No return-2 Part-70 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૭૦

નો રીટર્ન-૨ ભાગ-૭૦

નો રીટર્ન-૨

ભાગ-૭૦

ક્રેસ્ટોનાં હાથમાં લાંબો છરો હતો. તે ભયાનક ઝડપે આદીવાસીઓ પાછળ લપક્યો હતો અને તેની રાહમાં આવતાં આદીવાસી ઉપર બેરહમીથી ભયાનક ઝનૂનભેર વાર કરતો જતો હતો. કેટલાય માણસોનો તેણે છરાનાં એક જ ઝાટકે સોથ વાળી દીધો હતો. એક તો એ રાક્ષસી તાકાત ધરાવતો આદમી હતો, ઉપરથી તેની પાસે પોતાનું સૌથી પ્રીય હથીયાર છરો હતું એટલે લગભગ બેફામ બનીને તે જાણે કોઇ બુલડોઝરની માફક ચો- તરફ ફરી વળ્યો હતો. મેદાન છોડીને ભાગતાં માણસોનો વીણી-વીણીને એ સફાયો બોલાવતો હતો. તેનાં છરાનાં એક વારે સામેવાળો વ્યક્તિ રીતસરનો રહેસાઇ જતો હતો. ખરેખર એ દ્રશ્ય ભયાનકતાની ચરમસીમા સમું હતું પરંતુ ક્રેસ્ટોને જાણે એનાથી કોઇ ફરક પડતો નહોતો. એ તો બસ.. કોઇ પાગલ વ્યક્તિની જેમ આદીવાસી લડાકુઓને જીવતાં વેતરી રહયો હતો.

તેની પાછળ લપકેલો કાર્લોસનો ગુર્ગો પણ બેફામ ફાયરીંગ કરતો હતો. કોઇ જ દીશા ભાન વગર થતાં એ ફાયરીંગમાં અડફેટે ચડનારાં કેટલાંય માણસો મરાયા હતાં. ચો- તરફ લાશોનો જાણે ઢેર લાગી ગયો હતો. એ લડાઇ ગણતરીની માત્ર ચંદ મિનિટોમાં સમેટાઇ હતી પરંતુ તેમાં આદીવાસીનો ભયાનક સોથ નીકળી ગયો હતો. અને જીવતાં બચેલાં લોકો જંગલ ભણી ભાગી ગયાં હતાં.

એ યુધ્ધ થંભ્યું ત્યારે ઝરણાંનાં કાઠે ભયંકર સન્નાટો છવાયો. ટીલાનાં ઢોળાવમાં... લીલા- સૂકા ઘાસ આચ્છાદીત કીનારાની ધરતી આદીવાસી માનવીઓનાં લોહીથી રકતરંજીત બની હતી. કાર્લોસ અને તેનાં માણસોએ લગભગ બાર માણસોને માર્યા હતાં, અને સામા પક્ષે અહીં તેમનો ફકત એક જ માણસ મરાયો હતો ( ટીલા ઉપર બીજા બે મરાયા હતાં એની જાણકારી હજું તેમને થઇ નહોતી ). આદીવાસી માનવીઓનાં શવ ઠેકઠેકાણે વિખેરાયેલાં નજરે ચડતાં હતાં. એ નજારો ભયાવહ હતો. ભલભલાનાં છાતીનાં પાટીયા બેસી પડે એવું વરવું દ્રશ્ય હતું. ચારેકોર લોહીથી લથપથ લાશો.. ગોળીઓથી વિંધાયેલા શરીરો.. એ શરીરમાંથી વહેતું તાજું લોહી.. અને એ લોહીથી ભીજાયેલી એમેઝોનની ધરતી..! ભગવાન ખુદ જો ધરતી ઉપર ઉતરીને આ દ્રશ્ય જોઇ લે તો એને પણ કમકમા ઉપજી આવે એટલો ભયંકર સંહાર થયો હતો.

ક્રેસ્ટો જીવીત બચેલા આદીવાસીઓને જંગલમાં છેક અંદર સુધી તગેડી આવ્યો હતો. હવે એ લોકોનો વળતો હુમલો થવાની શક્યતા નહીવત હતી. આટલી મોટી સંખ્યામાં પોતાનાં સાથીદારોની ખુવારી થશે એવું તો એમણે સ્વપ્નેય ક્યારેય કલ્પ્યું નહી હોય. તેઓ સાવ જંગલી માણસો હતાં.. સામે જે કોઇપણ આવે તેને બેરહમીથી મારી નાંખવાં એ જ તેમનો કાયદો હતો અને અત્યાર સુધી તેઓ એ રીતે જ જીવતાં આવ્યાં હતા પણ, આજે પહેલી વખત ભારે ખૂવારી તેમણે પણ ભોગવી હતી એટલે તેમનાં દીલમાં ઉંડે સુધી દહેશત ફેલાઇ ગઇ હતી. ભાગીને તેઓ પોતાનાં કબીલામાં ઘૂસી ગયાં હતાં. પણ... વાત આટલેથી પતતી નહોતી. એ લોકોએ તરફ બીજી તૈયારી આરંભી હતી.

@@@@@@@@@@@@@@@@@

મેં તળેટીમાં થતો ગોળીબાર સાંભળ્યો હતો. ઢોળાવમાં બેતહાશા ભાગતાં મારા પગમાં એ અવાજો સાંભળીને બ્રેક વાગી હતી અને હું સતર્ક બની ગયો હતો. સાવધાનીથી એક ઝાડની ઓથે લપાઇને નીચે શું ચાલી રહયું છે એનું મેં નિરીક્ષણ કર્યું. પણ આટલી ઉંચાઇથી મને કંઇ કળાતું નહોતું એટલે હું થોડો ઓર નીચે ઉતર્યો. થોડીવારમાં જ તળેટીમાં થતી બઘડાછટી શાંત થઇ હતી અને એક ખામાશી છવાઇ હતી. સહસા એક ઝાડની પાછળ લપાઇને બેસેલાં અનેરી અને વિનીત મને દેખાયા. અનેરી મારાથી નારાજ હતી એ હું જાણતો હતો અને વિનીત મને અહી આવેલો જોઇને શું પ્રતિક્રિયા આપશે એની પણ મને ખબર હતી છતાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઇ હતી એમાં વધું કંઇ વિચારવાનો મારી પાસે સમય નહોતો. હજું હમણાં જ ઉપર હું એક જંગ લડીને આવ્યો હતો એનો ધ્રાસ્કો મારા જીગરમાં છવાયેલો હતો જ, તેમાં હવે બીજી બાબતોને કોરાણે મુકવી જ યોગ્ય જણાતી હતી. હું સતર્કતાથી એ લોકો તરફ ચાલ્યો. એ બન્નેનું ધ્યાન આગળ હતું. અચાનક પાછળથી અવાજ થતાં ચમકીને તેમણે મારી દીશામાં જોયું. મેં દોડતાં જ હોઠો ઉપર આંગળી મુકીને તેઓને ખામોશ રહેવા જણાવ્યું અને તેમની નજીક પહોચ્યો. મારા હાથમાં રાઇફલ જોઇને તેઓ ચોંક્યાં હતાં.

“ નીચે શું ચાલે છે...? “ એક અંદેશો મને હતો છતાં મેં પુછયું.

“ અહીનાં આદીવાસીઓએ હુમલો કર્યો છે. કાર્લોસ અને તેનાં માણસો એ હલ્લાનો જવાબ આપી રહયા છે. “ અનેરી બોલી. તેનો ભારે અવાજ ડરનાં કારણે ખખડતો હતો. હું થોડો ઓર નજીક સરકયો અને સાવધાનીથી તળેટીમાં નજર નાંખી. અહીથી જોવામાં ઘણાં વૃક્ષો નડતાં હતાં. આગળ શું ચાલે છે એ કશું જ કળાતું નહોતું.

“ આ રાઇફલ તારી પાસે ક્યાંથી આવી...? “ આશ્વર્યથી એ બોલી.

“ ટીલા ઉપર... આપણાં પડાવ ઉપર પણ એક આદીવાસીએ હલ્લો કર્યો હતો. એમાં આપણાં બે માણસો અને એ આદીવાસી મરાયા છે. “ હું બોલ્યો. મને પોતાને તાજ્જૂબી થઇ કે કાર્લોસનાં માણસોને મેં આપણાં માણસો તરીકે ઓળખાવ્યાં હતાં. મુશ્કેલીનાં સમયે જે તમારી પડખે રહે અનાયાસે એ પોતીકા લાગવાં માંડતાં હોય છે. એ જ તો માનવ પ્રકૃતી હતી.

“ ઓહ ગોડ...! ક્યાં છે એ આદીવાસી.. ? “ અનેરીનાં અવાજમાં ધ્રાસ્કો હતો અને આંખોમાં ડર છલકતો હતો.

“ આવતો હશે આની પાછળ, બીજું શું..!! “ આટલી તંગ પરિસ્થિતીમાં પણ વિનીત તંજ કસવાનું ચૂકયો નહી. ફાડી ખાતી નજરે એ મને ઘૂરતો હતો.

“ વિનીત સ્ટોપ પ્લીઝ...! આ સમય એ બધું વિચારવાનો નથી. અહીથી કેમ નિકળવું એ અગત્યનું છે. “ અનેરી બોલી ઉઠી. મને એ બહું ગમ્યું.

“ તારી જાણ ખાતર કહી દઉં... આ રાઇફલની ઘણી ગોળીઓ તેનાં પેટમાં પહોચી ચૂકી છે. હવે એ મારી પાછળ આવી શકવાની હાલતમાં નથી. “ હું કંઇક ગર્વથી બોલ્યો. ખરેખર તો એ ગર્વની વાત જ હતી. ક્યારેય કોઇની સાથે ઉંચા અવાજે ન બોલનારી વ્યક્તિ... એટલે કે હું, સંપૂર્ણપણે બદલાઇ ગયો હતો. પહેલાં વિનીત સાથે ખૂલ્લા હાથની મારામારી અને પછી કોઇને ગોળીઓથી વીંધી નાંખવા સુધીનું સાહસ મારા રોમેરોમમાં એક અલગ જ જોમ પેદા કરતું હતું. આ પહેલાં મારામાં આટલો આત્મવિશ્વાસ ક્યારેય નહોતો.

“ ડોન્ટ ટેલ મી પવન..! તેં એ આદીવાસીને મારી નાંખ્યો..? આઇ કાન્ટ બીલીવ...! “ અનેરી ભારે આશ્વર્યથી મારી તરફ ફરી. વિનીત પણ એ સાંભળીને ચોંકયો હતો.

“ મેં એને માર્યો ન હોત તો અત્યારે હું જિવિત બચ્યો ન હોત. “ ખભા ઉલાળીને મેં હકીકત બયાન કરી. એ બન્ને હેરતથી મને તાકી રહયા જાણે તેમને મારી ઉપર વિશ્વાસ થતો ન હોય.

“ પણ હવે શું કરવું છે..? નીચે શું ચાલે છે એ જાણવું તો પડશે ને...? આમ જ અહી બેસી રહેવાનો કોઇ મતલબ નથી. “

“ હું જાઉં છું નીચે.. “ એકાએક વિનીત બોલ્યો અને અમે કંઇ કહીએ એ પહેલાં દબાતાં પગલે ઢોળાવમાં સરકયો. હું અને અનેરી ધડકતાં હદયે તેને જતો જોઇ રહયાં. સાવધાની ખાતર મેં રાઇફલ એ દીશામાં તાકી રાખી હતી.

પણ બહું જલદી તેની હાંક અમને સંભળાઇ. વિનીત અમને નીચે બોલાવી રહયો હતો. અમે સાવધાની વર્તતા નીચે તરફ ચાલ્યાં.

નીચે પહોંચતાં જ અમારી આંખો પહોળી થઇ ગઇ. ત્યાં કેટલાંય આદીવાસીઓનાં મૃત શરીરોનો ઢગલો પડયો હતો અને ક્રેસ્ટો હજુંપણ ક્યાંકથી શબ ઉઠાવી લાવીને એ ઢગલામાં નાંખતો જતો હતો. અનેરીને એકાએક પેટમાં ચૂંથારો ઉપડયો. તેની આંખો એ ભયાનક દ્રશ્ય જોઇ શકી નહી. મોઢે હાથ દબાવીને પાછા પગલે દોડતી એ ઝરણાનાં કાંઠે પહોંચી... અને તેનાં પેટમાં હતું એ બધું મોઢા વાટે બહાર નિકળવા લાગ્યું. આટલું બીભત્સ્ય દ્રશ્ય તેણે ક્યારેય જોયું નહોતું.

જો કે અમારા બધાની હાલત પણ અનેરી જેવી જ હતી. ઉપરથી એક ડર સતત મનમાં ઉભરતો હતો કે ક્યાંક એ આદીવાસીઓ વળતો હુમલો ન કરે...! અને... એ ક્ષણ બહું જલદી આવી હતી.

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

TARABEN Chauhan

TARABEN Chauhan 6 months ago

👌👌👌👌👌👌👌

Nidhi Raval

Nidhi Raval 6 months ago

Hetal Modi

Hetal Modi 9 months ago