No return - 2 part - 27 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-27

નો રીટર્ન-૨ ભાગ-27

નો-રીટર્ન-૨

ભાગ-૨૭

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- દિવાન સાહેબને શબનમ સાથે મોકલીને પવન જોગી ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં આવી ધમકે છે. ત્યાં અનાયાસે તેનાં હાથમાં એક રહસ્ય આવી પડે છે. હવે આગળ વાંચો...)

ખાખી પુઠ્ઠાનાં બંને બોક્સ ઉતારીને વાલમસીંહે મારી પાસે જમીન ઉપર મુક્યાં. ફૂટ બાય બે ફૂટનાં એ લંબચોરસ આકારનાં ખોખા હતાં. કોણ જાણે કેટલાય વર્ષોથી આ બોક્સ કબાટ ઉપર પડયા હશે પરંતુ આશ્વર્યની બાબત એ હતી કે હજું પણ બોક્સ એકદમ અકબંધ હતાં,.બોક્સ ઉપર ચડેલી ધૂળ ખંખેરતા તે સાવ નવા નક્કોર હોય એવું જણાઇ આવતું હતું. સાવધાનીથી મેં એક બોક્સ ખોલ્યું, અને પછી બીજું બોક્સ પણ ખોલ્યું. તે બંને બોક્સની અંદર પુસ્તકો ભરેલાં હતાં. અહીં પણ પુસ્તકોની થપ્પી જોઇ ઘોર નિરાશા મને ઘેરી વળી. સ્ટોરરૂમનાં આ તરફનાં હિસ્સામાંથી એવી કોઇ ચીજ મળી નહીં જે અલગ દેખાતી હોય અથવા તો વિચિત્ર જણાતી હોય. હવે આખો સ્ટોરરૂમ ફંફોસવા સિવાય મને બીજો ઉકેલ જણાતો નહોતો. હળવો નિશ્વાસ નાંખતાં મેં એ ખુલ્લા પડેલાં બોક્સનાં ઢાંકણ આપસ-માં બંધ કર્યા. એવું કરવામાં વાલમસીંહે પકડી રાખેલી ટોર્ચની તિરછી રોશની ફક્ત એકાદ સેકન્ડ માટે ઢાંકણની અંદર બાજુનાં ભાગે અથડાઇ હતી. એ દ્રશ્ય ક્ષણ પુરતું મને દેખાયું હતું અને એકાએક જ મારી આંખોમાં ચમક ઉભરી આવી હતી.

“ એક મિનિટ થોભ વાલમસીંહ, અહીં ટોર્ચ લાવ તો..! ” સહસા જ જાણે મને કંઇ સૂઝયું હતું. વાલમસીંહે મારા હાથમાં ટોર્ચ થમાવી. મેં ફરીથી એ ખાખી પુઠ્ઠાંનું બોક્સ ખોલ્યું. તે એક ચાર ફ્લેપમાં ઉપર તરફ ખૂલતું સામાન્ય બોક્સ જેવું જ બોક્સ હતું. મેં એ ખુલ્લા થયેલાં ફલેપમાં ટોર્ચની રોશની ફેંકી. ફલેપની નીચે કશુંક લખેલું હતું. મારી આંખો એ લખાણ જોઇને ચમકી ઉઠી. ટોર્ચની રોશનીમાં જ મેં એ લખાણ ઉકેલવાની કોશિષ કરી. ફ્લેપ ઉપર એક ચિત્ર દોરેલું હતું, અને તેની બરાબર નીચે એક આંકડો લખેલો હતો. હું એ ચિત્રને અને તેની નીચે લખાયેલા આંકડાને ધ્યાનથી નિરખી રહયો. તે ચિત્ર કોઇ પક્ષીનું હોય એવું હતું. ઓહ યસ્સ... એકાએક જ મને સમજાયું હતું કે તે એક કબુતરનું ચિત્ર હતું, અને ચિત્રની બરાબર નીચે “૫” (પાંચ) ની સંખ્યા લખેલી હતી. મતલબ કે એક કબુતર હતું અને પાંચ નંબરની સંજ્ઞા હતી. મારી નજરોમાં આશ્વર્ય તરી આવ્યું હતું. શું હોઇ શકે આ ચિત્રનું રહસ્ય...? કોઇએ પુઠ્ઠાનાં બોક્સમાં આવી ચિતરામણ શું કામ કરી હશે...? હજારો સવાલો મારા મનમાં ઉદ્દભવવા લાગ્યાં હતાં. મારી જેમ વાલમસીંહે પણ એ ચિત્રો જોયાં હતાં અને તેને પણ આશ્વર્ય ઉદ્દભવ્યું હતું.

મેં તુરંત બોક્સનાં બધાં ફલેપ ખોલી નાંખ્યા, અને પછી ઝડપથી બીજું બોક્સ નજીક ખેંચીને તેને પણ ખોલ્યું. મારું અનુમાન સાચું પડયું. એ બોક્સનાં ફ્લેપની અંદર પણ કોઇને તુરંત ખ્યાલમાં ન આવે એ રીતે કબુતરોનાં ચિત્રો દોરેલાં હતાં. અને એ બધા ચિત્રની નીચે તેનાં વિશેષ નંબરો પણ લખેલાં હતા. એક બોક્સના...આજુ-બાજુ ખુલતાં ચાર ફ્લેપ, એવા બંને બોક્સનાં કુલ મળીને આઠ ફલેપ હતાં, એટલે કે તેમાં કુલ આઠ કબુતરો દોરેલાં હતાં અને તેની નીચે આઠ આંકડા લખેલાં હતાં. જબરજસ્ત આશ્વર્યથી હું એ ચિત્રો જોઇ રહયો. આ ચિત્રોનો મતલબ શું હોઇ શકે એ અત્યારે મારી સમજમાં આવતું નહોતું. કદાચ રાજનનાં અપહરણકારો આ બોક્સ પાછળ તો નહોતાં ને...? શકયતાં પુરેપુરી હતી. મેં ફટાફટ મારો ફોન કાઢયો અને ફલેશ લાઇટ ચાલુ કરી તેનાં પિકચર કિલક કરી લીધાં.

સાવ અચાનક જ એક બીજો વિચાર પણ મારા મનમાં ઝબકયો હતો. મેં તુરંત એ ખોખામાં ભરેલાં બધા પુસ્તકોને સ્ટોરરૂમની ફર્શ ઉપર ખાલી કર્યા અને પછી તળીયે નજર નાંખી. મારું અનુમાન સાચું હતું. બંને બોકસનાં તળીયાનાં ભાગે પણ એવા જ કબુતર દોરેલા હતાં અને નંબર પણ લખેલાં હતાં. મેં તેનાં પણ ફોટા પાડી લીધાં.

તમે નહીં માનો પરંતુ અપાર વિસ્મયથી મારું હદય ધબકવા લાગ્યું હતું. આ ચિત્રો... આ નંબરો... બધું જ વિસ્મયકારક પ્રતિત થતું હતું. હું જાણે કોઇ સદીઓ જુનાં પુરાતન રહસ્યની ખોજ કરતો હોઉં એવું ફિલ કરી રહયો હતો. અડધી રાત્રે ઇન્દ્રગઢ જેવા ઇતિહાસે ભુલાવી દીધેલા રજવાડાની પુરાતન લાઇબ્રેરીનાં રહસ્યમય સ્ટોરરૂમમાં હું અને વાલમસીંહ કોઇ જ દિશા વગર ધૂળ ફાંકતાં ખાંખાંખોળા કરતાં હતાં અને અચાનક અમારા હાથે કબુતરોનાં થોડાંક વિચિત્ર ચિત્રો અને નંબરો લાગ્યા. હતાં. આ કોઇ ભેદભરમ-વાળી ઘટનાથી કમ તો નહોતું જ. જરૂર આ ચિત્રો અને નંબરોમાં કોઇ રહસ્ય છૂપાયેલું હોવું જોઇએ નહિંતર કોઇ આટલું ગુપ્ત રીતે તેનું ચિતરામણ શું કામ કરે...? મારે આ બાબતે વિચારવું હતું, ઘણું વિચારવું હતું પરંતુ એ માટે અત્યારે યોગ્ય સમય નહોતો. મેં તુરંત બધું સમેટયું હતું અને પહેલાંની જેમ જ ફરીથી વ્યવસ્થિત ગોઠવી દીધું. બોકસમાં પુસ્તકો ભરીને વળી પાછા તેને કબાટ ઉપર ચડાવી દીધા હતા. અને... મને થોડોઘણો ખ્યાલ તો આવી જ ગયો હતો કે સ્ટોરરૂમમાં હવે વિશેષ કશું મળશે નહીં છતાં, એક ઉત્સુકતા સંતોષવા ખાતર મેં અને વાલમસીંહે આખા સ્ટોરરૂમમાં તપાસ કરી લીધી હતી. મારી ધારણા પ્રમાણે જ બીજું કંઇ નવીન હાથ લાગ્યું નહોતું એટલે અમે સ્ટોરરૂમમાંથી બહાર નીકળી આવ્યા હતાં.

લાઇબ્રેરીમાં હજું પણ પહેલા જેવા જ ભેંકાર અંધકાર ફેલાયેલો હતો. મારું હદય ભારે ઉત્સુકતાથી ફફડતું હતું જ્યારે વાલમસીંહ ચૂપચાપ ખામોશી ઓઢીને મારી પાછળ ચાલ્યો આવતો હતો. તે શું વિચારતો હશે એનો અંદાજ મને નહોતો છતાં એટલો તો ખ્યાલ આવ્યો જ હતો કે સ્ટોરરૂમમાંથી નિકળતાં જ તેણે રાહતનો દમ ખેંચ્યો હશે. પરંતુ મને ચેન પડતું નહોતું. જે હાથ લાગ્યુ હતું તેનું પૃથ્થકરણ કરવું ખૂબ જરૂરી હતું. લગભગ એક કલાકની દડમજલ બાદ અમે ફરી પાછા રાજમહેલે પહોંચ્યાં હતાં.

@@@@@@@@@@

આખી રાત પછી વિચારવામાં જ વીતી. વહેલી સવારનાં ત્રણ વાગ્યે અમે મહેલે પાછા ફર્યા હતાં. વાલમસીંહને મેં સૂવા મોકલી દીધો હતો અને હું મારા કમરામાં વિચારતો પડયો હતો કે, આખરે આ રહસ્યમય કબુતરોનાં ચિત્રો ક્યા કારણોસર બોકસમાં દોરવામાં આવ્યા હશે...? અને એ કોણે દોર્યા હશે...? આટલું ગુપ્ત રીતે ચિત્રો દોરવાનો મતલબ શું હોઇ શકે...?

તમે નહીં માનો પરંતુ અત્યારે રહી-રહીને મારા જહેનમાં પેલાં ફોટાઓ ઉભરતાં હતાં જે અનેરી પાસે હતાં. મને એવું લાગવા માંડયું હતું કે આ ચિત્રો અને અનેરી પાસે હતાં એ ફોટાઓનું આપસ-માં જરૂર કંઇક અનુસંધાન હોવું જોઇએ જ..! જો મારે આ કબુતરોવાળી ગુથ્થી ઉકેલવી હોય તો કોઇપણ ભોગે એ ચિત્રો મેળવવા જ પડશે. આખરે એ ફોટાઓ તેણે અહીંથી જ તો મેળવ્યાં હતાં....! ખરું ગણો તો એ ફોટાઓ ઇન્દ્રગઢની જ અમાનત ગણાય. સવાર થતાં તુરંત ઇકબાલ ખાનને કહી અનેરીની તપાસ તેજ કરાવવાનું મનોમન મે નક્કી કર્યું.

ઉંઘવાંની વ્યર્થ કોશિષ કરતો વળીપાછો હું કબુતરોનાં વિચારે ચડી ગયો હતો. એ કુલ દસ ચિત્રો હતાં... તેની નીચે લખેલા આંડા પણ દસ જ હતાં. મેં એ આંકડા યાદ કર્યાં. ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૨. બાર સુધી લખેલા એ અંકોમાં ૬ અને ૧૧ નાં અંકો મિસિંગ હતાં. મતલબ કે આ બે અંકો આખી અંકાવલીમાં ઘટતા હતાં. એવું લાગતું હતું કે કદાચ જાણી જોઇને આ બે અંકો અધ્યાહાર રખાયા છે, અથવા તો લાઇબ્રેરીમાં જ કયાંક કોઇ જગ્યાએ એ બે અંકો છુપાયેલા હશે જે હજું સુધી અમારા હાથમાં આવ્યા નથી. પરંતુ એવી શક્યતા મને ધુંધળી લાગતી હતી કારણકે જો કોઇ માણસ એ બોકસમાં દસ આંકડા લખી શકતો હોય તો પછી ૬ અને ૧૧ને બીજે શું કામ લખે....? જબરજસ્ત મનોમંથનનાં અંતે પણ આ પ્રશ્નનો ઉત્તર મને સાંપડયો નહોતો. આખરે વિચારી-વિચારીને મારું દિમાગ પણ થાકયું હતું અને વહેલી પરોઢનાં સમયે ગાઢ નિંદ્રા હું સરી પડયો હતો.

@@@@@@@@@@@@

સવારે એક નવું આશ્ચર્ય મારી રાહ જોઇને બેઠું હતું. અનેરીની ભાળ મળી હતી. સવારનાં લગભગ દસ વોગ્યે ઇકબાલ ખાનનો ફોન આવ્યો હતો કે તેને અનેરી અને વિનીત, બન્ને થરાદની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી સાંપડી હતી. તે એ લોકોને લેવા નિકળી પડયો હતો. ટૂંક સમયમાં જ તે બંને ઇકબાલ ખાનની પહોંચમાં આવી જવાનાં હતાં અને ઇકબાલ ખાન તેને લઇને સીધો જ ઇન્દ્રગઢ આવવાનો હતો.

અનેરી અહીં આ રાજમહેલમાં આવશે એ સમાચારે મારા શરીરમાં ઉત્તેજના ભરી દીધી હતી. આખી રાતનો ઉજાગરો કોણ જાણે અચાનક ક્યાં ગાયબ થઇ ગયો હતો..! અનેરીને મળવાનાં ખ્યાલે હું પ્રફુલ્લીત થઇ ઉઠયો. પરંતુ... સાથો-સાથ કનૈયાલાલ દિવાન બાબતે ઉચાટ પણ થતો હતો. તેઓ હજું સુધી પાછા ફર્યા નહોતાં. કોણ જાણે તેમને કયાં લઇ જવામાં આવ્યા હશે અને તેમની સાથે શું સોદાબાજી કરવામાં આવી હશે...? કયાંક દિવાન સાહેબને અપહરણકારો પાસે મોકલીને મેં ભૂલ તો નથી કરીને..? હવે રહી-રહીને મને સખત ચિંતા થવા લાગી હતી. રાજન ઉપર હુમલો થયો અને પછી તે એકાએક હોસ્પિટલમાંથી ગાયબ થયો એ ઘટનાનાં તાર અહીં રાજમહેલમાં જ રોકાયેલા અમેરીકન પ્રોફેસરો અને ઇન્દ્રગઢનાં મવાલી એભલસીંહ સાથે જોડાતા હતા. એ ખરેખર ખતરનાક બાબત હતી. એ લોકો કંઇક ફિરાકમાં હતાં તેનો સ્પષ્ટ અંદેશો હજુ સુધી મને મળ્યો નહોતો. ઉપરાંત એ લોકોએ જ રાજનનું અપહરણ કર્યુ છે એવું પણ ઇકબાલ ખાન સાબિતીપૂર્વક કહી શકે તેમ નહોતો. તેણે તો માત્ર અનુમાન લગાવ્યું હતું. એભલસીંહનાં કોલ રિકોર્ડ અને પ્રોફેસરોનું મહેલમાંથી એકાએક ચાલ્યા જવું, આ બે બાબતોનાં આધારે તેણે એ અનુમાન લગાવ્યું હતું જેમાં તે કદાચ ખોટો પણ પડી શકવાની શક્યતાઓ હતી. પણ ખેર.... હમણાં થોડીવાર પછી અનેરી અહી આવશે ત્યારે ઘણીબધી ઉલઝનોનો અંત આવવાનો હતો. મને તેનો બેસબ્રીથી ઇંતેજાર હતો. મહેલમાં તમામને મેં અનેરીનાં સ્વાગત માટે તૈયાર રહેવાની સૂચના આપી દીધી હતી. અમારી પહેલી મુલાકાત ભલે ફારસ-રૂપ સાબીત થઇ હોય, પરંતુ હવે હું કોઇ ચાન્સ લેવા માંગતો નહોતો.

@@@@@@@@@@@@@

તેણે ઘેરા બ્લેક રંગનું, થોડાં વધું પડતા પહોળા ગળાવાળું ટી-શર્ટ પહેર્યું હતુ. ખરેખર તો તમે એને ટી-શર્ટ ન કહી શકો..! પહેલાનાં સમયમાં યુવતીઓ જેવું આંતરવસ્ત્ર પહેરતી હતી એવું જાડા કાપડનું એ સ્લીપ જેવું ટી-શર્ટ હતું. એ ટી-શર્ટમાંથી તેનાં કંઇકઅંશે ભરાવદાર કહી શકાય એવા વક્ષસ્થળની સ્નિગ્ધ, સુંવાળી ગોળાઇઓ બહાર દ્રશ્યમાન થતી હતી. ટિ-શર્ટ સાથે તેણે જીન્સનું શોર્ટ સ્કર્ટ ચડાવ્યું હતું. ગોઠણથી બે ઇંચ અધ્ધર રહે એવા શોર્ટમાં તેનાં લાંબા-સુંવાળા પગ અદ્દભૂત લાગતાં હતાં. તે રાજમહેલનાં ડ્રોઇંગરૂમમાં ઉભી હતી. તેની બાજુમાં ઇન્સ. ઇકબાલ અને વિનીત ઉભા હતાં.દુરથી જ સ્પષ્ટ જણાઇ આવતું હતું કે અનેરીનાં ચહેરા ઉપર પરેશાનીનાં ભાવો રમતાં હતાં. અને એ સ્વાભાવિક છે કે અચાનક એક પોલીસ ઇન્સ્પેકટર આવીને તેને કોઇ જ સવાલ-જવાબ કર્યા વગર અહીં ઉંચકી લાવે એટલે વ્યક્તિ ગભરાય તો ખરો જ. તેની ચળક-ચળક થતી ખૂબસુરત આંખો દિવાનખંડનો જાયજો લઇ રહી હતી. અચાનક તેની દ્રષ્ટિ મારી તરફ સ્થિર થઇ. મને અહીં રાજમહેલમાં જોઇને તેનાં કપાળે સળ પડયાં હતાં.

હું હજું હમણાં જ ફ્રેશ થઇને દાદર ઉતરતો હતો કે ઇન્સ. ઇકબાલ અનેરી અને વિનીતને લઇને દિવાનખંડમાં પ્રવેશ્યાં હતાં. એમને પ્રવેશતા જોઇને હું દાદર ઉપર જ સ્થિર ઉભો રહી ગયો હતો. અનેરીને જોતાં જ મને બધું ભૂલાઇ જતું. જૂઓને, અત્યારે પણ હું એકીટશે તેને નિરખવામાં મગ્ન બન્યો હતો. તેણે મારી તરફ જોયું હતું અને તેની નજરો સાથે નજરો મળતાં જ હું સતર્ક થયો હતો અને દાદરનાં પગથીયા ઉતરી તેની સમક્ષ આવીને ઉભો રહયો. ભારે હેરાનીથી તે અને વિનીત મને નિરખી રહયાં. અમદાવાદનાં બસ સ્ટેશને જોયેલો એક અજાણ્યો યુવાન આમ ઇન્દ્રગઢનાં રાજમહેલમાં દમામથી આંટા મારતો હતો એ તેમનાં માટે કલ્પનાતીત હકીકત હતી.

“ વેલડન મી. ઇકબાલ...” આગળ વધીને મેં ઇકબાલ ખાનનું અભિવાદન કર્યું. “ એન્ડ વેલકમ ટુ બોથ ઓફ યુ...”

“ માયગોડ...! તો આ ઇન્સ્પેકટર તમારો માણસ છે...? અમને આમ ઉંચકી લાવવાની પરમીશન તમને કોણે આપી...? શું હું જાણી શકું કે તમે કોણ છો અને અમને આવી રીતે અહીં લાવવા પાછળનો તમારો મકસદ શું છે...? ” તેનો તીણો અવાજ વધુ પડતો ઉંચો થયો હતો. તે ખરેખર ગુસ્સે ભરાઇ હતી.

“ મીસ. અનેરી પાલીવાલ....! તમને અહીં લાવવા પાછળ મારો કોઇ જ ખરાબ આશય નથી. તમે થોડા શાંત થાઓ અને નિરાંતે અહીં બેસો...” મેં સોફા તરફ ઇશારો કરતાં કહયું “ હું તમને બધું જ વિગતવાર કહીશ. તમારા દરેક પ્રશ્નનો ઉત્તર મળશે પરંતુ એ પહેલાં આપ બેસો. વિનીત, તું પણ બેસ...!” મારા અવાજમાં ખરેખર શાલીનતા છલકતી હતી. અનેરી અને વિનીત, બંને ભયાનક વિસ્મય અનુભવતા મને જોઇ રહ્યાં. મને તેમના નામ ખબર હતી એનું આશ્વર્ય તેમનાં ચહેરા ઉપર છવાયું હતું.

“ જુઓ...! મારે ફક્ત થોડાં પ્રશ્નોનાં ઉત્તર જોઇએ છે. થોડાંક એવાં પ્રશ્નો, કે જેનો જવાબ મેળવવા તમે પણ દોડી રહયા છો. મારું માનવું છે કે જો આપણે સાથે મળીને કોશિષ કરીશું તો ચોક્કસ એ પ્રશ્નો સોલ્વ કરી શકીશું. જો તમે સહકાર આપશો તો આ મામલો જલ્દી સુલઝી જશે...! ” મેં સમજાવટથી કામ લેવાનું મન બનાવ્યું હતું. પરંતુ તે બંનેને મારી વાતમાં વિશ્વાસ પડતો ન હોય એવું પ્રતિત થતું હતું. છતાં તેઓ આગળ વધીને સોફા ઉપર બેઠા હતાં. એ દરમ્યાન હું ઇન્સ. ઇકબાલ ખાન તરફ ફર્યો હતો. તેનું કામ હવે પુરુ થતું હતું એટલે તેનું અહીંથી રવાના થવું જરૂરી હતું. મને ખબર હતી કે આ પરિસ્થિતી તેને સહેજે પસંદ આવશે નહીં પરંતુ અત્યારે મારી પાસે એ સિવાય બીજો વિકલ્પ નહોતો. મેં તેને બહું મુશ્કેલીથી સમજાવ્યો હતો અને રવાના કર્યો હતો. ધૂંવાફુંવા થતો તે ગયો. એક નાનકડા રાજ્યનાં સિપાહીએ ઘણું સહન કરવું પડતું હોય છે એનો વસવસો તેની ચાલમાં સ્પષ્ટ વર્તાતો હતો. અને તમે નહિં માનો, ખરેખર મને તેનો જબરો ક્ષોભ થતો હતો.

પરંતુ મારે હવે ઝડપ કરવાની હતી. એક તરફ દિવાન સાહેબ અને તેનાં છોકરાનો જીવ દાવ પર લાગ્યો હતો અને બીજી તરફ અનેરીને સમજાવીને પેલા ફોટોગ્રાફ્સ મેળવવાનાં હતા.. આ સમયે હવે જો કોઇ ગફલત થઇ તો તેનું પરીણામ ભયંકર આવવાનું હતું. સૌથી અઘરુ કામ અત્યારે અનેરીને સમજાવવાનું મને લાગતું હતું. મેં કળથી કામ લેવાનું નક્કી કર્યુ. હું તેઓ બેઠા હતાં એ સોફાની સામેની ખુરશીમાં ગોઠવાયો અને વાતને ગોળગોળ ઘુમાવ્યા વગર સીધી જ શરૂઆત કરી.

“ મારે પેલા ફોટોગ્રાફ્સ જોઇએ છે..” એ જ વાક્ય મેં દોહરાવ્યુ જે ગીતામંદિરનાં બસ સ્ટેન્ડમાં હું બોલ્યો હતો. “ એ ફોટાઓ.... અને કેમેરો, જે તમે ઇન્દ્રગઢની લાઇબ્રેરીમાંથી મેળવ્યો હતો. મારે એ પરત જોઇએ છે.....” મક્કમતાથી હું બોલ્યો હતો.

“ પરત જોઇએ છે મતલબ...? અને તમે એ માંગવા વાળા છો કોણ....?” અનેરીનાં ભવાં સંકોચાયાં.

“ હું આ રાજ્યનો રાજકુંવર છું. આ મારું રાજ્ય છે, અને તમે જે કેમેરો અહીંથી ઉઠાવી ગયાં છો એ ઇન્દ્રગઢની ધરોહર છે...!”

જબરજસ્ત આઘાતથી અનેરી મને જોઇ રહી. તેને મારા શબ્દો ઉપર વિશ્વાસ થયો નહી. એવી જ કંઇક વિનીતની હાલત હતી.

“ જૂઓ.... હું તમને વિસ્તારથી આખી કહાની સમજાવું છું...” હું બોલ્યો. “ તમે અહીંનાં લાઇબ્રેરીયન છોકરા પાસેથી એક કેમેરો લઇ ગયાં હતા.. એ છોકરાનું અપહરણ થયું છે અને તેનું જીવન ખતરામાં છે. એ લોકોને પેલો કેમેરો જોઇએ છે. ઉપરાંત, હું જાણુ છું કે તમે હજું પણ કંઇક શોધી રહયા છો. તમારી એ ચીજ મારી પાસે છે. ખરું પુછો તો અત્યારે આપણાં બંનેને એકબીજાની જરૂર છે. જો આપણે સાથે મળીને કામ કરીશું તો મને ખાતરી છે કે ચોક્કસ આપણે આ ગુત્થીને સુલઝાવી શકીશું..”

અનેરી વિચારોમાં ખોવાઇ.

હું આશાભરી નજરે તેની સામું જોઇ રહયો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 years ago

very interesting story!!

Riddhi

Riddhi 2 years ago

Kiran Kamani

Kiran Kamani 2 years ago