No return - 2 part - 23 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-23

નો રીટર્ન-૨ ભાગ-23

નો-રીટર્ન-૨

ભાગ-૨૩

લાઇબ્રેરીનાં એ નાનકડાં અમથા સ્ટોરરૂમમાં ઘટનાઓ એટલી ઝડપી રીતે ઘટી હતી કે ત્યાં હાજર હતાં એ લોકોને વિચારવાનો ક્ષણ પુરતો ય સમય મળ્યો નહોતો.

કલારાએ ગરમીથી ત્રસ્ત થઇને પોતાનાં કોશ્યુમ ઉતારી નાંખ્યા હતાં અને પછી કબાટ ફંફોસવામાં પરોવાઇ હતી. પ્રોફેસર થોમ્પસન અને રોગન માલ્ટા દરવાજા નજીક ઉભા રહી ત્યાં કશીક ઉથલ- પાથલ કરતાં હતાં. બરાબર એ સમયે જ રાજન બાથરૂમ જઇને ફરી પાછો લાઇબ્રેરીનાં ખંડમાં દાખલ થયો હતો અને પોતાની ખુરશી તરફ આગળ વધ્યો હતો. ડેસ્ક નજીક પહોંચીને હજું પોતાની ખુરશીમાં બેસે એ પહેલાં તેની નજર પાછળની દિવાલે, પુસ્તકો ભરેલા બે કબાટની વચ્ચેનાં સ્ટોરરૂમનાં દરવાજાં સુધી આવીને અટકી હતી. સ્ટોરરૂમનો આગળીયો ખુલ્લો હતો. તેને બરાબર યાદ હતું કે હજું ગઇકાલે જ તેણે એ આગળીયો વાસ્યો હતો, તો અત્યારે કેમ એ ખુલ્લો છે...! આશ્વર્ય અનુભવતો તે દરવાજ નજીક આવ્યો અને એક ધક્કાથી તેણે દરવાજો ખોલ્યો હતો. અંદર કશીક ગડમથલ ચાલતી હોવાનો ભાસ થયો એટલે આગળ વધીને તે દરવાજાની અંદર પ્રવેશીને ઉભો રહયો. ત્યાં... પાછલી દિવાલે... લાકડાનાં ખખડધજ કબાટમાં કોઇ યુવતી હાથ લંબાવી ઉપર મુકેલું બોક્સ ઉતારવાની કોશિષ કરી રહી હતી.

રાજન હેરાની અનુભવતો એ યુવતીની પીઠને તાકી રહયો. તેની નજરોમાં આશ્વર્ય મિશ્રીત ભાવ ઉમટી પડયાં. હજુ માત્ર થોડી મિનીટો પુરતો તે બાથરૂમ ગયો હતો એટલી વારમાં આ યુવતી અંદર કેવી રીતે ઘુસી આવી...!

“ ઓ.... હોય...! ” તેણે સાદ પાડયો. એ સાથે જ પેલી યુવતી અવાજ સાંભળીને ચોંકી હોય એમ સ્થિર થઇ. તેનાં હાથ ત્યાં જ અટકી ગયાં. પણ એ પાછળ તરફ ન ફરી. “ કોણ છો તમે... અને અહીં સ્ટોરરૂમમાં શું કરો છો...? ” રાજને પૃચ્છા કરી અને થોડો આગળ વધ્યો.

બરાબર એ જ સમયે તેને લાગ્યું કે તેની પીઠ પાછળ કોઇક છે. એવો ભાસ થયો તેને. ચોંકીને હજું તે પાછળ ફરે એ પહેલાં તો તેનાં માથાનાં ભાગે કોઇ સખ્ત ચીજ આવીને ટકરાઇ હતી. હજુ તે કોઇ પ્રતિક્રિયા કરે, પાછળ ફરીને જુએ, એ પહેલાં તો તેનાં મન ઉપર અંધકાર છવાઇ ગયો. તેનાં ગાત્રો શિથીલ પડયાં. ચાવી દીધેલાં કોઇ રમકડાંની માફક તેનાં પગ ગોઠણેથી વળ્યાં, અને વળ ખાઇને ધડામ કરતો તે ફર્શ ઉપર ચત્તોપાટ પડયો. તેનાં પડવાથી જે અવાજ થયો એ સાંભળીને પેલાં ત્રણેયનાં ધબકારા વધી ગયાં હતાં. એ વાર રોગને કર્યો હતો. તેનાં હાથમાં સ્ટોરરૂમમાંથી ઉઠાવેલો લાકડાની ખુરશીનો વજનદાર પાયો હતો. એ ત્રણેયે ધડકતાં જીગરે એકબીજાની સામું જોયું હતું. ગનીમત એ થયું હતું કે રાજને એ ત્રણેય માંથી કોઇનો ચહેરો જોયો નહોતો. એટલો સમય તેને મળ્યો જ નહોતો. પરંતુ હવે વધું વખત અહીં ઉભા રહેવું યોગ્ય નહોતું એટલે કલારાએ ફટાફટ પોતાનું જુનું રૂપ ધારણ કરી લીધું હતું. એ દરમ્યાન પ્રોફેસર અને રોગને ભેગાં મળી રાજનને ઉંચકયો હતો. તેને ત્યાં રૂમની વચ્ચે પડેલાં ટેબલની પાછળ જઇને સુવડાવ્યો અને સાવધાનીથી સ્ટોરરૂમની બહાર નીકળી આવ્યાં. લાઇબ્રેરી હજુ પણ ખાલીખમ હતી એ તેમનાં માટે છુપા આશીર્વાદ સમાન હતું. તેઓ ત્રણ જણા અને સ્ટોરરૂમમાં બેહોશ પડેલાં રાજન સીવાય પાંચમી કોઇ વ્યક્તિ લાઇબ્રેરીમાં હાજર નહોતી. હવે શું કરવું જોઇએ એવો વિચાર કરતાં તેઓ ત્યાં જ ઉભા હતાં કે અચાનક બહાર કોઇ વાહન આવ્યું હોય એવો અવાજ સંભળાયો. ભયંકર અવાજ કરતું કોઇનું ટૂ- વ્હિલર લાઇબ્રેરીનાં ચોગાનમાં આવીને થોભ્યું હતું. ત્રણેય પ્રોફેસરો અહીંથી પોબારા ગણી જવાનું વિચારતાં જ હતાં કે આ અવાજે કોઇ સાપે ડંખ માર્યો હોય એમ તેમને ચોંકાવ્યાં. સ્તબ્ધ બનીને તેઓ ત્યાં જ ખોડાઇ ગયાં હતાં. હવે અહીંથી નિકળવું લગભગ શક્ય બનવાનું નહોતું. કારણ કે જો તેઓ બહાર નિકળે, અને કોઇ તેમને જોઇ જાય, અને પછી સ્ટોરરૂમમાં બેહોશ પડેલાં રજનને જુએ તો તેને બે વત્તા બે ચાર કરતાં વાર ન લાગે. ભયાનક દુવિધા અનુભવતા તેઓ ત્યાં જ ઉભા રહયાં.

પરંતુ, આખરે તેઓએ ત્યાં, લાઇબ્રેરીમાં જ થોડીવાર બેસી રહેવાનું નક્કી કર્યું.

એ એભલસીંહ હતો. જે પોતાનું લાલરંગનું બુલેટ લઇને આવ્યો હતો. તે કાળઝાળ ક્રોધે ભરાયેલો હતો. એક નાજુક નમણી દેખાતી છોકરી તેનાં હાથમાંથી છટકી ગઇ હતી અને તેનાં “ માલિકે” એ બાબતે સારી રીતે તેને ખખડાવી નાંખ્યો હતો એટલે તે ગુસ્સે ભરાયો હતો. પેલાં લાઇબ્રેરીયન છોકરાની બોચી પકડીને બે અડબોથ ચડાવી તેણે છોકરીને શું આપ્યું હતું એ ઓકાવા તેનાં હાથ થનગની રહયા હતાં. ધમધમાટ કરતો તે લાઇબ્રેરીમાં દાખલ થયો હતો. એક સરાસરી નજર તેણે લાઇબ્રેરીની અંદર ફેંકી હતી. લાઇબ્રેરીનાં વિશાળ ખંડમાં વચ્ચે પડેલાં લંબચોરસ ટેબલ પાછળ ગોઠવાયેલી ખુરશીમાં ત્રણ બુઝૂર્ગ વ્યક્તિઓ બેઠી હતી એ તેણે નોટીસ કર્યુ અને પછી રાજનને શોધવા તે ડેસ્ક તરફ આગળ વધી ગયો હતો.

પ્રોફેસરો અચાનક આવી ચડેલાં એભલસીંહને જોઇને ચોંકયાં હતાં અને તે શું કરે છે એ જોઇ રહયા. એભલસીંહ ડેસ્ક સુધી પહોચ્યોં હતો અને પછી ઠઠકીને ત્યાં જ ઉભો રહી ગયો હતો. ડેસ્ક પાછળ કોઇ બેઠું નહોતું એટલે કદાચ તે મુંઝાયો હશે...! પરંતુ એ સમયે જ સ્ટોરરૂમનો દરવાજો ભભડયો હતો. પવનનાં કારણે અધખુલ્લા રહી ગયેલાં દરવાજાનાં કપાટ આપસમાં ટકરાયાં હતાં જેનાં લીધે એભલસીંહનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું એભલસીંહ એ દરવાજા તરફ ચાલ્યો અને કપાટને ધક્કો મારી અંદર પ્રવેશ્યો. પણ જેવો તે અંદર ઘુસ્યો, એની બે મિનિટમાં જ, પાછા ડગલે તે બહાર નીકળી આવ્યો હતો. તેણે અંદર જાણે કોઇ ચળિતર જોઇ લીધું હોય એમ તેની છાતી ધમણની જેમ ફુલાતી અને સંકોચાતી હતી. ઘડીભર માટે ડેસ્ક પાસે ઉભો રહયો અને ફરી પાછો તે કંઇક વિચારીને અંદર ગયો. થોડીવારમાં ફરી બહાર આવ્યો અને તેણે એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો હતો. સખત મુંઝાયેલી હાલતમાં જ તેણે ફરી સમગ્ર લાઇબ્રેરીમાં એક નજર ઘુમાવી હતી.

“ શું કરે છે એ ડફોળ...! ” દાંત ભીંસીને કલારા બોલી હતી. તેની આંખોમાંથી અંગારા વરસતાં હતાં. એભલસીંહે અહીં અચાનક ટપકી પડીને તેનાં કામમાં વિધ્ન નાંખ્યું હતું એટલે તે ભયંકર ગુસ્સે ભરાઇ હતી. એ જ કાળઝાળ ક્રોધે ભરાયેલી નજરોથી તેણે લાઇબ્રેરીની બહાર નીકળતાં એભલ સામે ત્રાટક કરીને જોયું હતું.

કોઇ અજાણી બુઢ્ઢી ઔરતની આંખોમાંથી વરસતા અંગારાએ જાણે એભલસીંહને ધક્કો માર્યો હોય એમ તે બહાર નિકળી આવ્યો હતો.

હકીકત એ હતી કે પ્રોફેસર થોમ્પસને જ એભલસીંહને કામ સોંપ્યું હતું. પરંતુ એ સમયે એભલસીંહ આ વાત જાણતો નહોતો. લાઇબ્રેરીમાં પણ તેણે ફક્ત દુરથી જ તેમને જોયાં હતાં. આજે તેમની વચ્ચે આ પહેલી મુલાકાત હતી. અને... કોઇ નહોતું જાણતું કે આવનારા ભવિષ્યમાં આ મુલાકાત કેવા- કેવા રંગ દેખાડશે.

***

હું ઇન્દ્રગઢ પહોંચ્યો ત્યારે સવારનાં છ વાગ્યા હતાં. અહીંનો હું રાજકુંવર હતો, આ મારું રાજ્ય હતું. પરોઢનાં છ વાગ્યે રાજમહેલનાં પગથિયા ચઢતાં મને જબરી થ્રિલ ઉદ્દભવતી હતી. નાનપણમાં હું અહીં દાદા સાથે રમ્યો હતો. રાજમહેલનાં વિશાળ પ્રાંગણમાં મેં ઘણાં તોફાનો કર્યા હતાં. અહીંની માટી સાથે એક સમયે મારો ઘરોબો કેળવાયેલો હતો. રાજમહેલનાં એક- એક કમરામાં મારી બાળપણની નિશાનીઓ સચવાયેલી હતી. પરંતુ... એ સમય કયારનો વીતી ચુકયો હતો. એ વાતને વર્ષોનાં વહાણાં વીતી ગયા હતાં. વર્ષો થયા હશે મને ઇન્દ્રગઢ આવ્યે...! હવે તો કદાચ આ રાજમહેલ પણ મને ભૂલાવી ચુકયો હશે.

મહેલનો વિશાળ રજવાડી દરવાજો મેં ખટખટાવ્યો. અંદર ઘણે દુર સુધી તેનો પડઘો પડયો. થોડીવારમાં દરવાજે કશીક હલચલ મચી અને પછી ભારેખમ સિસમનાં લાકડાનો દરવાજો ખુલ્યો. દરવાજે ઉંઘરેટી આંખો મઢયો એક જવાન ઉંમરનો છોકરો ઉભો હતો. તે કદાચ ભર ઉંઘમાંથી જાગીને દરવાજો ખોલવા આવ્યો હોય એવાં તેનાં દેદાર હતાં.

“ જી...! આપને કોનું કામ છે...? ” માથા ઉપર પાઘડી ચડાવતા કંટાળાભર્યા અવાજે તેણે મને પુછયું. તેને કદાચ હું કોઇ ટુરીસ્ટ લાગતો હોઇશ, જે ક-સમયે રાજમહેલ જોવા આવી ગયો હોય. એવું સમજવામાં તેનો કોઇ વાંક નહોતો. મારા દેદાર જ એવાં હતાં. એક તો આખી રાતની મુસાફરી, ઉપરાંત સામનમાં ખભે લટકતો એક માત્ર હોલ્ડઓલ ભેરવેલો હતો.

“ મારે અહીંનાં દિવાન કનૈયાલાલ બિશ્નોઇનું કામ છે...? પણ તમે કોણ છો...? ” મેં પુછયું.

“ હું રઘલો....! દિવાન સાહેબ તો કદાચ હોસ્પિટલે હશે...! અથવા તેમનાં ઘરે પણ હોઇ શકે.” મેં દિવાન સાહેબનું નામ લીધું એટલે એકાએક તે સતર્ક થયો.

“ રઘલો...! કોણ રઘલો...? દિવાન સાહેબ હોસ્પિટલે શું કામ છે...? કોઇ બિમાર છે કે શું...?” મને ખ્યાલ તો હતો જ, છતાં મેં પુછયું. પિતાજીનો ફોન આવ્યો ત્યારે તેમણે કહયું હતું કે દિવાન સાહેબનાં છોકરા ઉપર કોઇકે હુમલો કર્યો હતો અને તે જખ્મી થયો હતો.

એ છોકરો હવે મુંઝાયો હતો. પહેલાં તો તેને લાગ્યું કે કોઇ ટુરીસ્ટ ભટકતાં- ભટકતાં મહેલે આવી છડયો છે. પરંતુ હવે સામા સવાલો આવતાં હતાં એટલે એટલો તો ખ્યાલ તેને આવી ગયો હતો કે સામે ઉભેલો યુવાન કોઇ સામાન્ય ટુરીસ્ટ નથી.

“ ઉભા રો...! હું મારા બાપાને બોલાવી લાવું...” કંઇ જ ન સુઝતાં તે અંદર તરફ ભાગ્યો અને થોડીવારમાં તેનાં બાપા સાથે ફરી હાજર થયો. તેનાં પિતા વધુ કંઇ સવાલ- જવાબ કરે એ પહેલાં મેં મારી ઓળખાણ આપી દીધી કારણકે હવે દરવાજે ઉભા રહીને હું કંટાળ્યો હતો. અને... ઘડીભરમાં તો સમગ્ર રાજમહેલમાં ધમાચકડી મચી ગઇ.

“ રાજકુંવર સા આવ્યા છે. રાજકુંવર સા આવ્યા છે.... “ કહેતો રઘલો આખા રાજમહેલમાં ફરી વળ્યો. તેની હરખ ભરેલી બૂમાબૂમથી રાજમહેલમાં દેખભાળ માટે રહેતાં તમામ લોકોનો નાનકડો અમથો જમાવડો થોડાવારમાં મારી આસપાસ જામી પડયો. એકઠાં થયેલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો થોડી હૈરતથી, કંઇક આશ્વર્યથી. અને વધુ તો આનંદથી મને જોઇ રહયાં. સાચું કહું તો એ સમયે જીંદગીમાં પહેલીવાર મારો સીનો ગર્વથી ઉન્નત થયો હતો.

ત્યારબાદ રાજમહેલમાં મારી જબરજસ્ત આગતાં- સ્વાગતા શરૂ થઇ હતી. અને કેમ ન હોય, આજે વર્ષો બાદ ઇન્દ્રગઢનાં રાજકુંવર રાજમહેલમાં પધાર્યા હતાં.

***

“ જોશ, એના... તૈયારી કરવા માંડો ! મેં કહયું હતું ને કે એ છોકરી આપણું કામ જરુર પાર પાડશે...! ” કાર્લોસનાં અવાજમાં ઉત્સાહ છલકાતો હતો. કદાચ આજે વર્ષો બાદ તેનાં જેવો ખૂંખાર માણસ પણ જબરી ઉત્તેજના અનુભવી રહયો હતો. “ આપણને જરૂર છે એ ફોટાઓ છોકરીએ મેળવી લીધા છે, અને બહું જલ્દી તે આપણાં હાથમાં હશે....”

“ ઇટસ્ સાઉન્ડ ગ્રેટ...! ” જોશ મુનીઝની આંખોમાં ચમક ઉભરી આવી. સૌથી વધુ સંદેહ તેને જ હતો. ફોટાઓ મળવાથી ખરેખર તે રાજી થયો હતો. જ્યારે એના...! એઝ યુઝઅલ તે ચૂપચાપ એક ખુરશી ઉપર બેઠી રહી. તે એકશનમાં માનતી હતી, જે હવે શરૂ થવાનું હતું. અને જેનો તેને બેસબ્રીથી ઇંતેજાર હતો.

“ બોસ...! કેટલા માણસોની જરૂર પડશે...?” જોશે પુછયું.

જવાબમાં કાર્લોસ ફક્ત હસ્યો. એ હાસ્ય ભયાનક હતું.

***

લગભગ દસ વાગ્યે તૈયાર થઇને હું નીચે ઉતર્યો. મને રાજમહેલનો એક અત્યંત સુંદર કમરો ફાળવાયો હતો. સવારે જેમણે મારું સ્વાગત કર્યુ હતું એ તમામ લોકો અહીંનાં કારભારીઓ અને કર્મચારીઓ હતાં. તેમાં રઘલાનો બાપો વાલમસીંહ એ તમામનો મુખીયા હતો. મારા તૈયાર થતાં પહેલા તેણે કનૈયાલાલ દિવાનને ફોન કરીને મારા આગમનની જાણકારી આપી દીધી હતી. પરંતુ કનૈયાલાલ હજુ સુધી આવ્યા નહોતાં.

વાલમસીંહ અને રઘલો, મારી આગતાં સ્વાગતામાં અડધા- અડધા થઇ રહયા હતાં. મહેલનાં વિશાળ દિવાનખંડની એક બાજુ, દિવાનખંડનાં જ એક ભાગને અલાયદો પાડી ડાયનીંગ એરીયા બનાવાયો હતો. ત્યાં ડાયનીંગ ટેબલ ઉપર અત્યારે મારા નાસ્તા માટે વિવિધ પ્રકારની વાનગીઓ સજાવાઇ ચૂકી હતી. રાજસ્થાની અને ગુજરાતી નાસ્તાની તો તેમણે જાણે ભરમાર લગાવી દીધી હતી. મને આશ્વર્ય થયું કે આટલા ઓછાં સમયમાં આવડી બધી તૈયારીઓ આ લોકોએ કેમ કરતાં કરી હશે...! પરંતુ એમનો પ્રેમ હું સમજી શકતો હતો.

“ દિવાન સાહેબ હજુ સુધી નથી આવ્યા...? ” ડાયનીંગ ટેબલ ઉપર ગોઠવાતાં મેં પુછયું. આમ સાવ એકલા ડાયનીંગ ટેબલ પર બેસવું અને નાસ્તો કરવો મને રુચતું નહોતું.

“ જી...! મેં એમને સંદેશો પહોંચાડી દીધો છે. એ આવતાં જ હશે...!” વાલમસીંહે કહયું અને એક કર્મચારીને બોલાવી મારી થાળી પિરસાવી.

ભોજન કરતાં કરતાં જ વાલમસીંહ પાસેથી મેં ઇન્દ્રગઢનાં અને કનૈયાલાલ બિશ્નોઇનાં છોકરાં રાજન બિશ્નોઇ વિશે સઘળા સમાચાર જાણી લીધા હતાં. રાજન બિશ્નોઇ ગાયબ છે એ જાણીને મારા ભવાં સંકોચાયા હતાં.

“ ગાયબ છે મતલબ...? ” ઇન્દ્રગઢ જેવાં નાનાં સ્ટેટ માંથી આમ એકાએક રાજનનું ગાયબ થઇ જવું અપાર આશ્વર્યની ઘટના હતી. કોણ જાણે કેમ પણ, અચાનક જ નાસ્તામાંથી મારું મન ઉડી ગયું હતું. હું રાજનને કયારેય રૂબરૂ મળ્યો નહોતો છતાં મને એ છોકરાની સખત ચીંતા થઇ આવી. “ રાજન કયાં ગાયબ થઇ ગયો હશે...?”

ક્રમશઃ

( મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વંચાવજો. આભાર )

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Nidhi Raval

Nidhi Raval 6 months ago

Harendra Lalpuria

Harendra Lalpuria 8 months ago

lakkad nilank

lakkad nilank 10 months ago