Bhedi Tapu - 4 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 4

ભેદી ટાપુ - 4

ભેદી ટાપુ

[૪]

ગુફામાં

અનુવાદ

ડો. અમૃત રાણિગા

એકાએક સ્પિલેટ ઊભો થઈ ગયો. તેણે ખલાસીને કહ્યું:

હું બરાબર આ જ સ્થળે તમને પાછો મળીશ. હું પણ નેબ ગયો તે દિશામાં જાઉં છું.

એમ કહીને તે કરાડની પાછળ અદ્રશ્ય થઇ ગયો. હર્બર્ટ તેની સાથે જવા ઈચ્છતો હતો, પણ ખલાસીએ તેને રોક્યો અને કહ્યું:ઊભો રહે, મારા દીકરા,” ખલાસી બોલ્યો.આપણે પહેલાં રહેવાની જગ્યા શોધી કાઢવી પડશે. પછી કંઈક સારું ખાવાપીવાનું જોઈશે. આપણા મિત્રો થાક્યાપાક્યા પાછા આવશે ત્યારે તેમને માટે આપણે બધું તૈયાર કરી રાખવું પડશે. અહીં આપણે ભાગે કામ વહેંચી લઈએ.

હા, એ બરાબર છે.હર્બર્ટે જવાબ આપ્યો.

આપણે શેની જરૂર છે એ વિચારીને કામે વળગીએ.ખલાસી બોલ્યો.આપણે થાકેલા છીએ, ભૂખ્યા છીએ અને ઠંડીથી થરથરીએ છીએ, માટે સૌથી પહેલાં આપને રહેઠાણનો પ્રબંધ કરવો પડશે, પછી, ખોરાકનો અને અગ્નિનો. જંગલમાં સૂકાં લાકડાં છે અને પક્ષીઓના માળામાં ઈંડાં છે. ફક્ત આપણે રહેવા માટે ઘર શોધવું પડશે.

બરાબર" હર્બર્ટે જવાબ આપ્યો.હું ખડકમાં ગુફા શોધી કાઢીશ. મને લાગે છે કે એનાથી રહેઠાણનો પ્રશ્ન ઉકલી જશે.

ચાલો.ખલાસીએ કહ્યું.

બંને નીકળી પડ્યા. રેતીવાળા કિનારાથી નજીક કાળા પથ્થરની મોટી ઊંચી કરાડ હતી. એ કરાડની પાછળ શું છે તે જોવાની તેમની ઈચ્છા હતી, પણ વચ્ચે ક્યાંય કોઈ તિરાડ દેખાતી ન હતી.

નેબ અને સ્પિલેટ ઉત્તર તરફ ગયા હતા. પેનક્રોફટ અને હર્બર્ટ દક્ષિણ દિશામાં જતા હતા. થોડે દૂર ગયા પછી કરાડની વચ્ચે ખલાસીને એક તિરાડ દેખાઈ. તેણે અનુમાન કર્યું કે તેની પાછળ પાણીનું નાનકડું ઝરણું હશે. એની આજુબાજુ રહેવું જોઈએ. એનાથી એક ફાયદો હતો. જરુર પડે ત્યારે મીઠું પાણી પી શકાય. બીજું કદાચ સમુદ્રની ભરતીમાં હાર્ડિંગ તણાઈને આ ઝરણાને કિનારે ખેંચાઈ આવે.

તેઓ ઝડપથી એ કરાડ તરફ ચાલવા લાગ્યા. એ કરાડ કાળા પથ્થરની બનેલી હતી. તેની ઊંચાઈ લગભગ ત્રણસો ફૂટ હતી. તે કરાડ એટલી મજબૂત હતી કે, સમુદ્રનાં મોજાંઓ પણ તેને તોડી શક્યાં ન હતાં. એ કરાડની ટોચ ઉપર કેટલાંક પંખીઓનાં ઝૂંડ ઊડતાં હતાં. જો તેમની પાસે બંદૂક હોત તો તેઓ પક્ષીઓનો શિકાર કરી શકત.

રસ્તામાં તેઓએ ખડક ઉપર ચોંટી ગયેલાં પુષ્કળ શંખાલાઓ જોયાં. જીવતાં છિપલાઓ પણ ઘણાં હતાં. હર્બર્ટ જરા આગળ હતો. તેણે બૂમ પાડી પેનક્રોફટને બોલાવ્યો.પેનક્રોફટ દોડતો એની પાસે ગયો.

અહીં શંખલાઓ છે!ખલાસી બોલ્યો.ઈંડાને બદલે તે ચાલશે.

હા.હર્બર્ટે જવાબ આપ્યો.ચાલો, થોડાં ખાઈ લઈએ.

બંનેએ શંખલાઓ અને છીપમાછલીઓ કહીને ભૂખને મટાડી. તેમણે છીપમાછલીઓ ખવાય તેટલી ખાધી, અને પછી પોતાના મિત્રો માટે ખિસ્સામાં ભરી લીધી. થોડી રૂમાલમાં પણ લીધી.

પછી તેઓ કરાડને તળિયે જ્યાં તેમને તિરાડ દેખાતી હતી, તે ર્તરફ ચાલવા લાગ્યા. લગભગ બસ્સો ડગલાં ચાલ્યા પછી તેઓ એ તિરાડ પાસે આવી પહોંચ્યા. પેનક્રોફટે ધાર્યું હતું તેમ અહીં ઝરણું વહેતું હતું. લગભગ વીસેક ફૂટની પહોળાઈમાંથી પાણી વહેતું હતું. આ ઝરણું જોઈને બંનેના આનંદનો પાર ન રહ્યો. અડધા માઈલ પછી આ નદી જંગલમાં અદ્રશ્ય થઈ જતી હતી.

અહીં પીવાનું પાણી છે. અને સામે જંગલમાં લાકડાં છે.ખલાસી બોલ્યો.હવે હર્બર્ટ, આપણે રહેવા માટે ઘર શોધવું રહ્યું.

પાણી ખૂબ મીઠું હતું. ભરતી વખતે દરિયાનાં પાણી આ પ્રવાહમાં ભળીને તેને ખારું કરી નાખતાં હશે. હર્બર્ટે કોઈ ગુફા મળી જાય તે માટે તપાસ આદરી.

કાળા પથ્થરમાં ક્યાંય ગુફા જેવું દેખાતું ન હતું. એ કરાડ સીધી, લીસી અને કાટખૂણે ઉભેલી હતી. આમ છતાં, તેમને એક જગ્યાએ ગુફા જેવું દેખાયું. કાળા પથ્થરો એકબીજા ઉપર આડાઅવળા ખડક્યા હોય એ રીતે પડ્યા હતા. તેનીવચ્ચે એક ગુફા જેવો પોલાણવાળો ભાગ દેખાતો હતો. બંને જણા તેમાં પ્રવેશ્ય. સામાન્ય રીતે દરિયાની ભરતીનાં પાણી ત્યાં પહોંચી શકે તેમ ન હતા.

તેમણે આ ગુફાની નિરીક્ષણ કર્યું. પથરાઓ વચ્ચે મોટા મોટા કાણાઓ હતા. તેમાંથી સમુદ્રનો ઠંડો પવન આવતો હતો. જો વરસાદ આવે તો પણ અહીં ભીંજાઈ જવાય એમ હતું. તેમ છતાં, સમુદ્રના ખુલ્લા કિનારા કરતા આ જગ્યા વધારે સલામત હતી. તેથી તેમણે અહીં રહેવાનું નક્કી કર્યું. ખલાસીએ વિચાર્યું કે, જ્યાથી ખૂબ પવન આવતો હતો, તે કાણાંઓને જંગલમાંથી લાવેલાં લાકડાંથી તેમજ પથ્થર અને રેતીથી પૂરી શકાશે.

આ જગ્યા સરસ છે.પેનક્રોફ્ટે કહ્યું.જો કપ્તાન હાર્ડિંગ મળી જાય તો--

આપણને એ ચોક્કસ મળી જશે, પેનક્રોફટ.હર્બર્ટે જવાબ આપ્યો.તેમને આપને શોધેલું રહેઠાણ ગમશે.

પહેલાં આપણે સૂકાં લાકડાં એકઠાં કરી લઈએ.ખલાસી બોલ્યો. બંને જણા નદીને ડાબે કિનારે ચાલવા લાગ્યા. અહીં પાણીનો પ્રવાહ ઝડપી હતો. ભરતી શરુ થઈ ગઈ હતી. પંદર મિનીટ ચાલ્યા પછી સૂકાં લાકડાં દેખાયાં. વૃક્ષોને જોઇને હર્બર્ટને ખૂબ આનંદ થયો. હિમાલયનાં જંગલોમાં થતાં દેવદારનાં વૃક્ષો અહીં પુષ્કળ પ્રમાણમાં હતાં. નીચે સૂકૂ ઘાસ અને અને સૂકા લાકડાં પુષ્કળ પ્રમાણમાં હતાં. સૂકાન લાકડાં પર પગ પડતાં તેના તૂટવાનો કડડડ એવો અવાજ આવતો હતો. હર્બર્ટ જુદાં જુદાં વૃક્ષને ઓળખાવતો હતો; પણ પેનક્રોફ્ટને એમાં કંઈ રસ ન હતો.

હું આ વૃક્ષનાં નામ જાણતો નથી.ખલાસી બોલ્યો.કે તેને ઓળખતો નથી. હું તો એનેબાળવાનાં લાકડાંકહું. અત્યારે આપણે એની મુખ્ય જરૂર છે.

બંને જણાએ ભેગા થઈને લાકડાનો એક મોટો ઢગલો કર્યો. પણ તેને ગુફા સુધી લઈ જવા કેમ? બંને જણા પોતાથી ઉપડે તેટલાં લઇ જાય તો લાંબો વખત ચાલે નહીં. સૂકાં લાકડાં ભડભડ બળી જાય. આખી રાત ઠંડીથી બચવા લાકડાંનો મોટ્ટો જથ્થો ગુફા સુધી પહોંચાડવો જરૂરી હતો.

કોઈક રસ્તો નીકળી આવશે.ખલાસી બોલ્યો.જો આપણી પાસે ગાડું કે હોડી હોત તો સહેલાઈથી આપણે લાકડાં ગુફા સુધી પહોંચાડી દેત.

પણ આપણી પાસે નદી છે ને!હર્બર્ટે કહ્યું.

હા, નદી આપણને કામ આવશે. આપણે લાકડાનો તરાપો બનાવી લઈએ. તરાપા ઉપર લાકડા ગોઠવીને આપણે ઠેઠ સુધી પહોંચાડી શકીશું.

પણ અત્યારે તો ભરતીનાં પાણી ચડે છે.હર્બર્ટ બોલ્યો.

હા.ખલાસી બોલ્યો, “ઓટ થાય ત્યાં સુધી રાહ જોવી રહી. ચાલો, આપણે તરાપો બનાવી લઈએ.

બંને જણાએ નદીકિનારે લાકડાનો ઢગલો કર્યો. પછી દોરડાને બદલે મજબૂત વેલો શોધી કાઢ્યા. તેની મદદથી તરાપો તૈયાર કર્યો. તેના ઉપર લાકડાના ભાર બાંધીને મૂક્યા. લગભગ વીસ માણસોને ચાલે એટલા લાકડાં હતાં.

હવે ઓટ થાય ત્યાં સુધી રાહ જોવી પડે એમ હતી. એનાથી તેઓ કરાડની ટોચ ઉપર પહોંચી ગયા. ત્યાં નજીકમાં નદીનું મુખ દેખાતું હતું.

કરાડ ઉપર ચડીને તેમણે સમુદ્ર ઉપર નજર નાખી. હાર્ડિંગ જ્યાં અદ્રશ્ય થયો હતો તે ઉત્તર કિનારા તરફ જોયું. ત્યાં પાણી સિવાય કંઈ દેખાયુ નહિ. પછી નેબ અને સ્પિલેટ જે તરફ ગયા હતા તે તરફ દ્રષ્ટિ નાખી. ક્યાંય નેબ કે ખબરપત્રી દેખાતા ન હતા.

મને લાગે છે કે, કપ્તાન હાર્ડિંગ જેવા માણસ કદી ડૂબે નહિ. તે ક્યાંય કિનારે પહોંચી ગયા હશે.હર્બર્ટે પેનક્રોફટને સંબોધીને કહ્યું.

ખલાસીએ નિરાશામાં માથું હલાવ્યું. તેને હાર્ડિંગ જીવતો હોય એવી બહુ ઓછી આશા જતી. છતાં હર્બર્ટને નિરાશ ન કરવા તે બોલ્યો:જરૂર,જરૂર. આપણા ઈજનેર ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર આવે એવા છે.

પછી કરાડ ઉપર ઊભા રહીને ઝીણવટથી નિરીક્ષણ કર્યું. પૂર્વ તરફ નાનકડા બેટ સિવાય સર્વત્ર પાણી હતું. ઉત્તર તરફ ખડકોની પાછળ સપાટ કિનારો નજરે પડતો હતો. દક્ષિણ તરફ ખડકોના કિનારાની અણી સમુદ્રમાં પેસી જતી હતી. પશ્ચિમ તરફ પહેલાં જેનું એક શિખર દેખાતું હતું, તે પર્વત બરફથી આચ્છાદિત દેખાયો. તે પર્વત લગભગ છ થી સાત માઈલ દૂર હતો. પર્વતની તળેટીમાં મોટું જંગલ હતું. પર્વતની પાછળ જમીન છે કે પાણી તે કંઈ દેખાતું ન હતું.

આપણે ટાપુ પર છીએ?” ખલાસીએ પૂછ્યું.

એ જે હોય તે; પણ છે ઘણો મોટોછોકરાએ જવાબ આપ્યો.

ટાપુ, પછી ગમે તેવડો મોટો હોય, અંતે ટાપુ જ છે!

પણ આ ટાપુ છે કે નહિ તે નક્કી કરવા વધારે તપાસ જરુરુઈ હતી. એટલું ખરું કે આ જમીન ફળદ્રુપ હતી.

ટોચ ઉપરથી તેઓ પાછા ફર્યા. આ વખતે તેમણે દક્ષિણ તરફનો ઢોળાવ પસંદ કર્યો હતો. હર્બર્ટ ખડક ઉપર કૂદકા મારીને પક્ષીઓને ઉડાડતો હતો. એક પક્ષીઓનું ટોળું ઊડ્યું.

અરે! આ તો કબૂતર !હર્બર્ટે બૂમ પાડી.

હા;જંગલથી કબૂતર છે.ખલાસી બોલ્યો.ખડકની બખોલમાં કબૂતરના માળા છે. તેમાંથી ઈંડા પણ મળી રહેશે.

હા, હા. આપણે આમલેટ બનાવીશું.હર્બર્ટ બોલ્યો.

બંનેએ બખોલમાં શોધખોળ શરુ કરી, થોડા વખતમાં કેટલાક ડઝન ઈંડા ભેગા થઇ ગયાં. ખલાસીઓએ બધાં પોતાના રૂમાલમાં બાંધી લીધાં.

ઓટ ઝડપથી શરુ થઈ હતી. જયારે તેઓ નદીકિનારે પહોંચ્યા ત્યારે બપોરનો એક વાગ્યો હતો. બંને જણાએ લાકડાં ભરેલો તરાપો પ્રવાહમાં નાખ્યો. તરાપાના પાછલા ભાગમાં વેલાના દેરડાં બનાવી બાંધ્યાં હતાં, હર્બર્ટ લાંબા વાંસથી કાંઠે ચાલતાં ચાલતાં તરાપાને ધકેલાતો હતો, અને પેનક્રોફટ દોરડું પકડી રાખી ચાલતો હતો. બે વાગ્યે તેઓ નદીના મુખ પાસે આવી પહોંચ્યા. ત્યાંથી ગુફા માત્ર થોડાંક પગલાં દૂર હતી.

***

Rate & Review

Dhaneshbhai bhanabhai parmar
Lalit Shah

Lalit Shah 4 months ago

Jeet Gajjar

Jeet Gajjar Matrubharti Verified 9 months ago

Rajnikant

Rajnikant 10 months ago

MANUBHAI DAMOR

MANUBHAI DAMOR 1 year ago

Nice story