ તો એ તટ સુધી પહોંચે
ફસાણી છે વમળમાં કેમકે જકડી છે સ્વેચ્છાએ

ચુકવવાને હિસાબો શેષ એ તત્પર ઘણી લાગી
હશે એવું! સફર આ આખરી કરવી છે સ્વેચ્છાએ

‌ચાહત

Read More

માતૃદિન નિમિત્તે 🙏🙏
ગઝલ#


માં તને જે ક્ષણે ગુમાવી છે
બદનસીબી ગળે લગાડી છે

જે ઘરે સૂર્ય અસ્ત ના થાતો
ત્યાં તમસ કાયમી સમાણી છે

આંચકી ગ્યો સમય એ પાલવને
ટેવ વ્હેલી મને મુકાવી છે

ગોદ રોવા મળી નહીં તારી
આંખ આ ત્યારથી સુકાણી છે

તૂં ગઈ સંગ બાળપણ લઈને
પીઢતા એ મને મઠારી છે

ઘાત પાછી હટી દુઆ સામે
હાજરી આમ તે પુરાવી છે

ભલભલા ઘાવ ને સમય સાંધે
ચોટ મારી હજુયે તાજી છે

છોડ સીંચ્યો તે રકતથી તારા
આજ એ છાંયડી બધાંની છે

શુદ્ધ મમતા એ ના મળે પાછી
પ્રેમમાં ભેળસેળ જાજી છે

મારું અસ્તિત્વ અંશ તારો છે
ના સમજ, તું મને ભુલાણી છે


ચાહત

Read More

#ગઝલ

આંખો માં ઉફાણ લઈને
વીંધે તીખું બાણ લઈને

ધીરજના ભંડાર ખુટે છે
આપી ગ્યા બે દાણ લઈને

ઝીલી રાખી જાત પરાણે
આવ્યા કેવી તાણ લઈને

કડવા જગમાં બાથ ભરે તું
મધની મીઠી ખાણ લઈને

છે કેવો આ પ્રેમ સરળ પણ
આવ્યા સૌ રમખાણ લઈને

છોડી જાજો, એક શરત છે
નિકળો મારા પ્રાણ લઈને

ચાહત

Read More

ખરાખરીનો ખેલ ચાલે છે
મોત પકડે, ને જીવન ભાગે છે
કળ ને બળના વળ ચડી ગયા પણ
તારા કરમ તારાથી બે ડગ આગળ ચાલે છે

ગઝલ
છંદ--રજઝ16


गुल थे कभी तुम जिस चमन के, बागबां वो छोड़ दे
ना  है  बहारें  तो  गुबारों से तु रिश्ता जोड़  दे

ना कर सकेगा तु तकाजा़ , वक्त है ख़ुदग़र्ज़ ये
अब चंद बाकी जिंदगी है, तू गज़र को मोड़ दे

है पाक़ दिल की ये तपन,तू जल, पिघल के रुक्म बन
ना हिर्स कर, ये कांच की जूठी सि खुशियां फोड़ दे

एहसान क्युं मगरुर किस्मत से भला हम ले कभी
गर थम गई हैं ये लकीरें, तू हि थोड़ा दौड़ दे

चाहे ज़माना हो न तेरा, है मग़र तेरा ख़ुदा
है रुहे-रोशन बंदगी, जंजी़र काफ़िर तोड़ दे
                                                      

Read More

ગઝલ#

આખરે તો સૌ સમયની બાનમાં આવી ગયા
મોં છુપાવી ક્યાં જવું? કર્મો હવે આંબી ગયા

તાતના પણ તાત હોવાના ભરમમાં જે હતાં
એ ખરી ઔકાત પોતાની હવે માપી ગયા

ખગ,પશુ કોઈ નહીં, બસ છે સકંજો આપ પર
એકતરફી દંડનુ કારણ તમે જાણી ગયા?

કૈદ આજીવન કર્યા છે કંઈક જીવો જેમણે
લ્યો!હવે એ ચાર દી'ની કૈદથી થાકી ગયા!

ચિત્ર લીલું છમ હતું ત્યાં રંગ કાળો ભેળવ્યો
ભૌમની સંતાન થઈ એની ચુનર બાળી ગયા

છે જે સર્જનહાર એ ખુદ ધ્વંસ કારક થઈ ગયો!
ક્રોધની એ હદ સુધી એને તમે તાણી ગયા

ખેલ કુદરત સંગ ખેલી ગ્યા ઘણો મોટો તમે
એક નાના ખેલમાં એના તમે હાંફી ગયા


ચાહત

Read More

#વસંત

છંદ:-જભાન સલગા જભા,ન સલગા યમાતા લગા(૧૭)

પ્રકૃતિ, શૃંગાર રસ ને પ્રેમરસ સાથે વણવાનો પ્રયત્ન

વસંત લહરી વહે, છલકતી સુગંધી હવા
મનોરમ્ય મનોહરી, મધમધે રસીલી રમા
સજી નવલ કામિની, નયન બાણ વાગે ઘણાં
પડી ગજબ દામિની, મભમ ખેલ ખેલે ઘણાં

ખુલે અધર જો જરા, મધુબની ગુલાબી કળી
લડે અડકવા બધાં, રસભરેલ પુષ્પો વળી
વહે પવન પ્રીત નો, પવન સંગ છે મોહિની
ક્રિડા સજન સાથમાં, પદમણી સમી સંગિની

મયૂર મન નાચતું, થનગને! ખમે ના જરી
ભરી તલબ પ્રેમની, દરસ આપ પ્રીયા જરી
ઝુકી શરમથી લતા, પ્રણય પાશ ઘેરાય જો!
ઉરે ઝડપ શ્વાસ ની, અગન જ્વાળનો ફેલાય જો !

થયું મિલન પ્રાણનું, મનતરંગ રંગીન છે
ભુલી જગત આખુંય, પ્રબળ પ્રીત તલ્લીન છે
થયું યુગલ એકજો, હૃદય પ્રેમ હેલી પડી
રમે રસિક તાલમાં , સકળ સૃષ્ટિ હેલે ચડી!

                                            ચાહત

દામિની---વિજળી(અહી રૂપના અર્થ માં)
મભમ---અકળ, ન સમજાય એવું
હેલી---સતત વરસાદ
હેલે ચડવું---તાન ચડવી

Read More

બધી હદ વટાવી લિધી માનવીએ,
ને કુદરત હવે હદ બતાવ્યાની ઘટના

સમય જે સમજનો હતો એ ગુમાવ્યો
સમય હાથમાંથી સરી ગ્યાની ઘટના

Read More