No return-2 Part-75 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૭૫

નો રીટર્ન-૨ ભાગ-૭૫

નો રીટર્ન-૨

ભાગ-૭૫

મારા અંગે- અંગમાં ક્રોધ વ્યાપ્યો. મારૂં ચાલ્યું હોત તો હું અનેરી પાસે દોડી ગયો હોત, પરંતુ અત્યારે એ આત્મધાતી પગલું સાબીત થયું હોત. આદીવાસીઓનું એક ટોળું સૂતું જરૂર હતું પરંતુ બીજા કેટલાક માણસો ચોકસાઇથી પહેરો ભરી રહ્યાં હતાં. કદાચ તેમને પણ અમારો ડર લાગતો હશે કારણકે અમારી પાસે બંદૂકો હતી અને એ બંદૂકોએ ટીલા નજીક જે કહેર વર્તાવ્યો હતો એ તેઓ ભૂલ્યાં નહી હોય. એટલે ભારે ચૂપકીદી અને ચોકસાઇથી અમે સહેજ પણ અવાજ ન થાય એ રીતે આગળ વધ્યાં. સમય બહું ઝડપથી વીતી રહયો હતો. સવાર પડવામાં જ હતી એટલે અમારે ઉતાવળ પણ કરવી પડે એમ હતી કારણકે જો એકવખત સૂતેલા લોકો જાગી ગયા તો પછી એમનો મુકાબલો કરવો અઘરો થવાનો હતો. એવું થાય તો કદાચ છોકરીઓનાં જીવનું જોખમ પણ ઉદભવે. બને એટલી સાવચેતીથી છોકરીઓને છોડાવાની હતી અને પછી અહીથી ભાગવાનું હતું.

અમે ચાર વ્યક્તિઓ હતાં જ્યારે સામે જંગલી અને ખતરનાક લોકોનું આખું ટોળું હતું. ચારમાં પણ વિનીતની ગણતરી થવાની નહોતી કારણકે એ બહું ગંભીર રીતે ઘાયલ હતો. જે કરવાનું હતું એ અમારે ત્રણ જણાંએ જ કરવાનું હતું. અત્યારે ગીચ ઉગી નિકળેલા ઝાડવાઓ ખરેખર ઉપયોગી થઇ પડયાં હતાં. અમે સાવધાનીથી એ ઝાડવાઓ પાછળ સંતાતા અનેરી અને એના જ્યાં બંધાયા હતાં તેની બીલકુલ નજીક પહોંચી ગયાં. કાર્લોસ સૌથી આગળ હતો. તેની પાછળ હું અને મારી પાછળ ક્રેસ્ટો વિનીતને સહારો આપતો આગળ વધતો હતો. કાર્લોસ એકાએક એક ઝાડ પાછળ અટકયો અને હાથની સંજ્ઞા કરી અમને થોભવા જણાવ્યું. તેનાથી માત્ર બે ફલાંગ દૂર અનેરી નજરે ચડતી હતી. અનેરીની પાસે... થોડાં અંતરે એક આદીવાસી માણસ જમીનમં ખૂંપેલા એક મોટા પથ્થર ઉપર બેસીને ચારેકોર નજર નાંખતો હતો. બીજા ત્રણેક માણસો થોડે દુર નાનકડી અમથી મંડળી બનાવીને લગભગ ઝોલા ખાતી હાલતમાં જાગતાં હતાં. એમનું ધ્યાન આ તરફ નહોતું એ અમારા માટે ફાયદા કારક વાત હતી.

“ સબૂર...! “ કાર્લોસ એકાએક જ બહાર નિકળ્યો અને પથ્થર ઉપર બેસેલાં આદમીની કાનપટ્ટી ઉપર તેણે ગન ટેકવી દીધી. પેલો આદમી ધરબાઇ ગયો. તેની કોડા જેવી તગતગતી આંખોમાં ખૌફ તરી આવ્યો. આવી હાલતમાં શું કરવું જોઇએ એ તેને સમજાયું નહી એટલે આપોઆપ જ તેણે ખામોશ રહીને કાર્લોસની શરણાગતી સ્વિકારી લીધી. કાર્લોસનાં હાથમાં ચળકતી ગન જોઇને જ તેનાં તો મોતીયા મરી ગયાં હતાં. એ દરમ્યાન કાર્લોસ તેની પીઠ પાછળ પહોચ્યો હતો અને સામેથી કોઇને દેખાય નહી એમ આદીવાસીની પાછળ અધૂકડો બેસી ગયો. મને તેની એ હરકત ઉપર માન ઉપજ્યું.

“ બી ફાસ્ટ પવન...” એ સાવ ધીમા અવાજે બોલ્યો. મને સમજાયું કે એ શું કહેવા માંગે છે. હું તરત અનેરી તરફ લપકયો અને જે ઝાડનાં થડ સાથે એ બંધાયેલી હતી તેની પાછળ તરફ જઇને તેનાં કંઇક વિચીત્ર પ્રકારનાં દોરડાને છોડવા લાગ્યો. અનેરી ભારે આશ્વર્ય પામી હતી.

“ માય ગોડ પવન... તું અહીં ક્યાંથી...? “ તેનાં ગભરાયેલા અવાજમાં ભારોભાર આશ્વર્ય સમાયેલું હતું.

“ તને શું લાગ્યું... સાવ એમ જ તને છોડી દેત..! “ મારા હદયનાં ઉંડાણમાંથી એ શબ્દો નિકળ્યાં હતાં. મારા હાથ બહું ઝડપથી કામ કરી રહયાં હતાં અને ચંદ મિનીટોમાં અનેરી બંધન મુક્ત થઇ હતી. છૂટતાં વેત જ તે દોડી... અને મારી નજીક આવીને મને જોશભેર વળગી પડી. સાવ અન- અપેક્ષીત એ ઘડી હતી. તે સીધી જ આવીને મને વળગી ગઇ હતી. હું આ ક્ષણ માટે તૈયાર નહોતો એટલે મારા પગ અનેરીનાં ધક્કાથી પાછળ ધકેલાયા અને જમીનમાં ખૂંપેલા એક ઝાડનાં મૂળમાં અટવાયા હતાં. એનાથી મારું સંતુલન ખોરવાયું અને હું પીઠભેર નીચે ખાબકયો. અનેરી મારી છાતી ઉપર છવાઇ ગઇ હતી. તેની આંખોમાંથી હર્ષનાં આંસુ ઉભરાતા હતા. તેનું નાક લાલઘૂમ થઇ ગયું હતું. મને ખ્યાલ આવ્યો કે એ કેટલી ગભરાઇ ગઇ હશે અને બંધનમાંથી છૂટતાં તેણે કેવું અનુભવ્યું હશે. તેની આંખોમાંથી ટપકતા આંસુ મારી છાતી અને ગળું ભીનું કરતાં રહયાં. તેણે મારા ખભા પર તેનું માથું ઢાળ્યું હતું. અને હું....! એ ક્ષણને શબ્દોમાં વર્ણવી શકું તેમ નહોતો. મારા જીવનની સૌથી સુંદરતમ પળો હતી આ..! હવે અત્યારે જ જો આ દુનિયા ખતમ થઇ જાય તો પણ મને કોઇ ગમ રહેવાનો નહોતો. અનેરીનું એક આલીંગન મારા મોતને સુધારી ગયું હતું.

“ ઓહ પવન... “ ક્યાંય સુધી તેનાં જીગરમાંથી એ શબ્દો નિકળતાં રહ્યાં. તેનાં ગળામાંથી સતત ડૂસકા નિકળતા હતાં.

“ તમારે અહીં જ સુહાગરાત ઉજવવી છે કે શું...? “ એ કાર્લોસનો અવાજ હતો. ક્યારનો તે અમારી તરફ જોઇ રહ્યો હતો. ઘણીવાર થવા છતાંય અમે ઉભા ન થયાં ત્યારે એનો પારો આસમાને ચડયો હતો અને દાઝમાં જ તેણે હળવેકથી બૂમ પાડી હતી.

અમને તુંરત ભાન થયું કે અમે કેવી પરિસ્થિતિમાં છીએ..! અનેરી તરત ઉભી થઇ ગઇ અને વખત ગુમાવ્યાં વગર એના તરફ લપકી. તેણે એનાને છૂટી કરી. એ દરમ્યાન ક્રેસ્ટો વિનીતને લઇને અમારી નજીક આવી પહોચ્યો હતો.

“ માય ગોડ વિનીત, આ શું થયું તને...? “ અનેરી ભારે આઘાતથી બોલી અને વિનીતની નજીક પહોંચી હતી. તેની હાલત જોઇને એ ચોંકી ઉઠી હતી.

“ એ પછી ક્યારેક નિરાંતે હું કહીશ તને. પણ એ પહેલાં આપણે અહીથી નિકળવું જરૂરી છે. “ મહા મુસીબતે વીનીત બોલી શકતો હતો. તેની વાત સાચી હતી. અનેરી અને એના ને અમે છોડાવ્યા હતાં. હવે જોશને શોધવાનો હતો. જો કે મને ખબર હતી કે અનેરી જે રીતે મને વળગી હતી એ વિનીતને ચોક્કસ નહીં જ ગમ્યું હોય. પણ અત્યારે એ બધી બાબતો અગત્યની નહોતી. અમારે જલ્દીથી જોશને ગોતીને અહીથી નિકળવું જરૂરી હતું.

“ જોશ ક્યાં છે...? “ મેં અનેરીને પુછયું. “ એ કેમ દેખાતો નથી...? “

“ આ લોકો તેને ક્યાંક લઇ ગયા છે. અમને અહી બાંધ્યા અને જોશને ઉપાડી ગયા. “

“ કઇ દીશામાં લઇ ગયા એ તો ખબર હશે ને...? “

“ હાં. સામે તરફ... “ આ વખતે એના બોલી ઉઠી. વાતચીત ચાલતી હતી એ દરમ્યાન કાર્લોસ પેલા આદીવાસીને લઇને અમારી પાસે આવ્યો.

“ રાહ જોવાનો સમય નથી આપણી પાસે.. તમે લોકો અહી જ રહેજો. હું અને ક્રેસ્ટો એ તરફ જઇને જોશને શોધી આવીએ. પવન... તું છોકરીઓનું ધ્યાન રાખજે. “ અને તેઓ અંધકારમાં અંતર્ધાન થયાં.

મે પેલા આદીવાસીનાં પડખામાં મારી રાઇફલ ટેકવી દીધી. એ સાવ ગાય જેવો બની ગયો હતો. એ દરમ્યાન વિનીત એક ઝાડનાં ટેકે બેઠો અને અનેરી તેનાં માથાનાં વાળમાં હાથ પસવારવા લાગી હતી. તેને સમજાયું હતું કે વિનીત આ આદીવાસીઓનાં તીરથી જ ઘાયલ થયો છે. તેને અસહ્ય દર્દ થતું હતું તેમ છતાં એ ફક્ત તેનાં માટે જ અહી સુધી આવ્યો છે. તેને વિનીત પ્રત્યે વહાલ ઉભરાયું.

“ આઇ એમ સોરી વિનીત. મારા લીધે જ આ બધી ઉપાધી સર્જાય છે. “ તે બોલી ઉઠી. મને લાગ્યું કે એ ભાવાવેશમાં બોલી રહી છે. વિનીત ઘાયલ થયો એનાં સંદર્ભમાં તેણે કહ્યું હશે. પણ... એ શબ્દોનો અર્થ મને પછી સમજાયો હતો. અને જ્યારે સમજાયો ત્યારે...

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.

Rate & Review

Priti Patel

Priti Patel 3 months ago

BHARAT PATEL

BHARAT PATEL 4 months ago

Nidhi Raval

Nidhi Raval 6 months ago

Naresh Bhai

Naresh Bhai 2 years ago

Deepa Joshi

Deepa Joshi 2 years ago