Vevishal - 32 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | વેવિશાળ - 32

વેવિશાળ - 32

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૩૨. કજિયાનો કાયર!

માતાનું સ્નાન કરીને પછી સુખલાલ રડતી આંખો લૂછી નાખી તે જ રાત્રીથી દુકાન પર જતો હતો. ત્રીજા દિવસની રાત્રીએ ફેરીમાં લઈ જવાનાં વાસણો એ ગોઠવતો હતો. જુદી જુદી થપ્પીઓમાંથી ગોતી ગોતીને નંબરી માલ કાઢતો કાઢતો એ વચ્ચે વચ્ચે નિસરણી ઉપર ઊભો થઈ રહેતો હતો. વળતી જ પળે એ પોતાનો ચહેરો ચોળીને માતાનાં સ્મરણોને જાણે કે લીલાં ભીંગડાંની માફક ઉખેડી નાખતો હતો.

“કાં સુખા!” એકાએક ખુશાલભાઈએ આવીને અવાજ દીધો: “તું આંહીં ક્યારે આવતો રહ્યો, ભાઈ? હું તો તને ઘેર ગોતતો હતો; માણસો ખરખરો કરવા આવેલા.”

“કાલે જરા આઘેનાં પરાંના ઓર્ડર છે એટલે અત્યારે જ તૈયારી કરી લેવી છે.”

“કાલ સવારે તો તારે દેશમાં જવું જોશે ને?”

“હમણાં નથી જવું.”

“કાં?”

“દિવાળીના ટાણામાં દેખીપેખીને વકરો નથી ખોવો.” એનો સાદ ધ્રૂજતો ગયો.

“નીચે આવ, આપણે વાત કરીએ.”

ખુશાલે સુખલાલને પોતાની બાજુમાં બેસારીને એની પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું: “તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. લાવ તારા ઓર્ડરની નોંધ—હું જાતે જઈને એકેએક ઠેકાણે પહોંચાડી આવીશ, પછી છે કાંઈ? તું સવારની ગાડીમાં જ ઊપડી જા દેશમાં.”

“હવે શી ઉતાવળ છે?”

એ શબ્દોમાં ‘હવે’ ઉપર સુખલાલનો સ્વર ફાટફાટ થયો. એ ‘હવે’માં વિધાતા ઉપર ભારી કટાક્ષ હતો. હવે પોતે પાંચ-પંદર દિન મોડો જાય તોપણ શો ફરક પડનાર છે? ગયેલી માનું મોં થોડું જોઈ શકાવાનું છે?

“ફેર પડે. તારી હાજરી હોય તો તારા બાપા હિંમતમાં રહે ને છોકરાંને વાત વિસારે પડે, ભાઈ મારા.”

“છોકરાંને તો—”

બોલતાં બોલતાં એણે જીભ થંભાવી. ખુશાલભાઈને વધુ શબ્દોની જરૂર પણ ન રહી, એણે કહ્યું:

“મારે તને ધકેલવો પડે છે તે એ કારણસર જ. છોકરાંને જેઓ તેડી ગયાં તેમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શક્યો નથી. એ ભાભુ-ભત્રીજી દેશમાં એકાએક કેમ ઊપડી ગયાં, તારે ઘેર શા સારુ ગયાં, બધી શી બાબત બની, તાગ તો મેળવવો જોશે ને! આંહીંથી ભાગેલ છે—જાણે કે ઓલા સેતાન વિજયચંદ્રના પંજામાંથી છટકવા. પણ ચંપક શેઠના મનાઈ કરેલા માર્ગે કેમ ચડી શક્યાં? બચવા માટે થઈને એણે વિચાર બદલ્યા કે શું? તારો સસરો સ્નાન કરવા આવ્યો, એ પણ નવાઈની વાત થઈ કહેવાય. ને અત્યારે પાછી નવી વાત સાંભળી—તારો સસરો દેશમાં ઊપડી ગયો ને સામાન બધો પાછો મોકલતો ગયો. તું દેશમાં પહોંચ તો જ તાગ મળશે. આવ્યા લાગે છે દીકરા સાંડસામાં. માટે આપણેય મુરત છાંડવું નહીં. મારી નજર તો કન્યા માથે છે; છોડવા જેવી છોકરી નથી—બાકી એ લાડવાચોરોની લખમીનો આપણે ઓછાયોય લેવો નથી. તેજપુર ગામની નાતમાંથી બુંદીના લાડવા ચોરનારા એ બેય ભાઈ તો એના એ જ છે. ચંપક ચોરવે વિશેષ ચાલાક હતો. મુંબઈમાં આવીને આસામી બાંધી છે એય પણ ચોરીને. આપણે ચોરીના માલનો ઓછાયોય ન જોવે. પણ એ કન્યાને, એ રતનને, આ ચીંથરડાંમાંથી છોડી લીધે જ છૂટકો છે, તે વગર જંપ નથી. તે વગર ઊજળાં લૂગડાં પહેરીને મુંબઈમાં નીકળવું ઝેર જેવું લાગે છે. માટે કહું છું કે ઝટ દેશમાં પહોંચ.”

સુખલાલ મનમાં મનમાં રમૂજ પામતો હતો. લાડવાચોરની લક્ષ્મીને અને કન્યાને કેમ જાણે ભલાઈથી ખુશાલભાઈ જતી કરતા હોય! પીરસેલી થાળીમાંથી કેમ જાણે શાકપાંદડાં છોડી દઈ ડબ દઈને મોંમાં મીઠાઈ મૂકી દેવાની જ વાર હોય!

ફરી પાછા ખુશાલભાઈ બબડ્યા: “ન્યાતના વંડે એ બેય ભાઈઓ લાડવા ચોરતા કેટલી વાર તો પકડાયેલા. મને યાદ છે: એક વાર હું હતો પીરસવામાં; મને ફોસલાવીને લાડવા કઢાવતા’તા. પણ છોકરીમાં એ સંસ્કાર જ લાગતો નથી.”

સુખલાલને મનમાં મનમાં રમૂજ તો થઈ, કે કોને ખબર છે કે છોકરી ફરી વાર મારા જેવા ગરીબના ઘરમાં આવ્યા પછી ન્યાતમાંથી લાડવા નહીં ચોરે, તેની શી ખાતરી? સુશીલા જો મળે તો પહેલી જ રાત્રીનો પહેલો જ સવાલ એ પૂછું: “તને લાડવા ચોરતાં આવડે છે કે નહીં?”

એ શો જવાબ દેશે? દેશે કે “ચોર પિતાની પુત્રી હતી તેથી તો મને તમારી ગેરહાજરીમાં તમારા ઘરમાં પેસી જવાની ચોરી આવડી ને!”

બેવકૂફી! મૂઈ માતાનાં આંસુ તો હજી સુકાયાં નથી, ત્યાં તો પરણ્યાની પહેલી રાતનાં ચિત્રો આંકવા બેઠો છું!

મા મૂઈ છે છતાં ઘેર જવાનું મન નથી થતું, કેમ કે ચંપક શેઠે પોતાના જીવનમાં પેસાડી દીધેલી પામરતાનું ટીપેટીપું નિચોવી નાખવાનો એણે નિશ્ચય કરેલ છે. તેડવા આવેલ બાપને કહેલું વેણ એને કંઠે છે કે, “મુબંઈમાં જ જીવીશ ને મુંબઈમાં જ મરીશ.’ પુરુષાર્થની તેજભરી કારકિર્દી બતાવીને ચંપક શેઠને પડકારવો છે કે જો, મેં ચોરી નથી કરી; મેં તો મારા તાલકાની તપેલીને ભૂજબળે માંજીને ચળકાટ આણ્યો છે. એવી ખુમારીમાં તડપતા સુખલાલને ખુશાલભાઈએ પીઠ ઠબકારીને કહ્યું:

“હવે બીક રાખીશ મા. હવે તું પાંચ દિવસ દેશમાં જઈ આવીશ તેથી તારો પુરુષાર્થ કટાઈ નહીં જાય. ને તારા મનની જે ઉમેદ છે—ચંપક શેઠનો મદ ઉતારવાની—તે ઉમેદને જ પાર ઉતારવાનો મોકો બતાવું છું તને, કે ઝટ દેશમાં જા.”

સુખલાલનું ઘડતર એ જ ભૂમિનું હતું કે જેને ખોળે ખુશાલભાઈ આળોટયો હતો. સ્વાભાવિક જ હતું કે ઉચ્ચ ભાવના જે અસર ન કરી શકી હોત, તે અસર સુખલાલના દિલ પર ખુશાલની નીચલા પ્રકારની દલીલથી પડી શકી: ચંપક શેઠનો મદ ભાંગવો છે; એ સાપની ફેણ માથેથી સુશીલા સમા મણિને પડાવી લેવો છે—ભલે પછી એની ફેણના ટુકડેટુકડા કરવા પડે.

“તો હું બધો માલ ગોઠવી કાઢું.”

“ઠીક, ગોઠવી લે. હું તેટલી વારમાં ત્યાં એક આંટો દઈ આવું—રંગ તો જોઈ આવું!”

*

ઘંટડીની ચાંપ દાબ્યા પછી બારણું ઊઘડતાં વાર જ ખુશાલ ચંપક શેઠના મકાનમાં પેસી ગયો. સામું ઉઘાડવા આવનાર માણસ હા-ના કરશે એવી બીકે ‘શેઠ ઘેર છે કે નહીં?’ એટલુંય ન પૂછવાની એણે પદ્ધતિ રાખી હતી. કેમ કે એ મુંબઈનાં એવાં કેટલાંય મકાનો પર જવાને ટેવાયેલા હતો, કે જ્યાં ‘શેઠ ઘરી નાય’ એ એક જ સરખો જવાબ મહિનાઓ સુધી તમને મળ્યા કરે.

આંહીં પણ અર્ધ ખુલ્લાં બારણાં ધકાવીને ખુશાલભાઈ અંદર દાખલ થયો, ને ‘શેઠ ઘેર નથી’ એવું કહેનાર ઘાટીને એણે એક હળવા હેતભર્યા ધક્કાથી બાજુએ ખેસવીને કહ્યું: “ફિકર નહીં: આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ.”

પરબારો એ દીવાનખાનામાં જ પહોંચ્યો ને સોફા પર ટોપી ઉતારીને બેઠો. એના ખોંખારા, એની ખાંસી, ખાસ કરીને એની છીંક, એનાં બગાસાં, અને તે તમામ ચેષ્ટાઓની કલગીરૂપ એનું ગાન: જે જે ઘરોમાં ‘શેઠ ઘેર નથી’ની કાયમી સ્થિતિ હતી ત્યાં ત્યાં ખુશાલ આ ઓજારો અજમાવતો, ને ઘરના માલિકને કોણ જાણે કેમ પણ ઘરમાંથી જ પ્રગટ થવાની ફરજ પડતી.

આંહીં ખુશાલને ફક્ત બે જોરદાર બગાસાં જ ખાવાની જરૂર પડી. અંદરના દીવાનખાનામાં બે જણા વચ્ચે ધીમો વાર્તાલાપ ચાલતો હતો. તે વાર્તાલાપને એકદમ થંભવું પડ્યું. ચંપક શેઠ બહારના દીવાનખાનામાં આવ્યા, ને એને પોતાના કાળ જેવો આ હનુમાન ગલીનો દાદો ખુશાલ દેખાયો.

“જે જે ચંપકભાઈ!”

“તમે અત્યારે કેમ આવ્યા? તમે પુછાવ્યા સિવાય કેમ ચાલ્યા આવો છો, ભૈ? એલા રામા, આવનારને બારણેથી જ કેમ કહી દેતો નથી, નાલાયક? —અત્યારે તો જાવ, ભઈ, હું કામમાં છું.”

આ માણસમાં કશો જ પલટો થયો નથી એ ખુશાલને તરત સમજાયું.

“વળી પાછા તમે ઉતાવળા થયા કે ચંપક શેઠ?” ખુશાલે ઠાવકે મોંએ કહ્યું, “આપણી તે દીની કામગરી અધૂરી રહી છે તે તો યાદ કરો!”

“હું જાણું છું, તમે ઘરમાંથી એમ નહીં નીકળો,” એ શબ્દો સાથે ડોળા ફાડી ચંપક શેઠ ટેલિફોન પર જવા લાગ્યા, કે તરત જ ખુશાલે ઊઠીને એના હાથનું કાંડું પોતાના પંજામાં લીધું, ને હસતાં હસતાં તેણે કહ્યું: “બેસો, બેસો તો ખરા, ભલા માણસ!” એ કાંડા પર ખુશાલની એક આંગળી કોઈ એક એવે ચોક્કસ સ્થાને દબાણ દઈ રહી હતી કે કશી જ ધમાચક્કડ વગર આંખો ઊંચી ચડાવીને, મંત્રવશ બનેલા માણસ જેવા ચંપક શેઠ પોતાનો ખિજવાટ છોડીને ખુશાલની બાજુમાં બેસી ગયા.

કુદરતે માણસના શરીરમાં એક ગુપ્ત રચના કરી છે. કદાવર કાયાઓને પણ મલોખાં જેવી કરી નાખનાર કેટલીક ચાંપો અમુક અમુક માર્મિક જગ્યાઓએ જ કુદરતે છુપાવેલ છે. ખુશાલભાઈ એ મર્મસ્થાનોનો પૂરો જ્ઞાતા હતો. હાથી જેવા પુરુષોને મીણની પૂતળી જેવા બનાવી દેવા માટે સિંહ-થાપાની કશી જ જરૂર નથી હોતી—જરૂર છે ફક્ત ચાંપ દબાવવાની જગ્યા જાણી લેવાની.

ખુશાલ તો હસતો રહ્યો ને ચંપક શેઠના ડોળા ઊંચા ચડવા લાગ્યા.

“કાંઈ નહીં, કાંઈ નહીં, શાંતિથી બેસો,” ખુશાલે ચંપક શેઠનું કાડું છોડી દઈને કહ્યું.

કાડું છૂટ્યા પછી શેઠનો અવાજ નીકળ્યો. અંદરના દીવાનખાનામાંથી એક જુવાન દોડી આવ્યો: એ હતો વિજયચંદ્ર. વિજયચંદ્ર આવી પહોંચ્યો તે પહેલાં તો ખુશાલે ફરી શેઠનું કાંડું જકડી લીધું હતું.

“કોણ છો તમે?” વિજયચંદ્રે હસતા ખુશાલને જુસ્સાથી પૂછ્યું.

“એમનો સ્નેહી છું, સગો છું. પૂછી જુઓ એમને—ચોરડાકુ હું થોડોક જ છું?”

“પોલીસને ટેલિફોન…” એટલો શબ્દોચ્ચાર ચંપક શેઠ માંડ કરી શક્યા, ને વિજયચંદ્રે ટેલિફોન તરફ બે કદમો ભર્યાં; ત્યાં તો ખુશાલે વિજયચંદ્રને વીનવ્યો: “ઊભા રો’, ભાઈ, ઉતાવળ કરો મા, નીકર નકામો મામલો બગડશે. મારા બોલ ઉપર વિશ્વાસ રાખો—મારે પાઈ પણ જોતી નથી.”

થોડી વાર થંભેલો વિજયચંદ્ર ફરીથી તિરસ્કાર બતાવતો ચાલ્યો ત્યારે ખુશાલે ચંપક શેઠના કાંડાના મર્મસ્થાન પર જોરદાર મચરક દીધી. ચંપક શેઠના ડોળા ફાટયા રહ્યા. ખુશાલ એક ક્ષણમાં તો વિજયચંદ્રને આંબી ગયો ને એના કાન પાછળ મર્મસ્થાન પર પંજો દબાવીને હસતો હસતો એને પાછો તેડી લાવ્યો.

વિજયચંદ્રની તમામ શક્તિઓ શરીરને અતિ આકર્ષક અને મનને મહાન ખેલાડી બનાવવામાં રોકાઈ ગયેલી, તેથી ખુશાલભાઈના જેવી તાલીમ એણે લીધેલી નહીં. અદાલતી મામલામાંથી એને ચંપક શેઠ છોડાવી લાવ્યા હતા. તે પછી એને વિજયચંદ્ર પર ફરી મોહ પ્રગટ થયો હતો. સુશીલાને પરણાવું તો તો આની જ સાથે—એવો દુરાગ્રહ એનામાં દૃઢ થઈ ગયો હતો. પોતાની પસંદગીમાં ભૂલ થઈ જ નહોતી, એવું એ સાબિત કરવા માગતા હતા. સુશીલાને માટે હિતનું હોય તે જ કરવું, તેને બદલે પોતે જે કરે છે તે જ સુશીલાના હિતનું છે, આવી એમની દૃષ્ટિ બની ગઈ. બેઉ વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપમાં સુશીલા સાથેનું ચોગઠું બેસારવાના જ તાર ફરી વાર સંધાતા હતા; તેમાં પડેલો આ ભંગ ઘણો કમનસીબ હતો. પણ ખુશાલે તો તેનેય એક ખુરસી પર બેસાર્યો. બેઉને ફક્ત આટલું જ કહ્યું:

“આ મોડી રાતે તમે કોઈ પણ બહારની મદદ મેળવી શકશો તે પહેલાં બેમાંથી એકને પોતાનું જીવતર અતિ સસ્તું કરી લેવું પડશે. મને તો કાંઈ કરતાં કાંઈ વાંધો નથી—તમારી સંતોક ઘણે રંગેચંગે આ ભાઈ વેરે પરણે. મારો એ કજિયો નથી, કહો તો હું અત્યારથી જ વધાવો દેતો જાઉં (એણે ખીસાનું પાકીટ ખખડાવ્યું). ત્યારે આ તમારા જમાઈ પૂછશે કે મારી શી માગણી છે? મારી માગણી સાવ નાની ને દુકાનીના પણ ખરચ વગરની છે. અમારા સુખલાલ બાબતમાં બે તરકટી દસ્તાવેજી લખાણો એણે દબાવ્યાં છે, એ મને આપી દે. મારે એ રાખવાં પણ નથી. હું અહીં તમારા દેખતાં જ ચિરાડિયાં કરું—પછી છે કાંઈ?”

“આપી દો ને! શું કરવાં છે?” વિજયચંદ્ર એ બેઉ લખાણો વિશે જાણતો હતો.

“હાં! ડાયું માણસ,” એમ કહી ખુશાલે વ્યંગ કર્યો: “બીજું તો કાંઈ નહીં, પણ અમારા સુખલાલને વીસ હજાર ભરતાંય કોઈ કન્યા નહીં મળે. બાકી તો શેઠિયા! સુખલાલના અપુરુષાતણની કે આ ભાઈ વિજયચંદ્રના પુરુષાતણની ખાતરી કાંઈ દાકતર બાપડો થોડો આપી શકે? એ વિષય જ એવો હેં-હેં-હેં છે કે પારખાં લેવાય જ નહીં.”

ચંપક શેઠ ઊઠ્યા. ખુશાલ પણ વિજયચંદ્રના કાન ઝાલીને એને ઊભો કરતો ઊઠ્યો ને બોલ્યો: “ચાલો, આપણે ત્રણે જણા તિજોરી સુધી સાથે જ જઈએ. કોઈને એકલા મૂકવાની મારી હિંમત નથી. હે-હે-હે-હે. તિજોરીનું કામ રિયું હે-હે-હે-”

બે-પાંચ વાર તો તિજોરીની ચાવી યોગ્ય સ્થાને લાગુ જ ન થઈ. કારણ કે ચંપકશેઠના હાથ ધ્રૂજતા હતા. ને ખુશાલ કહ્યે જતો હતો: “ગભરાવ મા, મારા શેઠિયા; ઠાલા ગભરાઈ જાવ મા!”

દસ્તાવેજો બહાર નીકળ્યા ત્યારે ખુશાલે કહ્યું: “આપને જ હાથે ફાડી નાખો શેઠિયા, નીકર આ જમાઈરાજના હાથે ફડાવો.”

બેઉ કાગળો રદ કરાવીને પછી એણે બેઉના સામે હાથ જોડ્યા: “માફ કરજો, શેઠિયા! હુંય માત્યમા ગાંધીના પંથમાં થોડો થોડો ભળ્યો છું, પણ મારા હાથના પંજા હજી બહાર ને બહાર જ રહ્યા છે—નીકર હું આટલીય હિંસા કરું કદી? કદાપિ ન કરું! મને તો એ મૂળ ગમતી જ નથી. ટંટાનો તો હુંયે કાયર છું—પૂછી જોજો આંહીંના પોલીસખાતાને. પણ આ તો શું કરું? તમે, શેઠિયા, બોલ્યું ફરી ગયા! તમે ઉદ્ધતાઈ કરી, તમે ટેલિફોન પકડવા દોડ્યા. ઘરની તકરારમાં પોલીસને બોલાવાય? કાંઈ ખૂન થોડું જ કરવું’તું! માફ કરજો, શેઠિયા. તમારા ઘરની ધૂળ પણ લઈ જવી મારે હરામ છે.”

એમ કહીને એણે કપડાં ખંખેર્યાં.

જતાં જતાં એણે વિજયચંદ્ર તરફ ફરીને કહ્યું: “આપણી બેની આ મુલાકાત તો સાવ સપના જેવી કહેવાય. ફરી કોઈક વાર નિરાંતે મેળાપ કરીને એકબીજાને વધુ ઓળખીએ એટલું દિલ રહે છે.”

***

Rate & Review

pritiba jadeja

pritiba jadeja 4 weeks ago

Suresh Patel

Suresh Patel 3 months ago

Kiran Dhandhukiya

Kiran Dhandhukiya 8 months ago

Bijal Varu

Bijal Varu 10 months ago

Sonu dholiya

Sonu dholiya Matrubharti Verified 12 months ago