Vevishal - 15 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 15

વેવિશાળ - 15

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૧૫. ભાભુનું ગુપ્ત ક્રંદન

બંગલીનો વાર્તાલાપ વધુ સાંભળવાની હિંમત હારી જઈને સુશીલા ત્યાંથી સરી ગઈ. એના કાને ભાભુ અને સસરા વચ્ચેની વાતચીતના શબ્દો પડ્યા:

ભાભુ: થોડા દા’ડા એમને દેશનાં હવાપાણીમાં તેડી જાવ તો નહીં સારું?

સસરા: હું તો એને પગે પડું છું, પણ એ નથી માનતો. કહે છે કે મરવાનું હશે તોય મુંબઈમાં જ મરીશ; જીવવા સારુ દેશ નથી જોવો.

ભાભુ: મરે શા સારુ બચાડા જીવ? સો વરસના થાયની! આ તો એમ કે મુંબઈનાં હવાપાણી મોળાં ખરાં ને!

સસરા: એને તો એક જ ધૂન લાગી પડી છે, કે હું મુંબઈમાં રળી દેખાડીશ; હું ન રળી શક્યો એવી નામોશી લઈને દેશમાં મોં નહીં દેખાડું. હવે જુવોને ઈ મોટો નામોશીવાળો થયો છે, બેન! કોણ એને નામોશી દેવા બેઠું છે —હે-હે-હે!

એવા બોલને સુખલાલના પિતા મોકળા હાસ્યમાં ઘૂંટતા હતા, તે જ વખતે બંગલી પરથી મોટા બાપુજી અને વિજયચંદ્ર નીચે ઊતર્યા. મોટા શેઠની પાછળ પાછળ સીડીનાં પગથિયાં ઊતરતા વિજયચંદ્રે ઊંચેથી જ ખંડમાં સુશીલાને લપાઈ ઊભેલી નિહાળી. નિહાળતાં જ એની કોકટી રંગની ટોપી એણે સિફતથી માથા પરથી ઉપાડી લઈ પેલો રેશમી રૂમાલ ગજવામાંથી બહાર ખેંચ્યો ને લાલ લાલ લલાટ લૂછીને જાણે કે સુશીલાને માટે એના તકદીરની આરસી તૈયાર કરી.

જ્યારે જ્યારે વિજયચંદ્ર આવતો ત્યારે એકાદ-બે વાર તો એને નિહાળી લેવાનો નિયમ રાખતી સુશીલા, તે દિવસના પ્રભાતે આ નિયમ તોડીને સડેડાટ બીજા ખંડમાં ચાલી ગઈ; એણે પછવાડે ભૂલભૂલથી પણ નજર ન નાખી. વિજયચંદ્રને આ વર્તન સ્વાભાવિક જ લાગ્યું. શરમિંદા બનવાનો સમય જાણે કે આવી પહોંચ્યો. લજ્જાની કળીઓ ફૂટવાની વસંત બેઠી. સામે ન મંડાતી મીટ જ્યારે ઝીણાં જાળિયાં, અધ-ઉઘાડાં બારણાં ને કમાડની તરડો ગોતવા લાગી પડે છે, એવી એક ઋતુ જાણે બેસી ગઈ. ક્યાંકથી પણ ચોક્કસ એ મને જોતી હશે. ક્યાંથી! ક્યાંથી! ક્યાંથી! વિજયચંદ્રે ઓરડામાંથી પરસાળ સુધી પહોંચવામાં બની શકે તેટલી વાર લગાડી, ખૂણાખાંચરામાં આંખોને દોટાદોટ કઢાવી. પણ સુશીલા ક્યાં ઊભીને દર્શનની ચોરી કરી રહી હશે, તેનું કોઈ અનુમાન થઈ શક્યું નહીં.

એને નીચે વળાવવા જતા મોટા શેઠને જોતાંવેંત સુખલાલના પિતા બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા, ને બે હાથ જોડી અપરાધીની માફક કરુણાળુ હાસ્ય કરતા ખડા રહ્યા.

“આવું છું,” એટલું જ બોલીને શેઠ નીચે ચાલ્યા ગયા. તે પછી તો ઘણી વારે મોટરનો ઘરઘરાટ થયો. મોટર પર પણ વાર્તાલાપ ચાલુ રહ્યો હોવો જોઈએ. સુખલાલના પિતા ભાભુને પૂછતાં પૂછતાં જ અટકી ગયા કે, આ ભાઈ કોણ હતા? જે એક નવા ધારેલા જમાઈની વાત ખુશાલે કરી હતી, તે તો નહીં હોય? આવો દેખાવડો, આટલો ફાંકડો, આવા તેજ મારતા તાલકાવાળો આ જુવાન ક્યાં! ને ક્યાં મારો સુખલાલ!

ગામડિયા વાણિયાના મનના વિચાર બે માર્ગે ફંટાયા: એક વિચાર પોતાના દીકરાના પરાજયનો હતો: મારો સુખલાલ હવે તો નક્કી જ આ કન્યાને હારી ગયો. હવે એની શી ગણતરી હોય? આવો દેવના ચક્કર સરીખો જમાઈ જડતો હોય તો સુખલાલનો કોણ ભાવ પૂછે? વહુ આ જુવાનને જોયા પછી સુખલાલને શી વિસાતમાં રાખે? વહુ એક વાર ઇસ્પિતાલે આવી, તેથી મારો સુખલાલ મોટી આશા બાંધીને બેઠો છે. મારા દીકરાના મનમાં ખોટેખોટા હીંડોળા બંધાણા છે, એને આટલા કારણે જ મુંબઈ છોડવું નથી. એ ભરખાઈ જશે. એક દિવસ એ સાંભળશે કે વહુ તો બીજા જુવાનને પરણી બેઠી છે, ત્યારે એ ફાળ ખાઈને ફાટી પડશે. એને હું દેશમાં જ ઉપાડી જાઉં. એને મેં ક્યાંથી આંહીં મોકલ્યો? કાળના મોંમાં જ મેં એને ફગાવી દીધો!

બીજો વિચાર સુશીલાના સંસાર તરફ ફંટાયો. વહુ મારા સુખલાલ ભેગી સુખી થાય કે આજે હમણાં દીઠો તે જુવાન ભેગી? વહુનું મન સ્વાભાવિક જ કોના માથે મોહે? વહુ મારા દીકરાને ન ચાહી શકે તેમાં વહુનો શો વાંક? આવા જુવાનને કઈ કન્યા જતો કરે? વહુના સુખની વાત વિચારવી જ રહી કેમ જાય છે? હું તો કહું છું કે, ‘હે પ્રભુ—વહુને—સુશીલા વહુને—જ્યાં એનું મન માને ત્યાં —જ્યાં એનું મન સુખ સાંપડી શકે ત્યાં—’

આ વિચાર પૂર્ણવિરામ સુધી પહોંચતાં પહેલાં તો ટુકડેટુકડા થઈ ગયો. આ વિચાર કરવામાં તલવારની કાતિલ ધાર પર ડગલાં ભરવા જેટલું દુ:ખ હતું. આ વિચારની અસિ-ધારા પર હૈયું કદમે કદમે લોહી-લોહાણ બનતું હતું. મોં પરના હોશ માત્રને આ વિચાર શોષી રહ્યો હતો, ત્યાં જ મોટા શેઠ પાછા ઉપર આવ્યા.

“તમને દેશના લોકોને…” ઉપર આવતાંવેંત જ મોટા શેઠે દાઝેભર્યા બોલ દાંત ભીંસી ભીંસીને કાઢ્યા: “એક વાત બરાબર આવડે છે. સામા માણસનું નાક કેમ કાપી લેવું તે તમને દેશના વાણિયાઓને આવડે છે, એવું કોઈને નથી આવડતું.”

“માફ કરો, શેઠ; હું ખરેખરો ગુનેગાર છું.” સુખલાલના પિતાએ હાથ જોડીને વાત રોળીટોળી નાખવા પ્રયત્ન કર્યો.

એની પરવા જ કેમ જાણે ન કરતા હોય તેમ ઓરડામાં ચાલ્યા જતા શેઠને ‘ગુનેગાર’ શબ્દનો જાણે કે ટેકો મળ્યો. એ પાછા ફર્યા ને બોલ્યા:

“ગુનેગાર તો હું જ છું, હું —હું, સાડી સાત વાર હું તમારો ગુનેગાર છું, બાપા! હું તમારું ખાસડું મોંમાં લેવા લાયક છું. મેં કાંઈ જેવીતેવી કસૂર કરી છે! મેં મારી દીકરીને ગળે—”

“બોલો મા; મારા ગળાના સમ, શેઠ, કશું બોલો મા!” સુખલાલના પિતાએ એની પાસે જઈને પાઘડી ઉતારી: “મારાથી પાછું આંહીં ન આવી શકાણું, મને મારાં સગાંઓ જોરાવરી કરીને ઉપાડી ગયાં. મેં ઘણુંય કહ્યું કે મને વેવાઈનો ડુંગર જેવડો ઠપકો મળશે, મારાથી બીજે ક્યાંય સુખલાલને લઈ જવાય નહીં…”

“અરે, તમારે પાલવે ત્યાં લઈ જાવ ને, બાપા!” મોટા શેઠ પાછા અંદર જતાં જતાં વરાળો કાઢવા લાગ્યા: “તમારે મુંબઈમાં આવીને મારું નાક કાપવું’તું, તે કાપી લીધું હોય તો હવે આ ગુનેગારનો છૂટકો કરો ને, માબાપ!”

એનો અવાજ દૂરના બેઠકના ઓરડામાં ચાલ્યો. તેની પાછળ પાછળ, ‘માફી માગું છું, માફ કરો,’ એમ રગતા રગતા સુખલાલના પિતા ચાલ્યા. ને આંહીં ભાભુના હાથમાં કારેલાં છોલવાની છરી થંભી ગઈ. ત્યાં અંદરની દીવાલે સુશીલાનું મન થડક થડક થઈ રહ્યું. ગાજતો સૂર આવતો હતો ફક્ત રસોડામાંથી. સુશીલાની બા રોટલીનો લોટ બાંધતાં બાંધતાં કાંડાંની તેમજ કલેજાની દાઝ એકસાથે કાઢતાં હતાં:

“એ જ લાગનો છે—એવાને તે ભાઈબાપા હોય? એવાને વળી ‘આવો-બેસો’ શાં? એવાની હારે વાતો કરતા બેસવામાં આપણી શોભા શી? આપણે જો આમ આટલાં બધાં ભોળાં થાશું તો સંસારમાં રે’વાશે કેમ? વેચીને આપણા દાળિયા જ કરી નાખશે ને આવા પી—”

‘પીટ્યા’ શબ્દ પોતાની બા પૂરો બોલી શકે તે પૂર્વે જ સુશીલા ઓરડામાં ધસી ગઈ; એણે અવાજ કર્યો: “પણ—બા!”

એ અવાજમાં ચિરાડિયાં હતાં. બાની સામે એ ઊભી રહી. એના ડોળા ફાટી રહ્યા. એના હોઠ ફફડતા હતા. એના આખા ચહેરા પર જે ઉશ્કેરાટ પથરાયો તે ઉશ્કેરાટની તોલે તો તે દિવસની ઉજાણી વખતનો ઉશ્કેરાટ પણ ન આવી શકે.

“તમે —તમે—બા, આ—શું બોલો છો? ભાન છે કાંઈ?”

પોતાની જનેતા પ્રત્યેના સુશીલાના એ પહેલી જ વારના શબ્દઅંગારા હતા. બા હેબતાઈ ગઈ. દીકરીના એ શબ્દોમાં બાએ પોતાના ઉપર કોઈ કટક તૂટી પડતું હોય તેવા ધસારા સાંભળ્યા. જે દીકરીને કોઈ દિવસ ડારો દેવો નહોતો પડ્યો, જે દીકરીને માટે હંમેશાં ‘ગાયના ઉપલા દાંત જેવી’ ઉપમા બાએ વાપર્યા કરી હતી, તે દીકરીને પોતાના પર એકાએક ધસી આવતી દેખીને બાએ હેબત ખાઈ હેઠે જોયું.

“એણે —એણે તમારું શું બગાડ્યું છે?”

સુશીલાના મોંમાં આ ભાષા સાવ નવીન હતી. નવા અને અપરિચિત શબ્દો એના હોઠને જાણે કે બેહદ વજનદાર લાગતા હતા. એક વાક્ય પણ પૂરું કરવાની શક્તિ એ હોઠમાં રહી નહોતી. બાને જલદી કશોક ઉગાર જોતો હતો.

એ ઉગાર બાને જેઠાણીએ આપ્યો.

કેમ જાણે કારેલાંનું સમારેલું શાક જ મૂકવા રસોડામાં આવ્યાં હોય એટલી બધી સ્વાભાવિકતા ભાભુનાં પગલાંમાં ને ભાભુના ચહેરા પર હતી.

શાક મૂકતાં મૂકતાં ભાભુએ તદ્દન કુદરતી સ્વરે જ કહ્યું: “કારેલાં દઝવીને કરવાં’તાં, પણ હવે પોચાં જ રાખશું ને? વેવાઈને દાંતનું કાચું છે ખરું ને! બચાડા—”

એટલું બોલીને એણે પાછા જતે જતે સુશીલાને શાંતિથી કહ્યું: “સાબુ કાઢી દે ને બેટા, આજ તો હું જ લૂગડાંને સાબુ પોતારી દઉં.”

મા-દીકરી વચ્ચેનો કોઈ માઠો પ્રસંગ ઓલવવા આવી હોવાનો એણે દેખાવ ન કર્યો. દેરાણીને રખે ક્યાંઈક આભાસ સરખોય વહેમ ન પડી જાય કે, એની દીકરીને હું જેઠાણી ઊઠીને સગી જનેતા સામે બેઅદબીના સંસ્કાર શીખવું છું—એ હતો ભાભુનો તે ઘડીનો મહાપ્રયત્ન. ભાભુને તે દિવસે પહેલી જ વાર પોતાના ઘર ઉપર કોઈક એવી ભેદ પડાવણ હવા આવતી લાગી.

સુશીલા સાબુ કાપતી હતી. ભાભુ નાહવાની ઓરડીમાં બારણાં વચ્ચે સ્થિર થઈ ઊભાં હતાં. રસોડાના બબડાટ પર તો જાણે કોઈ મોટી દીવાલે ફસકી પડીને દટણ જ કરી નાખ્યું હતું. એ શાંતિમાં ચીરા પાડતા દમદમાટીના અવાજો ત્રણ-ત્રણ ઓરડાનાં બારણાં ઓળંગીને બેઠકમાં છૂટતા હતા. પોતાનો પતિ આ તે શું વેવાઈને મોંએથી જ ધમકાવે છે, કે તમાચા પણ લગાવી રહેલ છે, એવો એને વહેમ પડ્તો હતો; બીક લાગતી હતી. અંદર જઈને જોવામાં એને પોતાનો ધર્મ ન લાગ્યો.

એ કપડાંને સાબુ ઘસવા બેઠી ત્યારે સાબુ ઘસવાની ક્રિયામાં એક ગુપ્ત ક્રન્દન વહેતું હતું. એ ક્રન્દનને ઘરમાં એક સુશીલા સિવાય બીજાં આંખ કે કાન પારખી શકતાં નહીં. ભાભુને સુશીલાએ ભાગ્યે જ કોઈ દિવસ આંસુ પાડતાં કે ગમગીન ચહેરે બેસતાં દીઠેલાં. ભાભુના મોંમાંથી કચવાટ અથવા ફરિયાદ પણ કદી ટપકતાં નહોતાં. છતાં ભાભુના અદૃશ્ય રુદનની રીત સુશીલાને જાણીતી હતી. કપડાં પર ફરતા ભાભુના હાથની ચૂડીઓમાં સોનાની ઝીણી બબે ઘૂઘરીઓ હતી. સુશીલાએ ભાભુનું રુદન એ ઘૂઘરીઓના રણકામાંથી પકડ્યું. પોતે પણ સામે કપડાં ચોળવા બેસી ગઈ.

***

Rate & Review

Vipul Petigara

Vipul Petigara 4 months ago

Neepa

Neepa 7 months ago

Vp India

Vp India 8 months ago

Yogesh Raval

Yogesh Raval 1 year ago

rasila

rasila 1 year ago