Beiman - 3 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેઈમાન - 3

બેઈમાન - 3

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 3

અકસ્માત !

ચોકીદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવીને વામનરાવ ભોળારામની રાહ જોવા લાગ્યો.

ડોક્ટર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પૂરું થઇ ગયું હતું તેથી તેઓ ચાલ્યા ગયા હતાં.

ઓફિસમાં હવે ફક્ત વામનરાવ, મહાદેવ જ બાકી રહ્યા હતાં.

અડધા કલાક પછી ભોળારામ પાછો ફર્યો. મોહનલાલ બીજી ચેમ્બરમાં બેઠો હતો.

વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘સાહેબ...!’ એની નજરનો અર્થ સમજીને ભોળારામ બોલ્યો, ‘અજીત ઘેર નથી.’

‘શું ?’ વામનરાવે પૂછ્યું, ‘એ ક્યાં ગયો છે તેના વિશે તે ઘરના લોકોને પૂછ્યું નથી?’

‘એ પૂછ્યું હતું સાહેબ ! પરંતુ જવાબ મળ્યો તેનાથી કંઈ જ લાભ ન થયો ! એ ગઈ કાલે બપોરથી જ ગુમ છે. માત્ર એટલું જ જાણવા મળ્યું છે.’

‘ગુમ થઇ ગયો છે?’ વામનરાવે આશ્ચર્યથી પૂછ્યું. સાથે જ ક્યાંક મોહનલાલે પોતે જ તેને દસ લાખની રકમ સાથે નસાડી તો નથી મુક્યો ને ? એવો સવાલ પણ તેના દિમાગમાં આવ્યો.

આ વિચાર આવતા તરત જ તે મોહનલાલ પાસે પહોંચ્યો.

‘મિસ્ટર મોહનલાલ…!’ એણે વેધક નજરે મોહનલાલના ચહેરા સામે તાકી રહેતા પૂછ્યું, ‘તમારો સુપુત્ર અજીત અત્યારે ક્યાં હશે એનો જવાબ તમે આપી શકશો?’

વામનરાવનો સવાલ સાંભળીને મોહનલાલને અનેક શંકાઓ ઘેરી વળી

‘ઘેર જ હશે, કેમ…? શું એ ઘેર નથી?’

‘જો હોત, તો મારે તમને આવો સવાલ પૂછવાની શું જરૂર હતી?’ વામનરાવનો અવાજ કઠોર હતો.

‘ઓહ... તો એ ખરેખર ઘેર નથી ખરું ને?’

‘ના...નથી...એ ગઈ કાલે બપોરથી જ ક્યાંક ગુમ થઈ ગયો છે.’

‘તો તો પછી આ બાબતમાં હું આપને કોઈ મદદ કરી શકું તેમ નથી ઇન્સ્પેક્ટર સાહેબ!’ મોહનલાલ ઉદાસ અવાજે કહ્યું, ‘અજીત કેવો છે એતો હું તમને જણાવી ચૂક્યો છું. અગાઉ પણ તે આ રીતે કેટલીયે વાર, કોઈને કંઈ કહ્યા વગર ઘેરથી જતો રહ્યો છે અને બે-ચાર દિવસ આમ તેમ ભટકીને પાછો પણ આવી ગયો છે. આ વખતે પણ એવી જ રીતે બે ચાર દિવસમાં પાછો આવી જશે. પરંતુ આપને અચાનક તેની શું જરૂર પડી ગઈ?’

‘મિસ્ટર મોહનલાલ!’ વામનરાવ પૂર્વવત રીતે તેની સામે તાકી રહેતા બોલ્યો,

‘તમારા પરની મારી શંકા પ્રત્યેક પળે વધુને વધુ મજબૂત બનતી જાય છે. તમે જ તમારા પુત્રને રકમ સહિત કોઈક અજ્ઞાત સ્થળે મોકલી આપ્યો છે એમ માનો છો હું માનું છું.’

મોહનલાલ હવે પહેલા કરતા સ્વસ્થ થઈ ગયો હતો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…!’ એ સહેજ ધૂંધવાયેલા અવાજે બોલ્યો, ‘આ વાત ના જવાબમાં હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે,આપની માન્યતા એકદમ ખોટી છે. મારા પર શંકા કરીને આપ નાહક જ આપનો કીમતી સમય બરબાદ કરો છો. જૈન સાહેબ ને આવાદો. તેઓ પોતે જ મારી વફાદારી અને ઇમાનદારી વિશે આપને કહેશે. આ કંપની પ્રગતિમાં મારો કેટલો ફાળો છે, એ આપ એમની પાસેથી જ સાંભળી લેજો. માત્ર લાખ રૂપિયા માટે હું મારી અમૂલ્ય આબરૂ પર પાણી ફેરવી દઉં એમ આપ માનો છો? ના, ઇન્સ્પેક્ટર સાહેબ ! આ રીતે બેઈમાનીથી મળતાં દસ લાખ તો શું દસ કરોડ રૂપિયાને પણ ઠોકર મારી દઉં તેમ છું.’

‘મિસ્ટર મોહનલાલ...! તમે મને ઓળખવામાં થાપ ખાધી છે. હું બીજા પોલીસવાળાઓ જેવો નથી. અત્યારે જે તથ્યો સામે આવ્યા છે એના પર જ હું ધ્યાન આપું છું. હું મારા મનથી કંઈ જ સમજતો નથી. તમારી સાથે મારે કોઈ દુશ્મનાવટ નથી એ તો હું તમને કહી જ ચૂક્યો છે. અત્યારના સંજોગો જોતાં શંકાની પરિધિમાં ફક્ત તમે જ આવો છો. જો તમે નિર્દોષ હો તો પછી તમારે ગભરાવાની જરા પણ જરૂર નથી. કાયદાને મદદ કરવાની તમારી ફરજ છે. માટે તમે તમારી ફરજ બજાવો ને હું મારી ! હું શંકાના આધારે તમારી ધરપકડ કરું છું. વધુ પૂછપરછ માટે મારે તમને પોલીસ હેડક્વાર્ટરે લઇ જવા પડશે.’

વામનરાવની વાત સાંભળીને મોહનલાલની એકઠી કરેલી હિંમત પણ ઓસરી ગઈ. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

અત્યારે તો દુનિયાનો સૌથી વધુ દુઃખી માણસ દેખાતો હતો.

***

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી આજે એકદમ ખુશ હતો. એના આનંદના બે કારણ હતાં. એક તો આજે શાન્તાનો જન્મદિવસ હતો અને બીજું, છેલ્લો કેસ પૂરો થયા પછી બધાની હાજરીમાં શાંતાએ તેની માફી માંગી હતી.

રાજેન્દ્ર સોનીવાળા કેસમાં શાંતાએ દિલીપનું ખુબ જ અપમાન કર્યું હતું. કારણ કે દિલીપે તેની નજર સામે જ રાજેન્દ્રના ગજવામાંથી પાકીટ સરકાવી લીધું હતું અને ત્યારબાદ રાજેન્દ્રે આપઘાત કરી લીધો હતો. પણ પાછળથી કેસ ઉકેલાઈ જતાં, સાચી હકીકત સામે આવી હતી અને તેમાં દિલીપ સંપૂર્ણ રીતે નિર્દોષ પુરવાર થયો હતો. એણે તો માત્ર પોતાની ફરજ જ પૂરી કરી હતી. ટુંકમાં શાંતાને પોતાની ભૂલ સમજાઈ હતી અને એણે માફી માંગી હતી. દિલીપે પણ મોટું મન રાખીને તેને માફ કરી દીધી હતી.

(રાજેન્દ્ર સોનીવાળા કેસ માટે વાંચો-‘શિકાર’)

નાગપાલ હજુ સુધી દિલ્હીથી પાછો નહોતો ફર્યો.

સવારનો સમય હતો.

દિલીપ દરરોજ કરતાં આજે વહેલો ઉઠી ગયો હતો. તૈયાર થઈને તે નાસ્તાના ટેબલ પર પહોંચ્યો.

શાંતા પણ આજે બની-ઠનીને તેની રાહ જોતી બેઠી હતી. એનો ચહેરો તાજગીભર્યો હતો.

‘અરે...આજે કોઈ સૌન્દર્ય સ્પર્ધામાં ભાગ લેવો છે કે શું...?’ દિલીપ તેની સામે ખુરશી પર બેસતાં, અજાણ બનીને બોલ્યો. બાકી શાંતા શા માટે આજે તૈયાર થઇ છે એ વાત તે જાણતો જ હતો, ‘આજે કોઈ ખાસ વાત છે કે શું?’

‘હા...’ શાંતાએ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘આજે તો એકદમ ખાસ વાત છે !’

‘એમ...? એવું તો વળી શું છે આજે ?’

‘આજે શું છે એ તું નથી જાણતો ?’

‘ના...’ દિલીપે અજાણ થવાનો ડોળ કરતાં કહ્યું.

‘તો વિચાર કરી જો...’

‘વિચારવામાં હું સમય વેડફું એના કરતાં તું જ કહી નખને !’

‘બસ, જોવાઈ ગયું કે તને મારા પ્રત્યે કેટલી લાગણી છે.’

‘લાગણી તો પૂરી દોઢ મણ જેટલી છે.’ દિલીપે નાટકીય ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પણ વાત શું છે...?’

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

શાંતા ઉભી થઇ, આગળ વધીને રિસીવર ઊંચક્યું.

થોડી પળો સુધી તે સામે છેડેથી કહેવાતી વાતો સાંભળતી રહી. વચ્ચે વચ્ચે તે મજામાં છું...મજામાં છે...એમ પણ બોલતી હતી.

છેવટે ‘થેંક્યું અંકલ’ કહીને એણે રિસીવર મૂકી દીધું.

પછી એ દિલીપ પાસે પાછી ફરી.

‘કોનો ફોન હતો ?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘દિલ્હીથી અંકલનો...!’ શાંતાએ જવાબ આપ્યો. તે પણ નાગપાલને અંકલ કહીને જ બોલાવતી હતી.

‘મારે વિશે એમણે કંઈ પૂછ્યું હતું ?’

‘હા...’

‘શું ?’

‘રહેવા દે...કહીશ તો નાહક જ તું મને ખાટી-મીઠી સંભળાવીશ.’

‘નહીં સંભળાવું...!’

‘તો સાંભળ, તેમણે પૂછ્યું હતું કે- પેલો વડવાંદરો દિલીપ શું કરે છે ?’

‘પછી તેં શું જવાબ આપ્યો ?’

‘મેં કહ્યું કે- એ તો વડની ડાળીએ ડાળીએ કુદકા મારીને મજા કરે છે !’

‘વારુ...!’ દિલીપ ગંભીર થતાં બોલ્યો, ‘ખરેખર અંકલે શા માટે ફોન કર્યો હતો ? શું કોઈ ખાસ જરૂરી કામ હતું ?’

‘હા...જે કામ આજે તને યાદ નથી રહ્યું. એ કામ અંકલે કરી નાંખ્યું છે. આટલા ટેન્શન વચ્ચે પણ તેઓ એ કામ ભૂલ્યા નહોતા.’

શાંતાનું કથન સાંભળીને દિલીપ આખી વાત સમજી ગયો. જરૂર નાગપાલે, જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જ ફોન કર્યો હશે.

‘તો હવે સાથે સાથે એ ખાસ કામનું નામ પણ કહી નાખ.’ એ બોલ્યો.

‘તો સાંભળ, આજે મારો જન્મદિવસ છે એ વાત તને તો નથી પણ અંકલને બરાબર યાદ છે. શુભેચ્છા પાઠવવા માટે જ એમણે ફોન કર્યો હતો.

‘અરે...આજે તારો જન્મદિવસ છે ?’ દિલીપ એકદમ ઊંચા અવાજે બોલી ઉઠ્યો.

‘હા...!’

‘આજે તારો જન્મદિવસ છે એ તો હું સાવ ભૂલી જ ગયો હતો.’ દિલીપે કહ્યું, ‘ખેર, હવે તેં યાદ કરાવ્યું જ છે તો સાથે સાથે મારી હાર્દિક શુભેચ્છાઓ પણ સ્વીકારી લે ! આવો શુભ દિવસ હંમેશા આવે તેવી હું પરમ કૃપાળુ પરમેશ્વરને બે હાથ જોડીને વિનંતી..ના ના વિનંતી નહીં પણ પ્રાર્થના કરું છું.’

શાંતા ચુપ રહી એના ચહેરા પર મર્માળુ સ્મિત ફરકતું હતું.

‘પણ એક વાત છે ડીયર...!’ સહસા દિલીપને કંઇક યાદ આવ્યું હોય એમ એ બોલ્યો, ‘જયારે જયારે આ શુભ દિવસ આવશે ત્યારે ત્યારે તું વૃદ્ધાશ્રમની નજીક પહોંચતી જઈશ.

‘તો શું થયું.. ? શાંતાએ આરામથી કહ્યું, ‘જો વૃદ્ધાવસ્થા મારી નજીકમાં આવશે તો એના પંજામાંથી તું પણ નથી બચી શકવાનો ! મારી સાથે સાથે તું પણ વૃદ્ધ થઈશ.’

‘ના...એવું નહીં થાય.’

‘કેમ નહીં થાય ?’ શાંતાએ મૂંઝવણભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘એટલા માટે કે હવે પછી હું ક્યારેય મારો જન્મદિવસ ઉજવીશ જ નહીં. આ રીતે મારી જે ઉંમર છે એ જ ઉંમર હંમેશને માટે રહેશે અને હું ક્યારેય વૃદ્ધ નહીં થઉં.

દિલીપની વાત સાંભળી શાંતા ખડખડાટ હસી પડી.

‘ચાલ, આજે તો તારા જન્મદિવસની ઉજવણી પેટે આખો દિવસ ફરીશું. રાત્રે નાઈટ-શોમાં એકાદ ઢીશુમ ઢીશુમ વાળી ફિલ્મ જોઈ નાખીશું. નાસ્તો પણ બહાર કરીશું.’ દિલીપ બોલ્યો.

‘ના..’ શાંતાએ નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘આજે તો મેં પોતે જ મારા હાથેથી સ્પેશિયલ નાસ્તો બનાવ્યો છે.’

‘એમ વાત છે? તો તો પછી આજે તારા હાથનો બનાવેલો જ નાસ્તો કરી લઈએ. લંચ તથા ડીનર બહાર જ કરી લઈશું...! બરાબર ને ? ખેર, નાસ્તામાં શું બનાવ્યું છે..?’

‘કચોરી અને ગાજરનો હલવો.’

‘વાહ...વાહ...’ દિલીપ ટેબલ પર તબલા વગાડતો બોલ્યો, ‘ડીયર, નાસ્તો તો તેં મારી પસંદગીનો જ બનાવ્યો છે. જા જલ્દીથી લઇ આવ, કચોરીનું નામ સાંભળતા મારા પેટમાં ગલુડિયાં કુદાકુદ કરે છે.’

શાંતા સ્મિત ફરકાવતી ઉભી થઈને નાસ્તો લઇ આવી.

બંને નાસ્તો કરવા લાગ્યાં.

‘વાહ...! શું કચોરી બનાવી છે?’ દિલીપ પ્રશંસાભર્યા આવજે બોલ્યો, ‘મને હવે લાગે છે કે આપણે લચ્છુ મહારાજને રજા આપી જ દેવી પડશે. અત્યાર સુધી હું એમ માનતો હતો કે આખી દુનિયામાં લચ્છુ મહારાજ જેવી કચોરી કોઈ બનાવી જ ન શકે. પણ આજે તેં આ કચોરી ખવડાવીને મારી માન્યતા ખોટી પાડી દીધી છે. ખેર, આવી સ્વાદિષ્ટ કચોરી ખવડાવા બદલ તથા તારા જન્મદિવસ નિમિત્તે હું તને કંઈ ભેટ આપવા માંગું છું, બોલ શું જોઈએ છે તારે?’

‘મારે કંઈ જ નથી જોઈતું.’ શાંતાએ કૃત્રિમ રોષથી કહ્યું, ‘તારે મારો જન્મદિવસ યાદ રાખીને ભેટ આપવી જોઈતી હતી.’ પછી દિલીપ કંઇક કહે એ પહેલાં જ અચાનક તે ગળગળા અવાજે બોલી, ‘ના, દિલીપ મારે કંઈ નથી જોઈતું તેં મને માફ કરી દીધી એ જ મારે માટે જન્મદિવસની અમૂલ્ય ભેટ છે. મારા પ્રત્યે તને આટલી લાગણી છે એથી વિશેષ મારે શું જોઈએ? તારા પ્રેમ સામે દુનિયાની કીમતીમાં કીમતી ચીજ પણ કોડી સમાન છે. મારે કોઈજ ચીજ-વસ્તુની ઈચ્છા નથી.

‘પણ, મારે તને ભેટ આપવાની ઈચ્છા છે એનું શું?’

‘તો અત્યારે રહેવા દે... જરૂર પડશે ત્યારે હું પોતે જ સામેથી એ માંગી લઈશ.’

‘કૈકેયીની જેમ વચન માંગે છે?’

‘તું વળી આ આધુનિક યુગમાં કૈકેયીને ક્યાં ઢસડી લાવ્યો.’

‘કેમ...? કૈકેયીએ દશરથ રાજા પાસે બે વચન નહોતાં માંગ્ય ?’

‘માગ્યાં હતાં?

‘તો પછી...?’

‘મારામાં અને કૈકેયીમાં ઘણો ફર્ક છે.’

‘ખેર, ભેટ તો તારે લેવી જ પડશે અને તે પણ આજે જ ! નહીં તો મારે નાસ્તો નથી કરવો.’

છેવટે દિલીપની હઠ પાસે શાંતાને પણ નમતું જોખવું પડ્યું.

નાસ્તો કરીને બને બહાર નીકળીને દિલીપે તાજેતરમાં જ ખરીદેલી નવી મારુતિ કારમાં ગોઠવાયા.

દિલીપે કારને વિશાળગઢના પ્રખ્યાત ઝવેરી નરોત્તમ જવેલર્સના ભવ્ય શો-રૂમ સામે ઊભી રાખી.

બંને નીચે ઉતરીને શો-રૂમમાં પ્રવેશ્યા.

કાઉન્ટર પાછળ શો-રૂમનો માલિક નરોત્તમ ઝવેરી બેઠો હતો. તે દિલીપને સારી રીતે ઓળખતો હતો. એણે દિલીપ તથા શાંતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

‘મિસ્ટર દિલીપ...!’ એણે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘આપ કહેતા હતાં, એ જ આ શાંતા મેડમ છે ને ?’

‘હા...મારા ઓર્ડરની વસ્તુ તૈયાર છે?’ દિલીપે પૂછ્યું.

‘આજે શાંતા મેડમનો જન્મદિવસ છે ને એ વસ્તુ તૈયાર ન હોય તે બને જ નહીં ને ?’ કહી કાઉન્ટરનું ખાનું ઉઘાડીને, એણે તેમાંથી મખમલનું એક બોક્ષ કાઢીને દિલીપ સામે મૂકી દીધું. પછી શાંતા સામે જોઇને બોલ્યો, ‘મેડમ...મારા તરફથી પણ જન્મદિવસની શુભેચ્છાઓ સ્વીકારો.’

‘મિસ્ટર નરોત્તમ...!’ શાંતાએ અચરજભર્યા અવાજે પૂછ્યું, ‘આજે મારો જન્મદિવસ છે એની આપને કેવી રીતે ખબર પડી ?’

‘આ હીરાજડિત હારનો ઓર્ડર આપવા માટે આવ્યા, ત્યારે મિસ્ટર દિલીપે જ કહ્યું હતું.’ એણે જવાબ આપ્યો.

‘દિલીપ...!’ શાંતાએ દિલીપ સામે જોયું, ‘આજે મારો જન્મદિવસ છે એ તને યાદ હતું?’

‘હા...’ દિલીપે જવાબ આપ્યો, ‘આજ સુધીમાં હું ક્યારેય તારો જન્મદિવસ ભૂલ્યો છું ખરો ? હું મારો જન્મદિવસ કદાચ ભૂલી જાઉં...પણ તારો તો ણ જ ભૂલાય!’

‘તો પછી તું ખોટું શા માટે બોલ્યો?’

‘બસ, મારી મરજી...હું તને અચાનક જ નવી પમાડવા માંગતો હતો. બાકી તારા માટે આ હારનો ઓર્ડર તો હું આઠ દિવસ પહેલાં જ આપી ગયો હતો.

આનંદ અને ભાવાવેશથી શાંતાની આંખો ભરાઈ આવી. એણે ઝડપથી પોતાની આંખો પર રૂમાલ મૂકી દીધો.

‘દેવીજી...!’ દિલીપ ફરીથી બોલ્યો, ‘હવે આ હારને તમારા ગળામાં પહેરીને તેને પવિત્ર કરો.’

દિલીપનું કથન સાંભળીને શાંતા એકદમ શરમાઈ ગઈ.

એણે હાર પહેરી લીધો.

પછી બંને નરોત્તમની રજા લઇ, બહાર નીકળીને દિલીપની કારમાં બેઠા.

આ વખતે ડ્રાઈવિંગ સીટ પર શાંતા બેઠી હતી.

‘હવે ક્યાં જવું છે?’ એણે દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘તને મરજી પડે ત્યાં લઇ જા.’ દિલીપે જવાબ આપ્યો, ‘જન્મદિવસ તારો છે એટલે ક્યાં જવું, એ પણ તારે જ નક્કી કરવાનું.

‘તો એક કામ કરીએ...પહેલાં મારી બહેનપણીને ત્યાં જી આવીએ. એ અહીં નજીકમાં જ રહે છે.’

‘એ વળી કોણ છેવટે?’

‘એનું નામ જાનકી આચરેકર છે અને તે એમ.જે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં સર્વિસ કરે છે.’

ભલે, ચલ...!’

શાંતાએ કારને સ્ટાર્ટ કરીને આગળ ધપાવી.

મહારાજા રોડ વટાવીને એણે કારણે દીવાન ચોક તરફ લઇ જતાં સરદાર જયસિંહ રોડ પર વાળી. આ રોડ પર રહેણાંક વિસ્તાર હોવાને કારણે ટ્રાફિક ઓછો હતો એટલે કારની ગતિ એણે એકદમ વધારી દીધી હતી.

પછી અચાનક એણે પૂરી તાકાતથી બ્રેક મારી.

વળતી પળે જ વાતાવરણમાં કોઈકની ચીસનો અવાજ ગુંજી ઉઠ્યો.

દિલીપના શરીરને જોરદાર આંચકો લાગ્યો. તેની નજર શાંતા તરફ હોવાને કારણે, શાંતાએ અચાનક બ્રેક શા માટે મારી તે એને નહોતું સમજાયું.

શાંતાનો દેહ સૂકાં પાંદડાની જેમ થરથરતો હતો. એના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો હતો.

‘શું થયું શાંતા...? તારી જાત પર કાબૂ મેળવ !’ કહીને એ કારમાંથી નીચે ઉતર્યો.

એણે જોયું તો કારની બોનેટથી પાંચ-છ ફૂટ દુર સડકની બરાબર વચ્ચે લોહી-લુહાણ હાલતમાં એક માનવી પડ્યો હતો.

વૃદ્ધની આજુબાજુમાં બે સિપાહી અને એક ઇન્સ્પેક્ટર ઉભો હતો.

દિલીપ એ બધાને સારી રીતે ઓળખતો હતો. ઇન્સ્પેક્ટર વામનરાવ તો એનો મિત્ર હતો.

એ વામનરાવ તરફ આગળ વધ્યો ત્યાંજ તેના ખભા ઉપર કોઈકનો કોમળ સ્પર્શ થયો.

એણે પીઠ ફેરવીને જોયું તો શાંતા ઉભી હતી. એ હવે સહેજ સ્વસ્થ થઇ ગઈ હતી.

‘દિલીપ...!’ અચાનક એ બોલી, ‘આ અકસ્માતમાં મારો કોઈ વાંક નથી, એ માણસ જાણી જોઇને જ કાર સામે કુદ્યો હતો.’

‘શું...?’ દિલીપે ચમકીને પૂછ્યું.

‘હા...!’

‘તને પૂરી ખાતરી છે...?’

શાંતાએ હકારમાં માથું હલાવ્યું.

‘મેડમની વાત સાચી છે દિલીપ...!’ વામનરાવ તેમની નજીક આવીને બોલ્યો, ‘આ માણસ એટલે કે મોહનલાલે...’ એણે સડક પર પડેલા મોહનલાલ પર સંકેત કર્યો, ‘આપઘાત કરવાના હેતુથી જ તમારી કાર સામે કુદકો માર્યો હતો !’

‘આપઘાત કરવાના ઈરાદાથી ...?’ દિલીપે અચરજથી પૂછ્યું.

‘હા...!’

આ દરમ્યાન ત્યાં લોકોની ભીડ એકઠી થઇ ગઈ.

બંને તરફનો ટ્રાફિક અવરોધાઇ ગયો.

સડક જામ થઇ ગઈ.

‘આ કારવાળાઓ તો આંધળાની જેમ કાર ચલાવે છે.’ સહસા ભીડમાં ઉભેલા બદમાશ જેવો દેખાતો એક માણસ ઉંચે અવાજે બરાડ્યો, ‘ગરીબોના જીવનની તો તેમને મન કોઈ કિંમત જ નથી હોતી.’

દિલીપની વેધક નજર ભીડમાં ઉભેલા એ બદમાશ ઉપર સ્થિર થઇ ગઈ.

પછી આગળ વધીને એણે એ બદમાશનું બાવડું પકડીને નજીક ખેંચ્યો.

‘ભાઈ...પહેલવાન...!’ દિલીપ કઠોર નજરે તેની સામું જોતાં પૂછ્યું, ‘અકસ્માત કેવી રીતે થયો એ તેં જોયું હતું?’

‘જી...હું...’ વામનરાવને દિલીપની વર્તણુંકનો વિરોધ ણ કરતો જોઇને તે એકદમ ગભરાઈ ગયો.

‘જવાબ આપ...!’ દિલીપ જોરથી બરાડ્યો.

‘હં હં..હું...!’ બદમાશ જેવા દેખાતા એ માણસની જીભ લોચા વળવા લાગી.

‘ભાઈ...પહેલવાન...!’ દિલીપે કઠોર અવાજે કહ્યું, ‘આ માણસને કોઈકે મારી કાર સામે ધક્કો માર્યો હતો...સમજ્યો?’

‘ધક્કો...?’

‘હા...!’ કહીને દિલીપ વામનરાવ તરફ ફર્યો, ‘વામનરાવ, આ માણસે જ મોહનલાલને ધક્કો માર્યો હોય એવું મને લાગે છે. એને હાથકડી પહેરાવ અને જેલની હવા ખવડાવ ! અહીં બહારનું વાતાવરણ એને માફક ણ હોય તેવું મને લાગે છે.’

દિલીપની વાત સાંભળીને એ બદમાશનો ચહેરો કાપો તો લોહી ન નીકળે તેવો થઇ ગયો.

‘સ...સાહેબ..’એ ભયથી ધ્રુજતા અવાજે બોલ્યો, ‘મેં કંઈ નથી કર્યું. હું તો આને ઓળખતો પણ નથી.’

‘અને, એ અમારો હડહડતો દુશ્મન હતો એટલે અમે તેને કાર નીચે કચડી નાંખ્યો, ખરું ને?’ દિલીપના અવાજમાં ભારોભાર કટાક્ષ હતો.

‘મ...માફ કરી દો સાહેબ ! ભૂલ થઇ ગઈ, હું સમજ્યા...વિચાર્યા વગર જ જેમ ફાવે તેમ લવારો કરી ગયો.’ એણે કરગરતા અવાજે કહ્યું.

‘ઠીક છે ! મારો મૂડ બદલાય એ પહેલા જ અહીંથી વંજો માપી જા. જો મારો મૂડ બદલાશે ને તો તારે ઓછામાં ઓછા બસો-પાંચસો વર્ષ સુધી જેલમાં તપ કરવું પડશે. સમજ્યો અને જો સાંભળ, ભવિષ્યમાં કોઈ દિવસ આ રીતે વગર જોયે-વિચાર્યે આવી પંચાતમાં ઉતરીશ નહીં.

‘ભલે...સાહેબ !’ કહીને એ પહેલવાન જેવો માણસ, બંને પગે ઠેકડા મારતો ભીડમાંથી માર્ગ કરીને જાણે એ ત્યાં હતો જ નહીં એ રીતે નાસી છૂટ્યો.

આ દરમ્યાનમાં શાંતા મોહનલાલ પાસે પહોંચી ગઈ હતી. એ મર્યો નહોતો પણ બેભાન જ થઈ ગયો હતો.

‘દિલીપ...!’ એ ઉત્તેજિત અવાજે બોલી, ‘મોહનલાલ નામનો માણસ મર્યો નથી ફક્ત બેભાન જ થયો છે.’

દિલીપ ઝડપથી તેની પાસે પહોંચ્યો.

‘દિલીપ...!’ શાંતા ફરી બોલી, ‘આના ધબકારા ચાલુ છે, જો આને તાબડતોબ હોસ્પિટલે પહોંચાડી દઈએ તો એ બચી જશે.’

‘વામનરાવ...’ દિલીપ પીઠ ફેરવીને વામનરાવ સામે જોતાં બોલ્યો, ‘આને જલ્દીથી મારી કારમાં મૂકાવ...! તેમને તાબડતોબ સારવાર મળવી જરૂરી છે.’

ત્યારબાદ દિલીપે તથા વામનરાવે ભેગા થઈને મોહનલાલના બેભાન દેહને દિલીપની કારની પાછલી સીટમાં સુવડાવી દીધો.

દિલીપ તથા શાંતા કારની આગલી સીટ પર બેસી ગયા.

આ વખતે ડ્રાઈવિંગ સીટ ઉપર દિલીપ બેઠો હતો.

દિલીપે કાર સ્ટાર્ટ કરી તેને સિવિલ હોસ્પિટલ તરફ દોડાવી મૂકી.

બેક-વ્યૂ મિરરમાં પાછળ આવતી વામનરાવની કારનું પ્રતિબિંબ એ સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો.

વીસ મીનીટમાં એની કાર હોસ્પીટલના કમ્પાઉન્ડમાં પહોંચી ગઈ.

એની પાછળ પાછળ વામનરાવની જીપ પણ આવી પહોંચી.

ત્યારબાદ મોહનલાલને તાત્કાલિક અંદર લઇ લેવામાં આવ્યો.

પ્રાથમિક તપાસ પછી એને ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યો.

એના પગનું હાડકું તૂટી ગયું હતું.

દિલીપ તથા વામનરાવ બહાર લોબીમાં બેઠા હતાં.

‘હા, હવે બોલ વામનરાવ...!’દિલીપે એક સિગારેટ સળગાવતાં કહ્યું, ‘શું મામલો છે? મોહનલાલ નામના આ સજ્જન શા માટે આપઘાત કરવા પર ઉતરી આવ્યા હતાં?’

‘મોહનલાલ એમ.જે ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. કંપનીના દસ લાખ રૂપિયા જે એમના કબજામાં હતાં, તે ચોરાઈ ગયા છે અને સંજોગો કંઇક એવા છે કે બધી શંકા મોહનલાલ પર જાય છે. એટલે હું વધુ પૂછપરછ કરવા માટે અટકમાં લઈને તેમને હેડક્વાર્ટર લઇ જતો હતો, ત્યારે જીપ તરફ આગળ વધતી વખતે એ મહાશય આપઘાત કરવાના હેતુથી તારી કાર સામે કુદી પડ્યા.’ વામનરાવે પણ એક સિગારેટ સળગાવી જવાબ આપ્યો.

‘હું...!’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘તો મામલો દસ લાખ રૂપિયાની છે એમ જ ને?’

‘હા...’

‘અને તમારી માન્યતા પ્રમાણે આ ચોરી મોહનલાલે કરી છે, ખરું ને ?’

વામનરાવે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘તો પછી એક વાત નો જવાબ આપ કે જે માણસે દસ લાખ રૂપિયાની ચોરી કરી હોય તેને શા માટે આપઘાતનો પ્રયાસ કરવો પડે?’

‘ચોરીની શંકા એના પર જ કરવામાં આવશે એવું કદાચ એણે નહોતું ધાર્યું એમ હું માનું છું.’ વામનરાવે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું. ‘એટલે ભાંડો ફૂટી ગ્યા પછી આબરૂ જવાની બીકે એને આપઘાત કરવાનું જ યોગ્ય લાગ્યું હોય એ બનવાજોગ છે.’

‘તું ભાંડો ફૂટી જવાની વાત કરે છે, તો શું ચોરી પકડાઈ ગઈ? ચોરીની રકમ મળી ગઈ?’

‘ના...’ વામનરાવે નકારાત્મક ઢબે માથું હલાવી ના પાડી, ‘ચોરીની રકમ તો નથી મળી.’

‘તો પછી આમાં ભાંડો ફૂટવાનો સવાલ ક્યાં ઉભો થાય છે? તેં તો માત્ર શંકાના આધારે જ મોહનલાલની ધરપકડ કરી છે ને ?’

‘હા...’

‘ઇન્સ્પેક્ટર...!’ અત્યાર સુધી ચુપચાપ તેમની વાતો સાંભળી રહેલી શાંતા અચાનક બોલી ઉઠી, ‘તો પછી બનવાજોગ છે કે મોહનલાલે ચોરી કદાચ ન પણ કરી હોય.’

‘તો પછી એણે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો? એનો આ પ્રયાસ જ પુરવાર કરે છે કે ચોરીમાં તેનો હાથ છે.’ વામનરાવે કહ્યું.

‘ભાંડો ફૂટી જવાના કારણે જ મોહનલાલે આપઘાતનો પ્રયાસ કર્યો હોય એ કંઈ જરૂર નથી. ધરપકડ થવાને કારણે શરમથી એણે આપઘાતનો પ્રયાસ નહીં કર્યો હોય તેની શી ખાતરી છે?’

‘તમારી વાત સાચી છે મેડમ..! પણ બધા પુરાવા એની વિરુદ્ધ છે એનું શું?’ વામનરાવે કહ્યું, ‘મેં સમજી વિચારીને જ એની ધરપકડ કરી છે. મારે તેની સાથે કોઈ દુશ્મનાવટ નથી.’

‘વામનરાવ..’ દિલીપ બોલ્યો, ‘તારે એની સાથે કોઈ દુશ્મનાવટ છે એવું મેં ક્યાં કહ્યું છે? એ તો જે હોય તે ! પણ ચોરી કર્યા પછી કોઈ આપઘાતનો પ્રયાસ કરે એ વાત કોણ જાણે કેમ મારે ગળે નથી ઉતરતી.’

‘એ તો ઠીક છે પણ...’

‘ખેર, આ વાતને હવે અહીં જ પડતી મુક, મોહનલાલ સાથે વાત ણ થાય ત્યાં સુધી કંઈ જ કહી શકાય તેમ નથી. સારું, હવે અમે જઈએ. મોહનલાલ ભાનમાં આવે એટલે અમને જાણ કરી દેજે.’

વામનરાવે હકારમાં માથું હલાવ્યું.

દિલીપ અને શાંતા હોસ્પીટલમાંથી બહાર નીકળીને કારમાં ગોઠવાયા.

‘બોલ હવે ક્યાં જવું છે ?’ દિલીપે કાર સ્ટાર્ટ કરતાં પૂછ્યું.

‘દિલીપ...ફરવા જવાનો મારો મૂડ ઓફ થઇ ગયો છે એટલે હવે સીધા ઘેર જ જઈએ.’ શાંતા ઉદાસ અવાજે બોલી.

‘અરે....તું હજી પણ ઉદાસ છે ? તારા મગજમાંથી એક્સિડન્ટ ખસ્યો નથી લાગતો...શાંતા, એ અકસ્માતમાં તારો કોઈ વાંક નહોતો. ભૂલ તો મોહનલાલની જ હતી. ચલ, હવે અકસ્માતને ભૂલીને કોઈક નવો પ્રોગ્રામ બનાવી કાઢ.

‘દિલીપ, મારો કોઈ વાંક નહોતો એ હું કબુલ કરું છું. પરંતુ છતાંય, ગમે તેમ તોય, એ અકસ્માત મારાથી જ થયો છે ને? અકસ્માતનું દ્રશ્ય હજુ પણ હું ભૂલી નથી શકતી.’ કહેતા કહેતા શાંતાના દેહમાં ધ્રુજારી ફરી વળી. એની નજર સમક્ષ હજુ પણ બનાવનું દ્રશ્ય તરવરતું હતું.

‘શાંતા, એ બનાવ માટે તું સહેજ પણ જવાબદાર નથી, તેમ તારે કશીય ફિકર પણ કરવાની જરૂર નથી. મેં ડોક્ટરને બધીય સૂચના આપી દીધી છે. મોહનલાલની સારવારમાં કોઈજ કસર બાકી નહિ રહે. એટલું જ નહીં જો બચી ગયા પછી એ ખરેખર નિર્દોષ હશે તો આપણે તેને નિર્દોષ પુરવાર કરવા બનતા પ્રયાસો કરી છૂટીશું.

‘ખરેખર...?’શાંતાએ પૂછ્યું.

દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

***

Rate & Review

hemant

hemant 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Hina Thakkar

Hina Thakkar 7 months ago

Ranjan Patel

Ranjan Patel 8 months ago

અમિત

અમિત 8 months ago