Bhedi Tapu - Khand - 2 - 13 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - ખંડ બીજો - 13

ભેદી ટાપુ - ખંડ બીજો - 13

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(13)

ટેબોર ટાપુ તરફ

“તરછોડાયેલા માણસ!” પેનક્રોફ્ટ બોલ્યો. “ટેબોર ટાપુ ઉપર અહીંથી દોઢસો બરસો માઈલ દૂર! કપ્તાન, હવે તમે મને જવાની ના નહીં પાડો.”

“હા, પેનક્રોફ્ટ,” હાર્ડિંગે જવાબ આપ્યો. “તમારે જેમ બને તેમ જલદી નીકળવું જોઈએ.”

“આવતી કાલે?”

“હા, આવતી કાલે!”

ઈજનેરના હાથમાં શીશામાંથી નીકળેલો કાગળ હતો. તે તેના ઉપર વિચાર કરતો હતો. પછી તે બોલ્યો.

“આ પત્ર ઉપરથી આપણે તારવી શકીએ કે એક તો ટેબોર ટાપુ ઉપર રહેતો માણસ વહાણવટાનું નોંધપાત્ર જ્ઞાન ધરાવે છે. કારણ કે, તેણે ટાપુના અક્ષાંશ અને રેખાંશ ચોકસાઈથી આપ્યા છે. બીજું, તે અંગ્રેજ અથવા અમેરિકન હશે; કેમકે પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો છે.”

“બરાબર.” સ્પિલેટે જવાબ આપ્યો. “આ માણસની હાજરી પેટી અને પીપનો ખુલાસો કરે છે વહાણ ભાંગ્યુ હશે; કારણ કે ટેબોર ટાપુ ઉપર માણસ છે. એ ગમે તે દેશનો હોય પણ એટલો નસીબદાર કે પેનક્રોફટે આ વહાણ બાંધ્યું અને તે જ દિવસે અજમાયશી કરી એક દિવસ વહેલું કે મોડું થયું હોત તો આ શીશો હાથ ન આવત; અથવા ખડક સાથે અથડાઈને તૂટી જાત.”

“ખરેખર,” હર્બર્ટ બોલ્યો, “બોન એડવેન્ચર શીશો તરતો હતો એની બાજુમાંથી જ બરાબર નીકળ્યું!”

“આ જરા વિચિત્ર નથી લાગતું?” હાર્ડિંગે ખલાસીને પૂછ્યું.

“મને તો એ સદ્દભાગ્યની નિશાની લાગે છે.” ખલાસીએે જવાબ આપ્યો. “એમાં શું નવાઈજનક છે? કપ્તાન, શીશો તો આમ પણ જાય અને તેમ પણ જાય!”

“કદાચ તમારી વાત સાચી છે, પેનક્રોફ્ટ!” હાર્ડિંગે જવાબ આપ્યો. “અને તેમ છતાં....”

“શીશો તાજેતરમાં સમુદ્રમાં ફેંકાયો લાગે છે.” હર્બર્ટે કહ્યું.

“અને,” સ્પિલેટે જવાબ આપ્યો. “પત્ર પણ તાજેતરમાં લખાયો લાગે છે. તમને શું લાગે છે, કપ્તાન?”

“અત્યારે કહેવું મુશ્કેલ છે.” હાર્ડિંગે જવાબ આપ્યો. “થોડા વખતમાં આપણને જાણ થવાની છે.”

વાતચીત દરમિયાન પેનક્રેફ્ટે વહાણને પંજાભૂશિર તરફ વાળ્યું હતું. બધા ટેબોર ટાપુ ઉપર ફેંકાયેલા માણસ વિષે વિચારતા હતા. શું પોતે તેને સમયસર બચાવી શકશે? આ તેમના જીવનનો મહાન પ્રસંગ હતો. તેઓ પોતે પણ ટાપુ ઉપર નિરાશ્રિત અવસ્થામાં ફેંકાયા હતા. તેમની ફરજ હતી કે મદદે આવું.

ચાર વાગ્યે વહાણે મર્સી નદીના મુખમાં લંગર નાખ્યું.

તે રાત્રે નવા પ્રવાસ માટેની તૈયારીઓ શરૂ થઈ. પેનક્રોફ્ટ અને હર્બર્ટ બે જણા જાય. દસમી ઓકટોબરે, એટલે કે આવતી કાલે જ બંને રવાના થાય અને મોડામાં મોડા તેરમી ઓકટોબરે ટેબોર ટાપુ ઉપર પહોંચે. દોઢસો માઈલ જતાં વહાણને અડતાલીસ કલાક લાગે. ટેબોર ટાપુ ઉપર પહોંચ્યા પછી એક દિવસનું રોકાણ થાય. રસ્તામાં પાછા ફરતા વધુમાં વધુ ત્રણથી ચાર દિવસ લાગે, એટલે સત્તરમી તારીખે તેઓ લીંકન ટાપુ ઉપર આવી પહોંચે.

હવામાન સુંદર હતું. પવન પણ અનુકૂળ હતો. બધી વાતે સરળતા હતી. આ લોકો માનવાની દષ્ટ્રિએ ટેબોર ટાપુ ઉપર જતા હતા. આમ, એવું નક્કી થયું કે હાર્ડિંગ, નેબ અને સ્પિલેટ ગ્રેનાઈટ હાઉસમાં રહે, પણ સ્પિલેટે વાંધો નોંધાવ્યો. એક ખબરપત્રી તરીકે આ સાહસમાં જોડાવા તેણે ઈચ્છા વ્યક્ત કરી. આવી તક વારંવાર મળતી નથી. અંતે તેને જોડાવાની છૂટ મળી.

તે સાંજે વહાણમાં બધી વસ્તુઓ ગોઠવવામાં આવી; પથારી, પાગરમ, વાસણો, હથિયારો અને દારૂગોળો, હોકાયંત્ર અને લગભગ અઠવાડિયું ચાલે તેટલી ખાવાપીવાની સામગ્રી, આ કામ ઝડપથી પતાવી દેવામાં આવ્યું.

બીજે દિવસે સવારે પાંચ વાગ્યે વહાણ રવાના થયું. લાગણીસભર રીતે આવો-આવજોની વિધિ કરવામાં આવી. થોડીવારમાં વહાણ કિનારીથી પા માઈલ જેટલું દૂર પહોંચ્યું. ત્યાંથી મુસાફરોએ જોયું કે ગ્રેનાઈટ હાઉસમાંથી બે માણસો હાથ હલાવી તેમને આવજો કરી રહ્યાં છે. તે હાર્ડિંગ અને નેબ હતા.

“આપણા મિત્રો.” સ્પિલેટ બોલ્યો, “પંદર મિનિટ પછી પહેલીવાર જુદા પડવાનું થાય છે.”

પેનક્રોફ્ટ, સ્પિલેટ અને હર્બર્ટે પણ સામા હાથ હલાવ્યા. થોડીવારમાં ગ્રેનાઈટ હાઉસ દેખાતું બંધ થયું.

દિવસના શરૂઆતના ભાગમાં લીંકન ટાપુ દેખાતો હતો. તે વહાણમાંથી લીલા ટાપલા જેવો લાગતો હતો. ટાપુના કેન્દ્રમાં પર્વત ઊભો હતો. આ ટાપુ ઉપર આવવા કોઈ વહાણ લલચાય એમ ન હતુ. વહાણ ટાપુથી આશરે ત્રીસેક માઈલ જેટલું દૂર પહોંચ્યું હશે.

આટલે દૂરથી ટાપુને ઓળખી શકાતો ન હતો. ત્રણ કલાક પછી ટાપુ ક્ષિતિજ પાછળ અદશ્ય થઈ ગયો.

વહાણ સંતોષકારક રીતે ચાલતું હતુ. દિશા પણ બરાબર હતી. વચ્ચે હર્બર્ટ સુકાન સંભાળતો હતો અને ખલાસીને આરામ આપતો. હર્બર્ટ સુકાન સંભાળવામાં પૂરેપૂરી કુશળ હતો. ખલાસી તેની જરા જેટલી પણ ભૂલ કાઢી શકતો ન હતો. સ્પિલેટ ક્યારેક એકની સાથે તો ક્યારેક બીજાની સાથે આડી-અવળી વાતચીત કરતો હતો. દોરડાં બાંધવામાં અને એવાં પરચૂરણ કામમાં તે મદદ કરતો હતો.

પેનક્રોફ્ટ પોતાના નાવિકોથી પૂરો સંતુષ્ટ હતો.

રાત્રે બીજનો ચંદ્ર ઊગ્યો. અને તરત આથમી ગયો. આકાશમાં તારાઓ ચમક ચમક થતા હતા. બીજો દિવસ સ્વચ્છ હવામાનવાળો હશે તેની એ નિશાની હતી.

રાત્રે બધા બબ્બે-ત્રણ ત્રણ કલાક સૂતા. વારાફરતી સૌએ આરામ કર્યો. બારમી ઓકટોબરે તેઓ ટેબોર આઈલેન્ડની નજીકમાં આવી પહોંચ્યા હોવા જોઈએ. સાગરની સપાટી ઉપર એક પણ વહાણ દેખાતું ન હતું. દરિયો ઉજ્જડ હતો. માત્ર ણહીં તહીં આલ્બેટ્રોસ પક્ષીઓ ઊડતાં હતાં.

“વ્હેલના શિકારીો આ મોસમમાં આ બાજુ આવવા જોઈએ. પણ કોઈ દેખાતું નથી. દુનિયાના કોઈ ભાગમાં દરિયો આટલો ઉજ્જડ નહીં હોય.” હર્બર્ટે કહ્યું.

“સાવ ઉજ્જડ નથી.” ખલાસીએ જવાબ આપ્યો.

“એટલે?” સ્પિલેટે પૂછ્યું.

“આપણું વહાણ છે ને!” ખલાસીએ ઉત્તર આપ્યો, અને કોઈ મોટી રમૂજ કરી હોય એમ તે ખડખડાટ હસી પડ્યો.

રાત સુધીમાં વહાણે એકસોને વીસ માઈલનું અંતર કાપ્યું હતું. લીંકન ટાપુથી નીકળ્યાને છત્રીત કલાક થયા હતા. કલાકની સાડા ત્રણથી ચાર માઈલની ગતિ ગણાય. આવતીકાલે સવારે સૂર્યોદય વખતે ગણતરી બરાબર હોય અને રસ્તો સાચો હોય તો ટેબોર ટાપુ ઉપર પહોંચી જવાશે.

એ રાત્રે કોઈ સૂઈ શક્યું નહીં. આ સાહસમાં ઘણી અનિશ્વિતતા હતી. શું તેઓ ટેબેર ટાપુ નજીક હતા? પેલો માણસ હજી ત્યાં હશે? પોતે તેને બચાવી શકશે? કોણ હશે એ માણસ? તેની હાજરી શું લીંકન ટાપુના સંપીલા જીવનને છિન્નભિન્ન કરી નાખશે? વળી તે એક કેદમાંથી બીજી કેદમાં આવવાનું પસંદ કરશે? આ બધા પશ્નો તેમના મનમાં ઘોળાતા હતા. આ પ્રશ્નોના ઉત્તર બીજે દિવસે મળવાના હતા. તેમ છતાં તેમને કુતૂહલ થયું હતું. પરોઢિયું થયું ત્યારે બધા પશ્વિમ ક્ષિતિજ ઉપર જોવા લાગ્યા.

“જમીન!” પેનક્રોફ્ટે બૂમ પાડી. તે વખતે સવારના છ વાગ્યા હતા.

પેનક્રોફ્ટની ભૂલ ન હતી. વહાણના પ્રવાસીઓના આનંદનો પાર ન રહ્યો. થોડા કલાકમાં તેઓ ટેબોર ટાપુના કિનારે લાંગરશે. અહીંથી કિનારો પંદર માઈલથી વધારે દૂર ન હતો.

અગિયાર વાગ્યે વહાણ કિનારાથી માત્ર બે જ માઈલ દૂર રહ્યું. પેનક્રોફટ હવે કિનારે ઊતરવા માટે યોગ્ય જગ્યાની શોધમાં હતો. આ અજાણ્યા પાણીમાં તે ખૂબ કાળજીથી વહાણ હંકારતો હતો. આખો ટાપુ હવે બરાબર દેખાતો હતો. કિનારે મોટાં મોટાં વૃક્ષો ઊભાં હતાં. નવાઈજનક વાત એ હતી; કે ક્યાંય ધુમાડો દેખાતો ન હતો. અહીં માણસની વસ્તીની કોઈ નિશાની જોવા મળતી ન હતી.

છતાં પત્રમાં સ્પષ્ટ વિગત હતી; ટાપુમાં કોઈ માણસ છે, અને એ માણસ કદાચ કિનારે સામો ઊભો હશે.

દરમિયાન વહાણ અતિશય કાળજીપૂર્વક આગળ વધતું હતું. સ્પિલેટ દૂરબીનથી ટાપુનો કિનારો તપાસતો હતો ત્યાં કંઈ પણ દેખાતું ન હતું.

બપોરે બાર વાગ્યે લંગર નાખવામાં આવ્યું. ત્રયેણ જણા ટાપુ પર ઊતર્યાં. આ ટેબોર ટાપુ હતો. એમાં કોઈ શંકાને સ્થાન ન હતું. છેલ્લામાં છેલ્લા નકશાઓમાં પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ અને અમેરિકા વચ્ચે બીજો કોઈ ટાપુ હતો જ નહીં.

પેનક્રોફ્ટ, હર્બર્ટ અને સ્પિલેટ હથિયારો સાથે ટેબોર ટાપુને કિનારે આવ્યા. તેમણે પહેલાં એક સાધારણ ઊંચી ટેકરી ઉપરથી ટાપુનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તેઓ ટેકરીની તળેટીમાં આવ્યા.

આ ટાપુનાં પ્રાણીઓ અને વનસ્પતિ લીંકન ટાપુ જેવાં જ હતાં. ક્યાંય માનવીની વસ્તી દેખાતી ન હતી.

તેઓ થોડી મિનિટોમાં ટેકરીની ટોચે પહોંચી ગયા. ત્યાંથી ચારે બાજુ ક્ષિતિજ સુધી નિરીક્ષણ કર્યું. ટાપુ સાવ નાનકડો હતો. તેનો ઘેરાવો માંડ છ માઈલ જેટલો હતો. તેનો કિનારો ખાંચાખૂંચીવાળો દેખાતો હતો. તેનો આકાર ઈંડા જેવો લંબગોળ હતો. ચારે બાજુ દરિયો દેખાતો હતો, ક્યાંય જમીન કે કોઈ વહાણ દેખાતું ન હતું.

આ જંગલથી ઘેરાયેલો ટાપુ લીંકન ટાપુ જેવી વિવિધતા દર્શાવતો હતો. ટાપુમાં બે ત્રણ નાની ટેકરીઓ હતી. અને વચ્ચે એક નદી વહેતી હતી. જે સમુદ્રને પશ્વિમ બાજુએ મળતી હતી. ખલાસી અને તેના બે સાથીદારો ટેકરી ઉપરથી નીચે ઊતર્યાં અને વહાણ જ્યાં લાગર્યું હતુ ત્યાં દરિયા કિનારે આવ્યા.

તેમણે આખા ટાપુ ઉપર પગપાળા ફરી વળવાનું નક્કી કર્યું; પહેલાં ટાપુનો બહારનો ભાગ જોવો અને પછી અંદરનો ભાગ તપાસવો. આથી પ્રારંભમાં તેઓ ટાપુને કિનારે કિનારે ચાલવા લાગ્યા. વચ્ચે પક્ષીઓના ઝૂંડ, સીલનાં ટોળાં અજાણ્યા માણસોને જોઈને પાણીમાં કૂદી પડતા હતાં. એનો અર્થ એ થયો કે તેઓએ આ પહેલાં માણસને જોયો છે અને માણસથી બીતાં તેઓ શીખ્યા છે.

તેઓ એક કલાકમાં દક્ષિણ તરફથી ઉત્તર તરફ અને પછી પશ્વિમ તરફ ચાલવા લાગ્યાં. કિનારો રેતી અને ખડકોનો બનેલો હતો. અને પાછળના ભાગમાં ગાઢ જંગલ હતું. ક્યાય માણસનાં પગલાં દેખાતાં ન હતા. ચાર કલાક જેટલો સમય ટાપુને પ્રદક્ષિણા કરવા લાગ્યો.

આ ઉપરથી એવું લાગ્યું કે, ટેબોર ટાપુ ઉપર કોઈ માણસ વસતું નથી. કદાચ એમ હોય કે પેલો પત્ર કેટલાક મહિના કે કેટલાંક વર્ષો અગાઉ લખાયો હોય. એવું પણ શક્ય હતું કે, માણસ પોતાના દેશમાં પાછો ફરી ગયો હોય અથવા દુઃખનો માર્યો મરી ગયો હોય!

આવું અનુમાન કરીને ત્રણેય જણે, વહાણ પર પાછા આવ્યા; અને ઉતાવળે જમી લીધું. રાત પડે એ પહેલાં તેઓ આખા ટાપુને પગ તળે ખૂજી નાખવા ઈચ્છતા હતા. સાંજના પાંચ વાગ્યે તેઓ જંગલમાં પ્રવેશ્યા. તેમના આગમનથી અસંખ્ય પ્રાણીઓ ભાગ્યાં. ભાગનારામાં મુખ્યત્વે બકરીઓ અને ડુક્કર હતાં.

કોઈક સમયે આ ટાપુ ઉપર માણસે નિવાસ કર્યો છે, અથવા મુલાકાત લઈને ચાલ્યો ગયો છે. એમાં કોઈ શંકા નથી. જંગલના રસ્તાઓ એ વાતની ચાડી ખાતા હતા. રસ્તાઓ ઉપર કેડી પડી ગઈ હતી. વૃક્ષો ઉપર અને બધે જ માણસની હાજરીના પુરાવા હતા. પણ વૃક્ષો ઘણાં વર્ષ પહેલાં પડી ગયાં હતાં અને તેના ઉપરના કુહાડીના ઘાના નિશાન ઉપર બાવા બાઝી ગયા હતા. કેડી ઉપર ઘાસ ઊગી ગયું હતું.

“પણ,” સ્પિલેટ બોલ્યો, “માણસો અહીં થોડો સમય રહ્યા છે એમાં શંકા નથી; તેઓ કોણ હશે?” અને અત્યારે તે કેટલા બચ્યાં હશે?”

“પત્રમાં તો એક જ માણસની વાત લખી છે.” હર્બર્ટે જવાબ આપ્યો.

“જો એ માણસ હજી પણ ટાપુ ઉપર હશે,” ખલાસી બોલ્યો, “તો આપણે એને ચોક્કસ શોધી કાઢીશું.”

પ્રવાસ ચાલુ રહ્યો. તેઓ નદીને કાંઠે કાંઠે ચાલવા લાગ્યા. કેટલાક શાકભાજી પણ માણસની હાજરીનો પુરાવો આપતાં હતાં. ક્યાક તો ખેતી કરવાનો પ્રયાસ પણ દેખાતો હતો. હર્બર્ટે લીંકન ટાપુ ઉપર ગાજર, કોબી, વગેરે પુષ્કળ પ્રમાણમાં જોયાં. હર્બર્ટે લીંકન ટાપુ ઉપર વાવવા માટે તેનાં કેટલાંક બી એકઠા કરી લીધાં. બાકીનાં પછીથી ભેગાં કરવાનું નક્કી કર્યું.

“આ તેં સારું કર્યું!” ખલાસી બોલ્યો. “આપણો ફેરો ફોગટ નથી ગયો, હવે માણસ મળે કે ન મળે, આપણને બદલો મળી ગયો છે.”

“પણ આ ખેતરની જે સ્થિતિ છે તે જોતાં કેટલાક વખતથી માણસની હાજરી ન હોય એવું લાગે છે.” સ્પિલેટે કહ્યું.

“તો માણસ જતો રહ્યો છે.” ખલાસીએ કહ્યું.

“આપણે એમ માનવું રહ્યું; અને પત્ર ઘણી જૂની તારીખનો હશે.”

“અને શીશો તરતો તરતો ઘણે લાંબે સમયે લીંકન ટાપુ પાસે પહોંચ્યો હશે.”

અંધારું થવા લાગ્યું હતું એટલે તેઓએ વહાણમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું. અત્યારે શોધખોળ મુલતવી રાખવી અને સવારે વળી પાછું નીકળી પડવું, એવો નિર્ણય થયો. તેઓ પાછા વળવા જતાં હતા ત્યાં એકાએક હર્બર્ટે બૂમ પાડી.

ત્રણેય જણા ઝૂંપડા તરફ દોડ્યાં. એ ઝૂંપડું વહાણના પાટિયામાંથી બનાવવામાં આવ્યું હતું. તેને જાડી સાદડીથી ઢાંકવામાં આવ્યું હતું.

બારણું અડધુ ઉઘાડું હતું. ખલાસીએ ધક્કો મારીને ખોલી નાખ્યું અને તે ઝડપથી અંદર પ્રવેશ્યો.

ઝૂંપડી ખાલી હતી!

***

Rate & Review

Gordhan Ghoniya
Bhimji

Bhimji 2 years ago

Naresh jethava

Naresh jethava 2 years ago

B.k. parmar

B.k. parmar 2 years ago

Arpita Chaudhari

Arpita Chaudhari 3 years ago