No return-2 Part-54 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૫૪

નો રીટર્ન-૨ ભાગ-૫૪

નો રીટર્ન-૨

ભાગ-૫૪

હવે લગભગ બધું જ ક્લિયર થઇ ગયું હતું. જુવાન પાદરી, કે જેનું નામ પીટર હતું એની કથની ઉપર શંકા કરવાનું કોઇ કારણ મને જણાતું નહોતું.

મારું હદય થડકી રહયું હતું. કાર્લોસ અને તેની ગેંગને આ વાત જણાવ્યાં વગર છૂટકો નહોતો. લાગતું હતું કે હું ચારેકોરથી ફસાઇ ચૂકયો છું. વગર કોઇ લેવાદેવાએ પોતાની જાતે હું આ ખતરનાક ઝમેલામાં પડયો હતો એટલે હવે તેનાં પરીણામો પણ મારે જ ભોગવવાનાં આવવાનાં હતાં. પણ... અત્યાર સુધીની સફરમાં એક વાત મને બરાબર સમજાઇ ચૂકી હતી કે અહીં એકઠા થયેલાં તમામ માણસોને ફક્ત પેલાં ખજાનાં સાથે મતલબ છે. એ ખજાનો મેળવવા તેઓ કોઇની પણ સાથે, કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા થઇ જાય એમ હતાં. આ જ વાતનો હવે મારે ફાયદો ઉઠાવવાનો હતો. જો હું ગમે તેમ કરીને આ કાફલાને ખજાનાં સુધી પહોંચાડી દેવાનો વિશ્વાસ અપાવી દઉં તો પછી મારી આગળની રાહ આસાન બની જવાની હતી.

લગભગ સવાર સુધી હું એ બાબતમાં જ વિચારતો જાગતો પડયો હતો. સવાર થતાં તુરંત જ મેં સમય ગુમાવ્યાં વગર કાર્લોસને વિગતથી આખી વાત જણાવી દીધી. કાર્લોસ અચંભિત બનીને મને સાંભળી રહયો. તેનાં ચહેરા ઉપર સહેજે ઉચાટ વ્યાપ્યો નહીં.

“ ઓ.કે. યંગબોય, તો આપણે એ રસ્તે જઇશું. “ તદ્દન સપાટ સ્વરમાં તે બોલ્યો. “ બટ, એકવાત કાન ખોલીને સાંભળી લે, મારે કોઇપણ ભોગે એ ખજાના સુધી પહોંચવું છે... અને એ પણ સહી- સલામત. ધારું તો મારી રીતે પણ હું એ કરી શકું તેમ છું છતાં તને સાથે એટલે રાખ્યો છે કે તું અમારાં બધાં કરતાં થોડું વિશેષ જાણે છે. એટલે કોઇ ચાલાકી અજમાવ્યા વગર ચૂપચાપ તૈયારીમાં લાગી જા, આપણે બપોર થતાં સુધીમાં રવાનાં થશું. “

હું સમજતો હતો ત્યાં સુધી મારા માટે આ સુખદ ઘટનાં હતી. વધું કોઇ આનાકાની વગર કાર્લોસ સતત મને સરપ્રાઇઝ આપી રહયો હતો.

“ એ પહેલાં થોડી ચોખવટ કરી લઇએ તો...! “ જબરી હિંમત એકઠી કરતાં હું બોલ્યો. તેનાં ભવાં તણાયાં..

“ શેની ચોખવટ...!! “

“ અમારાં દિવાન અને તેનાં છોકરાની જવાબદારી તમે લીધી હતી. “ હું એ વાત ભૂલ્યો નહોતો. આ જ યોગ્ય સમય હતો જ્યારે હું તેને એ યાદ અપાવી શકું.

“ એ કામ આજે થઇ જશે. સાંજ સુધીમાં એ લોકો આ છોકરીનાં ઘરે પહોંચી જશે. “ તેણે એક તરફ ઉભેલી અનેરીને જોઇને કહયું. તેણે કહયું એટલે થઇ જ જશે એની મને ખાતરી હતી.

“ ધેન ઓ.કે... હું પણ તમને નિરાશ નહી કરું. “ વાતને સમેટતા મેં એવી રીતે કહયું જાણે હું અહીનો ભોમીયો ન હોઉં...!! પણ મને ખાતરી હતી કે ખજાનાં સુધી તો આ લોકોને હું પહોચાડીશ જ. “ એ માટે આપણે અહીંથી એ જગ્યા સુધીનો પરફેક્ટ નકશો બનાવવો પડશે. “

“ તો બનાવને.. તને રોકયો છે કોણે..? “

પછી... રૂમની વચાળે એક ટેબલ ગોઠવીને અમે નકશો બનાવવાનાં કામમાં જોતરાયા.

@@@@@@@@@@@@@@@@

શબનમ હમણાં જ નાહીને બહાર નિકળી હતી. અહીં આવ્યાં બાદ તે કોઇ મહારાણીની માફક વર્તતી હતી. અને તેમાંય જ્યારે પ્રોફેસરે તેને દિવાનનો હવાલો સૌંપ્યો ત્યારે એકાએક પોતાનું મહત્વ વધી ગયું હોય એવું મહેસુસ કરવા લાગી હતી. ખજાનાની ખોજમાં તેને સાથે ન લઇ ગયા એનો અફસોસ જરૂર થોડીવાર માટે થયો હતો પરંતુ પછી તેણે વિચાર્યું કે જો અહીં બેઠાબેઠા જ પોતાનો હિસ્સો તેને મળી જવાનો હોય તો નાહકનાં જંગલની ખાક શું કામ છાનવી જોઇએ...! પરંતુ આવું વિચારતી વખતે તેને આવનારા સમયનો સહેજે અંદાજો નહોતો. જો એ ખ્યાલ તેને આવ્યો હોત તો સાત જન્મારેય અહીં રોકાવાનું તેણે પસંદ કર્યુ ન હોત. પણ..ખેર... તેનાં નસીબમાં કંઇક ઓર જ લખાયું હતું.

શરીરનાં ઘાટીલાં ઉભારો લુંછતાં અચાનક કશેક છાનો સળવળાટ થયો હોય એવું તેને લાગ્યું. અહીં આ જંગલ વિસ્તારમાં આવો સળવળાટ વધું ધ્યાનાકર્ષક નિવડે નહીં પરંતુ શબનમને લાગ્યું કે અવાજ સાથે કોઇ માણસનો ફૂસફૂસાહટ ભર્યો સ્વર પણ ભળ્યો છે. તેની જજ્ઞાસાવૃતિ સતેજ થઇ ઉઠી. ફટાફટ કપડા પહેરીને તેણે પોતાનાં કમરાની બહાર ઝાંક્યું. લાકડાનાં બનેલાં કોટેજ આકારનાં આ મકાનમાં ઝાઝી સ્પેસ નહોતી. તેનાં રૂમથી સીધો જ નાનકડો અમથો ડ્રોઇંગરૂમ સ્ટાર્ટ થતો. એ ડ્રોઇંગરૂમમાં કોઇ નહોતું. પેલાં બન્ને બાપ- દિકરાને અહી આવ્યાં બાદ નીચેનાં ભંડકીયામાં પુરવામાં આવ્યાં હતાં અને એ ભંડકીયાનાં ઉપરથી બંધ થતાં દરવાજે તેણે ખુદ પોતાનાં હાથે તાળું માર્યું હતું. એ તેને ખ્યાલ હતો એટલે એ લોકો તરફથી કોઇ ખતરો તેને નહોતો. તો પછી એ અવાજ શેનો હતો..? ઝડપથી તેણે આખુ મકાન જોઇ નાંખ્યું. અને પછી સરોવર તરફ ખુલતા પેસેજમાં આવી. બહાર એકદમ ખુશનુમાં માહોલ હતો. સવારનો તાજગીભર્યો પવન સામે દેખાતા સરોવરનાં પાણી ઉપરથી હિલોળાઇને આ તરફ વહેતો હતો. પંખીઓનો મધૂર કલબલાટ હવા સાથે લહેરાતાં વૃક્ષોનાં પર્ણોનાં તાલમાં ભળ્યો હતો. સરોવર કાંઠે દેખાતાં નાનકડા પહાડની પછીતે સૂર્ય ક્યારનો ઉગી નિકળ્યો હતો છતાં હજું તેનાં કિરણો અહી સુધી પહોચ્યાં નહોતાં. પણ તેનો આછેરો કુમળો ઉજાસ ચો-પાસ ફેલાઇને એક અનોખો તાજગીભર્યો નજારો સર્જતો હતો. શબનમ ઘડીભર તો બધું ભૂલીને ત્યાં જ ખોડાઇ ગઇ. અનાયાસે તેને આ જગ્યાની પસંદગીને લઇને પ્રોફેસરની તારીફ કરવાનું મન થઇ ઉઠયું.

પણ હજું તે એવું કંઇ કરે...થોડીક સ્થીર ઉભી રહીને વાતાવરણનો આનંદ ઉઠાવે એ પહેલાં તો તેની પીઠ પાછળ ધડબડાટી મચી ગઇ. એવો માહોલ સર્જાયો જાણે કોઇ ફોજે અચાનક આ મકાન ઉપર હુમલો કરી દીધો હોય. શબનમ એકદમ જ ચોંકીને પાછળ ફરી. અને...તેની આંખો વિસ્ફારીત થઇ, ગળામાં પોતાનો જ શ્વાસ રુંધાતો હોય એવું અનુભવ્યું... એક ચીખ પાડીને તે પાછળ ખસી.

“ સ્ટોપ.. અધર વાઇઝ આઇ વીલ શૂટ યું...” તેની પીઠ પાછળથી એક અવાજ આવ્યો અને ભારેખમ રાઇફલનું નાળચું તેનાં કપાળે તકાયું. શબનમનાં મોતીયા મરી ગયા. કોણ જાણે ક્યાંથી અચાનક બે માણસો તેની સામે આવીને ઉભા રહી ગયાં હતાં અને એ બન્નેનાં હાથમાં ઓટોમેટીક રાઇફલો હતી, જે તેની તરફ જ તકાયેલી હતી. એ માણસોમાંથી એક હમણાં અંગ્રેજીમાં કંઇ બોલ્યો હતો જે તેને સમજાયું નહોતું પરંતુ શરીરની સ્વાભાવીક રીએકશન સિસ્ટમ પ્રમાણે તેનાં હાથ આપોઆપ જ હવામાં અધ્ધર ઉંચા થયાં હતાં. તેનાં આશ્વર્યનો કોઇ પાર નહોતો. તેને સમજાતું નહોતું કે કોઇ જીન ની જેમ અચાનક આ માણસો ક્યાંથી આવી ચડયાં..? પરંતુ... હવે શબનમ પાસે એ બધુ સમજવાનો સમય પણ નહોતો. પેલાં બે માંથી એક, જે સૌથી આગળ હતો તે સાવધાનીથી આગળ વધ્યો અને તેણે શબનમનાં કપાળે ફાઇફલનું નાળચું ટેકવી દીધું. બીજો તેનાથી પણ સ્ફૂતિલો નિકળ્યો. જેવી શબનમ તેનાં તાબામાં આવી કે તુરંત જ તેણે પોતાની પીઠ પાછળ લટકતા થેલામાંથી એક દોરડું કાઢયું અને શબનમનાં અધ્ધર ઉંચકાયેલા હાથોને તેની જ પીઠ પાછળ વાળીને દોરડાથી મુશ્કેટાઇટ બાંધી દીધા. બહું જ આસાનીથી શબનમ તેમના. તાબામાં આવી ગઇ હતી.

પછી એટલી જ આસાનીથી દિવાન સાહેબ અને તેનાં પુત્ર રાજનને બંધ ભંડાકીયામાંથી બહાર લાવવામાં આવ્યાં. શબનમે જ ઇશારાથી જણાવ્યું હતું કે એ લોકોને ભંડકીયામાં પુરવામાં આવ્યા છે. તેને સમજાઇ ચૂકયું હતું કે આ લોકો તેમને છોડાવવા જ આવ્યાં છે. પણ આટલી ઝલદી અને આટલી ઝડપે કોઇ તેનાં સુધી પહોંચી કેવી રીતે ગયું...? એ તેની ટૂંકી સમજમાં ઉતરતું નહોતુ. હજુંપણ તેનાં મનમાં જાણે આ કોઇ દિવાસ્વપ્ન છે એવાં ખ્યાલો ઉભરતાં હતાં. પણ...તેનો ખેલ ખલાસ થઇ ગયો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

Natvar Patel

Natvar Patel 4 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

TARABEN Chauhan

TARABEN Chauhan 6 months ago

👌👌👌👌👌👌👌👌

Nidhi Raval

Nidhi Raval 6 months ago