Vevishal - 5 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 5

વેવિશાળ - 5

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૫. ઇસ્પિતાલમાં

ભોંયતળિયાના માફી-વોર્ડમાં પડેલો સુખલાલ પોતાની માંદગીને આશિષ આપતો હતો. પોતાની નિયમબંધી સારવાર થતી હતી તે ઉપરથી પોતે એવું માનતો હતો કે મોટા સસરાએ દવાખાનાવાળાઓને ખાસ ભલામણ કરી હશે. મારી બાની સારવાર આવે સ્થળે થતી હોય તો જરૂર જલદી સાજી થઈ જાય: આંહીં તો મને મારી જાતે પડખું પણ ફેરવવા ન દેનારી આ ગોરી ગોરી નર્સ બાઈઓ હાજર ને હાજર છે! આટલી બધી સ્ત્રીઓના સજીવ સમાગમમાં હું કદી નહોતો આવ્યો.

પોતાને આખે શરીરે ગરમ પાણીનું ‘સ્પંજિંગ’ કરીને પાઉડર છાંટી દેનારી એ પરિચારિકાઓ એને સ્વર્ગમાંથી ઊતરી આવેલી દેવકન્યાઓ લાગી. મને આંહીંથી જલદી રજા ન આપી દે તો પ્રભુનો બહુ પાડ માનું, એવો એનો મનોભાવ હતો.

બાજુના ખાટલાવાળાઓ પાસે એમનાં કુટુંબીજનો રહેતાં, કેટલાંય તો સવારસાંજ તબિયત જોવાને બહાને ટોળે વળી આવતાં. પોતાને ખાટલે કોઈ ન હોવાને લીધે સુખલાલ સૌનું ધ્યાન ખેંચનારો થઈ પડ્યો. અનેક સ્ત્રીઓ, યુવતીઓ, કુમારિકાઓ આ દિવસોના દિવસો એકલા પડ્યા રહેતા જુવાનને દેખી અંદર અંદર વાતો કરતી કે એને આંહીં માબહેન નહીં હોય? એ પરણેલો નહીં હોય? એને કોઈ સગાં લાગતાં નથી.

નજીકનો પાડોશી દરદી એક આધેડ પુરુષ હતો. એને શી બીમારી હતી તે જાણવું કઠિન હતું. એ પોતાને જરા પડખું ફેરવવું હોય તો ‘નર્સ! નર્સ!’ એવા સાદ પાડતો. નર્સ આવીને એનું શરીર ઝાલીને બેઠો કરે ત્યારે એ નર્સને ભાંગ્યાતૂટ્યા હિંદીમાં, અંગ્રેજીમાં, મરાઠીમાં પ્રશ્નો કર્યા જ કરતો: “તમે પરણ્યાં કે નહીં? ગયા વખતે હું આવેલો ત્યારે પણ તમે કુંવારા જ હતાં! તમે આખી જિંદગી આ જ ધંધો કર્યા કરશો? પરણી કેમ નથી લેતાં?… મને જરા ટેકો આપીને બહાર બેસાડો ને!”

વસ્તુત: ટેકો આપવાની કશી જરૂર નહોતી. બપોરે એની પત્ની આવતી ત્યારે પત્નીનો ટેકો એ ક્યાં માગતો હતો?

નર્સ એને દાઝે બળતી કહેતી: “કાકા, તમને કશું જ દરદ નથી, છતાં શું વારે વારે દવાખાનામાં આવીને રહેતા હશો?”

“પણ તમે મને કાકા શા માટે કહો છો?”

“કેમ, તમે બુઢ્ઢા છો માટે કહું છું.”

સુખલાલને વિસ્મય થયું કે આ પૂરી ઉંમરનો માણસ પોતાને કાકા તરીકે સંબોધાતો જોવામાં શા માટે કચવાટ અનુભવતો હશે? કે શું એ બહુ નિરભિમાની હશે?

નર્સનું નામ લીના હતું. ‘લી…ના’ એવા પ્રલંબિત સ્વરે જ્યારે એને બીજી નર્સ બોલાવતી ત્યારે સુખલાલને બીજું વિસ્મય આ થતું કે જેમાંથી આપોઆપ ટહુકાર ઊઠે એવાં નામો જગત પર હોતાં હશે?

નર્સ સુખલાલનું વિશેષ ધ્યાન રાખતી, એ આ પાડોશી બુઢ્ઢાને ગમતું નહોતું. એ સુખલાલને કોઈ કોઈ વાર કહી પણ નાખતો કે, આ નર્સ લોકોને બહુ બોલાવ બોલાવ ન કરતા હો કે! એ તો આબરૂ પાડી નાખે અને બીક દેખાડી પૈસા કઢાવી લ્યે તેવી મહાખેપાન હોય છે.

આવી શિખામણ મળ્યા પછી સુખલાલ વિશેષ સંકોચભર્યું વર્તન રાખતો, પરંતુ તેથી તો ઊલટાની લીના એની વિશેષ કાળજીભરી સારવાર કરતી. દૂધ-ચા પીવાને વખતે પણ પોતે કોણ જાણે ક્યાંથી દોડતી હાજર થઈ જતી, દમદાટી દઈ દઈને પૂરો પ્યાલો પાતી, અને વારંવાર શરીર પર હાથ ફેરવતી ને કહેતી:

“સ્માર્ટી, ઓ સ્માર્ટી! તું એક્કેક ઈંડું રોજ લેતો જઈશ? તું બહુ નબળો છે. ઈંડું તને બહુ ફાયદો કરશે. તારા શરીરમાં લોહી ભરાઈ જશે, સ્માર્ટી!”

સુખલાલ ઈંડાની વાત સાંભળીને પડ્યો પડ્યો શરમાઈને સ્મિત કરતો. કોણ જાણે કેમ પણ, એનું ધૈર્યઝરતું સ્મિત એના દુબળા ફિક્કા મોં પર એવી કોઈક માધુરી ભભરાવી દેતું કે લીના એના આવા સ્મિતની વારંવાર ઉમેદ રાખીને ઈંડાની વાત કાઢ્યા વગર રહેતી નહીં.

“તમે મને ‘સ્માર્ટી’ કેમ કહો છો?” એણે એક વાર પૂછ્યું.

“તને એકને જ નહીં, મારા જે જે દરદીઓ બીમારીમાં પણ શાંતિમય રહીને મોં મલકાવે તે બધાને હું ‘સ્માર્ટી’ કહું છું. ન કહું? તને નથી ગમતું? ‘સ્માર્ટી’ એટલે સુઘડ અને ચપળ.”

સુખલાલ કશો જવાબ દેતો નહીં. પણ એને અજાયબી થતી કે પેઢી પર ‘માંદલો’ અને ‘દગડો’ શબ્દે કૂટી મારેલાને આ છોકરી ‘ચપળ’ કેમ કહી રહી છે!

પણ નર્સ જરી આઘીપાછી થતી કે તરત પાડોશી ‘કાકો’ એને ચેતાવતો: “ઈંડાને ચાળે ચડાવે નહીં તો મને કહેજે ને!”

લીના ત્રીસેક વર્ષની લાગે. હાસ્યની મૂર્તિ હતી. બોલવા કરતાં હસવાનું પ્રમાણ વિશેષ રાખતી. સુખલાલ એને પોતાની કલ્પનામાં ઘણી ઘણી વાર સુશીલા જોડે સરખાવતો. એક જ વાર જોયેલું સુશીલાનું મોં એને પૂરેપૂરું તો યાદ નહોતું રહ્યું, પણ સ્મૃતિમાં એનો ચહેરોમોરો બંધબેસતો કરવામાં જે કાંઈ ત્રુટિ રહેતી તે પોતે આ લીનાના ચહેરાની મુદ્રા લઈને લપેડા લગાવી પૂર્ણ કરી લેતો. આવી અણઘડ ભેળસેળ કરવા જતાં એને બેમાંથી એકેય વદન સુસ્પષ્ટ થતું ન હતું. થોડાક દિવસો વીતતાં તો એણે લીનાના પ્રત્યક્ષ મોંને પણ પોતાની કલ્પનામાં ભારી વિચિત્ર ઘાટ આપી દીધો.

એક દિવસ બપોર હતો. બહારના મુલાકાતીઓને મળવાની વેળા નહોતી. પડોશી આજારી ‘કાકા’ની પત્ની, કે જે કાકાથી અરધી જ ઉંમરની હતી, તેણે મોસંબીની કળીઓ કાઢીને એક રકાબી પોતાના સ્વામી ‘કાકા’ને આપી, તથા બીજી એક રકાબી એ સુખલાલને દેવા ગઈ કે તરત જ, નર્સ વગર કશી હિલચાલ ન કરી શકનાર કાકાએ ઝડપથી ફરી જઈને સુખલાલ સાથે પોતાની ‘નવી’ શી તાણખેંચમાં રોકાઈ ગઈ હતી તે જોયું. રકાબી લેવા સુખલાલ સ્મિત કરી ના પાડતો હતો, ‘નવી’ આગ્રહ કરતી હતી ને પૂછતી હતી: “તમારે મા કે બહેન આંહીં નથી? કોઈ નથી?”

“આંહીં આવ એય વાઘ…” કાકા ‘વાઘરણ’ શબ્દ પૂરો કરે તે પહેલાં જ ‘નવી’ પાછી આવતી રહી. ને સુખલાલ, ‘કાકા’ના તે પછીના દુર્વર્તાવને નિહાળી રહ્યો. ‘કાકા’ એમ પણ કંઈક કચ્છી ભાષામાં કહેતા હતા કે “મને ઊઠીને ઘેર આવવા દે, પછી વાત છે તારી!…”

સુખલાલ આવી બાબતમાં છેક જ છોકરું નહોતો રહ્યો. પણ પોતાની જાતને જ દોષિત માનવાની ટેવવાળો હોઈ કાંઈક ખુલાસો કરવા તલપાપડ હતો, છતાં આવી નાજુક વાતમાં પોતે ક્યાંક બાફી બેસશે એમ ભય પામી પડ્યો રહ્યો. આમ પોતાના મોં પરથી સ્મિત જતું રહેશે તે વખતે જ લીના ત્યાં આવીને ઊભી રહેશે તેવું એણે ધાર્યું નહોતું.

“ટેમ્પરેચર!” એટલું બોલીને એ સુખલાલના મોંમાં થરમોમિટર મૂકીને એકી સાથે હાથ ઉઠાવી, નાડી પર આંગળીઓ મૂકી પોતાના કાંડા-ઘડિયાળનો મિનિટ-કાંટો જોતી જોતી કોણ જાણે શાં શતાવધાન કરતી ઊભી.

એના મોંમાંથી હળવા હાથે થરમોમીટર કાઢીને લીનાએ સુખલાલને પૂછ્યું: “વ્હાઈ ડોન્ટ યુ સ્માઈલ, સ્માર્ટી?”

પોતાના ગામડાની નજીકના તેજપુર ગામે ચારેક ચોપડી અંગ્રેજી ભણેલો સુખલાલ પોતાનું અંગ્રેજી સમજ્યો નથી એમ એક જ પળમાં યાદ કરીને એણે હિંદીમાં કહ્યું: “હસતે ક્યોં નહીં આજ, સ્માર્ટી?”

સુખલાલે સ્મિત કર્યું કે તરત જ “હાં, ઐસા રહેના!” કરતી એ પાછી ફરી, ત્યારે એણે કોઈ દિવસ નહીં ને આજે જ એક યુવાન કન્યાને ભયભીત નેત્રે ચોમેર જોતી ત્યાં ઊભેલી દેખી.

“હુમ ડુ યુ વોન્ટ? તુમ કિસકો મંગતે હૈ?” એમ એણે પૂછ્યું. કેમ કે આવી સુંદર છોકરી આજે આટલા બધા દિવસે સુખલાલ પાસે શા માટે આવે, એવી એની કલ્પના હતી; કોઈક બીજા દરદીને શોધતી હશે.

“ઈસકો.” આવેલી સ્ત્રી એટલું જ બોલી શકી. સુખલાલનું મોં નર્સ લીનાની બાજુ હતું, તે ‘ઈસકો’ શબ્દ સાંભળતાંની વાર ફરી જવા મથ્યું. તત્કાળ લીનાએ એને પકડીને પડખું ફરતો રોકતાં રોકતાં “નો! નો! સ્માર્ટી, નો!” એવી મીઠી ધમકી દીધી. ને આવેલ બાઈને એણે કહ્યું: “તુમ ઈસ બાજુ આઓ!”

આવેલ સ્ત્રી સુખલાલની સામે ગઈ ને ઓળખાઈ:

સુશીલા!

***

Rate & Review

Vipul Petigara

Vipul Petigara 4 months ago

Karuna Talati

Karuna Talati 7 months ago

Jamna Bhansali

Jamna Bhansali 7 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

LEENA RATHOD

LEENA RATHOD 9 months ago