no return-2 part-41 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૪૧

નો રીટર્ન-૨ ભાગ-૪૧

નો-રીટર્ન-૨

ભાગ-૪૧

દાદુએ જે કહાની સંભળાવી તેનાં ઘણાં તારણો નિકળતા હતા. ઘણુંબધુ સમજાતું હતું. ઘણાં તથ્યો અને તારણો, સમીકરણોનાં સરવાળા- બાદબાકી મનમાં ઉદભવતાં હતાં. બ્રાઝિલનાં બિહામણાં જંગલોમાં છૂપાયેલો લખલૂંટ ખજાનો એ કોઇ મિથ્ય નથી, કે કોઇનું મનઘડંત તૂત પણ નથી એ તો દાદુની વાતો અને જે સબુતો અમને મળ્યા હતાં તેનાં પરથી સાબિત થતું હતું. જરૂર હતી તો ફક્ત એટલી જ કે એ રહસ્યને એકસૂત્રતાનાં તાતણે બાંધીને કેવી રીતે સમજી શકાય...! કોઇપણ રહસ્ય ત્યાં સુધી જ રહસ્ય રહે છે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ હાસીલ ન થાય. અહીં તો અમને ખજાના વીશે ઘણુબધું જાણવા મળ્યું હતું. દાદુની વાતોથી ઘણાખરા ડાઉટ ક્લિયર થયા હતાં. લાઇબ્રેરીમાં મળેલા કબુતરોનાં ચિત્રોનો ભેદ અનાયાસે જ ઉકેલાયો હતો. જો કે એ ચિત્રો કોણે દોર્યા.... અમારી લાઇબ્રેરીમાં એ કેવી રીતે આવ્યાં.... મારા દાદા અને અનેરીનાં દાદા એ જંગલોમાં ગયાં હતાં કે નહી... જો ગયાં હોય તો તેમણે ત્યાં શું-શું જોયું... કંઇ જાણકારી એકઠી કરી...? આવા ઘણાબધા પ્રશ્નોનાં જવાબ મારે હજું મેળવવાનાં હતાં, અને એ બધું જ શક્ય બનશે એની હવે મને ખાતરી થતી જતી હતી.

“ દાદુ...! તમારી કહાની તો સમજાઇ પણ પછી શું થયું હતું....? ” મારી ઉત્સુકતા તેની ચરમસીમાએ હતી. હવે જટ આ મામલાને તેનાં “ ધી એન્ડ “ સુધી પહોચાડવા હું અધીરો બન્યો હતો.

“ એ પછી તો એ સફર ઉપર પરદો ઢંકાઇ ગયો હતો. પાદરી મહાશયે હેમન્ડને શોધવાનાં અથાક પ્રયત્નો કર્યા હતાં પરંતુ એમાં એને સફળતા મળી નહોતી. ત્યારથી માંડીને અત્યાર સુધી કોઇનાં પણ હાથમાં એ અભિશાપિત સ્વર્ણ ભંડાર આવી શકયો નથી. એ ખજાનાને શોધવા જેટલા પણ પ્રયત્નો થયાં, જેટલાં પણ લોકો એ જંગલમાં ગયાં, એ બધાં જ કમોતે મર્યા છે અથવા તો અચાનક ક્યાંક ગુમ થઇ ગયાં છે. રહસ્યનાં આટાપાટા જેવો એ ખજાનો ખરેખર એક રહસ્ય જ બનીને રહી ગયો છે. ક્યારે તો મને પણ એવું લાગે છે કે શું ખરેખર એવો કોઇ ખજાનો અસ્તિત્વ ધરાવે છે ખરો....? કે પછી તેનાં વીશે મનઘડંત કહાનીઓ જ ફેલાઇ છે..! ” પ્રોફેસરે લગભગ પોતાની વાત સંકેલી લીધી હોય એવા ભાવ સાથે બોલ્યાં અને પછી ઉભા થઇને બાલ્કની તરફ ચાલ્યાં ગયાં. અમે અવાક બનીને ત્યાં જ, સોફા ઉપર બેસેલા રહયાં.

અહીથીં મને પ્રોફેસરની ઝુકેલી પીઠ દેખાતી હતી. બાલ્કનીમાં ચણેલી પારાફીટને ટેકે તેઓ બંને હાથ ભેગા કરીને બહાર... સામે દેખાતા યુનિવર્સીટીનાં પ્રાંગણને તાકતા ઉભા રહયાં. કેમ્પસનાં પરીસરમાંથી વહેતો ઠંડો પવન તેમનાં માથાનાં આછા થઇ ચૂકેલા વાળને હવામાં લહેરાવતો હતો. તેમનાં કદમ થાકેલા જણાતા હતાં. કદાચ એકધારું બોલવાનો એ થાક હતો અથવા તો પછી ભૂતકાળની વાતોને આટલા વર્ષો બાદ વાગોળવાનો થાક તેમનાં બુઢ્ઢા જીસ્મમાં છવાયો હતો.

પરંતુ મને તેમની વાતોથી સંતોષ થયો નહોતો. મારે હજું ઘણું જાણવાનું બાકી હતું. તે અને મારા દાદા વીરસીંહ, બન્ને સાથે મળીને એ ખજાનાની ખોજમાં ગયાં હતાં. ત્યાં તેમણે શું કર્યુ એ વાતો તો દાદુએ સાવ અધ્યાહાર જ રાખી હતી. મારી ઉત્કંષ્ઠા આથમી નહોતી, ઉલટાની ઓર વધી ગઇ હતી. મારા દાદા વીરસીંહે આખરે ત્યાં જઇને શું કર્યુ હતું એ મારે જાણવું હતું. અને એ પણ જાણવું હતું કે તેમણે મને સ્વપ્નમાં આવીને એવું શું કામ કહયું કે “ તારી જરૂરિયાત અહીં ઇન્દ્રસભામાં નહીં પરંતુ ઇન્દ્રગઢમાં છે....”

શું આવું કહીને તેઓ મને પણ આ ખજાના પાછળ મોકલવા માંગતા હશે...?

@@@@@@@@@@@@@

“ અમે ગયાં હતાં. હાં...! એ ખજાનાને ખોજવા હું અને તારા દાદા નીકળ્યા હતાં. મારી અનિચ્છા હતી છતાં હું તારા દાદાને નાં નહોતો કહી શકયો. આમપણ રજવાડાનાં કારભાર હવે રહયાં નહોતાં. જીવનમાં કરવા જેવું કંઇ જ બચ્યું નહોતું. પુરો સમય ખાલી વાતોમાં અને વ્યવહાર સાચવવામાં વિતાવવા કરતાં કંઇક અનોખું જોવા, જાણવા, મેળવવા માટે ઉપયોગ થતો હોય તો એમાં ખોટું પણ કંઇ નહોતું. પરંતુ એ ખરેખર જીવનાં જોખમવાળો ધંધો હતો. ભારતથી બ્રાઝિલ જવું, અને ત્યાં જઇને સાવ અજાણ્યો પ્રદેશ ખુંદવો કંઇ ખાવાનાં ખેલ તો નહોતાં જ. છતાં અમે એક ગાંડપણ ભર્યા સાહસે નીકળી પડયાં હતાં. અમારી પાસે અમારાથી આગળ ગયેલા તમામ લોકોની સફરની માહિતી હતી. તેઓ કયાં કયાં ગયા હતાં અને એ સ્થળોએ કેવી રીતે પહોંચી શકાય એનો સ્પષ્ટ પ્લાન તૈયાર હતો. કર્નલ પી.એસ.ફોસેટ અને પ્રોફેસર એરિક હેમન્ડનાં દોરેલા નક્શાઓ હતાં. એ બધું ત્યારનાં ન્યુઝ પેપરમાં સરાજાહેર રીતે છપાયું હતું. કારણકે હવે એ ખજાના વીશે કશું જ ગોપનિય રહયું નહોતું. રહસ્ય હતું તો બસ એટલું જ કે હજુ સુધી એ ખજાના સુધી કોઇ પહોંચી શકયું નહોતું. અને જે પહોંચ્યું હતું એ કયારેય જીવીત પાછું ફર્યું નહોતું. એવું રહસ્યમય ત્યાં શું હશે...? એ જ અમારે જાણવું હતું અને એ મબલખ દોલત ઉપર અમારું આધિપત્ય જમાવવું હતું... ” દાદુએ વાતનું ફરીથી અનુસંધાન જોડયું હતું. અમે ફરીથી તલ્લીન થઇને તેમને સાંભળવા લાગ્યાં હતાં.

“ અમારું સૌથી પહેલું લક્ષ્ય પિસ્કોટા ગામ પહોંચવાનું હતું. જ્યાં પેલો પાદરી જોનાથન વેલ્સ રહેતો હતો. પુરા આઠ દિવસની સફરનાં અંતે અમે એ ગામમાં પહોંચ્યાં હતાં અને પાદરીને ખોળી કાઢયો હતો. વળી પાછા એ ખજાનાની ખોજ પાછળ આવેલા માણસોને જોઇને પાદરી ભડકયો હતો. તેણે પહેલાં તો અમને બંનેને ટાળ્યા હતાં પરંતુ અમારી મક્કમતા જોઇને પછી તેણે સહકારભર્યુ વલણ અપનાવ્યું હતું. અમને તેણે એરિક હેમન્ડની સફર વીશે અને તેણે રીટર્ન મોકલાવેલા સંદેશાઓ વીશે વિગતવાર માહિતી આપી હતી. તેણે જીવીત પાછા ફરેલા કબુતરોનાં પગ સાથે બાંધેલા સંદેશાઓ અમને બતાવ્યાં હતાં. એ સંદેશાઓમાં એરિક હેમન્ડ કયા કયાં રોકાયો હતો એ સ્થળો વીશે... ત્યાંની આબોહવા વીશે.... જંગલમાં ઉદ્દભવતી મુશ્કેલીઓ વીશે... આદિવાસી કબીલાઓ વીશે.... અને તેમની આગળની સફર વીશે લખ્યું વિગતથી હતું. રસ્તામાં આવતાં દરેક પડાવ ઉપરથી તેણે એક એક કબુતરને રવાના કર્યું હતું. તેમાં એ પડાવ સુધી પહોંચવાનો નક્શો પણ તેમણે દોરીને મોકલ્યો હતો. અમે એ નક્શાઓને વ્યવસ્થિત રીતે સમજીને અમારી નોટમાં ઉતારી લીધા હતાં અને તેને દરેક પડાવ મુજબ એક, બે ત્રણ એવા નંબર આપ્યાં હતાં, જેથી એક નંબરનાં પડાવથી બે નંબરનાં પડાવ સુધી પહોંચવામાં સરળતાં રહે.

પરંતુ અમારી સામે હજુ એક મુશ્કેલી હતી. છઠ્ઠા નંબરનું કબુતર પાછું આવ્યું નહોતું. મતલબ કે છઠ્ઠા નંબરનાં પડાવ વીશે અમે કંઇ જાણતા નહોતાં. એવી જ રીતે અગીયાર નંબર અને તેર નંબરનાં પડાવ પણ મિસીંગ હતાં. ખરું પુંછો તો પાંચ નંબરનાં પડાવ પછી અમારે માત્ર અનુમાનનાં આધારે જ આગળ વધવાનું હતું, જે ખરેખર ખતરનાક કામ હતું. પાદરી જોનાથને અમને વાર્યા હતાં કે આગળ સફર કરવા જેવી નથી. હજુ સુધી એ શાપિત ખજાના સુધી કોઇ સહી સલામત પહોંચી શકયું નથી. ત્યાં જવાનું વિચારવું પણ ગાંડપણ ભર્યુ સાહસ હતું. પરંતુ તારો દાદો માન્યો નહી. તેણે તો જાણે ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય, કોઇપણ ભોગે એ ખજાના સુધી પહોંચીને જ જંપવું છે. પાદરીની વાતને સદંતર અવગણીને જ્યારે અમે આગળ વધ્યા ત્યારે ખરેખર નહોતાં જાણતાં કે આગળ કેવી અણધારી આફતો અમારું સ્વાગત કરવા તૈયાર હતી....

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Sonal Thakkar

Sonal Thakkar 11 months ago

Vishwa

Vishwa 2 years ago

khodidas rathod

khodidas rathod 2 years ago