No return-2 Part-74 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૭૪

નો રીટર્ન-૨ ભાગ-૭૪

નો રીટર્ન-૨

ભાગ-૭૪

ભયંકર આશ્વર્યથી હું સાંભળી રહયો હતો. વિનીત ક્રેસ્ટોની સાથે હતો એ તાજ્જૂબીની વાત હતી. અમે ઝડપથી ક્રેસ્ટોની પાછળ ચાલ્યાં. ક્રેસ્ટો આગળ વધ્યો અને એક જગ્યાએ અમને લઇ આવ્યો. ત્યાં અંધારામાં કોઇ કણસતું હોય એવો અવાજ મારા કાને પડયો.

“ વિનીત...! “ જબરા આશ્વર્યથી હું તેની પાસે દોડી ગયો. “ શું થયું તને ? ”

“ એ ઘાયલ થયો છે. એની પાંસળીમાં તીર વાગ્યું છે. મેં તીર કાઢી તો નાંખ્યું છે પણ હવે તેને દવાખાના ભેગો કરવો પડશે. “ ક્રેસ્ટો બોલ્યો. જે સાવ અસંભવ બાબત હતી. અમે એમેઝોનનાં ગીચ જંગલોની વચાળે હતાં. અહી દવાખાનું તો શું, પ્રાથમીક સારવાર મળવાનાં પણ કોઇ ચાન્સ નહોતાં. કાર્લોસ તેની સાથે પ્રાથમીક સારવારનાં સાધનો લાવ્યો હતો પરંતુ એ માટે ફરીથી કેમ્પે જવું પડે. અને હવે જો કેમ્પ સુધી પાછા જઇએ તો આદીવાસીઓ અમારી પહોંચથી ઘણે દુર નિકળી જાય એમ હતું.

“ તું એક કામ કર, પહેલાં તો આને કોઇ વ્યવસ્થિત જગ્યાએ સૂવરાવ. પછી વિચારીએ કે શું થઇ શકશે..! “ મે ક્રેસ્ટોને કહ્યું એટલે સમય ગુમાવ્યા વગર તે કામે વળગ્યો. ટોર્ચનાં અજવાળે અમે વિનીતને એક થોડી ખૂલ્લી જગ્યામાં લઇ આવ્યાં અને જમીન સાફ કરીને તેને સૂવડાવ્યો. ભારે દર્દથી તે કરાહતો હતો. તીર કદાચ ઉંડે સુધી ખૂપી ગયું હોવું જોઇએ... મને એક ડર એ પણ હતો કે ક્યાંક એ તીર ઝહેરીલું ન હોય..! જો આદીવાસીઓએ ઝહેરીલા તીરનો ઉપયોગ કર્યો હશે તો વિનીતનું બચવું લગભગ ના-મુમકીન થઇ પડશે.

“ પણ તું અહીં કેમ કરતાં પહોચ્યોં...? “ વિનીતની પડખે બેસીને મેં તેનો ઘાવ તપાસવાની શરૂઆત કરી અને તેને પુંછયું. તેની આંખોમાંથી સતત પાણી ઉભરાતું હતું.

“ હું ક્રેસ્ટોની પાછળ દોડયો હતો. કેમ્પમાં એકાએક હો- હા મચી એટલે હું જાગી ગયો હતો. મેં જોયું તો ચારેકોર બધા ભાગી રહયાં હતાં. મને લાગ્યું કે વળી કોઇ મુસીબત ત્રાટકી છે. એવામાં ક્રેસ્ટને મેં જંગલ ભળી દોડતાં જોયો એટલે કદાચ એ તરફ કશુંક બન્યું હશે એમ વિચારીને હું પણ તેની પાછળ દોડયો. પણ એ મારી નજરોથી ઓઝલ બની ગયો હતો અને દીશા શૂન્ય બનીને હું અટવાઇ પડયો. હજું પાછો ફરવાનું વિચારતો જ હતો કે અચાનક કોઇએ મારી ઉપર તીર છોડયું. તીરથી હું ઘાયલ થઇને નીચે પડયો બરાબર એ સમયે જ ક્રેસ્ટો ત્યાં આવી પહોચ્યોં અને તમને અહી બોલાવી લાવ્યો. “ વિનીત એકધારૂં બોલતો ગયો. હવે સમજાયું કે તેની સાથે શું બન્યું હતું.

એનો મતલબ કે તેણે કેમ્પ છોડયો એ પછી કેમ્પમાં શું થયું અને અનેરીને આદીવાસી લોકો ઉઠાવી ગયાં છે એની તેને ખબર નહોતી. હવે તેને એ વાત કેમ જણાવવી એ પ્રશ્ન હતો.

મેં ક્રેસ્ટોની મદદથી તેનો ઘાવ સાફ કર્યો અને મારો રૂમાલ કાઢીને ઘાવ ઉપર દબાવ્યો. પછી રૂમાલને એમ જ રહેવા દઇ તેનાં જ શર્ટને કસકસાવીને તેની ઉપર બાંધી દીધો. એટલું કરવામાં પણ ખાસ્સો સમય વીતી ગયો. દરેક વિતતી સેકન્ડો સાથે અનેરી મારાથી વધું દૂર જઇ રહી છે એ અહેસાસ મને વિહવળ બનાવતો હતો.

“ ક્રેસ્ટો... તું વિનીતને ઉઠાવ અને કેમ્પમાં સલામત રીતે મુકી આવ. ત્યાં સુધી અમે આગળ વધીએ...” ઉભા થતાં હું બોલ્યો.

“ આગળ વધીએ મતલબ...? તમે લોકો ક્યાંક જવા નિકળ્યાં છો...? અત્યારે... આવા સમયે ક્યાં જવું છે...? “ વિનીતનાં અવાજમાં પૃચ્છાનો ભાવ હતો. “ અને... આખરે કેમ્પમાં ઘમાચકડી શેની મચી હતી..? “

“ એ બધું ફીલહાલ તારે જાણવાની જરૂર નથી. અમે પાછા ફરીએ ત્યારે વાત કરીશું...” મેં કહયું.

“ કેમ્પ ઉપર આદીવાસીઓએ હુમલો કર્યો હતો અને એ લોકો છોકરીઓને ઉઠાવી ગયાં છે. અમે એની પાછળ જ નિકળ્યાં છીએ.. “ કાર્લોસે હકીકત બયાન કરી દીધી. મને એ સહેજે ન ગમ્યું. હવે વિનીત અમારી સાથે આવવાની જીદ પકડશે એની મને ખાતરી હતી એટલે જ મેં અનેરી વાળી વાત અધ્યાહાર રાખી હતી.

“ વોટ...? “ ઉછળી પડયો વિનીત. અચાનક તે બળ કરીને બેઠો થઇ ગયો. તેનાં ચહેરા ઉપર ભયંકર આઘાતનો ભાવ છવાયો.

“ અનેરીને ઉઠાવી ગયાં એ લોકો...મતલબ...? “ તે લગભગ ચીલ્લાતા શ્વરમાં બોલી ઉઠયો.

“ મતલબ કે અનેરી આદીવાસીઓની ગિરફ્તમાં છે. અને અમે તેને છોડાવા જ જઇએ છીએ... “

“ તો હું પણ સાથે આવીશ.. “ એકાએક તે પોતાની બધી પીડાઓ ભૂલી જઇને ઉભો થઇ ગયો. મને આ વાતની જ બીક હતી.

“ પણ તારે સારવારની સખત જરૂર છે. તું કેમ્પમાં જઇને આરામ કર ત્યાં સુધી અમે એ લોકોનો પીછો પકડીએ. આમ પણ તું ઘાયલ છો એટલે વધું ચાલી નહી શકે..”

“ મારે કોઇ સારવારની જરૂર નથી. અનેરી આફતમાં હોય ત્યારે હું આરામ કરું એ કોઇ કાળે શક્ય નહી બને. “ તે લગભગ જીદ ઉપર અડી ગયો. “ મારું ભલે ગમે એ થાય, અનેરીને કંઇ થવું ન જોઇએ.. અને જો એને કશું થયું તો હું આ દુનિયાને આગ લગાવી દઇશ. “ આવેશમાં તે થરથર ધ્રૂજવા લાગ્યો હતો.

“ પરંતુ... ! “

“ મારે કંઇ જ સાંભળવું નથી. જો તમે લોકો મને નહી લઇ જાવ તો હું મારી જાતે અનેરીની પાછળ જઇશ. “ તેણે પોતાની છાતી ઉપર બાંધેલા શર્ટને કસકસાવીને ટાઇટ કર્યો અને કોઇ કંઇ કહે એ પહેલાં તો ચાલવા પણ લાગ્યો. હવે તેની વાત માનવા સીવાય અમારી પાસે બીજો કોઇ ઉકેલ નહોતો. નાં છૂટકે અમે પણ આગળ વધ્યાં.

@@@@@@@@@@@@

“ રોગન...! આ જો...! અહી તો સત્યાનાશ વેરાયેલો છે. લાગે છે કે કોઇ ભીષણ જંગ ખેલાઇ હશે. “ ક્લારા એક જગ્યાએ આવીને ઠઠકી હતી. તેની નજરો સમક્ષ એક ટૂટેલો તંબુ હતો અને ચારેકોર વિખરાયેલાં ખાનાખરાબીનું દ્રશ્ય હતું.

હકીકતમાં તો એ લોકો પેલા ટીલા સુધી આવી પહોચ્યાં હતાં જ્યાં કાર્લોસની ગેંગ ઉપર આદીવાસીઓનો સૌથી પહેલો હુમલો થયો હતો. ટીલા ઉપર જે તંબુની બહાર ડેલ્સો મરાયો હતો ત્યાં એ બન્ને ઉભા હતાં.

“ અહીનાં કોઇ જંગલી લોકોએ હુમલો કર્યો હોય એવું લાગે છે. ” રોગને ચારેકોર નજર ઘૂમાવતાં કહયું. “ મારા ખ્યાલથી એ લોકો વધું દુર નહી ગયાં હોય. આપણે ઉતાવળ કરવી પડશે. સાથોસાથ એ જંગલી માણસોથી સાવધ પણ રહેવું પડશે. “

“ ચાલ તો પછી. મારા હાથ મારા પિતાનાં કાતિલને નશ્યત કરવાં ક્યારનાં તરસી રહયાં છે. “ દાંત ભીસતાં ક્લારા બોલી અને તેઓ ટીલાથી નીચે ઉતર્યા.

@@@@@@@@@@@

અડધી કલાકમાં જ અમને આદીવાસીઓનું પગેરું મળ્યું હતુ. દૂર એક ઠેકાણે અગ્નિ પ્રજ્વલીત હતો જે ઘણે આઘેથી પણ દેખી શકાતો હતો. બીયાબાન ગીચ જંગલની વચાળે પ્રગટાવેલો અગ્નિ કોઇની પણ નજરમાં તુરંત આવી જાય. અમે ચાલવાની ઝડપ વધારી. હાં... અમે છેલ્લા કલાકેકથી રીતસરનાં ચાલી જ રહયાં હતાં, અને એનું કારણ વિનીત હતો. તે વારેઘડીએ અટકી જતો હતો. તેનાં ઘાવમાં ફરીથી લોહી વહેવું શરૂ થયું હતું. અસહ્ય દર્દ થતું હોવાં છતાં એ અટકવા તૈયાર નહોતો એટલે ન છૂટકે અમારે પણ ધીમું ચાલવું પડતું હતું. પણ ખેર... આખરે અમે એ આદીવાસીઓને આંબી લીધા હતા. ભારે ચૂપકીદીથી અમે સળગતાં અગ્નિની નજીક પહોચ્યાં અને એક ઝાડ પાછળ સંતાઇને ઉભા રહયાં. અમારું અનુમાન સાચું ઠર્યું હતું.

આદીવાસીઓનું નાનકડું ટોળુ અગ્નિની આસપાસ સૂતું હતું. એ લોકોએ કદાચ અહી વિશ્વામ કરવા પડાવ નાંખ્યો હતો. પણ મને એ બધું જોવામાં બીલકુલ રસ નહોતો. મારી નજરો અનેરીને ખોજી રહી હતી. અને... એ દેખાઇ. દૂર એક ઝાડ સાથે અનેરી બંધાયેલી હતી. તેનું ધ્યાન રાખવા એક વન માનુસ ચોકસાઇથી ખડો હતો. અનેરીની હાલત જોઇને મારા હદયમાં શેરડા પડતાં હતાં. એક નાજૂક નમણી છોકરીને આ લોકોએ બેરહમીથી બાંધી રાખી હતી. તેની બાજુમાં એના બંધાયેલી હતી. બટકો જોશ અત્યારે ક્યાંય નજરે ચડતો ન હતો. અનેરીની હાલત જોઇને મારા દાંત ભીસાયાં હતાં અને દિલમાં ક્રોધનો જ્વાળામુખી ફાટયો હતો.

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

નસીબ

અંજામ

નગર

પણ વાંચજો.


Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

Kamlesh Bar

Kamlesh Bar 4 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Nidhi Raval

Nidhi Raval 6 months ago

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 years ago