Beiman - 7 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેઈમાન - 7

બેઈમાન - 7

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 7

અજ્ઞાત પત્ર !

દીનાનાથની પ્રશ્નાર્થ નજર શાંતા પર જ જડાયેલી હતી.

‘મિસ્ટર દીનાનાથ...!’ એની નજરનો ભાવાર્થ સમજીને શાંતા બોલી, ‘તમારી નોકરી બચી ગઈ છે. હવે તમારે મારા સવાલોના જવાબ આપવાના છે.’

દીનાનાથે હકારમાં માથું હલાવ્યું.

‘તો સૌથી પહેલાં એ જણાવો કે પરમ દિવસે રાત્રે તમે ક્યાં હતા ?’

‘પરમ દિવસે રાત્રે ?’ દીનાનાથે ચમકીને પૂછ્યું.

‘જી, હા...પરમ દિવસે રાત્રે? અર્થાત્... જે રાત્રે અહીં ચોરી થઇ એ રાત્રે !’

‘એ ચોરી મેં કરી છે એવી આપને શંકા છે?’ દીનાનાથે મૂંઝવણભરી નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘મિસ્ટર દીનાનાથ...! તમને જે પૂછવામાં આવે એનો જ જવાબ તમારે આપવાનો છે. સવાલની સામે સવાલ કરવાની જરૂર નથી. હા, તો પરમ દિવસે રાત્રે તમે ક્યાં હતા ?’

‘જી, હું ઘેર હતો. ઓફિસેથી છૂટીને હું સીધો ઘેર જ ગયો હતો. રાત્રે ભોજન કર્યા પછી હું અને મારી પત્ની દરરોજની જેમ આંટો મારવા માટે ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ હું સૂઈ ગયો હતો.’

‘વારુ, મોહનલાલ વિશે તમારું શું મંતવ્ય છે? શું તમે પણ બીજાઓની માફક તેમને નિર્દોષ માનો છો?’

‘હા...’ દીનાનાથનો અવાજ મક્કમ હતો, ‘મોહનલાલ લાખ તો શું, દસ કરોડ માટે પણ આવું નીચ કામ કરે એવો માણસ નથી. એ ખુબ જ ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ માણસ છે. આવું નીચ કામ કરવા કરતાં એ મરી જવાનું વધુ પસંદ કરે તેવો છે.’

‘સારું...તમે રુસ્તમ નામના કોઈ માણસને ઓળખો છો?

‘રુસ્તમ...? એ વળી કોણ છે...?’ કહીને એણે પોતાનાં જડબાં ભીંસ્યા. કારણ કે સવાલની સામે સવાલ ન કરવાની શાંતાની વાત અચાનક યાદ આવી ગઈ હતી. પછી શાંતા ટોકે એ પહેલાં જ તે બોલ્યો, ‘ના, આ નામના કોઈ જ માણસને હું નથી ઓળખતો.’

‘વારુ, તમે ક્યારેય, અમરજી સ્ટ્રીટમાં આવેલી એક ત્રણ માળની ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ત્રણ નંબરના ફ્લેટમાં ગયા છો?’

‘ના, ક્યારેય નથી ગયો. એ ઈમારતમાં મારું કોઈ પરિચિત નથી રહેતું તો પછી મારે ત્યાં શા માટે જવું પડે ? અને એ ઈમારત તો ઠીક, અમરજી સ્ટ્રીટમાં પણ મારું કોઈ જ પરિચિત નથી રહેતું.’

‘ખેર, એ વાતને પડતી મૂકો. માધવીને તો તમે ઓળખતા જ હશો.

‘હા, ઓળખું છું. એ અમારા જનરલ મેનેજર કલ્યાણી સાહેબની સેક્રેટરી છે.’

‘માધવી સાથે તમારે કેવા સંબંધો હતા ?’

‘એના જેવી આવારા અને ચારિત્ર્યહીન સ્ત્રી સાથે સંબંધ રાખવાની વાત તો હું સ્વપ્ને ય કલ્પી શકું તેમ નથી.’ કહીને ક્યાંક પોતાના જવાબથી શાંતા નારાજ તો નથી થઇ ગઈ ને? એ રીતે એણે શંકાભરી નજરે તેની સામે જોયું.

દિલીપ તેની મનોદશા પારખીને હસી પડ્યો. સાથે જ તેને એ બિચારા પર દયા પણ આવતી હતી. એ શાંતાને કંઇક કહેવા જતો હતો ત્યાં જ શાંતાએ દીનાનાથને એક અણધાર્યો સવાલ પૂછી નાખ્યો.

‘મિસ્ટર દીનાનાથ, માધવીનું ખૂન થઇ ગયું છે એની તમને ખબર છે ?’

‘શું...?’ દીનાનાથની આંખો નર્યા-નીતર્યા અચરજથી અધ્ધર ચડી ગઈ.

તે ફાટી આંખે શાંતા સામે તાકી રહ્યો.

‘હા...માધવીએ પોતાના કોઈક સાથીદારની મદદથી કંપનીની રકમ ચોરી છે અને પાછળથી આ રકમમાંથી ભાગ ન આપવો પડે એટલા માટે એના સાથીદારે જ તેને મારી નાંખી છે એમ પોલીસ માને છે.’

દિનાનાથે કપાળ પર વળેલો પરસેવો લૂછીને એક ઊંડો શ્વાસ લીધો.

‘ઈશ્વરનો ઉપકાર...!’ છેવટે એ બોલ્યો, ‘કે હું એનો સાથીદાર નથી. તમે પૂરી ખાતરી રાખજો. એનો સાથીદાર પ્રમોદ કલ્યાણી હોઈ શકે છે...અમિતકુમાર હોઈ શકે છે. બીજું કોઈક પણ હું તો હરગીઝ નથી.’

‘તમે અમિતકુમારને કેવી રીતે ઓળખો છો?’

‘એ કેટલીયે વાર માધવીને મળવા માટે અહીં આવી ચુક્યો છે.’

‘દિલીપ...!’ શાંતાએ દિલીપ સામે જોયું, ‘તારે મિસ્ટર દિનાનાથને કંઈ પૂછવું છે?’

‘ના...’ દિલીપે જવાબ આપ્યો.

‘તો પછી જઈશું?’

‘હા...”

બંને ઉભા થઈને બારણા તરફ આગળ વધ્યા.

‘મિસ્ટર દિલીપ...!’ સહસા દિનાનાથ ઉભો થઈને તેમની પાસે પહોચતાં બોલ્યો, ‘હું ખરેખર દિલગીર છું. આપને મારા વર્તનથી ખોટું નહીં લાગ્યું હોય તેવી આશા રાખું છું.’

‘જરા પણ નહીં. તમે એ બાબતમાં બેફીકર રહેજો.’ દિલીપે કહ્યું.

ત્યારબાદ બંને બહાર નીકળી ગયા. બહાર નીકળીને તેમણે કંપનીના અન્ય કર્મચારીઓને પણ થોડી પૂછપરછ કરી.

પછી બંને મોતીલાલની રજા લઈને લીફ્ટ મારફત નીચે આવ્યા ત્યારે બપોરના સાડાચાર વાગ્યા હતા.

બંને કારમાં બેસીને રવાના થઇ ગયા.

‘શાંતા...!’ રસ્તામાં દિલીપે કહ્યું, ‘તું પણ ક્યારેક હદ કરી નાખે છે. ક્રોધવેશમાં તું તારા મગજ પરથી કાબૂ ગુમાવી બેસે છે. તારે દિનાનાથ સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું.’

‘દિલીપ, કોઈ તારું અપમાન કરે અને હું એમ ને એમ ચૂપચાપ મૂંગા મોંએ સહન કરી લઉં? ના, જરા પણ નહીં. જો તું વચ્ચે ન પડ્યો હોત તો આજે હું દિનાનાથને નોકરીમાંથી કઢાવીને જ જંપત!’ શાંતાએ કહ્યું પછી અચાનક એની નજર પોતાના પગ પાસે પડેલા એક કવર પર પડી. વળતી જ પળે એ ચમકીને બોલી, ‘ અરે...આ કવર અહીં ક્યાંથી આવ્યું?’

‘કવર...?’ દિલીપે પૂછ્યું. ’હા...’ કહીને એ કવર ઊંચકી લીધું.

દિલીપે પળભર માટે પોતાની નજર વિન્ડસ્ક્રીન પરથી ખસેડીને કવર સામે જોયું. પછી તે પુનઃ સામે જોઇને કાર ચલાવવા લાગ્યો. અલબત, કારની ગતિ એણે જરૂર ઓછી કરી નાખી હતી.

‘જરા જો તો ખરો...કે કવરમાં શું છે?’ એ બોલ્યો.

શાંતાએ કવર ઉઘાડીને જોયું તો તેમાં એક લાંબો ફૂલ્સ્કેપનો ટાઈપ કરેલો પત્ર હતો.

એણે કાગળને કવરમાંથી બહાર કાઢ્યો.

‘શાંતા...!’ દિલીપે કહ્યું, ‘કાગળમાં શું લખ્યું છે એ વાંચી સંભળાવ!’

શાતાએ પત્ર વાંચવો શરુ કર્યો.

એમાં લખ્યું હતું.-

મિસ્ટર દિલીપ!

નમસ્તે! હું આપને મારો પરિચય આપી શકું તેમ નથી એટલે દિલગીર છું. અલબત, હું કાયદાને જરૂર મદદ કરી શકું તેમ છું. એમ. જે ઈમ્પોર્ટ એક્સ્પોર્ટમાંથી દસ લાખ રૂપિયાની ચોરી તથા ચોકીદારનું ખૂન કોણે કર્યું છે એ હું જાણું છું. આપ એ માણસનું નામ જાણવા માગતા હોય તો સાંભળો...એ નીચ અને નાલાયક માણસનું નામ મોતીલાલ જૈન છે! આપને કદાચ મારી આ વાત પર ભરોસો નહીં બેસે. પોતાની જ રકમ ચોરાવવાથી મોતીલાલને શું લાભ થવાનો છે એવો વિચાર આપને આવશે. આપને આવો વિચાર આવે એ સ્વભાવિક છે. આપને સ્થાને બીજું કોઈ હોય તો પણ આમ જ વિચારે. પરંતુ આપ હજુ મોતીલાલને બરાબર રીતે નથી ઓળખતા. એના અસલી રૂપથી આપ પરિચિત નથી. એ પોતાની વાસના પૂરી કરવા માટે ચોરી તો શું, કોઈનું ખૂન કરતા પણ અચકાય તેમ નથી. અત્યાર સુધીમાં એ કોણ જાણે કેટલી માસૂમ અને ભોળી યુવતીઓની આબરૂ લુંટી ચુક્યો છે. માધવી અને જાનકી પણ તેની હવસનો શિકાર થઇ ચૂકી છે. સ્ત્રીઓને તો એ માત્ર મનોરંજનનું સાધન સમજે છે. ખેર, હું આડી વાતે ચડી ગયો હતો. હવે મુદ્દાની વાત પર આવું છું. હું ચોરી અને ખૂન વિશે કહેતો હતો. દસ લાખ રૂપિયાની ચોરીનું નાટક એણે શા માટે કર્યું, એ હવે હું આપને જણાવું છું. રકમ ચોરાવવા પાછળ એનો એક માત્ર હેતુ મોહનલાલને ફસાવવાનો હતો-છે, એ મોહનલાલને ફસાવી, બ્લેક્મેઈલ કરી, દબાણ લાવીને પોતાની માંગણી સંતોષવા માંગતો હતો, આજથી એકાદ વર્ષ પહેલાની વાત છે. મોહનલાલ ગંભીર રીતે બીમાર થઇ ગયો હતો. કેટલાય દિવસો સુધી તે સાજો ન થયો ત્યારે એણે પોતાની વીસેક વર્ષની યુવાન અને સુંદર પુત્રી સરિતાને કામ કરવા માટે કંપનીમાં મોકલવાનું શરુ કર્યું. સરિતાનું રૂપ જોઇને મોતીલાલ ગાંડો થઇ ગયો. એ હાથ ધોઈને તેની પાછળ પડી ગયો. એ કોઈ પણ ભોગે એક વખત સરિતાને પોતાની બનાવવા માંગતો હતો. પરંતુ સરિતા શુશીલ, ચારિત્રયવાન અને શરીફ યુવતી હતી. એ મોતીલાલની એકેય વાકપટુતાની જાળમાં ન ફસાઈ તેમ છતાંય મોતીલાલે આગળ વધવાનો પ્રયાસ કર્યો તો સરિતાએ તેણે ધુત્કારી કાઢ્યો, એક દિવસ તો સરિતાએ મારી નજર સામે જ મોતીલાલના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો હતો. એ વખતે મોતીલાલ કંઈ નહોતો બોલ્યો. ક્રોધ અને અપમાનનો ઘૂંટડો એણે ગળે ઉતારી લીધો હતો. પરંતુ મનોમન એણે સરિતા પાસેથી આ અપમાનનો બદલો લેવાનું નક્કી રાખ્યું હશે. ચોરી થઇ તે દિવસે એ દિલ્હી નહોતો ગયો એની મને પૂરી ખાતરી છે. જરુર એણે પોતાને સ્થાને કોઈ બીજા માણસને દિલ્હી મોકલી દીધો હશે. મોહનલાલ ફસાઈ જાય એટલા માટે એણે રાત્રે ઓફિસમાં આવીને પોતાની જ તિજોરીમાંથી દસ લાખ રૂપિયા ચોરી લીધા.મારી માન્યતા મુજબ ચોકીદારે તેને જોઈ લીધો હતો. અને આ કારણસર જ એણે ચોકીદારનું ખૂન કરી નાંખ્યું. મિસ્ટર દિલીપ, હવે એ મોહનલાલની જિંદગીનો સોદો સરિતાના યૌંવન સાથે કરશે તેની મને પૂરી ખાતરી છે. એટલે મોહનલાલ તથા પુત્રી સરિતાને બચાવીને મોતીલાલ જેવાને નાલાયક માણસને ઘટતા ફેજે પહોચાડવાનું કામ આપનું અને કાયદાનું છે.

લી. કાયદાનો મદદગાર .

શાંતાએ પત્ર પૂરો કરીને એક ઊંડો શ્વાસ લીધો.

‘વાહ...મજા આવી ગઈ!’ દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘જૈન સાહેબ પર પણ શંકા કરવાનું કારણ મળી ગયું.’

‘દિલીપ...!’ શાંતા પત્રને કવરમાં મુકતાં ગંભીર અવાજે બોલી, ‘આ પત્રમાં જે કઈ પણ લખ્યું છે, તે સાચું હોય એવું ન બને? શું આપણે જૈન સાહેબની ગણતરી પણ શંકાની પરિધિમાં આવતાં માણસોમાં ન કરવી જોઈએ?’

‘હવે આ કેસ અંગે સાંજે નિરાતે વાતો કરીશું. હું ખાનને ફોન કરીને તેને સાંજે આવવાનું તથા માધવીના પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી ગયો હોય તો તે પણ લાવવાનું જણાવી દઉં છું.’

શાંતાએ હકારમાં માથું હલાવ્યું.

થોડી વાર પછી દિલીપની કાર તેના નિવાસ્થાન સામે પહોચીને ઉભી રહી ગઈ.

***

સાંજે બરાબર સાડા છ વાગ્યે ખાન દિલીપના નિવાસ્થાને આવ્યો.

માધવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હજુ સુધી નહોતું થયું. છતાંય જે થોડીઘણી વિગતો તેની પાસે હતી તે એણે દિલીપને જણાવી દીધી.

‘બીજી કોઈ ખાસ વાત નથી. અલબત, માધવીના મૃતદેહ પાસે થોડી રાખ પડી હતી. તપાસ કરતાં એ રાખ કોઈક કાગળની હતી અને તેને બૂટ નીચે મસળી નાખવામાં આવી હતી, એવું જાણવા મળ્યું છે.’

‘એ કાગળ નહીં પણ કોઈકનો પત્ર પણ હોઈ શકે છે.’ શાંતા બોલી.

‘હા...’ ખાને સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

ત્યારબાદ દિલીપે કારમાંથી મળેલો ટાઈપ કરલો પત્ર તેની સામે લંબાવ્યો.

‘આ શું છે?’ ખાને પૂછ્યું.

‘પત્ર છે...!’ દિલીપે જવાબ આપ્યો.

‘એ તો નાના બાળકને પણ સમજાય તેવી વાત છે... પણ કોનો છે?’

‘એ મદદ કરવા માંગતા એક માણસનો ! તું વાંચી લે એટલે તને બધી ખબર પડી જશે.’

ખાને પત્ર વાંચીને દિલીપને આપી દીધો.

‘આ પત્ર બાબતમાં તું....’

‘એક મિનીટ...’ અચાનક શાંતા વચ્ચેથી જ તેણે અટકાવીને બોલી, દિલીપ, મેં તને પહેલા પણ પૂછ્યું હતું અને અત્યારે પણ પૂછું છું. શું આ પત્રમાં જ કંઈ લખ્યું છે તે સાચું ન હોઈ શકે? શું મોતીલાલ વાસના સંતોષવા માટે, અપમાનનો બદલો લેવા માટે આવું ન કરી શકે?’

જો શાંતા...!’ દિલીપે જવાબ આપ્યો, ‘બનવાકાળ તો બધું જ બની શકે છે. પરંતુ એક વાત મને ખૂંચે છે. વાસના સંતોષવા કે પછી અપમાનનો બદલો લેંવા માટે, કોઈને ચોરીના ખોટા આરોપમાં જરૂર સંડોવી શકાય છે....પરંતુ બબ્બે ખૂનો કરવામાં આવે એ વાત મારે ગળે નથી ઉતરતી. આ વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે.’

‘કઈ જ મુશ્કેલ નથી.’ શાંતા બોલી, ‘તું શાંત ચિત્તે વિચારીશ તો તને બધું સમજાઈ જશે.’

‘હું મારા દિમાગને તકલીફ આપવા નથી માંગતો. એના કરતા તું જ સમજાવી દે.’

‘તો સાંભળ...રકમ ચોરીને ઈમારતમાંથી બહાર નીકળતી વખતે મોતીલાલને ચોકીદારે જોયો ને ઓળખી લીધો હોય એ બનવાજોગ છે. પૂછપરછ દરમિયાન ચોકીદાર પોલીસ પાસે પોતાનો ભાંડો, અર્થાત રાત્રે એક અને દોઢની વચ્ચે મોતીલાલના બિલ્ડીંગમાંથી બહાર નીકળવાની વાત પોલીસને જણાવી દેશે એવો ભય મોતીલાલને લાગ્યો. પરિણામે ચોકીદારનું મોં હંમેશને માટે બંધ કરવા ખાતર એણે તેનું ખૂન કરી નાંખ્યું.’

‘ચાલ...તારી વાત કબૂલ કરું છું....!’ દિલીપ બોલ્યો, ‘પણ માધવીનું ખૂન ...? એનું ખૂન શા માટે થયું, તેનો કોઈ સંતોષકારક ખુલાસો છે તારી પાસે?’

‘હા...’

‘શું?’

‘કહું છું...સંભાળ...!’ જાણે કોઈ નજરે જોયેલા બનાવનું વર્ણન કરતી હોય એવા અવાજે શાંતાએ કહ્યું. ‘ઘડીભર માટે માની લો કે માધવી મોતીલાલને બ્લેકમેઈલ કરતી હતી, અને એણે તેની પાસે મોટી રકમની માંગણી કરી.’

‘પણ...’

‘ના...ના...’ શાંતા વચ્ચેથી જ તેની વાતને કાપીને બોલી, ‘મોતીલાલને કેવી રીતે ને શા માટે બ્લેકમેઈલ કરવામાં આવતો હતો એ પૂછતો નહીં કારણ કે આ પત્રમાં એના વિશે જે કઈ લખ્યું છે, તેણે ધ્યાનમાં રાખતાં એને બ્લેકમેઈલ કરવાનાં ઘણાં કારણો હોઈ શકે છે.’

‘ઠીક છે...આગળ બોલ...!’

‘માધવીએ મોતીલાલ પાસે એક મોટી રકમની માંગણી કરી. પરિણામે મોતીલાલે તેણે પણ ચોરીમાં સામેલ કરી દીધી. ચોરીની રકમમાંથી તેની માંગણી પૂરી કરી નાખવામાં આવશે એમ એણે કદાચ માધવીને જણાવ્યું હશે. ખેર, માધવી તેનો સાથ આપવા તૈયાર થઇ ગઈ. બંનેએ સાથે મળીને ચોરી કરી. ત્યારબાદ મોતીલાલે તેને કાગળો કે ફોટાઓ અથવા તો જે કોઈ ચીજ-વસ્તુથી માધવી બ્લેકમેઈલ કરતી હતી, એ ચીજની તેની પાસે માંગણી કરી. માધવી તેને પોતાના અમરજી સ્ટ્રીટવાળા ફ્લેટમાં લઇ ગઈ અને એ વસ્તુ સોંપી દીધી. વસ્તુ હાથમાં આવતાં જ મોતીલાલે તેને ચોરીને રકમમાંથી ભાગ આપવાને બદલે ઠંડુ મોત આપી દીધું. આ રીતે ચોરીની રકમમાંથી ભાગ આપવાને બદલે ઠંડુ મોત આપી દીધું. આ રીતે ચોરીની રકમ પણ મોતીલાલ પાસે જ રહી ગઈ અને માધવીના, બ્લેકમેઈલના અજગરી ભરડામાંથી પણ તેને છૂટકારો મળી ગયો. ઉપરાંત મોહનલાલની પુત્રી સરિતા પાસે પોતાની માંગણી પૂરી કરાવવાની તકો વધી ગઈ તે નફામાં!’

‘વાહ...!’ ખાન પ્રશંસાભર્યા અવાજે બોલ્યો, ‘ તમારી બુદ્ધિને ખરેખર દાદ આપવી પડશે.’

શાંતાએ સ્મિત ફરકાવીને ગર્વભરી નજરે દિલીપ સામે જોયું.

‘શું ધૂળ દાદ આપવી પડશે?’ દિલીપે ખાન સામે ડોળા ફાડતાં કહ્યું, ‘તું ડી.સી. પી. થઇને પુરાવા વગર આવી વાતોને દાદ આપે છે? શાંતાએ જે કઈ કહ્યું એ માત્ર અનુમાનના આધારે જ કહ્યું છે. પરંતુ એમ જ બન્યું હશે તેની શી ખાતરી?’

‘દિલીપ...તું મારી કહેલી વાતને પથ્થરની લકીર માનીને એ દિશામાં તપાસ કરવા માટે દોડ્યો જા એમ હું નથી કહેતી, મેં તો માત્ર શક્યતાઓ જ જણાવી છે.’

‘ઠીક છે ...ઠીક છે...! ચાલ, મોતીલાલને પણ હું શંકાની પરિધિમાં ગણી લઉં છું. જોકે પ્રમોદ કલ્યાણી પણ કંઈ ઓછો શંકાસ્પદ નથી.’

‘બરાબર છે. પણ... ‘ શાંતાની વાત અધૂરી રહી ગઈ.

અચાનક ડોરબેલ રણકી ઉઠી.

દિલીપે શાંતાને સંકેત કર્યો.

એ ઉભી થઈને બારણું ઉઘડવા માટે ચાલી ગઈ.

થોડી પળો બાદ તે આશરે ત્રીસેક વર્ષના એક યુવાન સાથે પછી આવી. યુવાનના વસ્ત્રો અસ્ત-વ્યસ્ત હતાં. ચશ્માના સાદા ગ્લાસમાંથી દેખાતી તેની આંખોમાં ઉદાસીના હાવભાવ છવાયેલા હતા.

‘આપનામાંથી મિસ્ટર દિલીપ કોણ છે ?’ આવતાવેંત એણે પૂછ્યું.

‘મારું નામ જ દિલીપ છે.’ દિલીપે પગથી માથા સુધી તેનું નિરીક્ષણ કરતા કહ્યું, ‘બેસો.’

આગન્તુક યુવાન તેની સામે પડેલી સોફા-ચેર પર બેસી ગયો.

‘બોલો ...’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા કહ્યું.

‘મારું નામ અમિતકુમાર છે!’ આગન્તુક યુવાન બોલ્યો, ‘હું એમ.એસ કોલેજમાં પ્રોફેસર છું.’

‘મિસ્ટર અમિત!’ દિલીપે કહ્યું, ‘સારું થયું તમેં આવી ગયા. હું પણ તમને મળવા આવવાનો વિચાર જ કરતો હતો, ખેર મારી પાસે શા માટે આવવું પડ્યું એ કહેશો?’

‘મિસ્ટર દિલીપ !’ અમિતકુમાર, સોફચેર પર પાસું બદલી, ગળું ખંખેરીને બોલ્યો, ‘આપ એમ. જે. કંપનીમાં થયેલી ચોરી અને ખૂનકેસની તપાસ કરો છો એવું મને જાણવા મળ્યું છે.’

‘હા...’ દિલીપે કહ્યું.

‘મિસ્ટર દિલીપ....!’ અમિતકુમાર વ્યાકુળ અવાજે બોલ્યો, અત્યારે હું એટલો દુઃખી છું. એની કલ્પના કદાચ આપ નહીં કરી શકો. મને એટલો બધો આઘાત લાગ્યો છે કે મારી તો મતિ જ મુંઝાઇ ગઈ છે. મારે મારી પ્રેમિકાનો મૃતદેહ જોવાનો વખત આવશે એવું તો મેં સ્વપ્નેય નહોતું ધાર્યું.’ કહેતાં કહેતાં તેનો કંઠ રુધાઈ ગયો.

એની આંખોમાં આંસુ ઘસી આવ્યા.

એણે ગજવામાંથી રૂમાલ કાઢી, ચશ્માં ઉતારીને આંખો લુછી નાખી.

‘તમે ધીરજ રાખો મિસ્ટર અમિત !’ દિલીપે તેને આશ્વાસન આપતા કહ્યું, ‘હિંમત રાખો. મોત સામે કોઈનું કઈ જ નથી ચાલતું. તમારી પ્રેયસી તો હવે જીવિત થઇ શકે તેમ નથી પણ એનો ખૂની જરૂર ફાંસીના માચડે લટકી શકે તેમ છે. જો મને તમારો તેમ જ આ કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોનો સહકાર મળશે તો હું જેમ બને તેમ જલ્દીથી ખૂનીને ઘટતા ફેજે પહોંચાડી દઈશ.’

‘હું આપને સહકાર આપવાના હેતુથી જ અહી આવ્યો છું.’ અમિતકુમાર સ્વસ્થ થતાં બોલ્યો.

‘વેરી ગુડ....!’

‘હું આપણે કઈક કહેવા માગું છું.’

‘હું પણ તમને થોડા સવાલો પૂછવા અગતો હતો. ખેર, પહેલા તમે જ તમારી વાત પૂરી કરો.’

‘મિસ્ટર દિલીપ, ચોરી અને ખૂનનો આ કેસમાં પ્રમોદ કલ્યાણીનો હાથ હોય એવું મને લાગે છે.’

‘એમ...?’

‘હા...’અમિતકુમારનો અવાજ મક્કમ હતો.

‘આ વાત તમે આટલી ખાતરીથી કેવી રીતે કહો છો મિસ્ટર અમિત?’ દિલીપે તેની સામે જોતા પૂછ્યું.

‘કારણકે હું પ્રમોદ કલ્યાણીને સારી રીતે ઓળખું છું. એના સ્વભાવથી...એની રગેરગથી હું પરિચિત છું. તે એક નંબરના ધૂર્ત, મક્કાર અને લાલચુ માણસ છે. પૈસા માટે તો તે ગમે તેવું નીચ કામ કરતાં પણ અચકાય તેમ નથી. એક જમાનામાં એ ગરીબ હતો. અને આ કારણસર માધવી સાથે તેના લગ્ન થઇ શક્યા. તેની કદાચ આપને ખબર જ હશે જ. બસ, ત્યારથી જ એ પૈસા કમાવા પાછળ ગાંડો થઇ ગયો. આજે પણ એ પૈસા મેળવવાની એકેય તક નથી ચૂકતો. એણે મન પૈસા જ સર્વસ્વ છે’

‘બરાબર છે...પણ એ બધી વાતોને આ કેસ સાથે શું સબંધ છે? ખેર,જવા દો, જ્યાં સુધી ચોરીનો સવાલ છે ત્યાં સુધી એમાં તેનો હાથ હોય એ માની શકાય તેવી વાત છે. પણ માધવીનું ખૂન? શું એણે માધવીનું ખૂન કર્યું હોય એ વાત ગળે ઉતરે એવી છે ખરી? દસ લાખ રૂપિયા માટે એ પોતાની પ્રેયસીનું ખૂન કરે ખરા?’

‘પૈસાની લાલચને કારણે નહીં, પણ ઈર્ષ્યાવશ તો જરૂર કરી શકે તેમ છે.’

‘ચિડાઈને ...? ઈર્ષ્યાવશ ...?’

‘હા...માધવી મારી સાથે લગ્ન કરવા માંગતી હતી, એ જાણીને તેને ક્રોધ ચડ્યો હતો. એ પોતેય માધવી સાથે લગ્ન કરવાનું સપનું જોતો હોય એવું પણ બની શકે છે.’

‘પરંતુ એ તો પરણેલો છે. એને ત્યાં બે સંતાનો પણ છે.’

‘ બરાબર છે....પણ શું આજ પહેલાં આવાં પરણેલાં, બાળકો ધરાવતા પુરુષોએ પોતાની પત્નીને છુટાછેડા આપ્યાના દાખલા નથી બન્યા? જે રીતે માધવી પોતાના પતિ પાસેથી છુંટાછેડા મેળવવાનો પ્રયાસ કરતી હતી, એ રીતે પ્રમોદ પણ પોતાની પત્ની પાસેથી છુંટાછેડા મેળવવાનો પ્રયાસ કરતો હોય તે બનવાજોગ છે.’

દિલીપે ગંભીરતાથી માથું હલાવ્યું.

‘મિસ્ટર દિલીપ આપ માનો કે ન માનો...પણ ચોરી અને ખૂનના આ કેસમાં કલ્યાણીનો જ હાથ છે તેની મને પૂરી ખાતરી છે. રણજીત તો પોતાને છુટાછેડા આપવા માટે તૈયાર થઇ જશે. પણ પ્રમોદ જરૂર અમારા લગ્નમાં વિઘ્ન નાખશે એવું માધવીએ, ચોરી થઇ તેના બે દિવસ પહેલા જયારે હું તેણે મળ્યો, ત્યારે મને જણાવ્યું હતું.’

‘હું...’ દિલીપે હુંકાર કર્યો.

મારામાં અને રણજીતમાં જમીન-આકાશનો ફર્ક છે. મારી પત્ની કોઈ બીજા પુરુષમાં રસ લે એ હું જરા પણ પસંદ ન કરું. પછી ભલે એ તેનો જુનો પ્રેમી જ કેમ ન હોય? આ બાબતમાં મારે માધવી સાથે પણ વાતચીત થઇ હતી. પોતે લગ્ન પછી નોકરી છોડી દેશે અને કલ્યાણી સાથે કોઈ જાતનો સંબંધ નહીં રાખે એવું એણે મને જણાવ્યું હતું. કદાચ આ વાત એણે કલ્યાણીને પણ જણાવી દીધી હોય અને કલ્યાણીને એ ન ગમ્યું હોય એટલા માટે પણ એણે...’ અમિતકુમારે પોતાની વાત અધૂરી મૂકી દીધી.

એની વાત સાંભળીને દિલીપ વિચારમાં ડૂબી ગયો.

‘મિસ્ટર અમિત...’ થોડી પળો સુધી વિચાર્યા બાદ એણે કહ્યું. ‘કલ્યાણી સાથે મારે વાતચીત થઇ હતી પોતે માધવી સાથે લગ્ન કરી શકે તેમ નથી એવું એણે વાતચીત દરમિયાન મને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. એ બીજા લગ્ન કરીને પોતાના બાળકોનું ભાવિ બગડે એમ નહોતો ઈચ્છતો. ઉપરાંત, તમારા તથા માધવીના લગ્નથી પોતાને આનંદ થશે એમ પણ એણે કહ્યું હતું.’

‘એ તો એમ જ કહે ને? મારા તથા માધવીના લગ્નથી પોતાને આનંદ નથી થયો એવું જણાવીને એ પોતાના પર શંકા કરવાની તક આપને શા માટે આપે ?’

‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘સારું, એક વાતનો જવાબ આપો. જે રાત્રે ચોરી થઇ, એ રાત્રે તમે કલ્યાણીને ફોન પર, તમે ટૂંક સમયમાં માધવી સાથે લગ્ન કરવાના છો એવું જણાવ્યું હતું?’

‘મેં ...?’ અમિતકુમારે નર્યા-નિતર્યા અચરજથી દિલીપ સામે તાકી રહેતા પૂછ્યું, ‘મેં કલ્યાણીને ફોન કર્યો હતો?’

‘હા...’

‘ખોટું...એકદમ ખોટું....!’ મેં એને કોઈ ફોન નથી કર્યો. એની સાથે કોઈ જાતની વાત મારે નથી થઈ.’

‘તમને બરાબર યાદ છે ને ?’

‘હા...આ વાત આપને કોણે જણાવી.’

‘ખેર, આ વાતને પડતી મૂકો...’

‘પણ મિસ્ટર દિલીપ....!’

‘એ વાતનું કઈ જ મહત્વ નથી મિસ્ટર અમિત ! તમે મને રણજીત વિશે કઈ જણાવી શકશો?’

‘રણજીત વિશે?’

‘હા...એની સાથે મારે વાતચીત થઇ હતી. એ માધવીને છુટાછેડા આપશે એવું મને તેની વાતો પરથી નહોતું લાગ્યું.’

‘ના, મિસ્ટર દિલીપ!’ અમિતકુમાર બોલ્યો, ‘તે છુટાછેડા આપવા માટે રાજી થઇ જાત ! જરૂર રાજી થઇ જાત. કારણકે છૂટાછેડાના બદલામાં માધવી પોતાનું કૃષ્ણનગરવાળું મકાન આપી દેવાની હતી. અ મકાન માધવીને તેના પિતા તરફથી વારસામાં મળ્યું હતું. આજે તો એ મકાનની કીમત બે લાખ રૂપિયા જેટલી છે. એક-બે દિવસમાં માધવી રણજીત સાથે ફાઈનલ વાતચીત પણ કરવાની હતી. મિસ્ટર દિલીપ, માધવી પોતાને મકાન આપવાની છે એ જાણીને રણજીત જરૂરથી છૂટાછેડાના કાગળ પર સહી કરી આપત તેની મને પૂરી ખાતરી છે.’

ખાન તથા શાંતા ખૂબ જ એકાગ્રતાથી દિલીપ અને અમિતકુમાર વચ્ચે થતી વાતો સાંભળતાં હતાં.

‘મિસ્ટર અમિત...!’ સહસા શાંતા બોલી, ‘દસ લાખની ચોરીમાં માધવીનો હાથ હતો એમ પોલીસ માને છે. ચોરી કર્યા પછી એને ભાગ ન આપવો પડે એટલે તેના સાથીદારે એનું ખૂન કરી નાંખ્યું છે. આ બાબતમાં તમારું શું માનવું છે?’

‘માધવી પોતાને માટે ક્યારેય ચોરી જેવું હિચકારું પગલું ભરે નહીં, તેની મને પૂરી ખાત્રી છે. અલબત, એને મૂરખ બનાવીને કલ્યાણીએ પોતાનો સ્વાર્થ સાધી લીધો હોય એવું જરૂર બની શકે છે. કદાચ કલ્યાણીએ માધવીને કહ્યું હશે કે –માધવી, અત્યારે તું ચોરી કરવામાં મને મદદ કર! મારું કામ પતી ગયા પછી અમિતકુમાર સાથે લગ્ન કરવામાં હું તને મદદ કરીશ. બાકી સાચી વાત તો એ છે કે મિસ્ટર દિલીપ, માધવીને રૂપિયા-પૈસાની જરા પણ લાલચ નહોતી. એને તો પ્રેમની-લાગણીની ભૂખ હતી એને કલ્યાણી સાથે પ્રેમ હતો. પરંતુ માધવીના પિતાએ પ્રેમ કબૂલ ન કર્યો અને માધવીના લગ્ન પરાણે રણજીત સાથે કરી નાંખ્યા પરંતુ માધવીના નસીબમાં કદાચ દુઃખ જ લખ્યું હતું. જો રણજીત તરફથી તેને પ્રેમ મળ્યો હોત તો એ જ્યાં ત્યાં ન ભટકત ! પરંતુ રણજીત શરાબી અને જુગારી નીકળ્યો. એ શરાબ પીવામાંથી ને જુગાર રમવામાંથી નવરો થાય તો માધવીને માટે સમય કાઢે ને ? એક પતિ તરીકેની ફરજ એ પૂરી ન કરી શક્યો અને આ કારણસર જ માધવી મારા તરફ આકર્ષાઈ હતી. અમારો પરિચય પ્રેમમાં પરિણમ્યો. અમે બંને એકબીજાને અનહદ ચાહવા લાગ્યા. આ દરમ્યાન માધવીની મુલાકાત પ્રમોદ કલ્યાણી સાથે થઇ. કલ્યાણીએ પોતાની લાગવગ વાપરીને માધવી તથા તેના પતિ રણજીતને નોકરી અપાવી દીધી. કલ્યાણી માધવીનો ભૂતપૂર્વ પ્રેમી હતો. એ બંને પ્રેમીઓમાં ગૂંચવાઈ ગઈ. શું કરવું ને શું નહિ, એ તેને નહોતું સમજાતું. પરંતુ બહુ લાંબો વિચાર કરીને પછી, રણજીતથી છુંટકારો મળ્યા બાદ પોતાનો ભૂતકાળ ભૂલી, મારી સાથે લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરવાના નિર્ણય પર તે આવી હતી, પરંતુ એવું ન થઇ શક્યું. નસીબે દર વખતની જેમ ફરીથી એક વખત તેને દગો દીધો. મારી સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવું જીવન શરુ કરવાનું એનું સપનું સાકાર ન થઇ શક્યું. એની ઈચ્છા તેના મનમાં જ રહી ગઈ. એ આ સંસારમાં મને એકલોઅટૂલો મુકીને ચાલી ગઈ.’ કહેતાં કહેતાં ફરીથી એનો અવાજ રૂંધાઇ ગયો.

એની આંખોમાંથી અશ્રુબિંદુ સરકીને ગાલ પર આવી ગયા હતા.

એ ચશ્માં ઉતારીને આંસુ લુછવા લાગ્યો.

દિલીપના સંકેતથી શાંતા તેના માટે પાણીનો ગ્લાસ લઈને આવી.

પાણી પીધા પછી અમિતકુમાર સહેજ સ્વસ્થ થયો.

રૂમમાં થોડી પળો સુધી ચુપકીદી છવાઈ ગઈ.

‘મિસ્ટર અમિત...!’ છેવટે દિલીપે ચુપકીદીનો ભંગ કરતાં પૂછ્યું, ‘માધવીનું કોઈ સગુંવહાલું અહીં, વિશાળગઢમાં રહે છે ખરું?’

‘ના...!’ અમિતકુમારે જવાબ આપ્યો, ‘એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં છે. એની પરિણીત બહેન પોતાના પતિ સાથે ભરતપુર રહે છે.

‘વારુ, એની કોઈ બહેનપણીને તમે ઓળખો છો?’

‘એની માત્ર એક જ બહેનપણી હતી. એ તેની ઓફિસમાં જ કામ કરે છે.’

‘મિસ્ટર અમિત...!’ સહસા શાંતાએ વચ્ચેથી પૂછ્યું, ‘તમે જૈન સાહેબની સેક્રેટરી જાનકીની વાત તો નથી કરતાને?’

‘હું એની જ વાત કરું છું.’ અમિતકુમારે હકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘માધવી પોતાના મનની દરેક વાત તેને જણાવતી હતી. માધવીના જીવનનું એકેક રહસ્ય તેનાથી છૂપું નહોતું.’

‘ઓહ...!’ દિલીપ બબડ્યો, ‘તો એનો અર્થ એ થયો કે જાનકી કદાચ આપણને કોઈ ખાસ વાત જણાવી શકે તેમ છે. જે રાત્રે ચોરી થઈ ત્યારે એની રજાના દસ દિવસ પુરા થઇ ગયા હતા. એ હિસાબે આગામી પંચ-છ દિવસમાં જ તે આવી જવી જોઈએ.’

‘હા...’

‘દિલીપ...!’ ખાને પહેલી જ વાર તેમની વાતચીતમાં ભાગ લેતાં કહ્યું, ‘પાંચ-છ દિવસ રાહ જોયા કરતાં એને ફોનથી અથવા તો તાર કરીને બોલાવી લઈએ તો ?’

‘ભાઈ ખાન...!’ દિલીપ બોલ્યો, ‘જાનકી સાથે વાતચીત કરવાનો સમય હજુ નથી પાક્યો! અત્યારે તો સૌથી પહેલાં અજીત અથવા તો રુસ્તમ સાથે વાત કરવી એકદમ જરૂરી છે. તું એ બંનેને તાબડતોબ શોધી કાઢ.’

‘એ બંનેને શોધવાનો પ્રયાસ તો ચાલુ જ છે.’

‘સારું, મિસ્ટર દિલીપ!’ અમિતકુમાર ઉભો થતાં બોલ્યો, ‘હવે મને રજા આપો, અને હા, માધવીનો ખૂની પકડાય એટલે તરત જ મને જાણ કરજો. હું એક વખત એ કમજાતના મોં પર થૂંકવા માગું છું.’ એના અવાજમાં ક્રોધ અને નફરતનો સૂર હતો.

‘જરૂર...પણ હું એમને એમ તમને નહીં જવા દઉં. કોફી પીને જજો .’

દિલીપનો આગ્રહ જોઇને અમિતકુમાર બેસી ગયો.

શાંતા ઉભી થઈને કોફી બનાવવા માટે કીચનમાં ચાલી ગઈ.

***

Rate & Review

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Hina Thakkar

Hina Thakkar 7 months ago

Yogesh Raval

Yogesh Raval 1 year ago

dilip patel

dilip patel 1 year ago

jinal parekh

jinal parekh 2 years ago