No return-2 Part-55 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૫૫

નો રીટર્ન-૨ ભાગ-૫૫

નો રીટર્ન-૨

ભાગ-૫૫

શબનમ ખરેખર સમજી નહોતી શકતી કે આટલી ઝડપે કોઇ તેનાં પર હાવી કેવી રીતે થઇ શકે...! તે અચંબામાં ગરકાવ હતી. હજું ગઇકાલે જ પ્રોફેસર અને તેની ટીમ અહીથીં પેલાં ખજાનાં પાછળ રવાનાં થઇ હતી. ત્યારે તેમણે શબમનને દિવાનનો કબજો સોપ્યોં હતો અને ખાસ તાકીદ કરી હતી કે કોઇપણ ભોગે તેણે આ કોટેજ છોડીને બહાર જવું નહીં. કમસેકમ એ લોકો પાછા ફરે નહીં ત્યાં સુધી તો નહીં જ...પણ, એક જ દિવસની અંદર બાજી આખી પલટાઇ ગઇ હતી. બે અજાણ્યાં બંદૂકધારી માણસોએ તેને બાનમાં લીધી હતી અને દિવાનને ભંડકીયામાંથી બહાર કાઢયો હતો. અને પછી શબનમની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવી.

“ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટૂ હર્ટ યોરસેલ્ફ... ધેન કીપ ક્વાયેટ. “ પેલાં બે માંથી એક આદમી અંગ્રેજીમાં બોલ્યો જે શબનમને સમજાયું નહીં. પણ તે ઓલરેડી ધરબાઇ ચૂકી હતી. પેલાંએ કહ્યું ન હોત તો પણ તેણે શરણાગતી સ્વિકારી લીધી હતી. બહું જ આસાનીથી પછી એ લોકો ત્યાંથી રવાનાં થયાં ત્યારે હજું બપોર થવાને પણ વાર હતી. બરાબર આ સમયે જ હું કાર્લોસને તેનો વાયદો યાદ કરાવી રહયો હતો.

તાજ્જૂબી એ હતી કે કાર્લોસ તેનાં તમામ વાયદાઓ બખૂબીથી નિભાવી રહયો હતો. બધું જાણે એક પરફેક્ટ રીધમમાં ગોઠવાયું હોય અને એકદમ સરળતાથી પાર પડતું હોય એમ લાગતું હતું. પણ... એ ધોકો હતો. કુદરત કંઇક અકળ રીતે અમને એક વમળમાં ધસડી રહી હતી.

@@@@@@@@@@@@

ચર્ચની પાછળ અમારા ઉતારામાં અમે બધાં એક ટેબલની આસપાસ ઘેરો બનાવીને ઉભા હતાં. હું, અનેરી, વિનીત, કાર્લોસ, એના, જોસ અને સૌથી પાછળ ક્રેસ્ટો. અમારી વચ્ચે ટેબલ ઉપર એમેઝોનનાં જંગલોનો નકશો પથરાયેલો હતો. એ નકશામાં મેં હમણાં જ બે લાઇનો ખેંચી હતી. એક લાઇન એ વિસ્તારની હતી જે પાદરી જોનાથન વેલ્સ અત્યાર સુધી ખજાનાની ખોજમાં અહીં આવનાર બધાને બતાવતો હતો અને એ રસ્તે જ તમામ ખોજકર્તાઓ ચાલ્યા હતાં. બીજી લાઇન મારા દાદાએ જે નિશાનીઓ છોડી હતી તેનાં આધારે મેં દોરી હતી. એ બન્ને લાઇનો એકબીજાથી તદ્દન વિરુધ્ધ દિશામાં હતી. અપાર આશ્ચર્યથી અમે એ જોઇ રહ્યાં. બે સંપૂર્ણ રીતે અલગ રસ્તાઓ ખજાના સુધી જતાં હતાં. અને સૌથી વધું આશ્ચર્યની બાબત એ હતી કે અત્યાર સુધી બધા એક જ રસ્તે ગયાં હતાં... જે એરિક હેમન્ડે બનાવ્યો હતો અથવા તો પાદરી જોનાથને બતાવ્યો હતો. જ્યારે મારા દાદાએ એક અલગ જ રૂટ ચિતર્યો હતો.

હવે અમે જબરજસ્ત દુવિધામાં ફસાયા હતાં કે આખરે ક્યો રસ્તો યોગ્ય છે..? હેમન્ડે પોતે વર્ષો પહેલાં દાવો કર્યો હતો કે તે અને તેનાં સાથીઓ ખજાના સુધી પહોંચી ગયા છે, એટલે એક રીતે તેણે જે નકશાઓ મોકલ્યા હતાં એ આધારભૂત રીતે યોગ્ય ગણી શકાય તેમાં કોઇ બેમત નહોતો. જ્યારે દાદાનાં નકશાનું એવું કોઇ પ્રમાણ મળતું નહોતુ. એ ખાલી અધ્ધરતાલ માહિતી હતી જે મને અમારી લાઇબ્રેરીમાંથી સાંપડી હતી. હવે... એ બે માંથી ક્યા રસ્તે સફર કરવી એ અમારે નક્કી કરવાનું હતું.

“ વોટ યુ સજેસ્ટ પવન...? ક્યો રસ્તો યોગ્ય રહેશે...? “ કાર્લોસે લાંબી ગડમથલનાં અંતે મને પુંછયું. હું તેનાં કાળા... ભાવહીન ચહેરાને તાકી રહયો. તેણે જે પ્રશ્ન પુંછયો એ પ્રશ્નમાં હું પણ ઉલઝેલો હતો..! અને આ કંઇ ખાવાનાં ખેલ તો નહોતાં કે આસાનીથી તેનો જવાબ હું આપી દઉં. એમેઝોન જેવા વિશાળ અને ખતરનાક જંગલમાં અમારે સફર કરવાની હતી. જ્યાં ક્ષણે-ક્ષણ મોતનો સામનો કરવાનો થાય. કોઇ નહોતું જાણતું કે જંગલમાં એક વખત દાખલ થયા બાદ અમારે કેવી પરિસ્થિતીઓનો સામનો કરવાનો થશે..? અમારી એક ભૂલ અમને સદાને માટે આ પૃથ્વી ઉપરથી ગાયબ કરી શકવા સક્ષમ હતી. એવા સમયે કંઇ વિચાર્યા વગર નિર્ણય લેવો મતલબ સામે ચાલીને મોતને આમંત્રણ આપવું. હું ઠંડો પડી ગયો. વિચારો જાણે થંભી ગયા હતાં. સાચું પુછો તો મને કંઇ સુઝતું જ નહોતું. અત્યાર સુધી જે વહેમમાં હું હતો એ મારો ફાંકો ક્ષણભરમાં હવામાં વિલિન થઇ ગયો.

“ હું શું કહું...? તમે જ નક્કી કરો કંઇક..! આપણી સમક્ષ આ બે રસ્તાઓ છે. “ હું કોઇ હારેલા યોધ્ધાની જેમ હથીયાર હેઠા મુકતા બોલ્યો. અહીનાં વર્તમાન પાદરી પીટરની વાત માનીએ તો નો ડાઉટ કે અમારે દાદા વાળો માર્ગ જ લેવો જોઇએ. પણ... કાર્લોસને એવું સજેસન આપીને હું કોઇ જોખમ ખેડવા માંગતો નહોતો. તે એની જાતે જ કોઇ નિર્ણય લે એ બાબત મારા માટે વધું યોગ્ય હતી. કાર્લોસ પન મુંઝવણમાં મુકાયો. અમારી વચ્ચે ત્યારબાદ ધણી ચર્ચા ચાલી. લગભગ દરેકે પોતાનાં પોઇન્ટ ઓફ વ્યૂ જણાવ્યા હતા. દરેક મુદ્દા ઉપર વિસ્તારથી વિચાર વિમર્શ કરવામાં આવ્યુ. અને આખરે કલાકની મથામણ બાદ સર્વ સંમતીથી નિર્ણય લેવાયો કે અમારે દાદાનાં બતાવેલા રસ્તે જ આગળ વધવું. કારણકે એ વણખેડાયેલો હતો અને કદાચ એ રસ્તે જોખમ ઓછું હોય એવુ બને.

ખેર...આખરે અમારો રસાલો સફર માટે તૈયાર થયો. અહી પિસ્કોટા ગામ પછી આગળ સડક નહોતી. કાચી સડક હતી પરંતુ એ પણ થોડે સુધી જ બનેલી હતી એટલે ન છૂટકે અમારી કારો અમારે પિસ્કોટામાં જ મુકવી પડે તેમ હતી. મતલબ કે આગળની સફર અમારે પગપાળા કરવાની હતી. એ ધણી ખતરનાક સ્થિતી હતી. અમે કુલ દસ વ્યક્તિઓ હતાં. ત્રણ અમે અને સાત કાર્લોસની ટીમનાં સભ્યો. અને તેમાં પણ બે સ્ત્રીઓ હતી એ મોટી ઉપાદી હતી.

કાર્લોસે એનો પણ ઉપાય ખોળી કાઢયો હતો. તેણે ગામમાંથી જ ચાર ઘોડા અને ત્રણ ત્યાંનાં જંગલનાં ભોમીયા આદીવાસીઓને પોતાની સાથે લેવાનું નક્કી કરી નાખ્યું. એ કામમાં પાદરીએ ખુબ મદદ કરી હતી. તે ખુબ ભલો માણસ સાબીત થયો હતો. ગામનાં જ ત્રણ સશક્ત જુવાનોને તેણે અમારી સાથે આવવા સમજાવ્યા હતા અને તેનાં બદલામાં તેમને કાર્લોસ તરફથી મોટી રકમ આપવાનું ઠેરવ્યું હતું. આમ હવે અને કુલ તેર માણસો અને ચાર ખચ્ચર આકારનાં પણ મજબુત કદ કાઠી ધરાવતાં ઘોડા સહીત સત્તર જીવોનો કાફલો એક અનહોની સમાન લાગતી સફર માટે તૈયાર હતાં.

અમે નિકળવા તૈયાર થયા ત્યારે પિસ્કોટા ગામ આખુ જાણે અમને વળાવવા આવતું હોય એમ ચર્ચનાં ચોગાનમાં બધા ભેગા થયા હતાં. ખાસ તો પેલાં ત્રણ જુવાન આદીવાસીઓની વિદાયમાં તેમણે નૃત્ય શરૂ કર્યુ હતું. ભારે અવાજમાં એ લોકો ચિત્ર-વિચિત્ર વાજીંત્રો વગાડતા આપસમાં હાથ પકડીને નાચતાં જતાં હતાં અને અમારી તરફ ફરી-ફરીને તેમનાં દેવતાઓનો આશીર્વાદ વર્સાવતા હોય એમ લોક લહેકામાં ગીત ગાતા જતાં હતાં. એ કાર્યક્રમ લગભગ અડધો કલાક ચાલ્યો હશે. બરાબર એ સમયે જ મૂશળાધાર વરસાદ વરસવો શરૂ થયો હતો. જાણે દેવતાઓએ આશીર્વાદ આપ્યા હોય એવા હરખમાં વધું જોરથી તેમણે નૃત્ય આરંભ્યુ હતું. દેશી ઢોલ જેવા બોદા વાજીંત્ર ઉપર પડતી દાંડીની થાપથી અમારા જીગરમાં પણ કંઇક અજીબ- અકળ થડકારા ઉપડતા હતાં. એવું લાગતું હતું કે જાણે અમે કોઇ સમરાંગણ ખેલવા યુધ્ધનાં મેદાને જઇ રહયા છીએ અને પાછળ અમારી રૈયત અમને યુધ્ધનો પોરસ ચઢાવી રહી છે. ખરેખર અજીબ માહોલ જામ્યો હતો. મૂશળધાર વરસતા વરસાદમાં અમારો સામાન ઘોડાઓ ઉપર લદાયો હતો અને તેને પ્લાસ્ટીકનાં આવરણથી ઢાકવામાં આવ્યો હતો. અમે વરસાદની પૂર્વ તૈયારી રૂપે લાંબા ઓવરકોટ ટાઇપનાં રેઇનકોટ સાથે લીધા હતા એ ચડાવ્યા. કાર્લોસનાં મુશદંડાઓ તો એમની રાઇફલ અને ગનની ફીકરમાં પડયા હતાં. અત્યારથી જ મને આવનારા સમયનાં થડકારા સંભળાવા માંડયા હતા.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Madhavi

Madhavi 4 months ago

Nidhi Raval

Nidhi Raval 6 months ago

Seema Shah

Seema Shah 2 years ago