Satya Asatya - 30 in Gujarati Love Stories by Kajal Oza Vaidya books and stories PDF | સત્ય અસત્ય - પ્રકરણ - 30

સત્ય અસત્ય - પ્રકરણ - 30

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩૦

ઘણો પ્રયાસ કરવા છતાં પ્રિયંકાથી સત્ય છુપાવી શકાયું નહીં. ભણેલીગણેલી અને ચાલાક પ્રિયંકાએ દવાઓ પરથી, રિપોટ્‌ર્સ પરથી શોધી કાઢ્યું કે એને બ્લડકેન્સર છે. બીજી કોઈ આડીતેડી વાત કર્યા વિના એણે આદિત્યને એક દિવસ સીધો જ સવાલ પૂછી નાખ્યો, ‘‘મારા બચવાના ચાન્સીસ કેટલા છે ?’’

‘‘પૂરેપૂરા.’’ હવે જ્યારે પ્રિયંકા બધું જાણતી જ હતી ત્યારે એનાથી કશું જ છુપાવાનો અર્થ નહોતો એટલું આદિત્ય સમજી ગયો હતો, ‘‘તને ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર છે અને હવે કેન્સર કોઈ ભયાનક રોગ ગણાતો જ નથી.’’

‘‘આદિ, મારે મરવું નથી. મારા બાળકને ઉછેરવું છે. તારી સાથે જીવવું છે.’’ પ્રિયંકાનો અવાજ સહેજ કંપતો હતો,પણ એની આંખો કોરી હતી. એ આંખોમાં દૃઢ નિશ્ચય અને હિંમત સ્પષ્ટ દેખાતા હતા. આદિત્ય થોડીક ક્ષણો એની સામે જોઈ રહ્યો. દરેક વખતે પોતાની રાખમાંથી ઊભા થવાની એની અદ્‌ભુત શક્તિ પર આદિત્યને માન થઈ આવ્યું. એણે ખૂબ વહાલથી પ્રિયંકાના માથે હાથ ફેરવ્યો.

‘‘તને કંઈ નથી થવાનું. આ તો એક નાનકડી પરીક્ષા છે. આપણે બંનેએ હાથમાં હાથ પકડીને આ ઉબડખાબડ રસ્તો પસાર કરી જવાનો છે.’’

‘‘મને ખબર છે કે આ બાળક ઉપર રોગની કોઈ અસર નહીં થાય, તેમ છતાં મને ખૂબ ટેન્શન થાય છે.’’

‘‘ટેન્શન કરવા જેવું કશું નથી. અત્યારે તું ફક્ત આપણા બાળકનો વિચાર કર. બાકીનું મારા પર છોડી દે.’’ આટલી સ્વાભાવિકતાથી કેન્સર જેવા રોગ વિશે પતિ-પત્ની વચ્ચે વાતચીત થઈ શકે એ વાત જ માન્યામાં આવે એવી નથી. સંપૂર્ણપણે સ્વસ્થ પ્રિયંકા અને એની જિંદગી બચાવવા કટિબદ્ધ આદિત્ય હવે નિયતિને પડકારવા એકસાથે ઊભા થઈ ગયા હતા.

એક દિવસ રાત્રે અચાનક પ્રિયંકાએ દુઃખાવાની ફરિયાદ કરી. બધા હૉસ્પિટલ પહોંચ્યા. થોડા સમય પછી પ્રિયંકાએ એક સરસ, તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. બધું જ નૉર્મલ અને પરફેક્ટ હતું. ડિલિવરી સમયે પ્રિયંકાએ જે કાંઈ વિચાર્યું હશે તે, પરંતુ એનું બ્લડપ્રેશર એકદમ શુટઅપ થઈ ગયું. વધેલા બ્લડપ્રેશર સાથે ડિલિવરી તો નૉર્મલ થઈ ગઈ, પણ શરૂ થયેલું બ્લિડિંગ અટકતું નહોતું. ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પ્રિયંકાને બ્લડ ક્લોટિંગ થતું જ નહોતું.

દવાઓ, ઇન્જેક્શન્સ, ઇન્ટ્રાવિનસ... એક પછી એક પ્રયાસો થતા રહ્યા. એનું બ્લિડિંગ સાચે જ ચિંતા કરાવે એવી સ્થિતિમાં પહોંચી ગયું હતું.

ડૉક્ટરે બહાર આવીને આદિત્યને કહ્યું, ‘‘પરિસ્થિતિ ગંભીર છે. તમે અંદર આવો તો સારું.’’

આદિત્ય પરસેવો લૂછતો, હાંફળોફાંફળો અંદર પહોંચ્યો. થોડા જ કલાકોમાં પ્રિયંકા ફિક્કી પડેલી દેખાતી હતી.

બોટલમાંથી લોહી એના શરીરમાં ઉંડેલાતું હતું. એને બોલવામાં સહેજ તકલીફ પડતી હતી, પણ આંખની ચમક અને ચહેરા પર સ્મિત એમ જ હતું. આદિત્ય જેવો નજીક આવ્યો કે એનું સ્મિત થોડું વિસ્તર્યું, ‘‘કૉંગ્રેચ્યુલેશન, તું પિતા બની ગયો.’’

‘‘તેં બનાવ્યો. મારા શરીરમાંથી જન્મેલા અંશને જોતા જ ઈશ્વર પરની મારી શ્રદ્ધા દૃઢ થઈ ગઈ.’’

પ્રિયંકાએ વહાલથી કહ્યું, ‘‘એક બાળક ઘરમાં અને સંબંધમાં ઉજાસ લઈને આવતું હોય છે. એના રડવાનો અવાજ સાંભળ્યો કે મારી અંદર કશુંક પ્રગટ્યું હોય એવું લાગ્યું મને.’’ એણે આદિત્યનો હાથ પકડ્યો. એની પકડ પણ શક્તિહીન અને ઢીલી હતી, ‘‘આદિ, શું કહે છે આ લોકો ? હું નહીં બચું?’’

‘‘શટઅપ... આંખ મીંચ અને આપણા બાળકના ચહેરાને યાદ કર. એને તારી જરૂર છે, પ્રિયંકા. તારે જીવવાનું છે.’’ આદિત્યએ બંને હાથે એનો હાથ પકડી લીધો, ‘‘આપણી જિંદગી હજી ઘણી આગળ જવાની છે. અધવચ્ચે છૂટા પડવાનું નથી લખ્યું આપણા નસીબમાં.’’ પ્રિયંકા એની સામે જોઈ રહી. આટલા વખતમાં પહેલી વાર એની આંખમાં સહેજ ભીનાશ આવેલી આદિત્યને દેખાઈ, ‘‘પ્રિયંકા, ઈશ્વર, નસીબ, ગ્રહો બધા કરતા વધારે શ્રદ્ધા મને માણસની ઇચ્છા પર છે. તમે જે ઇચ્છો અને વિચારો એમ કર્યા વિના ઈશ્વરને પણ છૂટકો ન રહે એટલું દૃઢમનોબળ આપણી પાસે હોવું જોઈએ.’’

‘‘મેં આશા નથી છોડી. હું તો જીવવાની જ છું, આદિ !’’

આદિત્યએ ઝૂકીને પ્રિયંકાના હોઠ પર ચુંબન કરી લીધું. પછી એનો હાથ પકડીને ક્યાંય સુધી ત્યાં જ બેસી રહ્યો. પોતાના શરીરમાં રહેલું તમામ બળ, શક્તિ અને શ્રદ્ધા જાણે પ્રિયંકાની નસોમાં ઉતારી દેવા માગતો હોય તેમ એ ધીમે ધીમે એના હાથ પર પોતાનો હાથ ઘસતો રહ્યો.

એ દરમિયાન ડૉક્ટરો પોતાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે ! એક જુનિયર ડૉક્ટરે આવીને એના ખભે હાથ મૂક્યો, ‘‘શી ઇઝ બેટર.’’ એટલું સાંભળતા જ આદિત્યની અંદર એક ઠંડક વ્યાપી ગઈ. એની શ્રદ્ધા સાચી પુરવાર થઈ એ બાબતે એણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો. એણે આંખ ઉઘાડી પ્રિયંકા તરફ જોયું તો પ્રિયંકા ઊંઘતી હતી. જુનિયર ડોક્ટરે ધીમેથી આદિત્યને કહ્યું, ‘‘એ ઊંઘે છે. બે-ત્રણ કલાક ઊંઘશે. તમે પણ આરામ કરી શકો છો. ચાર કલાકથી તમે આમ જ બેઠા છો.’’

આદિત્ય ધીમેથી પોતાનો હાથ છોડાવીને ઊભો થવા જતો હતો, પરંતુ પ્રિયંકાએ ઊંઘમાં જ એના હાથ પરની પકડ સહેજ વધુ મજબૂત કરી. આદિત્ય શાંતિથી ત્યાં જ બેસી રહ્યો. પ્રિયંકા ઊંઘતી રહી. ફરી એક વાર આંખ મીંચીને આદિત્ય મનોમન પ્રિયંકાના કુશળની પ્રાર્થના ઈશ્વરને પહોંચાડતો રહ્યો.

બે દિવસ પછી ખુશખુશાલ અને સ્વસ્થ પ્રિયંકા એના બાળકને લઈને પલંગમાં બેઠી હતી. આસપાસ કુટુંબીઓનો મેળો હતો. દાદાજી, સિદ્ધાર્થભાઈ, શીલાબહેન, આદિત્યના માતાપિતા અને બીજા કેટલાય લોકો પ્રિયંકાને અભિનંદન આપવા ભેગા મળ્યા હતા. આનંદવાતો ચાલી રહી હતી ત્યારે પ્રિયંકાએ અચાનક પૂછ્‌યું, ‘‘સત્યજીત નથી આવ્યો ?’’

આદિત્ય કંઈ જવાબ આપી શક્યો નહીં. સત્યજીત રોજ આવતો હતો, દિવસમાં બે વાર ! એણે પ્રિયંકાને મળવાની સ્પષ્ટ ના પાડી. બેબીરૂમમાં જઈને દીકરાને જોઈ આવ્યો, પરંતુ પ્રિયંકાના રૂમમાં ન ગયો. આદિત્યના વારંવાર કહેવા છતાં પણ એણે પ્રિયંકાને મળવાનું ટાળ્યું.

આદિત્યને સમજાતું નહોતું કે સત્યજીત આમ કેમ વર્તે છે. સોનાલીબહેન મળવા આવ્યા ત્યારે એમણે પણ પૂછ્‌યું, ‘‘સત્યજીત આવ્યો હતો ?’’ આટલા સવાલ પરથી જ આદિત્યને સમજાઈ ગયું કે મા-દીકરા વચ્ચે સમાચારોની આપ-લે થતી નથી. અમોલા મળવા આવી ત્યારે એણે પણ ધીમેથી પૂછ્‌યું, ‘‘સત્યજીત આવી ગયો ?’’ આદિત્યને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે ઘરના કોઈની સાથે સત્યજીતને વાત કરવાનો વ્યવહાર નથી !

પ્રિયંકા સ્વસ્થ થઈ ગઈ એ પછી આદિત્યએ સત્યજીતને બેસાડીને સીધું જ પૂછ્‌યું, ‘‘ક્યાં સુધી આમ કપાયેલો, એકલો બધાથી દૂર રહીને જીવી શકીશ ?’’

‘‘શ્રદ્ધા મોટી થઈ જાય ત્યાં સુધી.’’

‘‘એ પછી ?’’

‘‘મને નથી ખબર... બહુ લાંબું નથી વિચારી શકતો... હમણાં મારી ફરજો અને જવાબદારી પૂરતું વિચારી શકું તોય ઘણું...’’

‘‘સત્યજીત, આ એકલતા તોડી નાખશે તને.’’

‘‘હવે તૂટવામાં કંઈ બાકી નથી... મારી અંદર અને આસપાસ જે કાંઈ તૂટવા જેવું હતું એ બધું જ તૂટી ગયું છે. સબંધો, હૃદય, વચનો અને વિશ્વાસ... હવે એક જ કારણ આંખ સામે રાખીને જીવું છું. મારી દીકરીનો ચહેરો.’’

‘‘પ્રિયંકાથી કેમ ભાગે છે ?’’

‘‘કારણકે એ મને સવાલો પૂછશે... મારી પાસે એના સવાલોના સાચા જવાબો છે, પણ એને આપી નહીં શકું. ખોેેેેેટા જવાબ આપી આપીને એને છેતરતા છેતરતા હું થાકી ગયો છું.’’ આદિત્ય એની સામે જોઈ રહ્યો. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને આટલું બધું ચાહી શકે એ વાત હજી એની બુદ્ધિ સ્વીકારતી નહોતી. કોઈની પાછળ આમ ફના થઈ જઈ શકાય એ ખ્યાલ માત્ર એને અસ્વસ્થ કરતો હતો.

પ્રિયંકાએ આદિત્યને ખોવાયેલો જોઈને ફરી પૂછ્‌યું, ‘‘સત્યજીત નથી આવ્યો ?’’

‘‘ફોન આવે છે એના.’’ આદિત્યએ અર્ધસત્ય કહ્યું.

પ્રિયંકાએ મનોમન ગાંઠ વાળી, ‘એક વાર હૉસ્પિટલમાંથી ઘરે ગયા પછી કોઈ પણ રીતે સત્યજીતને સામે બેસાડી, એની આંખમાં આંખ નાખી એેને સીધા સ્પષ્ટ સવાલો પૂછવા છે. એક સંબંધ તૂટી ગયો તો શું થયું ? અમારી વચ્ચે દોસ્તી તો હતી, ને એટલું તો રહી જ શકે...’ એને સમજાતું હતું કે એવું કોઈક તો કારણ છે જેને લીધે સત્યજીત એની સામે આવવાનું ટાળે છે.

ડિલિવરીમાંથી ઊભા થતાની સાથે એણે સત્યજીતને પકડીને પોતાની સામે બેસાડવાનું નક્કી કરી લીધું.

જે દિવસથી સત્યજીતને ખબર પડી હતી કે પ્રિયંકાને બ્લડકેન્સર છે એ દિવસથી એક રાત પણ એ નિરાંતે ઊંઘી શક્યો નહોતો. આદિત્યને હિંમત આપવા એણે જે કાંઈ કહ્યું તે, પરંતુ એની પોતાની હિંમત તૂટી ગઈ હતી. પ્રિયંકાને કાંઈ થાય તો પોતે સાવ તૂટી જશે એ વાત સત્યજીત જાણતો હતો... ને પ્રિયંકા સામે આવીને ઊભી રહેત તો પોતાની પીડા અને પ્રિયંકાની ચિંતા મળીને પોતે એની સામે ઢગલો થઈ જશે એવી એને ખાતરી હતી. એ કોઈપણ સંજોગોમાં પ્રિયંકાની સામે ઢીલો પડવા માગતો નહોતો.

એને એવી પણ ખબર હતી કે પ્રિયંકા એની જિંદગી વિશે, એના અને અમોલાના સંબંધો વિશે એને સીધા સવાલો પૂછવાની હતી. સત્યજીતમાં પ્રિયકાની સામે ઊભા રહીને સાચું બોલવાની શક્તિ નહોતી... ખોટું બોલવાની હિંમત નહોતી...

એ જે પરિસ્થિતિમાં જીવી રહ્યો હતો એ જાણ્યા પછી પણ પ્રિયંકા એની કોઈ મદદ કરી શકવાની નહોતી એ પણ એક સત્ય હતું. કોઈપણ સંજોગોમાં એ પ્રિયંકાને દુઃખી કે ચિંતિત કરવા માગતો નહોતો. અત્યાર સુધી પહેરી રાખેલા મોહરા સાથે જ પ્રિયંકા એને જોઈને અહીંથી જતી રહે એવો એ પ્રયાસ કરી રહ્યો હતો.

કેવી વિચિત્ર સ્થિતિ હતી ! બંનેને એકબીજાની ચિંતા હતી. બંનેને એકબીજા માટે ખૂબ લાગણી હતી તેમ છતાં બને એકબીજાથી દૂર રહેવાના, દૂર થવાના પ્રયાસ કરી રહ્યા હતા !

પ્રિયંકા ભારત છોડીને જાય ત્યાં સુધી કોઈપણ રીતે એને ન મળવું એવું એણે નક્કી કરી લીધું.

(ક્રમશઃ)

Rate & Review

Natvar Patel

Natvar Patel 1 month ago

Dakshesh Bagan

Dakshesh Bagan 1 month ago

Suchita

Suchita 3 months ago

Hina Thakkar

Hina Thakkar 3 months ago

Jagdishbhai Kansagra