Bhedi Tapu - 3 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 3

ભેદી ટાપુ - 3

ભેદી ટાપુ

[૩]

કપ્તાનની શોધ

ઈજનેર જાળીની દોરી ઢીલી પડતાં સમુદ્રના મોજામાં તણાઈ ગયો. તેનો વફાદાર કૂતરો માલિકની પાછળ કૂદી પડ્યો. સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફટ, નેબ, ચારેય જણા પોતાનો થાક ભૂલીને શોધખોળ કરવા લાગ્યા. બિચારો નેબ! તે રડતો હતો. તેને હાર્ડિંગ સિવાય પોતાનું કહી શકાય એવું દુનિયામાં કોઈ ન હતું.

હાર્ડિંગ અદ્રશ્ય થયો. એને હજી બે જ મિનીટ થઇ હતી. તેમને આશા હતી કે તેઓ હાર્ડિંગ =ને બચાવી શકશે. આથી તેઓ હાર્ડિંગને બચાવવા આગળ વધતા હતા.

ચાલો તેને શોધી કાઢીએ.નેબે બૂમ પાડી.

હા, નેબ.ગિડીયન સ્પિલેટે જવાબ આપ્યો. આપણે એને જરૂર શોધી કાઢીશું.

આપણે એને જીવતો શોધી શકીશું?”

હા, એ હજી જીવતો હશે?”

તેને તરતા આવડે છે?” પેનક્રોફટે પૂછ્યું.

હા.નેબે જવાબ આપ્યો.અને વળી ટોપ સાથે છે.

કાઠા ઉપર ભારે ફીણ જોઈને ખલાસીએ નિરાશામાં ડોકું ધુણાવ્યું.

ઈજનેર કિનારાની ઉત્તર તરફ અદ્રશ્ય થયો હતો. અને એ સ્થળ અહીંથી અડધો માઈલ જેટલું દૂર હતું. ઇજનેરને નજીકમાં નજીક કિનારો લગભગ અડધા માઈલને અંતરે હતો. અત્યારે સાંજના છ વાગ્યા હતા. ગાઢ ધુમ્મસ રાત્રિના અન્ધકારને વધુ ગાઢ બનાવતું હતું. ચારેય જણા ઉત્તર તરફ આગળ વધતા હતા. પોતે ક્યાં હતા અને એ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ શું હતી તે જાન્ય વિના તેઓ અથડાતા કૂટાતા ચાલવા લાગ્યા. જમીન રેતીવાળી તથા પથરાળ હતી; ખાડાખાબડાવાળી જમીનમાં ચાલવામાં ખૂબ ઉશ્કેલી પડતી હતી. મોટા ખાડાઓમાં પગ પડતાં અંદરથી પક્ષીઓ પંખો ફફડાવીને ઊડી જતાં હતાં.

રસ્તામાં વચ્ચે વચ્ચે તેઓ રોકી જતા હતા. અને જોરજોરથી કપ્તાનના નામની બૂમો પડતા હતા. પછી શાંતિથી ઊભા રહી તેનો કોઈ જવાબ આવે છે કે નહિ તેની રાહ જોતા હતા. તેમની બૂમોનો અવાજ આકાશમાં પ્રસરી જતો હતો. કપ્તાનનો અવાજ કે કૂતરાના ભસવાનો અવાજ તેમને સંભળાતો ન હતો. એને બદલે સાગરની ગર્જના સંભળાતી હતી. ચારેય જણા પોતાની આગેકૂચ જારી રાખતા હતા.

લગભગ વીસ મિનીટ ચાલ્યા પછી તેઓ એક ઊંચી ભેખડ પાસે આવી પહોંચ્યા.ત્યાં જમીન પૂરી થતી હતી ને દરિયો શરુ થતો હતો. ઘૂઘવાટા કરતા સાગરના મોજા એ ભેખડ સાથે અથડાતાં હતાં.

આ તો ઊંડી ભેખડ છે.ખલાસી બોલ્યો, “આપણે પાછા વળીએ. જમણી તરફ જતાં કદાચ આ ટાપુને જોડતી જમીન આવે.

કદાચ સામે કાંઠે હોય.નેબ બોલ્યો.તો ચાલો બૂમ પડીએ.

ચારે જણાએ જોરજોરથી બૂમ પાડી. પણ કોઈ ઉત્તર ન મળ્યો.

ચારેય જણા પાછા વળ્યા. હવે તેઓ જમણી તરફ કિનારે કિનારે ચાલવા લાગ્યા. કિનારો અર્ધ ગોળાકાર હોય એવું દેખાતું હતું. ધુમ્મસ અને અંધકારને હિસાબે ચોક્કસપણે કંઈ કહી શકાય એમ ન હતું. વચ્ચે વચ્ચે ઊભા રહીને તેઓ કપ્તાન હાર્ડિંગના નામની બૂમો પડતા હતા. અહીં પક્ષીઓ બહુ ઓછા પ્રમાણમાં હતાં. દરિયો પણ ઓછો તોફાની હતો. ધીમે ધીમે વાવાઝોડું શમતું જતું હતું.

આ રીતે આગળ જવું તે કપ્તાન જ્યાંથી ગૂમ થયો તેનાથી બરાબર વિરુદ્ધ દિશામાં જવા જેવું હતું. લગભગ અડધી-પોણી કલાક આ રસ્તે ચાલ્યા; ત્યારે તેઓ ફરી પાછા જમીનને વ્છેડે દરિયા પાસે આવી પહોંચ્યા. તેઓ લગભગ બે માઈલ ચાલ્યા હશે.

આપણે નાના ટાપુ પર આવી ચડ્યા છીએ.પેનક્રોફટ બોલ્યો.આપણે એક છેડેથી બીજા સુધી પહોંચી ગયા.

ખલાસીની વાત સાચી હતી. તેઓ એક નાનકડા ટાપુ પર ફેંકાયા હતા. આ ટાપુ બે માઈલ લાંબો અને પોણા બે માઈલ જેટલો પહોળો હતો. આ ઉજ્જડ ટાપુ દરિયાઈ પક્ષીઓનું આશ્રય લેવાનું સ્થળ હતું. અહીં નાકરા ખડકો હતા. વનસ્પતિનું નામ નથી. આની સાથે કોઈ બીજો બેટ જોડાયેલો ?હશે? કંઈ કહી શકાય એમ નહોતું.

વળી પાછી બધાએ ઘણી બૂમો પાડી. અંતે શોધખોળનું કામ બીજે દિવસે સવાર સુધી મોકૂફ રાખવાનું નક્કી થયું. હાર્ડિંગ તરફથી કોઈ ઉત્તર મળતો ન હતો.

આપના મિત્રનું મૌન સૂચવે છે કે એ કદાચ ઘાયલ થયા છે અથવા બેભાન થયા છે. એટલે જવાબ આપી શકતા નથી.ખબરપત્રીએ કહ્યું.

ખબરપત્રીએ તાપણું સળગાવવાની દરખાસ્ત મૂકી. એ તાપણાથી ઇજનેરને આપણે ક્યા છીએ એની જાન થશે.પાન આ ટાપુ ઉપર લાકડું કે સૂકું ઘાસ જરા પણ મળ્યું નહિ. અહી તો માત્ર રેતી અને પથરાઓ જ હતા. નેબ અને તેના સાથીઓ હાર્ડિંગ સાથે પ્રેમના સબંધથી જોડાયેલા હતા. તેથી તેમના દુઃખનો પાર ન હતો. અત્યારે રાત હતી એટલે તેઓ કંઈ કરી શકે એમ ન હતા. હવે સવાર પડે એની ધીરજથી રાહ જોવી જરૂરી હતી.

કાં તો ઈજનેર બચી ગયો હશે અને કિનારા પર ક્યાંય આશરો લીધો હશે, અથવા તે સદાને માટે પોઢી ગયો હશે. લાંબી રાત પસાર કરવી મુશ્કેલ હતી. ઠંડી ભયાનક હતી. ઠંડીથી આ ચારેય જણા ધ્રુજતા હતા પણ તેઓ આરામ લેતા ન હતા. તેઓ આમથી તેમ સતત ચાલતા રહ્યા. વારંવાર તેઓ ઉત્તરના કિનારા પાસે આવીને અટકતા હતા. અહીં નજીક તેમનો સાથી ગૂમ થયો હતો. તેઓ ફરી ફરીને બૂમો પડતા હતા. હવે પવન પડી ગયો હતો અને સમુદ્ર શાંત થઇ ગયો હતો.

નેબની એક બૂમનો પડઘો પડ્યો. હર્બર્ટે એ તરફ પેનક્રોફ્ટનું ધ્યાન ખેંચ્યું અને કહ્યું.

એનો અર્થ એ કે સામો કિનારો નજીક છે.

ખલાસીએ હકારમાં ડોકું ધુણાવ્યું. તેની આંખો પણ કહેતી હતી કે દરિયાની સામે બાજુ જમીન છે. ધીમે ધીમે આકાશ સ્વચ્છ થવા લાગ્યું. અગણિત તારાઓ આકાશમાં દેખાવા લાગ્યા. જો હાર્ડિંગ સાથે હોત તો એ જરૂ કહેત કે આ તારાઓ ઉત્તર ગોળાર્ધના નથી પણ દક્ષિણ ગોળાર્ધના છે. ધ્રુવનો તારો તો બિલકુલ દેખાતો જ ન હતો. અમેરિકામાં તેઓ જે તારામંડળો જોતા હતા, એનાં કરતાં આ તારામંડળો જુદાં હતાં. સ્વસ્તિકનો તારો આકાશના બરાબર મધ્ય ભાગમાં ચમકતો હતો.

રાત્રિ પસાર થઇ ગઈ. ૨૫ માર્ચના રોજ સવારે પાંચ વાગ્યે આકાશમાં પ્રકાશ દેખાયો. ક્ષિતિજ પર હજુ અંધકાર છવાયો હતો.સવાર થતાં સમુદ્ર પર ઘાટું ધુમ્મસ ફેલાઈ ગયું. વીસ ફૂટ દૂરની વસ્તુ પણ દેખાતી ન હતી. બધાએ દૂર દૂર નજર કરી, પણ જમીન દેખાઈ નહીં.

વાંધો નહીં, વાંધો નહીં,” પેનક્રોફટ બોલ્યો.ભલે મને જમીન ન દેખાય, પણ જમીન છે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ધુમ્મસ હટતું ન હતું. લગભગ સાડા છ વાગ્યે, સૂર્ય ઉગ્યા પછી પોણી કલાકે, ધુમ્મસ ઓગળવા માંડ્યું. તેની સાથે જ પશ્ચિમ બાજુએ સામે ખડક્વાળો કિનારો દેખાયો. આ ટાપુ અને પેલા કિનારા વચ્ચે મોટી ખાડી હતી; દરિયાઈ પાણી તેમાંથી ઘસારા સાથે વહેતું હતું.

હા! સામે જમીન છે, આ ટાપુ અને સમો કિનારો એ બે વચ્ચે અડધા માઈલની ખાડી હતી. એ ખાડીમાં દરિયાનો પ્રવાહ જોશબંધ વહેતો હતો.

નેબ કોઈને પૂછ્યા વિના સીધો જ ખાડીમાં કૂદી પડ્યો. તેને સામે કિનારે પહોંચવાની ઉતાવળ હતી. પેનક્રોફટે તેને રોકવા બૂમો પાડી, પણ તેની કોઈ અસર ન થઈ. ખબરપત્રી તેની પાછળ ખાડીમાં ઝંપલાવવા તૈયાર થયો, પણ પેનક્રોફટે તેને રોક્યો.

તમે ખાડીને પાર કરવા ઈચ્છો છો?” પેનક્રોફટે પૂછ્યું.

હા.સ્પિલેટે જવાબ આપ્યો.

ભલે.ખલાસી બોલ્યો.થોડી રાહ જુઓ, નેબ, તેના માલિકની મદદે પહોંચી ગયો છે. આપણે ખાડીમાં પડશું તો કદાચ તણાઈ જઈશું. હમણાં ઓટ થવા લાગી છે. થોડી વારમાં ખાડીનું પાણી ઓછું થઇ જશે. આપણે થોડી ધીરજ રાખીએ. છીછરા પાણીમાં આપણે સહેલાઈથી સામે પાર જઈ શકીશું.

તમારી વાત સાચી છે.ખબરપત્રીએ જવાબ આપ્યો.આપને ત્રણેય જણાએ જુદા પડવામાં હવે સાર નથી.

દરમિયાન નેબ પ્રવાહમાં જોરજોરથી તરતો હતો. તે પ્રવાહમાં ત્રાંસો જતો હતો. અડધા કલાકે તે સામે કિનારે પહોંચી ગયો. એ જ્યાંથી નીકળ્યો હતો તેના કરતાં સેંકડો ફૂટ ત્રાંસો તે સામે કિનારે પહોંચ્યો હતો. સામે કિનારે પહોંચીને તેણે કપડાં પરથી પાણી ખંખેરી નાખ્યું. પછી તે ખડકોની પાછળ દોડીને અદ્રશ્ય થઇ ગયો.

નેબના સાથીઓએ તેના સાહસને ચિંતાપૂર્વક નિહાળ્યું. તે અદ્રશ્ય થયો પછી તેમણે પોતે જે ટાપુ પર હતા, તેનું નિરીક્ષણ કરવા માંડ્યું. ભૂખ શમાવવા તેમણે શંખલાનાં જીવડાં અને એવું બધું ખાઈ લીધું.

પછી તેમણે સમા કિનારા તરફ નજર નાખી, તે કિનારો પણ લગભગ અર્ધ ગોળાકાર હતો. વચ્ચે એક મોટો અખાત બની ગયો હતો. દક્ષિણ તરફ તે કિનારો અણીદાર બનીને દરિયામાં ઘૂસી જતો હતો. તે બાજુ વનસ્પતિનું નામનિશાન ન હતું. ત્યાં ગ્રેનાઈટના પથ્થરો હતા.

ઉત્તર તરફ અખાત જરા પહોળો થતો હતો. અને કિનારો વધારે ગોળાકાર દેખાતો હતો. આ બે છેડા વચ્ચેનું અંતર લગભગ આઠ માઈલ હતો. જે ઉજ્જડ બેટ ઉપર આ ત્રણ જણા ઊભા હતા, તનો આકાર કોઈ મોટી વ્હેલ માછલીના હાડપિંજર જેવો હતો.

સામો કિનારો આગળના ભાગમાં થોડોક રેતાળ હોય એવું લાગતું હતું, પણ પાછળના ભાગમાં મોટા કાળા પથ્થરો દેખાતા હતા. તે પછી ગ્રેનાઈટ પથ્થરની સીધી દીવાલ રચાતી હતી; જેની ઊંચાઈ લગભગ ત્રણસો ફૂટ જેટલી હતી. ત્રણ માઈલ સુધી એ પથ્થરો ચાલુ રહેતા હતા. તે પછી કોઈ માણસે પથ્થરોને કાપી સપાટ દરિયા કિનારો બનાવ્યો હોય એવું લાગતું હતું.

ડાબી બાજુ તે ખડકો અવ્યવસ્થિત રીતે આવેલા હતા. જાણે કે પગથિયાની જેમ નીચે તરફ તે ઊતરતા ઊતરતા દક્ષિણ છેડે જમીન સાથે ભળી જતા હતા.

ઉત્તર બાજુ ખડકોની કરાડો પૂરી થતાં ત્યાં કેટલાંક વૃક્ષો કદમાં મોટાં હતાં, આ ઉપરથી તેમને ખાતરી થઈ કે સામે જમીન છે; ત્યાં વનસ્પતિનું પણ અસ્તિત્વ છે. આથી તેમને થોડો સંતોષ થયો.

છેલ્લે વાયવ્ય ખૂણામાં બધાની પાછળ લગભગ સાત માઈલ છેટે એક પર્વતનું શિખર ચમકતું હતું. એ ઉપરથી તેમણે અનુમાન કર્યું કે શિખર ઉપર બરફ છવાયેલો છે, અને એ બરફ ઉપર સૂર્યનાં કિરણો પડતાં તે ચળકે છે, આ ઉપરથી બરફથી છવાયેલો મોટો પર્વત પણ ત્યાં છે એવી ખાતરી થઈ.

પ્રશ્ન એ હતો કે સામે કિનારે જે જમીન દેખાય છે તે બેટની જમીન છે કે મોટા ખંડનો ભાગ છે? આ પ્રશ્નનો જવાબ અત્યારે મળે તેમ ન હતો. આ ભૂમિપ્રદેશ જ્વાળામુખીમાંથી બન્યો હશે એટલું તો ચોક્કસ કહી શકાય એમ હતું.

સ્પિલેટ, પેનક્રોફટ અને હર્બર્ટ એ ત્રણેય જણાએ સામે આવેલી જમીનને ખૂબ ઝીણવટથી તપાસી. આ જમીન ઉપર તેઓને કદાચ ઘણાં વર્ષો રહેવું પડે, અથવા અહીં જ મરવું પડે. જો આ રસ્તે થઈને વહાણો કે આગબોટો પસાર થતી ન હોય તો એવા જ હાલ થાય.

પેનક્રોફટ, હવે શું કહો છો?” હર્બર્ટે પૂછ્યું.

જોઈએ, દરેક વસ્તુમાં કેટલુંક સારું અને કેટલુંક ખરાબ હોય છે.ખલાસીએ જવાબ આપ્યો.ઓટ ચાલુ થઈ છે. ત્રણ કલાક પછી આપણે ખાડીમાં પડશું અને સામે પાર જઈશું. સામે પાર પહોંચ્યા પછી આપણને કપ્તાન જડી જશે. અને આમાંથી કેમ નીકળવું તેનો આપણે વિચાર કરીશું.

પેનક્રોફટની વાત સાચી હતી. ત્રણ કલાક પછી ઓટ થતાં ખાડીનાં પાણી ઓસરી ગયાં. હવે ખાડી પાર કરવી સહેલી હતી.

આશરે દસ વાગ્યે સ્પિલેટ અને તેના સાથીઓ કપડાં ઉતારીને ખાડીમાં કૂદી પડ્યા. કપડાં ગડી વાળીને માથા પર રાખ્યાં હતાં. ખાડીનું પાણી ક્યાંય પાંચ ફૂટ કરતાં ઊંડું ન હતું. ત્રણેય જણા સહેલાઈથી સામે કાંઠે પહોંચી ગયા. કપડાં પહેરી હવે આગળ શું કરવું તે અંગે વિચાર કરવા બેઠા.

***

Rate & Review

RAMANIK VARMA

RAMANIK VARMA 1 day ago

Jigar Vyas

Jigar Vyas 4 weeks ago

Sanjay Bakraniya

Sanjay Bakraniya 1 month ago

Ashok Joshi

Ashok Joshi 3 months ago

Hetal Rathwa

Hetal Rathwa 1 year ago